માય ડિયર જયુની વાર્તાઓ/૧. છકડો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧. છકડો|}} {{Poem2Open}} હવે ગામ તો ગિલાને ગિલા તરીકે ઓળખતું જ નહિ; છક...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 62: Line 62:


{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = માય ડિયર જયુની વાર્તાઓ
|next = ૨. જીવ
}}

Latest revision as of 06:23, 7 March 2022

૧. છકડો

હવે ગામ તો ગિલાને ગિલા તરીકે ઓળખતું જ નહિ; છકડો જ કહે. છકડો કહે એટલે ગિલો સમજાય. ને, ગિલો છકડાને છકડો ના સમજે. કયાં ચલ ચોઘડિયે ગિલાએ છકડાનું હેન્ડલ પકડ્યું, તે બેઠો નથી ને જાંબાળા....ખોપાળા....તગડી....ને ભડી....ને ભાવનગર, એમાં હવે ભડી તો ગણાય એમ જ ક્યાં રહી છે! બેઠેલા નાળા લગી ભાવનગર લંબાઈ ગયું છે. ભડી ફરતે સોસાયટીનાં મકાનો ઊગી ગ્યાં છે. બેઠેલું નાળું આવે ને આવે જકાતનાકું. જકાતનાકું આવ્યું કે આવ્યું ભાવનગર, ગિલાનો છકડો છૂટેને જાંબાળા.. ખોપાળા....તગડી....ને ભડી... (એમાં હવે ભડી તો ગણવી જ શું કામ?) એમાં ગિલાને તો આમેય વચલાં ગામ દેખાતાં જ નહિ. છકડો છૂટે ને આંખો ઉઘાડો ત્યાં ભાવનગરનું જકાતનાકું. જકાતનાકે ઊભી જાવાનું. ડંડાવાળા માલીપા નૉ જાવા દ્યે. નિયમ જ કરી નાખેલો. ચ્હાય તે ગવંડરનો દીકરો હોય, છકડો જકાતનાકે જરૂર ઊભો રહી જાય, ઊપડે પછી ઊભો નૉ રહે. જાંબાળા...ખોપાળા...તગડી ને ભડી....(એમાં ભડી તો ક્યાં ગણવાની!) આવ્ય જકાતનાકું. છકડો જીવતું પ્રાણી બની ગયેલો. ઠેકાણે આવીને ઘોડો ઊભો રહે એમ બેઠેલું નાળું વટે કે ખીલો થઈ જાય. વચમાં ભલે જાંબાળા....ખોપાળા....તગડીના પાદર વીંધીને સડક દોડતી હોય, ક્યારેક ભલે કોક હાથ ઊંચો કરે કે...’ એ ભાય! રાખો, મારે ભાવનગર....’ પણ સાંભળે ઈ બીજા, વેગ થંભલાવે ઈ બીજા, છકડો નહિ. ઈતો ઊપડ્યો નથી, ને જાંબાળા....ખોપાળા....તગડી... ને (ભડી તો ક્યાં ગણવાની!) બેઠલું નાળુ વટીને જકાતનાકે ખીલો! જીવતું પ્રાણી જ જોઈ લ્યો. એટલે તો ગિલો છકડાને છકડો નૉ સમજે. એની હારે વાતું કરે; અને ધમારે, સાફસૂફ કરે; ઝીણી ઝીણી વાતે, મા બાળકના કાન સાફ કરે એમ, ચકચકાવે, શણગારે. તે પછી છકડા તો ઘણા થયા, પણ ગિલાના છકડા તોલે કોઈ નૉ આવે. છકડો તો ગિલાનો, ને ગિલો છકડાનો. કયા ચલ ચોઘડિયે ગિલાને છકડા પર હાથ મૂક્યો કે પછી છકડો છકડો રહ્યો જ નહિ, છકડો સડક થઈ ગ્યો, છકડો પવનપંથો ઘોડો થઈ ગ્યો, છકડો પાણીપંથો પ્રાણી થઈ ગ્યો, તે જાંબાળા....ખોપાળા....તગડી....ને ભડી....ને (ભડી તો....!) કયા ચલ ચોધડિયે ગિલાને વિચાર ઝબક્યો કે છકડો લઉં તો કેમ? આમ ને આમ કાકાના કાનાના આ કેરિયરમાં મજૂરી કરીને તૂટી જઈશ તો ય ખાટલા વચાળ ને ખાટલા વચાળ રહીશ. એનાં કરતાં છકડો લીધો હોય તો કેમ? લાઈન તો હાથવગી છે જ. કાનાનું કેરિયર રાતે બાર વાગે બકાલું ભરીને ઊપડે છે. વચમાં પાંચ ગામનું બકાલું ભરતું ભરતું ચારેક વાગે માર્કેટયાર્ડ પહોંચે છે. વળતાં ભાવનગરથી જે ભાડું મળે એ લઈને પાછું આવે છે. આ એક ફેરામાં એનું ગાડું ઓહો દોડે છે. એમાં ને એમાં કાનાએ એની પડખોપડખનું ટીંઢોરનું મકાન પાડીને ચૂનાબંધ પાકું મકાન ચણાવ્યું. બેયનો એક કરો મજમ, તે એનોય એ કરી પાકો થઈ ગયો. તે એનો ડોહો રાતદિ’ એ કરાને ટીકી ટીકીને જોવે, ભાયુભાયુમાં એવું તો હોય જ ને; આને કેવું – મારે કેવું! એનો દીકરો કેવો પાટે પડી ગયો – અને મારો.... તે કયા ચલ ચોઘડિયે ગિલાએ નક્કી કર્યું ને ડોહાને વાત કરી, ને ડોહાએ જુના પટારાને તળિયેથી ચીંથરાં વીંટેલી એક પોટકી કાઢી. ડોશી મરી ત્યારે એના કાનનાકમાંથી ઉતારી લીધેલાં ત્રણ નંગ હતા. ‘જે સે ઈ આ સે.’ કહીને ડોહા ગિલા સામે જોઈ રહ્યા. ગિલાના દેવ જાગી ગયેલા. ઊંધું ઘાલીને ઉપડ્યોે ભાવનગર. થોડાંક નાણાં આપ્યાં ને બાકીના હપ્તા નક્કી કરી નાખ્યા; ને છકડો ઊભો રાખ્યો પાદરમાં. લાઈન તો હાથવગી હતી જ. કાંઈ નહિ તો ભળકડે બકાલાનો ફેરો તો નક્કી. કાનાનું કેરિયર અડધી રાતે ઊપડે. મોડા પડનારા કોક કોક રહી જાય. એ લોકોને માથેથી કોઈ વાહન આવે તો મેળ પડે. એવાનો કાયમી ફેરો નક્કી. કાનાનું કેરિયર તો પાંચ પાંચ ગામેથી બકાલું ભરીને ક્યારેય માર્કેટ યાર્ડ પૂગે. જ્યારે છકડો તો ઊપડ્યો નથી, ને જાંબાળા... ખોપાળા..તગડી...ને ભડી...(એમા...)ને ભાવનગર. ઊપડ્યા ભેગો જકાતનાકે ને જકાતનાકું આવ્ય કે આવ્ય માર્કેટ યાર્ડ. બકાલાવાળાને ફાવી ’ગ્યું. બકાલાવાળાને ફાવી ’ગ્યું એમ પેસેન્જરોનય ફાવી ’ગ્યું. બસના ભાવોભાવ ભાવનગર ભેળાં. બસ તો ગામેગામ ઊભી રહેતી જાય. કોઈ ગામે ડ્રાઇવરને ચાની અડાળી લગાવવાનું મન થાય તો પાંચપંદર મિનિટ વધુ ખોટી થાય. છકડામાં તો એવી કોઈ ડખ્ખામારી જ નહિ; ઊપડ્યો નથી ને જાંબાળા....ખોપાળા....તગડી....ને ભડી....ને જકાતનાકું. શહેરમાં હટાણું પતાવીને માણસ ડેપોએ આવે, બસ વહેલીમોડી હોય તો પડતપે શેકાવાનું. એના કરતાં બે ડગલાં હાલી નાખે તો જકાતનાકે પૂગી જાય. જકાતનાકે તો છકડો મળી જ રહે. બેઠાં નથી ને ગામને પાદર ઊતર્યા નથી! એટલે જાત – વળતના ભાડાની ઝંઝટ જ નૉ રહી. ગામ ગિલાને જાણી ગયું. ચ્હાય તે ટાઢ હોય કે ચ્હાય તે તડકો હોય, વીશમી મિનિટે છકડો જકાતનાકે, ને વીસમી મિનિટે ગામને પાદર. બસ તો ક્યારે ક્યારેક કલાક – દોઢ કલાક કરે. ડ્રાઇવર આણીપાનો હોય તો બસ એમનેમ પડી રહેવા દઈને ઘરે આંટો મારી આવે. શું કરીએ, ધણીનો કોઈ ધણી છે! જ્યારે ગિલાનું એવું નહિ. એ તો આવ્યા ભેગો ઊપડે. બે પેસેન્જર ઓછા હોય તોય હાંકી મૂકે, તે જાંબાળા...ખોપાળા....તગડી....ને ભડી....(એમાં ભડી તો...) મલક ગિલાને જાણે, ગિલો છકડાને જાણે, ને છકડો સડકને જાણે. તે હવે તો ગિલાનો હાથ હેન્ડલ ઉપર હોય કે નો હોય, છકડો તો રોકેટ જેમ ઊડતો જાતો હોય. આઘેથી ભાળે એ ય વરતી જાય કે ગિલાનો છકડો લાગે છ! એક જ ચાલ. એક જ રમરમાટી. ઊપડ્યો નથી ને જાંબાળા....ખોપાળા....તગડી....ને તે થોડા દિ’માં ગિલાના ડોહાના ગોઠણ છૂટા થઈ ગ્યા. ડોશી ગઈ પછી ડોહો ગોઠણ વાળીને બેસી રહેતો. આમેય આખી જિંદગી કાંઈ કામ કરેલું નહિ. મોસમમાં વાડીખેતરમાં કામ કરે, ને બાર મહિનાનો બાજરો ઘરભેગો કરે. બાકી ગોઠણ વાળીને બેસી રહે, ને હોકલી તાણ્યા કરે. બહુ બહુ તો એક બકરું, તે ઘડીક વાર એને પાદરની વાડિયુંના વાડવેલા બતાડી આવે. આખી જિંદગી રોકડો પૈસો જોયેલો નહિ. એમાં ગિલો રાત પડ્યે ગંજવું ઠાલવવા માંડ્યો, ને ડોહાના ગોઠણ છૂટા થઈ ગયા. ડોશી ગઈ પછી ગિલો રાતદિ’ કાનાનો કેરિયરમાં મજૂરી કરે, ને રોટલોય એમાં જ ખાઈ લે; ડોહા ઘડવો હોય તો એકાદ રોટલો ટીપી નાખે, નહીંતર હરિઇચ્છા. ગોઠણ વાળીને બેસી રહે ને હોકલી તાણ્યાં કરે. તે કેડ બેવડ વળી ગયેલી. ચાલે તોય કાટખૂણે. ટીંઢોરનું એકઢાળિયું મકાન પડતર થઈ ગયેલું. ઘરમાં હાંડલાં હડિયું કરે. ફળિયામાં બકરી હરફર કરે, ને ક્યારેક બેંએં બેએંએં કરે એ સિવાય કાંઈ હરફ નૉ નીકળે. સ્મશાન જ જોઈ લ્યો. એમાં ગિલો રાત પડ્યે ગંજવું ઠાલવવા માંડ્યો, ને ડોહાના ગોઠણ છૂટા થઈ ગયા, કેડ સીધી થઈ ગઈ, સોટા જેમ હાલવા ચાલવા લાગ્યો. આમ ગિલાનો છકડો..... જાંબાળા....ખોપાળા....તગડી....ને ભડી....ને ભાવનગર. આમ ડોહાના દેવ જાગી ગ્યા, તે પગ વાળીને બેસે એ બીજા, આણીકોર છકડાના હપ્તા ભરાય, ને આણીકોર ડોહાને નવા નવા ઉંકરાટા ઊપડે. તે પરથમ પહેલાં તો ઘરની તાશીર ફેરવી નાખી. ત્રણે પડખાં પાકાં કરાવીને કાના જેવું ચૂનાબંધ મકાન કરાવ્યું. ને ડેલીની ખડકીનેય કલર કરાવ્યો, તે એના ચહેરેય રંગ ઊઘડ્યો, ને પાંચ માણસ સંગાથે વાતું કરતો થયો. કાનાના ઘરમાં આવાં ઠામવાસણ છે, તો આપડે ય લઈ આવો. કાનાના ઘરમાં આવી ચીજવસ્તુ છે, તો આપડે ય હોવી જોઈએ. કાનોભાય આમ કરે છે, તો આપડે ય...તે બેત્રણ વરસ ક્યાં ઊડી ગ્યાં એની હરવર નૉ રહી; ને ડોહો નાતગતમાં પૂછાવા માંડ્યો. આખી જિંદગી બે ય લૂગડાં એકસાથે નવાં શીવડાવેલાં નહિ, હવે કોરાં લૂગડે ગામતરાં કરવા માંડ્યો. તે ગિલાના સંબંધની વાત મૂકી તંયે એક કહેતા એકવીશ કન્યાના બાપનાં કહેણ આવ્યાં. ડોહાએ અપશરા જેવી કન્યાના બાપના હાથમાં બે રૂપિયા મૂક્યા. આ સંધું છકડાની રમરમાટી માથે તાગડધિન્ના. આમ ગિલાના દેવ જાગી ગયેલા, તે છકડા સિવાય બીજી વાત નહિ.... જાંબાળા....ખોપાળા....તગડી....ને ભડી...ને ભાવનગર.... જાંબાળા....ખોપાળા....તગડી....ને ભડી....(એમાં ભડી તો હવે..) ગિલાનું જોઈ જોઈને ગામમાં બીજા છકડા થયેલા, પણ ગિલાની તોલે કોઈ નૉ આવે. બીજા ઝાઝા ફેરા થઈ જાય તો હાંફીને બેસી જાય; ગિલો ધરાય નહિ. થાકે એ બીજા. એ તો એકધારો.... જાંબાળા....ખોપાળા....તગડી....ને ભડી....ને (એમાં.....) ને, ગિલો રાતદિ’ પગ વાળીને બેઠો એવું જોયું નથી. સાંજની છેલ્લી બસ ભાવનગરથી નીકળી જાય, ને રડ્યુંખડ્યું માણસ ભાવનગરની બજારમાં અટવાઈ ગયું હોય એને ય છેલ્લે છેલ્લે છકડો તો મળી જ જાય. તે છકડાનો છેલ્લો ફેરો થંભે ત્યારે પાદર પણ નિર્જન હોય. સડક પણ પડખું ફરીને સૂઈ ગઈ હોય. પણ ગિલો જંપે નહિ. અડધી રાતે કોઈને ભાવનગર દવાખાને લઈ જાવાનું થાય તો ગિલો ખડે પગે હોય. ક્યારેય કોઈને ય ના નહિ. તે લગન પછી ઢીલાશ આવશે એમ કોકને કોકને થાતું’તું. એની ધારણા ય ખોટી પડી. કારણ કે ગિલા કરતાં વહુ માથાની નીકળી. વટનો કટકો. વહુનેય એવું ખરું કે આપડો વટ પડવો જોવે. ગિલાની જાન આવી ત્યારે શેરીમાં પહેલવહેલા ફટાકડા ફૂટયા, ને ડોશીઓનાં બોખાં મોં ફાટી રિયાં. એમ વહુ પહેલવહેલાં ઇસ્ટીલનું બેડું લઈને પાણી નીકળી ત્યારે શેરીની આંખો ફાટી રહેલી. સંધી વાતે વટ પડવો જોવે. વહુને ય એવું ખરું. એટલે અડધી રાતે કોઈ સાદ પાડે કે ‘ગિલાભાય! ભાવનગર જાવું જોહે.’ તો ગિલો હડફ બેઠો થઈ જાય, ને વહુ ઊંકારો નૉ કરે. એ સમજે કે આ સંધા તાગડધિન્ના છકડા માથે છે. છકડો દોડતો રહે છે, તો નસીબ દોડતું રહે છે, તો વટ પડતો રહે છે, તો બે પાંદડે છીએ, તો મન થાય ઈ ચીજવસ્તુ હાજરાહજૂર હોય છે, તો કોઈ વાતે કમીના નથી. આમ છકડો ચાલે.... જાંબાળા....ખોપાળા....તગડી....ને.... ને આમ, ગિલાના ઘરમાં ચાકળા ચોડેલી ઓસરીમાં ઈસ્ટીલની ખુરશી મુકાણી. ડોહા એની ઉપર બેસીને હોકલી તાણે, આમ છકડો ચાલે.... આમ, ઓસરીના ગોખલામાં ટેપ મુકાણું. ડોહા ટેપ ચાલુ કરીને બેસે. મન થાય તો મોરારિબાપુની કથા મૂકે, મન થાય કવિ કાગની વારતા મૂકે. કાનાના ફળિયા લગી રાગડા ફેલાય એમ મોટેથી ને મનોમન હરખાતો જાય. એક વખતનું સમશાન જેવું ઘર રાતદિ’ ધમધમતું થઈ ગયું. ડોહો નવે અવતારે જીવવા માંડ્યો. એક વખતે ક્યારેક બકરીનો બેંકારો થાતો’તો એટલું જ; આજ ચોવીસ કલાક ધમધમાટી થઈ રહી. રેડિયો કે ટેપ ચાલુ હોય ત્યારે તો શેરીનું માણસ નહિ, આખું મલક હાજરાહજૂર હોય એવું લાગે. એમાં ગામમાં આવ્યું ટી.વી. પહેલપહેલાં જગાભાઈ સોની લઈ આવ્યા. ગામ જોવા ઉમટેલું. પછી તો બે વાણિયાની ઓસરીમાં ને પાંચ કણબીની ઓસરીમાં આ તાગડધિન્ના ચાલુ થયા; ત્યાં સુધી તો ડોહાના મનમાં નહિ. પણ એક દિવસ કાનોભાય એનું કેરિયર શેરીમાં લઈ આવ્યા બે માણસોએ જાળવીને એક ખોખું હેઠે ઉતારીને ઓસરીમાં મૂક્યું એ ડોહા ટીકી ટીકીને જોઈ રહ્યા. રાત પડીને શેરીની ચારપાંચ બાયું છોકરાં વળગાડીને કાનાની ખડકીમાં ગઈ એ ય ડોહા ટીકી ટીકીને જોઈ રહ્યા. પોતાનું ટેપ બંધ કરીને ખુરશીમાં ગોઠણ વાળીને બેઠા ને મૂંગા મૂંગા હોકલી તાણવા લાગ્યા. બે દિવસ ડોહા મૂંગા રહે, તો ગિલાના કાન બેઠા થયા વિના નૉ રહે. ત્રીજે દિ’એ વાતનો ફોડ પડે, સાંજ પડ્યે વસ્તુ હાજર હોય. આ વખતે વાત જરાક વેંતબા’રી હતી. પણ ગિલો જેનું નામ, થોભલાય તો ગિલો નહિ. કોઈપણ વાતે સોંસરવા નીકળી જાવું એ ગિલાનું નામ. તે થોડાક પૈસા રોકડા, ને બાકીના હપ્તા નક્કી કરીને ત્રીજે દિ’એ છકડો ઊભો રાખ્યો ખડકી મોર. મોટું ખોખું જોઈને કો’કે પૂછ્યું તો કીધું, ‘કલર ટીવી સે...’ વટ પડવો જોવે; અને કાના કરતાં તો ખાસ. એટલે ડોહાને સમજણ પાડતાં બોલ્યો, ‘એક જગાભાયને જ આવું સે. ને બીજું આપડે. બીજામાં કલર નૉ આવે, અને બીજાને એક જ ટીવી આવે; આમાં ચાપું દબાવતાં જાવ એમ એમ સ્ટેશન ફરતાં જાય. અને, રાત પડ્યે ભાવનગરના લોકલ સમાચાર આવે ઈ વધારામાં.’ ડોહા અને બીજા સાંભળી રહ્યા ને અચંબો પામી રહ્યા. ખરેખરો અચંબો નજરે જોયું ત્યારે થયો. રાતે નવ વાગે લોકલ સમાચાર શરૂ થયા. એક છોકરો ભાવનગરમાં આખા દિવસમાં જે જે બનાવ બન્યા હોય એ બોલતો જાય ને નજરોનજર બતાવતો જાય. સભા-સરઘસમાં ને એવી વાતોમાં ડોહાને બહુ રસ નૉ પડે. પણ ભાવનગર નજર સામે દેખાય એમાં મજા પડે. તે બપોરે ધરમશીની વહુ દાઝી ગયેલી, તરત કરી ભાવનગર મોટા દવાખાના ભેળી. એ અત્યારે નજરોનજર જોઈ. ધમાની વહુ દેખાડી, દાક્તરોની હડિયાપાટી દેખાડી, બહાર કોકડું વળીને બેઠેલા ધમો ને એનો બાપ ને જમાદાર ને ખોડુભા સરપંચ – સંધા ય બતાડ્યા. ડોહાની આંખો ચકળવકળ થઈ ગઈ : માળું માણહ ક્યાંનું ક્યાં પૂગી ગ્યું કે’વાય! ક્યાં ધમો ને ઈની વહુ! ને ક્યાં ગામેગામ ને ઘરોઘરમાં ઈના ફોટા! તે પછી ડોહાને સમાચારનું બંધાણ થઈ ગયું. આપડા પંથકમાં નવાજૂની થાય એ રાતપડ્યે નજરોનજર જોવાની. એક દિ’ જિલ્લા પંચાયતની મિટિંગમાં ખોડુભાને બેઠેલા જોયા, ત્યારે ડોહાને મનમાં થયું કે કો’ક દિ’ આપડો ય ફોટો ટીવીમાં આવે તો કેમ! વટ પડી જાય. એનો ભાય – કાનાનો બાપ બે ઘડી જોઈ રહે! પાંચસાત દિવસ પછી, ડોહાનો તો નહિ, ગિલાનો વારો પડી ગયો. તે દિ’ ખોડુભા સવારના પહોરમાં તૈયાર થઈને પાદરમાં ઊભેલા. એને ભાવનગર જાવાની ઉતાવળ. મુખ્યમંત્રી ભાવનગર પધારવાના હતા. જકાતનાકે સામૈયું કરવાનું હતું. આખા પંથકના સરપંચોએ હાજર રહેવાનું હતું. ટાઇમ ભરાતો જતો હતો. ખોડુભા માથેથી તાલુકાની જીપ આવે એની વાટમાં ઊંચાનીચા થતા હતા. એમાં ગિલાનો છકડો આવીને ઊભો. ખોડુભા કહે, ‘જકાત નાકેથી આવે છ?’ ગિલો કહે, ‘હા.’ ખોડુભા કહે, ‘જકાતનાકે માણહ ભેગું થયું છે?’ ગિલો કહે, ‘માણહ તો મા’તું નથ. કે’તા’તા કે હમણાં મંત્રીશા’બ આવવા જોવે.’ ખોડુભા હાકાવાકા થઈ ગયા. આમ તો કોઈ દિ’ છકડામાં બેસે નહિ. પણ અત્યારે બીજો વિચાર કર્યા વગર છકડા માથે ચડી ગયા. ‘હાંક્ય સબદણ, નઈતર હું જ રહી જાશ.’ કહેતાંકને.... છકડો ઊપડ્યો, ને જાંબાળા....ખોપાળા....તગડી...ને ભડીને જકાતનાકું.. ઠેઠ જકાતનાકે જવાય એમ નહોતું. લોકોનો મહેરામણ ઉમટેલો. ગિલાએ બેઠલે નાળે છકડો ધીમો પાડ્યો ને કહ્યું, ‘આંય ઊતરી જાવ. ડંડાવાળા ઠેઠ લગણ નંઈ જાવા દ્યે.’ પણ ખોડુભા હાકાવાકા થઈ ગયેલા. ‘હવે ડંડાવાળાની મા...તું તારે લઈ લે ઠેઠ લગણ. કોઈ કાંઈ બોલે તો હું બેઠો છઉં.’ ગિલાએ છકડાને રમરમાટી લેવરાવી. તે માણસોના ટોળાં વીંખતો ઠેઠ જિલ્લા પ્રમુખ સામે લાવીને ઊભો રાખ્યો. એ વખતે કેમેરાવાળા ફોટા લે. બધું ભૂલીને ગિલો એની સામે તાકી રહ્યો. એને થયું. આજના સમાચારમાં આપડો ફોટો નક્કી. બપોરે ખાતાં ખાતાં ડોહાને વાત કરી. રાંધણિયામાં બેઠી બેઠી વહુ પણ સાંભળે. ડોહા રાજીના રેડ થઈ ગયા. આજ સુધીમાં કોઈ દિ’ ડોહાને એવું થયેલું નહિ. આજ પહેલી વાર ડોહાએ ગિલાને કહ્યું, ‘તું ય આજ સાંજ પછી ફેરો નંઈ કરતો. ઘરે રહેજે.’ આજ સુધીમાં કોઈ દિ’ ગિલાને એવું થયેલું નહિ. એ તો વહેલી સવારથી મોડી રાત લગી. જાંબાળા....ખોપાળા....તગડી....ને ભડી...ને ભાવનગર.... જાંબાળા....ખોપાળા...તગડી....ને ભડી....(એમાં ભડી તો...) આજ તો સાંજ પડતાં છકડો પાદરમાં પડ્યો રહેવા દઈને ઘરે આવ્યો. હાથપગ ધોઈને ફળિયામાં ખાટલો પડ્યો’તો એની ઉપર આડો પડ્યો. ઘણા વખતે એનું લોહી અત્યારે જંપ્યું હોય એમ લાગ્યું. પડ્યા પડ્યા એણે ઘરમાં ચોમેર નજર ફેરવી, ઘર ભર્યું ભર્યું લાગ્યું. આણીપા છકડાની રમરમાટી, ને આણીપા ડોહાના ઉંકરાટા, તે કોઈ વાતે કમીના નૉ રહી. એમાં વહુ ય માથાની નીકળી. ઘર સંધાય કરતાં સવાયું હોવું જોવે. પાણીયારે ઈસ્ટીલના વાસણ, માથે ભગવાનના ફોટાઓની હાર, ઓસરીમાં ઈસ્ટીલની ખુરશી, ગોખલામાં ટૅપ....રંગીન ટીવી...પણ ટીવી બબ્બે ઈંટ ગોઠવીને મૂકેલું, એ ગિલાને ખટક્યું. હમણાં તો ટીવીના હપ્તાની ભીંસ છે, પણ મેળ પડે તો આજકાલમાં ઈસ્ટીલનું સ્ટેન્ડ લેતો આવું - એણે વિચાર્યું – વહુના સીમંત ટાણે મે’માનો આવશે, તંયે વટ પડવો જોવે ને! ત્યાં બહાર કોઈએ સાદ પાડ્યો, ‘ગિલાભાય!’ ગિલો હડફ બેઠો થયો. ડોહાએ ખડકી ઉઘાડી. આવનારે કહ્યું, ‘મુખી બોલાવે, પાદર. ભાવનગર જાવું જોહે, અબ ઘડીએ. મુખીની ભેંસને આડું થઈ ગ્યું સ. તાત્કાલિક ભાવનગર દવાખાના ભેગી કરવી જોહે. હાલો જલ્દી.’ કોણ જાણે કેમ, ડોહાના દેવ માન્યા નહિ. એ મનોમન બોલી ય ગયો, ‘છકડામાં ભેંશ રે’શે?’ આવનાર કહે, ‘ઈ તો બે જણ પકડી રાખશે. આમે ય સવારથી ભાંભરી ભાંભરીને ઘેંશ જેવી થઈ ગઈ સે. ને આમેય ભાવનગર ક્યાં ઘોડાને ઘેર સે. ઘા એ ઘા જાવાનું સે. ઢોરનું દવાખાનું ય જકાતનાકા પાંહે જ સે ને? હાલો હાલો જલ્દી.’ કોણ જાણે કેમ, ગિલાના દેવ માની ગયા. એણે મનોમન વિચાર્યું, ભેંશનું પાંસરું પડી જાય તો મુખી રાજી કર્યા વગર નહિ રહે, તો વળતા ટીવીનું ઇસ્ટાન્ડ જ ઠોકતો આવું. આપડા સમાચાર આવે ઈ પે’લા ટીવી ઇસ્ટાન્ડ ઉપર હોવું જોવે. ગિલાને ય પોતાનો ફોટો જોવાનો હરખ. ફોટો આવે કે વહુ સામે આંખનો ઉલાળો મારવાનું નક્કી કરેલું. ‘ હમણાં....ગ્યા ભેળો આવ્યો સમજો’ બોલતાંક એણે ખડકી બહાર પગ દીધો. એને તો ભાવનગર એટલે જાંબાળા....ખોપાળા....તગડી....ને ભડી...(એમાં હવે...) ગિલો ગયો એટલે ડોહા ખડકી બહાર નીકળ્યા. આમ તો કાનાના બાપ સાથે રોજની ઉઠકબેઠક નહિ. પ્રસંગોપાત વાત કરી લે, ભાયુંભાયુંમાં એમ જ હોય, આને કેવું! મારે કેવું! – મનોમન સમજતાં હોય. પણ અત્યારે કાનાના બાપને એની ખડકીના ઓટલે બેઠેલો જોઈ એનાથી બોલ્યા વગર નૉ રહેવાયું, ‘આજ તો ગિલો ટીવીમાં આવવાનો સે.’ કાનાનો બાપ કહે, ‘એમ? તો તો જોવો જોહે. કંયે આવે સે?’ ડોહા કહે, ‘નવ વાગે.’ ડોહાના ચહેરા પર ચમકારો હતો. ‘તો તો જોવો જોહે. હું હમણાં આવું. અમારે ટીવીમાં એવું ક્યાં આવે છે...’ બસ. કાનાનો બાપ આટલું બોલ્યા એમાં જ ડોહાના ચહેરા પર રાજીપો છલકાઈ પડ્યો. ભાયુંભાયુંમાં એમ જ હોય. આઠ વાગતાં ડોહા ટીવી સામું ગોઠવાઈ ગયા. પણ એના મનમાં બેયના આવવાની અધીરપ ઊછળી રહી. ત્યાં કાનાનો બાપ આવીને બીજી ખુરશીમાં ગોઠવાયા. હજી ગિલાના છકડાનો અવાજ સંભળાતો નહોતો. ડોહા મનોમન ઊંચાનીચા થતા હતા. આવે વખતે અમંગળ કલ્પના ન આવે તો સમજવું કે માબાપ નહિ, ના, ના. એવું કાંઈ નો હોય. ભેંશને આડું હતું. એમાં વાર લાગે જ ને - એણે સમાધાન કર્યા કર્યું. અને કાનાનો બાપ એના ઘરની રિયાસત પર નજર ફેરવતો હતો તે જોઈ જોઈને રાજી થયા કર્યું. અને, નવના ટકોરે લોકલ સમાચાર શરૂ થયા. ‘નમસ્કાર દર્શકમિત્રો! લોકલમાં આપનું સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર... મુખ્યમંત્રીશ્રીની આજે ભાવનગરમાં પધરામણી, ભવ્ય સામૈયું. મુખ્યમંત્રીશ્રીએ સ્થળ પર જ કરેલો પચ્ચીશ પ્રશ્નોનો ઉકેલ. મુખ્યમંત્રીશ્રીએ.... મુખ્યમંત્રીશ્રીએ....’ ડોહાને એમાં રસ નહોતો. ‘શહેરમાં અપમૃત્યુના ત્રણ બનાવો.’ ‘સમાચારો વિગતવાર.’ અને, પહેલા સમાચારમાં જકાતનાકું દેખાણું. જકાતનાકે માણસો હકડેઠઠ. મુખ્યમંત્રીના સ્વાગત માટે ઉમટેલા મહેરામણને દેખાડ્યો. સ્વાગત માટે ઊભેલા શહેરના મોટા મોટા માણસો પર કેમેરા ફરી રહ્યો. ત્યાં ધમધમાટી સાથે ગિલાનો છકડો જિલ્લા પ્રમુખ પાસે આવી ઊભો. ખોડુભા ઊતર્યા. ને જિલ્લા પ્રમુખને મળ્યા ત્યાં સુધી ગિલો આખો છકડા સાથે ટીવીમાં દેખાઈ રહ્યો. ગિલાને જાણે કેમેરાવાળાની ખબર હોય એમ એ કેમેરા સામું હસી રહ્યો હોય એમ લાગતું હતું. ડોહાએ હરખઘેલા થઈને કાનાના બાપને થાપોટોય મારી દીધો. અને એ એક જ મિનિટનો સીન એના મગજમાં તરબતર થઈ ગયો હોય એમ આંખો મીંચી ગયા. હવે એને બીજા સમાચારોની પડી નહોતી. એના મગજમાં છકડાની રમરમાટી ચાલી રહી. એના કાન છકડાનો અવાજ સાંભળવા બેઠા થઈ ગયા. ત્યાં, સમાચાર વાંચનાર બોલ્યો : ‘અને છેલ્લે, શહેરમાં બનેલા અપમૃત્યુના બનાવોમાં, બેઠલા નાળે ગમખ્વાર અકસ્માત...છકડા-ચાલકનું કમકમાટીભર્યું મોત. બનાવની વિગતો પ્રમાણે, સાંજના એક ભેંશને લઈને ભાવનગર આવી રહેલ એક છકડો બેઠલા નાળે પલટી ખાઈ જતાં છકડા-ચાલકનું સ્થળ પર કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે છકડામાં ઊભેલા વ્યક્તિ ફંગોળાઈને દૂર પડવાથી બચી જવા પામ્યા હતા. તેઓને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડાયા છે. બનાવનું આશ્ચર્ય એ છે કે છકડામાંથી પછડાવાથી ભેંશને સ્થળ પર જ પાડો જન્મ્યો હતો. જોનારા કહે છે કે, છકડા-ચાલકે છકડાનું હેન્ડલ છોડી દીધું હોત તો એ પણ બચી ગયો હોત. પણ કહે છે, છકડો એનો જીવ હતો. એ છકડા તરીકે જ ઓળખાતો....’ ડોહાની આંખો ફાટી રહી. એમ જ રહી.