મેઘાણીની નવલિકાઓ - ખંડ 1/વહુ અને ઘોડો: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વહુ અને ઘોડો|}} {{Poem2Open}} <center>[૧]</center> સ્વામીનાથ નાટક જોવા ગયા છે. હુ...") |
m (Meghdhanu moved page મેઘાણીની સમગ્ર નવલિકા 2/વહુ અને ઘોડો to મેઘાણીની નવલિકાઓ - ખંડ 1/વહુ અને ઘોડો without leaving a redirect) |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 170: | Line 170: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = બદમાશ | ||
|next = | |next = અમારા ગામનાં કૂતરાં | ||
}} | }} |
Latest revision as of 00:16, 28 February 2024
સ્વામીનાથ નાટક જોવા ગયા છે. હું હજુ નીચે રસોડામાંથી બાળકનું દૂધ ઢાંકીઢૂંબીને મેડી પર ચાલી આવું છું. અહીં અમે બે જ જણ છીએ: એક હું ને બીજો આ દીવો... હું ભૂલી: જીભ કચરું છું. અત્યારે અર્ધી રાતના મારા સંગાથીને મારે પુરુષ-નામ ન આપવું જોઈએ. દીવાને ‘દીવો’ કહેતાં તરત જ મારું મન પાછું ભટકવા લાગે છે: દીવો કેમ જાણે ધીરે ધીરે મારા અંતરની વાતોના સાક્ષી કોઈ જાણભેદુ પુરુષ તરીકે સજીવ બનતો હોય એવું લાગે છે. અહીં એકાંતમાં પુરુષની કલ્નામૂર્તિ પણ નહિ સારી. હસી હસીને પ્રકાશ દેનાર, એકીટશે મીટ માંડી મારી સામે તાક્યા કરનાર, તેજના સરોવરમાં મારા દેહને ભીંજવનાર અને પોતે મૂંગો રહી મારા હૈયાની વાતો આ કાગળ પરથી વાંચી જનાર એ દીવાની પુરુષ-કલ્પના તો ખરે જ બિહામણી છે. માટે હું કહું છું કે આ મેડીમાં અત્યારે એક હું જાગું છું. ને બીજી જાગે છે આ બત્તી. મને મારું બાળપણ સાંભરે છે. જો કે અહીં ઘરમાં તો મને સહુ હૈયાફૂટી કહે છે; કેમકે હું રોજની મારી મેલછાંડમાં કઈ ચીજ ક્યાં મૂકી તે ભૂલી બહુ જાઉં છું, નાહીને કે સૂઈ ઊઠીને ગળાનો હેમનો હાર પણ ચોકડીમાં કે પથારીમાં પડ્યો રહેવા દઉં છું અને, તેને પરિણામે, સહુ મને ‘ભાન વિનાની’, ‘રોઝ જેવી’ કે ‘ગામડાનું ભોથું’ કહે છે. તેમ છતાં, મને મારા પાંચ વર્ષના વયનું તલેતલ નાનપણ યાદ આવે છે: તે વખતે હું ઘરની ભીંતેથી કરોળિયાનાં જાળાં તેમ જ ભમરીનાં ભોંણ ઉખેડી નાખતી, તે દેખીને રતનમા મને કહેતાં કે “રે’વા દે, રે’વા દે, પાપણી! નહિ તો તને ઓલ્યે ભવ પરતાપરાય શેઠની ગાડીના ઘોડાનો, ને કાં એમના ઘરની વહુવારુનો, અવતાર મળશે, હો!” તે વખતે હું બહુ સમજણી નહોતી; પણ મારા મનમાં આ વિચાર દિવસ-રાત ઘોળાવા લાગ્યો: શા માટે રતન ડોશીએ પેલા અમારા ઘર સામેના રસ્તામાં સૂઈ રહેતી ઘરબાર વગરની ગાંડી વલૂડીના અવતારને બદલે, કે પેલી અમારે ઉંબરેથી રોજ લાકડી ખાઈને ચાલી જતી ટિપુડી કૂતરીના અવતારને બદલે, પ્રતાપરાય શેઠના ઘોડાનું ને એના ઘરની વહુવારુઓનું સુખ મારા પાપના બદલા તરીકે બતાવ્યું? “તો તો હું ખૂબ પાપ કરીશ!” નાચતી કૂદતી હું બોલી ઊઠી: “મારે તો મરીને પ્રતાપરાય શેઠનો ઘોડો થવું જ છે. બહુ મઝા પડે — બહુ જ મઝા પડે. રતનમા, મને એ ઘોડો બતાવજો.” ગામના મોટા રસ્તાને કાંઠે જ અમારું ઘર હતું. ખડકી ઉઘાડીને રોજ સાંજે ઊંચાં પગથિયાં પર હું રતનમાની જોડે બેસતી, અને પેલા ઘોડાની વાટ જોતી. “જો આવે: જો, સાંભળ, એના ઘૂઘરા બોલે!” એમ રતનમા કહેતાં કે તરત જ હું તૈયાર થઈ ઊંચે શ્વાસે ઊભી થઈ જતી. પછી જ્યારે ચકચકિત ગાડીને હળવા ફૂલની માફક રમાડતો એ ઘોડો પોતાના ડાબલાના તડબડાટ કરતો નીકળતો, ત્યારે એના કપાળમાં રમતી માણેક-લટ, એકબીજીને અડતી કાનની ટીપકીઓ, કમાન જેવી વાંકી ડોક, કેશવાળી અને શરીરના અવનવા થનગનાટો સામે નીરખી નીરખીને મારા હૈયાના મોરલા નાચી ઊઠતા: “અહાહા! રતનમા!” હું કહેતી: “આવો સુખનો અવતાર પામવા સારુ તો હું તમે કહો તેવાં પાપ કરું!” “અરે મૂરખી!” રતનમા સમજાવતાં: “આ તો થોડા દીનાં નાચણ ખૂંદણ: ભલે માણી લ્યે બચાડો...” પણ મને એ કાંઈ ન સમજાતું. પછી તો હું સવાર-સાંજ, બસ, એ ઘોડાના જ ઘૂઘરાને કાન માંડીને બેસતી: રણકાર થાય કે દોડાદોડ ખડકીએ જતી: બા નવરાવતી હોય તો એના હાથમાંથી વિછોડાવીને સાબુએ બળતી આંખે પણ ઘોડો જોવા જતી. ‘કેવો ભાગ્યશાળી ઘોડો!’ હું વિચાર્યા કરતી: ‘એની પીઠ ઉપર કેવા રૂપાળા, હસમુખા, ભપકેદાર લોકોની સવારી શોભે છે! ‘ચાઈના સિલ્ક’ના કોટપાટલૂને દીપતા મામલતદાર સાહેબના બન્ને હાથ ભરબજારે સેંકડો લોકોની સલામો ઝીલતા હોય, અને હાથમાં મોટા મોટા હુક્કાવાળા, બગલમાં રૂપેમઢી તલવારોવાળા, મોટા મંદિલવાળા તાલુકદારો એને ‘સરકાર! સરકાર!’ કહી ઓછા ઓછા થતા હોય, ત્યારે શું ટેડી આંખે આ મહાપુરુષને જોઈ જોઈ શેઠ સાહેબનો ઘોડો ઓછો મગરૂબ બનતો હશે!’ હરેક ગાડીને ટાઈમે સ્ટેશન પર જઈને કલેક્ટર સાહેબથી માંડી અવલ-કારકુન સાહેબ સુધીના તમામ માનવંતા પૅસેન્જરોને ચા-નાસ્તો પહોંચાડનાર આ ઘોડો દિવસના ભાગમાં જ્યારે જ્યારે નીકળતો ત્યારે તો હું અચૂક ખડકી બહાર આવીને એને નીરખી લેતી; અને રાતના બાર કે ચાર બજ્યાની ગાડી પર જ્યારે એ ચૂપચાપ રબર-ટાયરની ગાડીને રમાડતો, પોતાના નાળબંધ ડાબલાના પડછંદા જગાવતો ઘોડો સૂનકાર શેરીઓમાં ઘમકાર કરતો નીકળતો, ત્યારે ઊંઘમાંથીય હું જાગતી — નહોતી જાગતી ત્યારે એ ઘોડાને સ્વપ્નમાં જોતી. બજારમાં પણ અનેક વાર શેઠ સાહેબનો શબ્દ હું સાંભળતી. અમારા મકાન પાસે એ ગાડી ઘણીવાર અટકતી; અમારે ઘેર કોઈ પણ અતિથિ આવેલ હોય કે તરત શેઠ મારા મોટાભાઈને કહેતા કે “મહેમાન માટે આપણી ઘોડાગાડી મંગાવી લેજો, હો કે! જુદાઈ રાખશો નહિ, હો કે! ઘોડો બાંધ્યો બાંધ્યો મારે શા કામનો છે, શેઠ! ભાઈઓને સારુ કામ નહિ આવે તો પછી એનું સાર્થક શું છે?” ‘ઓહોહો!’ હું વિચાર્યા કરતી: કેટલો લાડીલો અને સન્માનિત ઘોડો! ઊભો ઊભો મોંમાં લગામ કરડે છે, તે પણ રૂપાની! માખી ન બેસે માટે તો આખે અંગે જાળીની ઝૂલ્ય.’ જેના ઘરનો ઘોડો આટલો ભાગ્યવંત, તેના ઘરની વહુવારુઓ કેવી રૂમઝૂમતી, ગેલતી અને વસ્ત્રાભૂષણે લચી પડતી હશે! એ જોવાની મારી મન-કામના પણ સંતોષાઈ ગઈ એક દી: અમારા ઘરની પાસે રસ્તો એટલો બધો સાંકડો હતો કે સામસામાં બે ગાડાં-ગાડી નીકળી ન શકે. તે દિવસ બપોરે બાર વાગ્યે એકસામટાં સાત ગાડાંની ઠાંસ એ રસ્તે લાગી પડી હતી. ગાડાં ઉપર રૂનાં ધોકડાં લાદેલાં હતાં. બુકાનીદાર સાતેય ગાડાખેડુઓનાં મોં પર રસ્તાની ધૂળના થર ચડ્યા હતા. સાતેય જણા બળદોનાં પૂછડાં મરોડીને ટુકડેટુકડા કરી નાખતા બજારનો ચડાવ પાર કરવા મથતા હતા. બળદોનાં કાંધ ઉપરથી છોલાણ થઈને લોહી ચાલ્યાં જતાં હતાં. પડખે એક ગાય ભીંસમાં આવી જવાથી દુકાનદારો એ સાત માંહેલા એક ગાડાવાળાને હેઠો ઘસડી લઈ મોટે ડોળે ગાળોની તડપીટ પાડતા હતા. પરગામના ગાડા-ખેડુઓ આ ધર્મી વેપારીઓની સામે થોડીક વાર ચસકા કરતા, થોડીક લાચારી ગાતા, થોડાક અંદરોઅંદર વઢતા-ઝગડતા હતા. એ લોકોને ખરી ખબર જ નહોતી કે ગાય ભીંસમાં આવી જવામાં સાચો વાંક કોનો હતો; પણ આ બધી લડાલડી ને ગાળાગાળીથી આનંદ પામતી હું — આઠ વરસની છોકરી — અમારે ઓટે બેઠી હતી, ત્યાં અટકી ગયેલા બે મુસલમાન ખેડૂતો ધીરે અવાજે જે વાતો કરતા હતા તે મારા સાંભળવામાં આવેલી: “હદ થઈ છે ને હવે તો? દુકાનના ઓટા લંબાવીને બજારનો મારગ દબાવનારા છે આ વેપારીઓ ને પીટે છે પરગામના ગાડા વાળાઓને! કોઈ દેખનારો જ ન મળે!” આમ જ્યારે ગાડાં ને ગાડીઓ, રેંકડીઓ ને પગપાળાઓ, પનિહારીઓ ને બકાલણો વગેરે તમામ માણસો તેમ જ વાહનોનો ઠાંસો ત્યાં થઈ ગયેલો, તે વખતે મેં મારા રોજના પરિચિત અને પ્રિય ઘમકાર સાંભળ્યા. મેં ઊઠીને ડોક લંબાવી ઉપલી બજાર તરફ જોયું... અહાહા! શેઠની ગાડી: નવો ઘોડો: માંકડાને બદલે ધોળો ધોળો: અને અંદર ચાર બૈરાં તથા પાંચ છોકરાં બેઠેલાં. આજ આટલાં વર્ષે પણ હું એ દેખાવની એકેય વિગત વીસરી નથી શકી. અંદર બેઠાં હતાં તો ચારેય જણાં ઘૂમટા તાણીને, એટલે આછા આછા સોનાસળીના સાળુ સોંસરવી હું એ મોઢાંની ઝાંખી રેખાઓ જ જોઈ શકી હતી; પણ કોણી સુધી ઉઘાડા તે આઠેય હાથ ઉપર તો મારી નજર, કોઈ ભિખારીનું છોકરું દિવાળીના તહેવારમાં અમારા પૂનમચંદ કંદોઈની દુકાનના દરેક થડકલા ઉપર નિહાળી રહે તેવી લગનીથી, તાકી રહી હતી. મેં એ આંગળીઓની વીંટીઓથી લઈ કોણી ઉપરના બાજુબંધ સુધી શું શું દીઠું તેનું હું કેવું વર્ણન કરું! અત્યારની મારી દૃષ્ટિ દોષિત બની છે, એટલે એ વખતના મારા નયન-તલસાટને હું આજે ન્યાય પણ ન આપી શકું. અને એ પાંચ છોકરાંનાં અંગો ઉપર શોભાના શા શા રંગો! “શેઠનાં ઘરનાં વહુવારુઓ છે; વેવાઈ-ઘેર આજ જમવા જાય છે: બચારાંને માથે કેવી કરી આ સાળા ગાડાવાળાઓએ!” એવા ઉદ્ગારો લોકો કાઢવા લાગ્યા, ત્યાં તો કોચમેને એ રસ્તો રૂંધનાર ગાડાવાળાઓને બે-ચાર ગાળો દઈ ગાડીને પાછી લઈ લીધી. એક ખાંચામાં વાળીને પછી ગામ-બહારને લાંબે રસ્તેથી એણે શેઠ-ઘરનાં વહુવારુઓને વેવાઈ-ઘેર પહોંચાડી દીધાં. એ લોકો જ્યાં જમવા આવ્યાં તે ઘર અમારી નજીકમાં જ હતું. બાને જાણ ન થાય તે રીતે છાનીમાની હું એ ઘેર ગઈ. મને એ સોનાસળીના સાળુની અંદર ઢંકાયેલાં મોં જોવાનું ઘણું મન હતું. પણ એ મોટા ઘરના કોણ જાણે કયા ખંડમાં ભાગ્યવંતીઓ પેસી ગઈ! મને ત્યાં કોણ ભાળ આપવા નવરું હોય! જમવા-જમાડવાની એવી ધમાલ ત્યાં જામી પડી હતી, અને અવાજ પાડી પાડી ભરડાઈ ગયેલાં ગળાં એકબીજાંની સાથે એવી બૂમાબૂમોથી કામ લઈ રહેલ હતાં, કે ત્યાં કાંઈક મોટો કજિયો મચી જશે એવી બીકે હું પાછી ઘેર નાસી આવી. બાને ખબર પડી કે હું ત્યાં જમણ-દિને ગઈ હતી, એટલે બાએ મારા ગાલ સારી પેઠે ખચકાવ્યા. ગાલ તો છોને ખચકાવ્યા પણ તે દિવસથી હું અમારી નજીકના એક મંદિરમાં રોજ સાંજે ઝાલર સમયે જઈને એકલી પ્રાર્થના કરતી કે ‘હે ભગવાન, મને એ શેઠ-ઘરની જ વહુ કરજો; નહિતર હું ઘોડાગાડીમાં બેસીને જમવા કેમ કરીને જઈશ? એવું મને ક્યાંથી મળશે?”
બસ, તે પછી હું બાર-તેર વર્ષની થઈ ત્યાં સુધીના પાંચ વર્ષના ગાળામાં મેં સાતેક વાર એ શેઠ-ઘરનાં વહુઓને ગાડીમાં બેસી નીકળતાં દીઠાં હશે: બે-ત્રણ વાર જમવા માટે; ચારેક વાર અમારી જ્ઞાતિના કોઈ મોટા ગુરુદેવની પધરામણી થઈ ત્યારે સામૈયામાં જવા માટે. પણ મને ચોક્કસ ખબર નથી રહી કે એ ચાર એ-નાં એ જ હતાં કે એમાં કોઈની અદલાબદલી થઈ હતી. છતાં એટલું તો મને યાદ રહી ગયું છે કે કોણી સુધી બહાર દેખાતા એ આઠ હાથની કળાઈઓમાં મને વારંવાર વધતી-ઓછી જાડાઈ-પાતળાઈની અને લાલચોળ જોબન તથા નિસ્તેજ રોગિયલપણાની જૂજવી ભાતો લાગી હતી. આવા ફેરફાર મને તે દિવસે બરાબર સમજાતા નહોતા; પણ મોટી ઉંમરે મારા અંતરમાં એ વાતની કડી બેસવા લાગી હતી: કેટલીક વાર રાતના બે વાગ્યે ને કેટલીક વાર પરોઢિયે અમારે ઘેર પાડોશણો લૂગડાંની પોટલીઓ લઈને આવતી, અને ખબર દેતી કે શેઠના વચેટ, નાના કે મોટા દીકરાની રાજકોટવાળી, વઢવાણવાળી, હડમતિયાવાળી કે ખીજડિયાવાળી વહુ હવે અંતકાળ છે. મારી બા પણ એક નાની પોટલીમાં સાડલો, કાપડું ને ચણિયો વીંટાળી સહુની સાથે ચાલી નીકળતી. એક વાર તો જતાં જતાં બા એમ પણ બોલેલી હોવાનું મને યાદ છે કે “ભાગ્ય એટલાં મોળાં ને, બાઈ, કે આ મારી તારા હજુ ત્રણ વરસ નાની કહેવાય. છોડી તેર વરસની હોત તોય આજ હું એને સુખમાં નાખી દેત. પણ આ તો દસ જ વરસની ને પાછું રાંડને ડિલમાં ગજું મુદ્દલ જ ન મળે ને! દસ વરસનીને પંદરમાં ખપાવાય શી રીતે?” હું તે વેળા તો બહુ સમજી નહોતી. અત્યારે ચોખવટ થાય છે કે શેઠના ઘોડાના રંગો આટલા આટલા બદલાતા, ને એ ઘોડાગાડીઓમાં બેસી જમવા જનારા આઠ-આઠ હાથની કળાઈઓ આવાં રૂપાન્તર પામતી, તેનો અર્થ એ હતો કે ઘોડા ને વહુઓ ઘણી વાર મરણ પામતાં ને તેને બદલે નવા ઘોડા ને નવી વહુઓ તાબડતોબ આવી જતાં. અગિયાર...બાર — અને તેર વર્ષનું વહાણું વાયું ત્યાં તો મારા માવતરના જીવનમાં મારી ચિંતા ઠાંસોઠાંસ થઈ પડી. તે દિવસે અમારા ઘર પાસેની સાંકડી બજારમાં જે ગાડાગાડીની રૂંધામણ થઈ હતી. તેવી જ સંકડામણ માતા-પિતાના સાંકડા સંસાર-પથમાં લાગી પડી. કોણ જાણે શું થયું કે મારા શરીરનું ગજું ઓચિંતાનું નીકળવા માંડ્યું: કોણ જાણે કેવીયે ગુપ્ત સરવાણીઓ મારા રોમરોમમાં ફૂટી નીકળી. મારી મા પિતાજી કને વારંવાર કહેવા લાગી કે “રાંડને ગજું કરવાની જે દી ખરી જરૂર હતી તે દી તો છપ્પનિયાના રાંકા જેવી રહી ને આજ હવે માંડી ડિલ ઘાલવા કરમફૂટી! ક્યાં નાખશું દીકરી જેવી દીકરીની દેઈને!” બાપુ જવાબ દેતા: “આપણે બીજું શું કરીએ! શેઠના ઘરનાં કોઈ વહુ અત્યારે આપણી દીકરી સારુ થઈને થોડી માંદી પડી શકે છે...” સાંભળીને બા બેવડાં ખિજાતાં: “તમારે ઠીક લાગ આવ્યો છે મારા માથે દાઢવાનો! લાજતા નથી ને ગાજો છો શું ઊલટાના! હું ક્યાં એમ કહું છું કે શેઠના છોકરાની વહુવારુ મરે...” “તું કહેતી નથી પણ અંદરથી પ્રાર્થના તો આપણી બન્નેની એ જ હોય ના!” “હોતી હશે — તમને ખબર!” બા છણકો કરતાં. બાપા કહેતા: “પણ એમાં આપણે શું અજુગતું કરીએ છીએ? લાયક ઉમ્મરની દીકરી સારુ તો પ્રત્યેક ચિંતાતુર માબાપ એ જ કરી રહેલ છે. કોઈ આબરૂદાર ઘરની વહુવારુ છેવટના દા’ડા કાઢતી મંદવાડમાં પડી હોય છે ત્યારથી જ શું નથી સહુ વેતરણમાં પડી જતાં? તો પછી આપણે ક્યાં મારણના જપ કરાવીએ છીએ બામણ બેસારીને! આપણે તો એમ ભાવીએ છીએ કે જો શેઠની કોઈ વહુવારુને મંદવાડ આવવાને નિર્માયો જ હોય, તો જરી વે’લો વે’લો કાં ન આવે?” “કપાળ —!” દાંત ભીંસીને બા બોલતાં: “ભલા થઈને હવે ક્યાંક રાજકોટ અમરેલી આંટો તો મારો!” “પણ આંટો તે કેને ઘેર મારું?” “બોર્ડિંગો તો તપાસો: પાંચસો છોકરા ભણે છે.” “પણ આપણે તો દીકરીને ત્રીજી ચોપડીમાંથી જ ભણતર છોડાવ્યું છે ને પાછો ગોતવો છે બોર્ડિંગવાળો ભણેલો!” “ત્યારે કેને દેશું?” “સ્ટેશને છાપાં વેચે છે કડવી ભાભુનો રસિકલાલ: એ શું ખોટો છે?” બાની આંખે પાણી આવી ગયાં. એનાથી કશું બોલાતું નહોતું. ગળે ડૂમો ભરાઈ આવ્યો; મન મોકળું મૂકીને રડ્યાં. બાપા બાને પટાવવા લાગી પડ્યા: “ગાંડી, હું તો મશ્કરી કરતો હતો! આપણી તારા જેવી દીકરીને શું હું છાપાંના ફેરિયા જોડે પરણાવું કદાપિ?” એમ કહીને બાપાએ પાણીનો પ્યાલો લાવી બાનું મોં ધોઈ નાખ્યું. બા રડતાં રડતાં હસી પડ્યા. હું, તેર વરસની તારા, છાનીમાની લપાઈને ઓરડાના કમાડની ચિરાડમાંથી આ જોતી હતી. છાપાંવાળા સ્ટેશનના ફેરિયા રસિકલાલનું નામ સાંભળીને મારા શ્વાસ પણ ફફડી ઊઠ્યા હતા. કોઈ કોઈ વાર એ અમારે ઘેર છાપું વેચવા આવતો. મારા બાપા પૈસા ખરચીને છાપું લેવાના એટલા બધા કાયર, તે છતાં એ રસિકની પટુતામાં લપસી જઈ ‘સમાચાર’ના બે પૈસા ખરચી નાખતા. સાંજ પડતાં તો ચાર છાપાં વીસ ઠેકાણે વંચાવી લઈને રસિક દસ આના ઉઘરાવી લેતો. રોજ વીસ ઠેકાણે પાટકવા માટે મોટી મોટી ડાંફો ભરનાર એના પગની પિંડીઓ ઉપર હું તાકી રહેતી. કોણ જાણે મારી દૃષ્ટિ એના દેહના બીજા કોઈ અંગ પર નહિ ને આ પગની પેશીદાર પિંડીઓ ઉપર જ ચોંટી રહેતી: જાણે કે એ દૃષ્ટિ વાટે હં રસિકની પિંડીઓ ઉપર મારાં આંગળાં દાબતી! અને ઓ મારા બાપ! મને થતું કે કર્ણને જેમ સૂર્યદેવે વજ્રનો દેહ કરી દીધો હતો, તેમ આ રસિકને પણ શ્રમદેવતાએ લોખંડી પગનું વરદાન દીધું હતું. હાય રે, આવા ડાઘા ડાઘા પગપાળા ફેરિયા વેરે મને પરણાવવાની વાત! હું થરથરી ઊઠતી. હું, તેર વરસની તારા, હવે ઘરની ડેલી બહાર નીકળવાની મનાઈ પામેલી. કોઈ આવે-જાય તેની નજરેય પડવાની મને બંધી કરી હતી બાએ; એટલે મારા સંસારમાં તે દિવસે એક માનવી હતો આ રસિક છાપાંવાળો અને બીજા હતા બાપાજી. મારી કલ્પના રમતી હતી પેલા શેઠ-ઘરની સુંદર ઘોડાગાડીની અંદર, ચાર વહુવારુઓની વચ્ચેના કોઈ સ્થાનમાં. મારો સંકલ્પ જાણે કે એ ગાડીમાં ચઢી બેસી એ ચાર માંહેલી એકાદને ધક્કો દઈ ખેસવી રહ્યો હતો. હું જાણે એ સહુથી નાના શેઠ-પુત્રની બીજી વારની ધ્રાંગધ્રાવાળી વહુને ભવાં ચડાવીને કહી રહી હતી કે, ‘ઊઠની હવે! ત્રણ વરસ તો તને થઈ ગયાં. ઉધરસ તો તને લાગુ પડી ગઈ છે; ઝીણો તાવ પણ તને રાતમાં આવી રહેલ છે. તો પછી હવે, ભલી થઈને, ઊઠ, મારે માટે જગ્યા કરી દે. મારે એ ડાઘા પગવાળા રસિકડાને નથી પરણવું.’ એ રસિકડો કોઈ કોઈ વાર એની ઘરડી, આંધળી, વિધવા માને દોરીને દવાખાને લઈ જતો હોય ત્યારે હું (દસ વર્ષની હતી ત્યાં સુધી) ખડકી બંધ કરીને અંદર પેસી જતી. માડી રે! એટલી તો મને બીક લાગતી! ‘મારે એને ઘેર રોટલા ટીપવા નથી જવું.’ બે’ક વર્ષો બીજાં ગયાં. હું પંદરમા વર્ષમાં પહોંચીને ઘરની સંપૂર્ણ બંદિની બની ગઈ હતી. તે અરસામાં તો મારી અને બાની (— કદાચ બાપાજીની પણ) સંયુક્ત પ્રાર્થનાને જોરે શેઠ-ઘરમાં આટકોટવાળી વહુનો ખાટલો ઢળાયો. છ મહિના સુધી રોજેરોજ પંદર-પંદર મહેમાનો એ મંદવાડની ખબર કાઢવા ઊમટ્યાં, ઘોડાગાડીના ઘૂઘરાના ઝંકાર વગર એક પણ રેલગાડીનો સમય ખાલી નહોતો જતો. મધરાતે ને પરોઢિયાની થરથરાવતી ટાઢમાં હું મેડીની પથારીએ સૂતી સૂતી એ મારા પ્રિય ઘોડાનાં ધીરાં પગલાં પર કાન એકાગ્ર કરતી: ખબ... ખબ... ખબ...: જાણે કોઈ ભૂત શેરીમાં એક પગે ખોડંગાતું આંટા મારી રહ્યું છે; આટકોટવાળી વહુનો કાળ જાણે કે છેલ્લાં ઘડિયાળાંની વાટ જોતો ટહેલે છે. ઘોડાના શરીર પર કોચમેનનો ચાબુક-ફટકો ચોંટતો, તેનો સમસમાટ પણ મારી જાડી સોડ સોંસરો સંભળાતો. મંદવાડ સારુ મુંબઈથી ફ્રૂટના કરંડિયા ઊતરતા, તે લેવા સારુ પણ ગાડી જ જોડાતી; વૈદો-દાક્તરોને લેવા, મૂકવા, પરી-તળાવની સેલગાહ કરાવવા, શહેરમાં મળવાહળવા લઈ જવા પણ ગાડી જ ખડી રહેતી: એ છ મહિના તો શેઠ-આંગણે મીઠા ઉત્સવના મહિના હતા. એક દિવસ એવી જાહોજલાલીથી આટકોટવાળી વહુનું મૃત્યુ સુધરી ગયું. મારી મેડીની બારીની ચિરાડમાંથી મેં એ બીજા નંબરના શેઠ-પુત્રને વહુના અવસાન બાદ પાંચમે જ દિવસે પાનપટ્ટી ચાવીને નીકળતા દીઠા. તે જ ક્ષણે — મારી પાછળથી કોણ જાણે કોણે ધક્કો દઈ બારી અરધી ઉઘાડી નાખી... ને એ ઊઘડવાનો અવાજ થતાં જ શેઠ-પુત્રની ઊંચી થયેલી દૃષ્ટે મને જાણે કે આખી ને આખી પી લીધી. ગભરાટમાં મેં પાછળ જોયું: ધીરી ફૈબા! મારું મોં લાલ થઈ ગયું: “ફૈબા! શા સારુ તમે મારી આવી વલે કરી?” “એટલા સારુ તો તને હું ઉપર લઈ આવી’તી!” “પણ શા માટે?” “દુત્તી, હજુય પૂછછ — શા માટે?” કહીને ફૈબાએ મારા ગાલ પર ટાપલી મારી: “ચાર વરસથી તપ તપો છો...” મને સમજાયું: આ તો વર-કન્યાને અરસપરસ બતાવી કરીને સંબંધ જોડવાનો સંકેત હતો! હું ભૂલી: વર કન્યાને જોઈ લ્યે, એટલો જ આમાં મુદ્દો હતો. મારે તો કશું જોવાનું હોય જ નહિ! મને પોતાને જ એવી ઉત્કંઠા નહોતી. મારા કોડ તો હતા ઘૂઘરીદાર ઘોડાગાડીમાં ચાર વહુવારુઓની વચ્ચે સોના-સળીને સાળુડે ઘૂમટો તાણીને કોણી સુધીનાં હેમ-આભરણ બતાવતાં બેસવાનાં. એ કોડ સંતોષવાની વેળા આવી પહોંચી: એક દિવસ મારા માથા પર શેઠ-ઘરની ચૂંદડી નખાઈ ગઈ.
આ શહેરમાં તો અમે બાપુના ધંધાને કારણે જ આવેલાં; અમારું વતન હતું રાજકોટ. બાપુની ઇચ્છા આંહીં ને આંહીં લગ્ન પતાવી દેવાની હતી; પણ શેઠવાળાઓએ જીદ કરી કે “એમાં અમારી શી શોભા! રાજકોટ શહેર શું બોલશે? કહેશે કે, શેઠવાળાએ રેલભાડાંની બીકે, અથવા રાજકોટ-મહાજનના લાગા ચૂકવવા પડે તે બીકે, લોભમાં પડીને ત્યાં ને ત્યાં પતાવ્યું. એવું ઘરઘરણું નથી કરવું અમારે. અમારા મોભાને છાજતી જાન જોડીને આવશું. તમને એમાં ઘસારો લાગતો હોય તો સુખેથી રૂપિયા ૫૦૦ ખરચીના લેજો.” મારા પિતાનું માથું આ સાંભળીને ફાટ-ફાટ થવા લાગ્યું; પણ બાનાં મેણાંએ એને ચૂપ બનાવી દીધા. ટૂંકામાં કહી નાખું છું કે અમે રાજકોટ ગયાં, ત્યાં જબ્બર જાન આવી, શહેરનાં ચારેય બૅન્ડો બોલાવવામાં આવ્યાં... અનેક જાનૈયાઓ માટે મોળાં શાક, ઘીના મોણવાળી રોટલી, ગળેલા ભાત, તાંદળિયાની ભાજી, તીખાંનો ભુક્કો, તળેલી હીમજ, કમાવેલી સૂંઠ, અરધા દૂધની ચા ઇત્યાદિના અનોખા અનોખા સ્વાદ, તબિયત અને શોખ સાચવવામાં મારી બાએ ત્રણ દિવસ સુધી એકલા હાથે અવધિ કરી નાખી. પણ એક દિવસ જેઠજીને માટે ગલકાંનું શાક છેક જામનગરથી પણ ન મળી શક્યું તે વાતે આખી સરભરા ઉપર પાણી ફેરવી વાળ્યું. મારા બાપુની આ ‘કંજૂસાઈ’ અને ‘બેપરવાઈ’ સારી પેઠે તિરસ્કાર પામી. “તમને નહોતું કહી રાખ્યું પ્રથમથી જ — કે, ભાઈ, જે ખરચ તમે ન ભોગવી શકો તે મજરે લેજો!” મારા જેઠજી ઉશ્કેરાઈને બોલી ઊઠ્યા: “છતાં તમારો સ્વભાવ તમારી જાત ઉપર જઈને ઊભો રહ્યો, શેઠ! જે અમને છ ટંક ન સાચવી શક્યો, તેનું પેટ અમારા ઘરમાં આવીને શું દા’ડો ઉકાળવાનું હતું!” “મોં સંભાળીને બોલો, શેઠ!” મારા બાપાજીએ મિજાજ ખોયો: “તમારી શાહુકારી તમારે ઘેર રહી...” “હાં! હાં! હાં!” કરતાં કુટુંબીઓ, સંબંધીઓ, ગામલોકો અને, ખાસ કરીને, જેઓની કન્યાઓની આડેથી હું આ સૌભાગ્ય ઝડપી ગઈ હતી તેઓએ બધાએ આવીને મારા બાપને મોંએ હાથ દીધા: “દીકરીના બાપનું આ કામ છે, ભાઈ? દીકરીનો બાપ તો મોંમાં ખાસડું લેવા લાયક કહેવાય. જો દીકરીનો બાપ ઊઠીને બગાડે, તો તેનાં પ્રાછત ભોગવવાં તો રહ્યાં પોતાના સંતાનને જ ને, ભાઈ!” બાપ બોલ્યા કે “એમ હોય તો હું હમણાં ને હમણાં દીકરીના ગળામાંથી વરમાળ કાઢીને ફગાવી દઉં છું: એવી મારે નથી પડી કોઈની!” “અરે, બોલો મા... બોલો મા, શેઠ!” સર્વ લોક મારા બાપને વારવા લાગ્યા: “પરણી લીધેલ કન્યા તો ઊતરેલ ધાન બરોબર લેખાય, ભાઈ! ક્યાં જઈ એનો અવતાર કાઢે? તમારાથી આવું ન બોલાય: ટાઢાં પડો; પાઘડી ઉતારીને વેવાઈની પાસે માફી માગો.” “મારે પાઘડી નથી ઉતારવી.” “તો એને સાટે અમે સહુ ઉતારીએ છીએ, શેઠજી!” ગામલોકો — ખાસ કરીને પેલી મારા સૌભાગ્યથી વંચિત રહેલી કન્યાઓના પિતાઓ — પોતાની પાઘડીઓ ઉતારીને જેઠજીના પગમાં પડ્યા; બોલ્યા: “એ તો છોકરું છે; પણ અમે ઘરડા બેઠા છીએ ને! રાજકોટની લાજ એમ કાંઈ જાવા દેશું? અમે માફી માગીએ છીએ...” મારા પિતાજીનો ઉત્તાપ આ બધી વેર-વસૂલાત નિહાળીને માઝા મેલતો હતો. જેઠજીએ ઉદાર બનીને સહુને જવાબ દીધા: “અમારે તો એ વાતનું કશુંય મનમાં નથી; પણ અમે સરખું કુળ ન જોયું, અમારી વડ્ય ન જોઈ — ફક્ત કન્યાના વખાણ ઉપર જ અમે દોરવાઈ ગયાં — એટલે અમારે આજ આરંભથી જ વેઠવાનું બને છે ને, ભાઈ! હશે. અમને એ વાતનું કંઈ નથી. અમે જો મોટાં મન ન રાખીએ તો વહેવાર ક્યાંથી ચાલે? જેવાં સંચિત અમારાં! પણ તે વાતનું અમારે કંઈ નથી... માણસો જે સામા કુળની ખાનદાની જુએ છે તે કાંઈ અમસ્થાં જોતાં હશે, ભાઈ! પણ હશે: ખેર! અમારે એ વાતનું કશું જ નથી... આ તો સોનાની થાળીમાં લોઢાની મેખ જેવું બન્યું. પણ તે તો હશે! અમારે એ વાતનું કશું નથી.” જમવાને ઉતારે અંદરના ઓરડામાં બેઠાં બેઠાં મેં અને મારી બાએ આ કજિયો કાનોકાન સાંભળ્યો. મારી બા આંસુ પાડતાં હતાં. હું રડવા જેવી થઈ ગઈ હતી; પણ મને તો, જલદી ત્રણ દિવસ પૂરા થયે સાસરીમાં હેમખેમ પહોંચી જવાની ઊલટમાં ને ઊલટમાં, બાપુનું આ અપમાન તે વખતે બહુ ન સાલ્યું. પછી મારી બાએ બહાર નીકળીને વેવાઈ પાસે ખોળો પાથર્યો. મોંમાં ધૂળની ચપટી લઈને માફી માગી. સાંજે અમે લગભગ વીસેક જાતનાં જુદાં જુદાં રાંધણાં કરીને જાનૈયાઓ માયલા માંદા, બાદીથી પિડાતા, હરસના રોગી, ગરમીના ભોગ થયેલા એવા દરેક ગૃહસ્થની સગવડ સાચવી. મોડી રાતે દાક્તરની જરૂર પડી, એટલે બાએ અમારા સંબંધી લલ્લુભાઈ દાક્તરને ગાડી મોકલી તેડાવી મગાવ્યા. પણ મારા જેઠજીએ લલ્લુભાઈનાં ખાદીનાં કપડાં જોઈ ભારી કંટાળો બતાવ્યો. દરદીને તપાસી લલ્લુભાઈ દાક્તરે સહેજ સ્મિત કરી કહ્યું કે “આમાં કશું જ નથી: તમે નાહક ગભરાયા! પેટમાં ગૅસ જ થયો છે...” તેથી તો જાનવાળાં સહુને અત્યંત ગુસ્સો આવ્યો; “તમારું કામ નહિ!” એમ કહી લલ્લુભાઈને પાછા કાઢ્યા. “રાજકોટમાં શું કોઈ ગોરો દાક્તર જ ન મળે?” જેઠજી બૂમ પાડી ઊઠ્યા. મારી બાએ પંદર રૂપિયાની ફીથી મેજર ફિનફેનીને તેડાવ્યા. એમણે દર્દીને અરધા કલાક સુધી ઊંધો, ચિત્તો, પડખાભર, પેડુમાં, નખમાં, આંખમાં, ગળામાં, કાનમાં વગેરે અંગેઅંગમાં તપાસ્યો; મોઢું ગંભીર રાખીને ભલામણ કરી કે “આખી રાત એક નર્સને આંહીં રાખવી પડશે; સંભાળ નહિ લેવાય તો આ કેસ આંતરડાના સડામાં ચાલ્યો જશે...” “દોષ તો આમાં ખોરાકનો જ છે ને, સાહેબ?” જેઠજીએ પૂછ્યું. “બેશક: ખોરાક અને પાણી.” પછી મેજર ફિનફેનીની મોટર જ્યારે ચાલી ગઈ ત્યારે સહુ ઘણો હર્ષ પામ્યાં. આખી રાત એક ખ્રિસ્તી નર્સને રોકવામાં આવી — અલબત્ત, અમારે ખર્ચે. બધો વખત મારા બાપુ એક ઓરડીમાં પેસીને સૂઈ રહ્યા હતા. આખરે હું સાસર-ઘેર આવી પહોંચી. રસ્તામાં મારા બાપુની નાલાયકી એ જ બધાંની વાતનો, ઠઠ્ઠા-મશ્કરીનો ને રોષ-ધિક્કારનો મુખ્ય વિષય હતો. મારું મોં ઘૂમટામાં હોવાથી તેઓ બધાં બેવડા જોરથી મારું અભિમાન હણી રહ્યાં હતાં. “બીજું તો ઠીક...” મારા જેઠે કહ્યું: “પણ આપણે જેઓને દુ:ખી કરીને પારકે ઘેર લઈ ગયાં હોઈએ, તેમની કેવી દશા કહેવાય? એનું આંખ-માથું દુ:ખે એ આપણે માટે તો મરવા જેવું ને, ભાઈ!” આ વચનમાં મારે માટે ઊંડો દિલાસો હતો: આ લોકોને દરેક મનુષ્યના રક્ષણની કેટલી કિંમત છે! હું કેવા પ્રેમાળ ઘરમાં પડી!
લગ્નની પહેલી રાત: તે દિવસોમાં મારી વહાલસોઈ બેનપણીને પણ હું એક અક્ષરેય ન કહી શકી હોત. આજ મને થાય છે કે જાણે એક ચોપડી લખી કાઢું. પણ નહિ, નહિ; એ રાતના ત્રણ પહોર કોઈ શબ્દોમાં બાંધ્યા બંધાય તેવા નથી. મારું આખું શરીર જાણે હમણાં ઓગળીને પાણીની અંદર સાકરની કણી જેવી દશાને પામી જશે. જાણે રૂના પૂમડા જેવી બનીને હું પવનવેગે ઊડી જઈશ. અગરબત્તીની માફક મારાં અંગેઅંગ બળી જઈ સુગંધીદાર ધુમાડાનાં ગૂંચળાં ફોરાવતાં આકાશે ચઢતાં હતાં. મારું હૃદય કોઈ ધૂપિયું બની રહ્યું હતું. કોઈ દિવસ મેં ક્યાંયે ન વાંચેલું, ન સાંભળેલું, ન સ્વપ્નેય અનુભવેલું એવું ગુંજન મારા શરીરની કણીયે કણીમાંથી ઊઠતું હતું. બા કોઈ વાર કપૂરનો કટકો લઈને અંગારા પર મૂકતી તે મને યાદ હતું: હું જાણે કે એ કપૂરની સળગતી પૂતળી બની ગઈ હતી. મને બહુ ન ભણેલીને, અજ્ઞાનીને, અબૂધને, ગઈ કાલ સુધી પાંચીકે રમનારીને આ કોણ છાનુંમાનું અંતર્ધાન રહ્યું રહ્યું રુંવાડે રુંવાડે જીવનની અજબ ગોષ્ઠી કરી રહ્યું હતું? કરોડો મારા જેવી કન્યાઓને શું એ એક જ અદૃશ્ય મિત્ર સદા આ રહસ્ય શીખવી રહેલ છે? મોડી રાતે શેઠ-પુત્ર આવ્યા. એના ચહેરા ઉપર મીટ માંડતાં જ, કોણ જાણે શાથીય, હું થીજી ગયા જેવી થઈ રહી. એને હું ગમીશ કે નહિ ગમું એ ફફડાટ મારો કબજો લઈ બેઠો. એનું મોં દારૂની કશીય દુર્ગંધ વગર પણ મને માતેલું દેખાયું. એની આંખોમાં રુવાબનો તાપ બળતો હતો. કબૂતરને દાઢમાં ભીંસનાર કોઈ બિલાડીની રીતે એણે એની બેહોશ ઇચ્છાને મારા ઉપર ભીંસી દીધી.... કપૂરની ગાંગડીને જાણે કોઈએ છૂંદેછૂંદા કરીને મોટી ભઠ્ઠીમાં ભભરાવી દીધી. જરીકે સુગંધ આપ્યા વગર જાણે કે મારું યૌવન ભસ્મ બની ગયું. હું કશુંય ન બોલી શકી: એને કશું સાંભળવા-કહેવાનું ન રહ્યું. સવારે હું નીચે ચાલી ત્યારે એણે કહ્યું: “મોટાભાઈ તારાં માવતર ઉપર ખૂબ ગુસ્સે બળી રહ્યા છે. સંભાળીને રહેજે, લાયકી મેળવજે. નીકર પત્તો નહિ લાગે. તારા જેવી તો આ ઘરની સંજવારીમાં વળાઈ જાય છે — ખબર છે?” નિહાળી નિહાળીને તો ત્રણેય દેરાણી-જેઠાણીનાં મોં આજ મેં પહેલી વાર જોયાં. જોયા જ કર્યાં: ઓહોહો! કેટલાં બધાં શ્વેત! પણ લાલ રંગની એક આછી ઝાંય સુધ્ધાં ન મળે: સોનાની બંગડીઓ કાંડા ઉપર દોડાદોડ કરતી ઊંચે ને નીચે સરકે: પગના — છડા છેલ્લામાં છેલ્લા મુંબઈ ઘાટના — હમણાં જ જાણે પગની પાની પર થઈને નીકળી પડશે: બાવડા પરની સાંકળીઓ આવડી મોટી શા સારુ, તે દોરો બાંધીને દબાવી લેવી પડી હશે! લમણાં ઉપર વાળની ઘાટપ કાં નહિ? આવાં રૂપાળાં મોં ઉપર તો મલકાટ જ હોય; છતાં ત્રીજા જ દિવસથી મારા તરફ કાં એમનાં મોઢાં ચડેલાં રહેવા લાગ્યાં? હું મેડી ઉપરથી જરી મોડી ઊતરી તે તો મારું શરીર કળતું હતું, ને માથું ચક્કર ફરતું હતું, એ કારણે. મને કેમ કોઈ પૂછતાં પણ નથી કે, તને શું થાય છે, તારા? હું કાંઈ કામકાજની આળસુ થોડી હતી? પણ આ મારા શરીરના સાંધા, કોણ જાણે શાથી, ટુકડેટુકડા થઈ જાય છે. રાતના એમના પણ શરીરના સાંધા ટૂટી પડતા હતા. એમણે મારી પાસે ચંપી કરાવી. એ બધા ઉજાગરાને લીધે પણ મારાથી મોડું ઉઠાયું. મારી દેરાણી-જેઠાણીઓને હું આ કેમ કરી સમજાવું? એ બધાં તો બબડવા લાગ્યાં કે “તમે આવ્યે અમારા રાંધણાંના ઘસડબોળા કંઈક ઓછા થશે, એમ આશા રાખેલ ત્યાં તો તમેય બાપને ઘેર પૂરું ધાન ન ખાધું હોય એવાં જડ્યાં અમારે કપાળે!” દેરાણી કહે: “મારે ચીકાને આખી રાત ધાવણ આવતું નથી, કેમકે હું દી-રાત એકલી તૂટી મરું છું. આંહીં શું મારી એકલીના જ બાપની આબરૂ સાચવવાની છે તે મારે એકલીને જ ભીંસાઈ મરવું?” નાના ભાભીજી પણ મારા હાથમાંથી પાણીનું તપેલું ઝૂંટવી લઈને બોલ્યાં: “લાવો ભા; તમારાથી નહિ ઊપડે. તમને એટલીયે ભાન છે કે મહેમાન સારુ પહેલાં દાતણ કરવાનું પાણી મૂકીને પછી ઝટ ઝટ ચા કરવો છે? બાપને ઘેર પાંચ પરોણા આવતા હશે ત્યાં તો મૂંઝાઈને...” ઉપરથી પુરુષો બૂમો પર બૂમો પાડતા હતા: “ઊનું પાણી કેમ હજી નથી આવતું? ક્યાં મરી ગયાં છે બધાં? ખાઓ છો તો થાળીઓ ભરીભરીને! પછી ચા કે’ દી મોકલશો? મેમાનોને ગાડીએ પોગાડવા છે! એલા, ભગા, જોડ જલદી!” “ટપાલ લેવા કોઈ ગયું કે નહિ?” “આ ફાનસ હજી કેમ બળે છે?” “આ છોકરો હજુ કેમ ગોબરો ભર્યો છે? એને પખાળો તો ખરાં કોઈક!” “બપોરની ગાડીમાં ચત્રભુજ હેમાશાવાળા આવે છે: રોટલીનો લોટ રાખી મૂકજો...” “કાલ્ય દહીં-ચટણીમાં કોથમીર કેમ નો’તી નાખી? કોઈ જુઓ છો કે નહિ? મારાં સાળાં આંધળાં...” આવા અનેક અવાજો પુરુષોનાં મોંમાંથી ઉપરાઉપરી છૂટતા હતા. તરત મને ભાભીજીએ યાદ કરી દીધું કે “તારાવહુ, દહીં-ચટણી તો કાલે તમે જ કરી હતી. એટલુંય ભાન ન રાખીએ? કોથમીર જેવી ચીજ ભુલાઈ જાય! ભાયડાનો સ્વભાવ કેવો છે, એ તો તમે જાણો છો ને? કે બાપને ઘેર દહીં-ચટણી કોઈ દી...” “તમારે પગે લાગું, ભાભીજી!” મારાથી કહેવાઈ ગયું: “તમે મારા ઉપર સૂઝે એટલું કહો, પણ મારા બાપને બચાડાને શા સારુ વારે ને ઘડીએ વાતવાતમાં વચ્ચે નાખો છો? એણે શું બગાડ્યું છે તમારું કોઈનું? જેવા સહુના બાપ, એવો જ મારો બાપ...” મારી આંખો લાલ બની, ને પછી તેના ઉપર ઝળઝળિયાં ફરી વળ્યાં. મારી આંખો આડે મારા બાપુની મુખમુદ્રા તરવરી ઊઠી, અને હું ઊઠીને રસોડાની બહાર ચાલી ગઈ — મારાં આંસુ ખાળવા. દેરાણી-જેઠાણીઓએ માન્યું કે મેં છણકો કર્યો. બધાં શું બોલ્યાં તે મારાથી સંભળાયું જ નહિ. હું ઊભી હતી ઓસરીની થાંભલીની આડશે: ઘોડો ઊભો હતો ગાડીએ જૂતેલો. એ મૂંગું પશુ ઓટા પર પડેલા તપેલામાં ચોટેલા ગઈ રાતની ચંદીના ચાર ચણા-દાણા તરફ ડોક ખેંચતું હતું. કૂંડીમાં એઠવાડનું પાણી પડેલું, તે તરફ લંબાઈને એ ખોંખારતો હતો. રાતમાં બહુ ટાઢ પડેલી, તેથી સાઈસ એને ઘાસ નીરવા ઊઠી નથી શક્યો એમ મને લાગતું હતું. મને થયું કે એક પૂળો લાવીને એના મોં પાસે મૂકું. ત્યાં તો મેડી ઉપરથી ધડબડ ધડબડ મહેમાનો ઊતર્યા, અને ઘોડાને આડોઅવળો ગરદન લંબાવતો દેખીને બોલ્યા કે “સાળો આ સાતમો ઘોડો કજાત્ય નીકળ્યો. એની મા તો હતી અસલ ચોટીલાની ચાંગલી; પણ બાપ કોઈક ટારડો પડી ગયો હોવો જોઈએ.” ઘોડાના બાપની બદબોઈ સાંભળ્યા પછી મને એક સુખ એ થયું કે ઘરમાં જાણે મારો એક સગો ભાઈ જીવે છે! ને હવે મને નાનપણની વાત યાદ આવી કે રોજ ખડકીને ઓટલે બેસીને હું જેની નસીબદારીનાં વખાણ કરતી તે ઘોડો એકનો એક નહોતો: દર વર્ષે–બે વર્ષે બદલાયા કરતા એ નવા નવા ઘોડા એકના મડદા ઉપર જ આવતા હતા. ચોરીછૂપીથી હું વારંવાર ઘોડાને ચણા ખવરાવી આવતી. પગી ન હોય ત્યારે પાણી પણ પાતી; એકસામટા પાંચ પૂળા ઘાસના પણ નીરતી. એક વાર નાના દિયરજી બહુ જ ભઠેલા કે આમ ખડ નાખીને કોણ આ બગાડ કર રહ્યું છે? હું થરથરી રહી હતી. પણ રોષ બધો ભગા સાઈસ ઉપર ઠલવાઈ ગયો ને ઘોડા સાથેનો મારો ભાઈ-સંબંધ વધારે ગુપ્ત બન્યો.
બારેક મહિના થઈ ગયા હતા. રાતની ગાડીમાં પાંચ મહેમાનો ઊતર્યા હતા. જામનગરથી તેઓ દીકરીના વેવિશાળ સારુ એક બીજવર મૂરતિયાને જોવા આવેલા. ઘોડો સ્ટેશને જઈને તેઓને ખેંચી લાવ્યો. સાંજરે ગામના અધિકારીઓને, મામલતદાર સાહેબનો દીકરો પરણી આવેલો તે અવસરની ખુશાલીમાં, અમારે ઘેર ચા-પાણી હતાં. તેની ધમાલમાંથી અમે સહુ માંડ નવરાં પડેલાં. એટલે થાકેલું મારું શરીર નવાં મહેમાનો માટે રોટલીનો લોટ માંડી, ચૂલામાં છાણાં ભરીને મહેમાનો જમવા ઊતરવાની વાટ જોઈ બેઠું હતું. પણ આવતાંની વાર જ મહેમાનોએ ચા પીધી, તેથી વાળુ કરવા ઊતરવામાં કંઈક મોડું થતું હતું. મોટાં જેઠાણી પિયર ગયેલાં. નાનાં ભાભીજી ચીકાને મોટી ઉધરસ થઈ હોવાથી એને રડતો છાનો રાખવા ઓરડે ધવરાવતાં હતાં. દેરાણી એની એક બંગડી ખોવાઈ હતી તેથી ફાનસ લઈ ઘર તપાસતાં નોકરોને પૂછપરછ કરતાં હતાં. મારી આંખે ચૂલા પાસે બેઠાં બેઠાં ઝોલું આવી ગયું — ને ઓચિંતાનું મારું લમણું ધગતાં હું જાગી: જોઉં તો ચૂલાનો તાપ મારી એક બાજુની લટને લાગી ગયેલો. સારું થયું કે બળીને એકલી લટ જ ખરી ગઈ. પણ, હું સળગી ગઈ હોત તો શું થાત — એ ફડકામાં ને ફડકામાં રોટલીઓ બગડી. પરોણાઓને ખાવામાં મઝા ન આવી, એવું મારા પતિને લાગ્યું. મારી લટ બળી ગયાની વાત સાંભળીને તે તો કંઈ બોલ્યા નહિ; પણ સગાસંબંધીઓનાં બૈરાં આ સાંભળીને હસી પડ્યાં: “વાહ રે, વહુ, તમારું ભાન! આ તો ઠીક, ઘરનાં પુણ્ય જબરાં છે તે એટલેથી પતી ગયું; પણ કંઈક અવળું થઈ બેસત તો દુનિયા તો ઘેલસાગરી એમ જ હાંકત ને કે, ગમતી નો’તી એટલે સળગાવી મેલી!” મને પણ એમ જ થયું કે, આટલા ખાતર પણ હું જીવતી રહી એ સારું થયું. બીજું કંઈ નહિ, પણ મારા પતિને અને ગામના ફોજદારને કંઈક આડવેર હોવાથી (લોકો મૂવાં એ આડવેરની કંઈ કંઈ વાતો કરે છે!) પોલીસ એને ખૂબ હેરાન કરત. જેમ જેમ માણસો ઘેર આવતાં ગયાં તેમ તેમ જેઠજી સહુને જાણ કરતા ગયા કે “કાલે તો, ભાઈ, તારાવહુની જમણા લમણાની લટ બળી ગઈ ચૂલે.” સહુને ખબર પડી કે મને ઝોલું આવી જવાથી આ બન્યું. સહુનું કહેવું એમ થયું કે, આવું ઊંઘણશીપણું તો આજ નવી નવાઈનું સાંભળ્યું. તો કોઈ ટીખળી હતા તેઓએ વળી મારા પતિને વ્યંગ કર્યો કે, “ભાઈ, હજુ ક્યાં જુવાની નાસી જવાની બીક છે તે આમ જાગરણો ખેંચાવો છો! શું વાંચી નાખો છો એવડું બધું! પરણ્યાં વરસ વીત્યું તોયે વાતો નથી ખૂટી શું!” વગેરે વગેરે. એ તો ઠીક, પણ એકેએક જીભને ટેરવે એક બોલ તો રમતો રહ્યો કે, ‘ઘરનાં મોટાં પુણ્ય, ભાઈ, કે વહુ બચી ગયાં. આ ખોરડું તો ધરમનો થાંભલો છે’. મને થતું હતું કે, મારા બાપુનાં કે મારાં પોતાનાં પુણ્ય કશાં હશે જ નહિ શું? વળતે દહાડે મારા જેઠજીએ કૂતરાંને એક મણ લોટના રોટલા, પારેવાંને એક ગુણી જુવાર અને બોકડાને દસ શેર દૂધ વગેરે ધર્માદો જાહેર કરી ગામમાં જેજેકાર વર્તાવ્યો. મારા લમણાના બળેલ ભાગ ઉપર ફરફોલો ઊપડેલો તે રાતમાં, પતિની સરત ન હોવાથી, ફૂટ્યો. મને કાળી વેદના ઊપડી. પણ દવાખાને જવા માટે સવારે ઘોડાગાડી નવરી નહોતી — ક્યાંઈક વરધીમાં ગઈ હતી. ત્રીજે દિવસે હું દવાખાને ગઈ ત્યારે દાક્તર સાહેબે મને નિરાંતે તપાસી. હું પણ એક ધ્યાન દેવા લાયક, કોમલ સ્પર્શે અને કોમલ શબ્દે અડકવા–બોલાવવા યોગ્ય છું, કોઈક બે આંખોમાં મને દીઠ્યે અમી ઊભરાઈ શકે છે એ વાતની જાણ મને તે દિવસ પહેલી વાર પડી. મારા લમણાની દાઝ્ય દેખીને, ‘આવું બેવકૂફ ઘારણ!’ અને ‘ઘરડાંને પુણ્યે બચ્યાં!’ એવું ન ઉચ્ચારનાર આ પહેલવહેલા જ માનવી મળ્યા: “કાંઈ ફિકર નહિ, બહેન; મટી જશે એ તો: સહેજ જ છે. એ તો બની જાય: શું થઈ ગયું! પણ તમે એટલાં સાવધાન કે ભાન ભૂલ્યા વગર એકદમ ઊભાં થઈ ગયાં, ને ગભરાટ વગર વાળ ચોળી નાખ્યા... શાબાશ...! વાહ! તમને હું દવા લગાવું છું, છતાં તમે કેટલું ખમી રહો છો! સિસકારોય કરતાં નથી, બીજું હોય તો ચીસેચીસ પાડે, હો! એવું છે આ દાઝ્યાનું દરદ.” આમ બોલતાં બોલતાં દાક્તર સાહેબે મારી દાઊયાની જગ્યાએથી તમામ ખરાબ ચામડીને ચીપિયા વતી ઉપાડી કાતર વતી કાઢી નાખી. પછી મલમ લગાડ્યો. મને વેદના તો ધણી થતી હતી, પણ દાક્તરના સુંવાળા શબ્દોએ મારામાં હિંમત પણ વધુ જાગ્રત કરી નાખી. “બસ, બહેન, હવે તમે જઈ શકો છો;” દાક્તરે કહ્યું: “કાલે પાછાં આવજો.” તોપણ હું ઊભી રહી. “કેમ, કાંઈ બીજું કહેવું છે...?” મેં ચોરની પેઠે ચોમેર જોયું. અમારી ગાડીનો સાઈસ દૂર રસ્તા પર ઊભેલો, તેની દૃષ્ટિની પણ મને બીક લાગી. “કહો, આવો અહીં...” એમ કહી દાક્તર મને ઓસરીમાં લઈ ગયા: “કહો હવે.” મેં કહ્યું: “મારા અંગના સાંધા તૂટી પડે છે. ઘણાં તેલ ચોળું છું તોય મટતું નથી.” “તમે આંહીં પિયર છો કે સાસરે? કોને ઘેર?” મેં ઓળખાણ આપી — અને દાક્તર બોલી ઊઠ્યા: “કોણ — તું તારા? અરે તારા! તને આ શું થઈ ગયું? ઓળખાતી જ નથી તું તો. તને તો મેં પાંચ વર્ષ પહેલાં દીઠેલી. પછી તો ક્યાં તારા બાપ તને બહાર જ કાઢતા હતા! તું તો સાવ...” મેં સંચાની પેઠે ફરીવાર કહ્યું: “સાંધા બહુ દુ:ખે છે. ઘણાં તેલ ચોળ્યાં. પણ...” નિ:શ્વાસ નાખીને દાક્તરે કહ્યું: “તેલ ચોળ્યે ન મટે, બહેન, ન મટે એ સાંધા. એ સંધી-વા નથી, બા! તારો વર...” કંઈક બોલવા જતા દાક્તર વાત ફેરવી ગયા: “ક્યાં છે તારો વર? એક વાર એને લઈને આવજે બપોર વેળાએ.” સાઈસ આવ્યો: “ચાલોને હવે! મોડું થાય છે. મારે હજી ગાડીને બીજી વરધીમાં લઈ જવી છે દલ્લા શેઠને ઘેર વરઘોડામાં. મોટાભાઈ ખીજે બળશે.” જતાં જતાં મેં મારી પાછળ એક ઊંડો નિ:શ્વાસ સાંભળ્યો. દાક્તરનો એ નિ:શ્વાસ દરદીઓનાં એક પછી એક નામ પોકારનાર કમ્પાઉન્ડરના બુલંદ સાદમાં દટાઈ ગયો. મેં ગાડીમાં ચડતાં ચડતાં પાછળ જોયું: દાક્તર હજુ ઓસરીમાં ઊભા હતા; દરદીઓ એના મોં સામે તાકીને કશુંક કૌતુક થયું હોય તેમ જોતાં હતાં. આ રીતે ગાડીમાં બેસીને હું બરાબર એ જ ઠેકાણે નીકળી કે જ્યાંથી મેં, નાનકડી તારાએ, આ ઘોડાનું ને ચાર વહુઓનું સદ્ભાગ્ય વારે વારે જોયું હતું — ઝંખ્યું હતું. આજ અત્યારે ફરીવાર જાણે મારો જીવ મારા ખોળિયામાંથી છલાંગ મારીને એ ઓટા ઉપર બેસી ગયો. ફક્ત ચણિયો અને ચોળી પહેરેલ નાની તારા એ પથ્થર ઉપર નવકૂંકરીના લીંટા કાઢવા લાગી; ને નાની તારા મને, મોટી તારાને, પૂછવા લાગી: ‘મોટી તારા! તારાં કોણી લગીનાં ઘરેણાં કેમ હવે લબડી પડ્યાં છે! તારી ચપોચપ બંગડીઓ કાં ઊતરી ગઈ! તારા બાજુબંધની સાંકળી બે તસુ જેટલી કેમ બાંધી લેવી પડી! મોટી તારા, ઘૂમટો ખોલ!’ હું — નાની તારા — જાણે કે ચીસો પાડતી રહી... ને મોટી તારાને લઈ ગાડીવાળો કોઈ ચોરની પેઠે નાઠો. ઘોડાની પીઠ પર ચણચણતા એ કૂમચીના પ્રત્યેક ઘાએ જાણે મારા બરડામાં કોરડો ફાટતો હતો. “દાક્તરને તો બીજો ધંધો નથી;” મારા પતિએ મારી તે દિવસની વાત સાંભળીને કચવાતે સ્વરે કહ્યું: “હરકોઈ ઇલાજે પ્રેક્ટીસ ચલાવવી છે! ઇંજેક્શનો મારવાં છે મોટા ઘરની બૈરીઓને! આપણે એ ધંધે નથી ચડવું.” મારી સંગાથે એ આવ્યા નહિ. બીજી વાર હું દાક્તર કને ગઈ ત્યારે દાક્તર મારા વરની અનિચ્છા પારખી ગયા; કહે કે, “કંઈ નહિ... કંઈ ખાસ જરૂર નહોતી. બની શકે તો આટલું કરજો: પ્રસવ થાય કે તરત જ બાળકની આંખોને તમારા કોઈ સમજદાર વૈદ્ય–દાક્તરને હાથે ધોવરાવીને અંદર દવા નખાવી દેજો. ગફલત કરશો નહિ — નહિ તો બાળકનો ભવ બગડશે, બહેન!” આવી ભલામણનો અર્થ મારાથી કશો જ સમજાયો નહિ. મેં કદી એવું સાંભળ્યું કે જાણ્યું નહોતું. મને વહેમ પેઠો કે, દાક્તરને ‘વિઝિટ’ જો’તી હશે. મેં કોઈને કહ્યું નહિ.
તે દિવસે રાતે બે બજ્યે મારા સસરા પ્રતાપરાય શેઠની એ આલેશાન હવેલીના એક છેવાડા અને અંધારિયા ઓરડામાં હું અધભાન ગુમાવીને સૂતી હતી: મારી આંખો ફાટી રહી હતી: મારા શરીરને એકસામટા સો કાળા નાગ જાણે ભરડો લેતા હતા: ગીધડાં મારા પેટમાંથી જાણે જીવતા લોચા તોડી તોડી ખાતાં હતાં: હું બૂમો પાડતી હતી કે, “મારા દાક્તરકાકાને કોઈ બોલાવો! કોઈ મારા દાક્તરકાકાને કહો કે, તારા મરે છે...” “હવે પડી રે’ ને છાનીમાની!” કહીને બે સુયાણીઓ મને દબાવીને ખાટલે ચડી બેઠી હતી. મારા વર ઓસરીમાં ઊભા હતા. મારી ચીસો એને કમ્પાવી રહી હતી. એના શબ્દોમાં તે રાતે પહેલવહેલી મીઠાશ હતી: “જીવીમા! દાક્તરની જરૂર છે?” “અરે બાપા, એ તો પહેલી સુવાવડમાં એમ જ હોય. તમેય શું આવાં ગાંડાં કાઢો છો!” બાર કલાક હું બેશુદ્ધ રહી. કહે છે કે વારે વારે મારે મોંએ ફીણ આવી જતાં હતાં. આખરે થાકીને મારા વરે દાક્તરકાકાને તો નહિ પણ એક ભેળસેળિયા જ્ઞાનવાળા વૈદ્ય-દાક્તરને તેડાવ્યા. એની ફી ઓછી હતી. હું જ્યારે પ્રથમ પહેલી શુદ્ધિમાં આવી ત્યારે મારે કાને મારી જણેલી દીકરીની કાળી ચીસો, સીસાના ઓગળેલ રસ જેવી, રેડાતી હતી. મેં બોલવા ઘણી મહેનત કરી કે, દાક્તરકાકાએ કહ્યું છે એની આંખો તપાસો ને ધુઓ... પણ અવાજ નીકળ્યો જ નહિ. ચાર કલાકની અણભંગ ચીસો પછી બાળકનો થાકેલો કંઠ વચ્ચે વચ્ચે અટકી પડવા લાગ્યો. એને મારી પાસે ધવરાવવા લાવ્યા... ઓ મારી દીકરી! મારું પહેલું બાળક! મારું ફૂલ! એની આંખો ઉપર સોજા ઊઠીને માંસના લોચા થઈ ગયા હતા — આંખો રહી જ ક્યાં હતી? માંસના એ લોચાઓનાં કોઈ અતાગ ઊંડાણોમાંથી આંસુ ઝરતાં હતાં. “દાક્તરકાકાને બોલાવો! આની આંખો જશે: મારું કોઈ માનો!” મેં ચીસો પાડી. વરને પણ સ્થિતિ ગંભીર ભાસી. દાક્તરકાકા આવ્યા. પ્રથમ તો એણે દીકરીની આંખો ધોઈ, ટીપાં નાખી, રૂના પોલ બાંધ્યા. પછી એણે વરને બીજા ઓરડામાં લઈ જઈ શું કહ્યું? અરેરે મારા કાનને શા સારુ ઈશ્વરે આટલા બધા સરવા કર્યા? “નવનીતરાય!” કાકાએ કહ્યું: “આ બે જીવ તમારા રોગના ભોગ બન્યા છે. દીકરીની આંખો ગઈ છે. ફરીથી હવે આને પ્રસવ કરવા ન પડે તો વિશેષ હત્યામાંથી બચશો. તારા અપંગ બનશે. ગાંડી બની જશે. તમારો રોગ તમે ક્યાંથી લઈ આવ્યા છો તે હું જાણું છું.” મારા વર થીજી ગયા. “જરા વાર ઊભા રહો, દાક્તર!” કહીને એ મેડી પર ગયા. ત્યાંથી આવીને કોણ જાણે કશુંક દાક્તરને આપવા લાગ્યા... “કૃપા કરીને વાત અહીં જ દફનાવશો, દાક્તર?” એટલું કરગર્યા. દાક્તરકાકાનો અવાજ નીકળ્યો: “એક હજાર આપો તો પણ ગૌમેટ છે મારે. તારા મારી પુત્રી છે. પણ વાત દફનાવવી તો તમારા હાથમાં છે. ફરી વાર તારાના દેહની આ કમબખતી કરશો તો હું શેરીએ શેરીએ ચીસ પાડીશ.” દાક્તરકાકા ગયા. મારી નાની સૂરજને એની દવાથી પીડા શમી છે; પણ આંખનાં રત્નો ફૂટી ગયાં, તે હવે પાછાં નથી આવવાનાં... આ સૂતી મારી સૂરજ: મારું મોં એ એના હાથ ફેરવીને નિહાળે છે. જાણે એની આંગળીઓને ટેરવે ટેરવે નેત્રો ફૂટ્યાં છે. એ સુંવાળાં ટેરવાંના સ્પર્શની ગેબી ભાષામાં મને વાતો સંભળાવે છે. આંખો વિનાની મારી સૂરજ એનાં ટેરવાંને સ્પર્શે મારા ગાલ પર, સ્તનો ને પેટ ઉપર, જે સંગીત બજાવે છે, તેની તોલે કયા ગવૈયાની રાગિણી, કયા દિલરુબાના સૂર, કયા કૃષ્ણની બંસરી આવી શકે! મારા થાનેલાની ડીંટડી મોંમાં લઈને એ જ્યારે ચૂસતી, ત્યારે મને એવું લાગતું કે ઊલટાની એ મારા અંતરમાં કંઈક ઠાલવતી હતી. અને લોકો વાતો કરતાં કે, “બાઈ, સાસરિયાંનાં પુણ્ય મોટાં તે મા-દીકરી બેઉની રક્ષા થઈ. એણે બચાડાં બેઉએ તો પાપ કરતાં પાછું વાળી નહિ જોયું હોય; પણ ખોરડાનાં પુણ્ય આડાં ઓથ દેવા આવ્યાં.” “જુઓને, બાઈ,” બીજાંએ ઉમેર્યું: “જેઠે તરત જ નીમ લીધું કે, વહુને છૂટકો ન થાય ત્યાં લગી ચા નહિ પીઉં. જેઠાણીએ કુળદેવની આખડી રાખી છે કે, જ્યાં લગી બાળકીને પગે લગાડવા નહિ આવું ત્યાં લગી અડદ નહિ ખાઉં.” “ગલઢાંબૂઢાંનાં પૂન્ય: તેમાં આ બધાં ઉમેરાણાં ને, બાપા! તમે ભાગ્યશાળી છો, વહુ, કે આવું સાસરિયું પામ્યાં.” આ બધા બોલ હું સ્તબ્ધ બનીને સાંભળી રહેતી.
આજે જ સવારે જમતાં જમતાં જેઠે વરને ખુશખબર આપ્યા કે, “ઘોડો તો વળગાડું છું વિઠ્ઠલ ગાડીવાળાને. રૂ. ૧૦૦માં ઝીંક્યો. ઘોડાની એબો એણે ઓપાએ પારખી નહિ!” “ઠીક થયું, મોટાભાઈ!” મારા વર આનંદ પામ્યા: “સ્ટેશનના ફેરા કરવાને જ લાયક છે આ હરામી! હમણાં હમણાં બહુ હઠતો’તો. પાધરોદોર થઈ જશે.” “વિઠલો આવે ત્યારે છોડી દેજો. પણ સરક નથી દેવાની; બોલી કરી છે કે સરક તો એણે એની જ લાવવી.” ભાડાત ગાડીવાળો વિઠ્ઠલ બપોરે ઘોડાને છોડીને દોરી ગયો. જેઠાણીએ કહ્યું: “અપશુકનિયાળ હતો મૂવો: છોકરી આંધળી થઈ, વેપારમાં ખોટ ગઈ, ઘરમાં કોઈ માંદાં મટે નહિ — આ ઘોડાનાં પગલાં થયાં ત્યારથી જ ઘરમાં જંપ નથી.” હું મેડી ઉપર ચાલી ગઈ: આંધળી સૂરજને કેડ્યે લઈને બારીમાં ઊભી રહી: ઘોડો દેખાયો ત્યાં સુધી તાકી રહી. મારી આંખો ખળખળી પડી; વિચાર આવ્યો: ‘ઘોડાની માફક માણસને શા સારુ નહિ કાઢી નાખતાં હોય? ઘોડો તો નસીબદાર થઈ ગયો; પણ આવું નસીબ માનવીને કાં નહિ?’ તે વખતે છાપાંનો ફેરિયો રસિકલાલ મોટી ડાંફો ભરતો ચાલ્યો આવતો હતો. ઘડીભર તો મને એમ જ થયું કે, મને પણ કાઢી નાખી હશે, ને મને દોરી જવા માટે જ રસિક આવ્યો હશે. હાય! છાપું ફેંકીને એ તો ચાલ્યો ગયો. મારી આંખો એના પગની પથ્થર-શી પિંડીઓને ચોંટી પડીને ટંગાતી ટંગાતી ક્યાં લગી ચાલી ગઈ!