રમણલાલ સોનીની ૫૦ ઉત્તમ બાળવાર્તાઓ અને વાર્તા-પઠન/૩૭. ટેનિસના દડાને ક્રિકેટનો દડો થવું હતું!: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 76: Line 76:
{{Right|[ટોપી-પંડિત]}}
{{Right|[ટોપી-પંડિત]}}
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ૩૬. ઘુવડની સલાહ
|next = ૩૮. બીવાથી બીવું નહિ
}}

Latest revision as of 10:36, 29 April 2022

૩૭. ટેનિસના દડાને ક્રિકેટનો દડો થવું હતું!


એક હતો ટેનિસનો દડો.

ટેનિસના ખેલાડીઓ એ દડો લઈને રમતા.

ખેલાડીઓ સામસામા દડો ફટકારતા — આ એમની રમત હતી.

દડાને આ ગમ્યું નહિ. તે મનમાં કહે: ‘આ લોકોને મન આ રમત છે, પણ આમાં મારો તો જીવ જાય છે! મને આ મંજૂર નથી.’

લાગ જોઈને એક વાર એ છટકી ગયો અને દૂર અજાણી જગાએ જઈને બેઠો. રાતનો વખત હતો. કંઈ દેખાતું નહોતું. ક્યાં જવું એની સમજ પડતી નહોતી, એટલે દડો ચિમળાઈને પડી રહ્યો.

ઝાડ પરથી એક ઘુવડે આ જોયું. એણે કહ્યું: ‘એ…ઈ ગોરા ગોળમટોળ, કોણ છે તું?’

કોણ બોલે છે તેની દડાને ખબર પડી નહિ, તેથી તેણે સામું પૂછ્યું: ‘કોણ છો તમે?’

જવાબ મળ્યો: ‘હું ઘુવડ છું. મારું નામ ઉલ્લુ. હું આ દેશનો નવાબ છું.’

દડાએ ઘુવડ કદી જોયું નહોતું, પણ એના વિશે સાંભળ્યું હતું ઘણું. એટલે એણે કહ્યું: ‘ઉલ્લુ મહારાજ, મારા પર કિરપા કરો!’

ઘુવડને આ ગમ્યું. તેણે કહ્યું: ‘બોલ, શી કિરપા કરવાની છે?

દડાએ કહ્યું: ‘હું ટેનિસનો દડો છું. ટેનિસના ખેલાડીઓ વગર વાંકે રોજ રૅકેટ વડે મને મારમાર કરે છે, તેથી હું ઘર છોડી ભાગી આવ્યો છું.’

ઘુવડે કહ્યું: ‘સમજી ગયો! બધા તારા પર જુલમ કરે છે એમ ને? પણ એનું કારણ તું જાણે છે? તું બહુ નરમ સ્વાભાવનો છે, એટલે બધા તારા પર જુલમ કરે છે.’

દડાએ કરગરીને કહ્યું: ‘મને આમાંથી બચાવો! મારે નથી થવું ટેનિસનો દડો!’

ઘુવડે કહ્યું: ‘તો ક્રિકેટનો દડો થઈ જા! ભલભલાનું ટાલકું તોડી નાખે એવો!’

દડાએ કહ્યું: ‘કેવી રીતે થાઉં? મને ક્યાં કંઈ મંતરતંતર આવડે છે!’

ઘુવડે કહ્યું: ‘મને આવડે છે, હું તને ક્રિકેટનો દડો બનાવી દઉં!’

દડાએ કહ્યું: ‘બનાવી દો, તો તમારા જેવો ભગવાને નહિ, ઉલ્લુ મહારાજ!’

ઘુવડે કહ્યું: ‘ઠીક છે, તો હું તને અબઘડી ક્રિકેટનો દડો બનાવી દઉં છું અને ક્રિકેટના મેદાનમાં પહોંચાડી દઉં છું.’

આમ કહી એણે કંઈ મંત્ર ભણ્યો અને ટેનિસનો દડો ક્રિકેટનો દડો બની ગયો. એવો કાઠો અને એવો ભારે કે પોતાનું આ નવું સ્વરૂપ જોઈ દડો રાજી રાજી થઈ ગયો. એને ઊંઘ આવી ગઈ. એ ઊંઘી ગયો.

સવારે એણે આંખો ઉઘાડી ત્યારે ક્રિકેટના મેદાનમાં હતો. ભપકાદાર પહેરવેશ પહેરેલા ક્રિકેટના ખેલાડીઓ એની સામે અદબથી ઊભા હતા. એક ખેલાડી દડાને હાથમાં લઈ કહે: ‘દડો ફક્કડ છે, રમવાની મજા પડશે.’ દડો મનમાં રાજી થયો. તેને થયું કે આ લોકો કદરદાન છે.

રમત શરૂ થઈ. એક ખેલાડીએ દડાને હાથમાં લઈ રમાડ્યો, પછી એને લઈને એ દોડ્યો અને હાથમાંથી એને છુટ્ટો ફેંક્યો. સામે બીજો એક ખેલાડી હાથમાં વજનદાર બૅટ લઈને ઊભો હતો. તેણે દડાને અધ્ધર આવતો જોયો કે લાગ જોઈને બૅટ વડે એને ફટકાર્યો! દડો ચીસ પાડી નાઠો, પણ બીજા એક ખેલાડીએ એને નાસતાં જ પકડી લીધો અને જેણે દડો ફેંક્યો હતો તેને પાછો આપ્યો. એ માણસે દડાને હાથમાં પંપાળ્યો — દડાને તે ગમ્યું, પણ ગમવું લાંબું ચાલ્યું નહિ. દડાવાળાએ ફરી દોડીને દડો બૅટવાળાની સામે ફેંક્યો. આ વખતે બૅટવાળાએ એવા જોરથી દડાને ફટકાર્યો કે દડાને થયું કે હવે હું નહિ જીવું! એણે મોટી ચીસ પાડી! એની ચીસ સાંભળી જોવા ભેગા થયેલા લોકોએ એની મદદે ધાવાને બદલે રાજીપાની તાળીઓ પાડી!

ફરી પાછો દડો દડાવાળાના હાથમાં ગયો, ફરી ફેંકાયો. ને ફરી બૅટનો માર ખાઈ એ નાઠો. આવું ચાલ્યા જ કર્યું. હવે દડાને ખાતરી થઈ ગઈ કે અહીં તો બધા રાક્ષસો જ રાક્ષસો છે! ટેનિસમાં બે કે ચાર જણા હતા, પણ અહીં તો બાપ રે, કેટલા બધા છે! એક જાય છે ને બીજો આવે છે, પણ બધા મને ફટકારવામાં જ પોતાની મોટાઈ સમજે છે! અને ફટકારે છે તેય કેવું? જીવ પર આવીને! ટેનિસવાળા તો આવું કંઈ કરતા નથી — બાપડા બહુ ડાહ્યા છે. સમજુ છે સંસ્કારી છે. એ લોકો દડાને ફટકારે છે ખરા, પણ પ્રેમથી, માનથી; આમ જીવ પર આવીને નહિ!’ વળી એ લોકો ફટકારે છે તેય હલકા નાજુક રેકેટથી, મને બહુ લાગી ન જાય તેની તેઓ કાળજી રાખે છે. પણ આ ક્રિકેટિયા રાક્ષસો તો માથું ફાડે એવું ધોકાણું જ વાપરે છે! એમના દિલમાં મુદ્દલે દયાભાવ નથી.’

માર ખાઈ ખાઈને દડો અધમૂઓ થઈ ગયો. સાંજે રમત પૂરી થઈ, એટલે ખેલાડીઓની પકડમાંથી છૂટતાં જ એ ભાગ્યો.

ફરી પાછો એ પેલા ઝાડ હેઠળ જઈને બેઠો, રાત પડી, અંધારું થયું. ઝાડ પરથી અવાજ આવ્યો: ‘એ ઈ કોણ છે તું?’

દડો અવાજ ઓળખી ગયો. એણે નમ્રતાથી કહ્યું: ‘એ તો હું છું. ઉલ્લુ મહારાજ! ટેનિસનો દડો!’

ઘુવડે કહ્યું: ‘તને તો મેં તારી ઇચ્છા પ્રમાણે ક્રિકેટનો દડો બનાવી દીધો, હવે શું છે?’

દડાએ કહ્યું: ‘મારે નથી થવું ક્રિકેટનો દડો! એ લોકો દુષ્ટ રાક્ષસો છે, દયામાયામાં કંઈ સમજતા નથી! જુઓને, એક દિવસમાં તો મારી ચામડી ચીરી નાખી! મારા પર દયા કરો, મહારાજ! મને ફરી પાછો ટેનિસનો દડો બનાવી દો!

‘હું જે હતો એ જ સારું હતું’

ઘુવડે કહ્યું: ‘વળી ફરીને રડતો આવશે તો?’

દડાએ કહ્યું: ‘નહિ રડું.’

ઘુવડે કહ્યું: ‘માર ખાવો ગમશે?’

દડાએ કહ્યું: ‘અમારા દડાના નસીબમાં માર ખાવાનું જ લખ્યું છે તે માર ખાશું, ખુશીથી ખાશું — પણ બૅટનો માર ખાવા કરતાં રૅકેટનો માર સારો!’

‘તારી વાત સાચી છે, ભાઈ દડા!’ આમ કહી તેણે મંત્ર ભણી એને પહેલાં હતો તેવો ટેનિસનો દડો બનાવી દીધો.

બીજે દિવસે ટોપલીમાંથી દડો હાથ લાગતાં ટેનિસના ખેલાડીઓ આનંદમાં આવી બોલી ઊઠ્યા; ‘આ રહ્યો આપણો દડો! કાલે શોધ્યો પણ જડ્યો નહિ. એટલે આપણો કાલનો દિવસ ખરાબ ગયો. આજે મજા રહેશે!’

પોતાની પ્રશંસા સાંભળી ટેનિસનો દડો ખુશખુશ થઈ ગયો.

[ટોપી-પંડિત]