સત્યના પ્રયોગો/બારિસ્ટર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading| ૨૪. બારિસ્ટર તો થયા – પણ પછી? | }} {{Poem2Open}} જે કામ – બારિસ્ટર થવ...")
 
No edit summary
 
Line 26: Line 26:
આ વ્યથાના વર્ણનને સારુ નોખું પ્રકરણ જોઈએ.
આ વ્યથાના વર્ણનને સારુ નોખું પ્રકરણ જોઈએ.
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = મહાપ્રદર્શન
|next = મૂંઝવણ
}}

Latest revision as of 10:41, 13 July 2022


૨૪. બારિસ્ટર તો થયા – પણ પછી?

જે કામ – બારિસ્ટર થવા – ને સારું હું વિલાયત ગયો હતો તેનું મેં શું કર્યું એનું વર્ણન મેં આટલે લગી મુલતવી રાખ્યું છે. હવે તેને વિશે કંઈક લખવાનો સમય આવ્યો છે.

બારિસ્ટર થવા સારું બે વસ્તુની જરૂર હતી. એક તો ‘ટર્મ ભરવી’ એટલે સત્ર સાચવવાં. વર્ષમાં ચાર સત્ર હોય. તેવાં બાર સાચવવાં. બીજી વસ્તુ કાયદાની પરીક્ષા આપવી. સત્ર સાચવવાં એનો અર્થ ‘ખાણાં ખાવાં’; એટલે કે, દરેક સત્રમાં લગભગ ચોવીસ ખાણાં હોય તેમાંથી છ ખાવાં. ખાણાં ખાવાં એટલે ખાવું જ એવો નિયમ નહીં; પણ નીમેલે વખતે હાજર થવું ને ખાણું પૂરું થવાનો વખત થાય ત્યાં સુધી બેઠા રહેવું. સામાન્ય રીતે તો સૌ ખાય ને પીએ જ. ખાણામાં સારી સારી વાનીઓ હોય, અને પીવામાં સારો ગણાતો દારૂ હોય. તેનું દામ અલબત્ત આપવાનું જ. તે અઢીથી સાડા ત્રણ શિલિંગ હોય, એટલે બેત્રણ રૂપિયાનું ખર્ચ થયું. આ દામ ત્યાં ઘણું ઓછું ગણાય, કેમ કે બહારની વીશીમાં એવું ખાણું લેનારને દારૂના જ લગભગ એટલા પૈસા પડે. ખાવાના ખર્ચ કરતાં દારૂ પીનારને પીવાનું ખર્ચ વધારે હોય છે એ વાત આપણને હિંદુસ્તાનમાં – જો ‘સુધર્યા’ ન હોઈએ તો – આશ્ચર્યજનક લાગે. મને તો વિલાયત જતાં આ જ્ઞાનથી પુષ્કળ આઘાત પહોંચેલો; ને દારૂ પીવાની પાછળ એટલા પૈસા બરબાદ કરતાં લોકોનો જીવ કેમ ચાલતો હશે એ ન સમજાતું. પાછળથી સમજતાં શીખ્યો! હું આરંભકાળમાં કંઈ જ ન ખાતો. કેમ કે મને ખપે એવું તો માત્ર રોટી, બાફેલાં પટેટાં ને કોબી હોય. આરંભમાં તો તે ન ગમ્યાં તેથી ન ખાધાં; પાછળથી જ્યારે તેમાં સ્વાદ જોઈ શક્યો ત્યારે તો બીજી વાનીઓ પણ મેળવવાની શક્તિ મારામાં આવી ગઈ હતી.

વિદ્યાર્થીઓને સારું એક જાતનું ખાણું ને ‘બેન્ચરો’ (વિદ્યામંદિરના વડાઓ)ને સારું બીજું ને ભારે ખાણું હોય. મારી સાથે એક પારસી વિદ્યાર્થી હતા તે પણ અન્નાહારી બન્યા હતા. અમે બંનેએ અન્નાહારના પ્રચારાર્થે બેન્ચરના ખાણામાંથી અન્નાહારીને ખપતા પદાર્થોની અરજી કરી. તે અરજી મંજૂર રહી, એટલે અમને બેન્ચરના ટેબલ ઉપરથી ફળાદિ અને બીજાં શાક મળવા લાગ્યાં.

દારૂ તો મને ન ખપે. ચાર જણ વચ્ચે દારૂની બે બાટલીઓ મળે. એટલે મારી માગણી ઘણી ચોકડીઓમાં થાય. હું ન પીઉં એટલે બાકીના ત્રણ વચ્ચે બે બોટલ ‘ઊડે’ ના! વળી આ સત્રોમાં એક ભારે રાત (ગ્રાન્ડ નાઇટ) થાય. તે દહાડે ‘પૉર્ટ’ ‘શૅરી’ ઉપરાંત ‘શૅમ્પેન’ દારૂ મળે. ‘શૅમ્પેન’ની લહેજત કંઈ ઓર જ ગણાય છે. તેથી આ ભારે રાતે મારી કિંમત વધારે અંકાય ને તે રાતે હાજરી ભરવાનું મને નિમંત્રણ પણ મળે.

આ ખાણાંપીણાંથી બારિસ્ટરીમાં શો વધારો થઈ શકે એ હું ન ત્યારે જોઈ શક્યો, ન પાછળથી. એવો એક સમય હતો ખરો કે જ્યારે આ ખાણાંમાં થોડા જ વિદ્યાર્થીઓ હતા ને તેઓ તથા બેન્ચરો વચ્ચે વાર્તાલાપ થતો ને ભાષણો પણ થતાં. આમાંથી તેઓ વ્યવહારજ્ઞાન મેળવી શકતા, સારીમાઠી પણ એક પ્રકારની સભ્યતા કેળવતા, અને ભાષણ કરવાની શક્તિ વધારતા, આ બધું મારા વખતમાં તો અશક્ય જ હતું. બેન્ચરો તો છેટે અસ્પૃશ્ય થઈ બેઠા હોય. આ જૂના રિવાજનો પાછળથી કશો અર્થ ન રહ્યો, છતાં તે પ્રાચીનતાપ્રેમી – ધીમા – ઇંગ્લંડમાં રહી ગયો.

કાયદાનો અભ્યાસ સહેલો હતો. બારિસ્ટરો વિનોદમાં ‘ડિનર(ખાણાના) બારિસ્ટર’ તરીકે જ ગણાતા. સહુ જાણતા કે પરીક્ષાની કિંમત નહીં જેવી હતી. મારા સમયમાં બે પરીક્ષાઓ હતી : રોમન લૉ અને ઇંગ્લંડના કાયદા. બે કકડે અપાતી આ પરીક્ષાનાં પુસ્તકો મુકરર હતાં. પણ તે તો ભાગ્યે જ કોઈ વાંચે. રોમન લૉને સારુ નાની નોંધો લખાયેલી તે પંદર દિવસમાં વાંચીને પાસ થનારને મેં જોયેલા. તેવું જ ઇંગ્લંડના કાયદા વિશે. તેની નોંધપોથીઓ બેત્રણ માસમાં વાંચીને પૂરું કરતાં વિદ્યાર્થીઓને પણ મેં જોયેલા. પરીક્ષાના સવાલો સહેલા, પરીક્ષકો ઉદાર, રોમન લૉમાં પાસના ૯૫થી ૯૯ ટકા આવતા ને છેલ્લી પરીક્ષામાં ૭૫ અથવા તેથી ઉપરાંત. એટલે નાપાસ થવાનો ભય બહુ થોડો. વળી પરીક્ષા વર્ષમાં એક નહીં પણ ચાર હોય. આવી સગવડોવાળી પરીક્ષા કોઈને બોજારૂપ ન જ લાગે.

પણ મેં તેને બોજારૂપ કરી મૂકી. મને લાગ્યું કે મારે અસલ પુસ્તકો વાંચી જ જવાં જોઈએ. ન વાંચવામાં મને છેતરપિંડી લાગી. તેથી મેં તો અસલ પુસ્તકો ખરીદી ઠીક ખર્ચ કર્યું. ‘રોમન લૉ’ લૅટિનમાં વાંચી જવાનો નિશ્ચય કર્યો. વિલાયતની મૅટ્રિક્યુલેશનમાં હું લૅટિન શીખેલો તેનો અહીં ઉપયોગ થયો. આ વાચન વ્યર્થ ન ગયું. દક્ષિણ આફ્રિકામાં રોમન ડચ લૉ પ્રમાણભૂત હોય છે. તે સમજવામાં મને જસ્ટિનિયનનુ વાચન બહુ ઉપયોગી થઈ પડયું.

ઇંગ્લંડના કાયદાનું વાચન હું નવ માસમાં ઠીક મહેનતે પૂરું કરી શક્યો. કેમ કે બ્રૂમના ‘કૉમન લૉ’નું મોટું પણ રસિક પુસ્તક વાંચતાં જ ઠીક ઠીક વખત ગયો. સ્નેલની ‘ઇક્વિટી’માં રસ આવ્યો, પણ સમજતાં દમ નીકળ્યો. વ્હાઇટ ને ટયૂડરના મુખ્ય કેસોમાંના જે વાંચવાના હતા તે વાંચતાં મને ગમ્મત પડી ને જ્ઞાન પણ મળ્યું. વિલિયમ્સ ને એડવર્ડ્ઝનાં સ્થાવર મિલકત ઉપરનાં પુસ્તક અને ગુડીવનું જંગમ મિલકતનું પુસ્તક હું રસપૂર્વક વાંચી શક્યો. વિલિયમ્સનું પુસ્તક તો મને નવલકથા જેવું લાગ્યું. તે વાંચતાં કંટાળો જ ન આવ્યો. કાયદાનાં પુસ્તકોમાં તેટલા જ રસથી તો હિંદુસ્તાન આવ્યા પછી હું મેઇનનો ‘હિંદુ લૉ’ વાંચી શકેલો. પણ હિંદુસ્તાનના કાયદાની વાત અહીં નહીં કરું.

પરીક્ષાઓ પસાર કરી. ૧૮૯૧ની દસમી જૂને હું બારિસ્ટર કહેવાયો, અગિયારમીએ ઇંગ્લંડની હાઈકોર્ટમાં અઢી શિલિંગ આપી મારું નામ નોંધાવ્યું, બારમી જૂને હિંદુસ્તાન તરફ પાછો વળ્યો.

પણ મારી નિરાશા અને ભીતિનો પાર નહોતો. કાયદાઓ વાંચ્યા તો ખરા, પણ હું વકીલાત કરી શકું એવું તો મને કંઈ જ નથી આવડયું એમ લાગ્યું.

આ વ્યથાના વર્ણનને સારુ નોખું પ્રકરણ જોઈએ.