માય ડિયર જયુની વાર્તાઓ/માય ડિયર જયુની વાર્તાઓ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
માય ડિયર જયુની વાર્તાઓ

વાર્તાસ્વરૂપની સંપ્રજ્ઞતા ધરાવતા માય ડિયર જયુએ ટૂંકીવાર્તાના સ્વરૂપને ખૂબ જ સભાનતાથી ખેડ્યું છે. ‘ઘટના વિના વાર્તા નહીં પણ ઘટના એ વાર્તા નથી; કથનવિશેષથી વાર્તા નીપજે છે.’ – એવું દૃઢપણે માનતા આ સર્જકે પોતાની વાર્તાઓમાં આગવી કથનરીતિ પ્રયોજી છે. માય ડિયર જયુ ઘટનાનું વાર્તાન્તરણ કરવા માટે કથનવિશેષને મહત્ત્વનું ગણે છે. વિષયવૈવિધ્ય, નોંખા ભાવસંવેદનો, અભિવ્યક્તિની વિવિધ પ્રયુક્તિઓ, તળબોલી અને પરિવેશ તેમજ કથનવિશેષનું વૈવિધ્ય તેમની વાર્તાના વિશેષો છે. માય ડિયર જયુ ૧૯૯૯માં ‘જીવ’ અને ‘થોડાં ઓઠાં’ એમ બે વાર્તાસંગ્રહો સાથે ગુજરાતી વાર્તાસૃષ્ટિમાં પ્રવેશ કરે છે. તે પછી ૨૦૦૫માં ‘સંજીવની’ અને ૨૦૦૯માં ‘મને ટાણા લઈ જાવ!’ વાર્તાસંગ્રહ આપે છે. આ ચાર સંગ્રહમાં સંગ્રહિત ૭૦ વાર્તામાંથી માય ડિયર જયુની સર્જકતાનો હિસાબ આપતી ૯ વાર્તાઓ સંપાદનમાં સમાવી છે. ટૂંકીવાર્તામાં કથનનું સવિશેષ મહત્ત્વ જોનારા માય ડિયર જયુની વાર્તાસૃષ્ટિમાંથી પસાર થતાં તેમની આગવી કથનરીતિનો પરિચય ભાવકોને મળી રહે છે. ‘જીવ’ વાર્તાસંગ્રહમાં ૧૫ વાર્તા સંગ્રહિત છે. જેમાંથી ‘છકડો’, ‘જીવ’, ‘ડારવીનનો પિતરાઈ’ અને ‘વેકેશન’ વાર્તા અહીં સમાવી છે. ‘છકડો’ અને ‘જીવ’ માય ડિયર જયુની વાર્તાકાર તરીકેની ઓળખ બનેલી વાર્તા છે. ‘છકડો’ વાર્તામાં સાંપ્રત સમયના માનવીની ભૌતિક સમૃદ્ધિ મેળવવા પાછળની ઘેલછાભરી દોટને વાર્તાનો વિષય બનાવ્યો છે. આર્થિક ઉદારીકરણ શાંત ગ્રામજીવનમાં કેવાં વમળો પેદા કરે છે; નગરજનોની જેમ ગ્રામજનો પણ ભૌતિક સગવડો પાછળ કેવાં ઘેલાં બનતાં જાય છે તેનો ચિતાર ‘છકડો’ વાર્તામાં મળે છે. વાર્તાનાયક ગિલો છકડો ખરીદે છે અને ‘જાંબાળા... ખોપાળા... તગડી... ને ભડી’ની વચ્ચે છકડો રફતાર પકડે છે અને ગિલાના જીવનને પણ વેગ મળે છે. ગિલાને મકાન, વહુ અને કલર ટી.વી. સુધીની ગતિ છકડો કરી આપે છે પરંતુ છકડામય બની ગયેલો ગિલો પોતાના જીવનનું સાર્થક્ય સાધી શકતો નથી. વાર્તાન્તે ગિલો અકસ્માતમાં મૃત્યુ પામે છે. આમ ‘છકડો’અને ‘ગિલો’આધુનિક માણસની જીવનગતિનાં પ્રતીક બન્યાં છે. સર્વજ્ઞના કથનકેન્દ્રની કહેવાયેલી આ વાર્તાનું તળબોલીવાળું ભાષાકર્મ ભાવકને પ્રભાવિત કરે એવું છે. દલિત જીવનની કરુણતાને વાચા આપતી ‘જીવ’ વાર્તામાં મરણ તરફ આગળ વધી રહેલા બે જીવ : જીબાપુના આંગણામાં પડેલો અધમૂઓ પાડો અને ક્ષયને કારણે મરણાસન બનેલા ભગા ચમારના દીકરાની વાત કરવામાં આવી છે. જીબાપુના ઘરમાં લગ્નપ્રસંગ આવતો હોઈ જેસુભા અધમૂઆ પાડાને ઢસડી જવા ભગા ઉપર દબાણ કરે છે. નિર્જળા ઉપવાસ કરીને દીકરાનો જીવ બચાવવા મથતો ભગો ચમાર જીવતા પાડાને લઈ જવાનો અધર્મ કેમ આચરી શકે? છેવટે લાચારી અને દબાણને વશ થઈને ભગો ચમાર અધમૂઆ પાડાને ઢસડી તો જાય છે પણ પાડાની સાથે જ પુત્ર અને પિતાનો જીવ પણ જાય છે. કઠોર પરિસ્થિતિની ભીંસ વચ્ચે જીવતા દલિત સમાજની લાચારી અને કરુણતાના ઘેરા રંગો વાર્તાનાં જમા પાસાં છે. ‘ડારવીનનો પિતરાઈ’ ઓઠાં પ્રકારની પ્રથમ પુરુષ એકવચનમાં કહેવાયેલી વાર્તા છે. નાથાની વહુના પરપુરુષ સાથેના સંબંધની ગંધ આવતાં નાથો વહુને મારે છે. નાથાની વહુ સત્ય ન કબૂલવા માતાના સતનો સહારો લે છે. સત્ય જાણવા નાથો ડાકલા બેસાડે છે અને સવો ભૂવો નાથાની વહુને મારીઝૂડીને એનામાં પ્રવેશેલી વંતરી હતી એવી કબૂલાત કરાવે છે. છેવટે ભગતના કહેવાથી સવો ભૂવો વંતરીની ઉત્પત્તિ અને પૃથ્વી તેમજ જીવોની ઉત્પત્તિની વાત ડાર્વિનના ઉત્ક્રાંતિવાદ કરતાં જુદાં તર્કથી માંડે છે એ સંદર્ભે વાર્તાનું શીર્ષક ‘ડારવીનનો પિતરાઈ’ સાર્થક કરે છે. ‘વેકેશન’ તરુણાવસ્થાનાં કિશોર-કિશોરીનાં આકર્ષણની વાર્તા છે. વેકેશનમાં મોટી બહેનને ત્યાં ગયેલી મિષા શેરીમાં ક્રિકેટ રમતા વીકી પ્રત્યે આકર્ષાય છે. પ્રથમ આકર્ષણના ભાવમય નિરૂપણમાં કિશોરી મિષાનું મનોગત સરસ રીતે ઝિલાયું છે. ‘સંજીવની’ સંગ્રહમાં ૧૮ વાર્તા ગ્રંથસ્થ થયેલી છે જેમાંથી ‘સંજીવની’, ‘મેરે સપનોં કી રાની, કબ આયેગી તુંઉં’ અને ‘માસ્તરનો ઑમ’ સંચયમાં સમાવી છે. ‘સંજીવની’ સંકુલ અર્થછાયાઓ પ્રગટાવતી માય ડિયર જયુની નમૂનેદાર વાર્તા છે. મોટા લોકોના અતિક્રમણનો ભોગ બનેલા ઝૂંપડપટ્ટીવાસી માનવીઓની કરુણકથા-પ્રેમકથા ‘સંજીવની’માં નિરૂપાઈ છે. ઝૂંપડપટ્ટીમાં લાગેલી આગમાં પતિ-પુત્રને ગુમાવી ચૂકેલી અને પાગલ જેવી બની ગયેલી વાલી પ્રત્યેની રૂખડની ચાહના અને ઝંખના કલાત્મક રીતે આલેખન પામ્યાં છે. ‘ઠંડીથી ધ્રુજતી વાલીને ગરમાવો આપવા રૂખડ તેના શરીર સરસો થાય છે.’ – વાર્તાગર્ભ આ ક્ષણનું વાર્તાકારે પૂરા સંયમ અને તાટસ્થ્યથી આલેખન કર્યું છે. એક વર્ષ પછી વાલીને બાળક સાથે મિશનરી દવાખાનામાં જોયાના સમાચાર રૂખડના શુષ્ક હૈયાને ખુશીથી છલકાવી દે છે. ‘મનુષ્યની સંજીવની મનુષ્ય ભાઈ! એ વગર માણસજાત જીવી ન શકે.’ ઉક્તિ દ્વારા વાલી-રૂખડના જીવનમાં કેવી સંજીવની છંટાય છે તે વાર્તાકારે ધ્વનિત કર્યું છે. ‘મેરે સપનોં કી રાની, કબ આયેગી તુંઉં’ ખૂબ સરળ રીતે કહેવાયેલી – માનવમનની સંકુલતાનું રસપ્રદ દર્શન કરાવતી વાર્તા છે. વાર્તાનાયક કેસીની રંગીન પર્સનાલિટી અને ટોકેટિવ નેચરને કારણે રસિલા એના તરફ આકર્ષાઈને લગ્ન કરે છે. પરંતુ કેસીના એ જ સ્વભાવને કારણે રસિલા શંકાશીલ બને છે અને કેસીના મિસ રોઝી અને લલિતા સાથેના નિકટતાભર્યા સંબંધોથી રસિલાના હૃદયને ધક્કો લાગે છે અને હાર્ટએટેકમાં મૃત્યુ પામે છે. પતિના સ્વભાવગત સ્ત્રી-આકર્ષણોથી શંકાશીલ અને દુઃખી પત્નીની કરુણતાને વાર્તા સરસ ચીંધી આપે છે. ‘માસ્તરનો ઑમ’ પ્રાણીઓ અને મનુષ્યોમાં રહેલા સ્થાયી ભાવ રતિ-કામને આલેખતી કલાત્મક વાર્તા છે. પોતાનો પાળેલો કૂતરો ઑમ ઉપર થતી ભાદરવાની અસરને સમજી ન શકતા માસ્તર પોતાની યુવાન બનેલી દીકરી શુચિના મુગ્ધભાવને તો ક્યાંથી સમજી શકે? આવા જીવનવિરોધી જડ આગ્રહોમાંથી જન્મતી વિકૃતિ અને વિદ્રોહને વાર્તાકારે ઑમ અને માસ્તરના પાત્ર દ્વારા સુંદર વાચા આપી છે. ‘મને ટાણા લઈ જાવ!’ વાર્તાસંગ્રહની પંદર વાર્તામાંથી ‘બાપ-દીકરી’ અને ‘મને ટાણા લઈ જાવ!’ વાર્તાને સંપાદનમાં સ્થાન આપ્યું છે. ‘બાપ-દીકરી’ ધૂમકેતુની ‘પોસ્ટઑફિસ’ વાર્તાના અંતનું અનુસંધાન ધરાવતી વાર્તા છે. મરિયમનો વણવંચાયેલો પત્ર આ વાર્તામાં વંચાય છે અને જગતમાં બાપ-દીકરીનો સંબંધ કેવો વાત્સલ્યપૂર્ણ હોય છે તેની પ્રતીતિ ભાવકને કરાવે છે. વીનેશ અંતાણી જેને ‘આત્મકથાગંધી કાલ્પનિક વાર્તા’ તરીકે ઓળખાવે છે તે ‘મને ટાણા લઈ જાવ!’ કપોળકલ્પના અને વાસ્તવનું સંયોજન કરીને રચાયેલી વતનપ્રેમનો મહિમા પ્રગટાવતી માય ડિયર જયુની પ્રયોગશીલ વાર્તા છે. માય ડિયર જયુની દરેક વાર્તાનું ગદ્યવિધાન આસ્વાદ્યઅંગ બન્યું છે. ભાવનગરની ગોહિલવાડી તળબોલી અને શિષ્ટ ભાષાને અસરકારક રીતે વાર્તાઓમાં પ્રયોજી છે. તળબોલીના અસલ શબ્દો અને તેના લય-લહેકાઓ-કાકુઓમાં રહેલી અર્થઘનતા, જોમ અને સૌંદર્યનું પ્રગટીકરણ સાહજિક રીતે થયેલું પમાય છે. સમગ્રપણે જોતાં માય ડિયર જયુની વાર્તાઓ વિષય, નિરૂપણ રીતિ, અભિવ્યક્તિ અને તળબોલીના સહજ વિનિયોગની દૃષ્ટિએ નોંખી ભાત પાડતી વાર્તાઓ છે.