સુન્દરમ્ની શ્રેષ્ઠ વાર્તાઓ/પ્રારંભિક: Difference between revisions
Shnehrashmi (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 8: | Line 8: | ||
<center>{{x-larger|'''સંપાદક'''<br>'''ચંદ્રકાન્ત શેઠ'''}}<center> | <center>{{x-larger|'''સંપાદક'''<br>'''ચંદ્રકાન્ત શેઠ'''}}<center> | ||
{{dhr|4em}} | {{dhr|4em}} | ||
<center | <center><big>'''આદર્શ પ્રકાશન</big><center><br> | ||
<center>સારસ્વત સદન<br>ગાંધી માર્ગ, બાલા હનુમાન સામે, અમદાવાદ ૩૮૦ ૦૦૧<center> | |||
<br> | <br> | ||
<br> | <br> | ||
Line 98: | Line 100: | ||
'''ચિંતનાત્મક ગદ્ય''' | '''ચિંતનાત્મક ગદ્ય''' | ||
દક્ષિણાયન (પ્રવાસ) ૧૯૪૧, અર્વાચીન કવિતા (વિવેચન) ૧૯૪૬, શ્રી અરવિંદ મહાયોગી (યોગ) ૧૯૫૦, અવલોકના (વિવેચન) ૧૯૬૫, ચિદંબરા (આરંભનાં તથા અન્ય લખાણો) ૧૯૬૮, | દક્ષિણાયન (પ્રવાસ) ૧૯૪૧, અર્વાચીન કવિતા (વિવેચન) ૧૯૪૬, શ્રી અરવિંદ મહાયોગી (યોગ) ૧૯૫૦, અવલોકના (વિવેચન) ૧૯૬૫, ચિદંબરા (આરંભનાં તથા અન્ય લખાણો) ૧૯૬૮, | ||
(વિચારસંપુટ: ત્રણ ગ્રંથો ૧૯૭૮) | ('''વિચારસંપુટ:''' ત્રણ ગ્રંથો ૧૯૭૮) | ||
'''સાહિત્યચિંતન''' (સાહિત્યવિષયક અધ્યયનો), | '''સાહિત્યચિંતન''' (સાહિત્યવિષયક અધ્યયનો), |
Latest revision as of 04:11, 8 October 2022
આપણી મધુર ગુજરાતી ભાષા અને એના મનભાવન સાહિત્ય માટેનાં સ્નેહ-પ્રેમ-મમતા અને ગૌરવથી પ્રેરાઈને ‘એકત્ર’ પરિવારે સાહિત્યનાં ઉત્તમ ને રસપ્રદ પુસ્તકોને, વીજાણુ માધ્યમથી, સૌ વાચકોને મુક્તપણે પહોંચાડવાનો સંકલ્પ કરેલો છે.
આજ સુધીમાં અમે જે જે પુસ્તકો અમારા આ ઇ-બુકના માધ્યમથી પ્રકાશિત કરેલાં છે એ સર્વ આપ
https://www.ekatrafoundation.org
તથા
https://wiki.ekatrafoundation.org/wiki//એકત્ર_ગ્રંથાલય
પરથી વાંચી શકશો.
અમારો દૃષ્ટિકોણ:
હા, પુસ્તકો સૌને અમારે પહોંચાડવાં છે – પણ દૃષ્ટિપૂર્વક. અમારો ‘વેચવાનો’ આશય નથી, ‘વહેંચવાનો’ જ છે, એ ખરું; પરંતુ એટલું પૂરતું નથી. અમારે ઉત્તમ વસ્તુ સરસ રીતે પહોંચાડવી છે.
આ રીતે –
• પુસ્તકોની પસંદગી ‘ઉત્તમ-અને-રસપ્રદ’ના ધોરણે કરીએ છીએ: એટલે કે રસપૂર્વક વાંચી શકાય એવાં ઉત્તમ પુસ્તકો અમે, ચાખીચાખીને, સૌ સામે મૂકવા માગીએ છીએ.
• પુસ્તકનો આરંભ થશે એના મૂળ કવરપેજથી; પછી હશે તેના લેખકનો પૂરા કદનો ફોટોગ્રાફ; એ પછી હશે એક ખાસ મહત્ત્વની બાબત – લેખક પરિચય અને પુસ્તક પરિચય (ટૂંકમાં) અને પછી હશે પુસ્તકનું શીર્ષક અને પ્રકાશન વિગતો. ત્યાર બાદ આપ સૌ પુસ્તકમાં પ્રવેશ કરશો.
– અર્થાત્, લેખકનો તથા પુસ્તકનો પ્રથમ પરિચય કરીને લેખક અને પુસ્તક સાથે હસ્તધૂનન કરીને આપ પુસ્તકમાં પ્રવેશશો.
તો, આવો. આપનું સ્વાગત છે ગમતાંના ગુલાલથી.
Ekatra Foundation is grateful to the author for allowing distribution of this book as ebook at no charge. Readers are not permitted to modify content or use it commercially without written permission from author and publisher. Readers can purchase original book form the publisher. Ekatra Foundation is a USA registered not for profit organization with objective to preserve Gujarati literature and increase its audience through digitization. For more information, Please visit: https://www.ekatrafoundation.org or https://wiki.ekatrafoundation.org/wiki/Main_Page.
શ્રેષ્ઠ વાર્તાઓ
ચંદ્રકાન્ત શેઠ
ગાંધી માર્ગ, બાલા હનુમાન સામે, અમદાવાદ ૩૮૦ ૦૦૧
Edited by Dr. Chandrakant Sheth
Published by Adarsh Prakashan, Ahmedabad ૩૮૦ ૦૦૧
૨૦૦૪
કૃષ્ણકાંત મદ્રાસી
આદર્શ પ્રકાશન
ગાંધી માર્ગ, બાલા હનુમાન સામે,
અમદાવાદ ૩૮૦ ૦૦૧
પુનર્મુદ્રણ : ૨૦૦૪
સંપાદનના © ચંદ્રકાન્ત શેઠ
વિજય ઓફસેટ
અજય ઍસ્ટેટ, દૂધેશ્વર રોડ,
અમદાવાદ ૩૮૦ ૦૦૪
કવિ શ્રી સુન્દરમ્
તથા
કવિપુત્રી શ્રી સુધાબહેન સુન્દરમ્ને
સૌન્દર્ય-સુધામય કાવ્ય-યોગ!
— ચં.
સુન્દરમ્ જેવા મોટા ગજાના વાર્તાકારને વાંચવા-માણવાની વૃત્તિ તો સાહિત્યરસિક વર્ગમાં હમેશાં હોય જ. સાહિત્યના શિક્ષણમાં સુન્દરમ્ની વાર્તાઓ અનેક રીતે ઉપયોગી થાય એવી સમર્થ અને વિશિષ્ટ છે. આવા પ્રતિભાવંત વાર્તાસર્જકોની કૃતિઓનાં સંપાદનો વિવિધ તબક્કાએ વિવિધ સાહિત્યસેવીઓ દ્વારા થતાં રહે તે આવકાર્ય છે. આદર્શ પ્રકાશનના સંચાલકો સ્નેહી શ્રી કૃષ્ણકાંતભાઈ તથા કમલેશભાઈની તીવ્ર ઇચ્છા સુન્દરમ્ની વાર્તા-કવિતાની પ્રસાદી સાહિત્યજિજ્ઞાસુઓ તેમજ રસિકો સુધી પહોંચે એ માટેની હતી. એમણે એ માટે શ્રી સુન્દરમ્નાં સુપુત્રી સુધાબહેનનો તો સંપર્ક કર્યો અને એમાં મને પણ સાંકળ્યો. સુન્દરમ્ની વાર્તાઓ આ પૂર્વેય સંપાદિત થઈ જ છે. અહીં સુન્દરમ્ની વાર્તાસર્જક તરીકેની વિવિધરંગી સર્જકતાનો યથાતથ ખ્યાલ આવે એ રીતની વાર્તાઓ પસંદ કરી છે. સુન્દરમ્ની અહીં પસંદ કરેલી ૧૪ વાર્તાઓમાંથી એમની વાર્તાકાર તરીકેની સંવેદનશીલતા, પ્રયોગશીલતા તેમજ સિદ્ધહસ્તતાનો જરૂરી પરિચય સાહિત્યરસિકોને મળી રહેશે એવી આશા છે. સુન્દરમ્ની વાર્તાઓનું આ સંપાદન એમની વિશાળ, વૈવિધ્યવંતી અને સત્ત્વસુંદર વાર્તાસૃષ્ટિની વિસ્મયરમ્ય યાત્રા માટેનું પ્રવેશદ્વાર બનશે એવી શ્રદ્ધા છે. આ સત્કાર્યમાં મુ. સુધાબહેનની સંભાવના સાંપડી તથા કૃષ્ણકાન્તભાઈ, કમલેશભાઈ તથા નીરવ-કુણાલનો રૂડો સાથ-સહકાર સાંપડ્યો તે માટે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું.
સુન્દરમ્ની શ્રેષ્ઠ વાર્તાઓનું બે વર્ષના ગાળામાં પુનર્મુદ્રણ શક્ય બન્યું તે બદલ ગુજરાતના સાહિત્ય અને શિક્ષણક્ષેત્રના વિદ્યાર્થીઓ, અધ્યાપકોનો – સુન્દરમ્-પ્રેમીઓનો જ આભાર માનવાનો રહે છે. સુન્દરમ્ની વાર્તાકળાનું આજેય કામણ અકબંધ છે એ જોઈને આનંદ થાય છે. આ સંદર્ભમાં આદર્શ પ્રકાશનનો ઉત્સાહ પણ પ્રશશ્ય છે.
૪-૫-૨૦૦૪
ગુજરાતી સાહિત્યમાં એક મોટા ગજાના સાહિત્યસર્જક તરીકે સુન્દરમ્નું નામ-કામ જાણીતું છે. ઉમાશંકરના આ ‘સારસ્વત સહોદર' સ્વભાવે તેમજ સ્થાયિભાવે તો કવિ જ છે; પરંતુ કેવળ કવિ નથી; ઉમાશંકરની જેમ તેઓ પણ સમર્થ ગદ્યસર્જક છે. તેમણે પણ ઉમાશંકરની જેમ વાર્તા, નિબંધ, વિવેચન આદિ સાહિત્ય-પ્રકારોમાં ઘણું ઊંચા બરનું કામ મૂક્યું છે. ઉમાશંકરમાં કવિ પછી તુરત જ એકાંકીકારનો અને તે પછી વાર્તાકારનો ઉલ્લેખ કરવાનું ગમે તો સુન્દરમ્માં કવિ પછી તુરત જ એમનામાંના વાર્તાકારનો. ગુજરાતી ટૂંકી વાર્તાના ઇતિહાસમાં કવિ-વાર્તાકારો તરીકે સુન્દરમ્ અને ઉમાશંકરનાં નામ સાથે જ દેવાનું ગમે. બંનેય જેમ મૂર્ધન્ય કવિઓ તેમ મૂર્ધન્ય વાર્તાકારો પણ ખરા જ! એમની વાર્તાલેખનની ધાટી જ એવી કે બંનેની નસલ મૂળભૂત રીતે કવિનું હોવાનું તુરત જ વરતાઈ આવે.
વાર્તાક્ષેત્રે ઉમાશંકર ‘વાસુકિ' ને પછી ‘શ્રવણ’ થયા ખરા, પણ એકંદરે તો ઉમાશંકર જ રહ્યા. સુન્દરમ્નું પણ એવું જ થયું. વાર્તાક્ષેત્રે ‘ત્રિશૂળ' થયા પછીયે રહ્યા તો સુન્દરમ્ જ! સુન્દરમે વાર્તાકાર તરીકે ‘ત્રિશૂળ’ નામ રાખ્યું તેની સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે ‘ત્રિશૂળ'માંનું ‘ત્રિ’પદ તે તેમના પિતૃદત્ત નામ ‘ત્રિભોવન'નું તો તેમાંનું ‘શૂળ' પદ ટૂંકી વાર્તાની વેધકતાનું દ્યોતક છે. ‘ત્રિશૂળ' ઉપનામ ધારીને સુન્દરમ્ વેધક વાર્તાઓ લખવાની પોતાની ભાવના સૂચવવા માગતા હતા. (‘તપોવન’, ૧૯૬૯, પૃ. ૬૪) જોકે વાર્તાક્ષેત્રે તેમનો ‘ત્રિશૂળ' કરતાં ‘સુન્દરમ્' રૂપે જ સવિશેષ સાક્ષાત્કાર થાય છે.
સુન્દરમે ‘ગોપી’થી ‘હીરાકણી’ નામના એમના પહેલા વાર્તાસંગ્રહના નિવેદનમાં જણાવ્યું છે તેમ, તેમણે તેમની પહેલી વાર્તા લખી ૧૯૩૧ની સાલમાં, ‘લૂંટારા' નામની અને તે ‘ત્રિશૂળ'ની સહીથી, ભરૂચથી નીકળતા ‘વિકાસ’ નામના એક સાપ્તાહિકમાં છાપવા આપેલી. એ પહેલી વાર્તા લખતાં સર્જક સુન્દરમે જે આંતરિક ભય અનુભવેલો તે ૧૯૩૮માંયે ચાલુ રહ્યો હતો. એ ભય હતો વાર્તાની અટપટી કળાનો. વાર્તામાં ભૂલો થઈ જવાની એટલી બધી સગવડ હોય છે કે સફળ વાર્તા લખાય તો એને કળાનો પ્રસાદ જ માનવાનો રહે. સદ્ભાગ્યે, સુન્દરમ્ને એ કળાનો પ્રસાદ સારા પ્રમાણમાં સાંપડ્યો છે. આમ છતાં સુન્દરમ્માં વાર્તાકાર તરીકેની વિનમ્રતા, વિચક્ષણતા તથા સચ્ચાઈ એવાં હતાં કે ૧૯૬૭માં પણ પોતાને વાર્તા લખતાં નથી આવડતું એમ લાગ્યાં કરે છે! સુન્દરમ્ની વાર્તા વિશેની વિભાવના જ એવી ઊંચી કે આવું ન લાગે તો જ આશ્ચર્ય થાય. સુન્દરમ્ની વાર્તાકાર તરીકેની સૂઝસમજ તેમ જ ક્ષમતા શક્તિ તથા વિકાસલક્ષી ગતિવિધિની તાસીર કેવી મજબૂત હતી તેનું વાર્તાકળાના એમના આવા સર્જનાનુભવ પરથી અનુમાન થઈ શકે છે.
સુન્દરમ્ વાર્તાક્ષેત્રે સતત વિકસતા રહેલા છે. ‘લૂંટારા’થી ‘તારિણી’ સુધીનું એમનું વાર્તાફલક જોતાં તેની પ્રતીતિ થાય છે. સુન્દરમ્ની વાર્તાઓમાં આપણી વાર્તા-પરંપરાનું અનુસંધાન હોવા સાથે વાર્તાપ્રયોગોનું નાવીન્ય અને તેમની તાજગી પણ જોવા મળે છે. એમની વાર્તાઓમાં વસ્તુસામગ્રી તેમ જ રજૂઆતનું વૈવિધ્ય પણ ધ્યાનપાત્ર છે. સુન્દરમ્ની વાર્તાઓ એમના જીવનની ઉત્ક્રાન્તિ સાથે તાલ મેળવતી – જાળવતી ચાલે છે. પાર્થિવ વાસ્તવિકતાથી આરંભીને આધ્યાત્મિક વાસ્તવિકતા સુધીનું એમનું ઉન્નયન આ વાર્તાઓમાં આહ્લાદક રીતે પ્રતીત થાય છે.
સુન્દરમ્ કવિ-હૃદયી વાર્તાકાર હોઈ તેમની સંવેદનમૂલક દૃષ્ટિ જે તે પાત્ર કે પ્રસંગના હાર્દ પર બરોબર નોંધાયેલી રહે છે અને તેના સંદર્ભમાં તેઓ જે તે પ્રસંગ કે વાતાવરણના પ્રભાવ હેઠળ પાત્રમાનસમાં જે સંચાર સંચલનો ઊઠે તેનું સુરેખ ને સચોટ ચિત્રાંકન કરવામાં સારો એવો સર્જનોત્સાહ અને પુરુષાર્થ દાખવે છે. જે તે પાત્ર-પ્રસંગના અંતરતમ રહસ્ય સુધી પહોંચવામાં તેમની સ્ફૂર્તિ અને શક્તિ નોંધપાત્ર માત્રામાં પ્રગટ થાય છે. સુન્દરમ્ની કલાદૃષ્ટિએ કંઈક શિથિલ કે પાંખી લાગતી વાર્તાઓમાં પણ એમની જે તે પાત્ર કે પ્રસંગના અનુલક્ષમાં પ્રગટ થતી સર્જનગતિ ભાવકો માટે આકર્ષણ અને આહ્લાદનો વિષય બની રહે છે.
સુન્દરમ્નું વાર્તાસર્જક તરીકેનું સંવેદન સૂક્ષ્મ હોવા સાથે સંકુલ પણ હોય છે. કલામાં એમની દૃષ્ટિ પ્રમાણમાં ઘણી ઝીણી હોવાનું પ્રતીત થાય છે. એમની રજૂઆત વિગતપ્રચુર, તથ્યપરક અને સત્યલક્ષી હોય છે. અલબત્ત, એમાં પ્રધાનતયા ભાવ-કળાનું વર્ચસ જળવાય એ માટેની સુન્દરમ્ની જાગૃતિ અને જહેમત પણ ભાવકોને જોવા-અનુભવવા મળતી જ હોય છે.
સુન્દરમે ૧૯૩૮માં ‘હીરાકણી', ૧૯૩૯માં ‘ખોલકી અને નાગરિકા’ અને ૧૯૪૦માં ‘પિયાસી’ વાર્તાસંગ્રહો આપ્યા. તે પછી ‘ખોલકી અને નાગરિકા’ના ગોત્રની કેટલીક વાર્તાઓ ૧૯૪૪માં રચાતાં, એ વાર્તાઓનો ૧૯૪પમાં ‘ઉન્નયન' નામનો અર્ધો જૂનો ને અર્ધો નવો એવો સંગ્રહ મળ્યો. એ પછી સુન્દરમે કાયમ માટે પોંડિચેરી-નિવાસ સ્વીકાર્યો. ત્યારપછીનાં ર૧ વરસોમાં સરેરાશ વરસે એક વાર્તાના હિસાબે ૨૧ વાર્તાઓ રચી. તે વાર્તાઓ તેમ જ અન્ય અસંગ્રહસ્થ ૯ વાર્તાઓ લઈને સુન્દરમે ૧૯૭૮માં ‘તારિણી’ વાર્તાસંગ્રહ આપ્યો; જે તેમની વિકાસધર્મી વાર્તાસર્જકતાનો સંકેતક છે. ‘તારિણી'માં ૧૯૩૩થી ૧૯૭૬ સુધીના સમયપટની વાર્તાઓ આવી છે, જેને સુન્દરમ્ એમના વાર્તાલેખનના આખાયે સમયપટની નાનકડી છબીરૂપ લેખે છે.
સુન્દરમ્ આ વાર્તાસંગ્રહના સંદર્ભમાં પોતાની વાર્તાલેખનની પ્રક્રિયા વિશે જે મહત્ત્વની વાત કરે છે તે અહીં નોંધવી જોઈએ. તેઓ લખે છે
‘વાર્તાલેખન એ મારે માટે કવિતાલેખનના જેવો જ એક વિશિષ્ટ અનુભવ બની રહ્યો છે. આપણને જીવનમાં અને કર્મમાં પ્રેરનારી જીવન-સર્જક શક્તિ પોતાની સ્વૈર ગતિએ આપણી દ્વારા કામ કરે છે, પોતાનો કોક નૂતન આવિર્ભાવ રચતી રહે છે. એ કવિતાની પ્રેરણારૂપે આવે છે ત્યારે તે આપણને કોઈ ઊંચાં શિખરો ઉપર લઈ જઈ ચાંદની રાતે સોમવલ્લીનું ચયન કરાવી તેમાંથી સોમરસ આવતી હોય તેવું બને છે. વાર્તાલેખન, સર્જનાત્મક ગદ્યની રીતે તે આવે છે ત્યારે તે જાણે ગિરિશિખરો નહીં, પણ પર્વતની કંદરાઓમાં, ગિરિતળેટીઓમાં, વન-ઉપવનોમાં અને માનવનાં નગર, મહાનગરો, શેરીઓ, પોળો, ગલી કૂંચીઓ, ખેતરો પાધરોની દુનિયામાંથી આપણી પાસે નાનાં-મોટાં ફૂલો ચૂંટાવી લે છે; ચાંદની રાતને બદલે ભાતભાતનાં ધુમ્મસોમાં, તડકાછાંયાઓમાં, આપણને ગુમાવે છે. આમ વાર્તાકારને માથે જાણે ધૂળધોયાનું, ધૂળના ઢગલામાંથી સોનારૂપાના કણ શોધવાનું કામ આવે છે. એ સમય પણ વધુ માગી લે છે. પણ એની રીતે તેનું જે પરિણામ આવે છે તે એ બધી મહેનતને વસૂલ કરી આપે એવું આવે છે એમાં શંકા નથી.
પણ આપણે વાર્તા લખીએ કે કવિતા લખીએ, કહો કે કાંઈ પણ સર્જનાત્મક પ્રવૃત્તિ હાથ લઈએ તે એક પ્રકારની શાંત, સમર્પિત સ્થિતિ માગી લે છે.’
(‘તારિણી', ૧૯૭૮, પ્રસ્તાવના, પૃ. ૭-૮)
સુન્દરમ્ની વાર્તાસર્જનની ઉપર્યુક્ત પ્રક્રિયા ખ્યાલમાં રાખવાથી તેમની વાર્તાઓને વધુ સારી રીતે માણી–પ્રમાણી શકાશે.
સુન્દરમ્ની વાર્તાઓમાં દેખીતી રીતે જ માનવતાનું દર્શન કેન્દ્રસ્થાને હોય છે. માનવસંબંધોની સંકુલ જટાજાળમાં માનવનું સત્ત્વ – માનવતાનું તત્ત્વ કેવું ઘાટઘડતર ને પરિવર્તન – રૂપાંતર પામતું હોય છે તે બતાવવામાં સુન્દરમ્નાં વાર્તાકાર તરીકેનાં કલાસૂઝને કલાકૌશલ્ય સવિશેષ પ્રયોજાય છે. સ્થૂળ ઘટનાઓની તેઓ ઉપેક્ષા કરતા નથી, પરંતુ એ ઘટનાઓ નિરૂપીને એ વિરમતા પણ નથી. એ ઘટનાઓના તકાજા હેઠળ માનવહૃદય કેવાં કેવાં ભાવસંવેદન અનુભવે છે તેનો યથાતથ ચિતાર આપવામાં તેમની ઊંડી દિલચસ્પી વરતાય છે. સુન્દરમ્ વાર્તાગત ઘટના-પાત્રના મૂળમાં કામ કરતા માનવમનનાં સંચલનોને – એના તૉરતરીકાઓને ઉજાગર કરવામાં સવિશેષ રસ દાખવે છે.
સુન્દરમે જે વાર્તાઓ આપી છે તેમાં ગ્રામજીવન અને નગરજીવન – બંનેયનું આલેખન જોવા મળે છે. માગણ અને ગુનાહિત કાર્યો કરતી કોમથી માંડીને નાગર જ્ઞાતિ સુધી વિવિધ સામાજિક સ્તરો સાથે સંકળાયેલી વાર્તાઓ એમણે આપી છે. એમાં ગ્રામજીવન તેમ જ નગરજીવનની કાળીધોળી બાજુઓનું દર્શન પ્રગટ થાય છે. જોકે, નગરજીવનની મનુષ્યની શક્તિ-મુક્તિને ભીંસનારી તાસીર પ્રત્યેની સુન્દરની અરુચિ સ્પષ્ટ છે. ‘મીન પિયાસી' જેવી વાર્તામાંથી એના સંકેત પામી શકાય એમ છે. સવિશેષ તો આ વાર્તાકારની અરુચિ છે દંભી, દાંડ, દોદળી દશામાં જીવનારાં, સત્તા, સંપત્તિ વગેરે પાછળ ભરાયાં બની માનવતાની કરપીણ હત્યા કરનારાં શોષણખોર સ્થાપિત હિતો સામે. આ સ્થાપિત હિતો વ્યક્તિ તેમજ સમષ્ટિજીવનને કેવો ટૂંપો દે છે તે સુન્દરમ્ની અનેક વાર્તાઓમાં વિવિધ રીતે દર્શાવાય છે. ગરીબાઈ કેવો અભિશાપ છે, મોટાઈ કેવા આતંક સર્જે છે તે પણ સુન્દરમ્ની વાર્તામાં સુપેરે જોવા મળે છે.
પ્રસ્તુત સંગ્રહમાંની પહેલી વાર્તા ‘ગોપી'માં ગોપાળ નામનો રાવળિયા કોમનો એક રૂપાળો કિશોર ‘ગોપી'નો વેશ લઈ નાચે છે. એનો બાપ મોતી રાવળ ઢોલી છે. તે પોતાના દીકરાના દેખાવ ને નર્તનકળાનો લાભ લઈ વધુ ને વધુ કમાણી કેમ થાય એની તજવીજમાં રહે છે અને પોતાના જ દીકરા પાસેથી હદ બહારનું કામ લેતાં એ દીકરો નાચતાં નાચતાં મૂછ પામે એવી પરિસ્થિતિ સર્જાય છે. ગોપીની કળાની સાથે જ તેની કરુણતાની આ પરાકાષ્ઠા વાર્તાને અંતે સર્જાય છે. સમગ્ર વાર્તાનું ગોપીના નર્તને બંધાયેલું રંગીન રેશમી પડદા જેવું વાતાવરણ છેલ્લે ચિરાઈ જાય છે, બેરંગી બની જાય છે. કવિ સુન્દરમે આ વાર્તામાં આ રાવળિયા બાપ-દીકરાને નચાવનાર જમીનદાર વર્ગનું તો તે સાથે ગોપીની નૃત્ય-રજૂઆતનું ભાવવાહી નિરૂપણ – અસરકારક વર્ણન કર્યું છે. ‘મોતીના છોડની જેમ’ મોતી રાવળે ઉછેરેલો ગોપાળ – ‘ગોપી’ એના પોતાના માટે આજીવિકાનું – કમાણીનું મજબૂત સાધન હતો; પણ એ સાધન પોતાની જ લોભવૃત્તિ અને મજબૂરીના કારણે જે રીતે નંદવાઈ જાય છે તે એક કરુણ – વેદનાકર ઘટના છે. વાર્તાકારે ગોપી ઢગલો થઈને પડ્યો ત્યાં જ વાર્તા પૂરી કરી છે. એની મૂચ્છ પછી વળી કે નહીં તે અંગે તેમણે મૌન સેવી, અંતને કલાત્મક સંદિગ્ધતા અર્પે છે.
‘પૂનમડી’ વાત છે. એક કામવાળીની, પણ એની રજૂઆત સુન્દરમે આકર્ષક રીતે કરી છે. તેમાં લેખકે હળવા વ્યંગ-વિનોદની યુક્તિને પણ કામમાં લીધી છે. પોતાના કઠોર-મધુર દાંપત્યજીવનનો પણ લીલા-મય અભિગમે પરચો કરાવતાં કરાવતાં પૂનમડીના શીલસત્ત્વનોયે આબાદ પરિચય આપે છે. પૂનમડી પ્રત્યેના વાર્તાકથકના કૂણા – સુંવાળા અભિગમનો રસરંગ પણ હળવી કલમે આસ્વાદ્ય રીતે સાધંત સ્રવતો રહે છે. પોતાની પત્ની લીલા તથા કામવાળી પૂનમડી વચ્ચે જે રીતે આત્મીયતા બંધાતી જાય છે તેનું રસાત્મક ચિત્રણ લેખક આપે છે. પૂનમડીની વાત માંડતાં, જમાવતાં વાર્તાકથક જે ઉત્સાહને પ્રસન્નતા અનુભવે છે તે પણ ધ્યાનપાત્ર છે. એમાં કજોડાનો ભોગ બનેલી પૂનમડીની શ્વસુરગૃહે વિદાયની વાત છેલ્લે આવે છે. તેમાં વેદના અને ભાવિનો ભય બેય સંમિશ્ર છે. સાસરે જવા માટે તૈયાર થયેલી પૂનમની વેણી તૈયાર કરતાં લીલા દ્વારા એમાં ફૂલ ગૂંથાયાં છે કે આંસુ – તે અંગેનો માર્મિક વિચાર છેડે છે. વાર્તાકથકનું પૂનમડી માટેનું ખેંચાણ કેવું છે તેની લીલાને પાકી ખબર છે તેવી તો છેલ્લે રુક્ષ અવાજે બોલે છે. ‘ચાલો હવે ઘરમાં. ત્યાં શું જોવાનું છે?' માનવમન કઈ રીતે, ક્યાં, કેટલું ને કેમ ખેંચાય છે તેનાં ગણિત સમજવા મુશ્કેલ હોય છે. કોઈક ઋણાનુબંધ જેવીયે બાબત હોય છે ખરી. આ વાર્તામાં પૂનમડીનો એવો ઋણાનુબંધ ન કેવળ વાર્તાકથક સાથે, તેની પત્ની લીલા સાથે કેવો જોડાય છે તે જોવા-સમજવા જેવું છે. વાર્તાકથકે દૈવને વશ થતાં ‘જીવનનાં અશક્ત સોગટો’માં ‘લીલુડા વનની પોપટી જેવી પૂનમડીનોયે સમાવેશ કર્યો છે તે સૂચક છે.
‘ખોલકી'માં જિન્સી તત્ત્વની વાત છે. સુન્દરમ્ ગાંધીયુગના, ગાંધીસંસ્કારે પ્રભાવિત સર્જક છે; પરંતુ એ સાચુકલા સર્જક હોઈ વિધિનિષેધોની કૃતક જાળથી સતત બચતા રહ્યા છે. ગુજરાતી વાર્તાવિશ્વમાં ‘ખોલકીના અવતરણે એક ઊહાપોહ સર્જેલો. આ વાર્તામાં અંતના ‘આમ ફર ને, ખોલકી!’ વાક્ય માટે વાર્તાકારે જે ઘટનાસંદર્ભ, ભાવસંદર્ભ, પાત્ર-સંદર્ભ સર્જ્યો છે તેમાં ઉત્કૃષ્ટ પ્રકારની કલાત્મકતા દેખાય છે. વાર્તાનો આરંભ કૂતરાંના ભસવા સાથે થાય છે અને કૂતરાંબલાડાંના જીવનમાં જે બને તે પ્રકારનું, સ્થૂળ રસનું વેધક કલાદૃષ્ટિથી થયેલું નિરૂપણ કેટલીક રીતે અનન્ય છે. ભાભી સાથેની આ વાર્તાની નાયિકા ચંદનની ગોઠડી અને એમાં પ્રગટતા જાતીય જીવન અંગેના ભાવસંકેતો વાસ્તવિકતા ને કલાત્મકતાનું કેવુંક તો આકર્ષક ગઠબંધન થઈ શક્યું છે તેની રમણીય પ્રતીતિ કરાવે છે. આખી વાર્તા જેના દ્વારા રજૂ થાય છે તે વાર્તાનાયિકા એના ગીધ જેવા વર માટે તો ખોલકી જ કરે છે! એ માત્ર એની ભોગશય્યાના પાત્રથી વિશેષ નથી. દસબાર ફૂંક લઈને ફેંકી દીધેલી સિગારેટથી એનું ઝાઝું મૂલ્ય નથી ને તે જ બાબત ચંદનના જીવનની કરુણતા માટેનું સૌથી જોખમી કારણ જણાય છે. લેખકે આ આખીયે વાર્તા જે રીતે ચંદન દ્વારા રજૂ કરાવી તેમાં ઊંચા પ્રકારનો કલાવિવેક સહૃદયો જોઈ શકશે.
‘નાગરિકા'માં આખી વાર્તા નાયિકામુખે રજૂ થઈ છે. આ વાર્તામાં દાંપત્યસંબંધની વિસંવાદિતા હળવી રીતે ને છતાં વેધક રીતે રજૂ થઈ છે. પરણ્યાની પહેલી રાત જ ‘વેદાભ્યાસજડ’ જેવા, ગાંધી-જીવનશૈલીના આંધળા અનુકરણમાં રાચતા તરંગી પતિના કારણે કેવી ‘અધવારી જાય છે તેનું વેદના ગર્ભ ચિત્રણ જોવા મળે છે. વાર્તાનો નાયક કાલિદાસનાં પાત્રોની ભાવસૃષ્ટિમાં ગુલતાન રહે છે, પણ પોતાની નવવધૂની ભાવસૃષ્ટિ સમજવાની બાબતમાં સાવ અણઘડ સાબિત થાય છે. પરણ્યાની પહેલી રાત્રે જ વિચિત્ર માનસિકતા પ્રગટ કરતા પોતાના પતિદેવ સાથે આ ‘નાગરિકા' કઈ રીતે આખો જન્મારો વિતાવશે; કઈ રીતે એ પતિદેવની આ વાર્તામાં નિરૂપી છે તેવી વિચિત્રતાઓને સહન કરશે તે અંગેનો પ્રશ્ન પણ આ વાર્તા ભાવકના ચિત્તમાં સંકોરી રહે છે. નાગરિકાની નજરે આખી વાર્તા રજૂ થયાથી વાર્તાના કેન્દ્રમાં રહેલી ભાવસંકુલતાને ઈષ્ટ ઉઠાવ મળે છે.
‘માજા વેલાનું મૃત્યુ’ વાર્તા સુન્દરમ્ની જ નહીં, ગુજરાતી વાર્તાસાહિત્યની કેટલીક ઉત્તમ વાર્તાઓમાં સ્થાન પામે એવી કલાસમૃદ્ધ છે. અહીં માજા વેલાના પાત્રચિત્રણમાં સુન્દરમ્ની વાર્તા-સર્જનકળા સોળે કળાએ ખીલી હોવાનું વરતાય છે. સુન્દરમ્નું નિરીક્ષણ અને સંવેદન; એમની કલ્પકતા ને નિરૂપણકળા – સૌનો અહીં ઉત્તમ સહયોગ સધાયો છે. માગીભીખીને જીવનારા, તક મળે તફડંચી કરનારા કે ધાડ પણ પાડનારા, પોલીસનો સિતમ સહેનારા તો કોઈને લૂંટફાટ કરતાં ખતમ પણ કરી દેનારા, નીચલા ગણાતા એક વર્ગનો પ્રતિનિધિ આ માજો વેલો છે. લેખકે વાર્તાના આરંભે ‘પ્રાચીન કાળના કુલપિતા' સમું એનું જે ગૌરવચિત્ર આલેખ્યું છે તે વાર્તામાં અંત લગી ટકી રહે છે. માજા વેલાનો એનાં સંતાનો સાથેનો સંબંધ – એનો વનો, ખુડી જેવાં માટેનો પક્ષપાત; જીવનનો સ્વાદ લેવાની એની સાહજિક શક્તિ, એની ખુમારી ને ખમીર, એની કરુણા અને વત્સલતા – આ બધું વર્ણન, સંવાદ વગેરેમાં ખૂબ પ્રભાવક રીતે પ્રગટ થયેલું માણી શકાય છે. સમાજજીવનના એક અક્ષુણ્ણ વિસ્તારનું અહીં જે કલાત્મક વાસ્તવદર્શન પ્રાપ્ત થાય છે તે વિરલ છે. લેખકની જીવનદૃષ્ટિનું નરવાપણું ને રસિકપણે અહીં સુપેરે વ્યંજિત થાય છે. જે ટાવર આગળ માજો વેલો બેઠેલો એ ટાવરના જેવું જ ઉન્નત વ્યક્તિત્વ (ટાવરિંગ પર્સનાલિટી) તેનું વરતાય છે.
‘પની’ ‘પૂનમડીની સગોત્ર લાગે એવી છે. આ વાર્તામાં પણ પૂનમડીની રીતે જ રજૂઆત થઈ છે. નારીજીવનની કરુણતા – વેદના અહીં અનુભવાય છે. આ વાર્તામાં સુન્દરમ્ના ભંગની ધાર કેવી અસરકારક છે તેનો અનુભવ થાય છે. ઝીણિયાની ‘તુલસીભક્ત' તરીકેની ઓળખાણમાં જ સૂક્ષ્મ વ્યંગ છે. એ ઝીણિયો કુસંગને કારણે, વહેમ અને અન્ય કુટેવોને કારણે પત્નીને માથે જે રીતે વિતાડે છે તે સહેજેય સહૃદયને કરણનો અનુભવ કરાવે છે. લેખકે પનીનો પોતાને જે પરિચય છે તે કેવો મીઠો ને પ્રસન્નકર છે તે નિરૂપી, તેના જેવા રત્નની મર્કટ જેવા ઝીણિયાના હાથે જે વલે થાય છે તે બતાવી, સમાજજીવન તેમ જ દાંપત્યજીવનની વિષમતાનું વાસ્તવિક ચિત્ર રજૂ કર્યું છે. પનીનું શીલસત્ત્વ, એની સ્નેહાળતા ને સહનશીલતા, એની મધુરતા સાથેની તેજસ્વિતા વગેરેનું રમણીય દર્શન અહીં લેખકની નજરે આપણને પ્રાપ્ત થાય છે.
જેમ પનીની તેમ ‘માને ખોળે' વાર્તામાંની શબૂ પણ સામાજિક જીવનની – દાંપત્યજીવનની વિષમતાનો ભોગ બને છે. પની આત્મહત્યા કરીને પોતાને બુઝાવી દે છે તો શબૂને એનો પતિ અને સસરો જ આસુરી આક્રમણ કરી એની જીવનવાટને મસળીને બુઝાવી દે છે. લેખકે શબૂના એના પતિ અને સસરા પાછળના ગમનનું કાવ્યાત્મક – ભાવાત્મક અભિગમથી સૂક્ષ્મ અને હૃદયદ્રાવક ચિત્ર આંકેલું છે. શબૂના ચિત્તનો, એના દરેકેદરેક પગલાનો એક સુરેખ નકશો અહીં સાંપડે છે. એમાં શબૂનું શૈશવ, એનો કન્યાકાળ, એનો બાપડિયા પતિ સાથેનો વિષમ સંબંધ-વ્યવહાર વગેરેની મધુર તેમજ વેદનાસભર ઘટનાઓ સમાવિષ્ટ છે. આ વાર્તામાં કવિએ બિલાડી, કંથારનો કાંટો, કોતરની ઊડતી ધૂળ, રેતીનો પારો, ઝાંઝવાં વગેરેનાં ઓઠાં લઈને શબૂની ભયભીત મનોદશાનું દર્શન કરાવ્યું છે. શબૂને એના પતિ ને સસરામાં જમનાં દર્શન થયાં તે અમતું નથી. રૂપા હૉણ કપોત જેવી શબૂને ક્રૂરતાથી પીંખી નાખે છે ત્યારે એનો નિર્માલ્ય દીકરો મેઘો શબૂના પેટમાં જે હમેલ છે તે પોતાના કારણે છે એટલીયે ચોખવટ કરી શકતો નથી. ખરેખર તો એ મુડદા જેવો હોઈને જ શબૂને અકાળે મરવા વારો આવ્યો હોય છે.
‘મીન પિયાસી' કંઈક જુદી જ ભાત પાડતી વાર્તા છે. આ વાર્તામાં કેન્દ્રસ્થાને ભજનિક છે. ખાનદાન ઊંચું, પણ પોતાના એક છોકરાની નાદાનિયતના કારણે તથા બીજા છોકરાના વીજળી પડવાથી થયેલા આકસ્મિક મરણને કારણે ભજનિકને ઘર-ખેતર છોડીને રસ્તા પર આવી જવું પડે છે. ડોસાને, એનો નાદાન દીકરો તેમ જ એ દીકરાની બે માસૂમ દીકરીઓને લઈ શહેરમાં આવવાનું થાય છે. જે છોકરાના પાપે લીલી વાડી ઊજડી એ જ છોકરો ડોસાની ભજન કળાનો સ્વાર્થવૃત્તિથી લાભ ઉઠાવવાના પેતરા કરે છે. ડોસા પાસે તે પરાણે જાણે રામનામનો વેપાર કરાવે છે, પરંતુ ડોસો અંદરથી ભારે પવિત્ર અને બળવાન હોઈ દીકરાના હલકા પ્રયત્નો છતાં પોતાની ગૌરવગરિમા સાચવીને, રામનામનીયે પ્રતિષ્ઠાને બરોબર જાળવવા મથે છે. આ બાજુ ડોસાની ભજનકળાનો પ્રભાવ વધતાં દીકરાને આજીવિકા માટે પૂરતી નહીં તો ઠીક ઠીક આવક મળી રહે છે. ડોસો એ આવક પ્રત્યે નિઃસ્પૃહ છે. એનો તો રસ ભજનભક્તિમાં જ છે. એમાં જ એ કોળે છે. આ ડોસાને એક ધનવાનને ત્યાં ભજન કરી પાછા ફરતાં તાવ આવતાં દીકરી ને તેની દીકરીઓ વ્યગ્ર બને છે. દીકરોય હવે પોતાની કઠોરતા છોડી કૂણો પડે છે, પણ ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. વૃદ્ધ બાપ ભજનની લહમાં જ છેવટે શાંત ભાવે પોતાનો દેહ છોડે છે. અહીં ‘પાની મેં મીન પિયાસી'ની વાત સચોટ રીતે ડોસાના કુલપરિવારને લાગુ પડતી જણાય છે. અહીં ડોસાનું પાત્ર સાત્ત્વિક ગુણે ઓપે છે. ‘મળેલા જીવ’ના ભગત પહેલાં આવા ભગત વાર્તાસાહિત્યમાં આવ્યા તે ખાસ નોંધવું જોઈએ. સુન્દરમ્ માનવસ્વભાવ ને માનવવ્યવહારનું સચ્ચાઈભર્યું ને સમજભર્યું આલેખન કરી પાત્રોને અને તેમના સંબંધોને જીવંતતા અને ગહનતા બક્ષે છે.
‘ઊછરતાં છોરુ’ સુન્દરમ્ની વિલક્ષણ વાર્તા છે. ‘ખોલકી’માં જાતીય તત્ત્વનું એક પ્રકારનું તો અહીં બીજા પ્રકારનું નિરૂપણ છે. આ વાર્તામાં હૉટેલજીવનનું દર્શન છે. એમાં નારસિંહ ઠાકોરનું પાત્ર કેન્દ્રમાં છે. એની સાથે લખમણ તથા ગટિયા જેવાં પાત્રો પણ યાદ રાખવાં પડે. આ વાર્તામાં હૉટેલમાં કામ કિરતા બાળકો-કિશોરોની યાતનાઓનું, એમના જાતીય શોષણ વગેરેનું અસરકારક નિરૂપણ છે. આ નિરૂપણ કરવામાં સુન્દરમ્ જેવા ગાંધીસંસ્કારે ઘડાયેલા સર્જકને કશી છોછ નડી નથી. અશ્લીલતા કે કુત્સિતતામાં ન સરી પડાય એ રીતે જેમ એમણે ખોલકીમાં વિજાતીય સંબંધનું તો આ વાર્તામાં સજાતીય સંબંધોનું આલેખન કર્યું છે. એમાં હૉટેલજીવનની કરુણતા સાથે ઉપહાસ-વ્યંગ-વિનોદ આદિ તત્ત્વોનુંયે જે રીતે મિશ્રણ થયું છે તે આસ્વાદ્ય છે. નારસિંહ જેમ કેટલીક વાર ઉપહાસને પાત્ર તેમ કેટલીક વાર ઊંડા સમભાવને પાત્ર વ્યક્તિ તરીકે અહીં ઊપસે છે. વાર્તાના અંત ભાગમાં આવતી સરઘસાદિની વાત હૉટેલમાલિકોના શોષણ વિરુદ્ધના મોરચાની વાત ટાળી શકાઈ હોત અને એ રીતે વાર્તાના ઉત્તરાર્ધની અન્યથા માવજત થઈ હોત તો? – એવો પ્રશ્ન જરૂર 'ઊઠે. આમ છતાં ગુજરાતી વાર્તાસાહિત્યમાં તો હૉટેલની દુનિયાની વાસ્તવિક ને દર્દભરી ઝલક આપતી આ વાર્તા જે ગાળામાં રચાઈ તે ગાળામાં તો અનન્ય લાગે એવી છે. આપણે ત્યાં ઊછરતા બાળકો-કિશોરોને રમવા-ભણવાની ઉંમરે કેવાં કેવાં કામ કરવાં પડે છે અને કેવું કેવું વેઠવું પડે છે તેનો અહીં સીધો – વેધક અંગુલિનિર્દેશ છે.
‘દુનિયાનું મોં’ સુન્દરમ્ની વાર્તાસષ્ટિમાં શિલ્પવિધાનની દૃષ્ટિએ ધ્યાનાર્હ છે. આ વાર્તામાં જે અવસાન પામ્યો છે તે પુત્ર જે રીતે પોતાના પરિવારને, સગાંવહાલાં વગેરેને જુએ છે તેનું નિરૂપણ છે. પોતાના અવસાન પછી પોતાના દેહને સ્મશાનમાં ચિતામાં વિખેરી દેવા સુધીની ઘટનાઓમાં પત્નીના વૈધવ્ય કર્મની વાત પણ વણાઈ જાય છે. પોતાની આસપાસની દુનિયા કેવી બે મોઢે બોલનારી હોય છે; કેવી રાગ, દ્વેષ, અસૂયા આદિથી પ્રેરિત હોય છે; કેવી સ્નેહ અને તિરસ્કારના મિશ્ર ભાવોથી સંચારિત થતી હોય છે તેનું અહીં અનોખું દર્શન છે. એમાં સાચા-જૂઠાનું મસાલેદાર ચૂર્ણ જોવા મળે છે. દરેકેદરેક વ્યક્તિ દુનિયાદારીના વ્યવહારોનાં કેવાં કેવાં સૂત્રોથી બદ્ધ – સંલગ્ન હોય છે તે આ વાર્તા દર્શાવે છે. હમદર્દીનાં આંસુમાંયે કેવી કેવી બનાવટો હોય છે તે આ વાર્તા દર્શાવે છે. એમાં આપણા રૂઢિજડ સમાજવ્યવહારનું ન ગમે એવું રૂપ પણ આલેખાયું છે.
‘ઇવનિંગ ઇન પૅરિસ’માં પણ કેન્દ્રમાં છે દાંપત્યસંબંધ. એક તબક્કે સ્નેહનો – રોમાન્સનો ભરપૂર અનુભવ કરતાં લગ્નગ્રંથિથી જોડાયેલાં યુવક યુવતી મકરન્દ અને અંજના. પ્રેમ જીરવતાં ને નભાવતાં ન આવડ્યો તે કારણે. બાર બાર વરસ અલગ રહે છે. પછી સંયોગવશાત્ ભેગાં થવાનું બને છે. એ ઘટનાના સંદર્ભમાં લેખકે સરસ રીતે મકરન્દ અને અંજનાને પરસ્પર પ્રતિ ખેંચાતાં ને છેવટે ભેગાં થતાં બતાવ્યાં છે. પરસ્પરને ખૂબ ચાહતાં છતાં પહેલાં તેઓ મેળ સાધી શક્યા નહોતાં, જે સાધવાનું વિયોગ પછીથી ભૂમિકા સહજતયા બને છે. કદાચ વિયોગ સ્નેહને વધુ ઊંડો ને સાર્થક બનાવે છે. આ વાર્તાનો સુખાંત આસ્વાદ્ય છે.
‘ઊભી રહીશ’ એ પણ લેખકની કંઈક અનોખી રીતે લખાયેલી વાર્તા છે. એમાં પણ નારીની વેદનાનું, એની વિયોગનિષ્ઠ અવસ્થાનું માર્મિક વર્ણન છે. એક તબક્કે માતા, પિતા, ભાઈ વગેરે સાથે સ્નેહસંબંધે સંકળાયેલી કન્યા – યુવતી પતિને પામીને એને જુએ છે. પતિ એને વિદાય આપીને, એને ચિર પ્રતીક્ષાની હાલતમાં હડસેલીને ચાલ્યો જાય છે. એ ક્યાં ચાલ્યો ગયો છે તેની તો ખબર પડતી નથી, પણ એ જતાં જતાં પાછા આવવાની જે શ્રદ્ધા પોતાની પત્નીને બંધાવી ગયો છે તે સુદૃઢ છે. પત્ની એ શ્રદ્ધાના જોરે ટકે છે. એને એમ છે કે એ ક્યારેક તો પાછા આવશે જ. શરૂઆતના ગાળામાં તો ભર્યું ભર્યું પારિવારિક વાતાવરણ હોઈ – ભાઈ, માતા-પિતા વગેરે હોઈ ટકી રહેવાનું પ્રમાણમાં અનુકૂળ રહ્યું; પણ એક પછી એક સ્વજનોની ચિરવિદાય પછી, પોતે છેક જ એકલી પડી જાય છે અને ત્યારે એના માટે ઘરની બારસાખ જ પરમ શાતાદાયક – આશ્વાસક બની રહે છે. એ એના માટે દાદા(લકડદાદા)ની ગરજ સારે છે. જેવું એનું ઘર છે, જેવી એની બારસાખ છે એવી જ હાલત આ વાર્તાની નાયિકાની છે. એ નાયિકા ટકી રહી છે પિયુમિલનની આશાના એકમાત્ર તંતુબળે.
સુન્દરમ્ના આધ્યાત્મિક વિકાસ સાથે વાસ્તવદર્શનની એમની ભૂમિકામાં યથોચિત પરિવર્તન સધાતું જોઈ શકાય છે. ‘એઈ દિકે' તેમ જ ‘તારિણી' આ બંનેય વાર્તાઓ આ સંદર્ભમાં જોવા જેવી છે. ‘એઈ દિકે'માં પાંચ મિત્રો છે. પાંચેયની પોતપોતાની આગવી વિલક્ષણતા છે. લેખક એમની કથની અનોખી ભાવછટાથી અહીં રજૂ કરે છે. વાર્તાકથક તો ભમતારા છે જીવવું એનો એક રીતે અર્થ છે ભમવું. પરંતુ ભમતાં ભમતાં જીવનનો ખડી તાસીરનો ખ્યાલ આવતો જાય છે અને ભમતાં ભમતાં એવો કોઈ અનુભવ મળે છે, તે એવી કોઈ હસ્તીનો સત્સંગ પ્રાપ્ત થાય છે કે પછી આખી પ્રક્રિયા પ્રવૃત્તિને નવા સંદર્ભમાં જોવી – ઘટાવવી પડે. જે જગ આપણે સાધારણ રીતે ટેવાયેલા છીએ એ જગત પછીનું પણ એક બીજું જગતે છે, એનેય જોવા સમજવાનું – અનુભવવાનું રહે છે. જ્યારે આપણા આ રોજિંદા જગત અને જીવનથી ઉપરના સ્તરના એ અન્ય જગતમાં પહોંચવા માટેની ભૂમિકા ખૂલે ત્યારે જરૂર પડે છે કોઈના અંગુલિનિર્દેશની, કોઈની પ્રેરણાની, કોઈના માર્ગદર્શનની અને એ અહીં વાર્તાનાયકને યથાસમય લાધે છે એક ગૂઢ દૈવી હસ્તી દ્વારા – એક નારી દ્વારા. વાર્તાનાયકને દિવ્ય પ્રેરણાશક્તિના પ્રતીકરૂપ એ નારીના સૂચન પ્રમાણે ચાલતાં જ એક નવી સૃષ્ટિનો અનુભવ થાય છે; જેમાં પોતાનો અપૂર્ણ કુંભ અમૃતથી ભરાઈ રહેવાનું શક્ય બને છે. આ દિવ્ય અનોખી હસ્તીના દર્શને – સાક્ષાત્કારે જ ભમતારામ એવા વાર્તાકથકને સાચું ઠામઠેકાણું ને પોતાના હોવાપણા ને થવાપણાની સાર્થકતાનું સમ્યગુ ભાન થઈને રહે છે. આવા કંઈક નિગૂઢ સંચલનની યાત્રા-કથા ‘એઈ દિકે'માં આકૃત થયેલી પમાય છે.
‘તારિણી'માં તારક અને હારિણીનાં પાત્રો છે. તારક દેખીતી દુનિયાના જીવનવ્યવહારથી ઉન્નત ઊઠી કોઈ એવી ભૂમિકાએ – એવી સ્થિતિએ ઠરવા ચાહે છે કે જેમાં પરમ શક્તિનો પ્રસાદ હોય, પ્રસન્નતા ને પ્રશાંતિ હોય. એ ભૂમિકા સાધવામાં એનો પોતાનો ઉત્કટ પુરુષાર્થ તો છે જ, સાથે એને પ્રેરણાબળ – પીઠબળ સાંપડે છે હારિણીનું. હારિણી અને તારક પરસ્પરને માટે છે, પરસ્પરના પ્રેરક, સહાય, સમર્થક અને હારક-તારક છે; તેમ છતાં તેઓ દુનિયાદારીમાં અટવાઈ જતી લગ્નગ્રંથિથી નિબદ્ધ નથી. તેઓ પ્રીતિની ભરપૂર ગતિ અનુભવતાં છતાં, સાથ-સંગતિમાં સમુન્નતિ પ્રતિ ધપતાં છતાં એકબીજાને બાંધનારાં કે કુંઠિત કરનારાં નથી. તેઓ પરસ્પર માટે ભાર કે બોજ બનતાં નથી, પણ પરસ્પરને ઉપકારક થાય એવી પાંખ બને છે અને એમાં જ એમના વિલક્ષણ ભાવ-સંબંધની ખૂબી પમાય છે. એમનો એ સંબંધ સમર્પિત છે શ્યામસુંદરને – સમસ્ત જીવનરસોના દિવ્ય અધિષ્ઠાતાને – જીવનના સંવાદમાધુર્યના મૂળભૂત સ્રોતને. આ અનુભવે પહોંચવાના ઉપક્રમમાં વાણી કરતાં શાંત સમર્પિત ક્રિયાકર્મની પ્રતિષ્ઠા વિશેષભાવે અનુભવાતી રહે છે. તારકની હારિણી જ તારકની તારિણી છે તો તારકની સાર્થકતા હારિણીનું તારિણીમાં રૂપાંતર સિદ્ધ થાય એમાં છે. આ વાર્તા લેખકના શ્રીઅરવિંદદર્શનના પ્રકાશમાં, શ્રીમાતાજીના શરણમાં વિશેષભાવે ખૂલે એવી ગૂઢ અને ગહન ભાવસંદર્ભોથી અંકિત છે. સુન્દરમ્ની વાર્તાસર્જક તરીકેની પરાકાષ્ઠા તારિણીમાં છે, ભલે એની કલાકીય આકૃતિમાં ઘણાંબધાં તત્ત્વો ગૂઢ-ગહન આત્મસંવાદની લીલામાં સંગોપિત હોય.
આમ સુન્દરમ્ની વાર્તાઓમાં ગુજરાતી ભાષાની – તેના ગદ્યની શક્તિનો પણ પાકો પરચો મળી રહે છે. સુન્દરમ્ની વાર્તામાં કવિતા છે, પણ તે એમાંના કથાતત્ત્વને આડેધડ તાણી જાય એવી નથી. તાજગીભર્યા અલંકારો-કલ્પનો ને ક્યારેક પ્રતીકોય એમાં આવે છે; પરંતુ સુન્દરમ્ એમના વાર્તાવિશ્વમાં સચ્ચાઈભરી ભાવાનુભૂતિના સંદર્ભમાં પાત્રઘટનાના કથનાત્મક સંદર્ભો સર્જનારા કલાકાર છે. ગુજરાતી ભાષા-સાહિત્ય એમની વાર્તાના ભાવસમૃદ્ધ કથારસથી હરિયાળું બન્યું છે એ નક્કી. ગુજરાતી વાર્તાકળાના ઉન્નયનમાં – એની ઉત્કાન્તિમાં સુન્દરમ્ની સર્જકતાનું પ્રદાન કલાતેજે સદાયે સ્મરણીય રહે એવી કક્ષાનું છે જ.
૪-૫-૨૦૦૪
કવિતા : કડવી વાણી ૧૯૩૩, કાવ્યમંગલા ૧૯૩૩, રંગરંગ વાદળિયાં (બાળકાવ્યો) ૧૯૩૯, વસુધા ૧૯૩૯, યાત્રા ૧૯૫૧, વરદા ૧૯૯૦, મુદિતા ૧૯૯૦, ઉત્કંઠા ૧૯૯૨, અનાગતા ૧૯૯૩, લોકલીલા ૧૯૯૫, ઈશ ૧૯૯૫, પલ્લવિતા ૧૯૯૫, મહાનદ ૧૯૯૫, પ્રભુપદ ૧૯૯૭, અગમ-નિગમા ૧૯૯૭, પ્રિયાંકા ૧૯૯૭, नित्यश्लोक ૧૯૯૭, નયા પૈસા ૧૯૯૮, ચક્રદૂત ૧૯૯૯, લોકલીલા ૨૦૦૨, દક્ષિણા-૧ ૨૦૦૦, દિક્ષિણા-૨ ૨૦૦૦, મનની મર્મર ૨૦૦૩, ધ્રુવયાત્રા ૨૦૦૩.
વાર્તાઓ: હીરાકણી ૧૯૩૮, પિયાસી ૧૯૪૦, ઉન્નયન ૧૯૪૫, તારિણી ૧૯૭૭, પાવકના પંથે ૧૯૭૭
નાટકો: વાસંતી પૂર્ણિમા ૧૯૭૭
અનુવાદો: મૃચ્છકટિક (સંસ્કૃત) ૧૯૪૪, કાયાપલટ ૧૯૬૧, જનતા અને જન ૧૯૬૫, ઐસી હૈ જિન્દગી ૧૯૭૪ (ત્રણે જર્મન-અંગ્રેજી)
ચિંતનાત્મક ગદ્ય દક્ષિણાયન (પ્રવાસ) ૧૯૪૧, અર્વાચીન કવિતા (વિવેચન) ૧૯૪૬, શ્રી અરવિંદ મહાયોગી (યોગ) ૧૯૫૦, અવલોકના (વિવેચન) ૧૯૬૫, ચિદંબરા (આરંભનાં તથા અન્ય લખાણો) ૧૯૬૮, (વિચારસંપુટ: ત્રણ ગ્રંથો ૧૯૭૮)
સાહિત્યચિંતન (સાહિત્યવિષયક અધ્યયનો), સમર્ચના (ચારિત્ર્યપ્રધાન લેખો), सा विद्या (તત્ત્વચિંતન), તપોવન (સુન્દરમ્ વિશેનો અધ્યયન ગ્રંથ સં. સુરેશ દલાલ) ૧૯૬૯