ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૫મું/રમણલાલ નરહરિલાલ વકીલ: Difference between revisions
(+1) |
(No difference)
|
Revision as of 01:30, 13 May 2025
એઓ જ્ઞાતિએ દશા મોઢ વણિક અને મૂળ ભરૂચના વતની છે. એમના પિતા સ્વ. નરહરિલાલ ત્ર્યંબકલાલ દેશભક્ત, ‘સાહિત્ય રત્ન’ના મૂળ સંપાદક તરીકે સારી રીતે જાણીતા છે. એમના માતુશ્રીનું નામ કપિલાબ્હેન છે. એમનો જન્મ ભરૂચમાં તા. ૧૧ મી ડિસેમ્બર સન ૧૯૦૮ ના રોજ થયો હતો. એમનું લગ્ન સન ૧૯૩૧ના જુન માસમાં કુ. પુષ્પા છોટાલાલ પારેખ, બી. એ. સાથે થયું હતું. એ બ્હેન પણ સંસ્કારી લેખિકા છે; અને માસિકોમાં અવારનવાર લેખો, કાવ્યો વગેરે લખે છે. પ્રાથમિક શિક્ષણ એમણે ગોધરામાં લીધું હતું. પછી એમના પિતાની બદલી થવાથી માધ્યમિક શિક્ષણની શરૂઆત નડિયાદમાં કરી હતી. પિતાના મૃત્યુ (૧૯૨૧) પછી નાસિક, ભરૂચમાં માધ્યમિક કેળવણી લીધી હતી. મેટ્રીકની પરીક્ષા એમણે ભરૂચ હાઇસ્કુલમાંથી ઊંચે નંબરે પાસ કરી હતી. અંગ્રેજી, ગુજરાતી એ ઐચ્છિક વિષય લઈને તેમણે સન ૧૯૩૧ માં બી. એ. ની પરીક્ષા ઓનર્સ સાથે વિલ્સન કૉલેજમાંથી પસાર કરી હતી. બે વર્ષ એજ કૉલેજમાં ફેલો રહ્યા હતા. તે દરમિયાન એમ. એ. નો અભ્યાસ કરી સન ૧૯૩૩માં તે પરીક્ષામાં ગુજરાતીમાં પ્રથમ નંબર મેળવી ઉત્તીર્ણ થયા હતા. તેઓ હમણાં વિલ્સન કૉલેજમાં ઈંગ્રેજીના લેકચરર છે. એમના પ્રિય વિષયો–સાહિત્ય, શિક્ષણ અને લલિતકળા છે. સાહિત્યના સંસ્કાર પિતા પાસે પ્રાપ્ત કર્યા હતા, તેમાં સંસ્કારી પત્ની મળી આવતા, તેમાં વિશેષ વિકાસ થવા પામ્યો છે. ‘ઉરતન્ત્ર અને નાટ્યકળા’ એ પુસ્તક રચીને એમણે સારી નામના મેળવી હતી. તેમાંનો નાટક વિષેનો વિસ્તૃત નિબંધ એ વિષયના એમના ઝીણા અભ્યાસના સાક્ષી રૂપ છે. ચાલુ વર્ષમાં એમણે “મુકુર” નામનું એક મ્હોટું માસિક કાઢ્યું હતું પણ ચાર અંકો નિકળ્યા બાદ તે કૌમુદી સાથે જોડાઈ જતાં હાલ કૌમુદીના સહતન્ત્રી તરીકે તેઓ કાર્ય કરે છે.
: : એમની કૃતિઓ : :
| નં. | પુસ્તકનું નામ. | પ્રકાશન વર્ષ. |
| ૧. | ઉરતન્ત્ર અને નાટ્યકળા | સન ૧૯૩૨ |
| ૨. પ્રણય કાવ્યો | ”” |