શબ્દલોક/શૈલી અને શીલ: Difference between revisions
(+1) |
(No difference)
|
Latest revision as of 14:34, 11 September 2025
૧
આપણા અત્યારના બદલાતા જતા વિવેચનના સંદર્ભમાં ‘શીલ તેવી શૈલી’નું સૂત્ર ઘણે અંશે અપ્રસ્તુત બની ગયેલું જણાય છે. આજે સાહિત્યને જોવા-સમજવાની આપણી દૃષ્ટિ બદલાઈ રહી છે. સાહિત્યની સૃષ્ટિ એ એક સ્વતંત્ર સ્વાયત્ત અને સ્વયંપર્યાપ્ત એવી સૃષ્ટિ છે એ સિદ્ધાંતનું આપણે ત્યાં ભારપૂર્વક સમર્થન થઈ રહ્યું છે. એ સાથે જ સાહિત્યની આકૃતિ, તેની રચનાપ્રક્રિયા અને ટેક્નિકના પ્રશ્નો આપણું ધ્યાન રોકી રહ્યા છે. વળી સર્જનની પ્રક્રિયા વિશેય નવી દૃષ્ટિ ઊઘડતી આવે છે. એ કારણે સાહિત્યના આસ્વાદ-વિવેચનના પ્રશ્નોની નવેસરથી માંડણી કરવાના પ્રયત્નો અરંભાયા છે. કૃતિલક્ષી વિવેચનની જે પરંપરા બંધાવા લાગી છે, તેમાં વિવેચકોનું ધ્યાન કર્તા પરથી ખસીને કૃતિ પર ઠરતું દેખાય છે. કૃતિના પદ્ધતિસરના વિશ્લેષણ માટે આગ્રહ વધ્યો છે. સાહિત્યકારની અંગત ચરિત્રલક્ષી બાબતો, તેની મનઃસૃષ્ટિ, તેની માન્યતાઓ કે તેની આસ-પાસના સંજોગોનો વિચાર તેને હવે ઝાઝો મહત્ત્વનો લાગતો નથી. આમ વિવેચનનો અભિગમ જ બદલાઈ રહ્યો હોય ત્યાં સાહિત્યકૃતિને તેના સર્જકની વ્યક્તિતા જોડે કેવો અને કેટલો સંબંધ હોઈ શકે એ જાતનો પ્રશ્ન ગૌણ બની જાય એ સ્વાભાવિક છે. અને આ પરિસ્થિતિમાં ‘શીલ તેવી શૈલી’નું સૂત્ર કોઈને કાલગ્રસ્ત બની ગયેલું લાગે તો તેમાં ઝાઝું આશ્ચર્ય પામવા જેવું નથી. પણ શીલ અને શૈલીના સંબંધનો પ્રશ્ન સાવ નિરાધાર નથી. સાહિત્યવિવેચનના ઇતિહાસની એ એક વિશિષ્ટ તબક્કાની નીપજ છે. પાશ્ચાત્ય સાહિત્યમાં જ્યારે રોમૅન્ટિક યુગ બેઠો ત્યારે ત્યાં આ પ્રશ્ન બહાર આવ્યો હતો. સાહિત્ય એ તેના સર્જકની વ્યક્તિતાની જ અભિવ્યક્તિ છે એવો એક પાયાનો સિદ્ધાંત તેની પાછળ રહેલો છે. નીતિવાદી ચિંતકો અને વિવેચકોએ એ સમયે એમ પણ કહ્યું કે મહાન અને ઉદાત્ત આત્મા જ મહાન સાહિત્યકૃતિનું નિર્માણ કરી શકે, અને આ વિચારને આત્યંતિકતા સુધી ખેંચી જઈને કેટલાકે એમ પણ કહ્યું કે કૃતિની શૈલીમાં જ સર્જકનો આત્મા – તેનું શીલ – પ્રગટ થઈ જાય છે. પણ એ ચિંતકોની વૈચારિક ભૂમિકા જુદી હતી. ‘શીલ’ અને ‘શૈલી’ વિશેની તેમની સમજ જુદી હતી. એટલે આજે ‘શીલ તેવી શૈલી’ના સૂત્રનું તાત્પર્ય યથાર્થ રૂપમાં સમજવું હોય તો, એ સમયની સાંસ્કૃતિક અને સાહિત્યિક પરિસ્થિતિ લક્ષમાં લેવી પડે. પણ અહીં એ વિશે ઐતિહાસિક તપાસને અવકાશ નથી. એટલે એ સૂત્રની યથાર્થતા સમજવા પૂરતો જ આપણો અહીં પ્રયત્ન રહેશે. કદાચ, આજના બદલાયેલા સાહિત્યિક સંદર્ભમાં ‘શીલ’ અને ‘શૈલી’નો ક્યાંક કોઈ સ્તરે સંબંધ જોડી શકાય કે કેમ એ જ આપણો અહીં મુખ્ય પ્રશ્ન હોઈ શકે. કમનસીબે, શીલ અને શૈલી એ બંને પાયાની સંજ્ઞાઓ સંદિગ્ધ છે. તેમાંયે ‘શૈલી’ સંજ્ઞા ઘણી છટકણી પુરવાર થઈ છે, તો ‘શીલ’નો કોઈ સ્પષ્ટ સુરેખ વિચાર હાથમાં આવતો નથી. એટલે એ સંજ્ઞાઓનું સ્પષ્ટીકરણ એ જ અહીં મહત્ત્વની બાબત બની રહે છે.
૨
સાહિત્યવિવેચનના ક્ષેત્રમાં (અને વ્યાપકપણે કળાવિવેચનના સમસ્ત ક્ષેત્રમાં) ‘શૈલી’ (style) એક મહત્ત્વની સંજ્ઞા રહી છે. વિવેચ્યકૃતિ નાટક, મહાકાવ્ય, કે નવલકથા જેવી બહુપાર્શ્વી રચના હોય તો ઘણું ખરું એમાંની કથાવસ્તુનું રહસ્ય, એની પાત્રસૃષ્ટિ, એની વસ્તુસંકલના, અને એના સમાજસંદર્ભ જેવાં પાસાંઓનો વિચાર કર્યા પછી તેની ભાષાશૈલીનો અલગ વિચાર કરવામાં આવ્યો છે. એવે પ્રસંગે ભાષાશૈલીની ચર્ચાના ભાગ લેખે લેખકની અભિ-વ્યક્તિની વિશિષ્ટતાઓ, વિશિષ્ટ શબ્દપ્રયોગો, શબ્દસમાસ કે વાક્ય-સમાસ આદિ બાબતોનોયે સહજ ખ્યાલ કરવામાં આવે. વળી વિવેચ્યકૃતિ જો પદ્યબંધમાં હોય તો તેના પદ્યસંવિધાનની યુક્તિઓ, પ્રાસ, છંદોલય આદિ બાબતોનો પણ એમાં સમાવેશ થાય. પણ, આવા પરંપરાગત વિવેચનની લાક્ષણિકતા એ છે કે શૈલી એ જાણે કૃતિનું અલગ ઘટક હોય, એટલે કે સમગ્રના રહસ્યથી અલગ પાડીને જોઈ શકાય એવું ઉપરનું સ્તર હોય, એ રીતે તેનું વિશ્લેષણ કરવામાં આવતું. અને એ માટે મુખ્યત્વે ભાષાકીય અભિવ્યક્તિને દૃષ્ટિફલકમાં રાખવામાં આવતી. દેખીતું છે કે, શૈલીને જોવાનો આ જાતનો અભિગમ કંઈ અપ્રસ્તુત નહોતો. એમાં સહજસ્ફુરણાથી જ ભાષાની સર્જકતાના મુદ્દાઓ પણ સ્પર્શાતા. પણ કૃતિના હાર્દને વ્યક્ત કરવા ભાષાનું સંયોજન શી રીતે કરવામાં આવ્યું કે ભાષાના પોતમાં કેવી કેવી ભાતો ઊપસી છે કે ભાષામાં આંતરિક વ્યવસ્થા અને સૂક્ષ્મ સ્તરની આંતરસંવાદિતા શી રીતે સિદ્ધ થઈ તે વિશે એ પરંપરાગત વિવેચને ઝાઝું ધ્યાન આપ્યું નહોતું. અને, એ હકીકત સમજી શકાય તેવી છે. શૈલીનો વિચાર પાશ્ચાત્ય પરંપરામાં લાંબા સમય સુધી તો વાગ્મિતા(rhetoric)ના અંગ લેખે જ થયેલો છે. વક્તા પોતાનું વક્તવ્ય સ્પષ્ટ સુરેખ અને સચોટ રીતે રજૂ કરી શકે અને શ્રોતા પર ધારી અસર પાડી શકે એ માટે તેની પાસે કેળવેલી શૈલી હોવી જોઈએ એમ ત્યાં આરંભથી માનવામાં આવ્યું હતું. પાછળથી શૈલીનો વિચાર સાહિત્યવિચારમાં સમાવી લેવામાં આવ્યો ત્યારે પણ શૈલી જોડે સંકળાયેલા વાગ્મિતાના સંસ્કાર સર્વથા લુપ્ત થયા નહિ. શૈલી એટલે વક્તવ્ય રજૂ કરવાની વિશિષ્ટ રીતિ, વિશિષ્ટ પદ્ધતિ કે વિશિષ્ટ લઢણ એવો ખ્યાલ તેમાં છેવટ સુધી અવશેષ રહી ગયો. સાહિત્યના સંદર્ભમાં શૈલીની વાત કરીએ એટલે જાણ્યેઅજાણ્યેય સાહિત્યકારની ભાષાકીય અભિવ્યક્તિની વિલક્ષણતાનો ખ્યાલ જ સૂચવાઈ જાય છે. પણ સાહિત્યકળાની ચર્ચાવિચારણામાં શૈલીના સ્વરૂપનો તાત્ત્વિક પ્રશ્ન ઊભો થયો ત્યારે અનેક વિદ્વાનોએ તેને સાહિત્યની અભિવ્યક્તિ, આકાર કે વસ્તુબોધની રીતે (mode of perception) જોડે સાંકળવાના પ્રયત્નો કર્યા, પરિણામે શૈલીની વિભાવના અતિ સંકુલ અને સૂક્ષ્મ બની રહી.
૩
પ્રસિદ્ધ વિવેચક મિડલ્ટન મરીએ ‘શૈલી’ની વિભાવનાને સ્પષ્ટ કરતાં તેના જે ત્રણ મુખ્ય અર્થસંકેતો નોંધ્યા છે તે અહીં ભૂમિકા રૂપે મૂકીશું : (૧) શૈલી એટલે અભિવ્યક્તિની વૈયક્તિક ખાસિયતો (the personal idiosyncracies of expression) : અહીં ‘શૈલી’ સંજ્ઞાથી લેખકનો વિલક્ષણ મિજાજ કે તેના સ્વભાવની કેટલીક ખાસિયતો, જે તેની ભાષાકીય અભિવ્યક્તિમાં ચોક્કસ વૈયક્તિક મરોડ આણે છે તેનું સૂચન થાય છે. લેખકના આવા વૈયક્તિક અંશો એવો બળવાન ઉદ્રેક દાખવે છે કે એને કારણે જ કૃતિનું કર્તૃત્વ ઓળખી શકાતું હોય છે. અમુક લેખક પાસે શૈલી છે એવું જ્યારે આપણે કહેતા હોઈએ ત્યારે ઘણી વાર આવી વૈયક્તિક ખાસિયતો જ આપણા મનમાં હોય છે. આપણા સાહિત્યમાંથી આવી ‘શૈલી’નાં દૃષ્ટાંતો જોવાં હોય તો બળવંતરાયનાં વિવેચનો, નિબંધો કે કાવ્યોમાં તરત જ મળી શકે. એમાં બળવંતરાયના કઠોરકર્કશ કે ખરબચડા શબ્દપ્રયોગો, ફારસી શબ્દો અને સંસ્કૃત શબ્દોનું વિચિત્ર મિશ્રણ, બોલચાલના કાકુઓ, લાંબાં દીર્ઘસૂત્રી વાક્યો, અનુસ્વારોનાં લાક્ષણિક ચિહ્નો વગેરે તત્ત્વો તરત ધ્યાન ખેંચે છે. અહીં ‘શૈલી’ તે લેખકના ભાષાપ્રયોગની વિલક્ષણતાઓ કે વિચિત્રતાઓનો જ વિશેષપણે નિર્દેશ કરે છે. પણ કૃતિની મૂલ્યવત્તાની દૃષ્ટિએ આ વિલક્ષણતાઓ અપ્રસ્તુત હોય એ રીતે જ તેને જોવામાં આવે છે. (૨) વિચારો પ્રસ્તુત કરવાની પદ્ધતિ તે શૈલી (style as technique of exposition); અહીં શૈલી એટલે વિચારવસ્તુને સ્પષ્ટ સુરેખ અને સચોટ રીતે રજૂ કરવાની પદ્ધતિ, એમ અર્થ થાય છે. ઘણીયે વાર આપણે એમ સાંભળીએ છીએ કે અમુક લેખક પાસે વસ્તુ કે વિચાર તો સારો છે, પણ કમનસીબે તેની પાસે શૈલી નથી, અથવા એની શૈલી ક્લિષ્ટ અને દુર્બોધ છે. આવે પ્રસંગે કંઈક એમ સ્વીકારી લેવામાં આવ્યું હોય છે કે લેખક પાસે ભાષાની અભિવ્યક્તિ પૂર્વે જ વિચારવસ્તુ સ્પષ્ટ રૂપમાં પ્રાપ્ત થઈ ચૂકી છે; તેને તે ઉચિત અભિવ્યક્તિ આપી શક્યો નથી એટલું જ. પણ આ જાતની ભૂમિકા સ્વીકારવા જતાં કેટલાક પાયાના તાત્ત્વિક પ્રશ્નો ઊભા થાય છે, જેમ કે, ભાષાકીય અભિવ્યક્તિ પૂર્વે ખરેખર કોઈ સ્પષ્ટ સુરેખ વિચાર સંભવી શકે ખરો? અથવા, ભાષાની અભિવ્યક્તિમાં મૂળની વસ્તુ જ તંતોતંત ઊતરી આવે છે કે તેનું ઉદ્ઘાટન થતાં નવો અર્થ ઉમેરાય છે? વગેરે, પણ આ બધા તત્ત્વજ્ઞાનના કૂટ પ્રશ્નો છે, અહીં તેની વિસ્તૃત ચર્ચાવિચારણાને અવકાશ નથી, તોપણ શૈલીના સ્વરૂપ જોડે તે ગાઢ રીતે સંકળાયેલા છે, એટલે અહીં એટલું નોંધીશું કે નિબંધ, ચરિત્રકથા કે પ્રવાસગ્રંથ જેવાં સ્વરૂપોમાં લેખક પાસે ભાષાકીય અભિવ્યક્તિ પૂર્વે કશુંક ચોક્કસ હાથમાં આવ્યું હોય છે જેને તે પાછળથી શાબ્દિક અભિવ્યક્તિ આપે છે, અને આટલી ભૂમિકા સ્વીકારીએ તો એમ પણ ફલિત થશે, કે આ સંદર્ભમાં લેખકની શૈલી એ તેની સામેના એકથી વધુ ભાષાપ્રયોગોના વિકલ્પોમાંથી કોઈ એકની પસંદગી છે. એટલે એમાંથી એમ પણ સૂચવાઈ જાય છે કે, અમુક એક ભાષાપ્રયોગ સ્વીકાર્યો હોત તો કદાચ શૈલી વધુ સારી થાત કે ઊતરતી થાત. પણ શૈલી વિશેનો આ જાતનો ખ્યાલ, આધુનિક સર્જકતાના ખ્યાલ જોડે સુસંગત નથી, અને સર્જનાત્મક સાહિત્ય પરત્વે તે ઘણો અપર્યાપ્ત નીવડવા સંભવ છે. (૩) વૈયક્તિક અને સાર્વત્રિકનું જેમાં પૂરેપૂરું સંયોજન થયું હોય એવી અભિવ્યક્તિ તે શૈલી (complete fusion of the personal and the universal) : અહીં શૈલી તે સમગ્ર કૃતિની અભિવ્યક્તિ માત્ર છે. લેખકની કોઈ પૂર્વપ્રાપ્ત વસ્તુ કે ભાવનાને અસરકારક રજૂ કરવા માટે ભાષાને આપેલો એ ઓપ નથી કે ભાષાને રુચિકર બનાવવા માટે આણેલો વધારાનો અલંકાર નથી કે ભાષાની અભિવ્યક્તિના સ્તરે એકથી વધુ ભાષાપ્રયોગો પૈકીનો એ કોઈ ગણતરીપૂર્વકનો વિકલ્પ પણ નથી. એ તો છે સર્જકની ગૂઢ સંવેદનાની સચ્ચાઈભરી અને સમગ્રલક્ષી અભિવ્યક્તિ. એમાં શૈલી કોઈ આગંતુક તત્ત્વ રહેતું નથી. લેખકના સંવેદનની એ નિઃશેષ અભિવ્યક્તિ છે. જાણે કે તેના અંતરની અનુભૂતિ એના અંતઃ કેન્દ્રમાંથી શબ્દ રૂપે વિસ્તરી છે. કૃતિનું ભાષાકીય રૂપ તે અંદરની ભાવસૃષ્ટિ જોડે તંતોતંત સંકળાયેલું છે. એમાં અભિવ્યક્તિની વૈયક્તિક લઢણો કે ખાસિયતોને અવકાશ મળ્યો નથી. એ રીતે કૃતિની અભિવ્યક્તિરૂપ સાર્વત્રિકતામાં સર્જકનું જે કંઈ વૈયક્તિક હોય તે ઓગળી ગયું હોય છે. અલબત્ત, સાહિત્યકૃતિમાં તેના સર્જકની વ્યક્તિતા વૈશિષ્ટ્ય જરૂર આણે છે. કેમ કે, પદાર્થજગતને જોવાનો તેનો આગવો દૃષ્ટિકોણ તેમાં અનુસ્યૂત હોય છે; કેમ કે, સર્જકની આગવી સંવેદના તેમાં આકાર પામી હોય છે. તાત્પર્ય કે, સાહિત્યની શૈલી તેના સર્જકની સંવેદનસૃષ્ટિથી નિયંત્રિત થતી હોય છે. શૈલીની વ્યાખ્યા કરતાં મિડલ્ટન મરી કહે છે : ‘Style is a quality of language which communicates precisely emotions or thoughts peculiar to the author.’
૪
મિડલ્ટન મરીની શૈલીની વિચારણામાં ઉપર બતાવેલી ત્રીજી વિભાવના આધુનિક વિવેચનની એક મહત્ત્વની ઉપલબ્ધિ રહી છે. શૈલી તે વૈયક્તિક ખાસિયતોવાળી અભિવ્યક્તિ છે, અને શૈલી તે વિચાર રજૂ કરવાની પદ્ધતિ છે એ બે ખ્યાલો કરતાં તે વધુ પ્રભાવક જણાય છે. સર્જકતાના આધુનિક ખ્યાલ જોડે તે વધુ સુસંગત પણ છે. આજે એક વાતનો વ્યાપક સ્વીકાર કરવામાં આવે છે કે સર્જક પાસે સ્પષ્ટ સુરેખ વસ્તુ કે ભાવ પહેલેથી મળ્યાં હોતાં નથી. તે તો ભાષાના માધ્યમમાં કામ કરતાં કરતાં પોતાની વસ્તુને મૂર્તરૂપ અર્પે છે, અને એ પ્રક્રિયામાં તે વસ્તુનો વિકાસ પણ સાધે છે. અંતરની સંધિકા પરના અર્ધસ્ફુટ ભાવોને કલ્પન પ્રતીક કે દેવકથાના વિભાવ રૂપે મૂર્ત કરે છે. સર્જનની પ્રક્રિયામાં સતત objective correlativeની ખોજ એ જ રચનાની મુખ્ય પ્રક્રિયા સંભવે છે. એટલે સર્જકની ભાષાકીય અભિવ્યક્તિ તે કોઈ આગંતુક શણગાર નથી. અલબત્ત, તેના સર્જકની આગવી સંવિત્તિને કારણે તેની અભિવ્યક્તિનો ઢાંચો આગવો જ હોવાનો અને આ હકીકતમાંથી એમ પણ ફલિત થાય છે કે દરેક સાહિત્યકૃતિની અભિવ્યક્તિ આગવી હોય છે, અર્થાત્, શૈલી આગવી હોય છે. જેટલી કૃતિ તેટલી શૈલી (આ જાતની ભૂમિકા ‘શીલ તેવી શૈલી’ની ચર્ચામાં આગળ ઉપયોગી થશે). અહીં મરીની વિચારણામાં શૈલીને ભાષાનો ‘ગુણ’ (quality of language) ગણાવવામાં આવી, પણ મરીને ભાષાના ગુણ સાથે તેના નિયામક કે નિર્ણાયક તત્ત્વરૂપ તેના સર્જકની સંવેદનભૂમિમાં એટલો જ રસ છે. તેઓ એમ બતાવવા ચાહે છે કે ભાષાકીય અભિવ્યક્તિમાં જે ‘ગુણ’ પ્રગટ થાય છે તેના મૂળમાં સર્જકની સંવેદનરીતિ (mode of feeling)નું વૈશિષ્ટ્ય રહેલું છે. એટલે શૈલીના વ્યાપમાં ખરેખર તો સંવેદનરીતિ પણ આવી જાય છે, આ વિશે વૉલ્ટર પેટરે પણ લગભગ આ જ ભૂમિકાએથી વિચાર્યું છે. તેમણે એમ કહ્યું કે લેખક કંઈ જગત વિશે કે તેની વાસ્તવિકતા વિશે કહેતો નથી. તે તો એ જગત વિશેની, એ વાસ્તવિકતા વિશેની, પોતાની આગવી દૃષ્ટિનું જ નિરૂપણ કરે છે. તેમના મતે સાહિત્યની સૃષ્ટિમાં તેના સર્જકનો આત્મા – તેની વિશિષ્ટ વ્યક્તિતા, તેની રુચિઓ, તેના સંકલ્પો અને તેનું સામર્થ્ય – એ સર્વ અખિલાઈમાં પ્રગટ થાય છે. જગત તો બાકી જે છે તે છે અને તેમાંના પદાર્થો પણ જે છે તે જ છે, પણ સર્જકની વિલક્ષણ દૃષ્ટિ અને રુચિ જ તેમાં અનંતવિધ રૂપો પ્રત્યક્ષ કરી શકે છે અને આ રીતે પદાર્થજગતને તે જે રીતે જુએ છે તેમાં મૂળભૂત આંતરિક અખિલાઈ હોય છે અને એવી આંતરિક અખિલાઈ તેની શૈલીમાં પ્રગટ થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો સાહિત્યકારની શૈલી એ તેના વાસ્તવબોધની આગવી રીતિનું જ પ્રતિબિંબ છે. પેટર શૈલીની વ્યાખ્યા આ રીતે કરે છે : “The style, the manner, would be the man, not in his unreasoned and really uncharacteristic caprices, involuntary or affected, but in an absolutely sincere apprehension of what is most real to him.” શૈલી દ્વારા ભાવકને એ સાહિત્યકારની વ્યક્તિતાનો જ મર્મધબકાર સંભળાય છે. આ સંદર્ભમાં મહાન ફ્રેંચ સાહિત્યકાર આન્દ્રે માલરોનું મંતવ્ય પણ ધ્યાનપાત્ર છે. માલરો તો શૈલીને વિશ્વબોધના પરિપ્રેક્ષ્ય રૂપે જુએ છે. તેઓ એમ કહે છે કે સર્જક એની સામેના વિશ્વવાસ્તવનું જે રીતે મર્મઘટન કરે છે તેમાં જ તેની શૈલી અનુસ્યૂત રહી હોય છે. દરેક સર્જક પોતાના પુરોગામીઓની શૈલીઓનું અનુકરણ કરીને જ આરંભ કરે છે, તેનો અર્થ જ એ કે પુરોગામીઓએ વિશ્વવાસ્તવનું જે રીતે અર્થઘટન કર્યું હતું – અને એ અર્થઘટનમાં જે અભિવ્યક્તિની રીતિઓ નિપજાવી હતી – તે સર્વ અર્થઘટન અને અભિવ્યક્તિઓને આત્મસાત્ કરીને આગળ ચાલે છે. શૈલી જ તેને વાસ્તવને જોવા-સમજવાને ચોક્કસ પરિપ્રેક્ષ્ય નિર્ધારિત કરી આપે છેઃ શૈલીના માધ્યમમાં જ તે જગતનું રહસ્ય અવગત કરી શકે છે. શૈલીની તેમની વ્યાખ્યા છે : “Every style, in fact, creates its own universe by selecting and incorporating such elements of reality as to enable the artist to focus the shape of things or some essential part of man.” અર્થાત્, વાસ્તવનાં તત્ત્વોની પસંદગી કરનાર અને તેને આત્મગત કરીને નવી સૃષ્ટિ સર્જનાર શક્તિ તે શૈલી છે. અને શૈલી જ સર્જકની અંતર્દૃષ્ટિ બની રહે છે. અહીં માલરો ભાષાકીય અભિવ્યક્તિને ગૌણ લેખવી તેના ઉદ્ભવમાં રહેલી કલ્પનાશક્તિ કે સર્જકશક્તિને જ શૈલીરૂપ ગણતા દેખાય છે, અથવા, એમ કહી શકાય કે શૈલીના વ્યાપમાં ભાષાકીય તત્ત્વો અને તેના ઊગમસ્થાનમાં રહેલી સંવિધાયક શક્તિ એ સર્વે સમાઈ જાય છે, શૈલી વિશેનો આ કદાચ સૌથી વ્યાપક ખ્યાલ હશે, અને આ જાતની વિચારસરણી આપણે ત્યાં ઉમાશંકરની વિચારણામાં પણ પડઘો પાડતી દેખાય છે : “(કલાકૃતિમાં) સમગ્ર વ્યક્તિતાની મુદ્રા એ શૈલી છે. કલાકૃતિની પ્રથમ શબ્દથી આરંભીને અંતિમ શબ્દ સુધી વહેતી ઇંગિતધારા દ્વારા પ્રગટતી એની આકૃતિ તે એની શૈલી છે, અથવા એવી આકૃતિને સાક્ષાત્ કરાવનારી સમગ્ર ઇંગિતધારા તે આકૃતિની શૈલી છે.” અહીં ઉમાશંકર પણ શૈલીમાં અભિવ્યંજક ભાષા અને ભાષાથી વ્યંજિત સર્વ ભાવો, તેની આકૃતિ, અને તેમાં વ્યક્ત થતી સર્જકની વ્યક્તિતા એ સર્વનો સમાવેશ કરી લેવા ચાહતા હોય એમ જોઈ શકાશે.
૫
પણ શૈલીને આ રીતે સાહિત્યકૃતિની અભિવ્યક્તિ કે આકાર-નિર્મિતિ જોડે એકરૂપ લેખવવા જતાં તો શૈલીની સંજ્ઞા લગભગ અર્થશૂન્ય બની જતી લાગે છે. સર્જકના સંવેદનની સચ્ચાઈભરી અભિવ્યક્તિને જો શૈલી ગણીએ તો તો તેની એક નિરાળી પ્રતિમા (image) લુપ્ત થઈ જાય છે, એક નક્કર સ્પર્શક્ષમ વસ્તુ લેખે તેને ગ્રહણ કરવાનું મુશ્કેલ બની જાય છે અને એ રીતે શૈલીની વિભાવના ખાલીખમ બની રહે છે. કદાચ શૈલીની વિભાવના બાંધવાના પ્રયત્નમાં ખરેખરી કટોકટી અહીંથી શરૂ થાય છે. કૃતિલક્ષી (કે કર્તાલક્ષી) વિવેચનમાં જ્યાં જ્યાં આપણે શૈલીને અનુલક્ષીને વિચાર કરવા પ્રવૃત્ત થઈએ છીએ ત્યાં ત્યાં કૃતિની (કે કર્તાની) શૈલીને અભિવ્યક્તિના કોઈક અસાધારણ ઉન્મેષ રૂપે જ ઘણું ખરું ગૃહીત કરી લેતા હોઈએ છીએ. એમાં કૃતિના (કે કર્તાના) ભાવજગત, ભાવસંયોજન કે ભાવાભિવ્યક્તિ કરતાંયે તેના ભાષાકીય સંયોજનને જ લક્ષતા હોઈએ છીએ. પ્રસ્તુત કૃતિ(કે કર્તા)ની અભિવ્યક્તિમાં પૂર્વસિદ્ધ ભાષાકીય અભિવ્યક્તિ કરતાં કશુંક નવું પરિમાણ સિદ્ધ થયું છે એવું એમાં અભિપ્રેત હોય છે. જાણે કે સાહિત્યની પરિચિત અભિવ્યક્તિરીતિઓમાં કશુંક અપૂર્વ પ્રગટ થયું છે. એમાં એના સર્જકની વ્યક્તિતાનો આવિષ્કાર થયો છે, એ હકીકતનો આપણે ઇન્કાર કરવા માગતા નથી, પણ તેની ભાષાકીય અભિવ્યક્તિ નવાં સાધનો, નવી વ્યવસ્થા અને નવું તંત્ર લઈને આવી છે; એ કારણે શૈલીની પ્રતિમા (image) આગવી મુદ્રા ધારણ કરે છે. પણ શૈલીનો આ જાતનો અપૂર્વ આવિષ્કાર એ જો તેના સંવેદનની કેવળ અભિવ્યક્તિરૂપ હોત તો આવી કોઈ વિશિષ્ટ મુદ્રા તેને કદાચ પ્રાપ્ત થઈ શકી ન હોત. આ રીતે વિચારવા જતાં, અલબત્ત, શૈલીને કેવળ અભિવ્યક્તિ કરતાં કંઈક વિશેષ ઘટના લેખવવી પડે અને તો તો સર્જક સામે અભિવ્યક્તિની પ્રક્રિયામાં અમુક ચોક્કસ ભાષાસંદર્ભનો વિકલ્પ હતો એમ સ્વીકારવું પડે. તાત્પર્ય કે, શૈલીને કૃતિના aesthetic principle જોડે સાંકળીને વિચારવા જતાં તેની સ્પર્શક્ષમ પ્રતિમા હાથમાં આવતી નથી, તો બીજી બાજુ શૈલીને વૈકલ્પિક ભાષાપ્રયોગો કે ભાષાવક્રતા (deviation) લેખે તપાસવા જતાં સર્જકતા જોડે તેની પૂરતી સંગતિ રહેતી નથી. શૈલીની વિભાવના વિશે તાત્ત્વિક વિચારણા કરનાર કોઈ પણ વિવેચકને આવા વિરોધનો અનિવાર્યતયા સામનો કરવાનો આવશે. અને બીજો પ્રશ્ન એ ઊભો થાય છે કે સર્જકની સંવેદનાની પૂર્ણ અને નિઃશેષ અભિવ્યક્તિ જ જો શૈલી હોય તો તો એકેએક સાહિત્યકૃતિની શૈલી આગવી છે એમ સ્વીકારવું પડે. પણ તો તો સાહિત્ય (અને સર્વ લક્ષિત કળા)ના વિવેચનની પ્રવૃત્તિમાં પ્રયોજાતા ‘શૈલી’ શબ્દના ખ્યાલ જોડે પણ તેની સંગતિ રહેશે નહિ. આપણે તો હંમેશાં લેખકની એકથી વધુ કૃતિઓ લક્ષમાં લઈને તેના શૈલી-વિશેષનો વિચાર કરતા હોઈએ છીએ : દરેક ગણનાપાત્ર સાહિત્યકારની શૈલી એ એક નક્કર સાહિત્યિક હકીકત છે અને આગવી પ્રતિમા (image) રૂપે તે પ્રગટ થાય છે. કેટલાક સાહિત્યકારો ભાષાના કેટલાક વિલક્ષણ પ્રયોગો, વિલક્ષણ શબ્દો, વિલક્ષણ વાક્યરચના કે વિલક્ષણ જાતના અન્વયો સ્વીકારે છે તે કારણે તેમની શૈલીમાં અસામાન્યતા આવતી હોય છે, તો વળી બીજા કેટલાકમાં પરસ્પરવિરોધી તત્ત્વોનું સંયોજન, વક્રતા કે તિર્યકતા શૈલીને આગવું રૂપ અર્પે છે. વળી, જેમ એક સાહિત્યકારની તેમ સાહિત્યકારોના અમુક એક જૂથની વિશિષ્ટ શૈલીનો પણ વિચાર થઈ શકે છે. વળી કેટલાંક પરંપરાગત સાહિત્યસ્વરૂપોની આગવી શૈલીનો પણ વિચાર થયો છે. જેમ કે, પાશ્ચાત્ય મહાકાવ્યોમાં હંમેશાં ભવ્ય ઉદાત્ત શૈલીનો આદર્શ સ્વીકારાતો રહ્યો છે. એ જ રીતે, પશ્ચિમની વાસ્તવવાદી કે પ્રકૃતિવાદી નવલકથાઓને પણ આગવી શૈલી પ્રાપ્ત થઈ છે. શૈલીનો અભ્યાસ આમ વ્યક્તિ, સમૂહ કે યુગની વિશિષ્ટ અભિવ્યક્તિ રૂપે, અને ખાસ તો તેનાં વિશિષ્ટ રૂપોને અનુલક્ષીને પણ થઈ શકે, થયો છે. પ્રસિદ્ધ ચિંતક શેપીરોએ યુરોપીય કળાઓની વિવિધ શૈલીઓનો અભ્યાસ કરીને શૈલીની આ પ્રમાણે વ્યાખ્યા બાંધી છે : “But the style is, above all, a system of forms, with a quality and meaningful expression through which the personality of the artist and the broad outlook of a group are visible. It is also a vehicle of expression within the group, communicating and fixing certain values of religious, social and moral life through the emotional suggestiveness of forms.” અહીં શૈલીને કેવળ અભિવ્યક્તિરૂપ નહિ પણ ‘ગુણ’ ધરાવતાં રૂપોની અન્વિતિ રૂપે ગણાવી છે. અને મહત્ત્વની વાત એ છે કે, એ રૂપોને ધાર્મિક, સામાજિક, કે નૈતિક મૂલ્યોના સંસ્કાર પ્રાપ્ત થયા હોય છે. શેપીરો શૈલીમાં ત્રણ જીવાતુભૂત તત્ત્વો બતાવે છે : રૂપગત તત્ત્વો (રૂઢ ઘટકો), રૂપો વચ્ચેના સંબંધો, અને તેના આંતરિક ગુણો. શેપીરોની વિચારણામાં આમ શૈલીના પ્રાણતત્ત્વ રૂપે અભિવ્યક્તિનાં વ્યાપક અને સાતત્યવાળાં વિલક્ષણ તત્ત્વો લક્ષમાં લેવામાં આવ્યાં છે.
૬
શૈલીની વિભાવના વિશે આધુનિક શૈલીવિજ્ઞાનનો અભિગમ શો છે તે પણ અહીં ટૂંકમાં જોઈ લઈએ. શૈલીવિજ્ઞાનીઓ વાચના-(text)નો વસ્તુલક્ષી દૃષ્ટિએ અને અતિ નિકટતાથી અભ્યાસ કરે છે. વાચનાના અતિ ઝીણવટભર્યા અભ્યાસમાં તેમણે ધ્વનિઘટકોનું સ્થાન, સંયોજન અને તેની વિશિષ્ટ તરાહો, અર્થઘટકો અને તેના ગુણો, પદોનાં રૂપોના સંબંધો અને અન્વયો, ભાષાકીય તત્ત્વોનું પુનરાવર્તન અને તેની વ્યવસ્થા – તાત્પર્ય કે ભાષાના પોતનો ઝીણવટભર્યો વિચાર શરૂ કર્યો છે. ભાષાવિજ્ઞાનના પરિપ્રેક્ષ્યમાં ભાષાકીય સંયોજનની વિશેષતા કે વક્રતા તેઓ જોવા ચાહે છે. અભિવ્યક્તિની પ્રગટ અને પ્રચ્છન્ન ભાત તેઓ શોધે છે. પણ મુશ્કેલી અભિગમને કારણે છે. ભાષાના અભ્યાસીઓનો એક વર્ગ સર્વસામાન્ય ભાષાની સર્વ અભિવ્યક્તિઓને લક્ષમાં લેવા ચાહે છે તો બીજો વર્ગ સાહિત્યની ભાષાને એક અસાધારણ ઉન્મેષ લેખી તેના પર જ ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે. કેટલાક વળી ભાષાકીય તત્ત્વોના સંયોજનનો ગાણિતિક ખ્યાલ કરીને અટકી જવા માગે છે તો બીજા શૈલીને યથાર્થ રૂ૫માં પામવા અભિવ્યક્તિ પાછળની આંતરિક ભાત, તેની નિર્મિતિમાં લેખકનો આશય અને દરેક ભાષાકીય આઈટેમની સૌંદર્યકીય ગુણવત્તાનો વિચાર કરવા સુધી જાય છે. તેમની સામે વળી મુખ્ય પ્રશ્ન એ આવી ઊભો છે કે ભાષાની પ્રયોગવક્રતા (deviation) જ જો શૈલીનું વિશિષ્ટ તત્ત્વ હોય તો તે વક્રતાને કયાં ધોરણોથી તપાસી શકાય? અને આ પ્રયોગવક્રતાનો ખ્યાલ જ તેમની શૈલીની વિભાવનામાં મહદંશે ઊતરી આવ્યો છે. શૈલી વિશેની એવી એક વ્યાખ્યા જુઓ : “The style of a text is the aggregate of the contextual probabilities of linguistic items.” પણ આવી વ્યાખ્યા વિવાદમુક્ત નથી. હકીકતમાં contextual probabilities એ એક સાપેક્ષ બાબત છે. કૃતિના પોતાના જ કોઈ સર્જનાત્મક સિદ્ધાંત જોડે તે સંકળાયેલી છે. અને પ્રતિભાશાળી સર્જક નવી નવી કૃતિમાં શૈલીને જે રીતે વિકસાવે છે તેમાં આવો સિદ્ધાંત પણ આગવી રીતે કાર્યશીલ બનતો હોય છે. એટલે જે શૈલીવિજ્ઞાનીઓ માત્ર ભાષાકીય તત્ત્વોનો ગાણિતિક વિચાર કરીને અટકી જાય છે તેઓ શૈલીનું હાર્દ પામી શકતા નથી. અંતે, ભાષાકીય તંત્ર તો સાહિત્યકૃતિનું એકમાત્ર તંત્ર છે. તેની નીચે વસ્તુ, ભાવ, પ્રસંગ આદિના તંત્રો પડ્યાં હોય છે. એટલે શૈલીની પ્રતિમા(image)ને યથાર્થ રૂપમાં ઓળખવાને ભાષાકીય સંદર્ભની બહાર દૃષ્ટિ કરવાનું અનિવાર્ય બની રહે છે. તાત્પર્ય કે, શૈલીનું locus ભાષાકીય સંયોજનમાં હોવા છતાં તેનું ચાલકબળ જ્યાં હોઈ શકે તે સંદર્ભો પણ જોવા-તપાસવાના રહે.
૭
શૈલીની વિભાવનાઓ વિશેની આ વિસ્તૃત ભૂમિકા ‘શીલ’ના સૂત્રનું અર્થઘટન કરવાને કંઈક પ્રકાશ પાડી શકશે. ઉપરની ચર્ચા-વિચારણાઓમાં ખાસ કરીને મિડલ્ટન મરીની ત્રીજી વિભાવનામાં, વૉલ્ટર પેટર અને આન્દ્રે માલરોની વ્યાખ્યાઓમાં, અને ઉમાશંકરની ભૂમિકામાં એટલું તો ચોક્કસ જોઈ શકાશે કે સાહિત્યની કૃતિમાં તેના સર્જકની વ્યક્તિતા અનિવાર્યતયા પ્રવેશે છે જ અને એ વ્યક્તિતા જ તેની શૈલીમાં આગવો મરોડ આણે છે. પણ શીલ અને શૈલીને સાંકળવાનું એટલું સરળ નથી, કેમ કે, શીલ એક અર્થબહુલ સંજ્ઞા છે. જે વિદ્વાનો ‘શીલ’ શબ્દને સર્જકની વ્યક્તિતા, તેના વૈયક્તિક ચૈતન્યની વૃત્તિપ્રવૃત્તિઓ, એવા અર્થમાં સ્વીકારે છે તેમને માટે ‘શીલ તેવી શૈલી’ એ સૂત્ર કેટલેક અંશે સાચું છે. આપણે ત્યાં વિશ્વનાથ ભટ્ટે પ્રસ્તુત પ્રશ્નની ચર્ચા કરતાં કહ્યું છે : “ફલ જેમ વૃક્ષના વિકાસનું અંતિમ સ્વરૂપ છે, તેમ સાહિત્યકલાકૃતિ એના સર્જક આત્માના વિકાસનું અંતિમ સ્વરૂપ કે પરિણામ છે, અને તેથી જેમ ફલની શિરાએ શિરામાં તેને ઉત્પન્ન કરનાર વૃક્ષનો જ રસકસ ભરેલો હોય છે તેમ સાહિત્યકૃતિના અણુએ અણુમાં પણ તેના સર્જક આત્માના આચારવિચાર, ઊર્મિ, આદિ રૂપ એનું શીલ ધબકી રહ્યું હોય એમાં નવાઈ જ શી?” વિશ્વનાથની પ્રસ્તુત વિચારણામાં ચર્ચાસ્પદ અંશો ઘણા છે, પણ અહીં આપણને જે ઇષ્ટ છે તે તો એ કે ‘શીલ’નો અર્થ ચૈતન્યપ્રવૃત્તિ રૂપે તેમણે ઘટાવ્યો છે. પણ ‘શીલ’ સંજ્ઞાનો બીજો એક વિશેષ અર્થસંકેત છે – કદાચ એ અર્થ વધુ વ્યાપક પણ છે – તે, શીલ એટલે સદ્ચરિત્ર, પવિત્ર સદાચારી વૃત્તિ કે ઉચ્ચ નીતિમત્તા. અમુક વ્યક્તિ શીલવાન છે એમ કહેતાં તેના હૃદયમનની ઉદાત્ત અને શુભ વૃત્તિઓનો ખ્યાલ એથી સૂચવાય છે. ‘શીલ’ને જો આમ નૈતિક આધ્યાત્મિક ગુણ રૂપે સ્વીકારીએ તો કૃતિની શૈલી જોડે સાંકળવાનું ઘણું મુશ્કેલ બની જાય છે. કેમ કે, વિશાળ સાહિત્યજગતમાં એવાં અનેક દૃષ્ટાંતો મળશે જેમાં સાહિત્યકારના શીલ અને તેની શૈલી વચ્ચે કોઈ સીધો સંબંધ જ નહિ હોય એવા કેટલાક સાહિત્યકારો, જેમનાં ચરિત્ર અને નીતિ-મત્તા વિશે સમાજને સારો અભિપ્રાય ન હોય તેમણે ઉત્કૃષ્ટ શૈલી નિપજાવી છે. સામે પક્ષે, સાહિત્યકાર એક વ્યક્તિ લેખે પવિત્ર અને નીતિમત્તાવાળો હોય પણ તેની શૈલી ઊતરતી કોટિની હોય એવુંયે બન્યું છે. સાહિત્યકારણની આ જાતની વિષમતાએ ઘણાયે નીતિવાદી ચિંતકો અને વિવેચકોને મૂંઝવ્યા છે. કેટલાકે એ વિશે ખરો-ખોટો ખુલાસો કરવાના પ્રયત્નો પણ કર્યા છે. આપણે ત્યાં આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવે આ બાબતમાં કંઈક આધ્યાત્મિક સ્પષ્ટીકરણ આપ્યું છે. તેઓ એમ પ્રતિપાદિત કરવા ચાહે છે કે મનુષ્યને (તેનો ‘કારણદેહ’ છોડી દેતાં) ‘સ્થૂલ દેહ’ અને ‘સૂક્ષ્મ દેહ’ એવા બે દેહ હોય છે અને એ બે વચ્ચે ઘણી વાર વિષમતા રહી હોય છે. ‘સ્થૂલ દેહ’ની ભૂમિકા પર મનુષ્યનું–સાહિત્યસર્જકનું-ચરિત્ર સારું હોય પણ તેના ‘સૂક્ષ્મ દેહ’માં અશુભ મનોવાસનાઓ પડી હોય એમ બને, તો બીજી બાજુ, ‘સ્થૂલ દેહ’ની ભૂમિકાએ વ્યક્તિમાં – સાહિત્ય-સર્જકમાં ઘણો દોષ હોય છે, છતાં ‘સૂક્ષ્મ દેહ’ના સ્તરે તેનું ચિત્ત ‘ઉન્નત’ અને ‘પવિત્ર’ હોય એમ પણ બને. આચાર્યશ્રી તો એમ પણ કહે છે કે સાહિત્યકાર જ્યારે સર્જનકાર્ય આરંભે છે ત્યારે “સરસ્વતી દેવી એના મનને તેટલી વાર પવિત્ર કરી મૂકે છે.” પણ આવી આસ્થાથી વિવેચનના તાત્ત્વિક પ્રશ્ન પર કોઈ પ્રકાશ પડતો નથી. આ વિષયમાં, અલબત્ત, ઉમાશંકરની ભૂમિકા ઘણી તર્કનિષ્ઠ છે. તેઓ વ્યક્તિની ‘કાર્યગત શૈલી’ અને ‘ઉક્તિગત શૈલી’ એવો ભેદ કરીને ચાલ્યા છે : “શીલ એટલે કે કાર્યનું પાવિત્ર્ય તે કાર્યની, આચરણની શૈલીનું નિર્ણાયક થઈ શકે. શીલ તેવી શૈલી એનો અર્થ એટલો જ કે જેવું શીલ તેવી શૈલી. ઉક્તિગત શૈલી સાથે કાર્યગત શૈલીનો કાર્યકારણભાવ જોવો દુર્ઘટ છે.” અર્થાત્, વ્યક્તિની સર્જનપ્રવૃત્તિ આગવા સિદ્ધાંત પર ચાલે છે અને તેને તેની નૈતિકતા જોડે કોઈ સંબંધ હોતો નથી. અને ‘શીલ’ અને ‘શૈલી’ના સંબંધનો પ્રશ્ન અંતે તો સાહિત્ય-સર્જનના સિદ્ધાંતની ભૂમિકાએ તપાસાવો જોઈએ. પણ એમાંયે મતમતાંતરો છે. પરંપરામાં ઊછરેલા કેટલાક વિદ્વાનો એમ માને છે કે સર્જકની વ્યક્તિતાના શુભાશુભ સર્વ અંશો તેની કૃતિઓમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપમાં ઊતરી આવે જ છે. અને એ રીતે તેની સાહિત્યસૃષ્ટિના તંત્રમાં અને તેની રચનાશૈલીમાં તેની નિર્ણાયક અસર પડે જ છે. પણ આધુનિક વિદ્વાનોનો એક મોટો વર્ગ એમ પ્રતિપાદિત કરવા ચાહે છે કે વ્યક્તિમાં સર્જકચેતના જે રીતે કામ કરે છે તે તર્કવ્યાપાર કે નીતિઅનીતિના ખ્યાલોથી અનિયંત્રિત હોય છે. સર્જનની ગતિ એક સ્વતંત્ર આત્મનિર્ભર શક્તિનો વ્યાપાર છે. એટલે જ તો, સર્જનને લીલામય પ્રવૃત્તિ કહીએ છીએ. કાન્ટ અને હેગલની સૌંદર્યમીમાંસામાં આ વિચારોનાં મૂળ જોઈ શકાય. આ જાતના સર્જનાત્મક ઉન્મેષમાં સર્જકચિત્તની લાગણીઓ, ભાવના, સ્વપ્ન આદિ કાચી સામગ્રી રૂપે સ્વીકારાતાં હોય છે, પણ તેમાં સર્જકના અંગત અભિગ્રહો કે નૈતિક વલણોને અવકાશ રહેતો નથી. એટલે જ સર્જકના બાહ્ય આચારવિચાર અનૈતિક હોય તો પણ સર્જનના વ્યાપારમાં તેનો આક્ષેપ નડતો નથી. એટલે સર્જકના શીલને શૈલી જોડે દેખીતો ક્યાંય કોઈ સંબંધ નથી. પણ ‘શીલ’ શબ્દ અર્થબહુલ છે : તેનો એક અર્થ વ્યક્તિનું જ્ઞાનમય શીલ એમ પણ થાય; એટલે એ અર્થમાં શીલ અને શૈલીને ક્યાંક સૂક્ષ્મ સ્તરે સંબંધ જોડી આપવાનું અશક્ય નથી. આ જ્ઞાનમય શીલ જ વ્યક્તિ માટે ધર્મ, નીતિ, સત્ય અને સૌંદર્યબોધની આધારભૂમિ બની શકે. હકીકતમાં, સર્જકચેતનાના કેન્દ્રીય ક્ષેત્રમાં આવા કોઈ શીલની ગહનતમ ભૂમિકા જોઈ શકાય. દરેક મહાન સાહિત્યકાર જગત, જીવન અને પદાર્થોને જોવાનો જે દૃષ્ટિકોણ કેળવતો હોય છે તેમાં આ શીલનું પ્રવર્તન હોય છે. જગત અને જીવન વિશેના અનુભવો, વિચારો અને આઘાતપ્રત્યાઘાતો આવા કોઈ શીલના પ્રકાશમાં જ અર્થવત્તા પામે છે. આ રીતે શીલ મૂલ્ય-બોધનો scale પણ નક્કી કરી આપે. જીવનમાં અમુક ઘટનાનું શું સ્થાન હોઈ શકે, પ્રકૃતિનું સ્થાન શું હોઈ શકે, સાહિત્ય, કળા કે સૌંદર્યનું શું સ્થાન હોઈ શકે તે સર્વ વિચારવલણો આ શીલમાંથી બંધાવા પામે છે. તો આ પ્રકારનું સર્જકનું શીલ તેની શૈલીમાં કંઈક પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપમાં ભાગ ભજવે જ છે. મહાત્મા ટૉલ્સ્ટૉયની પાછળની રચનાઓમાં શૈલી બદલાઈ કેમ કે તેમની જીવન-દૃષ્ટિ બદલાઈ હતી. એલિયટનાં પાછળનાં કાવ્યોમાં શૈલી બદલાઈ, કેમ કે તેમની દાર્શનિક ભૂમિકા બદલાઈ રહી હતી. ‘વિશ્વશાંતિ’ના ગાયક ઉમાશંકર પાછળથી ‘હું છિન્નભિન્ન છું’ એમ સૂર કાઢે ત્યારે એ પ્રસંગમાં ‘શીલ તેવી શૈલી’નું સૂત્ર સાવ અપ્રસ્તુત ન લાગે.
૮
પણ ‘શીલ તેવી શૈલી’ના સમર્થકો જાણ્યે-અજાણ્યે બીજો એક વિચાર સૂચવી દે છે. તેઓ એમ કહેવા જાય છે કે સાહિત્યકારનું શીલ જેમ ઊંચું, તેમ તેની સાહિત્યકૃતિ પણ મહાન અને ભવ્ય. મહાન કળાનું નિર્માણ તો મહાન આત્મા જ કરી શકે. પ્રશિષ્ટ ગણાતી દરેક મહાન કૃતિમાં તેના સર્જકઆત્માનો કોઈ ભવ્યોદાત્ત અંશ ઊતરી આવ્યો હોય છે. પણ અહીં સાહિત્યકૃતિની ‘મહાનતા’ શી છે અને કેવી રીતે સિદ્ધ થાય છે વગેરે નવા પ્રશ્નો ઊભા થાય છે. એટલે એ વિશેની ચર્ચા આગળ ન લઈ જતાં એટલું જ નોંધીશું કે ‘મહાન’ ગણાતી કૃતિઓમાં તેના સર્જકની વ્યક્તિતાનો ગાઢ પરિચય થાય છે અને ‘શીલ તેવી શૈલી’ એ સૂત્રનું રહસ્ય પણ તેમાં પ્રસંગે પ્રકાશિત થઈ ઊઠતું હોય છે.
સંદર્ભસૂચિ
૧. ‘વિવેચનમુકુર’, વિશ્વનાથ ભટ્ટ, ‘શીલ અને સાહિત્ય’ એ લેખ.
૨. ‘કાવ્યતત્ત્વવિચાર’, આ. આનંદશંકર ધ્રુવ, ‘સાહિત્ય અને જીવન’ એ લેખ
૩. ‘શૈલી અને સ્વરૂપ’, ઉમાશંકર જોશી, ‘શૈલી’ એ લેખ.
૪. ‘જીવનનો આનંદ’, કાકાસાહેબ કાલેલકર, ‘કળા – એક જીવનદર્શન’ અને કળાવિષયક બીજા લેખો.
૫. ‘–અને સાહિત્ય’, સં. યશવંત ત્રિવેદી.
૬. ‘ઊહાપોહ’, અંક ૭-૮, ‘શૈલીની વિભાવનાઓ’ એ લેખ.
૭. Appreciations, Walter Pater, ‘Style’.
૮. The Problem of Style, Middleton Murrey.
૯. Problems in Aesthetics, Ed. Morris Weitz, ‘Style’ by Andre Malraux.
૧૦. The Problem of Style, Ed. J. V. Cunnigham.
૧૧. Style and Stylistics, by Graham Hough.
૧૨. Linguistics and Style, Ed. John Spencer.
૧૩. Literary Style, A Symposiumઃ Ed. Seymour Chatman.
૧૪. Aestheticsઃ Problems in the Philosophy of Criticism, Beardsley, Monroe.
૧૫. Dictionary of World Literatrue, J. T. Shiple, ‘Style’.