ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૫મું/આચાર્ય વિજેન્દ્ર સૂરિ

આચાર્ય વિજયેન્દ્રસૂરી

તેમનો જન્મ ક્ષત્રીય જાતિના વિશાળ કુટુંબમાં સન ૧૮૮૦ માં સનખતરા (જી. શ્યાલકોટ–પંજાબ) માં થયો છે. તેમનું ગૃહસ્થાવસ્થાનું નામ શ્રી બુદ્ધામલજી હતું. પિતાનું નામ લાલા ગોપાલદાસ અને માતાનું નામ શ્રીમતી કૃપાદેવી હતું. વર્નાક્યુલર મિડલ સુધી પોતાના ગામમાં અભ્યાસ કરી અંગ્રેજી ભણવા માટે તેઓ શ્યાલકોટ ગયા. ત્યાં સાધુઓના સહચારને કારણે સન્યાસ-દીક્ષા લેવાની આંતરપ્રેરણા ઉઠી. ૧૮૯૫ માં તેઓ ઘેરથી ચુપચાપ નિકળી ગયા. અને પ્રેમ વિજયજી મહારાજ પાસે દીલ્હી આવ્યા. ત્યાંથી વિજયધર્મસૂરિ પાસે આવી દીક્ષા લીધી. ગુરૂ સાથે ગુજરાતથી બનારસ આવ્યા. તેમના ગુરૂએ ત્યાં પાઠશાળા સ્થાપી અને તેમને પોતાને હિંદના સાહિત્યનો યૂરોપમાં પ્રચાર કરાવાની તમન્ના જાગી. તેને માટે એક “સંસ્કૃત-પ્રાકૃત સિરિઝ” શરૂ કરી; જે ‘યશોવિજય ગ્રંથમાળા’ને નામે હાલ ભાવનગરમાં નિરંતરપણે ચાલે છે અને અનેક પુસ્તકો તેમાંથી પ્રકટ થયા છે. બનારસ ગયા પછીથી તેમનું આખું જીવન સાહિત્યના પ્રચારક અને સાહિત્યના રસિયા તરીકે જ વીત્યું છે. જીવનનો મોટો ભાગ પાશ્ચાત્ય લોકોને સાહિત્ય પૂરૂં પાડવામાં ગાળ્યો છે. સેંકડો વર્ષોથી અણ સ્પર્શ્યા રહેલા ગ્રંથો સમ્મતિ તર્ક, હૈમ કેશ, અવતારિકા આદિ પ્રૌઢ ગ્રન્થોને પ્રકાશિત કરી ઉદ્ધાર કર્યો અને છૂટે હાથે હિંદ અને યૂરોપમાં પુસ્તકોની લાણી કરી. ત્યાં આજે જૈન સાહિત્યનો જે બહોળો પ્રચાર છે તે વિજયેન્દ્રસૂરિને આભારી છે. તેમની સ્મરણશક્તિ એટલી તીવ્ર છે કે જે કાંઈ તેમના વાંચવામાં કે જોવામાં આવે છે તે સારી રીતે યાદ રાખી શકે છે અને References રેફરન્સ માટે એઓ જીવતી જાગતી Encyclopedea એનસાઈક્લોપિડિયા રૂપ છે. તેમની સંગ્રહ કરવાની શક્તિ પણ અજબ છે અને તેને બધો ઉપયોગ તેમણે પુસ્તકો અને ઐતિહાસિક વસ્તુઓ એકઠી કરવામાં કર્યો છે. તેમણે એ સંગ્રહથી ‘હેમચંદ્ર લાયબ્રેરી’ની શરૂઆત કરી, અને તે પછી ‘વિજયધર્મલક્ષ્મી જ્ઞાનમંદિર’ તરીકે પ્રસિદ્ધ થયો, જે ૧૯૨૩માં પોતાની આચાર્યપદ્વીના અરસામાં તરીકે જનતાને અર્પણ કર્યો. ઇતિહાસ એ તેમનો મુખ્ય વિષય છે અને તેમાં તેઓ પ્રમાણભૂત ગણાય છે. વિજયધર્મસૂરિના સમુદાયમાં જેટલું ઐતિહાસિક કામ થયું છે તે બધું એમને આભારી છે. ‘સૂરીશ્વર અને સમ્રાટ’માં મુનિ વિદ્યાવિજયને આમણે અમર બનાવી દીધા છે. તેની પ્રસ્તાવનામાં લખ્યું છે કે “વિજયેન્દ્રસૂરિજી ન હોત તો આ ગ્રન્થ બન્યો ન હોત, તેના યશના ભાગી સંપૂર્ણપણે તેઓ જ છે.” વિજયધર્મસૂરિના સમુદાયમાં ઇતિહાસ વિષયના જે કાંઈ છાંટા છે તે વિજયેન્દ્રસૂરિના ફુવારામાંથી ઉડેલા છે. તેમણે પોતાની આ બધી શક્તિઓ ગુરૂને નામે વાપરી. તેમણે જે કાંઈ કામ કર્યું તે બધું વિજયધર્મસૂરિને નામે કર્યું. તેમને ‘વિશ્વવિખ્યાત’ બનાવવાનું લક્ષ્ય રાખ્યું. આજે હિંદ અને યૂરોપમાં સાહિત્યકારો અને સેસાયટીઓમાં સાહિત્ય પ્રચારક તરીકેની જળહળતી કીર્તિ વિજયેન્દ્રસૂરિના ખંતભર્યા પુરૂષાર્થને આભારી છે. સન ૧૯૨૨માં તેમના ગુરૂનો સ્વર્ગવાસ થયો. ૧૯૨૩માં આગરાના સંઘે તેમને આચાર્ય પદ્વી આપી. ધર્મગુરૂના સ્વર્ગવાસ થયા પછી બીજી સંસ્થાઓને સ્થાયી બનાવવાનું કામ પણ તેમના ઉપર આવ્યું. ૧૯૩૧માં તેઓ ગુરૂના સમાધિ મંદિરમાં શિવપુરી પાછા ફર્યા. તેઓએ પ્રારંભિક કાર્ય કરીને પોતાના જ્ઞાનની ઘણાને ભેટ કરી છે. પ્રાચીન સાહિત્યનો ઉદ્ધાર કરી, બ્હોળો પ્રચાર કરી ઉજળું બનાવ્યું છે.

: : એમની કૃતિ : :

પુસ્તકનું નામ. પ્રકાશન વર્ષ.
Reminiseeness of Vijayadharmasuri ૧૯૨૩