પ્રતિપદા/પોતાની કેડી કંડારનારા કવિઓ – શિરીષ પંચાલ: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
(2 intermediate revisions by the same user not shown) | |
(No difference)
|
Latest revision as of 10:17, 7 September 2021
શિરીષ પંચાલ
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સુરેશ હ. જોષીના વિદ્યાર્થી. ત્યાં જ અધ્યાપક રહ્યા, નિવૃત્ત થયા. વિદ્યાર્થીઓ અને વર્ગ મળે એટલે રાજી રાજી થનારા. ઉત્તમ સાહિત્યનું અઢળક વાંચન. મહત્ત્વના વિવેચક તરીકે સુખ્યાત. નવલકથા-નિબંધ-વાર્તા-નાટક પણ લખ્યાં. વિભાષી કૃતિઓના અનુવાદો કરીને સર્જન-ભાવનનો આનંદ વ્હેંચવામાં ખુશી મેળવે છે. સુ. જો.ની નિશ્રામાં રહીને ય પરંપરાગત વિવેચનનાં ધ્યાનપાત્ર વલણોના પુરસ્કર્તા. ‘વાત આપણા વિવેચનની’(૧-૨)માં આધુનિક અને તે પૂર્વેની ગુજરાતી વિવેચનાનું મૂળગામી અને તત્ત્વલક્ષી મૂલ્યાંકન કરીને પૂર્વજોને અજવાળે આપણને ઊભા રાખ્યા. રા. વિ. પાઠક, ઉ. જો. અને સુન્દરમ્ વિશેની એમની વિવેચના એમની વિદ્વત્તાની દ્યોતક છે. સાહિત્યના સામાજિક સન્દર્ભને અનિવાર્ય ગણનારા આ નોખા વિવેચકે સુ.જો.ના માર્ગદર્શનમાં ‘કાવ્યવિવેચનની સમસ્યાઓ’ વિશે શોધપ્રબંધ તૈયાર કર્યો હતો... જે હવે પ્રકાશિત છે. બધાં સાહિત્યસ્વરૂપો અને સર્જનો તથા વિવેચનોમાં રસરુચિ ધરાવે છે. સામાજિક-સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, પરિસ્થિતિઓ વિશે સજાગ રહીને વિચારનારા આ વિવેચકને એકાધિક કળાઓમાં રસ છે. ભાષા-સાહિત્ય-શિક્ષણની ચિંતા કરવા સાથે વર્તમાનપત્રમાં એ વિશે કોલમ લખે છે. ત્રૈમાસિક ‘સમીપે’ના ત્રણ પૈકીના એક સંપાદક છે. પૂર્વે ‘એતદ્’નું સહસંપાદન કર્યું છે. સિંગાપુરનો પ્રવાસ.
(ભરત નાયક, યજ્ઞેશ દવે, નીરવ પટેલ, મનોહર ત્રિવેદી તથા જયેન્દ્ર શેખડીવાળાની કવિતા વિશે)
વીસમી સદીના ઉત્તરાર્ધની શરૂઆતમાં યોજાતાં કાવ્યસત્રો, વાર્તાસત્રોની યાદ અપાવતું આ અનોખું કાવ્યસત્ર છે. આધુનિક ગુજરાતી કવિતાના મુખ્ય કવિઓના અર્પણ પછી ગુજરાતી કવિતામાં કેવાં પરિવર્તનો આવ્યાં છે તેની વાત ઝાઝી થતી નથી, વિદ્યાપીઠોમાં સાહિત્યનો ઇતિહાસ ભણાવતી વખતે ઘણું કરીને ૧૯૫૦થી આગળ વધવામાં આવતું નથી. આ સંજોગોમાં આવો ઉપક્રમ આમે પ્રશંસનીય છે અને પેલાં કાવ્યસત્રો ગુજરાતમાં ગાજ્યાં હતાં તેવું આ કાવ્યસત્ર પણ એની ગુણવત્તાથી અને આયોજનાથી બોલી ઊઠશે.
ભરત નાયકને કેટલીક ગુજરાતી કવિતામાં કૃતક કાવ્યબાની વરતાઈ છે, રૂપરચના વિશેની સભાનતાએ, સુરેશ જોષીએ ઉઘાડેલી નવી દિશાએ ગુજરાતી કવિતાનો ચહેરોમહેરો બદલી નાખ્યો તેનો સ્વીકાર અહીં છે. ૧૯૬૦ના સમયે સુરેશ જોષીએ ગુજરાતી કવિના ‘હું’ની અતિ માત્રાની આકરી ટીકા કરી હતી, ભરત નાયક પણ માને છે કે આધુનિક સમયમાં કવિની આત્મરતિ વધી છે. અહીં આવી કશી આત્મરતિ જોવા મળશે નહીં, આપણે કૈંક અંશે ગુમાવેલા સહઅસ્તિત્વની ઝાંખી અહીં જોવા મળશે. આપણા સમયમાં બહુમુખી સંવેદના વિના, તેની અભિવ્યક્તિ વિના બીજો કોઈ વિકલ્પ આપણી પાસે રહ્યો નથી. સાંપ્રત ગુજરાતી કવિતામાં પ્રતિબદ્ધતા, નારી ચેતના, દલિત ચેતનાની વાતો થાય છે, એવી કવિતા પણ ખાસ્સી રચાઈ છે. ભરત નાયકની કવિતા આ બધાથી થોડી દૂર રહે છે, સાથે જ એક જુદા જ જગતને આપણી સામે ધરે છે. નગરજીવનની ત્રસ્તતાની આપણે બધા વાતો કરીએ છીએ, પણ ભરત નાયક શહેરી જીવનથી દૂર દૂર પ્રદેશને પોતાનો કરવાની રટ લઈને બેઠા છે. રહસ્યમય જીવન અને જંગલના અંધકારમાં ઘર ઉભું કરવાની હઠ લઈને બેઠેલા કવિએ અંધારામાં ઘરની હોડી તરતી મેલી છે(રાત્રિ). સિંહ દ્વારા સૂચવાતી ભૂમિ અને માછલી દ્વારા સૂચવાતી જળસૃષ્ટિ – કવિમાં એકાકાર થઈ ગયાં હોય એમ આલેખાય છે.
ભરત નાયકનું પદાર્થ જગત વિલક્ષણ છે, અને એને એવાં જ વિલક્ષણ ઇન્દ્રિયજન્ય સંવેદનો છે એટલે જ તેઓ દીવેલીના છોડની કડક વાસ પામી શકે છે. આપણને અતિપરિચિત ડુંગળી તેમની ચેતના દ્વારા કેવાં નૂતન પરિમાણો પામે છે તે જોવા જેવું છે. અહીં સ્થૂળ વર્ણન નથી, ‘પડ પહેલાં પવનભર્યાં સઢ બને’ કહીને ડુંગળીના પરિમાણને અતિ વિસ્તૃત કરવામાં આવ્યું છે, વળી ડુંગળીનાં ઉકેલાતાં પડ કયા કયા પદાર્થોમાં ફેરવાતાં જાય છે –પડ પહેલાં પવન ભર્યા સઢ બને
પછી ચકચકતી છીપ
પછી મોગરાની પાંદડી
પછી બરકતી કોડી
અંતે બી જેવું મોતી જડે.
પદાર્થોને તેમની સાથે સંકળાયેલા તમામ સંદર્ભોથી મુક્ત કરીને જોઈએ તો કેવા લાગે? ‘પીંછું’, ‘પથ્થર’ જેવી રચનાઓ આપણા અતિપરિચિત પદાર્થજગતને સાવ અપરિચિત બનાવી દે છે. આ પ્રકારની રચનાઓમાં ચિંતનનો ભાર નથી, ઇતિહાસ – સંસ્કૃતિ બાજુ પર મુકાયેલાં છે. હા, ક્યારેક ‘કવિની કવિતા’માં ઈશ્વર વિશે થોડી વાતો આવશે. એનો રઝળપાટ, એની આસપાસની હિંસા, પ્રકૃતિનો વિનાશ – આ બધું આલેખાતું જાય છે – આ ઈશ્વરની પડછે એક બીજો ઈશ્વર (અમારે કાવ્યસંચારે કવિરેકઃ પ્રજાપતિ) મનાતો કવિ છે. સમગ્ર બ્રહ્માંડને સર્જનારો ઈશ્વર અને એ ઈશ્વરને સર્જનાર કવિ – આ બંનેની નિયતિમાં મૃત્યુ અને દેશવટો જ લખાયાં છે એવી એક ભૂમિકા અહીં આલેખાઈ છે.
આપણી એક ઇન્દ્રિયનો અનુભવ જો અતિ ઉત્કટ હોય તો તે માત્ર એકનો અનુભવ ન બની રહેતાં બધી ઇન્દ્રિયોનો ઉત્સવ બની રહે છે. ‘સોડમ’ કાવ્યમાં વિવિધ ભોજ્ય પદાર્થોની વિવિધ સોડમો કેવી રીતે આલેખાઈ છે તે જોવા જેવું છે. એમાં માત્ર સોડમની વાત નથી આવતી, સમગ્ર કૌટુંબિક પરંપરાનું આલેખન થાય છે.દાદીમા સીસમના મસમોટા કોઠારનું બારણું ઉઘાડી
અંદરના છાશ, માખણ, હવેજિયાનાં અથાણાં
ભેગો છેટેનાં પિયેરિયાંનો પમરાટ સૂંધી રહ્યાં છે
પછી મઘમઘ એ દાદીમા બધાનાં ભાણાં ફરતે ફરી વળે છે!
‘કપિરાજ
રામજી મંદિર ટોચે
ઢળતા સૂરજનો મુગટ પહેરી બેઠો હતો.’
*
તારી મુંડમાળામાં શોભે તેવા ચંડ મુંડ ચડે ઊતરે છે પગથિયાં
સભાગારના સિંહાસનનાં.
શુકનવંતા સાથિયે તો આંગણામાંથી ઊડી સ્વસ્તિક થઈ કાળો કે’ર
વરતાવ્યો કાળો કે’ર
સંકેલાઈ ગ્યાં છે દાતઈડું ને હથોડી
હવે તો અવનવા એકાવન તારલાવાળી ધસમસે છે દળકટક લઈ
હીણી, સાવ હીણી
બંને બાજુ અક્ષૌહિણી.
જો હવે તો રોજ રોજ ઓગણીસમા દિવસનું પરભાત
આમાં ક્યાંથી દીસે અરુણું પરભાત.
વહેંચીને ખાધું નથી મા
વેચી ખાધું છે બધું
ધરતી વેચી
વેચ્યું આકાશ
વેચ્યો દરિયો
તો બીજી બાજુ વના જેતા અને કથક વચ્ચે ચાલતો સંવાદ દ્વારા સમકાલીન સામાજિક સંદર્ભો ઊઘડે છે. દરિદ્રતા, પછાતપણું, સામાજિક અન્યાયો, કપરા જીવનસંઘર્ષની વાતને કેટલી બધી હળવાશથી રજૂ કરી શકાય છે તેનો આ કૃતિ એક નમૂનો પૂરો પાડે છે. ઉત્કટ વેદનાને હળવી રીતે રજૂ કરવાથી એ વેદના વધુ ઉત્કટરૂપે વ્યક્ત થઈ શકે છે અને જરાય અતિરંજિત બન્યા વિના. સાંપ્રત અનેકકેન્દ્રી સમસ્યાઓ, આધુનિકતાના-અનુઆધુનિકતાના પ્રશ્નોને બાજુએ રાખીને મનોહર ત્રિવેદી પરંપરાગત કાવ્યપ્રકારો લઈને આવે છે. આનો અર્થ એવો નથી કે એ પ્રકારની સંવેદનાથી કે એ સંવેદનામાંથી પ્રગટતી કવિતાથી તેઓ નર્યા અજાણ છે. જે કવિતા તેમના અનુભવોની નીપજ ન હોય, પોતાના શ્વાસ-પોતાના લોહીમાં ઓગળી ગઈ ન હોય તેવી કવિતાથી મનોહર ત્રિવેદી દૂર રહેવાનું પસંદ કરે છે. અહીં ઘણું કરીને ગીતોમાં આલેખાયેલો પરિવેશ ગ્રામચેતનાસભર તળપદ છે. કેટલુંક લોકગીતોના ઢાળમાં છે. અક્ષરમેળ વૃત્તો પર પાકી પકડ છે પણ મોટે ભાગે ગીતરચનાઓ છે. ‘પગલાં તારાં’, ‘તમે ભલે ઘર છોડી ચાલ્યાં’માં રંગદર્શી અભિગમ ધરાવતી રચનાઓ છે. ગમતી વ્યક્તિનાં પગલાં પડવાથી કેવા ચમત્કાર થાય છે? માત્ર નાયકનું વ્યક્તિત્વ જ નહીં, ભીંત પરની ઓકળીઓ સુધ્ધાં ખીલી ઊઠે છે, અને એમ જે કંઈ જડ હતું, નિર્જીવ હતું તે બધું જ ચૈતન્યમય બની ઊઠે છે, નાયિકાએ ઘરના સમગ્ર અસબાબને જીવંત કરી દીધો, અને આમ નાયિકાનું વ્યક્તિત્વ પરોક્ષ રીતે આપણી સામે તરવરી ઊઠ્યું. બીજી રચના આગલી રચનાથી વિરુદ્ધની છે પણ તે પહેલી જેટલી અસરકારક બની શકી નથી.
આ પ્રકારની રચનાઓ તેમના લય, તળપદ આલેખન, પરંપરાગત વિષયવસ્તુને કારણે લોકપ્રિય તો બને જ – એમાં ક્યારેક આલેખનરીતિને કારણે વિશેષ લોકપ્રિય થઈ જાય છે – ‘પપ્પા, હવે ફોન મૂકું’ આવી જ એક રચના છે. ઘર છોડીને બહાર ભણવા ગયેલી દીકરી સાથેનો જીવંત નાટ્યાત્મક સંવાદ અહીં છે. વાત સાવ સીધીસાદી અને એવી જ હૃદયસ્પર્શી, સામાન્ય માનવીના ભાવવિશ્વને અસમાન્ય રીતે સ્પર્શવાની ક્ષમતાને કારણે જ એ ઘરઆંગણે અને બહાર વિશેષ જાણીતી થઈ છે. અને જુઓ – ફોન પર થતી વાતચીતનો લય બરાબર પકડાયો છેઃ- શું લીધું? સ્કુટરને? ... ભારે ઉતાવળા... શમ્મુ તો કે’તો’તો ફ્રિજ
- કેવા છો જિદ્દી? ...ને હપ્તા ને વ્યાજ... વળી ઘર આખ્ખું ઠાલવશે ખીજ.
- શું લીધું? સ્કુટરને? ... ભારે ઉતાવળા... શમ્મુ તો કે’તો’તો ફ્રિજ
‘તું તારી રીતે જા’નો આરંભ જુઓ
‘કોઈ જાતું હળવે હળવે કોઈ ઘા એ ઘા
તું તારી રીતે જા...’
પરંતુ જો કોઈ બંધિયાર વાતાવરણને વરવા માગતું હોય તો કવિ એને શીખ દે –
બંધ ઓરડા કદી ન ઝીલે કો શ્રાવણની હેલી
ઊલટ થાય તો ખોલી દે તું તારા ઘરની ડેલી...,
પરંપરાગત ભજન જેવાં કાવ્યપ્રકારો પરનું પ્રભુત્વ ‘કોના હોઠે’ જેવી રચનામાં જોવા મળે છે.
ધીરાં ધીરાં
દૂર દૂર ક્યાં ગળતી રાતે વાગે છે મંજીરા?
મ્હેક મ્હેકનાં થળથળ થાનક
ઊઘડ્યાં સૂરના પારિજાતક
છેતરે છે જે સદા તે ભીડમાં મળશે નહીં
આપણી ભીતર કદાચિત એક ઠગ હોઈ શકે...
એમ ઓળખ નહિ મળે ટીકી ટીકી જોવા છતાં
જાતમાંથી નીકળેલો જણ અલગ હોઈ શકે...
ઓરાને પછવાડે માર્યાં છે તીર
આઘેના મોકલે ત્યાં શીતળ સમીર...
તમે કહો છો ગીત ગઝલ પણ
મારે મન તો એ જ કહુંબો...
વીસમી સદીની છેલ્લી પચીસીમાં ગુજરાતી કાવ્યવિશ્વની ક્ષિતિજો વિસ્તરી. નારી ચેતના, દલિત ચેતના, આદિવાસી ચેતના સદીઓની ઉપેક્ષા પછી એનું જ્વલંત પ્રગટીકરણ થયું. અનુભૂતિ અને અભિવ્યક્તિના નવા પ્રદેશો ઊઘડ્યા. આ દલિત-પીડિત કવિઓના એક મહત્ત્વના પ્રતિનિધિ છે નીરવ પટેલ. ગુજરાતી કવિતામાં જોવા મળતી પશ્ચિમપરસ્તી સામે તેમને વાંધો છે, આધુનિક-અનુઆધુનિકનાં મહોરાં પહેરીને રચના કરતો કવિ તેમની દૃષ્ટિએ કૃતક છે – આ કવિનો અંગત દૃષ્ટિકોણ હોઈ આપણને તે સ્વીકાર્ય-અસ્વીકાર્ય હોઈ શકે.
નીરવ પટેલની કવિતામાં આક્રોશ છે, પરંપરાએ, પ્રાચીન રૂઢિઓએ, શાસ્ત્રોએ માનવને માનવી તરીકે જોયો નહીં, એક વિશાળ જનસમૂહની ઉપેક્ષા થઈ. પણ ઇતિહાસ આવી ઉપેક્ષાઓને વેઠી શકતો નથી. કહેવાતા ઉજળિયાત વર્ગ દ્વારા થયેલા અન્યાય, શોષણને શોષિત-દલિતની આંખે જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. ઘડીભર આપણાં કાવ્યશાસ્ત્ર, સૌંદર્યશાસ્ત્ર, કાવ્યવિભાવનાને બાજુ પર રાખીને આવી પ્રતિબદ્ધ કવિતાનું જુદું કાવ્યશાસ્ત્ર ઊભું કરીએ તો? આપણી પરિધિમાં બધા જ પ્રકારનાં કાવ્યજગત આવવાં જોઈએ, એ જગત અભિધાનું, ક્યારેક વાચાળતાનું, ક્યારેક ‘ઘણ ઉઠાવ ભુજા માહરી’ જેવું કહેનારનું પણ હોઈ શકે. નીરવ પટેલની કવિતા હવે હાંસિયામાંથી બહાર આવી છે, સ્વાભાવિક રીતે તેમની કવિતામાં સદીઓથી ચાલી આવેલા અન્યાયો સામે માથું ઊંચકનારની ફરિયાદ તારસ્વરે સંભળાય છે. અહીં પછાત હોવાની વેદના નથી પણ વારેવારે ‘તમે પછાત’ સાંભળ્યા કરવાની વેદના મુખરિત થઈ છે. દા.ત. ‘નામશેષ’ રચના.‘માઈક્રોસ્કૉપની આંખને પણ મારી ઓળખ રહી નથી
પણ ગીધ જેવી તમારી આંખની ચાંચ
શીદ હરહંમેશ મારા નામના મડદાને ટોચ્યા કરે છે.’
ફરમાન હોય તો માથા ભેર
ફૂલોને કાંઈ બીજું કહીશું
મહેક થોડી મરી જવાની છે?
અને આમને ફૂલ કહીશું
ગંધ કાંઈ થોડી જવાની છે?
બે દ્હાડીનાં મૂલ સ.
અમાર બે ઘડી વિહાંમો વૈતરાંમાંથી
બાચી અમે તો આ હેંડ્યાં હાડકાં વેણવા.
‘કચ્છ તો સંતો-સખાવતીઓની ભૂમિ
હશે કોઈ જેસલ જેવો બહારવટીયોય વળી,
ભલા ભાઈ!
દિલ્હી કે ગાંધીનગર ક્યાં દૂર હતાં તારે?!’
‘ખમા! બાપા ખમા!
કાળિયો તો જનાવર
પણ તમે તો મનખાદેવ.
બાપડા કાળિયાને શી ખબર
અમારાથી શૂરાતન ના થાય?’
દા.ત.
પાણી ઉપર ચાલે રે પડછાયા એણી પાર સમયના
ઉડંઉડા કરે ઉજાશો ઓ પારે રે નાભિવલયના
જયલા! સાત છલાંગે ઉકલ્યાં સાત સાત પાતાળ
નાભિનાળ વીંધી અને ખુદ પહોંચ્યા રસાતાળ
જયલા! જાણ, જાણતલ, જાણલ ઊગ્યાં, ઊગ્યાં બોલત્ સૂનત્ યે
વણભૂમિ વણઅવકાશાં અમે રોપ્યાં રન્ધરબીજ અનેક –
કાષ્ઠપૂતળી પૂછે મારી સાલ ૧૯૫૨ ક્યાં છે?
કાષ્ઠપૂતળી પૂછે મારું ગામ શેખડી ક્યાં છે?
કાષ્ઠપૂતળી પૂછે મારી ડિમ્ભ રોપતી એ ક્ષણ ક્યાં છે?
કાષ્ઠપૂતળી પૂછે ક્યાં મારું પૂર્વજની ઓ પાર ઊભેલા
પૂર્વજનું સંધાન? અનુસંધાન?
અંધારા જળ વચ્ચે કાળા ઘોડા દોડે તબડક તબડક
ભેદ ભરી ઘટના મારામાં કોઈ જુઓ, ઉમેરી ઊભું...
નવ માસે અંધાર પ્રગટશે, જનમ કુંડળી વચ્ચે કાળો દીવો ઊગશે
કહેવાશે કે ઝળહળ શ્વાસે તેજનું ધાડું જઈ નગરી અંધેરી ઊભું.
આ નભસ્ ગંગા બધી પડઘા છે મારા શબ્દના
કોઈ કાળે મેં મને કોઈ શ્લોક સંભળાવ્યો હતો.
આવી જ ખુમારી ‘છોતરું’માં પણ પ્રગટ થાય છેઃ
એક ક્ષણને આંતરી બ્રહ્માંડ સઘળાં આંતરું
ફૂંક મારું ને ઊડે એ જેમ ઊડતું ફોતરું.
કોઈ અતળ સમુદ્રના તળિયા સમાન છું
જેમાં નથી વસતું કોઈ એવું મકાન છું...
ઝાંખો જોવા દેશ કિરણનો અંધારું સળગાવું
જમણા પગના અંગૂઠેથી પ્રગટાવું રે
- પરથમ પગલું ઝાંખો જોવા દેશ.
પ્રતિપદાની તા. ૨૦ સપ્ટેમ્બર, ૨૦૧૪ શનિવારની દ્વિતીય બેઠક : દરવિશ કવિસંગતિમાં અપાયેલું વ્યાખ્યાન.