દિલીપ ઝવેરીનાં ચૂંટેલાં કાવ્યો/ઘોડે ચડીને

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ઘોડે ચડીને

બાપા કેતા
‘આ જીવવું એટલે મા પૈણાવવાનું કામ છે’
વઘાર દેતાં ચૂલાના ધુમાડે રાતી આંખે
અંદરથી બા બરાડતી
‘છોકરાને આવું ભૂંડું શું શીખવાડો છો?’
બાપા હાજરજવાબી
‘આ તો મારી મા મરી ગઈ એની વાત કરું છું.’

દાદી તો સાંભરે નહીં
પણ બાપનું સાચ ભુલાય નહીં
શું કામ મળ્યો આ મનખાવતાર?
માંય હો કે બારા
આ બારણાં સદાયનાં ભીડેલાં
તોય ટાઢ તડકા વાછંટ ભૂખ
ભોગવવાનાં એટલે ભોગવવાનાં
પાણા આકાશને ખમે તેમ

ભીતર ભરાઈને ફૂલ તારાનાં સપનાં જોવાનાં
દાડિયું રળવા ભટકતાં
રાંધણિયા-પાણિયારાનાં

પહેરેલા લીરા ગંધાય અને કઠે
ને માંડ ક્યારેક નાગા થતાં સૌની ભેળો પાઇપનો આ ટુકડોય લટકી જાય
જીભ ઓચરવું કે ચાટવું એની મૂંઝવણમાં ચોંટી જાય તાળવે
કાન જાણે નહીં કે દુનિયા મૂંગી થઈ છે કે પડદા પથરાના
નાક હવાને હલાવતાંય રૂંધાય અને વારેઘડીએ મોઢું ખોલાવે
આંખ પૂરી પાવરધી ઠેકઠેકાણે અંધારાં ગોતી કાઢે

આમ બધું બરોબર ચાલ્યા કરતું હોય
ત્યાં સીમાડેથી ડબળક ડબલખ ડબઢબ ધબધબ
કાઠના કાબરચીતરા ઘોડે ચડી
વાંકો સાફો બાંધી
થીગડાંવાળી મ્યાન સોતી તલવાર ઉગામી
કોક અધવાટે લાત મારીને ગબડાવે
ને લડખડતા પલાણને પડતું રોકી
કાથાચૂને રાતી જીભે
તંબાકુગંધી લાળ ઉડાડતા ખરખર ઘાંટે પૂછે
‘ક્યાં છે તારી મા?
જા, જઈને કયે એને આ તારો બાપ પૈણવા આયવો છે’

ત્યારે જાણ થાય
કે
મા તો કયુંની મરી ગઈ
પણ જીવતર હજી એમનું એમ છે