દિલીપ ઝવેરીનાં ચૂંટેલાં કાવ્યો/નકશામાં તો શું નિશાની પણ નહીં: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
 
 
(No difference)

Latest revision as of 02:29, 7 May 2025


ઘર
૨. નકશામાં તો શું નિશાની પણ નહીં

નકશામાં તો શું નિશાની પણ નહીં
કોઈ આંકડાની એંધાણી નહીં
એને સરનામું હોય ખરું?

પણ પૂછ્યું તો દેખાડું
આ સામે પુલ છે ને જેની ઉપર દિવસભર
સડાસડ ગાડીઓ અને માલના ખટારા ભાગ્યે જાય છે
અને સૂમસામ રાતે ઊંચે થાંભલેથી દીવા એકધારું ગોત્યા કરે છે
ત્યાં મારું ઘર હતું

આ ઝળહળતી દુકાનો ને નજર થકવતા રંગ ને થેલીઓથી ન થાકતાં લોક
એલ્યુમિનિયમનો ડોળ કરતા લોઢાને સોનલરૂપલ શમણાં
ટોળાંને આપોઆપ ઊંચે ચડાવતા હેઠે ઉતારતા દાદરા
ને રેશમ અત્તર તરહ તરહના ઝાયકાથી ભરચક મહેકતા માળા
ખણખણાટ ખિલખિલાટ ખડખડાટ બડબડાટ
સાંભળ્યું ન સાંભળ્યું અને તોય મનાય નહીં એવું નાનું
આ બજાર હેઠ વેચાયલું મારું ઘર હતું

આડેધડ બાઝી અળગાં થઈ ઊગ્યાં અવળસવળ વગડાનાં ઝાડ
વળગેલી ઝાડી લીલ વેલ
સાપ સૂંઘતા નોળિયા
સંતાતી ગોકળગાય ઊછળતા મેડક ઘોરતાં રીંછ
મધપૂડા તીતીઘોડા આગિયા અણજાણ્યા ભડકા
ધસતા પડઘા લપસતા કાદવ કાળા મોઢાળી વાવ
આ જંગલ હેઠળ જાણો છો દટાયું છે મારું ઘર!
જેને સથવારે અંજવાસ ફૂલ વાયરા પતંગિયાં છબીઓ આડોશીપાડોશી
સાતતાળી રમતાં છોકરાં પણ

ઘાસ પણ ઊગે નહીં પાણી પણ સૂકે
એવા કાળા આ લાવાના ખડક
અને ઇચ બિચ મીઠાના થાંભલા
ચકરાતી રેતી જેની ચાર કોર ફરતી રહે કંઈ ગોતતી
તે મારું ઘર ક્યારનુંય ભીતર બળી ગયું છે

દરિયાકાંઠે આઘેપાછે મોંમાં ચગળીને રગડાવી
ઊલટીસૂલટી થતી ફાટેલી કોડી
ક્યાંક ઠરીઠામ થાય
તો દેખાડું
અંદર મારું ઘર