કાવ્ય-આચમન શ્રેણી – સુન્દરમ્/ ૮. માનવી માનવ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૮. માનવી માનવ| સુન્દરમ્}} <poem> પૃથ્વી-ઉછંગે ઊછરેલ માનવી હું મ...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 152: Line 152:
</poem>
</poem>
{{Right|(ચૂંટેલી કવિતા: સુન્દરમ્, પૃ. ૨૧-૨૫)}}
{{Right|(ચૂંટેલી કવિતા: સુન્દરમ્, પૃ. ૨૧-૨૫)}}
{{HeaderNav
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – સુન્દરમ્/ ૭. પગલાં| ૭. પગલાં]]
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – સુન્દરમ્/૯. ધ્રુવપદ ક્યહીં?|૯. ધ્રુવપદ ક્યહીં?]]
}}

Latest revision as of 11:07, 18 September 2021

૮. માનવી માનવ

સુન્દરમ્

પૃથ્વી-ઉછંગે ઊછરેલ માનવી
હું માનવી માનવ થાઉં તો ઘણું.

અનન્ત વિશ્વે લઘુ બિન્દુ પૃથ્વી
પરે હું ચૈતન્ય તણો જ બિન્દુ,
ચૈતન્યશાળી થઈ ચેતનાનો
પ્રવાહ સીંચું જડમાં ઘણું તો.

આ દેહપે પાંખ ઉગાડવી ના,
આ ખોબલે સૃષ્ટિ ઉછાળવી ના,
અમાનુષી શક્તિ જ જાચવી ના.

દિક્કાળનાં સર્વ પેટાળ ભેદી,
નેપથ્ય સૌ સ્થૂલ તણા જ છેદી,
સૂર્યો તણી જોઈ નિહારિકાઓ
આ આંખપે પાંપણ બીડવાની.

ઊડી ઊડી આભ તણા ઊંડાણે,
સમુદ્રનાં ગહ્વરના પટાળે,
ભમીભમીને પગ ઠારવા તો
ને શ્વાસ લેવા અહીં આવવાનું.

કીકી ક્યહાં આ, ઉડુમંડળો ક્યાં?
ક્યાં પાય આ, ક્યાં જ દિગન્તરાળો?
આ દેહડીની રજ-શી ભુજામાં
આ ઊંડળે આભ સમાય શાનું?

આ પંચતત્ત્વે ઘટ જે ઘડાયો,
જે માનવી અંગ મને મળેલાં,
સાર્થક્ય તે અંગ થકી જ સાધું
આ જિન્દગીનું, અહીંયાં ધરાપે
ચાલી પગોથી જ ઉકેલું ભેદો.

વસુન્ધરાને ઉર શીર્ષ ઢાળું,
અંગાંગ એનું સઘળું નિહાળું.
આ વિશ્વનો અંશ જ જો ધરા તો
કને તજી દૂર જ કેમ ઘૂમું?
ધરા તણો અંશ જ પિણ્ડ આ તો
બ્રહ્માણ્ડ આ પિણ્ડ વિશે જ ખોળું.

છે વિશ્વ મારા હૃદયે સમાયું,
શ્વાસે ભર્યો મેં જગપ્રાણવાયુ,
આંખે ભર્યા સૂર્ય તણા પ્રકાશો,
દેહે બધા દેવ તણો જ વાસો,
પરમાણુમાં સર્વવ્યાપી સમાયો,
આ બુદ્બુદે ચેતનઅબ્ધિ ધાર્યો,
આ વૈખરીથી જ અગમ્ય ગાયો,
આ સ્થૂલમાં સૂક્ષ્મતમે વિલાસ્યો.
રે, સૂક્ષ્મથી સ્થૂલ પ્રકાશ પામ્યું.
નિશ્ચેષ્ટથી ચેષ્ટિત સર્વ જામ્યું,
રે, સ્થૂલ ને ચેષ્ટિતને ઉપાસી
અતીત તે સૂક્ષ્મ મથું હું જોવા.
મારા પદે આ પડી મૃત્તિકા જે
તે ખોબલે લૈ મસળું, નિહાળું,
કણે કણે ત્યાં સ્ફુરતી શું વાણી,
આકાશ, વાયુ, જળ, તેજ, પૃથ્વી
એ પાંચની પંચવટી સમાણી
આ ખોબલામાં, કણ આ સમાથી
હિમાલયો કૈં પ્રગટ્યા ઊંચેરા,
ખંડો રચાયા પણ આ કણોથી,
સમુદ્ર પૂર્યા પણ એહ પાત્રમાં,
ને જીવસૃષ્ટિ સ્ફુરતી અહીંથીઃ
આ મૃત્તિકાના કણમાં દટાઈ
તૃણાંકુરો, પુષ્પની વલ્લરીઓ,
વૃક્ષો તણાં જંગલ, ઔષધિઓ,
અનેક ધાન્યો, ફળ પુષ્ટ કૈં કૈં
ઊગે, ફૂટે, પાંગરતાં, ફળંતાં,
એ સર્વથી આ નિજ દેહ પોષતી
કીટાદિથી માનવની સુધીની
આ જીવસૃષ્ટિ સ્ફુરતી નિહાળું.

આ ખોબલામાં કણ માટીના, ને
સૌ ન્યાળતી આંખ તણા જ તારા,
એ બેય રે એક જ શું ખરે રે?
ને માહરી ચિત્તકણી સ્ફુરે રે:
ફૂંકે ઊડંતા કણ આ જ ક્યાં ને
ક્યાં ભેદતી આંખ દિગન્તરાળો?
નિશ્ચેષ્ટ માટીકણ આ પડેલા,
સચેષ્ટ મારા કણ આ બનેલા;
નિશ્ચેષ્ટને વાયુ જગે વિખેરે,
સચેષ્ટ મારા કણ હું વિખેરું;
નિશ્ચેષ્ટથી ચેતનધાન્ય ઊગે,

સચેષ્ટથી હુંય કંઈ ઉગાડું.
જે જે કણોથી ઘટ આ ઘડાયો,
પાછા દઉં તે સઉ શતશઃ સમૃદ્ધ.
મારું અહં પોષું કદી ન એથી,
ન સ્વાર્થનાં મંદિર બાંધું એથી,
નિશ્ચેષ્ટ ને ચેષ્ટિત જે કણો તે
આ ભૂમિ મારી, મુજ ભાંડુઓ જે
તે કાજ આ સૌ કણ દૌં વિખેરી,
વીંટા દઉં સૌ ઋણના ઉભેરી.

આ ચેતનાના કણ કાજ આંહીં
પ્રકાશવાની ઘણી કાલિમા છે,
હજી ઘણાં ભૂતલ ખેડવાનાં,
હજી ઘણાં જંગલ વીંધવાનાં,
હજી ઘણા અદ્રિ ઉલંઘવાના,
હજી ઘણા સાગર માપવાના,
ભૂગર્ભ છે કૈં હજી ભેદવાના,
હજી ઘણાં છે રણ સીંચવાનાં,
હજી ઘણી રાત્રિ ઉજાળવાની,
દિનો ઘણા છે હજી ઠારવાના,
રે, ધુમ્મસો કૈં છ ઉડાડવાનાં,
રે, આતશો કૈં છ જલાવવાના,
હિમાદ્રિઓ કૈંક પિગાળવાના,
જ્વાલામુખી કૈંક શમાવવાના.
વિકાસની દિક્ નિત મોકળી હ્યાં,
હ્યાં સત્ત્વ ઉચ્ચોચ્ચ ખિલાવવાના
નિ:સીમ છે કાર્યપટો બિછાવ્યા.

આ શક્તિદાત્રી, પુરુષાર્થદાત્રી,
મનોવિધાત્રી, મુદપ્રાણદાત્રી,
હૈયે ઊઠંતા સહુ ભાવ કેરી
આ માનવી ભૂમિ જ કામધેનુ,
ભૂગર્ભરત્ના વસુધા જનેતા
તજી કદી ક્યાં જ હાલ જવા હું ઇચ્છું?

આ ચેતનાનો કણ જાળવી હું
અમાનુષી દાનવતાપ્રવાતે
બુઝાઈ જાતો હું લઈ બચાવી,
એ ચેતનાને અધિકાધિકી હું
પ્રજ્વાળવા ઇચ્છું અહીં અહીં જ,
આ ભૂમિમાં, માનવદેહ માંહે
પુન: પુન: પ્રાર્થું હું જન્મ મારો.

ને આમ ઉત્ક્રાન્તિપથે પળંતો
હું માનવી ચિત-શણગાર ઝાઝો
જ્વલંત થાતો દિન એક પૂર્ણ
નિર્ધૂમ્રજ્યોતિ થઉં શુદ્ધ આત્મા,

આ અલ્પદેહે પ્રભુની પ્રતિષ્ઠા,
સ્થપાયલી શાશ્વત સત્યનિષ્ઠા,
સત્કાર્ય-દીક્ષા હૃદયે દૃઢીને,
અનંતનો દીપકવાહી હું આ
મનુષ્ય જન્મ્યો, મનુ-જન્મ કેરું
રહસ્ય હું પૂર્ણનું પૂર્ણ પામુંઃ
આ ભૂમિમાં પાપ છતાં અનંતે
અડ્યું યથા વામન કેરું શીશ.

હું એક દી એમ ત્રિલોક માપતો,
વસુંધરાને વસુ આપી વિશ્વનાં,

વસુન્ધરાનું વસુ થાઉં સાચું,
હું માનવી માનવ થાઉં તો ઘણું.

૮ ઑગસ્ટ, ૧૯૩૨
૩૦ જુલાઈ, ૧૯૫૩

(ચૂંટેલી કવિતા: સુન્દરમ્, પૃ. ૨૧-૨૫)