દરિયાપારથી.../કેવો અફસોસ: Difference between revisions
(+૧) |
No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|કેવો અફસોસ } | {{Heading|કેવો અફસોસ}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
૨૦૦૧ના સપ્ટેમ્બરમાં જ્યારે અમેરિકા પર આતંકવાદીઓનો ગોઝારો હુમલો થયો, ત્યારે એ પછીના એક જ કલાકમાં આખા દેશનુ (અને દુનિયાનું પણ) જીવન બદલાઈ ગયું. સમગ્ર જન-માનસ ભયભીત થઈ ગયું. એ ઉપરાંત, આખો સમાજ પરસ્પરની પ્રતિ શંકાશીલ થઈ ગયો. | ૨૦૦૧ના સપ્ટેમ્બરમાં જ્યારે અમેરિકા પર આતંકવાદીઓનો ગોઝારો હુમલો થયો, ત્યારે એ પછીના એક જ કલાકમાં આખા દેશનુ (અને દુનિયાનું પણ) જીવન બદલાઈ ગયું. સમગ્ર જન-માનસ ભયભીત થઈ ગયું. એ ઉપરાંત, આખો સમાજ પરસ્પરની પ્રતિ શંકાશીલ થઈ ગયો. | ||
Latest revision as of 06:13, 26 April 2026
૨૦૦૧ના સપ્ટેમ્બરમાં જ્યારે અમેરિકા પર આતંકવાદીઓનો ગોઝારો હુમલો થયો, ત્યારે એ પછીના એક જ કલાકમાં આખા દેશનુ (અને દુનિયાનું પણ) જીવન બદલાઈ ગયું. સમગ્ર જન-માનસ ભયભીત થઈ ગયું. એ ઉપરાંત, આખો સમાજ પરસ્પરની પ્રતિ શંકાશીલ થઈ ગયો. આ શબ્દોમાં જરા પણ અતિશયોક્તિ નથી. જે દેશમાં રહેતાં રહેતાં લોકો સભ્યતા અને વિવેક શીખ્યા, ને દરેક જણને સરખેસરખા ગણીને યથોચિત સ્મિત-આદરથી એકમેક સાથે વર્તતા શીખ્યા, ત્યાં આજે પણ રોજેરોજ, જગ્યા જગ્યાએ, ચઢેલાં ભવાં, કતરાતી આંખો અને સ્મિત વગરના ચહેરા જોવા મળે છે. ઊલટું, હવે તો એવું થયું છે કે સામસામે થઈ જતી, કે લિફ્ટમાં સાથે ઊભેલી, કે કોઈ લાઈનમાં આગળ-પાછળ રહેલી અજાણી વ્યક્તિની સામે જોઈને પેલું વિવેકનું, માણસ માણસ વચ્ચેનું સહજ સ્મિત આપો તો તે ક્યાંતો ગભરાશે, ક્યાંતો ચિડાશે. હવે એવો વિવેક કે તત્કાળ મિત્રાચાર ભાગ્યે જ કોઈ ઈચ્છે છે. લગભગ દરેક દેશ-જાતિને બીજી દેશ-જાતિ ગમતી નથી. ધોળા, કાળા, ચીની, કોરિયન, સ્પૅનિશ, આરબ – બધાંને જ બીજાંથી, બાકીનાંથી વાંકું પડી ગયેલું જણાય છે. આપણા લઘુખંડના લોકો – ભારતીય, પાકિસ્તાની, બાઁગ્લાદેશી, શ્રીલંકન -ની ગણતરી લગભગ હંમેશાં મધ્યપૂર્વીય અરબી પ્રજા સાથે થઈ જતી હોય છે. લઘુખંડીય વ્યક્તિ પુરુષ હોય કે સ્ત્રી – સામેની વ્યક્તિના મનમાં જાતજાતના પ્રશ્ન, ભય અને વાંધા ઉદ્ભવવા લાગી ગયા હોય છે. અમેરિકાનું બંધારણ અત્યંત ઉદાર નીતિનું છે, પણ સમાન અધિકાર અને સમાન સ્વાતંત્ર્યના ધારાઓમાં જાણે ફેરફાર કરવામાં આવ્યા છે. પોલિસને, શંકાસ્પદતાને આધારે, કોઈ પણ વ્યક્તિને પૂછપરછ માટે રોકવાની છૂટ મળી છે. અનેક નિર્દોષ, સાદી-સીધી વ્યક્તિઓને હેરાન થવું પડે છે. એ પણ ખરું, કે આવી ચાંપતી તપાસને કારણે અનેક ગુનેગારો પકડાતા પણ હોય. આથી, સત્તાધારીઓના અપમાનિત કરતા રૉફ પ્રત્યે ધૈર્ય રાખવું પડે છે. જન-સામાન્યની સુરક્શિતતા માટેનાં પ્રયત્નો અને સભાનતા એટલાં બધાં વધી ગયાં છે, કે જ્યાં હમણાં સુધી નિશ્ચિતતા અને સફળતા હતાં ત્યાં તીવ્ર તેમજ અકારણ શંકાના ભાવનો આગ્રહ રખાતો થઈ ગયો છે. વારંવાર સંભળાતું વાક્ય છે – આખી દુનિયાનો “નિર્દોષતાનો યુગ” પૂરો થઈ ગયો છે. આ વાક્ય કેટલું સાચં છે એની પ્રતીતિ અહીં થતી જ રહી છે. હવે જરાક અમથો ધડાકો ચમકાવી દે છે, શાંત ઓછાબોલો આરબ કે લઘુખંડીય માણસ શંકિત કરી દે છે, તો તોફાન કે ધમાલ કરવા માંડતા માણસને – ભલે પછી તે ગોરો પણ હોય – તો પોલીસ જપ્ત કરી જ શકે છે. વીસેક જ વર્ષ પહેલાં જ્યાં જનતા ઈચ્છા પ્રમાણે મકાનો, બૅન્કો, દુકાનો, પુસ્તકાલય ઇત્યાદિમાં અંદર-બહાર જતી-આવતી હતી, ત્યાં સર્વત્ર હવે ઍક્સ-રે કરતા દરવાજા મૂકાઈ ગયા છે. હાથમાંનો સામાન કે થેલી જ નહીં, ખિસ્સામાંનું નાણું, ચાવીઓ જેવી ચીજોને પણ ઍક્સ-રે માટે મૂકવી પડે છે. વિમાન-મથકો પર મુસાફરોનાં પગરખાં પણ કઢાવે છે, અને ઉપર પહેરેલાં સ્વેટર-કોટ પણ ઊતરાવે છે. વૃદ્ધ સ્ત્રી-પુરુષો દેખીતાં અશક્ત હોય તો પણ એમનો વારો આવે જ. કર્મચારીઓનાં મોઢાં કઠોર, ભવાં ચઢેલાં, ને છણકા કરવા પણ જાણે તૈયાર જ. પણ આ તો સરકારી મામલો, સામે દલીલ કરવા જાઓ તો પકડે, રોકે, હેરાન કરે, કાંઈ કહેવાય નહીં. આપણે ધીરજ અને સ્થિરતા રાખ્યે જ છૂટકો. એક વાર વિમાન-મથક પર એક લાઈનમાં હું ઊભેલી, ત્યાં કર્મચારિણીએ મને કાગળનો નાનો ટુકડો આપ્યો, ને પકડી રાખવા કહ્યું. મેં નવાઈ પામીને એને ફેરવીને જોયો. એકાદ નંબર સિવાય એ સાવ કોરો હતો. પેલી કહે, “કશો વાંધો નથી. ચિંતા ના કરો. તમારો વારો આવે ત્યારે મને પાછો આપજો.” આટલી સારી રીતે એણે સમજાવ્યું તે ય મોટી નવાઈ હતી. મેં પછો આપ્યો ત્યારે એણે એ કાગળના ટુકડાને કોઈ નાના મશિનમાંથી પસાર કર્યો લાગ્યો, ને પછી મને જવાનું કહ્યું. તે જ ઘડીએ મને ખ્યાલ આવ્યો કે આ રીતે એણે મારાં ટેરવાંની છાપ લીધી હતી, ને તપાસી હતી. અત્યાર સુધી ‘ફિન્ગર પ્રિન્ટ’ની આ તપાસ ગુનેગારની ઓળખ માટે કરવામાં આવતી. વાહ, હવે સાધારણ પ્રવાસી પર ગુનાની શક્યતાનું આરોપણ કરાવા માંડ્યું. એમાંય હું એકલી જતી બિન-શ્વેત, લઘુખંડીય સ્ત્રી. અત્યંત શંકાસ્પદ વર્ગીકરણ! ક્યાંક ગુનાની, કે બૉમ્બ મૂકાયાની જો સહેજ આશંકા કે ગંધ પણ આવે તો ફટાફટ પગલાં લેવાય છે. કેવળ એક વિમાન જ નહીં, લૉસ ઍન્જેલસ જેવાં વિશાળ વિમાન-મથકો આખાં ખાલી કરાયાનું, બંધ કરાયાનું પણ બન્યું છે. જો ક્યાંય કોઈ થેલી, પાર્સલ, ખોખું વગેરે કોઈની માલિકી વગરનાં પડી રહેલાં દેખાય તો પોલિસ ઝડપથી આવી ચડે છે, લોકોને આઘા કરે છે, જગ્યા – ભૂગર્ભરેલ, બસસ્ટેશન, ટ્રેનસ્ટેશન, શૉપિન્ગ સેન્ટર ઇત્યાદિ – ખાલી કરાવે છે, આસપાસના રસ્તા બંધ કરી દે છે, અને સળગી ના જાય તેવા ખાસ પોષાક પહેરેલા તપાસ-એકમના નિષ્ણાતોને બોલાવે છે. શંકાસ્પદ વસ્તુની એમની ચકાસણી પછી જો બધું સુરક્શિત લાગે તો, ને ત્યારે જ, એ જગ્યાઓ, ટ્રાફિક વગેરેને યથાવત્ થવા દેવાય છે. એ દરમ્યાન નાગરિકોની અગવડોનો પાર નથી રહેતો. પણ ભાગ્યે જ કોઈ ફરિયાદ કરે, કે અકળાય. ખોટી પડેલી ચેતવણી માટે થઈને કોઈ પોલિસની કે નગરપાલિકાની હાંસી ઉડાવતું નથી. જાણે અમેરિકાના જીવનની બદલાયેલી વાસ્તવિકતા અને સુરક્શાની જરૂર દરેકે દરેક જણ અનુભવી રહ્યું છે. પ્રજામાં આત્મવિશ્વાસ પેદા થાય, અને ભયનો ભાવ ઘટે તે માટે નગરપાલિકાએ એક માર્ગદર્શિકા પણ તૈયાર કરાવેલી. કટોકટીના સમય માટે શું કરવું જોઈએ, શું સાથે રાખવું જોઈએ, જરૂરી સર્વ દસ્તાવેજોને પલળે નહીં તેવી થેલીમાં હાથવગા ક્યાં મૂકી રાખવા જોઈએ વગેરે વિષે સ્પષ્ટ સલાહ હતી. છ પાનાં ભરીને સંકટ-સમય માટેની માહિતી હતી, જેમાં દરેક પ્રકારની ઋતુનો ઉલ્લેખ હતો. વધારે પડતી ઠંડી, ગરમી, હિમ-વર્ષા, જળ-વર્ષા વગેરેનાં વ્યાખ્યા અને વર્ણન હતાં. આગ લાગી હોય, ગેસ પ્રસર્યો હોય, ધરતીકંપ થાય, રોગચાળો ફાટી નીકળે, ઇમારતો તૂટી પડે વગેરે સંજોગોમાંથી બચવાના ઉપાય પણ નોંધાયા હતા. ‘આતંકવાદ પરના વિચારો’ શીર્ષક નીચે બેએક પાનાં પર જુદી જુદી પરિસ્થિતિઓનો ઉલ્લેખ હતો. એ વિષે જાણકારી તથા સભાનતા હોય તો વ્યક્તિ એનો સામનો કરી શકે, એવો ખ્યાલ હતો. ઉપરાંત, બાળકો, વૃદ્ધો, અપંગ, ગાંડપણનો ભોગ બનેલી, માંદી વગેરે વ્યક્તિઓને કઈ રીતે સહાય કરવી, તે સમજાવ્યું હતું. અને વળી, પાળેલાં પશુ-પંખી પણ ભુલાયાં નહતાં. આ વિષે મજાક કરવાની કોઈને – સત્તાધારીઓને કે છાપાંઓને છૂટ નથી, કારણકે એ પાળનારાંના પશુપંખીપ્રેમ-સ્વાતંત્ર્યની મજાક કહેવાય. આવું રહેલું છે અમેરિકા – ગાંડુંઘેલું, ડાહ્યુંડમરું, લુચ્ચું, ભોળું, બુદ્ધુ, હોંશિયાર, નબળું, જબરું, કચરાળું, સુંદર, ઉદાર મન અને નીતિ ધરાવતું, અન્ય દેશોને સહાયકર્તા, ઈર્ષાને પાત્ર, અત્યંત ઈચ્છનીય, વિશાળ, વિશિષ્ટ, અસામાન્ય, અને હવે અનિષ્ટનો બલિ બનેલું, આતંકવાદીઓનો ભોગ બનેલું. પહેલાં કરતાં એની વાસ્તવિકતા ઘણી કઠિન બની છે. કેવો અફસોસ.