દિલીપ ઝવેરીનાં ચૂંટેલાં કાવ્યો/અડધુંપડધું: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
 
 
(No difference)

Latest revision as of 02:31, 7 May 2025

અડધુંપડધું

કવિતા ન સૂઝે તો ય
ઊધઈ જેવો
કોરા કાગળ પર કતારબંધ અક્ષર કોતરું છું
સાચોસાચ તો એના ધોળા ઓઢણને મેલું કરું છું
શું કામે
તો કે એની બગલના નાખોરીના સાથળ વચ્ચેના
મોવાળા જોવાને
કે પછી મોઢાના ડૂંટીના કે કૂલે ઢાંકેલા કાણામાં ગરી જવા

કવિનો અવતાર ભૂંડો છે
કથીરને સોનાની જેમ ઝબકાવે
કે માટીમાંથી સોનું સરજે કે સોનાની માટી કરે અને દેખનારાં દંગ
તયેં માટીને માટીની સોતે
કાળીકૂબડીકઠણઢેફાળીપોચીદડબાળીચીકણીકાદવિયાળ
એમની એમ રાખે
અને આનાકાની કરતા તમે પોગો
અને કળણમાં લપસી જાવ એની પહેલાં
પટ દઈને માટીમાંથી ઝાડપાનફૂલપતંગિયાંજંગલ ઉગાડી
તમને ભુલભુલામણીમાં ભટકાવે
નામ ગામ દિવસ રાત વરસ વિનાના
અને ખુદ આઘે બેઠો બેઠો ઉપરણાથી ચાંદની ઢોળવે

કવિનો અવતાર છળનો છે
એકાદો ઓળખીતો રેઢિયાળ શબ્દ લે
જાણે કે માટલાની પડખેના પિત્તળના લોટા જેવો
ગોબલો રણકતો કે બોદો સુંવાળો
દોરી બાંધી શીકે લટકાવે
ફાનસની જેમ
હેઠળ જળથળ થથરે
પગ ક્યાં મેલશો
પછી આંધળાનેય અજવાળાં થાય એમ
પિત્તળને હીરાની જેમ ચળકાવે

એટલે જ
વેરાયેલા હીરા ગોતતી ઊધઈ જેવો હું
આ કાગળમાં