લઘુ સિદ્ધાન્તવહી/પરિવેશ આધારિત સૌન્દર્યવિચારણા
પરિવેશ આધારિત સૌન્દર્યવિચારણા
પશ્ચિમના અર્વાચીન કાળના પુનરુત્થાનયુગથી વૈજ્ઞાનિક અને તાર્કિક પદ્ધતિએ બધી વસ્તુઓ તપાસવાની ક્રિયા અગ્રેસર રહી છે. આને કારણે સર્વસામાન્ય માળખા પર કે પછી સર્વદેશીય ઢાંચા પર મૂકી વસ્તુનું ન્યૂનીકરણ કરવાનો વ્યવહાર વ્યાપક રહ્યો છે. આધુનિક કાળમાં સંરચનાવાદી જેવી પ્રવૃત્તિઓની સાથે આ વ્યવહાર વધુ ને વધુ કેન્દ્રમાં આવતો રહ્યો. સાહિત્યને પણ ઈતિહાસ, સમાજ કે સંસ્કૃતિથી કાપી ન્યૂનતમ કૃતિત્વના બિન્દુ પર ઉતારવાનો આયાસ જાણીતો છે. પરંતુ આવા મુખ્ય પ્રવાહની સામે ક્યારેક ક્યારેક તત્ત્વવિચાર કે સાહિત્યમાં ઉફરાટે જતી આછીપાતળી સેરો આવી છે એનો વિચાર રહીરહીને હવે થવા માંડ્યો છે. એ અનુઆધુનિક ભૂમિકાની ઉપલબ્ધિ છે. વીસરાયેલી સેરોને કે પછી ઉપેક્ષિત રહેલી સેરોને અનુઆધુનિકતાવાદે ધ્યાન પર લેવાનું શરૂ કર્યું છે, એમાં મૉતેરસ્ક્યૂ (Montesquieu) જેવા ફ્રેન્ચ ફિલસૂફનું પણ સ્થાન હોઈ શકે. ૧૬૮૯માં જન્મેલા મૉતેસ્ક્યૂએ એવી રીતે વાત કરી છે કે એની પૂર્વેના યુગમાં પ્રાકૃતિક વિજ્ઞાનવિદોએ જેમ ભૌતિક જગતના નિયમનના સિદ્ધાંતો આવિષ્કૃત કર્યા, તેમ માનવ - ઇતિહાસમાં પહેલીવાર માનવસમાજના વ્યવહારોનું નિયમન કરતા મૂળભૂત સિદ્ધાંતોને જાણે કે એણે આવિષ્કૃત કર્યા છે. મૉતેસ્ક્યૂ માને છે કે જેમ પ્રાણીવિદ કે વનસ્પતિવિદ જીવંત એકમોનો શરીર-રચના પ્રમાણે પદ્ધતિસરનો અભ્યાસ કરે છે અને પ્રાણીઓ તેમજ વનસ્પતિઓનાં પ્રવર્તનોને નિર્ણીત કરે છે. બરાબર એ રીતે સમાજોનો અભ્યાસ થવો ઘટે. પ્રત્યેક માનવ-સમાજ અન્ય માનવસમાજથી ભિન્ન છે. મનુષ્યોનું ઘણાં બધાં પરિબળોથી નિયમન થાય છે. સ્થળનાં હવાં, પાણી, ધર્મ, કાયદો, સરકારી તંત્રો, ભૂતકાળનાં દૃષ્ટાંતો, રીતરિવાજો, શિષ્ટાચાર - આ બધાના સંયોજનથી કોઈ ચોક્કસ પ્રકારની સામાજિક ચેતના હયાતીમાં આવે છે. સમાજ કોઈ વિષમ તત્ત્વઘટકોનો કે પછી કૃત્રિમ માળખાંઓનો શંભુમેળો નથી. એ છૂટાછૂટા માનવ એકમોનું સહેતુક સંઘટન પણ નથી. પણ વનસ્પતિજગતની જેમ એ સ્વાભાવિક વિકાસનું પરિણામ છે. એક અર્થમાં આ બધી ભૌતિક સ્થિતિઓ (physical conditions) વચ્ચે ઔચિત્ય વિચારવાનું છે. માય્સ્ત્ર જોસેફ (Maistre Joseph)ની જેમ જ કદાચ મૉતેસ્ક્યૂને કહેવાનું છે કે ‘મારા જીવનમાં મેં ફ્રેન્ચોને જોયા છે, ઈટાલિયનોને જોયા છે, રશિયનોને જોયા છે, પણ ‘મનુષ્ય’ની વાત કરતા હો તો મારે કહેવું પડશે કે મારા જીવન દરમિયાન હું એને ક્યારેય મળ્યો નથી.’ કદાચ આ જ કારણે ગરમ કે ઠંડા, સૂકા કે વરસાદી પ્રદેશોની આબોહવા, ફળદ્રુપ કે બંજર ભૂમિઓ, સમુદ્રથી એનું અંતર, પર્વતોનું સાન્નિધ્ય – વગેરે સમાજની જરૂરિયાતો ઊભી કરે છે અને એ પ્રમાણે સમાજ ઘડાય છે એની જિકર કરે છે. સાહિત્યનો અને ખાસ કરીને કથાસાહિત્યનો વિચાર કરીએ છીએ ત્યારે મનુષ્યો-મનુષ્યો વચ્ચેના સંબંધોનો વિચાર તો આપણે વિસ્તારથી કરીએ છીએ, પણ કથાસાહિત્યમાં જે કથા નિરૂપાય છે, એ કથાની સાથે જે સમાજ પ્રવેશે છે, એ સમાજનો ભૌતિક પરિવેશ એના કથાનક સાથે કઈ રીતનો અને કયા પ્રકારનો સંબંધ ધરાવે છે, એની ઝીણવટપૂર્વકની ચર્ચા માટેનો અવકાશ મોંતેસ્ક્યૂ જેવા ફિલસૂફની વિચારણામાં ઊઘડતો જોઈ શકાય છે. જયંત ખત્રીના કથાસાહિત્યમાં પ્રવેશેલો કચ્છનો પરિવેશ, રઘુવીર ચૌધરીના કથાસાહિત્યમાં પ્રવેશેલો ઉત્તર ગુજરાતનો પરિવેશ, મેઘાણી કે ચુનીલાલ મડિયામાં પ્રવેશેલો સોરઠી પરિવેશ - આ સર્વનો પ્રાદેશિક સંબંધ એમાં ઊપસતા જીવન સાથે સંકળાઈને કઈ રીતે સૌંદર્ય-વિચાર તરફ લઈ જઈ શકે એના લાક્ષણિક નમૂનાઓ ઊભા કરવા પડશે. એ જ રીતે ભારતીય ભાષાઓના અભ્યાસને એના ભૌતિક પરિવેશ સાથે જોડી પરિવેશ-આધારિત સૌન્દર્ય-વિચારણા કરવાનો સમય પણ પાકી ગયો છે.
●