મહાદેવભાઈ દેસાઈ — સત્ત્વ અને સાધના/મહાદેવભાઈ દેસાઈનું સાહિત્યસર્જન: Difference between revisions
(Created page with "{{SetTitle}} {{Heading| વ્યાખ્યાન : ૨ |મહાદેવભાઈ દેસાઈનું સાહિત્ય-સર્જન }} {{Poem2Open}}...") |
No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 120: | Line 120: | ||
મહાદેવભાઈ, શું જીવનમાં કે શું સાહિત્યમાં, કયાંય કશું અભદ્ર કે હીણું સહી શકતા નહોતા. આ ભદ્ર પુરુષને જીવન અને કલાનાં સર્વ અંગોમાં ભદ્રિકતા જ અપેક્ષિત હતી. તેમણે ઉદાત્ત માનવતાની આરાધના માટે, એના ઉત્કર્ષ માટે જીવનની ક્ષણેક્ષણ ખર્ચી, શબ્દને પણ એ આરાધનામાં જ રોકયો. તેથી તો મહાદેવભાઈ માટે એ શબ્દ કામધેનુરૂપ બની રહ્યો અને એ રીતે પથ્ય – સાત્ત્વિક રસનો ઉદ્ભાવક – ઉદ્-વાહક બની રહ્યો. મહાદેવભાઈનો શબ્દ સત્યની ભોંયમાં મૂળ નાખીને અહિંસાના પવિત્ર – મધુર વાતાવરણમાં ઊછરતો વિકસ્યો છે અને ફલિત પણ થયો છે. તેથી જ એમના શબ્દમાં પારમાર્થિક શક્તિનું ઓજસ-તેજ વરતાય છે. આપણે એમના એ અન્+ આવિલ શબ્દનો પ્રકાશ સુપેરે સંગ્રહી તેજસ્વી થવાનો શિવસંકલ્પ કરીએ. | મહાદેવભાઈ, શું જીવનમાં કે શું સાહિત્યમાં, કયાંય કશું અભદ્ર કે હીણું સહી શકતા નહોતા. આ ભદ્ર પુરુષને જીવન અને કલાનાં સર્વ અંગોમાં ભદ્રિકતા જ અપેક્ષિત હતી. તેમણે ઉદાત્ત માનવતાની આરાધના માટે, એના ઉત્કર્ષ માટે જીવનની ક્ષણેક્ષણ ખર્ચી, શબ્દને પણ એ આરાધનામાં જ રોકયો. તેથી તો મહાદેવભાઈ માટે એ શબ્દ કામધેનુરૂપ બની રહ્યો અને એ રીતે પથ્ય – સાત્ત્વિક રસનો ઉદ્ભાવક – ઉદ્-વાહક બની રહ્યો. મહાદેવભાઈનો શબ્દ સત્યની ભોંયમાં મૂળ નાખીને અહિંસાના પવિત્ર – મધુર વાતાવરણમાં ઊછરતો વિકસ્યો છે અને ફલિત પણ થયો છે. તેથી જ એમના શબ્દમાં પારમાર્થિક શક્તિનું ઓજસ-તેજ વરતાય છે. આપણે એમના એ અન્+ આવિલ શબ્દનો પ્રકાશ સુપેરે સંગ્રહી તેજસ્વી થવાનો શિવસંકલ્પ કરીએ. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
<hr> |
Latest revision as of 19:48, 9 June 2022
મહાદેવભાઈ દેસાઈનું સાહિત્ય-સર્જન
ભારતના ઇતિહાસમાં સાંસ્કૃતિક દૃષ્ટિએ વીસમી સદી અનેક રીતે વિલક્ષણ છે. ભારતીય સંસ્કાર-સંસ્કૃતિનો પ્રવાહ શતાબ્દીઓનાં જંગલો વટાવતો વીસમી સદીમાં આવ્યો ત્યારે તેમાં સંઘટ્ટન, વિશ્લેષણ, વિશોધન ને સંશોધન જેવી પ્રક્રિયાઓ આરંભાઈ ચૂકી હતી. ‘વીર' નર્મદ અને ‘ધીર' ગોવર્ધનરામના સાહિત્યમાં જે સાંસ્કૃતિક પરિવર્તન–સમન્વયની પ્રક્રિયાએ દેખા દીધેલી તેનું એક પરિપક્વ સ્વરૂપ ધીરવીર’[1] ગાંધીજીના આવતાં સુધીમાં પ્રત્યક્ષ થતું જતું હતું. નર્મદની ‘મારી હકીકત'માં રજૂ થયેલી વાસ્તવજીવનની વાત ગોવર્ધનરામના ‘સાક્ષરજીવન' તથા ‘અધ્યાત્મજીવન'માં ભાવનાત્મક સ્વરૂપે વિકસતી ગાંધીજીના ‘સત્યના પ્રયોગો'માં સત્યપૂત જીવનમાં શુદ્ધ ને નક્કર સ્વરૂપે આવિર્ભાવ પામે છે. ગુજરાતનું સાક્ષરજીવન સંસારમંથન ને ધર્મમંથનની ભૂમિકામાંથી પસાર થતું નવા યુગની ઉત્ક્રાન્તિમૂલક ભૂમિકા માટે તૈયાર થતું જતું હતું. આત્મનિમજ્જનથી આત્માભિવ્યક્તિ સુધીની આંતરપ્રક્રિયા દ્વારા સર્જકચિત્ત વધુમાં વધુ સરસ અને સચોટ રીતે સહૃદયો સાથે પોતાનો સેતુબંધ રચવાની મથામણમાં હતું. આવા તબક્કે ગાંધીજી અને તેમની અનુયાયી મંડળીનો પ્રવેશ સાહિત્યિક સાંસ્કૃતિક દૃષ્ટિએ અત્યંત મહત્ત્વનો બની રહે છે. સાહિત્યધર્મી ગોવર્ધનરામ ને સેવાધર્મી ગાંધીજી વચ્ચે એક સૂક્ષ્મ સુમેળ – અનુબંધ જોવા મળે છે. કલ્યાણગ્રામથી સેવાગ્રામ દૂર નથી, બલકે કલ્યાણગ્રામનું જ એક રૂપાંતર સેવાગ્રામમાં જોઈ શકાય એમ છે. સરસ્વતીચંદ્રના જ્ઞાનોદય સાથે ગાંધીજીના સર્વોદયને સાંકળવો મુશ્કેલ નથી, બલકે બંને સંકળાય એ જ સહજસિદ્ધ ઘટના છે. મહાભારતકાર વ્યાસે ‘न मानुशात् श्रेष्ठतरं हि किञ्चित्’ કહીને જે મનુષ્યદેવતાનો મહિમા કરેલો એને જ કોઈ ને કોઈ રીતે સાહિત્યકારે પોતાના સાક્ષાત્કારનો વિષય બનાવ્યો જોઈ શકાય છે. પ્રાચીન ભારતીય સંસ્કાર અને સંસ્કૃતિ- પરંપરામાંથી ગોવર્ધનરામે જે સનાતન જીવનમૂલ્યોનું દર્શન આપણને કરાવ્યું તેમાંથી જ ગાંધીજીએ સ્વકીય દેશ-કાળને અનુરૂપ માનવધર્મી મૂલ્યોનું નૂતન સંકલન રજૂ કર્યું. મહાદેવભાઈ ગાંધીજી પાસે આવે છે ત્યારે ‘હિન્દસ્વરાજ'ના દ્રષ્ટા-સ્રષ્ટા તરીકે, એક સિદ્ધ સત્યાગ્રહી તરીકે તેમને ગાંધીજી પ્રત્યક્ષ થાય છે. જેમ જુલિયસ સિઝર માટે કહેવાય છે કે He came, he saw and he conquered એમ મહાદેવભાઈ માટેય ખુશીથી કહી શકાય કે એ ગાંધીજી પાસે આવ્યા, એમને નીરખ્યા અને એમને જીતી લીધા – સ્વકીય ગુણબળે કરીને. ગાંધીજી જેવા મહાન આત્માનું સાન્નિધ્ય મળવું એમાં જ મહાદેવભાઈના જીવનની – એમના શબ્દની પરમ સાર્થકતા રહેલી હતી અને તેની પ્રતીતિ આપણને કાળે કરીને બરોબર થાય છે. મહાદેવભાઈનો જેમ ગાંધી સાથે તેમ કલમ સાથેનો સંબંધ પણ જીવનભર રહ્યો. આમ તો કલમ સાથેનો સંબંધ ગાંધીજી સાથેના સંબંધ કરતાંયે વધારે જૂનો! ખૂબી એ છે કે ગાંધીજી સાથે સંબંધ જોડાયા પછી મહાદેવભાઈનો કલમ સાથેનો સંબંધ ઘટ્યો નહીં, બલકે અનેકગણો વધ્યો! ગાંધીજી જેમ એમના જીવનનું ચેતન હતા તેમ એમના લખાણનો પ્રાણ હતા. [2] ગાંધીજી પણ એમની શીલ અને શબ્દની શક્તિભક્તિને બરોબર જાણતા હતા.’ તેથી તો તેમણે એમના સંદર્ભે એક વાર કહેલું: હાથમાં કલમ લઈને પ્રસન્નતાથી પ્રાણ છોડવાની શક્તિ એનામાં તો છે.[3] મહાદેવભાઈએ નર્મદની જેમ કલમના ખોળે માથું નહીં મૂકેલું, માથું તો મૂક્યું તો ગાંધીજીના ખોળે; પરંતુ એમણે ગાંધીજીનો હાથ પકડતાં, કલમ તો હાથમાં પકડી જ રાખી. ગાંધીજીને જ એમણે પોતાની કલમના મુખ્ય વિષય બનાવ્યા. મહાદેવભાઈની સાહિત્યિક પ્રતિભાનો અર્ધો વિજય તો આ મહાન વિષયપસંદગીમાં જ જોવો જોઈએ! તેમણે ૧૩ નવેમ્બર, ૧૯૧૭થી જે ડાયરીલેખન આરંભ્યું તે ૧૪ ઑગસ્ટ, ૧૯૪૨ સુધી – દેહોત્સર્ગના આગલા દિવસ સુધી થોડા વિક્ષેપો બાદ કરતાં સતત જારી રાખ્યું. આ રીતે એમનું સારસ્વતતપ ગાંધીજીને અનુલક્ષીને ચાલ્યું. ખાતાંપીતાં, ઊઠતાંબેસતાં, હરતાંફરતાં ગાંધીજી જ એમના ધ્યાનનો વિષય બની રહ્યા. ગાંધીજીની વાત કરવી, એમના વિચારોની ચર્ચા કરવી, એમની વાણી ઝીલવી અને સૌને તેનો સ્વાદ આપવો, એમની પ્રિય પ્રવૃત્તિઓમાં તન-મન-ધનથી સહકાર આપી એ પ્રવૃત્તિઓના પ્રચાર-પ્રસાર માટે શક્ય બધા ઉપાયો કરવા – આ માટે એમણે એમની કલમ ચલાવી. તેમણે કલમ દ્વારા ગાંધીજીનો સાક્ષાત્કાર કરવા-કરાવવાનું તાક્યું. ગાંધીજી જે જીવનમૂલ્યો માટે સજાગપણે સતત ક્રિયારત રહ્યા તે મૂલ્યોની સિદ્ધિનું અને તે દ્વારા આત્મસાક્ષાત્કાર કરવાનું ધ્યેય તેમણે સાહિત્યક્ષેત્રે પણ પોતાની નજર સામે રાખ્યું. મહાદેવભાઈ, પ્રસંગોપાત્ત, કોઈ સંત ફ્રાન્સિસની કે કોઈ અંત્યજ સાધુ નંદની અથવા ખાન અબ્દુલ ગફ્ફારખાન અથવા વલ્લભભાઈ કે મૌલાના અબુલ કલામ આઝાદની વાત જરૂર કરે છે; પણ જેમ all roads lead to Rome કહેવાય છે, તેમ આ સર્વની વાતો દ્વારા તો તેઓ પહોંચવા માગતા હોય છે એ જ કેન્દ્રે, જે તરફ ગાંધીજીની પણ ગતિ છે. ગાંધીપ્રેરિત જીવનમૂલ્યોની હવા મહાદેવભાઈના સમગ્ર સાહિત્યમાં વ્યાપી વળેલી જણાય છે. મહાદેવભાઈના વાઙ્મયતપની શરૂઆત તો વિદ્યાર્થીકાળથી થઈ ચૂકી હતી. સંસ્કારી પરિવારના એક સંનિષ્ઠ શિક્ષકના તેઓ સુપુત્ર. ગળથૂથીમાંથી જ સંતસાહિત્ય – ધર્મસાહિત્યના સંસ્કારો રહેલા. વિવેકાનંદ ને રામકૃષ્ણના વાચને એમનું મનોઘડતર થયેલું. શિષ્ટ સાહિત્યનાયે તેઓ પરમ આશક. કૉલેજકાળ સુધીમાં તો ગુજરાતી કવિતા, નાટક, નવલકથા ઇત્યાદિનું સારું એવું સાહિત્ય વાંચી લીધેલું. બંગાળી, હિન્દી, અંગ્રેજી, મરાઠી વગેરે ભાષાઓના અને સાહિત્યનાયે તેઓ રસિક. [4] બંગાળી ને અંગ્રેજી કાવ્યોનો અનુવાદ કરવામાં તેમને રસ પડતો હતો. કૉલેજકાળ દરમિયાન જ એક વાર એલ્ફિન્સ્ટન કૉલેજના મુખપત્ર ‘એલ્ફિન્સ્ટોનિયન'માં તેમનું અંગ્રેજી કાવ્ય પ્રસિદ્ધ થયેલું, પરંતુ તે પછી ત્યાંના અંગ્રેજી અધ્યાપકની સલાહથી એ પ્રકારે લખવાનું તેમણે માંડી વાળેલું અને સ્વાધ્યાયમાં જ ચિત્તને વિશેપભાવે એકાગ્ર કરેલું. ‘स्वाध्यायप्रवचनाभ्याम् मा प्रमदितव्यम्' – એ ઉપનિષદસૂત્ર તેમના જીવનમાં બરોબર વણાઈ ગયેલું. તેથી જ ગાંધીજી સાથેની પૂરા સમયની સેવામાં ફુરસદ મળી નથી કે સાહિત્યમાં ડૂબકી મારી નથી. ગાંધીજીની સેવામાં કેટલીક વાર રાતના એકબે વાગી જાય ને પછી સૂવા જાય ત્યારેય એમને કશુંક વાંચવાનું તો હોય જ! એમના થેલામાં પુસ્તકોનું સ્થાન અવિચળ! પુસ્તકોના એ પરિગ્રહી! એમની ચુનંદા પુસ્તકોની એક સારી લાઇબ્રેરી ગાંધી સંગ્રહાલય પાસે સુરક્ષિત છે. મહાદેવભાઈ ૧૯૧૦થી ૧૯૧૫ના ગાળામાં સરકારી ખાતામાં ઓરિયેન્ટલ ટ્રાન્સલેટરના પદે કામ કરતા હતા. તે વખતે ‘વનસ્પતિની ઔષધિઓ’ – એવા ભળતા નામવાળું પરંતુ વાસ્તવમાં બૉમ્બ બનાવવાની રીતની જાણકારી આપતું શ્રી મોહનલાલ પંડ્યાનું (જેઓ પાછળથી ‘ડુંગળીચોર’ તરીકે જાણીતા થયેલા તેમનું) પુસ્તક તેમની પાસે તપાસ માટે આવ્યું અને તેમાં તેમણે નિ:સંકોચ વાંધાભરેલું હોવાનો શેરો મારેલો. તે પછી લોકમાન્ય ટિળકના ‘ગીતારહસ્ય'નો ગ્રંથ પણ હસ્તપ્રતરૂપે તેમને વાંચવા – તપાસવા માટે પ્રાપ્ત થયેલો. આ રીતે આ નોકરી નિમિત્તે કેટલાક ગ્રંથો જોવા-વાંચવાનો અવસર તેમને મળેલો. વળી આ નોકરીમાં અનુવાદક તરીકે ઘડાવાની પણ ઉમદા તક તેમને સાંપડી. તેમની આ કામગીરીને બિરદાવતાં તેમના ઉપરી અધિકારી શ્રી ઝેડ. એ. બારનીએ લખેલું : ઑફિસમાં એમનું કાર્ય સામાન્ય કરતાં ઊંચી કોટિનું હતું. એ બહુ મહેનતુ અને વાચનના ભારે શોખીન હતા.’ (સ્વ. મહાદેવભાઈ દેસાઈ સ્મૃતિચિત્રો, પૃ. ૧૨) મહાદેવભાઈ કૉલેજકાળથી સાહિત્યકારો તેમ જ સાહિત્યિક પ્રવૃત્તિઓના સંપર્કમાં રહેવા પ્રયત્ન કરતા હતા. શ્રી રામનારાયણ વિશ્વનાથ પાઠક અને શ્રી ગિજુભાઈ બધેકા તો તેમના પાડોશીઓ હતા. ‘બૉમ્બે ક્રૉનિકલ’વાળા સૈયદ અબદુલ્લા બ્રેલવી સાથે અને કલાવિવેચનની કટારો લખનારા કે. એચ. વકીલ સાથે પણ એમની દોસ્તીની ગાંઠ મજબૂત હતી. એમાંયે નરહરિભાઈ તો એમના ‘ફ્રેન્ડ, ફિલૉસૉફર ઍન્ડ ગાઇડ' સમા! ગાંધીકાર્યો અને સારસ્વતકાર્યોમાં બંનેની જુગલજોડીની સારી નામના. મહાદેવભાઈએ ‘ભોળા શંભુ'ના ઉપનામે કૉલેજ-સામયિકમાં લખાણો આપવાનું શરૂ કરેલું. તે દરમિયાન મુંબઈમાં નરસિંહરાવને મળવાની તક પણ ઝડપેલી. નરસિંહરાવે તેમને જોઈને કહેલું : ‘અનાવલો છે, પણ નાગર જેવો દેખાય છે!’[5] આ નરસિંહરાવને પાછળથી ‘ચિત્રાંગદા'નો અનુવાદ તેમણે મોકલાવેલો ને ત્યારે તેમણે લખેલું: ‘નલિન ભાષાંતર કરવાનો હતો. લાગણીને સંતોષ છે કે કોઈકે તો કર્યું અને તે યોગ્ય જણે.’ આ મહાદેવભાઈ અમદાવાદમાં આવી વકીલાત કરતા હતા ત્યારે નવરાશનો સમય ગ્રંથાલયમાં – હીમાભાઈ ઇન્સ્ટિટ્યૂટમાં તથા નરહરિભાઈ સાથે બેસી રવીન્દ્રનાથ ટાગોરની કૃતિઓનો અનુવાદ કરવામાં ગાળતા હતા. મહાદેવભાઈએ અંગ્રેજી ને બંગાળી કાવ્યાનુવાદોનો આધાર લઈને બંગાળી ભાષાનો પોતાનો પરિચય કેળવ્યો હતો. એમાં શાંતિનિકેતનનાં કેટલાંક પુસ્તકો પણ ઉપયોગી થયાં હતાં. તેમણે આ પરિચયના બળે નરહરિભાઈ સાથે રહી રવીન્દ્રનાથના ‘ચિત્રાંગદા' (૧૯૧૫)નો અનુવાદ કર્યો. એ પછી તેઓ બંનેએ ‘પ્રાચીન સાહિત્ય' (૧૯૨૨)નો અનુવાદ કર્યો. ૧૯૨૫માં મહાદેવભાઈ તથા નરહરિભાઈ દ્વારા અનૂદિત ‘ચિત્રાંગદા’ અને ‘વિદાય અભિશાપ' ગ્રંથ બહાર પડે છે. તે બંનેની ભાવના તો રવીન્દ્રનાથના સમગ્ર સાહિત્યનો અનુવાદ ગુજરાતીમાં આપવાની હતી અને તેના પ્રથમ ચરણ તરીકે તેમણે બંનેએ ‘નૌકા ડૂબી' નવલકથાનો અનુવાદ કરવા માટે તેનાં પ્રકરણ-પાનાંયે વહેંચી લીધેલાં, પરંતુ બંને ગાંધીજીનાં ચરણોમાં બેસી ગયા અને પરિણામે તેમનું પેલા અનુવાદનું કામ હંમેશ માટે રહી ગયું. મહાદેવભાઈ ગાંધીજીના સંપર્કમાં આવ્યા તે પૂર્વે લૉર્ડ મોર્લીના ‘ઑન કૉમ્પ્રોમાઇઝ' ગ્રંથનો અનુવાદ કરવા પ્રેરાયેલા. મુંબઈની ફાર્બસ સાહિત્યસભાએ એ ગ્રંથના ઉત્તમ અનુવાદ માટે રૂ. ૧૦૦૦નું પારિતોષિક જાહેર કરેલું. એ અનુવાદ-સ્પર્ધામાં અનેક સાક્ષરોએ ભાગ લીધેલો; પણ તેમાં મહાદેવભાઈ જેવા એક નવજુવાનનો અનુવાદ સ્પર્ધાના નિર્ણાયકોને ઉત્તમ લાગેલો અને તેથી તેઓ પારિતોષિકના અધિકારી બનેલા. જ્યારે સુરતમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન ભરાયું ત્યારે તેમાં ભાગ લેવા નરહરિભાઈ ને મહાદેવભાઈ બંનેય ગયેલા અને ત્યારે ત્યાં આવેલા અનેક જણ ‘પેલો ‘ઑન કૉમ્પ્રોમાઇઝ'વાળો મહાદેવ હરિભાઈ દેસાઈ’ એમ કહી મહાદેવભાઈ તરફ અંગુલિનિર્દેશ કરતા હતા. ‘ઑન કોમ્પ્રોમાઈઝ'નો અનુવાદ ઘણો કઠિન છે; પરંતુ એ ભગીરથ કામ જે રીતે મહાદેવભાઈએ પાર ઉતાર્યું તેથી પ્રસન્ન થઈ શ્રી કેશવ હર્ષદ ધ્રુવે જે કહેલું તેની નોંધ મહાદેવભાઈ દ્વારા જ આપણને મળે છે : ‘સત્યાગ્રહની મર્યાદા'[વિશે એ કહે, તમે એના]થી ગુજરાતના યુવકોની સેવા કરી છે. ઘણાને, અંગ્રેજી પુસ્તક ન સમજાય એવું છે. અંગ્રેજો ન સમજાવી શકે તે કામ તમે કર્યું છે. તમારું ભાષાનું પ્રભુત્વ તો એટલું છે કે અમને શીખવાનું મળે એમ છે.' (મહાદેવભાઈની ડાયરી-૧૦, પૃ. ૨૬૩) પ્રસ્તુત અનુવાદના સંદર્ભમાં શ્રી યશવંત શુક્લ જે લખે છે તે અત્રે ઉલ્લેખનીય છે : ‘મહાદેવભાઈને ‘ઑન કૉમ્પ્રોમાઇઝ'ના માત્ર ભાષાન્તરકાર તરીકે ઓળખવા એ એમનો અધૂરો પરિચય ગણાશે. વાસ્તવમાં એના ગુજરાતી અવતારના તેઓ સંપાદક છે એમ કહેવું જોઈએ. એમણે ભાષાન્તરના પ્રત્યેક પ્રકરણમાં ઉપશીર્ષક પૂરાં પાડીને કયા વિષયની ચર્ચા ચાલે છે તેની વાચકને જાણ કરી છે. પ્રત્યેક પ્રકરણને અંતે પોતાના વ્યાપક અભ્યાસમાંથી તારવેલાં વિસ્તૃત ટિપ્પણ આપીને ગ્રંથમાં નિર્દેશાયેલી અને જાણવા જેવી એકેએક વિગતની – કોઈ લેખક યા તત્ત્વવિવેચકની, ગ્રંથની, શબ્દની, વિભાવનાની, વ્યક્તિની, વિચારની – વિસ્તૃત માહિતી આપી છે અને જરૂર લાગી છે ત્યાં પાદટીપ રૂપે સમાન્તર વિચાર કે સૂત્ર તેમણે પોતા તરફથી પણ પૂરું પાડેલ છે. અર્થાત્, મહાદેવભાઈના સ્વાધ્યાયનું એક સુફલ આ ભાષાન્તર કે સંપાદન દ્વારા પ્રાપ્ત થયું છે અને મોર્લીનો ખૂબ જ જટિલ અને માર્મિક વિચારરાશિ ગુજરાતી વાચકો માટે હસ્તામલકવત્ બન્યો છે.’ (શુક્રતારક સમા મહાદેવભાઈ, પૃ. પર૧) આ પછી શ્રી યશવંત શુક્લે એ ગ્રંથના અંગ્રેજીના ચાર પરિચ્છેદો લઈ મહાદેવભાઈના અનુવાદકર્મની રસપ્રદ સમીક્ષા કરી છે. મહાદેવભાઈએ ‘ઑન કૉમ્પ્રોમાઇઝ'નો ૧૯૧૫માં આરંભેલો અનુવાદ ૧૯૨૫માં આપ્યો, તે દરમિયાન પોતાના અંતરંગ મિત્ર શ્રી વૈકુંઠલાલ મહેતાની ભલામણથી મુંબઈ કો-ઑપરેટિવ બૅન્કના ક્ષેત્રમાં તેઓ ઇન્સ્પેક્ટર તરીકે નિમાયા. આ નોકરીના નિમિત્તે મહાદેવભાઈને મહારાષ્ટ્રનાં ગામડાંઓ ખૂંદવાનું થયું. એના કારણે તેમને મરાઠી ભાષાનું સારું જ્ઞાન મળ્યું. કાકાસાહેબે જ્યારે એમને ‘તમને મરાઠી આટલું સરસ ક્યાંથી આવડે છે?’ – એમ પૂછ્યું ત્યારે તેમણે કહેલું કે, ‘સહકારી મંડળીઓના ઇન્સ્પેક્ટર તરીકે બળદગાડામાં બેસીને મહારાષ્ટ્રમાં મેં ખૂબ મુસાફરી કરેલી છે. સાથેના મહારાષ્ટ્રીઓનાં ચમચીનાં પાન ખાતાં ખાતાં હું મરાઠી શીખી ગયો છું.' મહાદેવભાઈની આવી ભાષાપ્રીતિએ અનેક મિત્રો એમને મેળવી આપેલા. આ ઇન્સ્પેક્ટરની નોકરી દરમિયાન સહકારી મંડળીઓની તપાસના જે અહેવાલો તેઓ મોકલતા તે પણ ખૂબ માહિતીસભર અને આકર્ષક રીતે આલેખાયેલા જણાતા. આ વિશે શ્રી વૈકુંઠલાલ મહેતા લખે છે : ‘...તેમનાં ઓફિશિયલ નિવેદનોમાં પણ સાહિત્યિક શૈલીની છાપ ઊઠી આવતી હતી અને એમના સુંદર અક્ષર અમારી ઑફિસમાં – સૌનાં મન હરી લેતા. તેમને મુસાફરીમાં ઘણી અગવડો વેઠવી પડતી છતાં તેમના અંગત કાગળોમાં ખેડૂતને માટે ઊંડી લાગણી અને ગ્રામજીવન પ્રત્યે સાહજિક પ્રેમ દેખાઈ આવતો. મહાદેવભાઈ વધારે કવિ હતા કે ફિલસૂફ તે હું કહી શકતો નથી, પણ તેમના કાગળોમાં આવતાં વર્ણનોમાં અત્યાર સુધી સુપ્ત રહેલો કવિ ચોક્કસ દેખાતો હતો. કૉલેજમાં હું તેમને સારા અભ્યાસી અને પુષ્કળ વાચનના રસવાળા તરીકે ઓળખતો પણ આ વખતના મારા પરિચયમાં તેમનામાં સાહિત્યિક કળા પ્રથમ પંક્તિની છે તે હું જોઈ શક્યો. ગુજરાતી તેમ જ અંગ્રેજી બંને ભાષાઓ પર તેમનું સરખું પ્રભુત્વ હતું.’ (મહાદેવભાઈનું પૂર્વચરિત, પૃ. ૬૩–૬૪) મહાદેવભાઈ ગાંધીજી પાસે આવ્યા નવેમ્બર, ૧૯૧૭માં. ત્યાં સુધીમાં તો પોતાની જાતને ગાંધીજીનું ને સાહિત્યનું કાર્ય યોગ્ય રીતે કરી શકાય એ માટે સારી રીતે તૈયાર કરી લીધેલી! ગાંધીજી અને એમની વચ્ચે પ્રથમ મિલને જ તારામૈત્રક સધાયું. ગાંધીજી એમનું ‘ઝવેર' પારખી લે છે અને એમને પોતાની પાસે આવી જવા સૂચવે છે. આ તો ભાવતું હતું ને વૈદે કીધું એવું થયું! મહાદેવભાઈને પણ ગાંધીજીનાં ચરણોમાં બેસી જવાની તીવ્ર ઇચ્છા થયેલી. આમ ગાંધીજીના સહયોગથી મહાદેવભાઈના સાહિત્યયોગમાં અત્યંત મહત્ત્વનો વળાંક આવ્યો જોઈ શકાય છે. ગાંધીજી મહાદેવભાઈના આત્માના ઘડવૈયા બની રહે છે. શરૂઆતમાં જ્યારે મહાદેવભાઈ ગાંધીજીને મળે છે ત્યારે વાતચીત દરમિયાન વારંવાર અંગ્રેજી શબ્દપ્રયોગો કરે છે. ગાંધીજી એ અંગે તુરત ટકોર કરતાં કહે છે : ‘તમારી મા આગળ આવું બધું બોલો તો મા જાણે કે દીકરો બહુ ભણ્યો છે, પણ બિચારી કશું સમજે નહીં.' (મહાદેવભાઈનું પૂર્વચરિત, પૃ. ૭૧) આ ટકોર દ્વારા મહાદેવભાઈ તથા નરહરિભાઈને 'ગુજરાતી ભાષાની ઉપાસના કરવાની દીક્ષા' મળી. ત્યાર બાદ ગાંધીજીએ લખેલી સત્યાગ્રહનું સ્વરૂપ સમજાવનારી એક નાની પત્રિકાના મહાદેવભાઈએ કરેલા અંગ્રેજી અનુવાદની ચકાસણીનો પ્રસંગ આવ્યો. ગાંધીજીએ મહાદેવભાઈની સાથે, એમના અંગ્રેજી અનુવાદની ચકાસણી કરતાં જે કંઈ ચર્ચા કરી તેથી એમના અનુવાદ-કૌશલ્યની પોતાને ખાતરી થઈ. એ પછી તો અવારનવાર ગાંધીજી તરફથી મહાદેવભાઈને અનુવાદની કામગીરી મળતી રહી. ગોખલેનાં વ્યખ્યાનોના અનુવાદનું કામ પણ તેમણે કેટલુંક કરેલું. કાકાસાહેબ અને સ્વામી આનંદ સાથે મહાદેવભાઈ ને પણ અનુવાદકળાના આચાર્ય લેખાતા હતા. મહાદેવભાઈએ ‘ઑન કૉમ્પ્રોમાઇઝ'નો અનુવાદ કર્યા બાદ તેના લેખક પાસે મંજૂરી મેળવવા પત્ર લખ્યો. એ પત્ર ગાંધીજીએ જે રીતે મઠારીને ટૂંકાવી આપ્યો તેથીયે મહાદેવભાઈને પત્રલેખનનાં સંયમ-શિરસ્ત અંગેનો એક ઉપયોગી પાઠ લાધ્યો. શ્રી નારાયણ દેસાઈ યોગ્ય રીતે જ કહે છે કે મહાદેવભાઈને લાઘવની તાલીમ મળી ગાંધીજી પાસેથી. [6] ‘જીવનસંયમના પરમ પુરસ્કર્તા અને સત્ય-અહિંસાના સાવધાન સાધક તો આત્માભિવ્યક્તિ માટે પારદર્શી ને સંયત શૈલી જ સ્વીકારે એ સ્પષ્ટ છે. અલ્પભાષિતા કે આ મિતભાષિતા ન જ ચાલી શકે. મહાદેવભાઈ ગાંધીજીના ચરણે ન બેસી ગયા હોત તો, નાનાભાઈ ભટ્ટ કહે છે તેમ, એ ચૈતન્ય થયા હોત[7] અથવા અન્ય કેટલાક કહે છે તેમ મોટા ગજાના સાહિત્યકાર થયા હોત. જોકે આ ‘હોત'ની ભાષા નિરર્થક છે. મહાદેવભાઈએ વિશ્વના ઉત્તમ ડાયરીસાહિત્યમાં ખુશીથી ઊભી રહી શકે એવી, લગભગ પચીસ [8] ભાગ થાય એવી – અંદાજે દસ હજાર ઉપરાંત શબ્દોની ડાયરી લખીને ડાયરીસાહિત્યના સર્જક તરીકે મોટું ગજું દાખવ્યું જ છે. રામનારાયણ પાઠક તો એમની આ ડાયરીઓને જગતસાહિત્યમાં અનન્ય માને છે – વિષયની મહત્તાની દૃષ્ટિએ, લેખકની સચ્ચાઈની અને લેખકની શક્તિની દૃષ્ટિએ પણ [9] સાહિત્યના ક્ષેત્રે જેમ આત્મકથા કે જીવનકથાને તેમ ડાયરીને સન્માનભર્યું સ્થાન છે જ. કાકાસાહેબ તો ‘वासरीमूलं च साहित्यम्' એવી ઉક્તિ પણ આપે છે. ડાયરીમાં તેના લેખકની ચરિત્રકાર, નિબંધકાર, ભાષ્યકાર – એમ સાહિત્યની અનેક વિધાઓના નિરૂપક તરીકેની શક્તિનાં સાથે લાગાં દર્શન થઈ શકે છે. મહાદેવભાઈની ડાયરીઓમાં પણ એ દર્શન મળે છે. મહાદેવભાઈમાં એક ઉત્તમ પ્રશિષ્ટ સાહિત્યકારની પૂરેપૂરી ક્ષમતા હોવાનાં અનેક પ્રમાણો એમની ડાયરીઓમાંથી મળી રહે છે. તેમની ડાયરીઓમાં વ્યાખ્યાન, વાર્તાલાપ-વાતચીત, પત્રલેખન અને પત્રચર્ચા અથવા ચર્ચા, પ્રશ્નોત્તરી – સવાલજવાબ, મુલાકાત, ચિંતન, મંથન, વર્ણન, સંવાદ જેવાં અનેક રૂપોમાં ગાંધીજી સંબંધી અને ગાંધીજીના સંદર્ભમાં મળેલી અનુભવસામગ્રી – વિચારસામગ્રી – ભાવસામગ્રી રજૂઆત પામે છે. આ સર્વમાં મહાદેવભાઈની પ્રશિષ્ટ રૂચિ સાહિત્યકાર તરીકેની ક્ષમતા – ગતિ અછતી રહેતી નથી. મહાદેવભાઈની સાહિત્યસર્જકતાને અહીં વ્યાપક અર્થમાં લેવી જોઈએ. માત્ર લલિત સાહિત્યના સર્જક એ જ સાહિત્યસર્જક એમ નહીં, પરંતુ જીવનરસને પરિપોષક એવી સર્વ પ્રકારની પથ્ય ને આફ્લાદક વાઙ્મય રચનાઓ આપનાર પણ સાહિત્યસર્જક જ છે. આ સંદર્ભમાં મહાદેવભાઈએ બારમી ગુજરાતી સાહિત્ય પરિષદના પત્રકારત્વ વિભાગના પ્રમુખપદેથી આપેલા ‘વૃત્તવિવેચન અને વૃત્તવિવેચકો' નામના વ્યાખ્યાનમાં રસ્કિનની પુસ્તક વિશેની જે વ્યાખ્યા સાહિત્યના સંદર્ભમાં છે તે સ્મરણીય છે. રસ્કિન કહે છે : ‘હું લખું છું તે સત્ય છે, જનહિતકારી છે, સુંદર છે એવા ભાનથી લખાયેલું તે સાહિત્ય. એ લેખકને એવો ખ્યાલ હોય છે કે બીજા કોઈએ એ વસ્તુ કહી નથી, એને એવી પણ લાગણી હોય છે કે એ વસ્તુ બીજો કોઈ પોતાના જેવી સરસ રીતે કહી શકે એમ નથી. જીવનના પોતાના અનુભવમાં આ જ વસ્તુનું એને સ્પષ્ટ દર્શન થયું છે, જીવનમાં પ્રભુએ એને આપેલી સ્થૂળ અને સૂક્ષ્મ સંપત્તિમાંથી એ અમૂલખ જ્ઞાન અથવા દર્શન એને સાંપડ્યું છે. એને સદાકાળને માટે મૂકી જવાનો, બની શકે તો શિલા ઉપર કોતરી રાખી જવાનો એને અભિલાષ રહે છે, કારણ એ માને છે કે ‘આમાં મારું હીર અને નૂર નિચોવાયાં છે; બાકી તો બીજા જેમ જીવ્યા, ખાધુંપીધું, લઢ્યાવઢ્યા અને પૃથ્વી પરથી અલોપ થયા તેમ હુંયે અલોપ થઈશ; પણ આ જે મને લાધ્યું છે તે મારું અમોલું જ્ઞાન અને દર્શન છે, એ તમારી સ્મૃતિમાં પણ સંઘરવા જેવું છે.' આ એનું લખાણ છે; એની અલ્પ રીતે પણ તેને ઈશ્વરે જેટલે અંશે દર્શન કરાવ્યું તેટલે અંશે એ એનો શિલાલેખ છે, શાસ્ત્ર છે. એ પુસ્તક છે. એ ચિરંજીવ સાહિત્ય છે. (વૃત્તવિવેચન અને વૃત્તવિવેચકો, પૃ. ૩-૪) મહાદેવભાઈના સાહિત્યને ઉપર્યુક્ત માનદંડથી જોવું જોઈએ. મહાદેવભાઈ સાહિત્યને વાગ્વિલાસરૂપે નહીં પણ અંતરવાણીના રોચક વિકાસ રૂપે જુએ છે. તેઓ જવાહરલાલ નેહરુની આત્મકથાની પ્રસ્તાવનામાં ઉત્તમ લેખનનો પ્રાણ ‘પારદર્શક સાચાપણું [10] હોવાનું જણાવે છે. મહાદેવભાઈના અને ગાંધીજીના સાહિત્યમાં આ તત્ત્વ સહેલાઈથી જોઈ શકાય છે. મહાદેવભાઈ મૅથ્યુ આર્નોલ્ડની રીતે સાહિત્યમાં ઉત્કૃષ્ટ જીવનભાવનાપ્રેરિત (ઉદાત્ત ગાંભીર્યના – ‘હાય્... સિરિયસનેસ'ના હિમાયતી જણાય છે. તેઓ સાહિત્યને સાધનાનો વિષય માનતા લાગે છે. તેથી તો તેઓ કહે છે : સુંદર સાહિત્ય ફરી ફરી ઘૂંટવાથી સૌષ્ઠવ પ્રગટ કરે છે. [11] તેઓ ગદ્યની સાધનામાં પણ માને છે. તેઓ કહે છે: ‘ગાય વાછરડાને ચાટીને રૂપાળું બનાવે તેમ ગદ્ય રૂપાળું બનાવવું’ [12] જોઈએ. ગદ્ય કદી પૂર્ણ થતું નથી એમ જણાવી તેમાં સતત સુધારાવધારાને અવકાશ હોય છે એ પણ તેઓ સૂચવે છે. તેઓ તો ‘હસ્તાક્ષર પણ એક રીતે આત્માની કળા છે’ એમ કહી મોતીના દાણા જેવા સુઘડ અક્ષરોનાયે ઉપાસક રહ્યા હતા; અલબત્ત, અત્યંત ખરાબ અક્ષરો વાંચવાની ક્ષમતા પણ એમનામાં હતી જ! મહાદેવભાઈનું ડાયરીસાહિત્ય જ તેમને ગુજરાતી સાહિત્યના એક ઉલ્લેખનીય સાહિત્યકાર સિદ્ધ કરવા પર્યાપ્ત છે. ‘લાઇફ ઍન્ડ ડેથ ઑફ ગાંધી' નામનો ગ્રંથ લખનાર અમેરિકન લેખક રૉબર્ટ યેને કહેલું : ‘ગાંધીએ જીવનચરિત્ર અંગે જે જે લખવાનું બાકી રાખ્યું હતું તો તે બધુય મિસ્ટર દેસાઈએ નોંધી રાખ્યું છે એટલે તેઓ જીવનચરિત્રકારના જબરા સહાયક નીવડ્યા.’ (સ્વ. મહાદેવભાઈ દેસાઈ સ્મૃતિચિત્રો, પૃ. ૩) અમેરિકાના સીઝર શાવેઝે પણ ડાયરીના શરૂઆતના ૫-૬ ખંડો જોઈ ઘણું મળ્યાનો ભાવ વ્યક્ત કરેલો.[13] શ્રી રામ માટે શ્રી તુલસીદાસે કર્યું, શ્રી રામકૃષ્ણ માટે શ્રી મહેન્દ્રનાથ ગુપ્તે કર્યું એવું – કદાચ એથીયે વધારે કામ ગાંધીજી માટે મહાદેવભાઈએ કર્યું છે. રામને જેમ લક્ષ્મણ, જ્હૉન્સનને બોઝવેલ, ગ્યુઇથેને જેમ એકરમૅન મળ્યા તેમ ગાંધીજીને મહાદેવભાઈ મળ્યા. જોકે મહાદેવભાઈનું કાર્ય અત્રે નિર્દિષ્ટ અન્ય કરતાં કેટલીક રીતે વિશિષ્ટ છે. નવલરામે ચરિત્રલેખક માટે ચાર ગુણો અનિવાર્ય ગણાવેલા : શોધ, સત્ય, વિવેક અને વર્ણનશક્તિ.[14] મહાદેવભાઈમાં આ ચારેય ગુણ ઉત્કૃષ્ટ માત્રામાં હતા. ગાંધીજીના ચરિત્ર માટેની સામગ્રીની શોધ – એના એકત્રીકરણનું કાર્ય તેમણે મરતાં સુધી ચલાવ્યું; પણ એ શોધની ભૂમિકાએ તેઓ પહોંચે અને વિલિયમ નબોલાના ચરિત્ર તથા ડચ પ્રજાના ઉત્થાનનો ઇતિહાસ લખનારા મૉટલેના જેવી સિદ્ધિ[15]ને તેઓ વરે તે પૂર્વે જ કાળભગવાને તેમને ઉપાડી લીધા. આમ છતાં પોતાની ડાયરી માટે ગાંધીજી જેવો મહાવિષય પસંદ કરવાથી માંડી, જે સૂઝબૂઝ તથા સચ્ચાઈ ને વિવેકથી, તાટસ્થપૂર્ણ તાદાત્મ્ય ને તાદાત્મ્યપૂર્ણ તાટસ્થ્યથી તેમને લગતી સ્થૂળ-સૂક્ષ્મ વીગતો નોંધી, કેવળ તેમના જ નહીં, તેમના દેશકાળનોયે સઘન-સુરેખ ખ્યાલ મળે એ રીતે અત્યંત મૂલ્યવાન એવો વસ્તુસંભાર અહીં સુલભ કરી આપ્યો તેમાંયે એમની સેવાસિદ્ધિ ને સાહિત્યિક ઉપલબ્ધિ નાનીસૂની નથી. મહાદેવભાઈએ જે જે વીગતો આ ડાયરીમાં નોંધી છે તેમાં એમનો ઉત્કૃષ્ટ જીવનવિવેક તેમ જ કલાવિવેક વ્યાપક રીતે જોવા મળે છે. આ ડાયરીઓમાં ગાંધીજીનો જ નહીં, ગાંધીયુગીન ભારતનો, તેના સ્વાતંત્ર્યસંગ્રામનો એક વસ્તુલક્ષી દસ્તાવેજી ચિતાર મળે છે. ગાંધીજી અને તેમની સાથે સંલગ્ન અનેકાનેક મહાનુભાવોનાં માર્મિક ચિત્રો આમાંથી મળે છે. આ ડાયરીઓમાંથી જવાહરલાલ નેહરુ, સરદાર વલ્લભભાઈ, રાજગોપાલાચાર્ય, કૃપાલાની, કાકાસાહેબ કાલેલકર, દેશબંધુ દાસ, ગોખલે, લોકમાન્ય ટિળક, લાલા લજપતરાય, ડૉ. પ્રફુલ્લચંદ્ર રાય, અબુલ કલામ આઝાદ, ખાન અબદુલ ગફારખાન, જમનાલાલ બજાજ, ઘનશ્યામદાસ બિરલા, મીરાંબહેન, સરોજિની નાયડુ, વેરિયર એલ્વિન, સકલાતવાળા, પ્રાણજીવન મહેતા, ખ્વાજાસાહેબ, વિનોબા જેવી અનેક જાણીતી હસ્તીઓનાં ઉપયોગી ચિત્રાંકનો મળે છે. તે ઉપરાંત બડોદાદા, કસ્તૂરબા, કાકાસાહેબનાં પત્ની લક્ષ્મીબાઈ જેવાંનાંયે રસપ્રદ ભાવચિત્રો અહીં ઝિલાયેલાં છે. મહાદેવભાઈમાં એક અચ્છા રેખાચિત્રકારની શક્તિ છે, જે સોમા ને મારુતિ જેવાનાં ચિત્રાંકનોમાં જોવા મળે છે.[16] મહાદેવભાઈએ ગાંધીજી તેમ જ રવીન્દ્રનાથના, ગાંધીજી તેમ જ રોમાં રોલાં, ગાંધીજી તેમ જ મુસોલિની, ગાંધીજી તેમ જ બર્નાર્ડ શૉ, ગાંધીજી તેમ જ મૅડમ મૉન્ટેસોરી વગેરેનાં જે મુલાકાતચિત્રો આલેખ્યાં છે તે પણ રસપ્રદ છે. ચાર્લી ચૅપ્લિન તથા ડીન ઑફ કૅન્ટરબરીનાં વ્યક્તિચિત્રો પણ સ્મરણીય છે. એમણે આમ તો શાળાનાં બાળકો માટે પણ ગાંધીજીનું ‘સાચો મોહન'[17]. એ મથાળે જે ચરિત્રચિત્ર આપ્યું છે તે શૈક્ષણિક સાહિત્ય સર્જવાની તેમની શક્તિનો સારો ખ્યાલ આપે છે. તેમણે ગુજરાતના વીરો[18] તેમ જ સ્વાતંત્ર્યવીરોનું[19] જે ‘ચિત્રચક્ર' આપ્યું છે તે પણ જોવા જેવું છે. તેમણે ગુજરાતના વીરોમાં કલ્યાણજીભાઈ, દયાળજીભાઈ, મોહનભાઈ, રવિશંકર તથા ગોકળદાસ બાપુનો અને સ્વાતંત્ર્યવીરોમાં મૌ. અબુલ કલામ આઝાદ, ડૉ. અનસારી, મૌ. મહંમદઅલી, દેશબંધુ, જવાહરલાલ નહેરુ, બાબુ રાજેન્દ્રપ્રસાદ, વલ્લભભાઈ તથા વરદાચારીનો સમાવેશ કર્યો છે. ગાંધીજીને મળવા આવતા મુલાકાતીઓનાં, એમની પરિચર્યા કરતી નર્સો વગેરેનાં પણ કેટલાંક રસપ્રદ ચિત્રો આ ડાયરીઓમાંથી સાંપડે છે. આ ચિત્રો મહાદેવભાઈની માનવમનને શબ્દમાં પ્રત્યક્ષ કરવાની તેમની સાહિત્યિક પ્રતિભાનો હૃદ્ય સંકેત આપી રહે છે. મહાદેવભાઈની સંવેદનશીલતા બિલાડીનાં બચ્ચાંની[20] ને અવસાન પામેલી એક પરોપકારી. ગાય[21] ‘પરોપકારમૂર્તિ' જીલની પણ ઘટિત નોંધ લેવાનું ચૂકતી નથી. મહાદેવભાઈએ આ ડાયરીઓમાં પોતાના વ્યાપક અને વૈવિધ્યસભર વાચનની કેટલીક સ્વાદુ પ્રસાદી પણ અત્રતત્ર આપી છે. તેમણે સૅમ્યુઅલ હોરના પુસ્તક ‘ફોર્થ સીલ'ના આધારે એલિઝાબેથનું જે ચિત્ર આલેખ્યું છે તે તેમની સર્જકતાનો પણ રમણીય અંદાજ આપે છે.[22] પ્રસંગોપાત્ત, કૈસરલિંગ, ડ્રમન્ડ વગેરેનીયે રસપ્રદ વાતો તેઓ સાધાર કરે છે. મહાદેવભાઈએ ગાંધીજીના અંગત તેમ જ આશ્રમી પરિવારની જે છબી અહીં રજૂ કરી છે તેનો જેટલો મહિમા કરીએ એટલો ઓછો છે. ગાંધીજીની એમના કસ્તૂરબા સાથેના; હરિલાલ, મણિલાલ, રામદાસ ને દેવદાસ વગેરે સાથેનાં, એમની બહેન સાથેના – આમ જુદા જુદા સ્વજનો સાથેના સંબંધોમાંથી અને મહાદેવભાઈ સાથે તેમ જ અન્ય મુલાકાતી વ્યક્તિઓ સાથેના સંબંધમાંથી, પત્રો – વ્યાખ્યાનો – વાતચીતો વગેરેમાંથી જે છબી ઊપસે છે તે તો અપૂર્વ જ. ગાંધીજીના મહાત્માપણાનાં સગડ આ ડાયરીઓ બરોબર બતાવે છે. ગાંધીજીનું એ રીતે અહીં ત્રિપરિમાણી ચિત્ર ઊપસે છે. એ ચિત્ર ઉપસાવવામાં મહાદેવભાઈ અનેક પ્રકારની સામગ્રીને પૂરી કાબેલિયતથી કામે લગાડે છે. ક્યારેક ગાંધીજીને તેઓ મૅડમ મૉન્ટેસ્સોરીની આંખે આપણને બતાવે છે : ‘ગાંધીજી મને તો માણસ કરતાં આત્મારૂપે જ વધારે દેખાય છે. મેં એમને મારા આત્માથી સમજવાનો પ્રયત્ન કર્યો છે. એમનો વિનય, એમની મીઠાશ એવાં હતાં કે જાણે આખી દુનિયામાં કઠોરતા જેવી કંઈ વસ્તુ જ ન મળે; એમણે સીધાં તીક્ષ્ણ સૂર્યકિરણની પેઠે જાણે કશી મર્યાદા કે કશાં વિઘ્ન ન હોય એ રીતે પોતાને ઉદારતાથી સંપૂર્ણ વ્યક્ત કર્યા. મને લાગ્યું કે આ માનનીય વ્યક્તિ, જે શિક્ષકોને હું તૈયાર કરી રહી છું તેમને ઘણી મદદ કરી શકશે.' (મહાદેવભાઈની ડાયરી-૧૫, પૃ. ૨૭૦) તો ક્યારેક મિસિસ સરોજિની નાયડુની આંખે તેઓ ગાંધીજીને "The most unseeable being – અતિ દુર્લભદર્શન પ્રાણી[23] તરીકે આપણી આગળ રજૂ કરે છે! વળી ક્યારેક તેઓ રોમા રોલાંની નજરે ગાંધીજીનું દર્શન કરાવે છે, આ રીતે : ‘પેગંબરો અને સાધુસંતોની તવારીખમાં પારદર્શક સચ્ચાઈનો અપૂર્વ નમૂનો આ ગાંધી છે...’ (મહાદેવભાઈની ડાયરી-૧૮, પૃ. ૧૭૧) મહાદેવભાઈએ આ ડાયરીઓમાં ગાંધીજીનું જે તેજચિત્ર રજૂ કર્યું છે, તેમાં એમની દૃષ્ટિએ જ્યાં અપૂર્ણતા કે મર્યાદા દેખાઈ છે ત્યાં ત્યાં તેનોયે નિર્દેશ કરવામાં જરાય દિલચોરી કે કલમચોરી કરી નથી.[24] મહાદેવભાઈનાં આંખકાન સતત ગાંધીજીનાં મન-કર્મ-વચન પર મંડાઈ રહેલાં જણાય છે. તેથી આ ડાયરીઓમાં ગાંધીજીના આંતર-બાહ્ય ચરિત્રનું જાણે એક ત્રિપરિમાણાત્મક દૃશ્ય-શ્રાવ્ય વાઙ્મય ચિત્રપટ ઉતારાયું ન હોય એવી લાગણી થાય છે. આ ડાયરીઓમાં, વેરિયર એલ્વિન નિર્દેશે છે તેમ, અનેક માનવરત્નો રજૂ થયાં છે જે મહાદેવભાઈ વિના જગતના ધ્યાન બહાર જ રહેત.[25] નાનાંમોટાં અનેક માનવરત્નોની, ભવભૂતિના ‘ઉત્તરરામચરિત'માં આવે છે તેવી કોઈ એક ચિત્રવીથિકામાંથી પસાર થતા હોઈએ એવો ભાવ આ ડાયરીઓના વાચને થાય છે. આ ડાયરીઓને બહુમૂલ્ય ગાંધીકોશ કોઈ કહે તો તે અનુચિત નહીં લેખાય. ગાંધીજીનાં જીવન-કાર્યની સાથે સંકળાયેલા પ્રત્યક્ષ-પરોક્ષ સંદર્ભોની કેટલી બધી સામગ્રી અહીં રજૂ થઈ છે! ઇંગ્લૅન્ડના રાજાથી માંડીને તે નાના બાળક સુધીનાં કેટકેટલાંની સાથે ગાંધીજીને મળવાનું બન્યું છે! એ મુલાકાતોમાં જીવન અને જગતને લગતા – ભારત અને ભારતીય સંસ્કારસંસ્કૃતિને લગતા કેવા કેવા પ્રશ્નો ચર્ચાયા છે! ડાયરીનાં હજારો પાનાંમાંથી પસાર થતાં આપણી સમક્ષ સેંકડો વિપયોની છણાવટ થયેલી જોવા મળશે. બાળઉછેર ને બાળકેળવણીથી માંડી મૃત્યુ, પુનર્જન્મ સુધીના જાતભાતના મુદ્દાઓની ઓછીવત્તી ચર્ચાઓ અહીં જોવા મળે છે. ભાષાશિક્ષણ, રાષ્ટ્રીયશિક્ષણ, પ્રૌઢશિક્ષણ, કન્યાકેળવણી જેવા વિષયો તો ખરા જ; એ સાથે ગાંધીજીએ પ્રબોધેલાં એકાદશ વ્રતોની અને એમના બાર મુદ્દાના રચનાત્મક કાર્યક્રમ વિશેની અનેક પ્રકારની અનેક દૃષ્ટિબિંદુઓએથી થયેલી ચર્ચા ધ્યાનાર્હ છે. આકાશદર્શનથી ઈશ્વરદર્શન સુધીના – આત્મદર્શનથી વિશ્વદર્શન સુધીના વ્યાપમાં ગાંધીજીની ચર્ચાવિચારણા ચાલે છે અને એ સર્વને અહીં ડાયરીઓમાં સંચિત રૂપે રજૂ કરવાની મહાદેવભાઈની સેવા ભારે મૂલ્યવાન છે. મહાદેવભાઈનું ડાયરીલેખન જ ગાંધીસેવા ને રાષ્ટ્રસેવાનું સર્વોત્તમ ઉદાહરણ લેખી શકાય. મહાદેવભાઈએ ડાયરીઓમાં અનેક પ્રકારની પરિષદો – સભાઓ સમિતિઓ વગેરેના અહેવાલો, ઠરાવો, નોંધો વગેરેનોયે સંચય આપ્યો છે. તેમણે અનેક મહત્ત્વના વાર્તાલાપો – વાતચીતોની ઉત્તમ નોંધો લીધી છે. ગાંધીજીનાં અને અન્યનાં અનેક પત્રો, વ્યાખ્યાનો વગેરે કાં તો સીધાં ઉતાર્યાં છે અથવા એની સાર-નોંધ વગેરે આપ્યાં છે. આમ આ ડાયરીઓ ગાંધીજીના સર્વાંગસંપૂર્ણ ચરિત્ર માટેની જ નહીં, ગાંધીજીના જમાનાની – સ્વાતંત્ર્યના ઇતિહાસની અત્યંત કીમતી સામગ્રી પૂરી પાડનાર ખજાનો બની રહે છે. ગાંધીસાહિત્ય અને ગાંધીજીના અક્ષરદેહ'ના ખંડોમાં આ ડાયરીઓનું પ્રદાન ઘણું મહત્ત્વનું રહ્યું છે. મહાદેવભાઈએ આ ડાયરીલેખન માટે જાણે જાગ્રતપણે ગાંધીયોગ આદર્યો હોય એવું જણાય છે. ડાયરી રાખનારા મહાદેવભાઈ પોતે, પણ ડાયરીમાં દેખાયા કરે છે. એમના બદલે મોહનદાસ મહાત્મા જ! મહાદેવભાઈ ડાયરીમાં સતત હાજર ને છતાં ગેરહાજર! પોતાના હુનું આવું વિગલન બહુ વિરલ દાખલાઓમાં જોવા મળે. મહાદેવભાઈએ ડાયરીલેખન ગાંધીજીને અનુલક્ષીને જ કર્યું. આ ડાયરીઓમાં એમનો સ્થાયી રસ તે ગાંધીરસ જ. મહાદેવભાઈની કલમ ગાંધીજી માટે સદાય તત્પર![26] કાગળ કે એવું લખવા માટેનું પાત્ર ન હોય તો મહાદેવભાઈ હથેળીમાં, ચલણી નોટ ઉપર, અંગૂઠા ઉપર કે નખ ઉપર પણ નોંધ લઈ લે![27] ગાંધીજી બીમારીમાં તંદ્રાવસ્થામાં કંઈક બોલ્યા હોય તો તેય મહાદેવભાઈની કલમે નોંધાઈ જાય! દિલ્હીની મૉડર્ન સ્કૂલની મુલાકાતપોથીમાંનો ગાંધીજીનો અભિપ્રાયાત્મક સંદર્ભ ઉતારી લેવાનુંયે તેઓ ન ચૂકે! કોઈ સારા લઘુલિપિવિદ કરતાંયે મહાદેવભાઈ ગાંધીજીની વાણીની નોંધ લેવામાં વધુ ઝડપી ને વધુ શ્રદ્ધેય. ઘોંઘાટ વચ્ચેય શાંતચિત્તે ઘટતી નોંધ લઈ શકે! તેથી જ તેમની નોંધોનું – અહેવાલોનું મૂલ્ય રાષ્ટ્રીય પત્રકારત્વના ઇતિહાસમાં ઊંચું છે. મહાદેવભાઈએ સ્થિતપ્રજ્ઞ –શા ગાંધીજી કેમ બોલે છે, બેસે છે, હરેફરે છે તેની બારીક નોંધો રાખી પણ પોતાના એકના એક પુત્ર નારાયણ દેસાઈની નોંધ લેવાનું જરૂરી નહીં લેખ્યું! હા, જ્યારે પોતાને ત્યાં પ્રથમ સંતાન – બાળકી મરેલી અવતરી ત્યારે તેમણે પોતાનાં માતૃતુલ્ય ઊર્મિલાદેવી સેનને શેક્સપિયરની ઉક્તિનો ઉપયોગ કરતાં લખેલું Love's Labour Lost?[28] મહાદેવભાઈએ ગાંધીજી વિશેની ડાયરી લખતાં સત્ય ને અહિંસાને હમેશાં સર્વોપરી મહત્ત્વ આપ્યું છે. તેથી જ એમની ડાયરીમાં અત્રતત્ર ભાવાર્દ્રતા ને ભાવુકતા છતાં સત્યનો દ્રોહ જોવા મળતો નથી. એક આદર્શ ડાયરીલેખકમાં હોવા ઘટતા સર્વ ગુણો મહાદેવભાઈમાં જોવા મળે છે. તેમની નિખાલસતા, સચ્ચાઈ, નિર્ભયતા, પ્રામાણિકતા ને ચીવટને કારણે એમનું ડાયરીલેખન સત્ત્વસભર ને શ્રદ્ધેય બન્યું છે. ગાંધીજીનું ભાષણ સામાન્ય હોય તો સામાન્ય કહેતાં તેઓ ખમચાતા નથી. ગાંધીજી પ્રત્યે પારાવાર શ્રદ્ધા છતાં, અગાઉ નિર્દેશ્યું તેમ, તેમનામાં તેઓ સંપૂર્ણતાનું આરોપણ કરતા નથી. તેઓ ગાંધીજીને રજૂ કરવા જતાં સત્યનો ગજ જરાયે ટૂંકો ન થાય એ માટે બરોબર સાવધાન રહ્યા છે. આ ડાયરીઓમાં મહાદેવભાઈએ ગાંધીજીના મનોલોકને સુંદર રીતે રજૂ કર્યો છે. ગોવર્ધનરામના મનોરાજ્ય પછી આ ડાયરી – સ્થિત ગાંધીજીનું સ્વરાજ્યનિષ્ઠ મનોરાજ્ય આપણને અનેકધા પ્રભાવિત કરે છે. અહીં મહાદેવભાઈએ ગાંધીજીને ગાંધીજીના જ શબ્દોમાં રજૂ કરવા ઘણી જહેમત ઉઠાવી છે – ઘણી સતર્કતા દાખવી છે. ગાંધીજીની મનોયાત્રાને ચરણયાત્રાને રજૂ કરતાં મહાદેવભાઈનો કવિજીવ ક્યારેક સમુચિત સંનિવેશ પણ રજૂ કરે છે. ગાંધીજીની પંજાબ, મદ્રાસ, કેરલ – ત્રાવણકોર, બંગાળ, ઉત્તર પ્રદેશ, કચ્છ ને લંકા વગેરેની યાત્રાઓની નોંધ ફરતાં જે તે સ્થળના પ્રાકૃતિક, ઐતિહાસિક, સાંસ્કૃતિક પરિવેશનીયે અછડતી નોંધ લેવાનું તેઓ ચૂકતા નથી. ગયાથી પટનાના રસ્તે ગંગાજી ઊતરી ઉત્તરે ચઢી તેઓ સોનપુર આવે છે ત્યારે મહાદેવભાઈ લખે છે : ‘ગંગાના ઉત્તર કિનારાનો આ પ્રદેશ જોઈને આંખ ઠરી જાય છે. માઈલના માઈલ સુધી, થોડે થોડે અંતરે લીલમ જેવી અમરાઈઓથી – વિભૂષિત, અને તુવેર, ઘઉં, ચણા, વટાણા અને સરસવના ભરચક પાકથી પવનમાં લીલી લહરીથી ઊછળતા સમુદ્ર જેવાં લાગતાં વિશાળ ખેતરોથી ભરેલો આ પ્રદેશ છોડીને જવાનું મન થાય? જે ભાગો રામચંદ્રજીનાં અનેક સ્મરણોથી ભરેલા છે, જે પ્રાચીન અમરાઈઓમાં બુદ્ધ ભગવાને અનેક વાર વિશ્રામ લઈને ઉપદેશ આપ્યો હશે તે અમરાઈઓની વંશજ આ અમરાઈઓ પણ જ્યાં પ્રાચીન કથાનું સ્મરણ આપી રહી છે ત્યાં થાકેલો પ્રવાસી સહેજે થોભીને આરામ અથવા આંખને તૃપ્ત કરે. પણ અમારે તો આંખને દોડતાં દોડતાં તૃપ્ત કરવાની હતી.’ (મહાદેવભાઈની ડાયરી – ૧૦, પૃ. ૯૨) મહાદેવભાઈએ એમની આ ડાયરીમાં જેમ વ્યક્તિચિત્રો, સ્થળચિત્રો તેમ અનેક સંસ્થાચિત્રો ને પ્રસંગચિત્રોયે આપ્યાં છે. તેમના આ આકરગ્રંથમાં સાબરમતી આશ્રમ ને વિદ્યાપીઠ તો ખરાં જ; તદુપરાંત શાંતિનિકેતન, ગુરુકુળ – કાંગડી, રાજગોપાલાચાર્યનો આશ્રમ, સસવણેનો વૈશ્યવિદ્યાશ્રમ, કાશી અને મેરઠના ગાંધી આશ્રમ, ગોવિંદજીનો આશ્રમ આદિ અનેક સંસ્થાઓનાં પરિચયાત્મક ચિત્રણો મળે છે. તેમાં રાષ્ટ્રીય વિદ્યામંદિરો ને ધાર્મિક-આધ્યાત્મિક તેમ જ સામાજિક પ્રવૃત્તિકેન્દ્રો – સેવાકેન્દ્રોના પરિચય પણ મળે છે. ગાંધીજીની દાંડીકૂચ, ગાંધીજીની ગોળમેજી પરિપદ માટેની વિલાયતયાત્રા, તેમની લંકાયાત્રા વગેરેનો સિલસિલાબંધ ચિતાર આ ડાયરીઓનાં પાનાં પર અંકિત છે. એમાં આવશ્યકતા અનુસાર ભૌગોલિક, ઐતિહાસિક–સાંસ્કૃતિક માહિતી પણ આપવામાં આવી છે. કેટલીયે સંસ્થાઓનાં ઉદ્દઘાટનો, કેટલાકના પદવીદાન સમારંભો અથવા અન્ય સમારોહો, ગાંધીજીની રચનાત્મક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા કેટલાક મેળાઓ ને પ્રદર્શનો, કૉંગ્રેસ આદિ સંસ્થાઓનાં અધિવેશનો કે મેળાવડાઓ – આ સર્વનાં ભાતીગળ ચિત્રો અહીં રજૂ થયાં છે. ભારતીય પ્રજાની દારુણ ગરીબી, એની દુષ્કાળ શોષણ આદિના પરિણામે વધતી યાતનાઓ, એનું અજ્ઞાન-ભોળપણ વગેરે અને એ સાથે એનું શાણપણ અને સંસ્કારીપણું – આ સર્વનું અહીં વાસ્તવિક આલેખન જોવા મળે છે. અહીં ગાંધીજીના મહાત્માપણાનો આપણને વારંવાર સાક્ષાત્કાર થાય છે. મહાદેવભાઈ પણ વળી વળીને ગાંધીજીની વાત કરતાં નથી થાકતા – નથી કંટાળતા. તેમણે તો એક ઠેકાણે લખ્યું છે : ‘જો કોઈ વાર અમુક વસ્તુ દર્શાવવાની ખાતર સૂર્ય અને દીપકની તુલના કરવી ક્ષમ્ય ગણાય તો હું કહું કે તુલસીદાસને ‘રામચરિતમાનસ' લખતાં કંટાળો આવ્યો હોય, અથવા શંકા થઈ હોય કે કોઈ વાંચશે કે નહીં તો મને બાપુ વિશે કંઈ પણ લખતાં કંટાળો આવે અથવા વાંચશે કે નહીં એવી શંકા થાય.’ (મહાદેવભાઈની ડાયરી–૬, પૃ. પર) મહાદેવભાઈ તો બાપુની વાતો કહેતાં-લખતાં ભારે તાજગી– સ્ફૂર્તિ અનુભવતા હતા. તેમની મન:સ્થિતિ જ એવી હતી કે તેમનાથી ગાંધીજીના ગુણાનુવાદ કર્યા વિના રહી શકાય જ નહીં. તેમને પોતાના આ પ્રકારના વલણ માટે ક્યારેક ખુલાસાયે આપવા પડે છે. એક વાર તેમણે આ સંદર્ભ સરદારશ્રીને લખેલું: ‘માણસો બાપુ વિશે બધું જાણવાને આતુર હોય છે – તો હું તે વિશે ન લખું તો શું લખું? ઝઘડાઓ વિશે લખું? શાસ્ત્રચર્ચા કરું? અને હું કોની સ્તુતિ કરું છું? હું તો પ્રેમની સત્તા વર્ણવું છું. તમને મારા લખાણમાં કંઈ માઠું લાગતું હોય તો જણાવજો.’ (સરદારશ્રીના પત્રો-૪, ભાગ : ૧, ૧૯૭૭, પૃ. ૫) મહાદેવભાઈની કલમે ગાંધીજીના અક્ષરદેહને વિશ્વપ્રત્યક્ષ કરવામાં બહુ મોટો ભાગ ભજવ્યો છે. વેરિયર એલ્વિન યોગ્ય રીતે જ લખે છે : ‘મહાદેવને ગાંધીરૂપી સૉક્રેટિસના પ્લેટો કહેવા વધુ ઉચિત થઈ પડશે... મહાદેવનું કામ કરોડોને ગાંધી પ્રત્યક્ષ કરી આપવાનું હતું...’ (શુક્રતારક સમા મહાદેવભાઈ, પૃ. ૭ર) મહાદેવભાઈ અને ગાંધીજી બંને ઊંડા અર્થમાં કેવા સ્વ-અધ્યાયરત હતા તેની સાક્ષી આ ડાયરીઓ આપે છે. મહાદેવભાઈ અને ગાંધીજી પરસ્પરનાં લખાણો વિશે – એમાં પ્રયોજાતા શબ્દો વિશે જાતજાતની ચર્ચાઓ કરે છે. ‘સેઇન્ટલીનેસ' ને ‘ઑસ્ટેરિટી'નું ગુજરાતી શું? ‘Creed'નો અર્થ ‘વિચારમાન્યતા’ બરોબર છે? ‘કોયલ'નું અંગ્રેજી શું? તુલસીદાસના દુહામાં ‘પાપમૂલ’ અને ‘દેહમૂલ' – એ બે પાઠમાં કયો યોગ્ય? ‘ડીંડવાણું' ને ‘વેવલાં'નો અર્થભેદ કયો, ‘નેસેસિટી ઇઝ ધ મધર ઑફ ઇન્વેશન'નું ગુજરાતી શું? – આવા આવા તો અનેક પ્રશ્નો ડાયરીઓમાં ચર્ચાતા આવે છે. ક્યારેક ‘સંઘર્યો સાપ પણ કામનો' જેવી કહેવતની ચર્ચા થાય છે[29] તો ક્યારેક ગીતાના શ્લોકાર્થની.[30] ક્યારેક મહાદેવભાઈ ગાંધીજી સાથે ચર્ચા કરી એમના ‘આ જમાનામાં રાજદ્વારી સંન્યાસી જ સંન્યાસને દીપાવી શકવાના છે, બીજા, ભગવું લજવનારા જ હશે – એ વાક્યમાં ‘બીજા' શબ્દ પછી ‘પ્રાયઃ' શબ્દ ઉમેરાવે છે.[31] મહાદેવભાઈએ મીઠાના સત્યાગ્રહ વખતે ‘નિમકહલાલ' શબ્દનો જે રીતે વિનિયોગ કર્યો તે પણ પ્રશસ્ય છે.[32] ‘Argument in circle' માટે ‘ફૂદડીવાદ' પર્યાય પણ એમનો જ.[33] ગાંધીજી અને મહાદેવભાઈ વચ્ચે સાહિત્યકારો ને સાહિત્ય વિશેય જે જાતભાતની ચર્ચા ચાલે છે તેનુંયે આ ડાયરીઓમાં નિરૂપણ થયેલું મળ છે. એમાં ગોવર્ધનરામ, રવીન્દ્રનાથ, આનંદશંકર, અપ્ટન સિંકલેર વગરેની; ‘સરસ્વતીચંદ્ર', 'રાઈનો પર્વત,’ ‘કાન્તા' નાટક, ‘હિન્દુ ધર્મની બાલપોથી,’ ‘સાકેત' વગેરે કૃતિઓની, ‘ક્લિષ્ટતા’ જેવા સાહિત્યિક મુદ્દાની રસપ્રદ ચર્ચાઓ મળે છે. અને મહાનુભાવો–મનીષીઓનાં વ્યકિતત્વ અને તેમની વિચારણા વિશેય મહાવંદભાઈ ને ગાંધીજી વચ્ચે વિચારોની જે આપ-લે થાય છે તેની નોંધ પણ મળે છે. આ બધાંનું વિવેકપુર:સરનું બયાન આ ડાયરીની મૂલ્યવત્તા ને રસવત્તા વધારે છે. ગાંધીજીએ મહાદેવભાઈને પોતાનું મગજ કહેલા. એમની વાણીને ગાંધીવાણીથી પૃથક્ કરવાનું હમેશાં આસાન નથી. આમ છતાં મહાદેવભાઇમાં ગાંધીજીની તુલનામાં સાહિત્યના રસરંગનો પાસ વધારે લાગે તો નવાઈ નથી. મહાદેવભાઈની કલમમાંથી અવારનવાર આસ્વાદ્ય ગદ્યપ્રસાદી આપણને મળતી હોય છે. એના થોડાક નમૂનાઓ આપણે જોઈએ : ‘જતન કરતાં આવડે તો' એ શબ્દમાં બાપુનું આખું જીવન આવી જાય છે એમ કહી શકાય. ‘દાસ કબીર જતન કર ઓઢી, જ્યોંકી ત્યોં ધર દીની ચદરિયાં' એ શબ્દ બાપુને જોઈને ઘણી વાર યાદ આવે છે. ત્રીસ-પાંત્રીસ વર્ષ થયાં શરીરની અને મનની શુદ્ધિનું જાગ્રત જતન એમણે જેવું કર્યું છે તેવું કોણે કર્યું હશે?' (મહાદેવભાઈની ડાયરી-૧, પૃ. ૭૫) ‘કોચીન છોડીને વાઇકોમ ચાલ્યા. કોચીન જતાં અને પછી કોચીન છોડીને ત્રાવણકોરની હદમાં અર્ધી મુસાફરી તો હોડીમાં. પૃથ્વી ઉપરના એક સુંદરમાં સુંદર કટકાનું સૌંદર્ય વર્ણવવા બેસું તો કોઈ અધીરા વાચકને હું મુસાફરીનું બયાન લંબાવતો લાગું. પણ એણે પણ ખામોશ(શી?) ખાવાની જરૂર છે. જળ અને સ્થળની અપૂર્વ વ્યવસ્થા રચીને વિધાતાએ એવા તો ચિત્તહારી સાથિયા પૂર્યા છે કે કાશ્મીર જોવાને જે અર્થે માણસ જાય તે જ અર્થ મલબાર પણ એણે જવું જોઈએ. અહીં દૂર રહીને મલકાયા કરવાને બદલે સમુદ્રને જમીન સાથે ગેલ કરવાનું અને ગમ્મત કરવાનું મન થયું છે. એ જળસ્થળની ક્રીડાએ અહીંની વનસ્પતિ ઉપર પણ અસર કરી છે અને મનુષ્યો ઉપર પણ, મનુષ્યની દરેક પ્રવૃત્તિમાં લીલા અને કળા છે, પોતાની આસપાસ ઊગતાં નાળિયેરી તથા તાડનાં વનમાંથી એણે પોતાની આસપાસની લીલાને અનુરૂપ અનેક કળાઓ કરી છે. પોતાનું ઘર શણગારવા અને પોતાનું રાચરચીલું રચવા માણસ પ્રકૃતિદેવીએ આપેલા સાધનથી બહાર ગયો જ નથી.’ (મહાદેવભાઈની ડાયરી-૭, પૃ. ૨૧૪-૨૧૫) ‘પણ મને લાગે છે કે પંડિતને પ્રેમમાં મારી Psychology – મનોદશા – નહોતા સમજ્યા, કે ન સમજ્યો હતો મશ્કરો પ્રોફેસર, જેણે કહ્યું કે, ‘તને તો બાપુ વારસ કરવા ધારે છે; તે આમ ભજન અને કાવ્યમાં તણાશે તો બાપુને તો વારસના નામની પોક મૂકવી પડશે!' આ મશ્કરી ભરેલી ટીકામાં થોડો તથ્યાંશ રહેલો છે. મને આ દિવસોમાં અધ્યાત્મનાં જ કેમ સ્વપ્નાં આવે અને સ્વદેશી – સ્વરાજનાં કેમ ન આવે? અને એવું એકેય નથી આવ્યું. મારા એક જ લખાણમાં – માંદગીના લખાણમાં – હિંદુસ્તાનનો અને આપનો ઉલ્લેખ છે! પણ તેને હું શું કરું? મારાથી કૃત્રિમ સ્વપ્નાંનાં લવાય ખરાં? એ તો કોઈ નઠારો માણસ સ્વપ્નામાં વિષય વિશે બકતો હોય તેનો બકવાદ દૂર કરવાનું તેને કહેવા જેવું છે. માત્ર તફાવત એ છે કે નઠારો માણસ બહાર એમ કહાવે છે કે પોતે સારો છે; જ્યારે મેં મારા વિશે કંઈ કહાવ્યું જ નથી. ૯મી એપ્રિલ ૧૯૧૯ના ધન્ય દિને આપ પકડાયા તેની થોડી ઘડી પહેલાં (કેવળ ખાનગી ઉદ્ગારોમાં) આપે મને વારસનો ઇલકાબ આપ્યો અને તે ઉદ્ગારો બિલકુલ Sacred હોવા છતાં તે વાતનો દુરુપયોગ કરી ગિદવાનીએ મને જગતની બત્રીસીએ ચઢાવ્યો તે દુઃખ હજી મારી છાતીમાંથી નીકળ્યું નથી. મેં એ પદનો અધિકારી મને ગણ્યો જ નથી.’ (મહાદેવભાઈની ડાયરી-૧૬, પૃ. ૨૪-૨૫)
‘પણ નાનકે તો પ્રભાતનો મહિમા વધારે કવિત્વથી ગાયો છે. એ હું વાંચતો હતો ત્યારે આપ મને હરેક ઘડી યાદ આવતા હતા. આ રહ્યું તે પદ :જીત બોલે અમૃત બરસે, જીયાં હોવે દાતિ
તિન બેલે તું ઉઠિ બહુ ચિર પહેરે પિછલી રાતિ.
ઇસ દમ મૈનું કીબે ભરોસા
આયા આયા ન આયા આયા
યા સંસાર રૈન દાસપના
કહીં દીખા કહીં નહીં દિખાયા
સોચ-વિચાર કર મત મનમેં
જિસને ટૂંકા ઉસને પાયા
નાનક ભક્તન કે પદ પરએ
નિસ દિન રામચરન ચિમલાયા
કેવું અદ્ભુત છે! આ માંદગીમાં ત્રણ-સાડા ત્રણ પછી તો પથારીમાં રહ્યો જ નથી. ત્રણ રાતો તો તારાઓમાંથી દિવ્ય સંગીતનો પ્રવાહ મેં પીધો છે. જોયું છે કે પ્રભાતમાં આકાશની સામે ટગરટગર એક કલાક કેવળ નિહાળ્યા કર્યાથી પણ તનનું અને મનનું તેજ વધે છે.’ (મહાદેવભાઈની ડાયરી-૧૬, પૃ. ૩૫) ‘રોજ સવારે રામાયણ વાંચવામાં બહુ આનંદ આવે છે. એના વાંચન માટે જ્યારે વહેલી પરોઢનો શાંત સમય પસંદ કરવામાં આવે છે ત્યારે વાચક તુલસીના સ્વચ્છ સલિલમાં જાણે ઓગળી જાય છે.’ (મહાદેવભાઈની ડાયરી–૧૬, પૃ. ૧૩૯) ‘વાણી કેળવેલી કેળવાય છે, ભાષણ કરવાની શક્તિ પણ માણસ કેળવી શકે છે, પરભાષામાં પણ ભાષાના ચમત્કારથી સામાને આંજી શકાય એવી શક્તિ મેળવી શકાય છે, પણ એ વાણી પ્રાણ નથી આપી શકતી. રણમાં જીતનાર શૂરની અનાયાસે નીકળતી, ભાંગીતૂટી વ્યાકરણશુદ્ધ ન હોય એવી, પણ જ્વાળામુખીના રસ જેવી ધગધગતી વાણી સામાને ધગાવી મૂકે છે. જેણે વાણીને કેળવી છે તેના મન પર ઉપર શિષ્ટતાને સાચવી રાખવાનો બોજો ઇચ્છા-અનિચ્છાએ રહે છે જ; એટલે તેનો આત્મા તે ઠાલવી શકતો નથી. કર્મવીરને જ્યારે સંદેશો આપવાની ફરજ પડે છે ત્યારે વાણી બધાં દ્વાર, બધાં ભૂષણો અને નિયંત્રણો તોડી-વછોડીને નીકળી પડે છે, અને સાંભળનારનાં હૃદયમાં સોંસરી પેસી જાય છે. આ વસ્તુ મેં શ્રી વલ્લભભાઈના પ્રવાસમાં પ્રત્યક્ષ જોઈ.’ (મહાદેવભાઈની ડાયરી-૧૩, પૃ. ૧૭) ‘આટલી શરમ છોડીને જનરલ સ્મટ્સે અગાઉ વચનો કાઢેલાં જાણ્યામાં નથી, પણ આપણી નાલાયકી અને આપણી નાતાકાત જોશે તો સૌ તમાચા મારશે. ચાંદું હશે તો કાગડો ચાંચ મારશે ને ગમે તેટલું માથું હલાવો પણ પૂછડું હલાવવાની સત્તા નહીં હોય તો તે હરગિજ ચાંદા ઉપરથી નહીં ઊઠે.’ (મહાદેવભાઈની ડાયરી-૧૮, પૃ. ૩૦) આમ મહાદેવભાઈનું કવિચિત્ત વળીવળીને શબ્દનો આસ્વાદ લેતું એનાં કળારૂપોમાં રસ લેવાનું – રમવાનું પસંદ કરે છે. પ્રસ્તુત ડાયરીઓમાં મહાદેવભાઈએ કેટકેટલા મનીષીઓના – સાહિત્યકારો, ચિંતકો વગેરેનાં સાહિત્યમાંથી ઉતારા લીધા છે તે પણ જોવા જેવું છે. ગ્યૂઇથે, વર્ડ્ઝવર્થ, ગ્રે, ટૉલ્સ્ટૉય, સેમ્યુઅલ હૉર, હેનરી જ્યૉર્જ, આનાતોલ ફ્રાન્સ, કૈસરલિંગ, ટૉમરા એ કેમ્પિસ, રિચાર્ડ ગ્રેગ વગેરે પશ્ચિમના સાહિત્યકારો અને મનીષીઓનાં તો અહીંના સંતો-ભજનિકો ને ઋષિપ્રવરોનાં વચનો ઉતારવામાં, એના રસમર્મમાં ઊંડા ઊતરવામાં એમને આલાદ આવે છે. તેઓ વિનોબા ને વલ્લભભાઈની, રાજગોપાલાચાર્ય ને રાજેન્દ્રપ્રસાદની, જવાહરલાલ ને દાસબાબુની વાણીમાંથીયે અવતરણો આપે છે; વલ્લભભાઈ જેવાનાં તો અનેક વ્યાખ્યાનોની સીધી કે સારરૂપ નોંધોયે આપે છે. તેઓ મિ. હેવલ, મિ. કોલબ્રૂક જેવાના ખાદીના વિચારો પણ ટાંકે છે. પ્રસંગોપાત્ત, બાઇબલાદિની કથાઓ પણ ઉદાહરણમાં આપે છે.[34] તેઓ પોતાના પિતાના અવસાન બાદ ગરુડપુરાણનો બ્રાહ્મણો દ્વારા નિષિદ્ધ ભાગ વાંચી એમાં કેવા મૂલ્યવાન વિચારો છે તે અવતરણો ટાંકીને બતાવે છે.[35] તેઓ ગાંધીજી વિશે ચંદ્રશંકર પંડ્યાએ ગીત રચ્યું હોય અથવા તે વૈષ્ણવજનનું ઉર્દૂ ભાષાંતર થયું હોય તો તે નોંધવાની તક જતી કરતા નથી. વળી તુકારામ, રવીન્દ્રનાથ, ઇકબાલ વગેરેની કાવ્યવાણીનેય અનુવાદ સાથે આપવાનું પ્રશસ્ય કાર્ય તેઓ કરે છે. મીરાંબહેન જેવાના સુંદર પત્રોના ઉતારા આપવામાં પણ મહાદેવભાઈ ઊંડો રસ દાખવે છે.[36] મહાદેવભાઈ આ ડાયરીઓમાં કાકાસાહેબ, નરહરિભાઈ, સ્વામી આનંદ, જુગતરામભાઈ વગેરે સાથેની પોતાની સાહિત્યગોષ્ઠિઓનીયે અત્રતત્ર કેટલીક નોંધ આપતા રહે છે. વળી પોતાના વાચનમાં આવતાં પુસ્તકોના સાર, તેનું પ્રસંગોપાત, મૂલ્યાંકન પણ આપતા રહે છે. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય દ્વારા પ્રકાશિત એક પુસ્તકની સમીક્ષા કરતાં તેઓ સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય ‘સસ્તું' ઉપર ભાર મૂકવાને બદલે સાહિત્ય પર ભાર મૂકે એવું સૂચન પણ કરે છે.[37] ‘છેલ્લો કટોરો' જેવાનું રસદર્શન – મર્મદર્શન મહાદેવભાઈની ઉત્કૃષ્ટ ભાવનક્ષમતાનો પરિચય આપી રહે છે.[38] તેઓ ‘કરુણા-કણા' જેવામાં સત્સંગની પ્રસાદી પણ ઉદારતાથી આપે છે.[39] આ ડાયરીઓમાં ગાંધીજીનાં ભવ્ય તેમ રમ્ય ભાવચિત્રણો જોવા મળે છે. અહીં પુણ્યપ્રકોપ અને પ્રસન્ન પ્રેમ ને વિનોદ એકસાથે જોવા મળે છે. મહાદેવભાઈની ડાયરીના પહેલા ભાગમાં જે વિનોદ છે ને તેમાંયે ખાસ કરીને વલ્લભભાઈની વાણીના કારણે જે વિનોદ છે તે સાચે જ આસ્વાદ્ય છે. ક્યારેક તો ગાંધીજી પોતેય વિનોદનું અનોખું રૂપ દાખવતા હોય એવું જોવા મળે છે. ગાંધીજીએ દેવદાસને જે પત્ર લખ્યો છે તેમાં છેલ્લે લિખિતંગમાં ‘કવિવર રસિક બાપુના આશીર્વાદ' એવા શબ્દો પ્રયોજ્યા છે તો હરિલાલને પત્રમાં ‘શુભોપમાલાયક સત્યાગ્રહીઓની પેઢી' એવું સંબોધન વિનોદમાં કર્યું છે.[40] તેઓ જીવનના રસને, કલાસૌંદર્યના આનંદનેય ઉત્તમ રીતે પ્રીછે છે અને આ ડાયરીઓ એની પણ સચોટ રીતે ગવાહી આપે છે. મહાદેવભાઈએ આ ડાયરીમાં ચિંતન, મંથન, વર્ણન, કથન એમ ગદ્યનાં હળવાં, ગંભીર, કટાક્ષમય ને કાવ્યમય એવાં એવાં અનેક છટામય રૂપો દાખવ્યાં છે. તેઓ એ રીતે અહીં સારા ગદ્યકારનું તેજ પણ દાખવે છે. મહાદેવભાઈની સર્વ ડાયરીઓ જીવન પ્રત્યે અને તેના સર્જનહાર પરમાત્મા પ્રત્યે આપણામાં આસ્તિકતા પ્રેરે છે. આ ડાયરીઓમાં અનેક વાર એકની એક વાત શબ્દાન્તરે વળી વળીને રજૂ થયેલી જોવા મળે છે; પરંતુ તેમાંયે, શ્રી યશવંત શુક્લ કહે છે તેમ,[41] નવી નવી સૂક્ષ્મ અર્થચ્છાયાઓથી એમનું વક્તવ્ય પુષ્ટ થતું – સમૃદ્ધ થતું જોઈ શકાય છે. આવાં પુનરાવર્તનો તથ્યની સાથે સીધી નિસબત ધરાવતાં હોઈ ડાયરીમાંથી ટાળવાં પણ ઠીક ન લાગે. આ ડાયરીઓ મહાદેવભાઈએ પોતે અમર થવા કે ગાંધીજીને અમર કરવા લખી નથી. એમનો આશય તો જે શીલસત્વ અલ્પાત્માને મહાત્મા બનાવે છે, પંગુને જે ગિરિ ઉલ્લંઘતો અને દીનહીનને જે સ્વમાન અને ગૌરવના શિખરે પ્રતિષ્ઠિત કરી દે છે તેનો યથાતથ સાક્ષાત્કાર કરાવવાનો છે. મહાદેવભાઈ તેથી જ ગાંધીજીનાં મન-વચન-કર્મની શક્ય તેટલી બધી નોંધ પોતા થકી લેવાય એવા સાત્ત્વિક લોભથી અહીં પ્રવૃત્ત રહે છે. અનાસક્તિયોગના દ્રષ્ટા ને ઉપાસક ગાંધીજી તો આ સંદર્ભેય કેવો પ્રતિભાવ આપે છે તે જોવા જેવું છે : ‘તમે જે દૃષ્ટિએ મારી સાથે રહેવાનું ઇચ્છી રહ્યા છો એ નિર્મળ છે; પણ ભૂલભરેલી છે. તમે તો કેવળ પશ્ચિમનું અનુકરણ ઇચ્છ્યું. જે મારા કામની નોંધ રહી જાય એટલા ઇરાદાથી હું કોઈને સાથે રાખ્યા જ કરું તો હું પોતે કૃત્રિમ બની જાઉં. સહેજે કોઈ રહે ને અદૃશ્ય રીતે નોંધ લે એ એક વાત ને ઇરાદાપૂર્વક બધી નોંધ રાખે એ બીજી. રામની નોંધ કોણે લીધી? ન લેવાઈ એથી કાંઈ હાનિ ન થઈ. જૉનસનની ખૂબ લેવાઈ તેથી કંઈ જગતને અનન્ય લાભ થયો હોય એમ હું નથી જતો. કેવળ સાહિત્યની દૃષ્ટિએ આપણે આ વસ્તુને જોતા જ નથી, પણ તમને હું હંમેશાને સારુ મારી સાથે ઇચ્છું ખરો. તમારી ગ્રહણશક્તિ ને તૈયારી સરસ છે. તેથી તમે મારી બધી વસ્તુ જાણી લો એમ ઇચ્છું છું. મારામાં વિચારો ઘણા ભર્યા છે. પણ તે પ્રસંગોપાત્ત જ નીકળે છે. કેટલીક સૂક્ષ્મતા કોઈ જોઈ નથી શકતું. વસંતરામ શાસ્ત્રીના કાગળ ઉપરની મારી નિર્મળ ટીકા ન કાકા સમજ્યા, ન સ્વામી સમજ્યા. તમે તેઓના કરતાં કંઈક વિશેષ સમજ્યા. એ ટીકામાં મારી મૃદુતા રહેલી તે ન જોવાઈ તેથી તમારા જેવું માણસ હમેશાં મારી સાથે હોય તો છેવટે મારું કામ ઉપાડી શકે એવો લોભ રહી જાય છે. તમને હજુ ખાસ એક જ કામમાં રોકી લેવાની ઇચ્છા નથી થતી, પણ તમારી પાસે અનુભવો લેવડાવવા. વળી તમે જેઓને હું ઓળખું તે બધાના પ્રસંગમાં આવી જાઓ તો ભવિષ્યની પ્રવૃત્તિઓ સહેલાઈથી ચાલે.’ (ગાંધીજીનો અક્ષરદેહ-૨૦, પૃ. ૪૬૯-૪૭૦) આ ડાયરીઓ ગાંધીજીના અગ્નિકુંડમાં તવાતાં તવાતાં, ખીલતાં ખીલતાં મહાદેવભાઈને જે આહ્લાદક મધુમયતાની સંપ્રાપ્તિ થઈ છે તેનો હૃદયંગમ ચિતાર આપે છે. ગાંધીજીની કઠોર દેખાતી સત્યમય જીવનસાધનામાં અહિંસાના કેવા મુલાયમ મધુસ્રોતો રહેલા છે તેનું પાવન દર્શન કરાવે છે. ગાંધીજીને જોવા-જાણવા-સમજવા માટે અને એમની આંતરશક્તિઓનો રચનાત્મક લાભ લેવા માટે હવે પછીની પેઢીઓને ગાંધીજીની મહાદેવભાઈએ રાખેલી આ ડાયરીઓ જ સૌથી વધારે ઉપયોગી સાધન-સંદર્ભ જણાય તો નવાઈ નથી. અલબત્ત, હવે તો આ માટે ગાંધીજીના અક્ષરદેહનાં વૉલ્યુમો પણ છે પરંતુ તે બધાં તો કેટલીક રીતે આ ડાયરીઓનાં જ પરમ ઋણી હોવાની વાત આપણે આ પૂર્વે કરી જ છે. મહાદેવભાઈ જેમ ઉત્તમ ડાયરીલેખક તેમ સારા ચરિત્રકાર પણ છે. તેમણે ડાયરીઓમાં તો અત્રતત્ર તેમની ચરિત્રાલેખનની શક્તિના અનેક પરચા આપ્યા જ છે. તદુપરાંત સ્વતંત્ર રીતે પણ કેટલાંક ચરિત્રો આપીને એમની એ શક્તિનો આપણને સાક્ષાત્કાર કરાવ્યો છે. મહાદેવભાઈએ ‘અંત્યજ સાધુ નંદ'નું લઘુચરિત્ર ૧૯૨૫માં આપ્યું. એ પછી ૧૯૨૮માં ‘વીર વલ્લભભાઈ’નું સુંદર ચરિત્ર એમણે આપ્યું. ત્યાર બાદ ૧૯૩૪માં ‘સંત ફ્રાન્સિસ' અને ૧૯૩૬માં ‘બે ખુદાઈ ખિદમતગાર' – એ ચરિત્રગ્રંથો આપ્યા. ૧૯૪૬માં એમનું મૌલાના અબુલ કલામ આઝાદનું ચરિત્ર અંગ્રેજીમાં પ્રગટ થયું, જેનો ગુજરાતી અનુવાદ શ્રી ચંદ્રશંકર શુક્લે આપ્યો. આ સર્વ ચરિત્રોમાં મહાદેવભાઈની દૃષ્ટિ જે તે ચરિત્રનાયકની દૈવી સંપત્તિનો પરિચય કરાવવા તરફ સવિશેષ વળેલી દેખાય છે. સત્યની ઉપાસના કરતાં કેવું કેવું વેઠવું પડે છે ને તેથી જ કેવો તો સત્ત્વોદય થાય છે તેનું દર્શન ‘અંત્યજ સાધુ નંદ'ની ચરિત્રકથા કરાવે છે. એ કથાની સરળ, સ્વચ્છ ને છતાં સાહિત્યસંસ્કારે દીપતી શૈલીનો ખાસ નિર્દેશ કરવો જોઈએ. તેમના ચરિત્રગ્રંથોમાં ‘વીર વલ્લભભાઈ' કેટલીક રીતે સર્વોત્તમ છે. વલ્લભભાઈ કઈ રીતે વીર સરદાર તરીકે બહાર આવ્યા તે મહાદેવભાઈ તેમના શીલસત્ત્વના આધારે બરોબર બતાવે છે. વલ્લભભાઈ એમની કાર્યશૈલી તેમ જ વાકશૈલીમાં પણ ખૂબ અસરકારક હતા અને તેના મૂળમાં જે વસ્તુઓ પડી છે તે ચરિત્રકારે સરસ રીતે ઉપસાવી આપી છે. ગાંધીજી તેમ જ વલ્લભભાઈની તુલના કરી બંને વચ્ચેના સામ્યભેદનુંયે આકર્ષક નિરૂપણ કર્યું છે. નગીનદાસ પારેખે ‘ગુર્જર સાહિત્ય સરિતા' શ્રેણીમાં ‘મહાદેવભાઈ દેસાઈ’ – એ નામે જે પુસ્તિકા આપી છે તેમાં આ ચરિત્રગ્રંથમાંથી ‘વલ્લભભાઈની વાણી' – એ મથાળે ગદ્યપ્રસાદી આપી છે. મહાદેવભાઈએ વલ્લભભાઈની વાણીના બળનું રહસ્ય એકાધિક વાર બતાવ્યું છે. (જેમ કે, મહાદેવભાઈની ડાયરી-૧૩, પૃ. ૧૭) તેમણે ‘બારડોલીના સત્યાગ્રહનો ઇતિહાસ'માં પણ તે અંગે વાત કરતાં લખ્યું છે : ‘સરદારનાં દૃષ્ટાંતો અને ઉપમાઓ ખેડૂતના અનાજની જેમ ધરતીમાંથી પાકેલાં હતાં, એટલે જ તો ખેડૂતોનાં હૈયાંમાં સોંસરાં પેસી જતાં.’ (પૃ. ૧૪૮) ‘સંત ફ્રાન્સિસ'માં પણ સ્વૈચ્છિક ગરીબાઈ, સાદગી ને ત્યાગ, સેવા ને કરુણાનો ઈસુ ખ્રિસ્તનો સંદેશો જે રીતે સંત ફ્રાન્સિસના જીવનમાં મૂર્તિમંત થાય છે તેનું પ્રેરક ચિત્રણ છે. ‘બે ખુદાઈ ખિદમતગાર'માં ખાનસાહેબ અબદુલ ગફકારખાન તથા ડૉ. ખાનસાહબના ઘડતર-વિકાસની, તેમના સત્યાગ્રહી તેજના રહસ્ય અને સામર્થ્યની આકર્ષક કથા છે. પઠાણ કોમનું ઉમદાપણું એમાં સરસ રીતે ચીતરાયું છે. ‘મૌલાના અબુલ કલામ આઝાદ'માં મૌલાના અબુલ કલામની શાલીનતા ને વિદ્વત્તા તથા સાંપ્રદાયિક ને કોમવાદી સંકુચિતતાથી ઉપર ઊઠી સ્વદેશસેવામાં પોતાને સમર્પિત કરી દેવાની એમની ભાવનામયતાનો સમુદાર ચિતાર મળે છે. મહાદેવભાઈએ સ્વરાજની લડત નિમિત્તે ‘એક ધર્મયુદ્ધ' (૧૯૨૩) પુસ્તિકા આપી હતી, જેમાં અમદાવાદની મજૂર ચળવળ ગાંધીજીના નેતૃત્વ હેઠળ જે રીતે અહિંસાના માર્ગે ચાલી તેનો ખ્યાલ આપવામાં આવ્યો છે. આ અજોડ મજૂર ચળવળ પાછળની ધાર્મિકતાનો સંદર્ભ વિચારીને જ તેને યોગ્ય રીતે ‘એક ધર્મયુદ્ધ' એવા નામથી ઓળખાવવામાં આવી હતી. આ પુસ્તિકામાં સત્યાગ્રહી ગાંધીજીના પ્રેરણાદાયી નેતૃત્વનું સુંદર ચિત્રણ છે. આ પુસ્તિકામાં તે સમયે પ્રગટ થયેલી પત્રિકાઓ વગેરેની સામગ્રી પણ પરિશિષ્ટોમાં આપવામાં આવી છે. એથી આ પુસ્તિકાનું દસ્તાવેજી મૂલ્ય પણ વધ્યું છે. ‘બારડોલીના સત્યાગ્રહનો ઇતિહાસ' ૧૯૨૯માં પ્રસિદ્ધ થયેલો. સત્યાગ્રહનો આ એક નમૂનેદાર ઇતિહાસ છે અને મહાદેવભાઈનું ઇતિહાસ અને સાહિત્ય – બંને પરનું પ્રભુત્વ એ બતાવે છે. બારડોલીના સત્યાગ્રહ પાછળની ભૂમિકા બરોબર સમજાવ્યા પછી એ સત્યાગ્રહનું કઈ રીતે આયોજન થયું, એમાં કેવા કેવા કાર્યક્રમો અપાયા, એમાં કેવાં કેવાં વિઘ્નો આવ્યાં ને એ સર્વમાંથી વલ્લભભાઈની સરદારીએ લોકોને કઈ રીતે પાર ઉતાર્યા – આ બધાનું સિલસિલાબંધ નિરૂપણ અહીં મળે છે. નિરક્ષર લોકોએ – બહેનોએ પણ કેવું કેવું સહન કરીને આ લડતનું તેજ -બળ વધાર્યું તેનાં કેટલાંક હૃદયસ્પર્શી પ્રસંગચિત્રો – ભાવચિત્રો અહીં રજૂ થયાં છે. સરદારની વાક્શક્તિનાં વેધક દૃષ્ટાંતો અહીં છે. સત્ય ને અહિંસાથી, ત્યાગ ને તિતિક્ષાથી, આત્મબળ ને શીલબળથી લડાતી લડત કેવા માનવીય ચમત્કારો સર્જી શકે છે તે આ લડત બતાવે છે. સત્યાગ્રહનું શાસ્ર – તેની પદ્ધતિ કેવી રીતે ક્રમશ: ઘડાતાં જાય છે તે પણ આ લડતમાંથી સમજાય છે. આ ઉપરાંત મહાદેવભાઈએ નરહરિભાઈ સાથે રહી ‘તારુણ્યમાં પ્રવેશતી કન્યાને પત્રો' (૧૯૩૭) તથા માર્તડ પંડ્યા સાથે રહી ‘ખેતીની જમીન’ વિશે પુસ્તકો આપ્યાં છે, જે મહાદેવભાઈની વ્યાપક અને જનહિતલક્ષી જીવનદૃષ્ટિનાં દ્યોતક છે. વળી ૧૯૨૩માં યોજાયેલી બીજી ભરૂચ જિલ્લા પરિષદમાં તથા ૧૯૩૬માં બારમી ગુજરાતી સાહિત્ય પરિષદમાં આપેલ પ્રવચનો પણ પ્રગટ થયાં છે. મહાદેવભાઈએ અંગ્રેજીમાં પણ કેટલાંક પુસ્તકો આપ્યાં છે : ‘ધ ઍપિક ઑફ ત્રાવણકોર' (૧૯૩૭), ‘ગાંધીજી ઇન ઇન્ડિયન વિલેજિઝ' (૧૯૨૭), ‘વિથ ગાંધીજી ઇન સિલોન' (૧૯૨૮), ‘ધ સ્ટોરી ઑફ બારડોલી' (૧૯૨૯), ‘અનવર્ધી ઑફ વર્ધા' (૧૯૪૩), ‘ધ એલિપ્સ ઑફ ફેઇથ' (૧૯૪૩) અને ‘ગૉસ્પેલ ઑફ સેલ્ફલેસ ઍક્શન ઑર ધ ગીતા ઍકૉર્ડિંગ ટુ ગાંધી' (૧૯૪૬). આ ગ્રંથો ગાંધીજી અને તેમના કાર્યક્રમોને વિશ્વ સમક્ષ રજૂ કરવાના શુભ ખ્યાલે લખાયા છે. આ ગ્રંથોમાં મહાદેવભાઈનું અંગ્રેજી પરનું પ્રશસ્ય પ્રભુત્વ જોવા મળે છે. સ્વામી આનંદે એમના ઑક્સફર્ડના અંગ્રેજીની ‘લંડન ટાઇમ્સ', ‘માંચેસ્ટર ગાર્ડિઅન' વગેરેથી ઘડાયેલી શૈલીની પ્રશંસા કરી છે. ‘મહાદેવભાઈનો આત્મવૈભવ અને ગાંધીવૈભવ એમના અંગ્રેજી ગ્રંથોમાં પણ સહજતયા ખીલી ઊઠે છે. મહાદેવભાઈમાં અંગ્રેજી, સંસ્કૃત, હિન્દી, બંગાળી અને મરાઠીમાંથી ગુજરાતીમાં અનુવાદ કરવાની સારી સભ્યતા હતી. તેમના અનુવાદસાહિત્યમાં બંગાળી તથા અંગ્રેજી ભાષાના અનૂદિત ગ્રંથોનો સમાવેશ થાય છે. બંગાળીમાંથી સર્વપ્રથમ નરહરિભાઈ સાથે રહી તેમણે ‘ચિત્રાંગદા'નો અનુવાદ કર્યો. એ પછી તે બંનેએ ‘ચિત્રાંગદા અને વિદાય અભિશાપ' (૧૯૨૫) આપ્યાં. ૧૯૨૨માં ‘પ્રાચીન સાહિત્ય'નો અનુવાદ પણ તેમણે નરહરિ પરીખ જોડે રહીને કર્યો. ૧૯૨૩માં શરદબાબુની ‘ત્રણ વાર્તાઓ'નો તથા ૧૯૨૪માં ‘વિરાજવહુ'નો અનુવાદ આપ્યો. તેમણે રવીન્દ્રનાથનાં ‘એકલો જાને રે’, ‘ચિંતા કર્યે ચાલશે ના' જેવાં કાવ્યોના પણ સફળ અનુવાદ કરેલા, જે ખૂબ લોકપ્રિય થયા ને કવિવરને પોતાને પણ તે ગમી ગયા. તેમના આ બંગાળી અનુવાદો એકંદરે મૂળને વફાદાર રહીને પ્રાસાદિક રીતે કરેલા લેખાય છે. મહાદેવભાઈએ ૧૯૨૧માં ‘ઑલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટીની પંજાબ સબકમિટીએ પંજાબનાં રમખાણોની તપાસ માટે નીમેલા પંચનો હેવાલ' અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ઉતારી આપ્યો. ૧૯૨૬માં તેમણે ‘સત્યાગ્રહની મર્યાદા' ગ્રંથનો અનુવાદ કરી સમર્થ અનુવાદકની પ્રતિષ્ઠા મેળવી. એ પછી જવાહરલાલ નહેરુની અંગ્રેજી આત્મકથા ‘મારી જીવનકથા'નો ૧૯૩૬માં ગુજરાતીમાં અનુવાદ કર્યો, જે જવાહરલાલના મતે સર્વ ભારતીય ભાષાઓમાં થયેલા એ ગ્રંથના અનુવાદોમાં સર્વોત્તમ હતો. મહાદેવભાઈએ એ ગ્રંથમાં અંગ્રેજી પદ્યોનો પણ સુંદર ભાવવાહી અનુવાદ કર્યો છે અને એમાં શરૂઆતમાં એમણે એ ગ્રંથ વિશે જે પરિચયલેખ આપ્યો છે તે એમને ઉત્તમ રસજ્ઞ ને સમર્થ વિવેચક ઠેરવે એવો છે. તેમણે એ આત્મકથાને ‘વિરલ વીરજીવનની કથા' [42] તરીકે ઓળખાવી છે. તેઓ એના વિશે લખે છે : ‘આપણા સ્વાતંત્ર્યના મહાભારતનાં અનેક નાનાંમોટાં વર્ણનો લખાયાં છે, પણ આટલું ઉદાત્ત, આટલા ગંભીર ચિંતન અને આત્મનિરીક્ષણથી ભરેલું તાદૃશ વર્ણન બીજું એકે નથી લખાયું. એ પોતાને જ ઉદ્દેશીને લખાયું છે, એ સંપૂર્ણ ઇતિહાસ નથી, છતાં એ અપ્રતિમ છે.’ (મારી જીવનકથા, પૃ. ૧૧) મહાદેવભાઈમાં સુંદર અનુવાદ કરવાની સાહજિક પ્રતિભા હતી. પ્રભુદાસ ગાંધીએ તેમની અનુવાદશક્તિનો નિર્દેશ કરતાં લખ્યું છે કે તેઓ હાથમાં અંગ્રેજી પુસ્તક લઈ વાંચતા જાય ને ગુજરાતીમાં અનુવાદ આપતા જાય.[43] મહાદેવભાઈની ડાયરીમાં અવારનવાર એમની અને ગાંધીજી વચ્ચેની અનુવાદસંદર્ભની ચર્ચાઓ વાંચવા મળે છે. બંને અંગ્રેજીના સમર્થ જાણકારો ને તે સાથે બંનેની ગુજરાતી ભાષા માટે ઉત્કટ ભક્તિ. તેથી જ બંને દ્વારા ગુજરાતી ભાષાની અનુવાદ દ્વારા પણ ઉત્તમ સેવા થઈ. મહાદેવભાઈમાં ગુજરાતીનું અંગ્રેજી કરવાનું સામર્થ્ય પણ ભારે હતું. તેથી તેમણે એવાં કાર્યો પણ અનેક કર્યા. ખાસ તો ગાંધીજીની આત્મકથાનો એમણે ‘ધ સ્ટોરી ઑફ માય એક્સ્પેરિમેન્ટ્સ વિથ ટ્રુથ' (૧૯૨૭) – એ નામે અંગ્રેજીમાં અનુવાદ કર્યો તે ઘણો શ્રદ્ધેય લેખાય છે. એ અનુવાદને મીરાંબહેન, અને શ્રીનિવાસ શાસ્ત્રીની નજરનો લાભ મળ્યો હતો અને ગાંધીજી દ્વારા તેને પ્રમાણિતતાની મહોર પણ લાગી હતી. દુનિયાની વિવિધ ભાષાઓમાં ગાંધીજીની આત્મકથાઓના જે અનુવાદો થયા તેમાં આધારરૂપે મહાદેવભાઈનો અંગ્રેજી અનુવાદ જ લેવામાં આવ્યાનું જણાય છે. જોકે નહેરુની આત્મકથા તેમ જ ગાંધીજીની આત્મકથાના અનુવાદમાં મુખ્યત્વે અનુવાદક મહાદેવભાઈ છતાં એમાં અન્ય મહાનુભાવોનીયે થોડી મદદ એમને મળી હતી. ગાંધીજીના અનાસક્તિયોગનું અંગ્રેજી ભાષાંતર એ મહાદેવભાઈની એક મહત્ત્વની સિદ્ધિ છે. એ ગ્રંથની પ્રસ્તાવનામાં ગાંધીજીએ લખ્યું છે : ‘The following pages by Mahadev Desai are an ambitious project. It represents his unremitting labours during his prison life in ૧૯૩૩-’૩૪. Every page is evidence of his scholarship and exhaustive study of all he could lay hands upon regarding Bhagavad Gita, poetically called ‘Song Celestial' by the late Sir Edwin Arnold. The immediate cause of this labour of love was my translation in Gujarati of the divine book as I understood it. In trying to give a translation of my meaning of the Gita, he found himself writing an original commentary on the Gita." (The Gita according to Gandhi, p. iii) મહાદેવનો આ અનૂદિત ગીતાગ્રંથ ગાંધીજીનું મૂળ અર્થઘટન સમજવામાં ઉપયોગી હોવાનું નોર્વેના યોર્ગન યોહાનસન સહિત અનેકે સ્વીકાર્યું છે. મહાદેવભાઈ ગીતાના કેવા તત્ત્વાભિનિવેશી ભાવક, વિચારક ને અનુવાદક છે તે આ ગ્રંથ બરોબર રીતે બતાવી આપે છે. મહાદેવભાઈએ ‘મધપૂડો', ‘અર્જુનવાણી' અને ‘ગાંધીજીની સંક્ષિપ્ત આત્મકથા'નાં સંપાદન આપ્યાં છે. આ સંપાદનકાર્ય જોતાં પણ તેમની વિવેકપૂત જીવનદૃષ્ટિ અને સાહિત્યદૃષ્ટિ વિશે, તેમની ચીવટ-નિષ્ઠા વિશે ઊંચો ખ્યાલ બંધાય છે. આવો જ વિવેક તેમનો પત્રકારત્વના કાર્યમાં દૃષ્ટિગોચર થાય છે. મહાદેવભાઈ જેમ ઉમદા સાહિત્યકાર તેમ ઉત્તમ કક્ષાના પત્રકાર પણ છે. ગુજરાતી પત્રકારત્વના ઇતિહાસમાં ગાંધીજી સાથે જ મહાદેવભાઈનું નામ પણ અગત્યનું છે. તેઓ ગાંધીજીના કારણે જ ‘નવજીવન’, ‘યંગ ઇન્ડિયા', 'હરિજનબંધુ', ‘હરિજન', ‘હરિજનસેવક', ‘ઇન્ડિપેન્ડન્ટ' જેવાં પત્રો સાથે સંકળાયા હતા. જ્યારે જ્યારે જે જે પત્રોમાં એમણે કામ કર્યું ત્યાં પત્રકારત્વની એમની ઉત્કૃષ્ટ ભાવનાની સ્વચ્છ મુદ્રા ઉપસાવીને રહેલા. તેઓ જીવનધર્મી-લોકધર્મી પત્રકારત્વના સાધક હતા. ગોળમેજી પરિષદ વખતે ઇંગ્લૅન્ડમાં હતા ત્યારે સળંગ રાતના ઉજાગરા કરી, અઢાર અઢાર કલાક કામ કરતા. ‘Gandhiji in Round-table Conference' ગ્રંથમાં એમની એ પુરુષાર્થશક્તિનું ઇષ્ટ ફળ જોવા મળે છે. તેમણે ગુજરાતી પત્રકારત્વને સાત્ત્વિક સેવા પરંપરાનો વારસો આપ્યો. તેમણે પરિષદના મંચ પરથી પત્રકારત્વ અંગે વ્યાખ્યાન કરતાં પશ્ચિમની પત્રકારત્વની સમૃદ્ધ પરંપરાનો ચિતાર આપ્યો અને એક જવાબદારીભર્યા ગંભીર અને પવિત્ર વ્યવસાય તરીકે તેને વિકસાવવાની હિમાયત કરી. મણિલાલ નભુભાઈ, નવલરામ લ. પંડ્યા, ટિળક, ગાંધીજી જેવા મહાજનોથી પુષ્ટ થયેલી પત્રકારત્વની પરિપાટીના એ તરફદાર હતા. રસેલ, પ્રાઇસ, બ્લોટ્સ જેવા ખબરપત્રીઓના; રસ્પેન્ડર, ગાર્ડિનર, બ્રેઇલ્સફર્ડ અને લાસ્કી જેવા લેખકોના તથા સ્ટેડ અને શીન જેવા સાહસી મુલાકાત લેનારાઓના આદર્શો નજર સમક્ષ રાખવાની શીખ તેમણે આપણા પત્રકારોને આપી. તેમણે સી. પી. સ્કૉટના શબ્દો ટાંકીને પત્રકારત્વના ક્ષેત્રે સત્યનિષ્ઠા, પ્રામાણિકતા, નિર્ભયતા, ન્યાયબુદ્ધિ, સ્વચ્છતા તથા વાચક તથા પ્રજા પ્રત્યેનું કર્તવ્યભાન જેવી બાબતોને અનિવાર્ય લેખી. તેમણે ‘સત્યાગ્રહી પત્રકારત્વ'નો એક આદર્શ આપણી સમક્ષ રજૂ કર્યો. મહાદેવભાઈએ પત્રકાર તરીકે એમના વાચકોને માત્ર શાતા જ બક્ષી છે એમ નહીં, આ શાતાનું – શાંતિનું મૂળ શોધવા માટે પણ તેમને પ્રેર્યા છે. એ રીતે તેમણે પત્રકારત્વ દ્વારા લોકસત્ત્વના વિકાસની સતત કાળજી લીધી છે. મહાદેવભાઈએ મહદંશે ચરિત્રાત્મક – નિબંધાત્મક સાહિત્યમાં કામ કર્યું. લલિત સાહિત્યમાં અત્યંત રસ ને સારી સૂઝ છતાં એ દિશામાં એમનું કામ પ્રમાણમાં ઘણું ઓછું જોવા મળે છે. મહાદેવભાઈએ ‘ખાદીકેળાં', ‘માસ્તર વજુભાઈ' જેવી મૌલિક તો ટૉલ્સ્ટૉયની વાર્તા પરથી ‘ઈંડા જેવડો દાણો' જેવી વાર્તાઓ આપી; પરંતુ એમની વાર્તાઓમાં બોધકતા – ધ્યેયલક્ષિતા ઉઘાડાં પડી જાય છે. તેમનો વાર્તાસર્જનનો વ્યાપાર, રામનારાયણ વિ. પાઠક કહે છે તેમ, પોપણ વિનાનો રહી ગયો.[44] આમ છતાં એ વાર્તાઓમાં એમની પાત્રનિરૂપણની, પ્રસંગચિત્રણની, ભાવાભિવ્યક્તિની શકિત તો દેખાય છે જ. મહાદેવભાઈએ ક્યારેક ભજન-કવિતા લખવાનાં લટકાં પણ કરી જોયેલાં, પણ ગીતાનુવાદમાં એ ઠીક ઠર્યા. તેમણે ‘મંદિરોનાં દર્શન’ નામે નાટકના પાંચ પ્રવેશો પણ લખ્યા હતા. તેમને હિન્દુસ્તાનના આખાયે મુલકનું તથા યુરોપની મુસાફરીનું વર્ણન લખવાની ઇચ્છા હતી, તથા હિન્દુસ્તાનનો આધુનિક ઇતિહાસ તેમ જ ગાંધીજીનું ચરિત્ર લખવાની પણ જવાબદારી પોતાની માની લીધેલી હતી.[45] તેમના મનમાં મૌલિક લખવાનો પણ વિચાર હતો. અને એ માટે છ નવલકથાઓના પ્લૉટ પણ ચિત્તમાં હતા. તેઓ ફરસદ મળે તો ‘જગતસાહિત્યમાં અહિંસા'[46] – એ વિશે એક અંગ્રેજી પુસ્તક પણ લખવા માગતા હતા; પણ એ લખવાની ફુરસદ મહાદેવભાઈને ન જ મળી. મહાદેવભાઈ જે રીતે પોતાની જાતને જોતા હતા અને એના પર, હાસ્ય-વિનોદ પણ કરી લેતા હતા એ પરથી પણ એમનામાંની સર્જકતાનો સંકેત આપણને મળે છે. એક વાર ટાઇફૉઇડમાં પડ્યા ત્યારે તેમણે ગાંધીજીને લખ્યું: ‘પથારીમાં પડ્યો પડ્યો કંટાળું તો ખરો જ, એટલે આજે તો થઈ ગઈ છે ઇચ્છા ખૂબ હસવાની, અને જો મારામાં દૈવત હોય તો હસાવવાની!’ એ પછી તેઓ પત્રમાં પ્રેમલીલા, તર્કલીલા અને કુતર્કલીલાની વાત છેડે છે. એમાં પ્રેમલીલાની વાત એ કેવી તો ચગાવે છે તે જોવા જેવું છે. તેઓ લખે છે : ‘આ તાવની સાથે મારે કંઈક અજબ પ્રેમગ્રંથિ બંધાઈ છે. અને આ પચીસ દિવસની પ્રેમલીલાનું વર્ણન તમારી આગળ મારે કરવું છે. સહેજે સવાલ થશે કે આ પ્રેમલીલામાં પ્રિયા કોણ? હવે, હું તો પડ્યો, અનાવલા બાદશાહ. તે, અનાવલો કંઈ સહેજે કોઈની બૈરી થાય ખરો કે? માટે પ્રિયા તો તાવબાઈ – હું જરા ઇશ્કી રહ્યો એટલે એનું મધુરું નામ તાપીબાઈ રાખ્યું છે. તમને થશે કે દુર્ગાની સંમતિ લીધી કે નહીં? સવાલ અનુચિત છે, કારણ અનાવલા બાદશાહ એકની પર બીજી કરતાં, કે'દહાડે આગલીની સંમતિ લે છે? અને હું તો મરવાનો ત્યાં સુધી કંઈ અનાવલાપણાની દ્વારકાની છાપ મારી ઉપરથી ફીટવાની છે શું છે? જે પણ આ તો પ્રેમલીલાનો ઉપોદ્ઘાત થયો. તમને લીલા સાંભળવાની જરા ઉત્કંઠા તો થઈ હશે. હવે કહું જુઓને – તાપીબાઈ તો પહેલાં થોડા દહાડા આવ્યાં અને કાનમાં મધુરું મધુરું ગાવા લાગ્યાં કે, ‘મુજને તુજ શું જૂની પ્રીતડી.' બંદા ફસાયા. અમારી પ્રીતિ તો પછી વધતી ચાલી : દશ દહાડા થયા. તાપીબાઈને ઘર ગમ્યું. અને વધારે નખરાં કરવા લાગ્યાં. બંદા વધારે ફસાતા ગયા. પંદર દિવસ થયા; વીસ થવા આવ્યા. એટલે અમે તો પરમ અભેદ સાધ્યો. અને તાપીબાઈ હું, કે હું તાપીબાઈ એવું ભાને નહીં રહ્યું. અમે તો एकमेवाद्वितीयम् સાધ્યું. પણ કોણ જાણે શું થયું, તે, કહ્યું છે ને કે The course of true love never did run smooth તેમ ત્રેવીસમે દિવસે કોઈ દુશ્મન અમારી વચ્ચે આવ્યો. તાપીબાઈનાં તો સવારે દર્શન નહીં મળે. પણ રજા લીધા વિના ગયેલાં એટલે બપોરે આવ્યાં ને કહે કે ‘હું તો રજા લેવાનું ભૂલી ગઈ એટલે પાછી આવી.' કોણ જાણે કેમ મને તેની તરફ અપ્રીતિ થઈ. પહેલાં તો હું એને બાથમાં ભીડતો તે હવે તો થવા લાગ્યું કે ઠીક, સવારે બલા જાય છે. પણ બપોરે પાછી રજા માગવા આવે જ. આજે થયા પચીસ – સવારે ભટકે છે, પણ હજી રજા માગવા આવવાનું છોડ્યું નથી. આસપાસના લોકો અમારી પ્રેમકથા અને અંતની વઢવાડની વાત જાણી ગયા છે, અને કહે કે અઠ્યાવીસ દિવસે લુચ્ચાંઓ છૂટાછેડા કરવાનાં છે.’ (સ્વ. મહાદેવભાઈ દેસાઈ સ્મૃતિચિત્રો, પૃ. ૫૭-૫૯) ઉપર્યુક્ત ઉતારા પરથી મહાદેવભાઈમાં કેવી સર્જકતા પડેલી છે તેનો સુજ્ઞ સાહિત્યરસિકને યત્કિંચિત્ ખ્યાલ આવ્યા વિના રહેશે નહીં. મહાદેવભાઈને શબ્દના સૌંદર્યની પ્રતિતિ હતી જ, એ માટેનું આકર્ષણ પણ ખરું, પરંતુ તેમણે તો જીવનભર શબ્દ જનસેવાના સીધાં કાર્યોમાં રોકી દીધો. એમનો શબ્દ ગાંધીસેવાનું અને એ દ્વારા જનસેવાનું માધ્યમ થઈને રહ્યો. શબ્દ માત્ર નિજાનંદનો જ નહીં, સર્વાનંદનો સાધક થાય એવી એમની ભાવના રહી. તે માટે તેમણે પૂરા સત્ત્વથી કામ કર્યું. એમનામાં સાહિત્યકાર અને પત્રકારનો સાહજિક યોગ સધાઈને રહ્યો. તેમણે સવ્યસાચીની રીતે શબ્દને સાહિત્યમાં ને પત્રકારત્વમાં વાપર્યો – એવી ઉમદા રીતે – ઉત્તમ રીતે વાપર્યો કે તેથી શબ્દ એમના ચહેરા જેવો જ ઊજળો થઈને રહ્યો! સ્વામી આનંદે મહાદેવભાઈ વિશે જે લખ્યું છે તે આ સંદર્ભે સ્મરણીય છે. તેઓ નોંધે છે : ‘(મહાદેવભાઈનું) ગુજરાતી લખાણ ભક્તિનું ક્લાસિક, શૈલી અને રજૂઆત તેમના પંડ જેવી મનોહારી, વહાલસોયી, ભારોભાર ભાવુક, ખડોકાંકરી ગોત્યું ન જડે. અને તેમ છતાં અવસર પ્રસંગે વિદેશી સલ્તનતના અન્યાય, જુલમ કે શૈતાનિયતને ઉઘાડા પાડવામાં નાકે ધુમાડા કઢાવે.’ (સંતોના અનુજ, પૃ. ૧૭૭) મહાદેવભાઈ, શું જીવનમાં કે શું સાહિત્યમાં, કયાંય કશું અભદ્ર કે હીણું સહી શકતા નહોતા. આ ભદ્ર પુરુષને જીવન અને કલાનાં સર્વ અંગોમાં ભદ્રિકતા જ અપેક્ષિત હતી. તેમણે ઉદાત્ત માનવતાની આરાધના માટે, એના ઉત્કર્ષ માટે જીવનની ક્ષણેક્ષણ ખર્ચી, શબ્દને પણ એ આરાધનામાં જ રોકયો. તેથી તો મહાદેવભાઈ માટે એ શબ્દ કામધેનુરૂપ બની રહ્યો અને એ રીતે પથ્ય – સાત્ત્વિક રસનો ઉદ્ભાવક – ઉદ્-વાહક બની રહ્યો. મહાદેવભાઈનો શબ્દ સત્યની ભોંયમાં મૂળ નાખીને અહિંસાના પવિત્ર – મધુર વાતાવરણમાં ઊછરતો વિકસ્યો છે અને ફલિત પણ થયો છે. તેથી જ એમના શબ્દમાં પારમાર્થિક શક્તિનું ઓજસ-તેજ વરતાય છે. આપણે એમના એ અન્+ આવિલ શબ્દનો પ્રકાશ સુપેરે સંગ્રહી તેજસ્વી થવાનો શિવસંકલ્પ કરીએ.
- ↑ નિરીક્ષા, ૧૯૬૦, પૃ. ૨૫૬.
- ↑ મહાદેવભાઈએ જ ગાંધીજી જેલમાં જતાં લખેલુંઃ ‘ગાંધીજી જેલમાં જતાં મારા જીવનનું ચેતન ગયું, મારાં લખાણનો પ્રાણ ગયો.’ (મહાદેવભાઈની ડાયરી-૧૭, પૃ. ૭)
- ↑ અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ, પૃ. ૬૪પ.
- ↑ પાછળથી મહાદેવભાઈએ એમ. અરુણાચલમ્ પાસે તમિળ, ખ્વાજાસાહેબ પાસે ઉર્દૂ અને મીરાંબહેન પાસે ફ્રેન્ચ શીખવાનો પ્રયત્ન પણ કરેલો.
- ↑ સ્વ. મહાદેવભાઈ દેસાઈ સ્મૃતિચિત્રો, પૃ. ૧૪.
- ↑ અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ, પૃ. ૩૭૭.
- ↑ સંતોના અનુજ, પૃ. ૧૭૫.
- ↑ એના વીસ ભાગ પ્રકાશિત થઈ ચૂક્યા છે.
- ↑ મનોવિહાર, પૃ. ૮૧.
- ↑ મારી જીવનકથા, ૧૯૮૯, ચોથી આવૃત્તિ, પૃ. ૧૪.
- ↑ ગાંધી પરિવારના જ્યોતિર્ધરો, ૧૯૭૫, પૃ. ૨૮.
- ↑ એજન, પૃ. ૨૮.
- ↑ શુક્રતારક સમા મહાદેવભાઈ , પૃ. ૧૨૦.
- ↑ નવલ ગ્રંથાવલિ, ૧૯૬૬, પૃ. ૮૦.
- ↑ સંતોના અનુજ, ૧૯૭૯, પૃ. ૧૮૫.
- ↑ મહાદેવભાઈની ડાયરી-૧, પૃ. ૯૦-૯૧, ૧૦૧-૧૦૨.
- ↑ મહાદેવભાઈની ડાયરી-૧૭, પૃ. ૨૦૧-૨૦૩.
- ↑ મહાદેવભાઈની ડાયરી-૧૭, પૃ. ૩૦૧-૩૦૭.
- ↑ મહાદેવભાઈની ડાયરી-૧૮, પૃ. ૧૨૪-૧૩૨.
- ↑ મહાદેવભાઈની ડાયરી-૧, પૃ. ૬૭, ૧૩૯, ૧૪૪–૧૪૫.
- ↑ મહાદેવભાઈની ડાયરી-૧૩, પૃ. ૪૫-૪૭.
- ↑ મહાદેવભાઈની ડાયરી-૧, પૃ. ૫૭- ૬૫.
- ↑ મહાદેવભાઈની ડાયરી-૧, પૃ. ૧૬.
- ↑ મહાદેવભાઈની ડાયરી-૧૬, પૃ. ૩૮.
- ↑ શુક્રતારક સમા મહાદેવભાઈ, પૃ. ૭૨.
- ↑ અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ, પૃ. ૩૪૩.
- ↑ શુક્રતારક સમા મહાદેવભાઈ, પૃ. ૩૩.
- ↑ અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ, પૃ. ૩૮૯.
- ↑ મહાદેવભાઈની ડાયરી-૧, પૃ. ૧૮૫.
- ↑ મહાદેવભાઈની ડાયરી-૧૩, પૃ. ૭૫-૮૨.
- ↑ મહાદેવભાઈની ડાયરી-૧૮, પૃ. ૧૬૭.
- ↑ મહાદેવભાઈની ડાયરી-૧૩, પૃ. ૩૦૩.
- ↑ શુક્રતારક સમા મહાદેવભાઈ, પૃ. ૪૧.
- ↑ મહાદેવભાઈની ડાયરી-૧૭, પૃ. ૧૪૪-૧૪૫, ૧૫૦-૧૫૧.
- ↑ મહાદેવભાઈની ડાયરી-૧૮, પૃ. ૧૬–૨૦.
- ↑ મહાદેવભાઈની ડાયરી-૧, પૃ. ૮૩-૮૫.
- ↑ મહાદેવભાઈની ડાયરી-૧૮, પૃ. ૨૬૧.
- ↑ મહાદેવભાઈની ડાયરી-૧૫, પૃ. ૩-૭.
- ↑ મહાદેવભાઈની ડાયરી-૧૬, પૃ. ૪૬ -૯૩.
- ↑ મહાદેવભાઈની ડાયરી-૫, ૫ૃ, ૨૩.
- ↑ ઉપલબ્ધિ, ૧૯૮૨, પૃ. ૨૬૧.
- ↑ મારી જીવનકથા, પૃ. ૧૧.
- ↑ શુક્રતારક સમા મહાદેવભાઈ, પૃ. ૮૧.
- ↑ મનોવિહાર, પૃ. ૮૧.
- ↑ ગાંધી પરિવારના જ્યોતિર્ધરો, પૃ. ૩૫.
- ↑ અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ, પૃ. ૭૧૨.