કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૫૦. વિદાય વેળાએ વિસર્જન: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) m (KhyatiJoshi moved page કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૫૦. વિદાય વેળાએ વિસર્જન to કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૫૦. વિદાય વેળાએ વિસર્જન) |
(No difference)
|
Revision as of 16:19, 16 July 2021
૫૦. વિદાય વેળાએ વિસર્જન
ઉશનસ્
વિદા લેવાની યે પળ પણ પૂગી આવી; જવું છે
અજાણ્યા આઘેના પરિચય વિનાના મુલકમાં;
ઉલ્લંઘાશે રેખા સરહદી અહીંની પલકમાં,
વિસર્જી આંહીનું વજન અહીં, ખાલી જ થવું છે;
ઘણો લાંબો — જાણું છું હું પથ અને એકલ જવું;
ઉતારીને બોજો શિર, પીઠ અને કાંધ પરથી:
ચઢાણો યે હોંશે ગિરિસમ સીધાં કૈં શિખરથી,
ઉશેટી ઇચ્છાઓ, સ્મૃતિ પણ, થવું સાવ હળવું;
વિસર્જું, લ્યો, જાઓ ગગન મુજ, આદિ ગગનમાં,
મહારી પૃથ્વી તે પૃથુલ પૃથિવીમાં ભળી જજો;
મહારા પાંચે યે ભૂત, અસલ પંચત્વ ભળજો,
રહેજો ના બાકી કંઈ જ હુતશેષે જગનમાં;
પરંતુ કેમે ના છૂટત હિય, જ્યાં પ્રીત ઉછરી;
જઉં કોને આપી સમજ ન પડે;
અનહદ! તને લે, દઈ દઉં છું બ્રહ્માર્પણ કરી.
(શબ્દ મેં પ્રેમ ભણી વાળ્યો છ,ે પૃ. ૧૦૦)