ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૫મું/કરસનદાસ મૂળજી: Difference between revisions
No edit summary |
No edit summary |
||
| Line 62: | Line 62: | ||
૧. ઇંગ્લાંડમાં પ્રવાસ, ૨. પ્રવાસપ્રવેશક, ૩. નીતિવચન, ૪. સંસાર સુખ, ૫. કુટુંબમિત્ર, ૬. ગુજરાતી અંગ્રેજી કોષ, ૭. મહારાજ લાયબલ કેસને હેવાલ, ૮. વેદ ધર્મ, ૯. દેશાટન વિશે નિબંધ, ૧૦. નીતિ સંગ્રહ, ૧૧. નીતિ બોધક (પત્રિકા), ૧૨. રામમોહનરાય (પત્રિકા), ૧૩. સુધારો અને મહારાજ (પત્રિકા), ૧૪. અમૂલ્ય વાણ-સર ચાર્લસ બાર્ટલ ક્રીયરનું ભાષણ, ૧૫. નિબંધ માળા. આ ઉપરાંત “સત્ય પ્રકાશ”ના અધિપતિ ૧૮૫૫ થી ૧૮૬૦; રાસ્તગોફતારના અધિપતિ ૧૮૬૦ થી ૧૮૬૨; “સ્ત્રીબોધ” ના અધિપતિ ૧૮૫૯ થી ૧૮૬૧. વળી મહારાજ લાયબલ કેસ અંગ્રેજીમાં પણ તેમણે પ્રસિદ્ધ કર્યો હતો. આવી દીર્ઘ સેવા સાહિત્યની તેમની હતી. | ૧. ઇંગ્લાંડમાં પ્રવાસ, ૨. પ્રવાસપ્રવેશક, ૩. નીતિવચન, ૪. સંસાર સુખ, ૫. કુટુંબમિત્ર, ૬. ગુજરાતી અંગ્રેજી કોષ, ૭. મહારાજ લાયબલ કેસને હેવાલ, ૮. વેદ ધર્મ, ૯. દેશાટન વિશે નિબંધ, ૧૦. નીતિ સંગ્રહ, ૧૧. નીતિ બોધક (પત્રિકા), ૧૨. રામમોહનરાય (પત્રિકા), ૧૩. સુધારો અને મહારાજ (પત્રિકા), ૧૪. અમૂલ્ય વાણ-સર ચાર્લસ બાર્ટલ ક્રીયરનું ભાષણ, ૧૫. નિબંધ માળા. આ ઉપરાંત “સત્ય પ્રકાશ”ના અધિપતિ ૧૮૫૫ થી ૧૮૬૦; રાસ્તગોફતારના અધિપતિ ૧૮૬૦ થી ૧૮૬૨; “સ્ત્રીબોધ” ના અધિપતિ ૧૮૫૯ થી ૧૮૬૧. વળી મહારાજ લાયબલ કેસ અંગ્રેજીમાં પણ તેમણે પ્રસિદ્ધ કર્યો હતો. આવી દીર્ઘ સેવા સાહિત્યની તેમની હતી. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{right|'''કેશવપ્રસાદ છોટાલાલ દેસાઈ}''' | {{right|'''કેશવપ્રસાદ છોટાલાલ દેસાઈ}}''' | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
Latest revision as of 03:23, 20 May 2025
આ પ્રસિદ્ધ, નિડર અને આગ્રહી સુધારકનો જન્મ મુંબાઈમાં ઇ. સ. ૧૮૩૨ માં થયો હતો. તેઓ જ્ઞાતિએ કપોળ વાણીયા અને ધર્મે વૈષ્ણવ હતા. તેમનું મૂળ વતન મહુવા પાસે વડાળ ગામમાં હતું; પરંતુ તેમના વડવાઓ મુંબાઈ આવીને વસ્યા હતા, ફક્ત સાત વર્ષની કુમળી વયમાં તેમનાં માતા મરણ પામ્યાં અને એમના પિતાએ બીજીવાર લગ્ન કર્યું. આ બનાવથી એમને માતા અને પિતા બેઉના લાલન પાલન ગુમાવવા પડ્યાં, અને તેઓ મોસાળમાંજ ઉછર્યાં. ત્યાં તેમની સંભાળ મુખ્યત્વે તેમની માશી તથા માની કાકીએ કરી. આ કાકી પણ વિધવા હતાં અને કરસનદાસની સંભાળ ખાસ રાખતાં હતાં. તેમણે ગુજરાતીનો અભ્યાસ પૂરો કર્યા પછી એલ્ફીન્સ્ટન ઇન્સ્ટીટ્યુટમાં અંગ્રેજીનો અભ્યાસ કરવા માંડ્યો હતો. ત્યાર બાદ કૉલેજમાં દાખલ થવાનો તેમને વિચાર થયો; પરંતુ પૈસાની તાણ પડવાથી તેમણે નેકરી સાથે ભણવાનો વિચાર કર્યો. પરંતુ તેમાં સફળ થયા નહીં, તેથી છેવટે પૈસા ભરીને કૉલેજમાં દાખલ થયા. ત્યાં એક વર્ષ પછી તો સ્કૉલરશીપ મળી એટલે તેમનું કામ સરળ થઈ ગયું. આ અરસામાં એટલે ઇ. સ. ૧૮૫૨માં મુંબાઈના વાતાવરણમાં સારી જાગૃતિ જોવામાં આવતી હતી. શરૂઆતની અંગ્રેજી કેળવણીનાં શુભ પરિણામ સર્વત્ર નજરે પડતાં હતાં. તે વખતના અંગ્રેજ વિદ્યાગુરુઓ પાઠશાળામાં શિક્ષણ આપવા ઉપરાંત જ્ઞાન વધારવા માટે વિદ્યાર્થીઓને વાંચન સભાઓ અને ચર્ચા સમાજો સ્થાપવા ઉશ્કેરતા હતા, તેમજ વિદ્યા પ્રસારનું વ્યવહારૂં કાર્ય કરવાનું ઉત્તેજન પણ યુવકોને આપતા હતા. આવી એક સભાની એક શાખાનું નામ ‘ગુજરાતી જ્ઞાન પ્રસારક મંડળી’ હતું. આમાં સમાજમાં ચાલતા કુરિવાજો ઉપર ભાષણો પણ થતાં હતાં, અને તેમાં દાદાભાઈ નવરોજી, ડૉ. ભાઉ દાજી વગેરે વિદ્વાનો ઘણો આગળ પડતો ભાગ લેતા હતા. કરસનદાસ આ મંડળીથી ઘણાજ આકર્ષાયા હતા, અને તેના કાર્યમાં તેઓ રસભર્યો ભાગ લેતા હતા. આ ‘જ્ઞાન પ્રસારક મંડળી’માં ગુજરાતી તેમજ દક્ષણી હિંદુઓ તથા મોટે ભાગે પારસી યુવકો ભાગ લેતા હતા. એટલે તેના કામથી ઉત્સાહી ગુર્જર યુવકોને સંતોષ થયો નહિ. તેથી તેમણે “બુદ્ધિવર્ધક સભા” ખાસ જુદી સ્થાપી. કરસનદાસ આ બન્ને સભાઓમાં ભાગ લેતા હતા. “બુદ્ધિવર્ધક સભા”માં વખતો વખત સુધારાના કોઇ કોઇ વિષયો ઉપર નિબંધો વંચાતા હતા, અને તે પ્રસંગે સભાસદો ઉપરાંત બહારના ગૃહસ્થોને પણ આમંત્રણ આપવામાં આવતાં હતાં. ૨૨ મી ઓગષ્ટ ૧૮૫૨ ને દિવસે કરસનદાસે આ સભા સમક્ષ “દેશાટન” વિષે નિબંધ વાંચ્યો હતો. આ નિબંધ “બુદ્ધિવર્ધક સભા”ના અંક બીજામાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. કરસનદાસનું આ પ્રથમ જાહેર કાર્ય હતું. આ ભાષણ, તેમાંની દલીલો માટે તથા વાંચવાની છટા માટે પણ, તે સમયે વખણાયું હતું. આ ભાષણમાં બે દૃષ્ટિબિંદુથી ચર્ચા કરવામાં આવી હતી. એક તો આર્થિક દૃષ્ટિયે પરદેશગમન બહુ જ અગત્યનું છે અને તે માટે યુવકોને ઉત્સાહિત કર્યા હતા. અને બીજું દેશાટન કરવામાં શાસ્ત્રનો વાંધો નથી તેથી જ્ઞાતિઓ તરફથી દેશાટણ કરનારને પજવણી થવી જોઈએ નહિ. આ સમયમાં ‘જ્ઞાન પ્રસારક મંડળી’ના સભાસદોનું ધ્યાન હિંદુઓની બાળવિધવાનાં દુઃખો તરફ દોરાયું. સુરતમાં દુર્ગારામ મહેતાજી તેમનાં દુઃખ દૂર કરવા તનતોડ મહેનત કરતા હતા. મુંબાઈમાં પણ કોઈ દયાળુ પારસી ગૃહસ્થે તે સંબંધી કોઇ ઉત્તમ નિબંધ લખે તેને રૂ. ૧૫૦ નું ઇનામ આપવા બતાવી. ‘જ્ઞાનપ્રસારક મંડળી’ના મંત્રીએ તે માટે જાહેરાત કાઢી. અને કરસનદાસે તે નિબંધ લખવા તૈયારી કરવા માંડી. આ અરસામાંજ કરસનદાસનાં જુવાન કાકી વિધવા થયાં હતાં. તેથી ચુડીકર્મ અને કેશવપનની દુષ્ટ ક્રિયા સમયે જે ત્રાસ થાય છે તે તેમના જોવામાં પ્રત્યક્ષ આવ્યો, અને તેમણે લખવા માંડેલા નિબંધમાં તેનું વર્ણન તાદૃશ આપવામાં આવ્યું હતું. આ નિબંધમાં વિધવાઓના ફરી લગ્ન કરવાની તરફેણમાં તેમણે મત જાહેર કર્યો હતો. આ લેખ કરસનદાસની કાકીના ઘરમાં એક માણસ રહેતો હતો તેના જોવામાં આવ્યો, એ માણસ સારો નહોતો અને એમના મર્હૂમ કાકાને તેણે કુલક્ષણે ચઢાવ્યા હતા. તે સદાચરણી કરસનદાસથી ઘણોજ ડરતો હતો. તેથી કરસનદાસ સામે તેમના કાકીને ચઢાવી મુકવાને આ લાગ તેણે જોયો. તેણે નિબંધ ચોરીને તેમની કાકીને વંચાવ્યો, અને કહ્યું કે આ તો તમારા ઉપર જ લખાયો છે. આ ઉપરથી કરસનદાસને તેમની કાકીયે ઘરમાંથી કાઢી મૂક્યા, અને તેમના નિબંધનો નાશ કર્યો. આ રીતે આશ્રય જવાથી કરસનદાસને ઘણીજ તંગી પડવા લાગી. સ્કૉલરશીપની મદદથી થોડો સમયતો અભ્યાસ ચાલુ રહ્યો, પણ એકંદર પરિણામ એ આવ્યું કે તેમને કૉલેજ છોડવાની જરૂર પડી. શેઠ ગોકળદાસ તેજપાળ એક વિદ્યાવિલાસી નર હતા. સુધારાનાં કાર્યો તરફ તેમને પક્ષપાત હતો. તેમણે માંડવી ઉપર રહેતા માણસોના ઉપયોગ માટે એક ધર્માદા નિશાળ સ્થાપી, તેના મુખ્ય ગુરૂનું કામ કરસનદાસને સોંપ્યું. આ રીતે શિક્ષકના ઉત્તમ ધંધામાં તેઓ જોડાયા. તેમણે પિતાનું કાર્ય ઉત્તમતાથી બજાવી હાથ નીચેના શિક્ષકોમાં ઘણો જ ઉત્સાહ પ્રેર્યો, અને ટુંક વખતમાં જ તેમની નિશાળ વખણાઇ. પરંતુ એકલા નિશાળના કાર્યથી કરસનદાસને સંતોષ થાય તેમ નહોતું. તેમણે ‘બુદ્ધિપૂર્વક સભા’નો ઉદ્યમ વધારી મૂક્યો. તેમા ફક્ત ભાષણો જ કરાવવાથી તેમણે સંતોષ ન માન્યો, પરંતુ તેની મારફતે શિક્ષણનાં વ્યવહારૂ કાર્યો પણ કરાવ્યાં. સમાજ સુધારાનો આધાર સ્ત્રી-શિક્ષણ ઉપર છે એ સૂત્ર, આ ઉત્સાહી યુવક મંડળ સમઝ્યું હતું અને તેથી સભા તરફથી બે કન્યાશાળાઓ સ્થાપવામાં આવી. આમાં સભાસદોએ મફત કામ કરવાનું ઉપાડ્યું અને ધનવાનોએ બીજું ખર્ચ આપવાનું કબૂલ્યું. આમાંની કોટની કન્યાશાળાનું બધું ખર્ચ ધીમે ધીમે શેઠ મંગળદાસ નથુભાઇએ માથે લીધું અને તેની સર્વ દેખરેખનું કામ કરસનદાસે ઉપાડી લીધું. આ ઉપરાંત સુધારાની તરફેણમાં લોકમત જાગ્રત કરવા માટે કરસનદાસને એક અઠવાડિક પત્રની જરૂર જણાઇ. “રાશ્ત-ગોફતાર” નામે એક અઠવાડિક પત્ર પારસીઓ કાઢતા હતા અને તેમાં કરસનદાસ હિંદુ સુધારાઓ વિષે લેખો પણ લખતા હતા. પરંતુ હિંદુઓના પ્રશ્નો એટલા બધા હતા કે જુદા પત્ર વિના બધા બરોબર ચર્ચી શકાય નહિ. તેથી ૧૮૫૫ ની સાલમાં કરસનદાસે “સત્ય પ્રકાશ” નામે અઠવાડિક પત્ર પ્રસિદ્ધ કર્યું. તેમાં બહુજ હીંમતથી તીખી ભાષામાં તેઓએ જુની નુકશાનકારક રૂઢીયો સામે લેખ લખવા માંડ્યા. વળી તે સમયમાં ‘બુદ્ધિવર્ધક સભા’ યે પણ નિયમિત માસિક શરૂ કર્યું. આ રીતે લોકજાગૃતિનાં આ બે ઉપયોગી સાધનો અસ્તિત્વમાં આવ્યાં. ‘સત્ય પ્રકાશ’માં સર્વ મહેનત કરશનદાસ કરતા હતા અને પૈસાની મદદ સર મંગળદાસ નથુભાઈ વગેરે આપતા હતા. આ રીતે ધન અને બુદ્ધિ, લક્ષ્મી અને સરસ્વતીનો સુયોગ થઈ સુંદર સેવા થતી હતી. પરંતુ આ સમયમાં સર ટી. સી. સોપ કરસનદાસના કેલવણી સંબંધી કામથી સંતુષ્ટ થયા અને ડીસાની અંગ્રેજી નિશાળના માસ્તરની જગાયે તેમને નિમ્યા. કરસનદાસ ડીસા ગયા ત્યારે “સત્યપ્રકાશ” મહીપતરામ રૂપરામ નીલકંઠને સોંપ્યું. છ મહિનામાં મહિપતરામ પણ મુંબાઇ છોડી ગયા એટલે ઝવેરીલાલ ઉમિયાશંકર યાજ્ઞિકના હાથમાં તે આવ્યું. પરંતુ એટલામાં તો કરસનદાસ પાછા મુંબાઈ આવ્યા અને તેમણે ‘સત્ય પ્રકાશ’ પોતાના હાથમાં લીધું. ડીસામાં કરસનદાસ ફક્ત દસ મહિનાજ રહ્યા હતા. ત્યાં તેમની તબિયત બગડી અને ગોરા દાક્તરે માંસ ખાવાનું કહ્યું. પરંતુ પ્રાણ જાય તો પણ અભક્ષ્ય ભોજન હું નહિ કરૂં એમ તેમણે કહ્યું. મુંબાઇ દવા કરાવવા માટે તેમણે રજા માગી; પરંતુ તે ગોરા દાક્તરે સર્ટીફિકેટ આપવા ના પાડી. કરસનદાસ રાજીનામું આપી મુંબાઇ ચાલી ગયા, અને ત્યાં જઇ પોતાને પ્રિય ઉદ્યમો આદર્યા. કરસનદાસ સુધારાના હિમાયતી હતા; પરંતુ ઘણું જ ધર્મિષ્ઠ હતા તે આ ઉપરથી જણાઇ આવે છે. એઓ ધર્માંધ નહોતા, પણ ધર્મવિહિન તો નહોતા જ. એક નાનો બનાવ આ વખતે બન્યો તેથી પણ કરસનદાસ સિદ્ધાંતને વળગી રહેનારા હતા તે જોઈ શકાય છે. ૧૮૫૭ની સાલમાં કરસનદાસે ત્રીજીવારનાં લગ્ન કર્યાં. એમની પ્રથમ બન્ને પત્નીઓ ગુજરી ગઈ હતી. આ વખતે તેમણે જરીનો જામો પહેરી ઘોડે બેસવાની ના પાડી. સાસરિયાએ ધમકી આપી કે ચાલુ રીવાજ નહિ પાળો તો વેવિશાળ તોડીશું. પરંતુ કરસનદાસ તો પોતાના વિચારમાં મક્કમ જ રહ્યા અને સાદા પહેરવેશમાં પગે ચાલતા જ ગયા. જો કે આથી ભાંજગડ થઈ; પરંતુ મિત્રો વચ્ચે પડવાથી અંતમાં સલાહ થઈ. આ વાતથી કરસનદાસની જાહેર હિંમત તથા મક્કમતા જણાઇ આવે છે. “સત્યપ્રકાશ” સમાજ સુધારાની ચર્ચા તો કરવું જ હતું. તેવામાં વળી એક નવી બાબત ઉપર લખવાનો પ્રસંગ આવ્યો. ગોસાંઇજી મહારાજો તથા બ્રાહ્મણો વચ્ચે ઝગડા થયા. વૈશ્નવ મંદિરોમાં છપ્પનભોગ થતા હતા તેમાં મહારાજોને સારો તડાકો પડતો હતો. બ્રાહ્મણો પણ તેથી લોભાયા અને તેમણે પણ ભૂલેશ્વર શિવમંદિરમાં છપ્પનભોગ કર્યો. મહારાજોએ જાણ્યું કે બ્રાહ્મણો આમ કરશે તો આપણું આકર્ષણ ઓછું થઈ જશે. તેથી તેમણે બ્રાહ્મણો ઉપર હુમલો કર્યો, અને કહ્યું કે જે બ્રાહ્મણોએ શિવપ્રસાદ લીધો તેતો ભરડા થઇ ગયા. આ સાથે વૈશ્નવોને આજ્ઞા કરી કે એ બ્રાહ્મણો હવે ગોરપદે રહી શકે નહિ. ગોરપદું જાય તો બ્રાહ્મણની આવક જાય. આમ હોવાથી બંને પક્ષે જાહેરમાં લખાણ કરવા માંડ્યું. આ તકનો લાભ સુધારક વૈશ્નવોએ લીધો. અને શેઠ લક્ષ્મીદાસ ખીમજી વગેરે વૈશ્નવોએ મંદિરોમાં અમુક સુધારા થાય તો જ મહારાજને આ ઝગડામાં મદદ કરવાનું વચન આપ્યું. મહારાજોને આ વાત ગમી તો નહિ, પણ તેમની મદદની જરૂરૂ હોવાથી કબૂલ કરી. આમ છતાં એક શરત એવી કરાવી કે બધા સુધારા એક વર્ષ પછી અમલમાં આવે, અને ત્યાં સુધી બધી વાત ગુપ્ત રાખવી. સુધારકો પુરતા જોરમાં નહિ હોવાથી તેમણે આ શરત કબૂલ રાખી, પરંતુ બ્રાહ્મણોનો બહિષ્કાર કરાવવાની વાતમાં મહારાજો ફાવ્યા નહિ. એટલે તેમણે એક ગરીબ ભિખારી બ્રાહ્મણને ઉભો કરી તેની પાસે સમસ્ત બ્રાહ્મણ કોમ તરફથી માફી મંગાવી, અને પોતે માફી બક્ષી. આ સમયમાં મહારાજો ઉપર ‘સત્યપ્રકાશે’ નિડરતાથી ઘણું જ સખ્ત લખાણ લખવા માંડ્યું. “સત્યપ્રકાશ”નાં લખાણો શુદ્ધ બુદ્ધિથી, ધર્મ સુધારણા માટે લખાતાં હતાં. પરંતુ મહારાજો તો પોતાની રીતે સુધારવા જરાયે તૈયાર નહોતા. તેથી તેમણે સુધારાવાળા સામે સખ્ત લખાણ લખવાની ગોઠવણ કરી. “ચાબુક” નામે પારસી અઠવાડિક પત્ર હતું, તેના માલિકને પૈસા આપી સુધારાવાળાઓ સામે ઝુંબેસ ચલાવી. તેમની તરફેણમાં દલીલો તો હતી નહિ. એટલે તેમણે ગાળોનો આશ્રય લીધો, અને લખતાં લખતાં હદપાર ગાળો લખી. પરિણામે “ચાબુક” સામે બદનક્ષીની ફરિયાદ મંડાઈ. મહારાજોએ તેના માલિકને કજીયો લઢવાના પૈસા આપ્યા નહિ, અને આ બિચારો ભાડુતી લેખક મહાસંકટમાં આવ્યો. અંતે તે વિફર્યો અને બચાવમાં તેણે મહારાજો સામે સાક્ષી સમન કાઢ્યા. મહારાજો કોર્ટમાં જવા રાજી નહોતા. કોર્ટમાં જવું પોતાના પદને શોભે નહિ એમ તેમનું માનવું હતું. વળી કોર્ટમાં ગમે તેવા પ્રશ્ન પુછાય તો પોતાનું પોકળ ખુલ્લું પડી જાય એવો પણ તેમને ડર હત તેથી તેમણે મંદિરાનાં દ્વાર બંધ કરી દીધા અને બેલીફને પેસતાં અટકાવ્યો. દ્વાર બંધ થયાં એટલે આસ્તિક વૈશ્નવોનાં દર્શન પણ બંધ થયાં, અને દર્શન વિના અન્ન જળ ન લેવાનો નિયમ ઘણાં સ્ત્રી પુરુષોને હતો. તેથી સર્વત્ર હોહાકાર થઈ ગયો અને સુધારાવાળાને પુષ્કળ ગાળો પડવા માંડી. બધાં ભક્તજનોએ મહારાજને કાંઇક તોડ આણવા આજીજી કરવા માંડી. એટલે મહારાજોએ ભક્તો પાસે એક “ગુલામી ખત” કરાવી લીધું. આમાં વૈશ્નવોએ નીચેના કામ માથે લીધા : મહારાજો કોર્ટમાં જવાથી મુક્ત થાય તેવાં પગલા તાબડતોબ લેવાં. આ માટે રૂ. ૬૦૦૦૦) નું ફંડ કરી વિલાયત બારિસ્ટર મોકલવાનો વિચાર તેમણે કર્યો હતો. મહારાજો સામે કોઈ પણ માણસ ફરીયાદ માંડે ત્યારે વૈષ્ણવોએ સાક્ષી પૂરવા જવું નહિ. કોઇપણ હિંદુ મહારાજો સામે લખાણ કરે તો તેને તાબડતોબ તેની નાતની બહાર મૂકી દેવો. કોઈ પણ બીજા ધર્મનો માણસ મહારાજ ઉપર સમન્સ કાઢે તો તેની કોઇ પણ ઉપાયે પતાવટ કરાવી દેવી. આ ખત ઉપર મરજી કે કમરજીથી ઘણીજ સહીયો થઇ. દરેક કુટુંબમાં કોઇને કોઇ માણસ ચુસ્ત વૈશ્નવ હોય એટલે જેઓ પોતે સહી કરવા નહોતા માગતા તેઓ ઉપર મા, સ્ત્રી, કે બહેનનાં દબાણ આવ્યાં અને ભલભલા સુધારક કહેવાતા વૈશ્નવોની સહીયો પણ થઇ ગઇ. કરસનદાસની હીંમતની કસોટીનો આ સમય હતો. ગુલામીખતમાં નાતબહાર મૂકવાની જે કલમ હતી તે કરસનદાસને માટે જ હતી એમ સૌ જાણતા હતા. કરસનદાસના મદદ કરનારા અને મિત્રોએ પણ તેને તે સંબંધી ચેતવણી આપી અને થોડો સમય મહારાજો સામે ન લખવા સલાહ આપી. તે લોકો નાત બહાર રહેવા જરાયે તૈયાર નહોતા. મહારાજ પક્ષ તો ઘણોજ ઉત્સાહમાં આવી ગયો હતો. તેમને ખાત્રી હતી કે હવે ‘સત્યપ્રકાશ’ તેમની વિરુદ્ધ લખી શકશે નહિ જ. આની ખાત્રીની સાથે દરેક જણે રવિવારના ‘સત્યપ્રકાશ’ ની વાટ આતુરતાથી જોવા માંડી. કરસનદાસે બધી વાતનો વિચાર કર્યો, મિત્રોની ચેતવણી, પોતાના માથા ઉપરનો ભય તેમજ પોતાની ખરી ફરજ : આ સર્વે બાબતોનો વિચાર તેમણે પૂર્ણ ગંભિરાઇથી કર્યો. અંતે તેઓ એવા નિશ્ચય ઉપર આવ્યા કે આ પ્રસંગે નબળાઇ બતાવવાથી સુધારાના પક્ષને અતિશય નુકશાન થશે, માટે ગમે તે જોખમે પણ જે કાર્ય હાથમાં લીધું છે તે વિષે નમતું તો ના જ મૂકવું એમ તેમણે ઠરાવ્યું. બીજા રવિવારના “સત્યપ્રકાશ”માં આ ખતને તેમણે “ગુલામી ખત” નું નામ આપ્યું અને તેની દરેકે દરેક કલમ ઉપર બહુ જ સખ્ત ટીકા કરી. રૂ. ૬૦૦૦૦) ફેંકીને કોર્ટમાં ના જવાનો હક્ક મેળવવાને બદલે તેમણે કોર્ટમાં ના જવું પડે તેવા રસ્તા લેવાનું મહારાજોને સુચવ્યું. અને કહ્યું કે એ રૂપિયા વિકટોરીઆ મ્યુઝીયમમાં આપો તો લોકોને સારો લાભ થાય. વળી લખ્યું કે જેઓ નીતિને માર્ગે ચાલે અને પારકી પંચાત કરે નહિ, કોઈના દેવાદાર બને નહિ, તેમને કોર્ટમાં જવા વારે આવે જ નહિ. ત્યાર પછી જેમણે સહીઓ કરી હતી તેમની ગુલામી દશાની તેમણે પુષ્કળ મશ્કરી કરી, અને છેવટે પ્રભુપ્રાર્થના કરી કે આ ભાઈઓ મહારાજની ગુલામી કરવા કરતાં લોકસેવા તરફ દિલ લગાડી તે માટે ધનવ્યય કરે. આ રીતે કરસનદાસે બહુ નિડરતાથી પોતાની ફરજ બજાવી. તેમનું જોઈને બીજાઓએ પણ નનામી પત્રિકાઓ કાઢી મહરાજો વિરુદ્ધ અને આ ગુલામીખતની વિરુદ્ધ પુષ્કળ લખાણ કર્યું; પરંતુ નામ સાથે બહાર આવી નાત બહારનો ભય વહોરવા કોઇજ તૈયાર થયું નહિ. માત્ર કરસનદાસજ નામ સાથે બહાર આવ્યા અને તેમને નાત બહાર મૂકવાની હીંમત કોઈની ચાલી નહિ. કારણ કે તેમને ડર લાગ્યો કે કદાચ મામલો કોર્ટે જશે. આ રીતે ગુલામી ખતની એક કલમ તુટી. અને એક કલમ તુટી એટલે પછી બીજી કલમ અનુસાર જે પૈસાની ટીપ કરવાની હતી તે પણ ના થઈ. કદાચ કરસનદાસના લખાણની અસર પણ લોકોના મન ઉપર થઇ હશે. આ રીતે કરસનદાસ સિદ્ધાંતને વળગી રહ્યા, અને તે સાથે મહારાજો ઉપર તેમણે વિજય પણ મેળવ્યો. મુંબઇના મહારાજો કરસનદાસના હુમલા ખાળી શક્યા નહિ તેથી તેમની પ્રતિષ્ઠા ઘટી અને પેદાશ ઘટવાનો સંભવ પણ ઉભો થયો. મુંબાઈની આ ચળવળનો ચેપ બહારગામને પણ લાગે એવા ભયથી સુરતના મોટા મંદિરના મહારાજ જદુનાથજી ઇ. સ. ૧૮૬૦ ની અધવચમાં મુંબાઈ આવ્યા. તેમના પિતા બ્રિજરતનજીને સુરતના દુર્ગારામ મહેતાજીનો સહવાસ હતો, અને કેલવણી વગેરે કેટલીક બાબતો તરફ તેમની સહાનુભૂતિ થઈ હતી, તેથી મુંબાઈમાં એવો ખ્યાલ પ્રસર્યો કે જદુનાથજી મહારાજ સુધારા પક્ષના છે. ખરૂં જોતાં તો એ પણ મસ્ત અને અનીતિમાન હતા; પણ મુંબઈમાં તેની માહિતી નહોતી. આથી સુધારા વાળા તથા જુના મતના બધા જ તેમને મંદિરે જવા લાગ્યા. તેવામાં મંગળદાસ કન્યાશાળામાં ઇનામ આપવાનો મેલાવડો થવાનો હતો, તેનું પ્રમુખ પદ તેમને લેવા વિનંતિ થઈ તે તેમણે સ્વીકારી, અને ભરસભામાં ઇનામો વહેંચી આપ્યાં. આ ઉપરથી સુધારાવાળા ફુલાયા અને “સત્યપ્રકાશ” માં કરસનદાસે પણ તેમનાં વખાણ કર્યાં. આ દરમિયાન દુર્ગારામ મહેતાજીને લીધે સુરતમાં વિધવા પુનર્લગ્નની ચર્ચા ઘણી સખ્ત ચાલતી હતી. તેઓ એમ કહેતા હતા કે સ્મૃતિશાસ્ત્રમાં વિધવાઓને ફરી લગ્ન કરવાની છુટ આપેલી છે. મુંબાઇમાં એમ વાત ચાલી કે જદુનાથજી મહારાજ અંદરખાનેથી વિધવા પુનર્લગ્નમાં સંમત છે. મુંબાઈમાં આ બાબતની ચર્ચા કવિ નર્મદાશંકરે ઉપાડી. જદુનાથજી મહારાજે પણ કહ્યું કે શાસ્ત્રમાં રજા હોય તો વિધવા પુનર્લગ્ન ભલે કરે; પણ રજા છે કે નહિ, એ બાબત પોતાનો મત દર્શાવ્યો નહિ. મુંબાઈમાં જુના મતવાળાની સંખ્યા વધારે એટલે તેમને નાખુશ કરવાની ઇચ્છા જદુનાથજીની થાય નહિ. પરંતુ કવિ નર્મદ તો ખાઈપીને તેમની પાછળ લાગ્યા, અને આ વિષયમાં શાસ્ત્રાર્થ કરવા માટે સભા ભરવાની માગણી કરી, અને કહ્યું કે શાસ્ત્રમાં પુનર્લગ્ન કરવાની રજા છે તે હું સાબીત કરી આપીશ. જદુનાથજી મહારાજે આ નોતરૂં કબૂલ રાખ્યું અને સભા બોલાવી, કવિ નર્મદાશંકર પોતાના સોબતીઓ, કરસનદાસ મૂળજી, કરસનદાસ માધવદાસ, દાક્તર ધીરજરામ દલપરામ, મથુરાદાસ લવજી વગેરેને લઈ ને તેમજ શાસ્ત્રનાં પુસ્તકો સાથે રાખીને સભામાં ગયા. જદુનાથજી મહારાજ તો પાકા હતા. શાસ્ત્રાર્થનું જોખમ ખેડવા તેઓ નહોતા માગતા એટલે તેમણે એક તરકટ રચ્યું. કવિ નર્મદાશંકરને તેમણે પહેલોજ પ્રશ્ન પૂછ્યો કે તમે વેદશાસ્ત્રોને ઈશ્વરકૃત માનો છો કે નહિ? આ પ્રશ્નનો હેતુ સુધારવાળાઓને સામાન્ય લોકોની નજરમાં હલકા પાડી નાંખવાનો હતો. પણ ભોળા કવિ તથા ઉત્સાહી સુધારક યુવકો તે કાંઈ સમજ્યા નહિ. તેઓએ પોતાનો ખરો મત જણાવ્યો તેનો સામાન્ય લોકોએ એવો અર્થ કર્યો કે આ લોકોને તો હિંદુધર્મમાં જ શ્રદ્ધા નથી. અને આ ઉપરથી આખી સભા જ આ બાબતસર વિખરાઈ ગઈ. આ રીતે આ મહારાજે પોતાની ચાલાકી બતાવવી શરૂ કરી. પરંતુ કરસનદાસે જદુનાથજીમહારાજને ઝંપવા ના દીધા. સભામાં ઉભા થયેલા મુદ્દા તેમણે “સત્યપ્રકાશ” માં ચર્ચવા માંડ્યા અને તેના ઉત્તર જદુનાથજી મહારાજે જુદા જુદા પત્રો મારફતે આપવા માંડ્યા. મૂળ ચર્ચાનું સ્વરૂપ બદલાઈ ગયું અને “મૂળ હિંદુધર્મ અને હાલના પંથો” એ વિષે ચર્ચા ચાલી. સુધારાવાળા નાસ્તિક, પાખંડી અને ધુતારા છે, એવો જદુનાથમહારાજે હુમલો કર્યો. તેના ઉત્તરમાં સુધારાપક્ષે એમ ચર્ચા કરવા માંડી કે હિંદુધર્મ પ્રમાણે કળિયુગમાં ઉત્પન્ન થયેલા પંથો પાખંડી છે, તે પંથોના ગ્રંથો ખોટા છે, અને તેના આચાર્યો ધુતારા છે; વળી જે પંથના આચાર્યો અનીતિમાન હોય તે પંથો અનુસરવા યોગ્ય હોય જ નહિ. “સત્યપ્રકાશ” માં વૈશ્નવ ધર્મ ઉપર સખ્ત ઝપાટા આવતા હતા, અને તેના જવાબો જદુનાથજી “સ્વધર્મવર્ધક” માં આપતા હતા. ૧૮૬૦ ના સપ્ટેમ્બરની ૧૬ મી તથા ૨૯ મી તારીખના “સ્વધર્મવર્ધક” માં જદુનાથજી મહારાજે સુધારાપક્ષ ઉપર ઘણો જ સખ્ત હુમલો કર્યો. આનો ઉત્તર કરસનદાસે ૨૧ મી ઓકટોબરના “સત્યપ્રકાશ” માં તેટલી જ કડક રીતે આપ્યો. “પ્રાચીન હિંદુ ધર્મ” એ મથાળા નીચે તેમણે એવો લેખ લખ્યો કે વલ્લભસંપ્રદાય જડમૂળથી જ ઉખડી જાય. તેમાં એમ જણાવ્યું કે આખો સંપ્રદાય અનીતિમય છે અને તે અનીતિને ગોકુળનાથજીના મૂળ ગ્રંથનો ટેકો છે. આ વાત એ ગ્રંથમાંથી ઉતારા આપીને સાબિત કરી આપી હતી. ગુરૂ અને સેવકીઓનો સંબંધ અનીતિને ઉત્તેજક છે માટે તે નાબુદ કરવાની તેમણે સલાહ આપી, અને છેવટે જદુનાથજી મહારાજને તેમણે વિનંતિ કરી કે ગોકુળનાથજીનો ગ્રંથ રદબાતલ કરવો. આખું લખાણ ઝાળ લાગે તેવું હતું પણ સત્ય હતું અને સદ્બુદ્ધિથી લખાયેલું હતું. “સત્યપ્રકાશ” માં લખાયેલ સખ્ત લેખનું વેર લેવાનો નિશ્ચય જદુનાથજી મહારાજે કર્યો. સને ૧૮૬૧ ના મે માસની ૧૪ મી તારીખે તેમણે હાઇકોર્ટમાં કરસનદાસ મૂળજી સામે પોતાની આબરૂને, તે લેખથી નુકશાન કરવાનો દાવો માંડ્યો અને નુકશાની માટે રૂ. ૫૦૦૦૦) માગ્યા. આ દે “મહારાજ લાયબલ કેસ” નામે મશહુર થયો, તેજ છે. મહારાજના મનમાં તો એમજ હતું કે આ મોટી રકમના દાવા માત્રથી જ કરસનદાસ નરમ થઈ જઈ પગે પડતો આવશે. કારણ કે તેમની પાસે ધન નહોતું. વળી આ સમયે તેમની ઉંમર માત્ર ૨૮ વર્ષની જ હતી. આથી ઉલટું મહારાજ પાસે પુષ્કળ ધન હતું, અને અનુયાયીઓની સંખ્યા પણ બહુ મોટી હતી. આમ છતાં કરસનદાસે તો જાહેર કર્યું કે મેં જે લખાણ લખ્યું છે તે સત્ય જ છે, અને આ દાવાનો બચાવ હું કરીશ. આ ઉપરથી જદુનાથજી બીજી તજવીજમાં પડ્યા. કરસનદાસને કોઈ સાક્ષી મળે નહિ તેની તજવીજ તેમણે કરવા માંડી. તેમની સૂચનાથી કેટલાએક ભાટીયાના આગેવાનોએ તેમનું મહાજન એકઠું કર્યું અને તેમાં એવો ઠરાવ પસાર કરાવ્યો કે મહારાજની સામે કોઈ ભાટીયાએ સાક્ષી પૂરવી નહિ, અને જે પૂરે તેને ધારા મુજબ નાત બહાર મૂકવો. આ ઠરાવ ઉપર સહીયો લેવાનું શરૂ થયું. બહુ બહુ દબાણથી ઘણા માણસની સહીઓ તે ઉપર લેવાઈ. આ ઠરાવ અને તે ઉપર લેવાયલી સહીઓનો એક જ અર્થ થાય કે કરસનદાસને સત્ય ન્યાય મળવા દેવો નહિ. આ પ્રમાણે ન્યાયના કાર્યમાં અડચણ નાંખવી તે કાયદા પ્રમાણે એક અપરાધ છે. તેથી કરસનદાસે ભાટીયાના બે શેઠીયા અને બીજા સાત આગેવાનો એમ કરીને નવ જણા ઉપર ન્યાયમાં વિઘ્ન કરવાના ગુન્હા સારૂ ફોજદારી મુકર્દમો માંડ્યો આ મુકદ્દમો “ભાટીયા કૉન્સ્પીરસી કેસ” ને નામે પ્રસિદ્ધ છે. આ ઉપરથી બધા ભાટીયાઓ કરસનદાસ ઉપર બહુ જ છેડાઈ પડ્યા, પરંતુ તે કાંઈ ડર્યા નહિ. એક બે વખત તો તેમના ઉપર હુમલા પણ થયા હતા; પરંતુ પોલિસની મદદથી કરસનદાસ બચી શક્યા હતા. આ કેસમાં બધા જ ગુન્હેગારો તકસીરવાર ઠર્યા અને બે શેઠીયાઓનો હજાર હજાર રૂપિયા દંડ થયો તથા બીજાઓનો તેથી ઓછો દંડ થયોે. દંડની રકમમાંથી એક હજાર રૂપિયા કરસનદાસને ખર્ચ પેટે મળ્યા. આ કેસમાં કરસનદાસને કુલ ખર્ચ ચાર હજાર રૂપિયાનું થયું હતું. આ રીતે આ બાબતનો તો અંત આવ્યો; પણ મૂળ કજીયો તો હજી ઉભો જ હતો. મૂળ કજીયો આપણે જોઈ ગયા તેમ જદુનાથજીમહારાજે કરસનદાસ ઉપર બદનક્ષીની ફરિયાદ માંડીને પચાસ હજાર રૂપીયાની નુકશાની માગી હતી તે હતો. કરસનદાસે જણાવ્યું કે પોતે ગુન્હેગાર નથી અને બચાવમાં પોતાનું બચાવનામું રજુ કર્યું. આ રીતે મામલો રસ ઉપર ચઢ્યો. જદુનાથજી બીજા મહારાજો કરતાં હીંમતવાન હતા અને કોર્ટમાં હાજર રહેવાને પણ તે ડર્યા નહિ. ધામધુમથી પોતે સાક્ષી આપવા ગયા હતા. હજારો વૈશ્નવો કૉર્ટમાં તેમના દર્શન કરવા આવ્યાહતા. મહારાજ કચેરીમાં આવતાં સઘળા વૈશ્નવો ઉભા થઈ ગયા. આવા લાગવગવાળા અને પૈસે ભરપૂર માણસ સામે બાથ ભીડવા માટે કાઈ જેવીતેવી હીંમતની જરૂર નહોતી. પણ ઉત્સાહી કરસનદાસમાં સત્ય સિદ્ધાંત ખાતર લઢવાની હીંમત જોઈએ તેટલી હતી, અને તે આ ખાલી ભપકાથી ડરી જાય તેમ નહતા. કૉર્ટમાં મહારાજની આગળ બે ચોબદાર ચાલતા હતા બાજુમાં શેઠ વરજીવનદાસ માધવદાસ વગેરે મોટા વૈશ્નવ, તેની પાછળ નાના વૈશ્નવ અને તેમની પાછળ નોકરો; એમ સ્વારી કૉર્ટમાં પધારી હતી. જેને આ કેસની હકીકત વિગતવાર વાંચવી હોય તેણે ‘મહારાજ લાઇબલ કેસ’ વાંચવો. કરસનદાસે પોતાના બચાવમાં આઠ વાતો જણાવી હતી. તેમાંની મુખ્ય એ હતી કે વલ્લભાચાર્યનો પંથ આધુનિક છે અને પ્રાચીન વેદધર્મની વિરુદ્ધ છે. વળી ‘સત્યપ્રકાશ’માં મહારાજોની અનીતિ સંબંધી જે લખ્યું છે તે ખરૂં છે, અને કાયદા પ્રમાણે તે પ્રકટ થઈ શકે તેવું છે. બધા મળીને આ કેસ પાછળ ૨૪ દિવસ થયા. પુષ્કળ સાક્ષીઓ તપાસાયા અને કાયદાની પણ પુષ્કળ દલીલો થઇ. અનીતિ વૈષ્ણવ ધર્મમાં છે, અને જદુનાથજી મહારાજ પોતે અનીતિ કરે છે, એ બે બાબતો તો મહારાજની પોતાની ઉલટ તપાસ ઉપરથી જ સાબિત કરી શકાઈ. વળી દાક્તર ભાઉ દાજીની જુબાની ઉપરથી પણ મહારાજ અનીતિમાન છે, તે વાતને ટેકો મળ્યો. વલ્લભાચાર્યના ‘સિદ્ધાંત રહસ્ય’ નામે ગ્રંથ ઉપર ગોકુળનાથજીએ ટીકા કરી છે તે ઉપરથી તથા વૈષ્ણવ ભજનોમાંથી એમ સાબિત થઈ શક્યું કે તે ધર્મમાં અનીતિને પોષક તત્ત્વો છે. આ કેસમાં બે ન્યાયાધિશ હતા, અને બન્ને જણે જુદા ચુકાદા આપ્યા છે. ચુકાદા લંબાણ અને દલીલોથી ભરપુર છે. બે ન્યાયાધિશોમાં એક બાબતમાં મતભેદ થયો. મુખ્ય ન્યાયાધિશે એમ ઠરાવ્યું કે પ્રસિદ્ધ કરેલા લેખમાં મહારાજને હાનિ પહોંચે તેવી તેની નિંદા છે. બીજા ન્યાયાધિશે એમ કહ્યું કે મહારાજને હાનિ પહોંચે તેવું લખાણ હોય પણ તે લખાણ સત્ય હોય, અને તે પ્રસિદ્ધ કરવાનો કરસનદાસને હક્ક હોય તો પછી તે ગુનેહગાર ના કહેવાય. આ ન્યાયાધિશના મત પ્રમાણે કરસનદાસે આ બાબતની પૂરી તપાસ કરીને, એ વાત સાચી છે તેની ખાત્રી કરીને તેમજ અનીતિ અટકાવવાની પોતાની ફરજ માનીને, આ સંસારમાં થતા મોટા પાષ ઉપર હુમલા કર્યાં; ગુરુઓ પંથના લોકોની વહુબેટીઓની લાજ ધર્મને નામે લુંટતા હતા તે અઘોર કર્મને તેમણે જાહેર તિરસ્કાર કર્યો; એ તિરસ્કાર રોષથી, જુસ્સાથી, અને કડવાં વચનથી કરસનદાસે કર્યો, પણ તે કરવામાં તેણે કાયદાની મર્યાદા ઓળંગી નથી; માત્ર જાહેર લેખક તરિકેની પોતાની ફરજ બજાવી છે. વળી વાદી જદુનાથજી મહારાજ પોતે કરસનદાસની સાથે બીજા પત્રોદ્વારા વિવાદમાં ઉતર્યાં એટલે તેમનું નામ આગળ આવ્યું, અને અનીતિમાન ગુરુ તરીકે તેઓ જાહેર થયા તેમાં કરસનદાસની કસુર નથી. વાદીને વિષે કરસનદાસે જે લખ્યું છે તે હૂમલો નથી પણ માત્ર અંતઃકરણથી દીધેલી સાચી શિખામણ છે; એટલે તે બદનક્ષી ગણાવી જોઈયે નહિ. અંતે ચુકાદામાં એમ ઠર્યું કે કરસનદાસે મહારાજની આબરૂને હાનિ કરી નુકશાન પહોંચાડ્યું માટે પાંચ રૂપીયા નુકશાનીના આપવા. બાકીના બધા મુદ્દાઓમાં કરસનદાસની જીત થઈ અને કજીયાનું આખું ખર્ચ રૂ. ૧૧૫૦૦) તેમને મળ્યા છતાંયે બીજા રૂ. ૧૫૦૦) તેને વધારે થયા હતા. તેમજ ‘ભાટીયા કૉન્સ્પીરસી કેસ’માં પણ રૂ. ૧૦૦૦ તેમને થયા હતા; એમ રૂ. ૨૫૦૦)નું ખર્ચ તેમને શીર પડ્યું. જદુનાથજી મહારાજને તો બધા મળીને રૂ. ૫૦૦૦૦) નું ખર્ચ થયું કહેવાય છે. પરંતુ તેઓ ધનવાન હતા અને ધનવાન શિષ્યોના ગુરૂ હતા, એટલે એ ખર્ચ તેમને સાલે નહિ. આથી ઉલટું કરસનદાસને તો રૂ. ૨૫૦૦) નું ખર્ચ પણ ઘણું ભારે હતું. આ સમયે સર મંગળદાસ નથુભાઈ તથા શેઠ ગોકળદાસ તેજપાળ વગેરે સુધારક ગૃહસ્થોની તેમને મદદ ના હોત તો તેઓની સ્થિતિ કફોડી થઇ જાત. આ કેસથી તથા તે સંબંધીના “સત્ય પ્રકાશ”ના લખાણથી ધર્મમાં ચાલતા ઢોંગ લોકોમાં પ્રસિદ્ધ થયા અને અંતે તેમાં ઘણા ઘણા સુધારા થયા. હજી સુધીએ લોક બુદ્ધિનો ઉપયોગ ધર્મની બાબતમાં કરતા નથી તથા રૂઢિ અને ધર્મને સેળભેળ રાખે છે, તેમ ઘણા ઢોંગમાં માને છે, એ વાત ખરી છે; છતાંયે ‘મહારાજ લાઈબલ કેસ’ પછી કાંઇક જુદોજ યુગ શરૂ થયો. કરસનદાસ પોતે કાંઈ ધર્મ સુધારક કે ધર્મતત્ત્વવેત્તા નહોતા. એ એ તો ફક્ત સમાજસુધારક અને નીતિ પ્રેમી ગૃહસ્થ હતા. પણ જો આ સમયે મુંબાઇના ગુજરાતીઓમાં કોઈ ધર્મસુધારક કે તત્ત્વજ્ઞાની હોત, તો આ ચળવળથી વધારે લાભ થઇ, લોકદૃષ્ટિ કાયમને માટે કાંઈક જુદી દિશાયે દોરાત. કરસનદાસે આ કેસનો પુરો હેવાલ અંગ્રેજીમાં પ્રસિદ્ધ કરી દરેકે દરેક વર્તમાન પત્ર ઉપર મોકલ્યો. વળી વર્તમાન પત્રોએ પોતે પણ આ કેસ ઉપર સખ્ત ટીકાઓ કરી. કરસનદાસે ૨૧ પત્રોમાંની ટીકાઓ હેવાલને અંતે ઉતારી પણ છે. આ રીતે આથી લોકજાગૃતિ બહુ સારી થઈ. આ રીતે ૨૮ વર્ષના યુવકે આ મહાભારત કાર્ય કર્યું. કરસનદાસની જીવાઈ કાંઇ “સત્ય પ્રકાશ” માંથી નીકળે તેમ હતું નહિ. પેટને માટે તો તેઓ હજી કોટની બ્રાંચ સ્કુલમાં નોકર જ હતા. આ બ્રાંચ સ્કુલ એલ્ફીનસ્ટન ઈન્સ્ટીટ્યુટની શાખા હતી. ૧૮૫૯ માં તેમણે “નીતિવચન” નામે પુસ્તક પ્રસિદ્ધ કર્યું. તેમાં તેમણે જુદા જુદા પત્રોમાં લેખો લખ્યા હતા તેનો સંગ્રહ કર્યો હતો. તેની ભાષા સરળ અને સચોટ હતી. તેમજ તેમાંના લેખો ધર્મ તથા નીતિને પોષક હતા. આ ઉપરાંત તેમણે ગુજરાતી અંગ્રેજી કોષ પણ રચવા માંડ્યો. મહારાજ સાથેના ઝગડા સમયે તે કામ અધુરૂં રહ્યું હતું. પણ ત્યાર પછી તરતજ તે કામ પૂરૂં કરીને તે કોષ તેમણે પ્રસિદ્ધ કર્યો. (ઇ. સ. ૧૮૬૦) આ સમય પછી કરસનદાસની વૃત્તિ પરદેશ ગમન કરવાની થઇ. પરદેશ જનારાને હજી નાત તરફનો ત્રાસ હતો. વળી રા. મહીપતરામ રૂપરામ નીલકંઠ વિલાયત જઈ આવ્યા હતા. તેમને તેમની નાતે નાત બહાર મૂક્યા હતા. તેમને તો નાત જોડે ટંટો પણ નહોતો; પરંતુ મહારાજ સાથેના કજીયાને લીધે કરસનદાસના તો ઘણાયે વેરી બન્યા હતા. આમ છતાં કરસનદાસ તેથી ડરે તેમ ન હતા. શેઠ કરસનદાસ માધવદાસ તરફથી પોતે નોકરી લઇને ઈંગ્લંડ જવા નીકળ્યા (૧૩ મી માર્ચ, ૧૮૬૩). આ પ્રસંગે સેંકડો કહેવાતા સુધારકો તેમને વળાવવા બંદર ઉપર ગયા અને મોટા આનંદના ઘોષોથી વિલાયત જનારને શાબાશી આપી. કરસનદાસ વિલાયત ગયા તો ખરા પણ તેમને ફેફસાંનું દરદ હતું. સાત માસમાં ત્યાં તેમની તબિયત સુધરી, પણ દાક્તરોએ એમ જણાવ્યું કે શિયાળામાં વિલાયતમાં રહેવાથી તેમની તબિયત બગડશે, તેથી તેઓ પાછા ફર્યા. તેઓ પાછા ફર્યા તે વખતે એમને હીંમતે આપનાર વીર સુધારકોમાંના કોઈની હીંમત તેમની સાથે બેસીને ભોજન લેવાની હતી નહીં. પ્રથમ તો તેમની નાતે તેમને નાતબહાર મૂક્યા. ફક્ત એક બહાદુર મિત્ર–કરસનદાસ માધવદાસ–વચનનો સાચો રહ્યો. તે અતિ ધનવાન હોવાથી તેને નાત કાંઈ કરી શકી નહિ. તેથી મુંબાઈના મોટા વણિક મહાજનમાં હોહાટ થઈ રહ્યો. અને અંતે વીસા નાગરની આખી કોમને મહાજન બહાર મુકી. વણિક જેવી વહેપારી કોમ–જેને પરદેશ ગમનથી ચોક્કસ લાભ જ હતા–તે પણ આ લાભ ન સમજતાં પરદેશ ગમન કરનારને તથા તેના મિત્રોને પીડે, તે બતાવી આપે છે કે લોકોનાં મન રૂઢિથી કેવાં અંધ થઈ જાય છે. ૧૮૬૪માં મુંબાઈમાં શેરોનું ઘેલપણ આવ્યું. આમાં કરસનદાસ મૂળજી અને કરસનદાસ માધવદાસ બન્ને સપડાયા. કરસનદાસ મૂળજી મહા મહેનતે પોતાની આંટ આબરૂ જાળવી શક્યા. કરસનદાસ માધવદાસ પાયમાલ થયા એટલે એમની નાતવાળા જાગ્રત થયા. નાતે મહાજનમાં દાખલ થવા યાચના કરી, અને કડક શરતે મહાજને તે સ્વીકારી. આખી નાત વાલકેશ્વર બાણગંગા ઉપર જાય, સ્ત્રી પુરૂષ બાળક સૌ, પ્રાયશ્ચિત કરે, અને પુરૂષો મુછ બોડાવે તો, નાત મહાજનમાં દાખલ થઈ શકે આ સર્વ શરતો કબુલાઇ, તે પ્રમાણે પ્રાયશ્ચિત થયાં, અને નાત મહાજનમાં આવી. આ સર્વ પ્રાયશ્ચિત શેને માટે હતું? પરદેશગમન કરનાર સાથે ભોજન લેનારને નાત બહાર ના મૂકવાના ભયંકર ગુન્હા માટે!! કરસનદાસ માધવદાસ પંડે પણ પાછળથી લાચારીયે તેમ કરી નાતની જોડે પાછા મહાજનમાં દાખલ થયા. વિલાયતથી પાછા ફર્યાં પછી કરસનદાસ મૂળજી તો નાત બહાર જ હતા. તેમણે હવે જાતિભેદ સંબંધી પણ ચર્ચા કરવા માંડી હતી. ૧૮૬૫ માં તેમણે પુષ્ટિમાર્ગનો ઇતિહાસ અંગ્રેજીમાં પ્રસિદ્ધ કર્યો. તેના અંત ભાગમાં લાયબલ કેસની અગત્યની સાક્ષીઓ, તથા કેટલાએક વર્તમાન પત્રોની ટીકાઓ દાખલ કરી. આ પુસ્તક તેના પ્રકટ કરનારનું અંગ્રેજી ભાષાનું જ્ઞાન, તેની બુદ્ધિ અને તેની મહેનત બતાવી આપે છે. વળી આ વર્ષમાં ‘નીતિ વચન’ની બીજી આવૃત્તિ પણ સુધારી વધારીને બહાર પાડી. ૧૮૬૬ માં “વેદ ધર્મ અને વેદધર્મ પછીનાં ધર્મ પુસ્તકો” એ નામે નાની ૩૧ પાનાંની ચોપડી કરસનદાસે પ્રસિદ્ધ કરી. આ પુસ્તકમાં હિંદુધર્મને આર્યધર્મ એમ નામ આપવાની ભલામણ કરીને તેઓ લખે છે કે તેનું ખરૂં સ્વરૂપ વેદમાં છે. ત્યાર પછી બ્રાહ્મણોએ પોતાના સ્વાર્થની ખાતર જ અન્ય વર્ણોને વેદનાં પુસ્તકોથી અજ્ઞાન રાખ્યા છે એ વગેરે ચર્ચા કરી છે. આ ગ્રંથની ભાષા પ્રૌઢ છે. પરંતુ જે મોટા ગ્રંથથી કરસનદાસ મૂળજીની કીર્તિ વધી તે તો તેમનો “ઇંગ્લંડમાં પ્રવાસ” છે. આ પુસ્તક ૧૮૬૬માં પ્રકટ થયું. તે પુસ્તકમાં ચિત્રો મુકેલાં હોવાથી તે ઘણું આકર્ષક બન્યું હતું. આ ગ્રંથ કરસનદાસની અવલોકન શક્તિ અને લખવાની છટાના નમુના રૂપ છે. આ પુસ્તકને આશ્રય પણ સારો મળ્યો હતો. તેનું મરાઠીમાં ભાષાંતર પણ થયું છે. આ પુસ્તકમાં પરદેશગમનની જરૂરિયાત વિષે–રાજકીય, સંસારી અને વેપાર ધંધાની સ્વાધીનતા વિષે ચર્ચા કરી છે. તેમજ જે ગુણોથી અંગ્રેજ પ્રજા આગળ વધી છે, તે ગુણોનું વિવેચન પણ તેમાં સારૂં કર્યું છે. પુસ્તક એવી ખુબીથી લખ્યું છે કે વાંચનારને વિલાયત જવાનું મન થઈ જાય. ૧૮૬૭ની સાલમાં “કુટુંબ મિત્ર” નામનું પુસ્તક તેમણે પ્રસિદ્ધ કર્યું. આનંદ સાથે જ્ઞાન મળે તે હેતુથી નાની નાની વાર્તાઓ રૂપે, જુદા જુદા વિષયો ઉપર તેમણે અવારનવાર, “સત્ય પ્રકાશ” આદિ પત્રોમાં લેખો લખેલા તેનો આ સંગ્રહ છે. એમાં કુરૂઢિઓની ઘણી મશ્કરી કરી છે તથા આદર્શ ગૃહજીવનનાં ચિત્ર પણ આપ્યાં છે. આ સમયમાં પાલીતાણાનાં જૈનો મંદિરો સંબંધી ત્યાંના રાજા તથા જૈનો વચ્ચે કાંઈક મતભેદ પડ્યા અને કજીયો થયો. જૈનોએ તે સંબંધી દાદ મેળવવા વિલાયત અરજી કરવા નિશ્ચય કર્યો, અને તે કામ સારૂ અમદાવાદના નગરશેઠ પ્રેમાભાઈ હીમાભાઇ મારફતે કરસનદાસ મૂળજીને વિલાયત મોકલવાનું કર્યું. શેઠ પ્રેમાભાઇયે જૈનો તરફથી વચન આપ્યું કે તેઓ તેમની સાથે જમણ વ્યવહાર તોડશે નહિ. ૧૮૬૭ ના માર્ચ માસમાં કરસનદાસ બીજી વાર વિલાયત ગયા અને શિયાળો બેસતાં તો પાછા પણ ફર્યા. શેઠ પ્રેમાભાઇએ પોતાનું વચન પાળ્યું હતું અને પોતે તેમની જોડે ભોજન લેવામાં વાંધો લેતા ન હતા. બીજીવાર વિલાયતથી પાછા ફર્યા બાદ કરસનદાસે કાઠિયાવાડમાં નોકરી લીધી. તેનું એક કારણ એમ કહેવાય છે કે તેઓ નાતબહાર હતા તેનું દુઃખ તેમને પોતાને તો નહોતું પણ તેમનાં સ્ત્રીને તે બહુ સાલતું હતું. તેથી જો બધાં કાઠિયાવાડ હોય તો આ દુઃખ ઓછું લાગે. પાલીતાણાના કામસર તેઓ વિલાયત જતા પહેલા પોલીટીકલ એજંટને મળવા રાજકોટ ગયા હતા, અને ત્યાં એક માસ રહ્યા હતા. આ સમય દરમિયાન ત્યાંના લોકોને તેમનો સારો પરિચય થયો હતો. તે વખતે રાજકોટની “વિદ્યા ગુણ પ્રકાશક સભા”માં “કાઠિયાવાડને સુધારવાને શા શા ઉપાય કરવાની જરૂર છે” એ વિષય ઉપર તેમણે ભાષણ પણ આપ્યું હતું. આ રીતે તેમને ત્યાં થોડી ઘણી ઓળખાણ થઈ હતી. રાજકોટનો રાજા બાળવયમાં હોવાથી બધો કારભાર પોલીટીકલ એજંટના હાથમાં મૂકાયો હતો. કરસનદાસ મૂળજી ત્યાં આગળ આસિસ્ટંટ સુપરિન્ટેડંટ નિમાયા. (ડિસેંબર, ૧૮૬૭). રાજકોટનો કારભાર તેમણે બહુ સારી રીતે ચલાવ્યો હતો. પ્રથમ લાંચીયા માણસોને દૂર કર્યાં. પછી ઉપજની અંદરજ ખર્ચ થાય તેવી વ્યવસ્થા કરી. પોલિસનો બંદોબસ્ત કર્યો. રાજકોટ ગામમાં તથા પરામાં માર્કીટ બંધાવ્યાં. પુસ્તકાલય અને વાચનગૃહ સ્થાપ્યાં. નિશાળો માટે મકાનો બંધાવ્યાં. આ સાથે ગામની વિદ્યાવૃત્તિને પણ પોષી. વળી ‘વિદ્યાગુણ પ્રકાશક સભા’માં ભાષણો અને ચર્ચાઓ કરવા ઉપરાંત એક ચોપાનીયું કાઢવાની વ્યવસ્થા પણ કરી. ૧૮૬૯માં “પાખંડ ધર્મખંડન નાટક” તથા “સંસાર સુખ” એ બે પુસ્તકો એમણે મુંબાઈમાં છપાવી પ્રકટ કર્યો. “પાખંડ ધર્મખંડન નાટક” રેવાકાંઠે રહેનાર કોઈ દામોદર ભટ્ટે મૂળ ૧૬૯૩ માં સંસ્કૃતમાં લખ્યું હતું. એમાં વલ્લભાચાર્યના પંથની અનીતિનો ચિતાર છે. “સંસાર સુખ’ માં ‘સ્ત્રીબોધ’ માસિકમાં કરસનદાસે જે લેખો લખ્યા હતા તે સુધારી વધારીને છપાવ્યા હતા. તે ૧૮૬૦ માં પ્રથમ છપાવેલું તે ખપી જવાથી આ તેની બીજી આવૃત્તિ કાઢી. એમાં ઘરગત્તુ વાતોથી સંસારના રિવાજેનો તાદૃશ ચિતાર આપી તેમાં સુધારો કરવા તરફ લોકોનું ધ્યાન દોરવા યત્ન કર્યો હતો. ૧૮૭૦ માં કરસનદાસ લીમડીની વધારે પગારની જગા ઉપર ગયા. હોદ્દો તો ત્યાં પણ તે જ હતો. અહીં પણ તેમણે રાજ્યનો બંદોબસ્ત સારે કર્યો અને ઘણા લોકપ્રિય થયા. વળી કેલવણીને ઉત્તેજનના કાર્યો કર્યાં, નિશાળોને મદદ કરી તથા પુસ્તકાલયોને પણ મદદ આપી. લીમડીમાં આવ્યા પછી તેમણે ફક્ત એકજ પુસ્તક પ્રગટ કર્યું. જુદાં જુદાં વર્તમાનપત્રો અને ચોપાનીયામાં તેમણે જે નિબંધો લખેલા તેનો સંગ્રહ આ પુસ્તકમાં છે. ૧૮૬૦ ની સાલ સુધીનાં તેમનાં લખાણોનો આમાં સમાવેશ થયેલો છે. તેઓ લીમડીમાં હતાં તે દરમિયાન સંસારસુધારાના એક મોટા કાર્યમાં તેઓએ બહુ સારી મદદ કરી. કરસનદાસનો મૂળથી અભિપ્રાય એવો હતો કે બ્રાહ્મણ, વાણીઆ વગેરે જ્ઞાતિઓમાં વિધવાને ફરી પરણવાની મના છે તે ગેરવાજબી છે. એથી અનીતિ, ગર્ભપાત, અને બાળહત્યા થાય છે. વળી હિંદુશાસ્ત્રોમાં વિધવાપુનર્લગ્નની છુટ છે. માટે અત્યારની વિધવાલગ્નની બંધી ન્યાય, વિવેક, અને શાસ્ત્ર વિરૂદ્ધ છે. પ્રથમ તેમણે તથા તેમના મિત્રોએ એક બ્રાહ્મણ વિધવાનું પુનર્લગ્ન કરાવ્યું હતું. તેમાં પુનર્લગ્ન કરનાર મૂર્ખ નીકળવાથી તેમની હાંસી થઈ હતી; છતાં તેઓ કાંઈ નિરાશ થયા નહોતા. કપોળ વાણીયાના શેઠ અને મુંબઈના નગરશેઠના ઘરની કન્યા બાઇ ધનકોર પરણ્યા પછી થોડા વખતમાં વિધવા થઇ. મોટા વૈભવમાં ઉછરેલી આ બાળાને, તેથી ઘણું જ દુઃખ પડ્યું. અને ફરજીયાત વૈરાગ્ય પાળવાથી તેની માનસિક અને શારીરિક સ્થિતિ બહુજ ખરાબ થઈ ગઈ. તેમનાં બધાં એળખીતાંઓ આ બાઇની દયા ખાતાં હતાં; પણ દુષ્ટ રૂઢિના ત્રાસમાંથી તેને છોડવવાની કોઈની હિંમત નહોતી. તેમની આ સ્થિતિ જોઈને શેઠ માધવદાસ રૂગનાથદાસના મનમાં દયા ઉત્પન્ન થઇ. તેમની સ્ત્રી ગુજરી ગઈ હતી. એટલે તેમણે નિશ્ચય કર્યો કે ગમે તેટલું દુઃખ પડે તે સહીને પણ ધનકોર સાથે પુનર્લગ્ન કરવું. કરસનદાસની તેને પુરી હુંફ હતી. તેને મદદ કરવા કરસનદાસ ખાસ લીંમડીથી મુંબાઈ આવ્યા હતા. પ્રથમ માધવદાસે ધનકોરને સાબીત કરી આપ્યું કે પુનર્લગ્ન શાસ્ત્ર વિરુદ્ધ નથી. મહામહેનતે આ વાત તે દુઃખી બાઈના લક્ષમાં ઉતરી. ત્યાર પછી તેઓએ લગ્ન કરવાનું નક્કી કર્યું. કરસનદાસે તે માટે બધી ગોઠવણ કરી. લોક તોફાન ના કરે તેટલો બંદોબસ્ત કરી લગ્ન જાહેરમાં જ કર્યાં. આ બનાવથી મુંબઇના વાણીયામાં હાહાકાર થઈ ગયો, અને કરસનદાસને મારવાની તજવીજ પણ થઇ. પરંતુ સદ્ભાગ્યે કરસનદાસને કાંઈ જ નડતર થયું નહિ. આ જોડાને કરસનદાસે બહુ જ હિંમત અને સલાહ આપવા માટે લીંમડીથી કાગળો લખ્યા હતા. તેઓ મરણ પર્યંત તેમના સાચા મિત્ર રહ્યા હતા. તેમની ન્યાતે આ જોડાને નાત બહાર કર્યું હતું; પણ કરસનદાસની તેમને જબરી ઓથ હતી. પુનર્વિવાહના સબબથી માધવદાસે વેપારમાં નાણા સંબંધી હરકત પડવાનો સંભવ જણાયાથી કરસનદાસને તેમને રૂપિયા ચાર હજાર ધીર્યા હતા. આ રીતે આ લોકોને તેમણે તન, મન અને ધનથી પૂર્ણ મદદ કરી હતી. સંસાર સુધારાની બાબતમાં કરસનદાસનું આ છેલ્લું કાર્ય હતું. છેવટ કરસનદાસને હરસનું દરદ હતું, આ દરદ ૧૮૭૧ ના ઓગસ્ટમાં ઉપડ્યું. લીંમડીના વૈદ્યદાક્તરોનાં ઓસડ તેમણે કર્યાં; પણ કોઈ રીતે ફાયદો થયો નહિ. તેથી તેમણે રોગની હકીકત મુંબઈના દાક્તર આત્મારામ પાંડુરંગ ઉપર મેકલી અને પોતાના મિત્ર શેઠ સોરાબજી શાપુરજી બંગાળી ઉપર કાગળ લખ્યો. આ કાગળમાં લખ્યું છે કેઃ “પરમેશ્વરની ખુશી મને તેના હજુરમાં બોલાવી લેવાની હશે તો મને નક્કી છે કે તમે મારા કુટુંબને સંભાળશો. તેમની જ્ઞાતિ સંબંધી અડચણો દૂર કરવાનું કાર્ય પણ હું તમને સોંપું છું; પરમેશ્વર તમને એમાં સાહે કરશે. મારી શરીરની નબળાઇ ઉપર નજર કરીને આમ લખવું પડે છે.” આ ઉપરથી એમ લાગે છે કે કરસનદાસ ચેતી ગયા હતા કે મંદવાડ ભયંકર છે. દાકતર આત્મારામ લીંબડી જઈ શક્યા નહિ તેથી શેઠ સોરાબજીએ બીજા કાબેલ દાકતર પાંડુરંગ ગોપાળને મોકલ્યા. તેઓ લીંબડી પહોંચ્યા ત્યારે રોગ જ વધી ગયો હતો અને કાંઇ ઉપાય થઈ શકે તેમ હતું નહીં. કરસનદાસને તાત્કાળિક જરા હીંમત આવી; પણ પોતાનો અંતકાળ નજદીક છે એમ તો જાણી ગયા. તેમણે લીંબડીના પારસી દાકતર તથા કેટલાએક મિત્રોને નજદીક બોલાવી કહ્યું કે, “ભાઇ, મારા મરણની ક્રિયા મારાં સગાં જે પ્રમાણે કરવા માગે તે પ્રમાણે કરવામાં તમે વાંધો લેશો માં. મારે ગુસાંઈ મહારાજો તથા વૈષ્ણવો સાથે કાંઇ પણ વેર નથી. મેં તેમના ભલા સારૂ તથા સુધારા સારૂ મહેનત કરી. મારા સામાવળીઆને હું માફ કરૂં છું. મારા મરણ પછવાડે આ તમે જાહેર કરજો.” ત્યારબાદ બીજે દિવસે વળી તબીયત વધારે બગડી. આ ઉપરથી દાક્તર પાડુરંગને પાસે બોલાવી કહ્યું કે, “મેં મારૂં વસિયતનામું કર્યું છે, અને મારી મીલકત સંબંધી ઠરાવ કર્યાં છે. હવે હું એટલું જ ઇચ્છું છું કે મારા મિત્રોને મારી છેલ્લી સલામ કહેજો. હું ધારૂં છું કે મે મારા ઓછા જ્ઞાનવાળા દેશીભાઈઓ પ્રતિ મારી ફરજ બજાવી છે. એમ કરવામાં મે કોઇને મારા દુશ્મન કર્યાં હોય તો તેમ કરવાનો મારો હેતુ નહોતો. સારૂં અને પરોપકારી કામ કરતાં તેમ થયું એ માટે પરમેશ્વર પાસે હું જ્ઞાન અને દયા માગું છું. મારા મિત્ર અને શત્રુ બેઉને માટે હું પ્રાર્થના કરૂં છું કે તેમના ઉપર કૃપા કરે.” આ પછી બીજે દિવસે એટલે તા. ૨૮ મી ઓગસ્ટ ૧૮૭૧ ને દિવસે સવારે તેમનો પ્રાણ ગયો. આ સમયે તેમની ઉંમર ફક્ત ૩૮ વર્ષની હતી. એમના મરણની ખબર થતાં જ આખું લીમડી ગામ શોક કરવા લાગ્યું અને જાણે કોઈ પોતીકું જ માણસ મરી ગયું હોય એવી લાગણી દરેક જણને થઈ. કાઠીયાવાડના પોલીટીકલ એજંટે તથા સરકારે જણાવી એમને છેલ્લું માન આપ્યું. એમના મૃત્યુબાદ ભલા શેઠ સોરાબજી શાપુરજી બંગાળીએ એમના કુટુંબની સંભાળ લીધી અને એમના પત્નીની ઘણીજ મરજી હોવાથી એમના કુટુંબને તેમની નાતમાં લેવાની પણ ગોઠવણ કરી આપી. કરસનદાસ તો જીવતાં સુધી નાત બહાર જ હતા. જોકે રાજકોટ અને લીંબડીમાં વણિકો અને શ્રાવકો ઉઘાડી રીતે તેમની સાથે જમતા હતા, અને વરામાં પણ તેમને નોતરતા હતા. કરસનદાસના સ્મારક માટે મુંબાઇમા ટીપ પણ થઈ હતી. તેમનાં નાણાં મુંબાઇ યુનિવરસીટીને સોંપાયાં છે, અને તેમાંથી દરવર્ષે ગ્રેજ્યુએટો પાસે સુધારાને લગતા વિષય ઉપર નિબંધ લખાવી ઉત્તમ નિબંધ લખનારને “કરસનદાસ મૂળજી સ્મારક ઈનામ” આપવામાં આવે છે. પરંતુ એમનું ખરૂં સ્મારક તો એમણે કરેલાં કામ તથા લખેલાં પુસ્તકો છે. સુધારા માટે એમણે મહેનત કરી આત્મભોગ આપ્યા હતા, તેની કદર કરી તેમણે શરૂ કરેલા સુધારાઓ આપણે પુરા કરવા જોઇયે તથા તેમનાં લખેલાં પુસ્તકો ફરી પ્રસિદ્ધ કરી લોકોમાં ફેલાવવાં જેઈયે.
ઉપસંહાર
૧૮૩૨ થી ૧૮૭૧ સુધી કરસનદાસનો જીવન સમય હતો તેમાં ૧૮૫૩ થી ૧૮૭૧ એટલે ફક્ત વીસ વર્ષ તેમણે કર્તવ્ય જીવન ગાળ્યું, છતાંયે તેઓ ખંત, ઉદ્યોગ, આત્મભોગ અને સાચા દિલને લીધે કેટલું બધું કાર્ય કરી શક્યા!! વિદ્યાર્થી અવસ્થાથી જ તેઓ જાહેર પ્રશ્નો વિચારતા થયા હતા. સામાજીક દુષ્ટ રૂઢિયો પ્રત્યે તે સમયથી જ તેમને તિરસ્કાર ઉત્પન્ન થયો હતો, અને તેની સામે તેમણે લડત આરંભી હતી દેશાટન વિષેના તેમના તે સમયના નિબંધથી તે પ્રત્યે લોકરૂચી ઉત્પન્ન થઈ હતી. વળી બેલવા પ્રમાણે કરવા માટે તેઓ હંમેશા તૈયાર હતા, તે તેમનો એક ખાસ અનુકરણીય ગુણ હતો. દેશાટનના ગુણ ગાયા અને પોતે દેશાટન કર્યું. વિધવા પુનર્લગ્નનો અપ્રસિદ્ધ લેખ લખવા માટે તેઓ કુટુંબમાંથી બહિષ્કાર થયા. છતાંયે વખત આવ્યે તેઓ પુનર્લગ્ન કરનાર યુગલ સાથે ઉભા રહ્યા, અને છેવટ સુધી તે યુગલને મદદ કરી. આમ કહેવા પ્રમાણે કરવાની તૈયારી સર્વ સુધારકોમાં હોય તો જ સુધારાનું કાર્ય સુંદર રીતે આગળ વધે. કેલવણી, વર્તમાનપત્ર, પુસ્તકો, ભાષણો, અને વ્યવહારૂ દાખલા; આ એમની કાર્ય સાધવાની ઉત્તમ રીતો હતી. અદ્યાપિ પર્યંત એથી બીજી રીતો આપણે જાણતાં નથી. શરૂઆતના સુધારકોના પ્રમાણમાં અત્યારે; સુધારાનાં વિષયમાં ખંત તથા આગ્રહ ઉલટાં કમતી જેવામાં આવે છે, તે બહુ જ શોચનીય છે. જાતે દુઃખ વેઠ્યા વિના સમાજને આગળ લઈ જવો મુશ્કેલ છે. ‘મહારાજ લાયબલ કેસ’માં ફક્ત ૨૮ વર્ષની ઉંમરે આખા સમાજ સામે કરસનદાસે બંડ કરી, બહુ બહુ શત્રુઓ કર્યા; તો પણ તે ડર્યા નહિ. આવો આગ્રહ, અને સાચું દિલ હોય તો જ સફળ કાર્ય કરી શકાય. આ ઉપરાંત નીતિ અને ચારિત્ર્ય ઉત્તમ હતાં તેથી જ કરસનદાસ વિજયી નિવડ્યા. આપણા આગેવાનો ચારિત્ર્યવાન હોવા જ જોઈએ. સાહિત્ય સેવા સુધારાનાં ઉત્તમ કાર્યો કરવા ઉપરાંત, તે સમયમાં ગુજરાતી સાહિત્યની સેવા પણ કરસનદાસે જેવી તેવી કરી નથી. તેમણે રચેલાં પુસ્તકોની નીચેની યાદી ઉપરથી તેમનું તે વિષયનું કાર્ય જોઈ શકાશે. ૧. ઇંગ્લાંડમાં પ્રવાસ, ૨. પ્રવાસપ્રવેશક, ૩. નીતિવચન, ૪. સંસાર સુખ, ૫. કુટુંબમિત્ર, ૬. ગુજરાતી અંગ્રેજી કોષ, ૭. મહારાજ લાયબલ કેસને હેવાલ, ૮. વેદ ધર્મ, ૯. દેશાટન વિશે નિબંધ, ૧૦. નીતિ સંગ્રહ, ૧૧. નીતિ બોધક (પત્રિકા), ૧૨. રામમોહનરાય (પત્રિકા), ૧૩. સુધારો અને મહારાજ (પત્રિકા), ૧૪. અમૂલ્ય વાણ-સર ચાર્લસ બાર્ટલ ક્રીયરનું ભાષણ, ૧૫. નિબંધ માળા. આ ઉપરાંત “સત્ય પ્રકાશ”ના અધિપતિ ૧૮૫૫ થી ૧૮૬૦; રાસ્તગોફતારના અધિપતિ ૧૮૬૦ થી ૧૮૬૨; “સ્ત્રીબોધ” ના અધિપતિ ૧૮૫૯ થી ૧૮૬૧. વળી મહારાજ લાયબલ કેસ અંગ્રેજીમાં પણ તેમણે પ્રસિદ્ધ કર્યો હતો. આવી દીર્ઘ સેવા સાહિત્યની તેમની હતી.
કેશવપ્રસાદ છોટાલાલ દેસાઈ