ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્ય અને ભાવાત્મક એકતા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સાહિત્ય અને ભાવાત્મક એકતા'''</span> : જગતભરના સાહ...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 10: Line 10:
{{Right|અ.યા.}}
{{Right|અ.યા.}}
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous= સાહિત્ય અને પ્રયોગદાસ્ય
|next= સાહિત્ય અને માન્યતાઓ
}}

Latest revision as of 08:37, 9 December 2021


સાહિત્ય અને ભાવાત્મક એકતા : જગતભરના સાહિત્યમાં પ્રજા-વિશેષ, દેશવિશેષ, રાષ્ટ્રવિશેષ તેમજ સમગ્ર વિશ્વ અને સકલ પ્રકૃતિની એકતાની ભાવના તથા દર્શન અતિ પ્રાચીન સમયથી વ્યક્ત થતાં રહ્યાં છે. પરંતુ અર્વાચીન સમયમાં મુખ્યત્વે રાષ્ટ્રની, પ્રજાની એકતાની અભિવ્યક્તિને ભાવાત્મક એકતા સાથે સાંકળવામાં આવે છે. વિશેષ કરીને ભારતમાં. ઓગણીસમી સદીની મધ્યથી, રાષ્ટ્રમાં ભિન્ન ભિન્ન જાતિઓ, ભાષાઓ, ધર્મો, સંપ્રદાયો સહઅસ્તિત્વ ધરાવતાં હોવા છતાં પ્રજાની વચ્ચે ભાવાત્મક એકતા પ્રવર્તે છે કે પ્રવર્તવી ઘટે એવો સંદેશ બધી જ ભારતીય ભાષાઓના સાહિત્યમાં સતત અભિવ્યક્તિ પામતો રહ્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો ભારતીય રાષ્ટ્રવાદના ઘડતરમાં સાહિત્ય આગવું પ્રેરકબળ બની રહેલું છે. ભારતીય સાહિત્ય પરંપરાની દૃષ્ટિએ વિચારીએ તો ઠેઠ વૈદિક સાહિત્યથી ભૂમિવિશેષની એકતા, વિશ્વની એકતા, માનવજાતની એકતા તથા સકલ પ્રકૃતિની એકતાની ભાવના વિકસતી રહી છે. ઋગ્વેદમાં તેમજ ખાસ કરીને અથર્વવેદમાં ભૂમિ માતા છે તથા અમે સંતાનો છીએ એવી ભાવના ‘ભૂમિ-સૂકત’માં વ્યક્ત થઈ છે. સમગ્ર વિશ્વનું તથા સકલ પ્રકૃતિનું નિયમન ‘ઋત’ની વિભાવના રૂપે ઋગ્વેદની ઋચાઓમાં પ્રગટ થયું અને આ ‘ઋત’ એ જ ‘સત્ય’ એવું પણ પ્રતિપાદિત થયું. એ જ રીતે આત્મા અને પરમાત્માની વિભાવના સમગ્ર ચેતનસૃષ્ટિને તથા પંચમહાભૂતની વિભાવના સમગ્ર સૃષ્ટિને એકસૂત્રથી જોડે છે તેની પ્રથમ પ્રતીતિ વૈદિક સાહિત્યમાં થઈ. એ પ્રતીતિ મહામૂલો વારસો બનીને આજ પર્યંત સમગ્ર ભારતીય સાહિત્યમાં અવતરતી રહી છે. ગુજરાતી ભાષામાં ‘ભાવાત્મક એકતા’ એ શબ્દપ્રયોગ ભાતીગળ ભારતરાષ્ટ્રમાં વિવિધતા હોવા છતાં એકતાની ભાવના દર્શાવવા પ્રયોજાતો રહ્યો છે. ઓગણીસમી સદી દરમ્યાન, આરંભમાં ગુજરાતની ભાવાત્મક એકતા અને આખરના દશકોમાં ભારતની એકતાનો ધ્વનિ તેમજ સંદેશ મુખ્યત્વે પ્રશસ્તિ કાવ્યોમાં ઝલકે છે. નર્મદાશંકરનું ‘જય જય ગરવી ગુજરાત’ કે ખબરદારનું ‘ગુણવંતી ગુજરાત’ ગુજરાતી પ્રજાની અસ્મિતા પ્રગટાવવામાં મહત્ત્વનું પ્રદાન કરતાં રહ્યાં છે. ઓગણીસમી સદીના અંતિમ ચરણમાં ‘ભારતમાતા’ની કલ્પના સમગ્ર દેશમાં વ્યાપક બનવા માંડી અને ‘વંદે માતરમ્’નું ગાન આઝાદીના સંગ્રામની ચરમ અભિવ્યક્તિ બન્યું. એ પરંપરામાં ગુજરાતી ભાષામાં અનેકાનેક ગીતો રચાયાં તથા ભાવાત્મક એકતાનો સંદેશો લોકસમસ્તમાં પ્રસરતો રહ્યો. વીસમી સદી દરમ્યાન સમગ્ર માનવજાતની એકતા તથા વિશ્વશાંતિની ભાવના ઉમાશંકર તેમજ ‘સુંદરમ્’ની રચનાઓમાં મુખરિત બની તેમજ ‘ઋત’ની વૈદિક વિભાવના આધ્યાત્મિકતા પ્રગટ કરતી રચનાઓમાં પ્રસ્ફુરિત થઈ છે. પ્રકૃતિ કે વિશ્વને માયાસ્વરૂપે કે લીલાસ્વરૂપે એમ બન્ને દૃષ્ટિકોણથી દાર્શનિક સાહિત્યમાં મૂલવવામાં આવ્યાં છે છતાં આ બન્ને સ્વરૂપો કોઈ પરાશક્તિની અભિવ્યક્તિ છે એ રચનાઓમાં સતત પડઘાતું રહ્યું છે. એ નોંધપાત્ર છે કે વીસમી સદીના ઉત્તરાર્ધમાં ‘છિન્ન ભિન્ન છું’થી માંડી ‘તંતુ વિચ્છેદ’ સુધીના ભાવ ગુજરાતીસાહિત્યમાં પ્રગટ થયા છે. પરંતુ સારભૂત ભાવાત્મક એકતાની ભાવના સવિશેષ પ્રભાવક રહી છે. વ્યક્તિ તેમજ વ્યક્તિવાદના બળવત્તર પ્રવાહની સામે વ્યક્તિનું સંબંધસૂત્ર પ્રદેશ, ભાષા, દેશ, વિશ્વ કે પ્રકૃતિની સાથે જોડાયેલું છે એવો સમાંતર પ્રવાહ માત્ર ગુજરાતી સાહિત્યમાં જ નહીં, વિશ્વભરના સાહિત્યમાં પણ જોવાય છે. અ.યા.