ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/જયંતી દલાલ/અડખેપડખે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
(2 intermediate revisions by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|જયંતી દલાલ}}
[[File:Jayanti Dalal 25.png|300px|center]]
{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{Heading|અડખેપડખે| જયંતી દલાલ}}
{{Heading|અડખેપડખે| જયંતી દલાલ}}
<hr>
<center>
&#9724;
<br>
{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/6/6b/PARTH_ADKHE_PADKHE.mp3
}}
<br>
અડખેપડખે • જયંતી દલાલ • ઑડિયો પઠન: પાર્થ મારુ       
<br>
&#9724;
</center>
<hr>
{{Poem2Open}}
{{Poem2Open}}
આ પડોશમાં રહેવા આવ્યે બે વરસ થયાં. છેક ત્યારની એક વાત કાલીએ રામાવતારને કહેલી. આ બધાંય સિનેમામાં જાય છે. ભગવાનને જુએ છે. કેવું જોવા-જાણવાનું મળે? પેલી ફિલમની વાત આ પડોશણ ગંગા કરતી હતી : દેવીએ ભગતની કેવી મદદ કરી હતી? પણ આ તમારું તો મન નથી, પથરો છે પથરો. આટઆટલું કગરીએ તોય થાય છે કાંઈ? આવું તો કેટલીય વાર કાલીએ કહ્યું હશે. રામાવતાર સાંભળી રહે. હસે અને ટાળે. કો’ક વાર ‘તું કઈ ફિલમની વાત કરતી’તી?’ એમ પૂછે. અને કાલી હોંશે હોંશે મિત્રમંડળમાંથી સાંભળેલી ફિલમની વાત, એકાદ-બે ગીતની અધૂરી-મધુરી કડી સાથે કહે.
આ પડોશમાં રહેવા આવ્યે બે વરસ થયાં. છેક ત્યારની એક વાત કાલીએ રામાવતારને કહેલી. આ બધાંય સિનેમામાં જાય છે. ભગવાનને જુએ છે. કેવું જોવા-જાણવાનું મળે? પેલી ફિલમની વાત આ પડોશણ ગંગા કરતી હતી : દેવીએ ભગતની કેવી મદદ કરી હતી? પણ આ તમારું તો મન નથી, પથરો છે પથરો. આટઆટલું કગરીએ તોય થાય છે કાંઈ? આવું તો કેટલીય વાર કાલીએ કહ્યું હશે. રામાવતાર સાંભળી રહે. હસે અને ટાળે. કો’ક વાર ‘તું કઈ ફિલમની વાત કરતી’તી?’ એમ પૂછે. અને કાલી હોંશે હોંશે મિત્રમંડળમાંથી સાંભળેલી ફિલમની વાત, એકાદ-બે ગીતની અધૂરી-મધુરી કડી સાથે કહે.
Line 126: Line 148:
વારો આવે ત્યારે અંદર જવાય.
વારો આવે ત્યારે અંદર જવાય.


રામાવતાર બક્કુને તેડીને ઊભો હતો અને સહેજ પાછળ કાલી ઊભી હતી. માથું ઢાંકેલું. સાલ્લાની કિનાર ચંપલની પટીને ઢાંકે એટલી નીચી. છેડો ગુજરાતી રીતે છેક બીજી બાજુએ ખોસેલો. અહીં રહીને એટલું કરતી થયેલી. કાલી આવતીજતી છોકરીઓ અને બૈરાંના સુઘડ, ભાતીગળ, સુંદર કપડાં જોતી અને છળી જતી. ક્યારેક કપડાં પર ખેંચેલી આંખ ચહેરા પર વળતી અને એ નજરમાં કોક વિચિત્ર ભાવ સાથે ટકરાતાં કાલી નજર ઢાળી દેતી.
રામાવતાર બક્કુને તેડીને ઊભો હતો અને સહેજ પાછળ કાલી ઊભી હતી. માથું ઢાંકેલું. સાલ્લાની કિનાર ચંપલની પટીને ઢાંકે એટલી નીચી. છેડો ગુજરાતી રીતે છેક બીજી બાજુએ ખોસેલો. અહીં રહીને એટલું કરતી થયેલી. કાલી આવતીજતી છોકરીઓ અને બૈરાંનો સુઘડ, ભાતીગળ, સુંદર કપડાં જોતી અને છળી જતી. ક્યારેક કપડાં પર ખેંચેલી આંખ ચહેરા પર વળતી અને એ નજરમાં કોક વિચિત્ર ભાવ સાથે ટકરાતાં કાલી નજર ઢાળી દેતી.


અને એવામાં પાછળ ઊભેલાં છોકરોછોકરી કાંક બોલ્યાં, કાલીએ કાન માંડીને સાંભળ્યું.
અને એવામાં પાછળ ઊભેલાં છોકરોછોકરી કાંક બોલ્યાં, કાલીએ કાન માંડીને સાંભળ્યું.

Latest revision as of 01:59, 17 March 2024


જયંતી દલાલ
Jayanti Dalal 25.png

અડખેપડખે

જયંતી દલાલ




અડખેપડખે • જયંતી દલાલ • ઑડિયો પઠન: પાર્થ મારુ


આ પડોશમાં રહેવા આવ્યે બે વરસ થયાં. છેક ત્યારની એક વાત કાલીએ રામાવતારને કહેલી. આ બધાંય સિનેમામાં જાય છે. ભગવાનને જુએ છે. કેવું જોવા-જાણવાનું મળે? પેલી ફિલમની વાત આ પડોશણ ગંગા કરતી હતી : દેવીએ ભગતની કેવી મદદ કરી હતી? પણ આ તમારું તો મન નથી, પથરો છે પથરો. આટઆટલું કગરીએ તોય થાય છે કાંઈ? આવું તો કેટલીય વાર કાલીએ કહ્યું હશે. રામાવતાર સાંભળી રહે. હસે અને ટાળે. કો’ક વાર ‘તું કઈ ફિલમની વાત કરતી’તી?’ એમ પૂછે. અને કાલી હોંશે હોંશે મિત્રમંડળમાંથી સાંભળેલી ફિલમની વાત, એકાદ-બે ગીતની અધૂરી-મધુરી કડી સાથે કહે.

પછી ખબર પડે કે આ રામના અવતાર તો બિચારીને બકાવતા હતા!

પણ આજે તો સવારમાં જ નવો દા’ડો ઊગ્યા જેવું થયું. રામાવતારજીએ જ કાલીને કહ્યું : ‘તું તૈયાર થઈ જજે.’

કાલીએ ચાર વરસની બક્કુનું નાક લૂછતાં પતિદેવ સામું જોયું. રામાવતાર મલકતો ઊભો હતો. ‘આજે સિનેમા જઈશું.’

કેડે ન ખોસેલો સાલ્લાનો છેડો કાલીના હાથમાંથી સરકી ગયો.

‘શું થયું છે? ધનનો ઢગલો હાથ લાગ્યો છે?’ પૂછતાં પૂછતાંય કાલીથી મરકી જવાયું.

‘ઢગલો નહીં, ઠીંકરીયે હાથ લાગી નથી, પણ તું રોજ જીવ ખાય છે! બોલ, શેમાં જઈશું?’

પડોશણો પાસેથી ચાલતી, ચાલવાની, ચાલી ગયેલી, ન ચાલેલી ફિલમો વિશે જે જ્ઞાન લાધ્યું હતું, નવાં નવાં ખૂલેલાં સિનેમાઘરોની ચકચકતી કરામતો, રાતને દા’ડા કરતાંય વધુ અજવાળી બનાવતા વીજળીના દીવા, રંગીન પાણીને આભે અડતી શેડ ઉડાડતા ફુવારા, ઝગમગતી બારીમાં ઊભેલી બૈરીએ પહેરેલી ફક્કડ સાડી, સામેની દુકાને મળતો વીજળીથી બનાવેલો આઇસક્રીમ… કેટલું યાદ આવ્યું? કયું કહું?

નહીં. મેમસા’બ જેવું નહીં.

મૅનેજરસા’બે મેમસા’બને કહ્યું હતું : ‘આજે સિનેમા જોવા…’ ત્યારે મેમસા’બે ‘ઓહ, ડિયર!’ કહેલું. પછી મૅનેજરસા’બે પૂછ્યું : ‘બોલ શેમાં?’ ત્યારે મેમસા’બ ગામમાં કયાં કયાં સિનેમા ચાલતાં હતાં, કયા સિનેમામાં કયાં – આ શું? હાં, પિક્ચર – હતાં, કયા પિક્ચરમાં કોણ હતાં? જે હતાં તે ક્યાં મંડાયેલાં હતાં, ક્યાંથી છંડાયેલાં હતાં અને એ ઉપરાંત પણ વચ્ચે, ‘ફિગર’ જેવું કાંક બોલતાં – આવું બધું બોલેલાં.

અને મૅનેજરસા’બે પોતાના દેખતાં જ મેમસા’બને પૂછેલું : ‘ડિયર, તું હીરોઇનને જોવા જાય છે?’

ત્યારે મેમસા’બે કહેલું : ‘જરાકે નહીં. હીરોને જોવા જાઉં છું.’

અને મૅનેજરસા’બના મોં પર હસવુંય નહીં અને ગુસ્સોય નહીં એવું મરકલું-ઝરકલું આવ્યું. એ પરથી જ પોતે સમજેલો ને કે, હીરોઇન એટલે અસ્તરી, ઓરત, ઍક્ટ્રેસ; અને હીરો એટલે મરદ, ઍક્ટર.

પણ આ કાલીમાતા તો ભગવાનને યાદ કરે… …

ઠીક છે, જુઓ ફિલમ…

પહેલી તો કાલીએ બક્કુને શણગારી. બક્કુ પણ આજે ખૂબ શાણી થઈ ગઈ લાગી.

વાળ ઓળાવતાં કજિયો નહીં. આંખમાં મેંશ આંજતાં કજિયો નહીં. બહુ ડાહી થઈને જૂના સાલ્લાની કિનારના બે ચીંદરડી વાળમાં બાંધવા દીધી. કાલીએ મલકીને ‘રોજ આમ ડાહી થતી હોય!’ એમ કહ્યું ત્યારે અબુધ હોવાથી બક્કુએ જવાબ ન દીધો. બાકી કાલીનું પોતાનું દિલ જ એનો જવાબ દેતું : ‘આજ ક્યાં રોજ છે?’

બસમાં ચઢ્યા ત્યારે જગા ઠીક ખાલી. બૈરાંની બેઠક પર પહેલાં બક્કુને બેસાડી પછી કાલી બેઠી. રામાવતાર આગળની મરદની બેઠક પર બેઠો. બે ટિકિટના પૈસા કન્ડક્ટરના હાથમાં મૂક્યા. બક્કુ સામે નજર નાખી પછી કાલીને નજરમાં ભરી લઈ, કન્ડક્ટરે કહ્યું : ‘છોકરીની અડધી ટિકિટ?’ કાલીએ ઝપ લેતી બક્કુને ખોળામાં લઈ લીધી. પણ રામાવતારે વગર આનાકાનીએ અડધી ટિકિટના પૈસા આપ્યા અને જેવા પૈસા આપ્યા એવું જ કાલીએ બક્કુને પાછી બેઠક પર બેસાડી દીધી. બક્કુને આ શું થતું હતું તે સમજાતું નહીં, પણ નવું નવું તે ગમતું હતું. પગ બેઠક પર લઈ એણે ઊભા થવાની કોશિશ કરી. ત્યાં જ બસ થોભતાં એ ઊથલી પણ કાલીએ ઝાલી લીધી.

રામાવતારને હંમેશાં એક કૌતુક થતું. મૅનેજરસા’બ એકલા મોટર હાંકતા હોય ત્યારે એને આગળ – મૅનેજરસા’બ સાથે બેસવા મળતું. મેમ’સાબ આવે ત્યારે પાછળ. મેમસા’બ કદી કૂતરા વિના બહાર નીકળે નહીં. કૂતરો વાઘ જેવડો મોટો. મૅનેજરસા’બ, મેમસા’બ અને કૂતરો ત્રણ તો આગલી બેઠકમાંય માય નહીં. એટલે કૂતરો પાછલી બેઠક પર આવે, રામાવતાર સાથે.

જે ગાડીના ડ્રાઇવર હોય એમાં શેઠ હંમેશાં પાછળ બેસે – આ એક પેલા નવી નવી મોટર લાવ્યા હતા તે શેઠ સિવાય. પોતે હાંકે નહીં પણ ડ્રાઇવરની જોડે જ ઉભડક બેસે. અને ડ્રાઇવરને ‘જોજે હોં, ઇસ્માઈલ! પેલી ગાડી આવી. ધીરેથી હાંકજે!’ એમ ચાલુ સૂચના આપતા જ રહે…!

પણ શેઠ હોય, અને આગળ બેસવા કરતાં શેઠાણી હોય અને પાછળ બેસવાનું મળે એ સારું તો ખરું. એક આ કૂતરો બધી મઝા બગાડે. એમાંય શેઠાણી જમણો હાથ લંબાવીને શેઠની બેઠક પર લંબાવે અને ગાડીમાંના રેડિયોમાં વાગતા ગીતનો તાલ દે ત્યારે પેલું કાળું, રૂપિયા જેટલું મોટું લાખું તરતું દેખાય…

‘આ છોકરીને ખોળામાં લઈ લ્યો.’ બસમાં હમણાં જ ચઢેલી બુરખાવાળી બાઈએ કાલીને કહ્યું.

કાલી છોકરીને ખોળામાં લઈ લેવા જતી હતી, ત્યાં રામાવતારે ત્રાડ પાડી : ‘શું કામ ખોળામાં લે? અડધી ટિકિટ લીધી છે!’

કાલીએ હાથ પાછો લઈ લીધો. અને અડધી પળ બાદ બક્કુને બરાબર બેસાડી.

‘અડધી ટિકિટ મેં આખી જગા!’

‘કાયદો છે.’

‘છોકરું તો ઊભું રે’. બાઈ માણસને જગા ન કરી આપવી જોઈએ?’

‘તે તમે કેમ દોઢ જગા રોકીને બેઠાં છો?’

‘દોઢ ટિકિટ લીધી છે?’

અંદર અંદરની વાત આગળ ચાલત પણ પેલી બુરખાવાળી બાઈ જ બીજા થોભે ઊતરી ગઈ.

આ બસ સિનેમાઘરોથી શોભતી શેરીમાં જતી ન હતી. અને જે બસ જતી હતી તેમાં બેઠાં કરતાં જરાક શહેરની ઝાકઝમાળ રોશની જોતાં જોતાં સિનેમા પર પહોંચવાની ઇચ્છાથી રામાવતાર એ બસમાં ન બેઠો. કાલીને આ બીજી બસની ખબર હતી. છેક સિનેમાએ જ બસમાંથી ઊતરીએ તો સિનેમા જોવા ગયાનું પણ સાર્થક થાય. પણ બે વરસ કહ્યા કર્યું ત્યારે આજે સિનેમા જોવા લઈ જનાર ધણીને, આજે નહીં તો બીજી વાર આપોઆપ સૂઝ પડશે.

અને કાલી કાંઈ ન બોલી.

કેવી મૂઢ છે આ બાઈ? પેલે દિવસે મૅનેજરસા’બે જે દુકાનમાંથી ખરીદી કરવાની હતી તે દુકાનથી જરા આગળ મોટર ઊભી રાખી ત્યારે મેમસા’બે કેવી ઝાટકણી કાઢી નાખી હતી? પાણી પાણી કરી દીધા’તા. સો માણસના ઉપરીને તણખલાની તોલે કરી દીધો. અને બરાબર એ જ દુકાનના પગથિયા આગળ જ ગાડી ઊભી રખાવી ત્યારે જ મેમસા’બ જંપ્યાં હતાં!

એ દા’ડે તો રામાવતારને મૅનેજરસા’બ માટે ખૂબ લાગેલું. આવો માણસ બૈરાનું આટલું સાંભળી લે? જો કાલીએ આના હજારમાં ભાગનું કહ્યું હોય તો ભરબજારે જોડો કાઢીને માથું ફોડી નાખ્યું હોય! દેન છે મોંમાંથી એક સુખન કાઢે!

પણ આજે, રામાવતારને અસ્તરીની જાત એક અક્ષર પણ ન બોલે, મૂગા બેલ જેમ, ઊંધું ઘાલીને, ચલાવે એમ ચાલે, એ ગમતું ન હતું.

કાલી બોલી હોત : ‘બસમાં ચાલો ને!’ તો પોતે ચલાવીને લઈ જવાનો હતો? કહ્યું હોત તો રિક્ષા કરત. પણ…

આંગળી ઝાલીને ચાલતી બક્કુને ઠેસ વાગી. પડી અને પગથીની ધાર પેઠી તે હોઠ ચિરાયો. લોહી નીકળ્યું. રોઈ. ઘૂમટો તાણીને ચાલતી કાલીનો જીવ પડીકે બંધાયો. પણ સાથે એક નવો સુખાનુભવ થયો. એમણે બક્કુને ઉપાડી લીધી! ધોતિયાનો છેડો હોઠે દાબ્યો. બક્કુનું રોવાનું બંધ થયું. લોહી નીકળવાનું બંધ થયું.

‘સીતાજીએ પણ વનવાસમાં ઘૂમટો રાખ્યો ન હતો!’ રામાવતારે કહ્યું. એને હતું કે કાલી કહે : ‘આ તો શે’ર છે, વગડો નથી!’ પણ કાલી તો એક જ ક્ષણમાં થયેલા બે આઘાતની ખેંચતાણમાંથી ઊંચી આવી ન હતી. એટલે પોતે કલ્પેલા સવાલનો પોતે જ જવાબ આપતાં બોલ્યો : ‘વગડો જ છે આ. પોતપોતાનું સંભાળે એ વગડો કે’વાય.’

અને વગર કહ્યે રામાવતારે રિક્ષા કરી.

આખું ગામ અહીં ઠલવાયું હોય એમ કાલીને બક્કુને લઈને રિક્ષામાંથી ઊતરતાં લાગ્યું. વીજળીના દીવાનો ઝબકારો તો જુઓ! દા’ડેય આટલો પ્રકાશ અહીં કે બીજે ક્યાંય રેલાતો નહીં હોય અને બધાં કેવાં છુટ્ટાં ફરે છે! છોકરીઓ કેવાં ફક્કડ કપડાં પહેરીને રસ્તા વચ્ચે બેધડક ચાલે છે! પેલું શું છે? ઓહ એ તો મહાત્મા ગાંધીજીની છબી. અને ફરતી વીજળીની બત્તીઓ. એક બુઝાય અને બીજી ઝબકે! શું અહીં મહાત્માજીનો આશ્રમ હશે? અને આ શું બોલે છે? ચાલુ, તેજ, બંગલા, મોહિની, જરદા. હં. પાનની દુકાન. શું ઠાઠ કર્યો છે!

રામાવતારને પણ નવાઈ લાગી. કાલીને મોંએ ઘૂમટો ન હતો. હા, માથે ઓઢેલું હતું. પણ ઘૂમટો ન મળે. અને એની મોટી મોટી આંખો જાણે દીવા પાછળ દોડતી હતી. હં. મહાત્માજીની તસવીર જોઈ. સારું થયું. પાવન થઈ.

રસ્તા વચ્ચે જ રામાવતારે પૂછ્યું :

‘૪૨૦ જોઈશું ને?’

કાલીને બીજી તો શી ખબર હશે એ કોણ જાણે? પણ ૪૨૦ એટલે શું એ તો એ જાણતી હતી.

‘એકના બે કરે છે?’

રામાવતાર, આ કાલીએ પૂછ્યું એમ માની ન શક્યો. નક્કી આ સડક અને આ દીવાનો પ્રતાપ!

‘જો તો ખરી!’ એટલો જવાબ દઈ રામાવતાર ૪૨૦ દેખાડતા છબીઘરની ટિકિટબારી પાસે જવા ગયો અને ત્યાં લાલાનો ઘાંટો સાંભળ્યો – ’ટિક્સ બંધ હો ગયા!’ છતાં રામાવતાર કાલીને આગળ કરતાં આગળ વધ્યો. ‘બોલા નહીં બાબા, ટિક્સ બંધ હો ગયા!’ લાલાએ રામાવતારને જ ઉદ્દેશીને કહ્યું. અવાજમાં થોડો કંટાળો હતો. તણખા ઝરે એવું લોહી ઊકળ્યું. પણ રામાવતાર એક વાત સમજી ન શક્યો – આણે કાલી સામે જોયું એનો ગુસ્સો હતો કે જોયું ન જોયું કરીને કરેલી ઉવેખાએ એનું લોહી ઉકાળ્યું? તકરાર કરવામાં કશો ફાયદો નહીં, એમ માનીને રામાવતારે કાલીને હાથ પકડીને લગભગ ત્યાંથી બહાર ખેંચી.

‘આમ શું કરો છો?’ ઘૂમટો કાઢી નાખ્યા પછી પણ કાલી આમ બધા વચ્ચે રામાવતાર હાથ ખેંચે એને માટે તૈયાર ન હતી. પણ એના બોલવામાં ગુસ્સો ન હતો. દેખીતા ઠપકામાંય મીઠાશ હતી. બક્કુને તેડીને રામાવતારની દોરી કાલી, ભીડ વચ્ચે માગ કરતી ચાલી, ત્યારે એના મનમાં એક પ્રકારનો ધન્યતાનો ભાવ હતો.

ભીડમાંથી બહાર આવ્યાં, ત્યારે કાલીએ રાહત અનુભવી. પણ એમ ને એમ પગથી પર આવ્યાં ત્યારે મનમાં થોડી બીક લાગી. આ ટિકિટ ન મળી તો…?

‘તે નીકળ્યાં છીએ તે કાંઈ ફિલમ જોયા વિના જઈશું? ૪૨૦ નહીં તો સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર!’ કાલીના મનમાં ડોકિયાં કરી ગયેલી બીકને જાણે શામતો હોય એમ રામાવતાર બોલ્યો. અને દોરીને પડખેના સિનેમામાં લઈ ગયો. અહીં જરાકે ભીડ ન હતી.

લટાર મારવાની, છાપેલાં પોસ્ટર વગર અટવાયે જોવાની મોકળાશ હતી. રવેશમાં કાચનાં કબાટોમાં ગોઠવેલી ચાલુ અને આવનારાં ચિત્રોની ચકચકતી છબીઓને નાખી નજરે જોનારાં પણ ઓછાં જ હતાં.

રામાવતારે ટિકિટ કઢાવી. પછી છબીઓ જોઈ-બતાવી, અને રામાવતાર કાલીનાં આ હીરો-હીરોઇન અને દેવદેવીઓના જ્ઞાનથી ચકિત થયો. ઘરથી બહાર ન નીકળનારી આટલું ક્યાંથી જાણે? અને એને મૅનેજરસા’બે મેમસા’બને કહ્યું હતું તે યાદ આવ્યું : ‘તમને લોકને ભગવાને ચોરનજર આપી છે!’ ચોરનજર! વગર દીઠે સમજવાની નજર. કોકે દીઠેલું પોતાના મનમાં સમાવવાની નજર!

ફિલમ શરૂ થવાને હજુ વાર હતી. બાંકડે બેઠાં બેઠાં રામાવતારને કાલીનું પેલું ‘વીજળીથી આઇસક્રીમ થાય છે એટલું વાક્ય યાદ આવ્યું. અને બક્કુ સામું જોયું.

‘ચલ બેટા, આઇસક્રીમ ખવરાવું.’

કાલી રામાવતાર સામું જોઈ રહી. આજે કાં તો આ બદલાયો હતો, કે પછી મને જ ભૂંડીને આ સમજાતું ન હતું?

અને કાલીનું મન પોતાને જ ડંખ મારતું થયું. ભૂંડી, પરણ્યાના વહાલને, ઉમળકાને, લાગણીને તું સમજી જ નહીં. નાનકડા સાંકડા દિલની તે કેવું કેવું માની લેતી’તી? ચાલીના નળે આમણે પેલીનું બેડું ચઢાવ્યું ત્યારે તારું મોઢું ચઢેલું. પેલે દિવસે બસમાં નન્નીની ટિકિટ લીધી ત્યારે ઘેર જઈને કેવું કમઠાણ જગાવેલું? પરણ્યા પહેલાં એ નન્નીની માને ત્યાંની બાસો ખાતા અને આ નન્નીની ને એમની, એમ ફાટીમૂઆ દોલતે વાત ઉડાડેલી. ત્યારે તો બે લાત મારીને જતા રહેલા તે બે દિવસે પાછા આવેલા. પણ પછી તો એય ભૂલી ગયેલા. અને હું? ખાનદાની લજાવી તેં. મનમાં ને મનમાં ભરી રાખેલું. એમ ન હોય તો આ આજે અત્યારે, યાદ આવે ખરું?

કાલીનું મન આમ ઠેકડા મારતું હતું. રામાવતાર બક્કુને લઈને આગળ ચાલતો હતો અને પોતે પાછળ પાછળ ચાલ્યા કરતી. અચાનક પોતે રામાવતારને જ અથડાઈ ત્યારે, એ થંભી ગયો હતો અને કાંક જોતો હતો એવો ખ્યાલ આવ્યો. કાલીએ પણ જોયું. અને આ નફ્ફટ લોકને શું કહેવું? બૈરાનું માટીનું પૂતળું કર્યું છે અને પેલી નવી જાતની કાંચળી ફુલાવીને પહેરાવી છે! શું જોઈને આ પરણ્યો અહીં ઊભો રહી ગયો? અને શું જોઈને એની આંખ મરક મરક થતી હશે?

પણ, પોતાની જાતનેય શું કહેવું? મનમાં તો ગુસ્સો હતો. પણ જ્યાં રામાવતારની અને કાલીની આંખ એક થઈ, ત્યારે એ પણ મલકી પડી!

બધા વચ્ચે બોલાય?

આઇસક્રીમની દુકાને પહોંચ્યા ત્યારે ત્યાં પેલા ૪૨૦ના સિનેમામાં હતી એના કરતાંય વિશેષ ભીડ હતી. ફક્કડફક્કડ કપડાં પહેરેલાં જુવાનિયાં અંદર જતાં અને બહાર આવતાં.

બધાં બારી-બારણાં બસ કાચનાં! દા’ડે દીવા! ચકચકતા કાચમાં તમારું ચાડું દેખાયું ન દેખાયું ત્યાં તો કોક બીજાનું ચાડું દેખાયું જ જાણવું. એવું પણ બને કે કપડાં તમારાં રહે અને મોં બીજા કોકનું દેખાય!

વારો આવે ત્યારે અંદર જવાય.

રામાવતાર બક્કુને તેડીને ઊભો હતો અને સહેજ પાછળ કાલી ઊભી હતી. માથું ઢાંકેલું. સાલ્લાની કિનાર ચંપલની પટીને ઢાંકે એટલી નીચી. છેડો ગુજરાતી રીતે છેક બીજી બાજુએ ખોસેલો. અહીં રહીને એટલું કરતી થયેલી. કાલી આવતીજતી છોકરીઓ અને બૈરાંનો સુઘડ, ભાતીગળ, સુંદર કપડાં જોતી અને છળી જતી. ક્યારેક કપડાં પર ખેંચેલી આંખ ચહેરા પર વળતી અને એ નજરમાં કોક વિચિત્ર ભાવ સાથે ટકરાતાં કાલી નજર ઢાળી દેતી.

અને એવામાં પાછળ ઊભેલાં છોકરોછોકરી કાંક બોલ્યાં, કાલીએ કાન માંડીને સાંભળ્યું.

છોકરી બોલતી હતી : ‘આ શું જોઈને અહીં લાવ્યા હશો?’

છોકરી કહે : ‘લ્યે, ગામનું સારામાં સારું ઠેકાણું તો છે!’

છોકરી : ‘કપાળ સારું! આ આવા આવે તે સારું?’

કાલીએ જોયું. છોકરીનો હાથ પોતાને ચીંધતો હતો.

છોકરો બોલ્યો : ‘અરે સ્વરાજ આવ્યું છે, સ્વરાજ.’

કાલીએ જોયું. રામાવતારની હસુ હસુ થતી આંખો પોતાના પર મંડાયેલી હતી. વગર બોલ્યે જ જાણે કાલીને કહેતી હતી એ આંખો : ‘સાંભળ્યું ને?’

કાલી બોલે એ પહેલાં તો પોતાની આગળ ઊભા હતા એમણે અંદર જવાનો હલ્લો કર્યો એટલે પોતાની આગળ ખાલી જગા થઈ, કશીક અંતરપ્રેરણાથી રામાવતાર અને કાલી પણ એમની પાછળ પાછળ ચાલ્યાં. રામાવતાર કાલીને ધીરે ધીરે કહેતો થયો : ‘બધું કરવું, ક્યાંય જગા ખાલી રાખવી નહીં.’

અને અડધો પગ દરવાજામાં હતો, ત્યાં રામાવતારે એક મોટર ઊપડતી જોઈ. જાણીતી મોટર. મૅનેજરસા’બની મોટર.

રામાવતારથી મલકી જવાયું.

બક્કુને તેડીને રામાવતાર અંદર દાખલ થયો, ત્યારે પહેલાં તો એને એકાએક ઠંડી હવાનો ઝપાટો લાગ્યો. રામાવતાર તો સમજી ગયો. મૅનેજરસા’બના દફતરમાં આવું જ થતું. શું કે’ છે એને? ઍરકન્ડિશન કે એવું કાંક કહે છે. પણ કાલીને આ સાવ નવું હતું. અજાણી જગાના ક્ષોભ ઉપરાંત જેની નજરમાં ભૂલેચૂકે નજરે પરોવાય તેમાં ‘અહોહો, તમે! અહીં!!’ જેવો ભાવ એને વંચાતો. પોતે ખોટી જગાએ આવી ચઢ્યાનો ભાવ એના મનમાં ઊભરાતો હતો. બહાર નીકળી જવું એમ મનમાં થયું. પણ એ બોલે એ પહેલાં તો એક સરસ ઇસ્તરીબંધ પાટલૂન પહેરેલા જુવાને ‘આપને અંદર જવું છે?’ એમ પૂછ્યું.

કાલી થંભી ગઈ. રામાવતારની આંખ સહેજ પહોળી થઈ. ‘કેમ?’ અવાજમાં જે કરડાકી હતી, તેથી કાલીને જાણે કશો સંતોષ થયો તો પેલો પૂછનાર તો ડઘાયા જેવો થયો. અને રામાવતારે અંદર જતાં જતાં જ બોલવાનું ચાલુ રાખ્યું :

‘મફત નથી ખાવું. પૈસા આપવા છે. હરિજનને પણ બહાર રાખી શકતા નથી.’

બધા એમના સામું જોતા હશે કે નહીં એ તો કોઈ કહી નહીં શકે. પણ કાલીને તો આ બધા જ જાણે તાકીતાકીને પોતાને જોઈ રહ્યા હોય એમ લાગ્યું. આમની આંખમાં આટલું ઝેર કેમ લાગે છે? પોતે એમનાં જેવાં ફક્કડ કપડાં પહેર્યાં નથી, ટાપટીપ કરી નથી, સિનેમાની ઍક્ટ્રેસો ખાય, નાખે છે એવા નિસાસા ખાતાં, નાખતાં આવડતા નથી એટલે? પોતે મોટરવાળા નથી, ધણી ઑફિસનો દરવાન છે. ગરીબ છે એટલે? રામાવતારે એક ક્ષણ થંભીને ચારેકોર નજર નાખી.

ક્યાંય ત્રણ જગા એક જ ટેબલ પર ખાલી ન દેખાઈ. પેલા ખૂણાના ટેબલ પર બે ખુરશી ખાલી હતી. બક્કુને ખોળામાં લઈ લઈશું એ ગણતરીએ એ આગળ વધ્યો.

‘ત્યાં આવે છે!’ ટેબલ પાસેની ખુરશી પર બેઠેલા ભાઈએ રામાવતારને કહ્યું, ત્યારે અવાજ તદ્દન મીઠો હતો એમ તો નહીં કહી શકાય.

‘અત્યારે તો ખાલી છે?’ રામાવતારે કાલીને ખાલી ખુરશી પર બેસી જવાનો ઇશારો કર્યો અને પોતે બક્કુને ખોળામાં લઈ બેઠો.

‘મિસ્તર, આ ઠીક નથી.’ પેલા ભાઈ બોલ્યા. રામાવતારે એના સામું જોયા વિના જ બક્કુને પૂછ્યું : ‘આઇસક્રીમ?’ અને બક્કુ આઇસક્રીમનું નામ સાંભળતાં જ મલકી પડી. બક્કુ મલકી એ કાલીને ગમ્યું, પણ પેલા ભાઈની આંખમાંથી અંગારા ઝરતા હોય એમ એને લાગ્યું.

‘મેં કહ્યું કે અહીં બહેનો આવે છે, પણ તમે બેસી ગયા! જરા સભ્યતા જેવું તો –’

પેલા ભાઈ હજુ આગળ બોલત પણ એમની નજર રામાવતારની નજર સાથે ટકરાઈ અને એ નજરમાંથી એમને આગળ ન બોલવાની જ પ્રેરણા મળી. એ આગળ ન બોલ્યા. એટલે રામાવતારે પણ કશું બોલવું જરૂરી નથી એમ માન્યું.

પણ કાલીથી ન રહેવાયું :

‘આવવાની હોય તો ઘણી જગા છે.’

સાધારણ રીતે ચાલીના પાણીના નળ પર પણ અવાજ ન કરનારી કાલીને વળી જીભ ક્યાંથી આવી? રામાવતારને એનું અચરજ થતું હતું. મૂછ આગળ સહેજ મલકીને વગર બોલ્યે જ એણે જાણે કાલીને મૂગી રહેવા કહ્યું. કાલી એને ઉત્તેજન સમજી બેઠી!

‘જાણે પાટલૂન પહેર્યું એટલે અડધી દુનિયાનું રાજ મળ્યું, મોટા લપટન!’ રામાવતારના મોં સામું જોતી જાય અને બોલતી જાય.

બે વસ્તુ એકસાથે બની. બીજા ટેબલ પરથી કોકે પેલાને ઘાંટો પાડીને કહ્યું : ‘અરે ત્યાં મિલની કૅન્ટીનમાં કેમ બેઠો છે?’ અને અહીં રામાવતારના ચહેરા પરનો પેલો મલકાટ અલોપ થયો, નજરમાં કાંક ધાર આવી અને આવી એવી જ એણે સમાવી. પેલો ત્યાંથી ઊઠીને ચાલતો થયો. કાલી આને પોતાનો વિજય સમજીને મલકી. એને હતું કે રામાવતાર હવે ખોળામાં બેઠેલી બક્કુને પેલી ખાલી પડેલી ખુરશી પર બેસાડશે, પણ રામાવતારે તો એને ખોળામાં બેસાડી રાખી.

કાલીને આ ન સમજાયું. મનને એક ખૂણે પરણ્યો પાણીમાં પેસી ગયો એવું પણ લાગવા માંડ્યું. વાઘ જેવો માણસ આમ કેમ બકરી બેં થઈ ગયો?

કશું સમજાયું નહીં. અને સમજાય નહીં ત્યારે બોલવું નહીં, એમાંય આવી જગાએ તો બોલવું જ નહીં. આ બધાનું ચાલે તો તે બહાર કાઢે એટલું નહીં, પણ તગડીને છેક ચાલે મૂકી આવે… રૂડો પ્રતાપ ગાંધીનો…

આઇસક્રીમ આવ્યો. રામાવતારે બક્કુને ખવરાવ્યો. કાલીએ ખાધો. આ વીજળીથી બનાવતા હશે એટલે વિશેષ ઠંડો લાગતો હશે? સ્વાદ પણ જુદો.

ખવાઈ ગયો એટલે ઊભાં થયાં, પણ બક્કુને રામાવતારે તેડી રાખી. કદાચ ભીડને લીધે હશે કે પછી ઠેસબેસ ન વાગે એ માટે હશે. થડા પાસે પૈસા આપીને બહાર નીકળ્યાં, ત્યારેય ત્યાં તો એટલી જ ભીડ હતી. ફક્કડ ફક્કડ કપડાં પહેરેલાં જુવાનિયાં ત્યાં પોતાનો વારો ક્યારે આવે એની ઇંતેજારમાં ઊભાં હતાં. આ લોક નીકળ્યા ત્યારે લોક એમને નીકળતાં જોઈ રહ્યાં હોય એમ કાલીને લાગ્યું.

‘આ તે પૅરેડાઇઝ કે ઘાણામિલની કૅન્ટીન?’ કોક પોતાના સામું જોતું બોલ્યું. અને કાલીના મોંમાંથી આઇસક્રીમનો સવાદ જતો રહ્યો. રામાવતાર આગળ અને પોતે પાછળ એમ ચાલીને પાછા સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર બતાવતા સિનેમાના લગભગ ખાલી ચોગાનમાં આવ્યાં.

અને અત્યાર લગી અચાનક ચૂપ રહેલો રામાવતાર હવે બોલ્યો :

‘લે હવે આ તારી શાણી દીકરીને!’ કહી એણે બક્કુને કાલી સામું ધરી. કાલીએ જોયું, રામાવતારનું પહેરણ અને ધોતિયું બધું ભીનું હતું.

ત્યારે આ કારણે એ ચૂપ હતા? આ કારણે એમણે બક્કુને તેડી રાખી?

તારામતીને પડતાં કષ્ટ અને હરિશ્ચંદ્રની ટેક તથા વિશ્વામિત્રની કરડાકી – એ બધું જોતાં જોતાં કાલી આજના દિવસના એના અવનવા અનુભવ ભૂલી ગઈ. પણ રોહિતને ઊંચકીને લઈ જતી તારામતીના હૈયાફાટ વિલાપ વખતે એની આંખમાં આંસુ આવ્યાં તો સાથે આજ લગી ન આવેલો એક વિચાર પણ આવ્યો. હરિશ્ચંદ્ર પોતાની ટેક રાખવા બધું કરે એ સમજાય પણ તારામતીએ પુત્ર સાથે વેચાવાનું પસંદ કેમ કર્યું?

વિચાર આવ્યો એવી જ કાલી ચમકી. પહેલાં તો પોતાની જાત પર ધિક્કાર છૂટ્યો.

વિચાર આગળ વધે ત્યાં તો ભગવાને પ્રસન્ન થઈને રોહિતને સજીવન કર્યો. રાજપાટ પાછું મળ્યું. બધી લીલાલહેર થઈ. સત્યનો જય થયો.

ફિલમ પૂરી થઈ.

છૂટ્યા અને બહાર નીકળ્યા ત્યારે સાંજ પડવા આવી હતી. દીવા વિશેષ તેજથી ઝગમગતા હતા. રસ્તા પર ભીડ એટલી જ. સામે ૪૨૦ જોવા પડાપડી વિશેષ. સત્યવાદી રાજા હરિશ્ચંદ્રનું બોધદાયી ચિત્રપટ જોવા ઓછા જ લોક આવતા હતા. અને હવે તો ત્યાં પાટિયું બદલાતું હતું.

‘જવાનું આ, હવે!’

‘કયું આવે છે?’

‘આવું આજના જમાનામાં ન ચાલે. ચપટી મારો ને ધનનો ઢગલો થાય એવું જોઈએ.’

ભીડમાંથી પસાર થતા હતા ત્યારે આસપાસથી આ સાંભળવા મળ્યું. જતાં જતાં ૪૨૦નું મોટું પાટિયું હવે વીજળીદીવાથી ઝગમગતું હતું તે બંનેએ જોયું. બક્કુ કાલીને ખભે માથું ઢાળીને ઊંઘી ગઈ હતી.

‘રહી ગયું આ જોવાનું,’ રામાવતારથી બોલાઈ ગયું.

‘એમાં શું? ફરી વાર કોક દા’ડો!’

રામાવતારે કાલી સામું જોયું. મલકી પડીને બોલ્યો : ‘તારી જબાન ખૂલી!’

‘ને તમારી વખતસર બંધ થઈ!’

રામાવતાર હસ્યો.

‘તે કઈ રીતે બોલું? આ તારી દીકરીએ…’

બંને હસી પડ્યાં.

‘પણ પેલો મોટો લપટન!’

‘હં. બાપ લાખ ચાલીસના. નાકમાં તો ઊંટનાં ઊંટ ચાલ્યાં જાય એટલી ગંધ માતી નથી!’

‘પણ એ આ નજરે કેમ જોતા હતા? આપણેય માણસ છીએ!’ કાલી બોલી.

‘એ જનાવર, આપણને માણસ ગણતા નથી.’

‘ગરીબ છીએ એટલે?’

‘સાથે જાતે હાથે મહેનત કરીએ છીએ એટલે!’

બસમાં ભીડ હતી એટલે સાથે બેસવાનું ન મળ્યું. ચાલથી થોડે દૂર બસથોભેથી બક્કુને ઊંચકીને બંને ઘર બાજુ નીકળ્યાં. અને કાલીએ જ વાત કાઢી :

‘આઇસક્રીમ બહુ ઠંડો.’

‘અરે એ વળી કેવોક આઇસક્રીમ! મૅનેજરસા’બને ત્યાં મશીન છે એમાં આઇસક્રીમ બને છે એનું નામ આઇસક્રીમ કહેવાય!’

‘એ તો ખાધો હોય એને ખબર!’

‘આજે કાંક ચગી છે ને? આ, હરિશ્ચંદ્ર જોઈને આટલી ચગી છે, તો પછી ૪૨૦ જોઈ હોત તો તો શુંનું શું થાત! ધરતી પર પગ મૂકતી ન હોય!’

અને કાલીને પોતાની આજના દિવસની પહેલી ગૂંચ યાદ આવી.

‘બોલો, તમે ખરું બોલવાના?’

‘એ તો તું શું પૂછે છે એના પર આધાર રાખે.’ રામાવતાર હસ્યો. ‘તુંય દોસ્ત, આ એક ફિલમ જોઈ, એમાં બદલાઈ ગઈ! નહીંતર વળી સીધું પૂછવાને બદલે આમ બોલે ખરી?’

કાલીને રામાવતારના અવાજ પરથી એ અત્યારે ખુશમિજાજ છે એની ખાતરી થઈ.

છતાં ઘર પાસે આવતાં માથે ઓઢેલા ઘૂમટા વચ્ચે બે આંગળીથી ફાટ પાડીને રામાવતાર સામું જોઈ લીધું. ખરી વાત, ખુશમિજાજ.

‘તો ખરું કો’, આ ફિલમ બતાવવાનું ક્યાંથી મન થયું?’

કાલીએ જોયું તો રામાવતારનો ચહેરો સહેજ ગંભીર બન્યો.

‘તારે ખરું જ જાણવું છે?’

આના મનમાં કાંક ખટકે છે એટલું કાલીને લાગ્યું, અને એના પોતાના મનમાં જ ભાંજગડ ઊભી થઈ : ‘હા કહું કે ના કહું?’ ‘ખરું જાણવું હોય ત્યારે જ માણસ પૂછે ને?’

કઈ રીતે બોલાઈ ગયું એ તો કાલીને ન સમજાયું. પણ હા-ના કર્યા વિના જ આગ્રહપૂર્વક કહ્યું, એનો એને આનંદ થયો.

‘પૈસા આવ્યા!’

‘પૈસા આવ્યા? ક્યાંથી?’

‘કોક દત્તક ઓછો લેવાનો હતો તે વારસામાં મળે?’

‘તો? મૅનેજરસા’બે બક્ષિશ આપી?’

‘એ શું બક્ષિશ આપવાના હતા!’

‘તો સાપ છાપરે સોનાનો હાર નાખી ગયો?’

‘ના.’

‘સીધું કહો ને!’

મૂંઝાયેલી કાલીએ રામાવતાર સામું જોયું. એના મોંફાટ આગળ મરકલું રમતું હતું.

પણ કાલીને એ મરકલું દઝાડી ગયું. એ આનંદ, મસ્તી કે ખુમારીનું ન હતું, નજર નીતરતી ન હતી, નજરમાં એક પ્રકારની નફ્ફટાઈ હતી.

અને ક્યાંથી ખ્યાલ આવ્યો એ તો બિચારી કાલીને ન સમજાયું, પણ એ બેબાકળી બનીને બોલી ઊઠી :

‘ચોરી….?’

એને પણ ખબર ન પડી કે પોતે આવો ઘા કેમ કરીને કરી શકી, પણ ઘા થઈ ગયો.

વગર બોલ્યે મૂંડી હલાવીને રામાવતારે હા પાડી.

કાલીને તમ્મર આવતાં લાગ્યાં. સાંજના સમયનાં અંધારાં સાથે ચાલીમાંથી આવતી ચૂલાની ધૂણી જાણે ગોટે ગોટે ગૂંગળાવતી હોય એમ એને લાગ્યું.

‘તમે — તમે — કોઈ જાણે છે?’

વગર બોલ્યે મૂંડી ધુણાવીને રામાવતારે ના પાડી.

‘મૅનેજરસા’બ જાણશે તો?’ અનેક કાળી ઘેરી કલ્પનાઓ કાલીને સતાવી ગઈ : બદનામી, બેકારી, જેલ.

‘એ કયા શાહુકાર છે?’ ગંભીર બની ગયેલો રામાવતાર ખડ ખડ હસી પડતાં બોલ્યો : ‘કેમ કયા શાહુકાર છે?’

‘પાગલ છે તું તો! એમના ધંધા હું જાણું છું.’

ખોલીનું તાળું ખોલી રામાવતારે કમાડ ખોલ્યું. અહીં તો અંધારું પૂરા દળકટક સાથે ઊતર્યું હતું. દીવાસળીથી લાલટેન સળગાવતાં રામાવતાર બોલ્યો : ‘એમનું જોઈને શીખ્યો!’

‘અને એવા પૈસાથી તમે મને હરિશ્ચંદ્ર ફિલમ બતાવી?’

‘જો, આપણે જોવી તો હતી ૪૨૦, પણ ટિકિટ ના મળી એમાં આપણે શું કરીએ?’

અંધારા અને અજવાળાએ અડખેપડખે રહેવાની સમજૂતી કરી લીધી.