અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાવજી પટેલ/પત્નીનો નિદ્રાસ્પર્શ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 63: Line 63:
{{Poem2Close}}
{{Poem2Close}}
</div></div>
</div></div>
{{HeaderNav2
|previous =ઢોલિયે
|next =આજ અચાનક
}}

Latest revision as of 10:51, 23 October 2021


પત્નીનો નિદ્રાસ્પર્શ

રાવજી પટેલ

ઊંઘના અણખેડ્યા ખેતરમાં ઊગ્યા સારસટહુકા,
નભનીલાં ડૂંડાંના ભરચક ભાર થકી
ઝૂકેલા સાંઠા!
એક કોરથી સ્હેજ સ્વપ્નથી ચાખું
આખું સાકરની કટકી શું ખેતર
જીભ ઉપર સળવળતું.
આ પાથી વંટોળ સૂરજનો
તે પાથી વાયુના પંખી
હભળક કરતાં આવ્યાં...
ત્યાં
મારી પાસે વેરણછેરણ ઊંઘ ઓઢીને ઘોરે
શાંતિ રણ જેવી લંબાઈ પડેલી...




આસ્વાદ: સ્વાદ અને સ્પર્શનો વિશિષ્ટ સંકર – રાધેશ્યામ શર્મા

રાવજી ખેતરને ખોળે ઊછરેલો કવિ છે, રાવજી ઇન્દ્રિયરાગી કવિ છે, રાવજી સ્પર્શોત્સુક કવિ છે. આ ત્રણે વિધાનો એકીસાથે એક જ કૃતિને કેન્દ્રમાં રાખી કરવાં હોય તો આ રચના પ્રસ્તુત છે.

‘નભનીલાં ડૂડાંના ભરચક ભાર થકી / ઝૂકેલા સાંઠા’ના પરિવેશમાં જ પ્રથમ પંક્તિ ઊગી છે – ‘ઊંઘના અણખેડ્યા ખેતરમાં ઊગ્યા સારસટહુકા.’ ડૂંડાંને ‘નભનીલાં’ કહી ડૂંડાની ઉદ્ગ્રીવ સ્થિતિ અને પરિપુષ્ટતા (‘ભરચક ભાર’) તાદશ કરી અપાઈ છે. પણ ઊંઘને ‘અણખેડ્યું ખેતર’ કહેવામાં રાવજી સીધો સ્પેનના લૉર્કાની લગોલગ બેસી જવાનું ગજું દેખાડી આપે છે!

ખેતરમાં અનાજ જેવી ગદ્યાળુ વસ ઊગી નથી, ઊગ્યા છે સારસટહુકા! વાસ્તવમાં જગતમાં આવું બનતું નથી એટલે આપણે પ્રત્યેક પંક્તિની કમાનો વટાવતા કવિના સ્વપ્નલોકમાં ઊંડે ઊતરતા જઈએ છીએ…

એક કોરથી સહેજ સ્વપ્નથી ચાખું
આખું સાકરની કટકી શું ખેતર
જીભ ઉપર સળવળતું.

ઊંઘના અણખેડ્યા ખેતરમાંથી આપણું સ્થળાંતર–સ્વપના માધ્યમથી જ તો – સાકરની કટકી શા ખેતરમાં તદ્દન સહજપણે થાય છે. નરસિંહ અને એના જેવા કવિઓની ‘બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે’ જેવી પંક્તિઓની સમકક્ષ બેસે, અરે! એમનેય અંડોળી જાય એવી આ ત્રણ સક્ષમ પંક્તિઓ છે. એક કોર જાણે કે પતાસાની કોર હોય એમ ચાખવાની વાત આવે છે પણ તે જીભથી નહિ, સ્વપ્નથી ચાખવાની (‘સ્વપ્નથી ચાખું’) અસાધારણ ઘટના છે. અહીં સ્વાદેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયનો વિલક્ષણ સંકર સિદ્ધ થયો છે:

આખું સાકરની કટકી શું ખેતર
જીભ ઉપર સળવળતું.

‘આખું’ અગાઉ ‘ચાખું’ શબ્દ એવી રીતિએ પંક્તિબંધમાં આવી બેઠો છે કે ભાવકની જીભ સાકર સાથે ઘસાયાની આછેરી અનુભૂતિ કરે તો ના નહિ!

કાવ્યનાયક સુષુપ્તિમાંથી સ્વપ્નમાં જઈ જિહ્વાથી સાકર–ખેતરનો સ્વાદસંકર માણતો હોય છે ત્યાં અચાનકતાનું તત્ત્વ (‘હળળક’) સૂરજના વંટોળ અને વાયુના પંખીથી પ્રવેશે છે. કદાચ નાયક જાગી જાય છે ને જુએ છે –

ત્યાં
મારી પાસે વેરણછેરણ ઊંઘ ઓઢીને ઘોરે
શાંતિ રણ જેવી લંબાઈ પડેલી…

અહીં ‘વેરણછેરણ’, ‘ઊંઘ’ સાથે આવે છે પણ કદાચ એ અસ્તવ્યસ્ત સુપ્ત પત્નીને વધુ લાગુ પડે છે. સ્વપ્નના હરિયાળા રમણીય ખેતરમાં સાકરસ્વાદ માણતો નાયક અંતે તથ્યની નક્કર ભોંય પર પટકાઈ, લંબાઈને સૂતી પડેલી પત્નીની આસપાસ પ્રવર્તમાન શાંતિને ‘રણ જેવી’ જુએ છે. સાકરના ખેતરમાંથી આપણે વેરાન રણમાં આવી પહોંચીએ ત્યારે વિમાસીએ કે પત્નીના નિદ્રાસ્પર્શથી સાકરના ખેતરનું સ્વપ્ન ઉદ્ભવ્યું હશે કે પત્નીના નિદ્રાસ્પર્શથી જ સ્વપ્ને ચાખેલું ખેતર રણ જેવી શાંતિમાં પલટાઈ ગયું હશે?! (રચનાને રસ્તે)