લઘુ સિદ્ધાન્તવહી/પારદર્શકતાનું સૌન્દર્યશાસ્ત્ર: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
 
(No difference)

Latest revision as of 02:04, 26 August 2025

૨૧

પારદર્શકતાનું સૌન્દર્યશાસ્ત્ર

સાહિત્ય વણથંભી પ્રતિક્રિયાશીલ પ્રવૃત્તિ છે. એમાં સ્થગન અને ગતિશીલતા વચ્ચે આવતા સમતુલિત સમયગાળામાં પરિણામગામિતાની સંભાવના વિશેષ રહે છે. અન્યથા, સ્થગનનો છેડો લીલ જેવી અલ્પસર્જકતામાં કે પ્રવાહિતાનો છેડો ડહોળાણની અતિસર્જકતામાં વેડફાતો જોવાય છે. આધુનિકતાવાદનું અતિરેકમાં પરિણમેલું સંદિગ્ધતા અને દુર્બોધતાનું આક્રમણ સ્વાભાવિક છે કે એના પછીના ગાળામાં આધુનિકતાવાદને સામે છેડે રહેલી અતિપારદર્શકતા અને અતિવિશદતાને નોતરી બેસે. આ દહેશત આજની ગુજરાતી કવિતાને જોતાં સાચી પડતી લાગે છે. આજે મૂળભૂત અને પાયાની ધારણાઓ બદલાયેલી લાગે છે. પારદર્શક્તાનું સૌન્દર્યશાસ્ત્ર (asethetics of transparency) પ્રચલનમાં આવ્યું છે. તાત્કાલિક પ્રત્યાયન લક્ષ્ય બન્યું છે. રચનાને કવિતા સુધી પહોંચાડવાની નેમ કરતાં રચનાને લોકો સુધી પહોંચાડવાની નેમ બળૂકી બની છે. લોકાર્પણો, કવિસંમેલનો અને મુશાયરાઓમાં કવિતા જાહેરાતની ને બજારની વસ્તુ બની છે. લોકાર્પણો દ્વારા આંતરરાષ્ટ્રીય કવિતાપ્રવાહોને સજગ રીતે અંકે કરવાને બદલે કવિ આંતરરાષ્ટ્રીય શ્રોતાવર્ગની શોધમાં નીકળ્યો છે. કવિસંમેલનોમાં યાદ કરવાના પ્રપંચ સાથે જ્યાં-ત્યાંથી કૃતક સંદર્ભો જોડતા સંચાલનના કમઠાણમાં કૃતકતાની બૂ કવિતાના પોતાના પરિચાલનની આડશ બને છે, તો સૂઝ વગરના ગાવાના મોહમાં ગાયન અને પઠન બંનેનું હીર ગુમાવતી કવિઓની પ્રસ્તુતિમાં અંધ આત્મરતિ સિવાય કશાનો અનુભવ શેષ રહેતો નથી. મુશાયરાઓમાં રજૂ થતી અને સામયિકોમાં છપાતી થોકબંધ ગઝલો વૈયક્તિક અવાજના અભાવમાં રદીફ અને કાફિયાની સપાટી પર ચતુરાઈથી કરે રાખે છે. સીમિત સ્ત્રૈણ સંવેદનો કે આધ્યાત્મિક ચબરાકીમાં અટવાતું ગીત સહેજ પણ આગળ વધ્યા વિના પોતાની જગ્યાએ જ એનાં પૈડાં ચલાવે રાખે છે. છંદની કુશળતા વગરનું અછાંદસ કરકસર કે સંયમ ચૂકી ગયું છે, અણઘડ રીતે વિસ્તરીને ચપ્પટ લયોમાં કે કલ્પનોનાં જાળાંઓમાં વાચકને લપટે રાખે છે. ટૂંકમાં, શૈલીગત સીમિતતા અને રસરુચિની સંકુચિતતા કે એના બંધિયારપણામાં કવિતા લગભગ પૂર્વનિર્ધારિત (programmatic) બની છે. તાત્કાલિક રંજકતા પહોંચાડવાની અને વાચક પૂર્વાપેક્ષાને સંતોષવાની કામગીરીથી વિશેષ કોઈ કામગીરી દેખાતી નથી. આપણા બે મુખ્ય કહી શકાય એવા કવિ-અવાજોમાંથી એક તો શબ્દયત્નો અને મનોયત્નોથી અભિગ્રસ્ત બની ચૂક્યો છે, જ્યારે બીજો મુખ્ય અવાજ પારદર્શકતા તરફ જતાં જતાં રાજકીય બૃહદ નિર્દેશોમાં મુકાયો છે, તેમ છતાં સાહિત્યિક પ્રસ્તુતિની સમર્થતાને કારણે હજી પ્રભાવક રહ્યો છે, એ મોટું આશ્વાસન છે. કેટલાક અવાજ સૌન્દર્યશાસ્ત્રને બાજુએ રાખી પારદર્શકતા તરફ દોડયા છે અને અલૌકિક કવિકર્મને સ્થાને લૌકિક કર્મશીલતામાં અટવાયા છે. બ્રેખ્ટે કહેલો વર્ણનમૂલક વાસ્તવ અને આદેશાત્મક વિચારધારા વચ્ચેનો ભેદ ભૂલી જવાયો છે. એ સાચું છે કે કવિતાએ શૈલીની સંકુલતા અને અતિઆધુનિકતાની ઉત્કટતા તેમજ સઘનરીતિને છોડી છે અને સરલતાની સાથે સાથે સુગમતાને ઝાલી છે પણ જો એ રીતે પારદર્શક થવામાં કવિતા પારદર્શકતાના સૌન્દર્યશાસ્ત્રને જોડશે તો અપારદર્શક રીતિએ જે દાટ વાળ્યો તે રીતે પારદર્શક રીતિ પણ દાટ વાળશે. કહેવાયું છે કે વિકાસ ખતરનાક હોય છે. એક સમસ્યાનું સમાધાન બીજી સમસ્યાની મોઢામોઢ લાવીને મૂકી દે છે. ઉત્તમ કવિતા હંમેશાં માર્ગ કરે છે.