સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/અંબાદાસ અગ્નિહોત્રી/મીઠાં વડચકાં: Difference between revisions
No edit summary |
No edit summary |
||
(6 intermediate revisions by 2 users not shown) | |||
Line 3: | Line 3: | ||
કોઈને લાગશે કે આ બનાવટી વાત છે. પણ મને એવું બનાવટી લખતાં કે બોલતાં આવડતું નથી. લાગણીવેડા પણ મને ગમતા નથી. લોકો મને ખંધો ગણે તો પણ ગણી શકે. | કોઈને લાગશે કે આ બનાવટી વાત છે. પણ મને એવું બનાવટી લખતાં કે બોલતાં આવડતું નથી. લાગણીવેડા પણ મને ગમતા નથી. લોકો મને ખંધો ગણે તો પણ ગણી શકે. | ||
અને છતાં આ સોળની સંખ્યામાં કોઈ એવું અજબગણું રહેલું છે કે એ આવતાં જ મારા હૈયામાં ભારે મૂંઝવણ પેદા થાય છે, વિચારના વંટોળ જાગે છે. ખાસ કરીને રૂપિયા ગણવાના આવે ત્યારે સોળની સંખ્યા આવતાં જ હું થંભી જાઉં છું અને ક્યાંય સુધી બેચેની અનુભવું છું. | અને છતાં આ સોળની સંખ્યામાં કોઈ એવું અજબગણું રહેલું છે કે એ આવતાં જ મારા હૈયામાં ભારે મૂંઝવણ પેદા થાય છે, વિચારના વંટોળ જાગે છે. ખાસ કરીને રૂપિયા ગણવાના આવે ત્યારે સોળની સંખ્યા આવતાં જ હું થંભી જાઉં છું અને ક્યાંય સુધી બેચેની અનુભવું છું. | ||
વખતે મારી નજર સામે મારી વિદ્યાર્થી-અવસ્થાનું ચિત્ર ખડું થાય છે. આ વાંચનારમાંથી કોઈને પારકે ઘેર મફત દાન તરીકે જમવાની કપરી વેળા આવી હશે કે કેમ એ હું જાણતો નથી. પણ હું એમ ઇચ્છું ખરો કે મારા વેરીને પણ એવા દિવસ જોવા ન પડે. ધર્માદાનું ખાવામાં જે લાચારી, જે અપમાન, જે માનહાનિ વેઠવાં પડે છે, તે અનુભવી લીધા પછી એ નાની વયમાં પણ મેં પ્રતિજ્ઞા લીધી હતી કે, ભલે ગમે તેવું કાચુંકોરું ખાવું પડે, પણ હું મારી મહેનતનું અન્ન જ ખાઈશ. કદાચને બીજાની સહાય માગીશ તો પણ તે પાછી વાળવાની દૃઢ ઇચ્છાથી. અને એ કારણે, ટયૂશન રાખીને કે અન્ય રીતે જાતે કમાઈને ભણવાની અથાગ મહેનત હું કરી રહ્યો હતો. તે દિવસોમાં એક બનાવ બન્યો. | |||
બહુ જ ઓછે ખર્ચે જમાડનારી એક વીશીનું ઠેકાણું દેશપાંડે માસ્તરે મને આપ્યું હતું. હું અંદર દાખલ થતો હતો ત્યાં જ મારે કાને શબ્દો અથડાયા : | બહુ જ ઓછે ખર્ચે જમાડનારી એક વીશીનું ઠેકાણું દેશપાંડે માસ્તરે મને આપ્યું હતું. હું અંદર દાખલ થતો હતો ત્યાં જ મારે કાને શબ્દો અથડાયા : | ||
“વીશીના બાર રૂપિયા ભરે છે તે ગણાવતા ફરે છે, પણ રોયાનાં પેટ ભીમસેન જેવાં છે તે કોઈને નથી દેખાતાં! ખાવા બેસે તે જાણે પાઈએ પાઈ વસૂલ કરી લેવાની હોયને એમ ગળચશે! ઘીના બે છાંટા ઓછા પડી જાય, તો તરત મોં બગાડે. લૂછી લૂછીને ખાતાં જાય, ને ઉપરથી કહેતા જાય કે ઘી બાસ મારે છે! રોયાવને પાટલેથી ઉઠાડી જ મેલવા જોઈએ!” | “વીશીના બાર રૂપિયા ભરે છે તે ગણાવતા ફરે છે, પણ રોયાનાં પેટ ભીમસેન જેવાં છે તે કોઈને નથી દેખાતાં! ખાવા બેસે તે જાણે પાઈએ પાઈ વસૂલ કરી લેવાની હોયને એમ ગળચશે! ઘીના બે છાંટા ઓછા પડી જાય, તો તરત મોં બગાડે. લૂછી લૂછીને ખાતાં જાય, ને ઉપરથી કહેતા જાય કે ઘી બાસ મારે છે! રોયાવને પાટલેથી ઉઠાડી જ મેલવા જોઈએ!” | ||
Line 53: | Line 53: | ||
વાત સાંભળતાં જ ખીસામાંનો હાથ ત્યાં જ રહી ગયો. જાતે કમાઈને મેં આણેલા સોળ રૂપિયા લેનાર હવે કોઈ હતું નહીં! | વાત સાંભળતાં જ ખીસામાંનો હાથ ત્યાં જ રહી ગયો. જાતે કમાઈને મેં આણેલા સોળ રૂપિયા લેનાર હવે કોઈ હતું નહીં! | ||
એ વાતને આજે વર્ષો વીતી ગયાં છે. હું સારી એવી કમાણી કરતો થયો છું. પણ પૈસા ગણવાનો વખત આવતાં સોળની સંખ્યાએ પહોંચતાં જ મારો હાથ અટકી જાય છે….. | એ વાતને આજે વર્ષો વીતી ગયાં છે. હું સારી એવી કમાણી કરતો થયો છું. પણ પૈસા ગણવાનો વખત આવતાં સોળની સંખ્યાએ પહોંચતાં જ મારો હાથ અટકી જાય છે….. | ||
(અનુ. ગોપાળરાવ ગ. વિદ્ધાંસ) | {{Right|(અનુ. ગોપાળરાવ ગ. વિદ્ધાંસ)}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |
Latest revision as of 13:22, 24 June 2021
પ્રોવિડન્ટ ફંડનો હપતો અને ઇન્કમટેક્સ વગેરે કાપીને કેશિયરે મને પગારની નોટો આપી. મેં તે ગણવા માંડી : એક, બે, ત્રણ…અગિયાર…બાર…પંદર…સોળ… અને એકાએક હું અટકી ગયો. આવું કાયમ બને છે. કશુંક ગણવાને પ્રસંગે સોળની સંખ્યા આવતાં હું એકદમ અટકી જાઉં છું અને થોડી વાર સુધી અસ્વસ્થ બની વિચારે ચડી જાઉં છું. કોઈને લાગશે કે આ બનાવટી વાત છે. પણ મને એવું બનાવટી લખતાં કે બોલતાં આવડતું નથી. લાગણીવેડા પણ મને ગમતા નથી. લોકો મને ખંધો ગણે તો પણ ગણી શકે. અને છતાં આ સોળની સંખ્યામાં કોઈ એવું અજબગણું રહેલું છે કે એ આવતાં જ મારા હૈયામાં ભારે મૂંઝવણ પેદા થાય છે, વિચારના વંટોળ જાગે છે. ખાસ કરીને રૂપિયા ગણવાના આવે ત્યારે સોળની સંખ્યા આવતાં જ હું થંભી જાઉં છું અને ક્યાંય સુધી બેચેની અનુભવું છું. વખતે મારી નજર સામે મારી વિદ્યાર્થી-અવસ્થાનું ચિત્ર ખડું થાય છે. આ વાંચનારમાંથી કોઈને પારકે ઘેર મફત દાન તરીકે જમવાની કપરી વેળા આવી હશે કે કેમ એ હું જાણતો નથી. પણ હું એમ ઇચ્છું ખરો કે મારા વેરીને પણ એવા દિવસ જોવા ન પડે. ધર્માદાનું ખાવામાં જે લાચારી, જે અપમાન, જે માનહાનિ વેઠવાં પડે છે, તે અનુભવી લીધા પછી એ નાની વયમાં પણ મેં પ્રતિજ્ઞા લીધી હતી કે, ભલે ગમે તેવું કાચુંકોરું ખાવું પડે, પણ હું મારી મહેનતનું અન્ન જ ખાઈશ. કદાચને બીજાની સહાય માગીશ તો પણ તે પાછી વાળવાની દૃઢ ઇચ્છાથી. અને એ કારણે, ટયૂશન રાખીને કે અન્ય રીતે જાતે કમાઈને ભણવાની અથાગ મહેનત હું કરી રહ્યો હતો. તે દિવસોમાં એક બનાવ બન્યો. બહુ જ ઓછે ખર્ચે જમાડનારી એક વીશીનું ઠેકાણું દેશપાંડે માસ્તરે મને આપ્યું હતું. હું અંદર દાખલ થતો હતો ત્યાં જ મારે કાને શબ્દો અથડાયા : “વીશીના બાર રૂપિયા ભરે છે તે ગણાવતા ફરે છે, પણ રોયાનાં પેટ ભીમસેન જેવાં છે તે કોઈને નથી દેખાતાં! ખાવા બેસે તે જાણે પાઈએ પાઈ વસૂલ કરી લેવાની હોયને એમ ગળચશે! ઘીના બે છાંટા ઓછા પડી જાય, તો તરત મોં બગાડે. લૂછી લૂછીને ખાતાં જાય, ને ઉપરથી કહેતા જાય કે ઘી બાસ મારે છે! રોયાવને પાટલેથી ઉઠાડી જ મેલવા જોઈએ!” અવાજની દિશામાં હું એક એક ડગલું આગળ વધતો હતો, અને છતાં એ દરેક ડગલું પાછળ પડે તો સારું એમ મન કહેતું હતું. વીશીના મહિને બાર રૂપિયા આપનાર ઘરાકને પણ જે બાઈ આવાં આકરાં વેણ સંભળાવતી હતી, તે મને કંઈક ઓછામાં જમાડશે એ વાત કોઈ રીતે મારા માન્યામાં આવતી નહોતી. પણ હું ખરેખરા સંકટમાં હતો. આઠ રૂપિયા ઉપર એક પાઈ પણ આપવાની મારી ગુંજાશ નહોતી, અને ગામમાં બીજો કોઈ વીશીવાળો મને આઠ રૂપિયામાં જમાડે તેમ નહોતો. એક નાના ખાંચામાં આવેલી આ ફઈબાની વીશી જ મારે માટે આશાનું સ્થાન હતું. પણ એ સ્થળે તો ડગલું દેતાં જ આવી વાણી સાંભળવા મળી, તેથી એ જ પગલે પાછાં ફરી જવાનું મન તો બહુ થતું હતું. પણ એ ઇચ્છાને દાબી રાખીને આગળ વધ્યા વિના મારે છૂટકો ન હતો. મને આવેલો જાણીને નજીક બેઠેલી બાઈ સાથેની વાત અધૂરી મૂકીને ફઈબાએ જાણે મારી સામે ડાચિયું કરતાં હોય તેમ પૂછ્યું, “અલ્યા, તું કોણ? અહીં શીદને આવ્યો છે? ને આમ ચોરપગલે કેમ ચાલ્યો આવછ!” સ્વાગતના એ કડવા બોલ ગળી જઈ મેં કહ્યું : “દેશપાંડે માસ્તરે મને મોકલ્યો છે. ને કહ્યું છે —” “તે તું ઈ જ છો?” ફઈબાએ ફરીથી મને ઉચકાવ્યો અને પછી પેલાં બહેનની સામે જોઈ કહેવા માંડયું : “લ્યો જુઓ, આ પારકાં સરામણાં! દેશપાંડે માસ્તર પણ ખરા કે આવી લપ અહીં જ વળગાડે છે. મૂઉં બાર રૂપિયામાં બે ટંક ખવડાવું છું એય તો પરવડતું નથી, ત્યાં વળી બેચાર રૂપિયા ઓછા કરવાનું…” અને પછી મારા ભણી જોઈને પૂછ્યું : “બોલ, તું કેટલા રૂપિયા આપીશ?” મેં અચકાતાં અચકાતાં કહ્યું : “મારાથી તો આઠ રૂપિયા…” “આઠ જ!” ફઈબા તાડૂક્યાં. “જા, જઈને તારા દેશપાંડે માસ્તરને કહે કે અહીં ફઈબાએ સદાવ્રત નથી માંડ્યું!” “પણ હું —” હિંમત કરીને મેં કહ્યું. “હું — એક જ ટંક જમીશ…” “તે બીજે ટંકે શું પાણી પીને રહેવાનો છો?” ફઈબાએ કહ્યું : “ને એનોય અનુભવ મને થઈ ગયો છે. પઈસા એક જ ટંકના દઈને પછી ભાણે બેસે ત્યારે બેય ટાણાંનું ભેગું ઝોંહટનારા મેં કંઈક જોયા છે!” “પણ ફઈબા, હું બહુ ખાતો નથી —” “પણ બહુ નહિ તોય જુવાન માણસ છો તે ઘઉંની છ રોટલી તો ખાઈ જા ને! આઠ રૂપિયામાં મને એ ન પરવડે, બાપુ; તારે ખાવો હોય તો બાજરાનો રોટલો આપીશ.” “ભલે, મારે એ કબૂલ છે,” મેં ઉતાવળે જવાબ આપી દીધો. ટંકે સવા રૂપિયાના ચાર્જવાળા આ જમાનામાં આઠ રૂપિયામાં સાઠ ટંક જમાડનારી એ મારા વિદ્યાર્થીકાળની વીશીની યાદ મને અનેક વાર આવે છે. ફઈબાની વીશીમાં હું પૂરાં છ વર્ષ જમ્યો છું. આજે એ ફઈબા પણ નથી રહ્યાં, ને એમની વીશી પણ નથી રહી; કેવળ એનાં સ્મરણો જ રહ્યાં છે. બીજે દિવસે જમવાને ઇરાદે હું ત્યાં પહેલવહેલો પેઠો ત્યારે ફઈબા એક ઘરાકને સંભળાવતાં હતાં : “રીંગણાંનું શાક જોઈ મોં શેના મચકોડો છો? કલદાર રૂપિયા પંદર દેતા જાવ, તો તેલે લચપચતું બટેટાનું ને ફુલેવરનું શાક મઝાનું ખવડાવું — મારે ક્યાં વાંધો છે? ને જો ભાઈ, હું કાંઈ તને બોલાવવા તો નહોતી આવી ને, કે બાપુ, મારી વીશીમાં કોઈ નથી આવતું તે તું ચાલ?…” ફઈબાના મોંમાંથી બંબગોળા છૂટયે જતા હતા. સહેજ ખચકાતાં ખચકાતાં હું પાટલે બેઠો. મને જોઈને ફઈબા બોલ્યાં, “જરા ઘોડો પકડી રાખ, ઉતાવળો થા મા; ખબર છે તારી નિશાળ અગિયાર વાગ્યે છે, પણ હજી તો દશ વાગ્યા છે.” જોકે આ બધું બોલતાં બોલતાં ફઈબાએ થાળી ઝડપથી પીરસીને મારી સામે મૂકી દીધી. પહેલો કોળિયો મોંમાં મૂકતાં હું જરા અચકાતો હતો. વીશીના જમણનો મારો એ પહેલો જ દિવસ હતો. પણ કોળિયો મોંમાં નાખ્યા પછી ચાવતાં ચાવતાં હું મનમાં બોલ્યો : ‘માજીની રસોઈમાં તો પકવાનની મીઠાશ છે; એ જ મીઠાશ જો ભગવાને એમની જીભમાં મૂકી હોત!’ શરૂઆતના ભાત સાફ થતાં જ ફઈબાએ રોટલી ચૂલામાંથી લઈને મારી થાળીમાં ફેંકી. ચમકીને મેં ઊંચું જોયું. ફઈબા ઘીની વાઢી લઈને મારી સામે આવતાં બોલ્યાં, “તારા એકલાના રોટલા સાટુ બાજરો સાફ કરવા ને દળાવી આવવા કાંઈ હું નવરી નથી! તું તારે ઘઉંની રોટલી જ ખાજે, ભા — એવું શું મોટું મને નુકસાન થઈ જવાનું છે?” અને ઘી પીરસતાં વળી કહ્યું: “કેમ, તનેય તે રીંગણાનું શાક નથી ભાવતું? હજી વેંત જેવડો છો, ને મિજાજ તો બહુ લાગે છે! આ શાકમાં શું ખરાબ છે?” મેં કહ્યું : “ન ગમવાનું નથી, ફઈબા! મને પહોંચાડી પહોંચાડીને જમવાની ટેવ છે; તમારી ભાષામાં કહું તો હું પાઈએ પાઈ વસૂલ કરવા નથી આવ્યો!” “મારા રોયા!” પણ એમ બોલતી વખતે ફઈબાના મોં પર મેં પહેલી જ વાર હાસ્યની છટા જોઈ. હું ત્રણ રોટલી પૂરી કરી રહ્યો હતો ત્યાં ચોથી રોટલી ધરીને ફઈબા ઊભાં રહ્યાં. મેં આડો હાથ ધર્યો, પણ ફઈબાએ તો ગરમ રોટલી મારા હાથ ઉપર જ ફેંકી, અને બૉમ્બમારો શરૂ કર્યો : “ખબર છે ઈ તો! આમ ઓછું ખાઈને દૂબળો પડીશ અને પછી તારી મા ગાળો દેશે ઈ મારે સાંભળવી પડશે. કહેશે કે, છોકરાને શહેરમાં ભણવા મોકલ્યો, પણ રાંડ વીશીવાળીએ પૂરું ખવરાવ્યુંય નહિ તે છોકરો મારો સાવ સુકાઈ ગયો!” “પણ ફઈબા! ઓછું જમવાથી માણસ દૂબળો પડી જાય, એ વાત જ ખોટી છે. ઊલટાનું —” “ઈ બધું તું —” કહી હાથ લંબાવી પડખે બેઠેલા એક ભાઈ તરફ જોઈ ફઈબાએ કહ્યું : “ઈ બધું તું આમને કહે. આટલું બધું ગળચે છે, પણ છે ક્યાંય લોહીનું ઠેકાણું? કો’ક કો’ક માણસને એવું હોય કે વરસ આખું એકલું ઘી ખાય ને દૂધ પીએ, પણ શરીરે લોહીનું ટીપુંય ચડવાનું નહિ!” અને એમ કહેતાં કહેતાં ફઈબાએ એ ભાઈને પણ એક રોટલી વધારે પીરસી. એ ભાઈ જમીને ઊઠી ગયા પછી ફઈબાએ મને ભાત પીરસ્યા અને છાશનો વાટકો મારી બાજુમાં મૂક્યો. પેલા જમી ગયેલા ભાઈની પડખેવાળી થાળી ઉપાડી લેતાં વળી એમણે શરૂ કર્યું : “રોયા જમનારાય હમણાં એવા ફાટી ગયા છે! લેતી વખતે ઊંધું ઘાલીને લેતા જાય, ને પછી એઠું મૂકીને ઊઠે. જોઈ લ્યો ભાઈ કેવું જમ્યા છે તે! નાના છોકરાની જેમ એઠવાડેય તે કેટલો બધો વેર્યો છે!” ભાણામાં પીરસેલું હતું તેટલું બધું ખાઈ, થાળી સાફ કરી હું ઊઠ્યો, એટલે વળી ફઈબાએ સૂર બદલીને મને સંભળાવ્યું : “રોયા! આમ થાળી ચોખ્ખી કરીને ઊઠ્યો ક્યાં? પૂરું જમ્યો કે નહિ? ને જો, તારે ભૂખ્યા રહેવું હોય તો તારી વાત તું જાણજે. પારકા છોકરાની એવી મફતની અધિયારી કરવા હું કાંઈ નવરી નથી, સમજ્યો?” હાથ ધોઈ, કોટ પહેરી મેં ટોપી હાથમાં લીધી, ત્યાં તો વળી ફઈબા ડાચિયું કરે તેમ બોલ્યાં : “સાંજે આઠ વાગ્યા મોર આવજે હોં… એક મિનિટનુંય મોડું કર્યું તો એમ ને એમ ભૂખ્યો પાછો કાઢીશ! હા, પછી કહેતો નહિ કે, કીધું નહોતું!” “ફઈબા! હું તો —” “હેં હેં હેં હેં… ફઈબા!” ચાંદુડિયાં પાડતાં હોય તેમ ફઈબા બોલ્યાં; “તું તો ઘણુંય કે’કે, હું એક જ ટંક જમીશ, પણ એમ મારો કાંઈ થોડો દી ફર્યો છે? સાંજે બરાબર ટાણાસર આવજે! ને આટલી બધી તારે ઉતાવળ શાની, મૂઆ? જરા ઊભો તો રે!” અને એમ કહેતાં કહેતાં ખાળમાં હાથ ધોઈ સાડલાને છેડે લૂછી ફઈબાએ અભરાઈ પરથી એક ડબો ઉતાર્યો અને તે ઉઘાડતાં ઉઘાડતાં મને કહે : “અલ્યા, ઓલા ખાનામાંથી કાગળ લાવ્ય.” મેં કાગળ આપ્યો એટલે ડબામાંથી મૂઠી ભરી ચેવડો કાગળમાં મૂકી પડીકું વાળી મને આપતાં કહે : “રોયા! બપોરે ભૂખ લાગશે ત્યારે ખવરાવવા ગામડેથી તારી મા અહીં થોડી જ મરવાની છે? જરાક તો વિચાર કરતો જા, મૂઆ!” એ રાત્રે વાળુ કરીને જ્યારે હું મારી ઓરડીએ પહોંચ્યો, ત્યારે ફઈબા વિષેના વિચારો મારા મનમાં ચાલ્યા કરતા હતા. બોલે ત્યાં વડચકાં ભરતી હોય તેવી એ બાઈને ત્યાં ગામની બીજી વીશીઓ મૂકીને ઘરાકો શા માટે જમવા આવતા હશે, એનું રહસ્ય આ એક જ દિવસમાં મને સમજાઈ ગયું. ફઈબાને મન નાનાંમોટાં સૌ સરખાં હતાં. હું તો લંગોટિયો વિદ્યાર્થી જ હતો, પણ થોભિયાવાળા એક પ્રૌઢ ગૃહસ્થ ફઈબાની વીશીમાં રોજ જમવા આવતા, તેમને પણ તેઓ આવું જ સંભળાવતાં. એ ભાઈ કોઈ સરકારી કચેરીમાં અમલદાર હતા અને તે જમાનાના અઢીસો એટલે આજના કાંઈ નહિ તોય હજારનો પગાર લાવતા હતા. એ ગૃહસ્થ બીજી મોટા નામવાળી વીશીમાં જઈ ન શકે એવું તો હતું જ નહિ; ખરું કહું તો એ બધી વીશીઓના ઊંબરા ઘસીને જ આખરે એમણે ફઈબાનાં કડવાં વેણ ને મીઠા ભોજનનું મિશ્રણ શ્રેષ્ઠ ગણ્યું હતું. બધા બેઠા હોય ત્યારે પણ ફઈબા એ ગૃહસ્થને સંભળાવતાં : “બાયડીનો જીવ લીધો, એટલે હવે વીશીના કેવા ધક્કા ખાય છે!” “એક મરે તો બીજી ક્યાં નથી મળતી?” પેલા મોટી મૂછવાળા ગૃહસ્થ ‘હેં હેં’ કરી હસતા અને કહેતા. “પણ ફઈબા! જો હું પરણી જાઉં, તો તમારું એક કાયમી ઘરાક ઓછું થશે, એનું શું?” “તમે નહિ તો તમારો કાકો બીજો કોઈ મળશે,” તડ દઈને ફઈબા જવાબ દેતાં. “એક વાર વીશી કાઢી છે, પછી ઘરાક મળ્યા વિના થોડાં જ રહેવાનાં છે?” દેશપાંડે માસ્તરને ત્યાં હું ઘણી વાર જતો. ત્યાં એ અમલદાર ગૃહસ્થને મેં કોઈ કોઈ વાર જોયેલા. દેશપાંડે માસ્તર એમની ખૂબ માનપૂર્વક સરભરા કરતા. એ જ ગૃહસ્થને ફઈબાની સાથે આટલી છૂટથી વાતો કરતા જોઈ મને નવાઈ લાગતી. મારું અચરજ એક વાર મેં દેશપાંડે માસ્તર પાસે વ્યક્ત કર્યું ત્યારે તેમણે જવાબ આપ્યો : “સામાન્ય રીતે હું વીશીમાં બહુ જમવા જતો નથી. પણ જો જાઉં તો ફઈબા મને પણ આમ જ સંભળાવે; અને હું પણ એમનાં વેણ સાંખી લઉં.” “કેમ એમ?” પણ તે વખતે દેશપાંડે માસ્તરે મને એનું કારણ જણાવ્યું નહિ. અને દિવસો પસાર થતા ચાલ્યા. એમ કરતાં એક મહિનો એવો આવ્યો કે એક અગત્યનો સવાલ મને મૂંઝવી રહ્યો. હું દરેક મહિનાની પહેલી તારીખે ફઈબાને પૈસા અચૂક આપી દેતો. પણ આ વખતે ૨૯મી તારીખ થઈ, તો પણ મારી પાસે બે રૂપિયાય જમા થયા નહોતા. દેશપાંડે માસ્તરની ભલામણને લીધે મને મામલતદારના દીકરાનું ચાર રૂપિયાનું ટયૂશન મળ્યું હતું, પણ મામલતદારનાં પત્નીએ ઢીલ કરતાં કરતાં મારો બે મહિનાનો પગાર બાકી રાખ્યો હતો. એક-બે વાર મેં તેમની પાસે માગણી કરી ત્યારે ચિડાઈને એ બાઈસાહેબ બોલેલાં : “અલ્યા! રોજ ઊઠીને કોઈ લેણદારની જેમ પૈસા શું માગ્યા કરે છે? માણસે કાંઈક તો સમજવું જોઈએને? ગરીબ વિદ્યાર્થી જાણીને મદદ કરવા તારું ટયૂશન રાખ્યું છે, નહિ તો બી.એ. અને એમ.એ. થયેલા ક્યાં નથી મળતા?” આમ તે પછી પૈસાની માગણી કરવાનો સવાલ જ રહ્યો નહિ. મનમાં એવો ભય રહ્યા કરતો કે માગવા જઈએ અને આ મામલતદારનાં પત્ની મારું ચાર રૂપિયાનું ટયૂશન જ બંધ કરી દે તો? આખરે ત્રીજી તારીખે મનમાં ગાંઠ વાળીને વાળુ કર્યા પછી હું જરા રોકાયો. બીજા બધા ઘરાક જમીને ચાલ્યા ગયા પછી મેં સહેજ સંકોચ સાથે કહ્યું : “ફઈબા, આવતી કાલથી હું જમવા નહિ આવું.” “કેમ રે?” ફઈબાએ એમની કાયમી ઢબે મને દબડાવવા માંડ્યો. “કેમ, કાંઈ પૈસા બહુ વધી ગયા છે તે કોઈ મોટી વીશીમાં જવાનો વિચાર કર છ? પાસે દમડીય હોય નહિ ત્યારે ફઈબા, ને ખિસ્સામાં દોઢિયાં ખખડવા માંડે ત્યારે પછી ફઈબા જાય મસાણમાં! ભલે બાપુ, ભલે! જા તું તારે સારી વીશીમાં!” મેં જરા આર્જવ સાથે કહ્યું : “એમ નથી, ફઈબા! આ મહિને હજુ મારા હાથમાં પૈસા આવ્યા નથી અને ક્યારે આવશે તે કહેવાતું નથી.” “રોયા!” ફઈબાએ ગુસ્સો વધાર્યો, “તું તે મને કેવી ડાકણ સમજે છે? હું અહીં શું માણસોનું લોહી પીવા બેઠી છું? અઠવાડિયું પૈસા મોડા આપીશ, એટલે શું એમ માન છ કે હુ ંતને જમવાની ના પાડીશ? મૂઆ! આટલું બધું અભિમાન શાનું રાખ છ? એક કોર બોલાવીને કહેવાનું કે ‘ફઈબા, આ મહિને પૈસા જરા મોડા આપીશ,’ એને બદલે ઊલટાનો પીટયો કહે છે : ‘હું જમવા જ નહિ આવું!’ જો ને! ભલે, બાપુ, ન આવીશ. તું ભૂખ્યો રહીશ એથી કાંઈ મારું પેટ નહિ બળે!” ટૂંકમાં, હું બીજે દિવસે જમવા ગયો જ, અને આખો મહિનો પૈસા આપ્યા વિના જ જમ્યો. હવે બીજો મહિનો શરૂ થવાનો હતો ત્યાં તો ભગવાને મામલતદારનાં પત્નીને સુબુદ્ધિ આપી અને એક મહિનાના ચાર રૂપિયા તેમણે મને ચૂકવ્યા. પણ એટલાથી મારું શેં પતે? મારી દરેક મુશ્કેલી વખતે મારો આધાર દેશપાંડે માસ્તર હતા. મારે ખૂટતા હતા તેટલા પૈસા આપતાં મનમાં જ તે ગણગણ્યા, “માણસની સજ્જનતાનો આધાર એના સંજોગો ઉપર નથી; સજ્જનતા તો માણસના લોહીમાં જ હોવી જોઈએ. નહિ તો આ આજના મામલતદારનાં પત્ની અને એક વાર મામલતદારનાં ગૃહિણી તરીકે શોભતાં ફઈબા…” મેં નવાઈ પામી દેશપાંડે માસ્તર ભણી જોયું. એમણે આજે મારી શંકાનું સમાધાન કરવા ધાર્યું હશે એટલે મને કહે : “તું જેમ આજે તારી જાતકમાઈ પર ભણવાની મહેનત કરી રહ્યો છે, તે જ રીતે તારી ઉંમરના અમે હતા ત્યારે હું અને મારા મિત્રો પ્રયત્ન કરતા હતા. તે દિવસોમાં આ ફઈબાના જ પતિ મામલતદાર હતા, અને અમે એને ઘેર આશ્રિતો તરીકે રહેતા. પોતાને કાંઈ છોકરું નહોતું એટલે અમને જ પેટનાં જણ્યાં ગણીને ફઈબા જાતજાતની મદદ કરતાં. પણ તે દિવસેય તે એમની બોલવાની રીત તો આજના જેવી જ, હોં! અમને ત્યારે કોઈ વાર થઈ જતું કે આ ફઈબાનાં કડવાં વેણ સાંભળવાને બદલે એની મદદ ન લેવી વધારે સારી. પણ જેમજેમ અમને એમના સાચા દિલની પિછાન થતી ગઈ, તેમ તેમ એમના એ બોલ વિષે પછી અમને કશું જ લાગતું નહિ. ઊલટાનાં ફઈબાનાં એ વેણ સાંભળતાં જાણે પ્રેમનું અમીસિંચન થઈ રહ્યું હોય એમ અમને થતું.” આ પૂર્વ-ઇતિહાસ જાણ્યા પછી ફઈબા પ્રત્યેની મારી દૃષ્ટિ જ બદલાઈ ગઈ. તે રાત્રે ફઈબાને મેં આઠ રૂપિયા આપ્યા અને ઉમેર્યું : “ફઈબા! આ ચાલુ મહિનાના રૂપિયા હાથમાં આવશે ત્યારે તમને આપીશ.” “પીટ્યા!” કહી રૂપિયા મારા ભણી ફેંકી દેતાં તેમણે કહ્યું : “તું તે મને કેવી ગણછ?” વેરાયેલા રૂપિયા ભેગા કરી મેં ફઈબા સામે હાથમાં ધરતાં હસીને કહ્યું : “ફઈબા! તમારે વિષે મારા મનમાં આજ દી લગી ભાવ તો હતો જ, એમાં દેશપાંડે માસ્તરે જ્યારે તમારી —” “ડોબા! એનું કાંઈ માનીશ નહિ.” મને વચ્ચેથી રોકીને જ તેમણે કહ્યું : “એમને તો એવી ટેવ જ પડી છે. પણ જો, અત્યારે આ પૈસા તારી પાસે રહેવા દે. પહેલાં તારાં કપડાં સિવડાવી લે. આ પહેરણ ખભેથી જળી ગયું છે, તેની કાંઈ લાજશરમ આવે છે કે નહિ?” તે દિવસે તો ખૂબ દબાણ કરીને મેં ફઈબાને પૈસા આપ્યા જ. પણ ફઈબાની ભલમનસાઈ એવી કે તેમને આપવાની રકમ વળી વધતી ચાલી. પછી રજાઓમાં હું ઘેર જવા નીકળ્યો તે દહાડે મને કહે, “જો, ભાઈ! તારી પાસે સોળ રૂપિયા હજુ લેણા છે, હોં…એટલે ઘેર જઈને નવરો બેસીશ મા. કશુંક કામ કરજે, ને કાંઈક કમાજે. માથે દેવું કેટલા દિવસ રાખીશ?” અને એ વખતે દૈવ સાનુકૂળ હશે તે મારે ગામ પહોંચતાં જ એક મહિના માટે મને નાકા-કારકુનની નોકરી મળી ગઈ. પરિણામે રજા પૂરી થઈને ભણવા જવા નીકળ્યો ત્યારે હું ખૂબ ખુશાલીમાં હતો. મારા ગજવામાં જાતકમાઈના સોળ રૂપિયા હતા. ફઈબાના પૈસા જતાંવેંત આપી દેવાશે, એવો અપૂર્વ આનંદ મનમાં હતો. પણ….. પણ ભારે ગજબની વાત બની હતી! દેશપાંડે માસ્તરને ત્યાં ગયો કે તરત મને ખબર મળ્યા કે ફઈબા એકાએક, લાંબી માંદગી વિના જ, આ દુનિયા છોડી ચાલ્યાં ગયાં છે! વાત સાંભળતાં જ ખીસામાંનો હાથ ત્યાં જ રહી ગયો. જાતે કમાઈને મેં આણેલા સોળ રૂપિયા લેનાર હવે કોઈ હતું નહીં! એ વાતને આજે વર્ષો વીતી ગયાં છે. હું સારી એવી કમાણી કરતો થયો છું. પણ પૈસા ગણવાનો વખત આવતાં સોળની સંખ્યાએ પહોંચતાં જ મારો હાથ અટકી જાય છે….. (અનુ. ગોપાળરાવ ગ. વિદ્ધાંસ)