સંવાદસંપદા/નંદિની ઓઝા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 10: Line 10:
|<center>[https://www.youtube.com/watch?v=a6xiPDtThvk યુ ટ્યુબ પર નંદિની ઓઝા સાથે વાર્તાલાપ]<center>
|<center>[https://www.youtube.com/watch?v=a6xiPDtThvk યુ ટ્યુબ પર નંદિની ઓઝા સાથે વાર્તાલાપ]<center>
|}<br>
|}<br>
<hr>
<center>
<br>
{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/6/6d/Samvad_Sampada_-_Nandini_Oza%2C_a_conversation.mp3
}}
<br>
વાર્તાલાપની શ્રાવ્ય કડી
<br>
&#9724;</center>
<hr>


{{Poem2Open}}  
{{Poem2Open}}  
Line 51: Line 63:
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ૮. નિરંજનાબહેન કલાર્થી
|previous = ૮. નિરંજનાબહેન કલાર્થી
|next = ૧૦. ડૉ નરેશ વેદ
|next = સતીશચંદ્ર વ્યાસ
}}
}}

Latest revision as of 02:42, 6 July 2024


નંદિની ઓઝા સાથે વાર્તાલાપ

આરાધના ભટ્ટ

SS nandini oza.jpg




યુ ટ્યુબ પર નંદિની ઓઝા સાથે વાર્તાલાપ




વાર્તાલાપની શ્રાવ્ય કડી


જ્યારે મોટાભાગના લોકો ગ્રામ્યજીવન છોડીને શહેર તરફ પ્રયાણ કરવાના રસ્તા શોધતા હોય છે ત્યારે સ્વેચ્છાએ ગ્રામ્ય પરિસરમાં નિવાસ કરનાર જવલ્લે મળી આવે. આવાં જવલ્લે મળી આવનાર વ્યક્તિ તે કર્મશીલ, લેખિકા મૂળ ભાવનગરનાં અને હવે પુણે જીલ્લાના વિઠ્ઠલવાડી ગામમાં એમના કર્મશીલ અને અધ્યયનશીલ પતિ શ્રીપાદ ધર્માધિકારી સાથે વસતાં નંદિની ઓઝા. ૧૯૮૭માં એમણે માસ્ટર ઓફ સોશિયલ વર્કની પદવી મેળવ્યા પછી તેઓ સતત નર્મદા સરદાર સરોવર પરિયોજના સહિત સામાજિક અન્યાય સામેની ચળવળોમાં સક્રિય રહ્યાં છે. ૨૦૦૨-૨૦૦૪નાં બે વર્ષ એમણે મધ્યપ્રદેશની કોલેજમાં અધ્યાપન કર્યું અને પછી પૂર્ણ સમયના કર્મશીલ બન્યાં. એમણે ભોગવેલ જેલવાસનો વૃતાંત એમના ૨૦૦૬માં રૂપા પ્રકાશન દ્વારા પ્રગટા થયેલા પુસ્તક ‘વિધર જસ્ટીસ: સ્ટોરીઝ ઓફ વિમેન ઇન પ્રિઝન’માં સંગ્રહિત છે. હાલ તેઓ મૌખિક ઇતિહાસના ક્ષેત્રમાં કાર્યરત છે. તેઓ વર્ષ ૨૦૦૦થી ૨૦૨૦થી ૨૦૨૨ દરમ્યાન ‘ઓરલ હિસ્ટ્રી એસોસિએશન ઓફ ઇન્ડિયા’નાં પ્રમુખ રહી ચૂક્યાં છે. નર્મદા યોજનાથી અસરગ્રસ્ત જે આદિવાસી પ્રજાઓમાં પ્રત્યાયન માત્ર મૌખિક બોલીઓ દ્વારા થાય છે એમના સાંસ્કૃતિક ઇતિહાસનો દસ્તાવેજ તૈયાર કરવા તેઓ ગામેગામ ફરીને રેકોર્ડિંગ કરી એને પુસ્તકાકારે પ્રગટ કરી રહ્યાં છે. એમનું પહેલું પુસ્તક ‘ધ સ્ટ્રગલ ફોર નર્મદા’ ઓરીએન્ટ બ્લેક સ્વાન પ્રકાશને પ્રગટ કર્યું છે. એમનાં પુસ્તકોના મરાઠી અને હિન્દી અનુવાદો થયા છે.

પ્રશ્ન: નંદિનીબહેન, આપણે શરૂઆત કરીએ તમારા જીવનનાં શરૂઆતનાં વર્ષોથી. તમારામાં સામાજિક ન્યાયની અને સમાનતાની જે ભાવના રહેલી છે, જેને માટે તમે વર્ષોથી નાની-મોટી ચળવળ કરતાં આવ્યાં છો, એ ભાવનાનાં મૂળ તમારા કુટુંબના ઉછેરમાં હશે એમ માનું છું. તમારા બાળપણ અને ઉછેર વિશે કંઇક વાત કરશો? ચોક્કસ. તમે આ પ્રશ્ન પૂછ્યો એનો મને ખૂબ આનંદ છે. આપણા સમાજમાં વડીલોપાર્જિત મિલકતનો આનંદ ઘણા ઉઠાવતા હોય છે. પણ હું અને મારાં બહેન એ રીતે નસીબદાર છીએ કે વડીલોના ઉત્તમ સંસ્કારનો અમે સંતોષ માણી રહ્યાં છીએ. મારા પિતા સમાજવાદી વિચારધારાના હતા અને એ એવું માનતા કે સમાજમાં જે અન્યાય, અત્યાચાર અને ભેદભાવ છે એ બધા સામે લડવું જોઈએ જેનાથી સાચા અર્થમાં સારો અને સમૃદ્ધ સમાજ સ્થાપિત થાય જેમાં દરેક પ્રકારની સમાનતા હોય. અને મારા માતાની વિચારધારા સેવાભાવી. મારાં માતા-પિતા બંને આઝાદી પછી તરત પરદેશ ભણવા ગયાં, બંનેને ત્યાં સ્થાયી થવાની તકો હતી. મારા માતાને તો ત્યાંની નાગરિકતાની ઓફર પણ થયેલી. તેમ છતાં એક તબીબ તરીકે એ ભારત પાછાં આવ્યાં, વઢવાણ જેવા ગ્રામ્ય વિસ્તારમાં તદ્દન નિઃશુલ્ક અથવા નજીવી આવક સાથે એમણે આજીવન સેવા આપી અને અહીં ટ્રસ્ટની હોસ્પિટલોમાં જ કામ કર્યું. મારા પિતાજી ભલે બેન્કર હતા પણ એ હંમેશા અન્યાય સામે લડતા રહ્યા. અમને પણ એ સંસ્કાર મળ્યા. અને સંસ્કાર જ નહીં, પણ એ સંસ્કારને અમલમાં મૂકવાનું ઘણું પ્રોત્સાહન પણ એમણે આપ્યું. દાખલા તરીકે નર્મદા બચાવ આંદોલનમાં હું જેલમાં જતી, તો એ તો સાવ સ્વયંસેવી કામ હતું, એમાં કોઈ મળતર નહોતું. એ દરમ્યાન બાર વર્ષ સુધી મારા નિજી ખર્ચ માટેની આર્થિક સહાય મને મારાં માતા-પિતા તરફથી મળી. મને એટલો મોટો ટેકો મળ્યો એટલે હું મારી જાતને બહુ જ નસીબદાર માનું છું કે માત્ર સંસ્કાર જ નહીં, પણ એને અમલમાં મૂકવાનો આર્થિક, ભાવનાત્મક વગેરે બધી જ રીતેનો ટેકો મને મારા પરિવાર તરફથી મળ્યો. સાથે મારે એ પણ કહેવું છે કે હું ભાવનગરમાં ફાતિમા કોન્વેન્ટ હાઈસ્કૂલમાં ભણી. અને ત્યાં મને એક વૈવિધ્યપૂર્ણ અને ધર્મનિરપેક્ષ સમાજને કેવી રીતે માણવો જોઈએ, માત્ર સહન કરવો જોઈએ એવું નહીં, પણ માણવો જોઈએ, એમાંથી કેટલો બધો આનંદ મેળવી શકાય એ શીખવા મળ્યું. જુદાજુદા ધર્મોના લોકો સાથે કઈ રીતે આનંદથી રહેવાય એ મૂલ્યોનું શિક્ષણ મને એ સ્કૂલમાંથી બહુ મજબૂત રીતે મળ્યું. આ મને આજના સમાજમાં બહુ જ કામ આવે છે, જ્યાં દરેક પ્રકારના ભેદભાવ બહુ જ તીવ્ર બનતા આપણે જોઈએ છીએ. આ બંનેનું મારા ઘડતરમાં ઘણું મોટું યોગદાન છે.

પ્રશ્ન: પછી નર્મદા બચાઓ આંદોલન સાથે તમારું સંકળાવાનું કેવી રીતે બન્યું અને એમાં તમારી ભૂમિકા શું હતી? હું કાઠિયાવાડની, ત્યાં જ મોટી થઈ. અને પાણીનો પ્રશ્ન મેં તીવ્ર રીતે નાનપણથી જ જોયેલો. ગુજરાત કે સૌરાષ્ટ્રમાં ઉછર્યા હોઈએ તો આપણને શીખવવામાં આવે કે ઘી ઢોળાય તો વાંધો નહીં, પણ પાણીના એક પણ ટીપાનો વ્યય ન થવો જોઈએ. એટલી બધી પાણીની સમસ્યા જોઈને હું મોટી થઈ. એટલે મને એમ હતું કે ગામડાઓમાં સિંચાઈનું પાણી લોકો માટે અને ઢોરો માટે મળી રહે તો સમાજમાં જે આર્થિક અને સામાજિક તકલીફો છે એ દૂર થઈ શકે. એટલે માસ્ટર્સ ઓફ સોશિયલ વર્કનો અભ્યાસ કર્યા પછી મેં આગાખાન રૂરલ સપોર્ટ સંસ્થા છે એમાં કામ શરૂ કર્યું, હું ત્યાં નોકરી કરતી હતી. ત્યાં અમે વિકેન્દ્રિત પાણી અને માટીના પ્રબંધનની યોજનાઓમાં કામ કરતાં હતાં. ત્યારે હું એમ માનતી હતી કે આનાથી પાણીના પ્રશ્નો દૂર થશે પણ આ બધા તાત્કાલિક કામચલાઉ ઉપાયો જ છે. ગુજરાત સરકારનો એ વખતે પ્રચંડ પ્રચાર હતો કે છેવટે તો નર્મદા નદી પર બંધાઈને ઊભો થશે એ બંધની પરિયોજના જ ગુજરાતની પાણીની સમસ્યા કાયમ માટે ઉકેલશે, એ જ ગુજરાતને નંદનવન બનાવશે. અમે જે યોજનાઓ પર કામ કરી રહ્યા હતા એ બધા કામચલાઉ અને થોડા સમય માટેના છે, છેવટે તો આ નર્મદા યોજના જ કાયમી ઉકેલ લાવશે. એટલે એકાદ વર્ષ ત્યાં કામ કર્યા પછી હું પાંચ-છ રાજ્યોની એક સ્ટડી ટુર પર નીકળી. મારે એ જોવું હતું કે દેશમાં બીજી કઈ કઈ સમસ્યાઓ છે અને લોકો એને માટે કઈ રીતે કામ કરે છે. અને એ પ્રવાસ દરમ્યાન હું ભોપાલમાં એક સંસ્થા સાથે એક મોટા પ્રદર્શનમાં જઈ ચડી. એ આદિવાસી, ખેડૂત, મજૂરોની ગંજાવર રેલી હતી. એ બધા તીવ્રતાથી સરદાર સરોવરને રોકવાની માંગ કરી રહ્યા હતા, એની સામે વિરોધ કરી રહ્યા હતા. પોલીસ એમની ધરપકડ કરી રહી હતી તેમ છતાં ઉગ્ર રીતે એ રેલીમાં એમની માંગ ચાલુ હતી અને લોકો ગિરફ્તારી પણ વહોરી રહ્યા હતા. તો આ જોઈને મને ખૂબ આંચકો લાગ્યો. મને થયું કે આપણે જેને જીવાદોરી માનીએ છીએ એનો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના લોકો આટલો તીવ્રતાથી કેમ વિરોધ કરે છે. આવું દૃશ્ય આ પહેલાં મેં ક્યારેય જોયું નહોતું. એટલે પાછાં આવીને મેં ગુજરાતના ત્રણેક મોટા બંધોનો અભ્યાસ કર્યો- ઉકાઈ, કડાણા અને સરદાર સરોવર. એમાં મેં જોયું કે મોટા ભાગે આ બંધોને કારણે હાંસિયામાં જીવતા જે માણસો છે એમનું મોટા પાયે વિસ્થાપન થતું હોય છે અને આ યોજનાઓના લાભ સ્વરૂપે જે વિસ્તારો આર્થિક અને રાજકીય રીતે શક્તિશાળી અને વગદાર છે ત્યાં વિજળી અને પાણી પહોંચતા હોય છે. જેમ કે ખેડા, વડોદરા, અમદાવાદ, સુરત. અને એની સામે ગુજરાતના દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં જે યોજનાઓ છે, મેં જેની તમને વાત કરી એ વિકેન્દ્રિત યોજનાઓ છે એ અમલમાં નથી આવતી કારણ કે ગુજરાતનું એંશી ટકા સિંચાઈ બજેટ આવી મહાકાય યોજનાઓ પાછળ વપરાઈ જાય છે. એટલે એક બાજુ આ હાંસિયામાં જીવતા લોકોનું મોટા પાયે વિસ્થાપન અને બીજી બાજુ આવી નાની પરિયોજનાઓ અમલમાં ન આવતાં ગુજરાતના દુષ્કાળગ્રસ્ત વિસ્તારોની પરિસ્થિતિ વધારે આકરી બનતી જાય છે. આજે પણ તમે જોશો તો આ બંધ બની ગયો છે, પણ એની નજીકનાં ગામો- છોટા ઉદેપુર જેવાં ગામોએ પીવાના પાણી માટે તરફડિયાં મારવાં પડે છે. એટલે મને ખ્યાલ આવ્યો કે વિકેન્દ્રિત યોજનાઓ જ આપણી પાણીની સમસ્યાઓ ઉકેલી શકે અને એને માટે સરકાર સામે એક આંદોલન મને બહુ જરૂરી લાગ્યું. એ રીતે ૧૯૯૦થી પૂર્ણ સમયના કાર્યકર તરીકે હું નર્મદા બચાઓ આંદોલનમાં જોડાઈ ગઈ. એમાં મેં ઘણાં કામો કર્યાં-મીડિયાને લગતાં, સંશોધનને લાગતાં, નાણા એકત્ર કરવાં વગેરે. પણ આંદોલનમાં મારાં બે પ્રિય કામો હતાં- એક તો સૌરાષ્ટ્ર-કચ્છમાં વિકેન્દ્રિત પાણી માટેનું પ્રબંધન હોવું જોઈએ એની જાગૃતિ માટેનું કામ એ મારું બહુ પ્રિય હતું. અને બીજું કામ તે ગુજરાતના જ વિસ્થાપિતો જેમને સરકારે અસરગ્રસ્ત માન્યા નથી, જેમનો પુનર્વાસ થયો નથી એમના સંગઠનને મજબૂત કરવાનું કામ, એ પણ મારું બહુ પ્રિય કામ હતું.

પ્રશ્ન: અને પછી આ અંદોલનના ભાગરૂપ તમે જેલવાસ ભોગવ્યો અને તમારા એ અનુભવોમાંથી અમને એક સરસ પુસ્તક મળ્યું- વિધર જસ્ટીસ. એ સમયની વાત કરો, તમારી ધરપકડ અને પછી તમે જે મહિલા કેદીઓ સાથે રહ્યાં એ અનુભવોની પણ વાત કરશો?

જેલનો મારો પ્રથમ અનુભવ હું વિદ્યાર્થી હતી ત્યારે થયેલો. હું વડોદરાની એમ.એસ યુનિવર્સીટીમાં માસ્ટર ઓફ સોશિયલ વર્ક કરતી હતી અને એ અભ્યાસ દરમ્યાન મારું પ્લેસમેન્ટ વડોદરા સેન્ટ્રલ જેલમાં થયેલું. જ્યારે મને એક વિદ્યાર્થી તરીકે ત્યાં મોકલવામાં આવી ત્યારે ત્યાં મેં જે જોયું એને કારણે હું ત્રણેક રાત સૂઈ નહોતી શકી. ત્યાં મેં જે અસમાનતા અને જે અન્યાય જોયાં એ જાણે કે આપણા સમાજનું પ્રતિબિંબ હતાં. કોઈ પણ પુસ્તક કે અભ્યાસક્રમ ન આપી શકે એવો અન્યાય, ગરીબી, શોષણનો ચિતાર તમને જેલમાંથી મળે. એટલે હું ખૂબ હલી ગયેલી. મેં જોયું કે સાવ નાના ગુનાઓ માટે- દાખલા તરીકે કોઈ એક વિધવા માએ પોતાના બાળકના ભરણપોષણ માટે કોઈક નાની ચોરી કરી હોય એ મહિલા મહિનાઓ કે વર્ષો સુધી જેલમાં હોય. જ્યારે બેંકોને લૂંટીને કરોડોની મિલકતને દેશની બહાર રવાના કરીને એનો ઉપભોગ કરતા રહે એ આખું દ્વંદ્વ તમને હલાવી મૂકે અને પછી જીવન બદલાઈ જાય છે. હું તો એવું માનું છું કે દરેક વિદ્યાર્થી, પછી એ સમાજશાસ્ત્રના હોય, રાજ્યશાસ્ત્રના હોય, માનવ અધિકારના હોય, વિમેન્સ સ્ટડીઝના હોય એમનું પ્લેસમેન્ટ જેલમાં થવું બહુ જરૂરી છે, જેથી એમને સમાજ માટે કામ કરવાની અને એને માટે વિચારતા થવાની એક દિશા મળે. એ અનુભવ ઘણાને માટે જીવનમાં પરિવર્તન લાવવાનો સમય બની શકે. ત્યાર પછી તો એક રાજકીય કેદી તરીકે હું ઇન્દોર જેલમાં, ધાર જેલમાં, સેન્દવા જેલમાં હતી. મારી ધરપકડ થઈ એની વાત કરું. મારી ધરપકડ ખોટા આરોપસર થઈ, અમારી નેવું જેટલા લોકોની એકીસાથે ધરપકડ કરવામાં આવી, જેમાં કેટલીક મહિલાઓ નાનાં બાળકોને ધાવણ આપતી માતાઓ હતી. એ બધી મહિલાઓ સરદાર સરોવર બંધને કારણે તેમના વિસ્થાપન સામે વિરોધ પ્રદર્શનો કરી રહી હતી. ધરપકડ દરમ્યાન બધાની ખૂબ માર-પીટ થઈ, એની સામે વિરોધ કરવા મેં અને મધ્યપ્રદેશના એક ગામનાં જશોદાબહેને ઉપવાસ શરૂ કર્યા અને અમને બીજી મહિલા કેદીઓથી અલગ, ઇન્દોર જેલમાં મૂકવામાં આવ્યાં. મારાં માતા-પિતાને આ સમાચાર મળતાં જ એ લોકો રાતોરાત ભાવનગરથી ઇન્દોર દોડી આવ્યાં. મારા પિતાજી એ વખતે બેંકની ઉંચી પોસ્ટ પર હતા અને એમને ઘણા સંપર્કો હતા, જેમની મદદથી એ જલ્દીથી મારે માટે જામીન મેળવી મને જેલમાંથી છોડાવી શક્યા હોત. પણ એમણે એ ઉચિત ન માન્યું. માર-પીટમાંથી થયેલી મારી ઈજાઓ ગંભીર નથી એ જોયા પછી એમણે નક્કી કર્યું કે આંદોલન એનું કામ કરશે અને બીજી મહિલાઓની જેમ જ મને પણ જેલમાં રહેવું પડે અને બધાની સાથે જ મને જામીન મળે એ યોગ્ય છે. મારે માટે કોઈ ખાસ વ્યવસ્થા કરી મને એવો વિશેષાધિકાર મળે એ એમને બરાબર ન લાગ્યું. પછી નર્મદા બચાઓ આંદોલન માટે નિઃશુલ્ક કામ કરતી વકીલોની ટીમના પ્રયત્નોથી અમને બધાને સાથે જામીન મળ્યા અને જેલમુક્તિ થઈ. એ દરમ્યાન મેં જેલમાં પણ સખત ભ્રષ્ટાચાર જોયો અને એનાથી મને બહુ જ આઘાત લાગતો હતો. ત્યાં નાના ગુનાઓ માટે જે મહિલાઓ કેદી હતી એમનું જે અનાજ અને શાકભાજી આવતું, એમનાં બાળકો માટે દૂધ આવતું, એમાં પણ ભ્રષ્ટાચાર થતો- એમાંનું ઘણુંખરું જેલ બહાર જ વેચાઈ જતું. એટલે હું માનું છું કે જેલ એ સમાજનું પ્રતિબિંબ છે અને એને જો આપણે સુધારી શકીએ તો સમાજ આપમેળે સુધરી જાય, એક ન્યાય વ્યવસ્થા પ્રસ્થાપિત થાય. જો મહિલાઓની પરિસ્થિતિ સુધરે તો આખા સમાજની પરીસ્થિતિ સુધરે એમ હું માનું છું. એટલે વર્ગખંડો ઉપરાંત દરેક પ્રકારના શિક્ષણમાં આવા ફિલ્ડ પ્લેસમેન્ટ થવા બહુ જરૂરી છે- માત્ર જેલમાં જ નહીં, પણ ગામડામાં, આદિવાસીઓ સાથે, વગેરે.

પ્રશ્ન: મેં જે પુસ્તકનો ઉલ્લેખ કર્યો એ વિધર જસ્ટિસમાં શું છે? જેલના તમારા અનુભવો વિશે કંઈક વધારે કહેશો? ઘણાએ એ પુસ્તક નહીં જોયું હોય એમ બને. રાજકીય કેદીઓ માટે પોલિસ કસ્ટડીનો જે સમય છે એ જેલ કરતાં વધારે પીડાદાયક, ત્રાસદાયક અને અન્યાયી હોય છે. કારણકે રાજ્યનો હેતુ રાજકીય કેદીને અંદરથી તોડી નાખવાનો હોય છે. એટલે મને પણ ઘણો માર પડેલો. પોલીસ કસ્ટડીમાંથી જેલમાં ગઈ ત્યારે તો જાણે હાશકારો થયેલો. કારણકે જેલમાં તમે ન્યાયતંત્રની કસ્ટડીમાં હો છો. મને એટલે પણ નિરાંત થઇ હતી કારણકે મને જામીન મળશે એ હું જાણતી હતી. અમારી પાસે એક કાયદાકીય સહાયનું નેટવર્ક હતું, એ લોકો બહુ સક્રિય થઈ ગયા અને હાઈકોર્ટ સુધી જામીન માટે લડ્યા અને મારા લાંબા જેલવાસમાંથી મારી જામીન મુક્તિ થઈ. પણ એ મુક્તિ થઇ ત્યારે મને એટલું બધું દુઃખ લાગેલું કારણકે ત્યાં એટલી બધી મહિલાઓ એવી હતી જે જામીન પર છૂટી શકે એમ હતી પણ એમની પાસે કોઈ સંસાધન નહોતું, કોઈ વકીલ કરી શકે એમ નહોતું. એમના પરિવારમાં કોઈ એટલું આર્થિક રીતે સધ્ધર પણ નહોતું કે એમને માટે જામીનની જોગવાઈ કરી શકે. એટલે આજે પણ જેમને જામીન મળી શકે એવા મહિલા કેદીઓની સંખ્યા જેલમાં બહુ મોટી છે કારણકે જ્યારે મહિલા જેલમાં જાય છે ત્યારે એમની પાસે પોતાનું આર્થિક ભંડોળ હોતું નથી અને જો પુરુષ જેલમાં જાય તો એને માટે દોડાદોડી કરવાવાળા હોય છે, પણ મહિલા માટે નથી હોતા. એટલે ખરેખર તો હું જો આ આંદોલનમાં ન હોત તો આ મહિલા કેદીઓ માટે કામ કરવામાં મેં ઘણાં વર્ષો આપ્યાં હોત. એ આજે પણ બહુ જરૂરી છે.

પ્રશ્ન: નંદિનીબહેન, તમે થોડા સમયથી નર્મદા બંધથી થયેલા વિસ્થાપનના મૌખિક ઇતિહાસના આલેખનમાં સક્રિય છો. મૌખિક ઇતિહાસ એટલે શું? એનું મહત્ત્વ સમજાવશો અને એના દ્વારા શું સિદ્ધ થશે? આ ક્ષેત્રે કામ કરવાના તમારા અનુભવો કેવા છે? તમે જાણો છો કે ભારત જેવા દેશમાં કેટલી ભાષાઓ બોલાય છે. કેટલીય ભાષાઓ એવી છે જે માત્ર બોલીઓ છે, એમનું લિખિત સ્વરૂપ નથી. એ બોલીઓ બોલનાર સમાજ કુદરતની બહુ નજીક છે. એ લોકોને પ્રાણીશાસ્ત્રનું, ખેતીનું, વન્યજીવન શાસ્ત્રનું, પ્રકૃતિનું, જડીબુટ્ટીઓનું અદ્‌ભુત જ્ઞાન છે. મેં જ્યારે નર્મદાની ઘાટીઓમાં આદિવાસીઓ સાથે અને ખેડૂતો સાથે કામ કર્યું ત્યારે મેં આ જોયું. કમનસીબે આ ભાષાઓનું લિખિત સ્વરૂપ નથી એટલે આ આદિવાસીઓ પોતાનું જ્ઞાન અને એમની પરંપરા મૌખિક રીતે પછીની પેઢીઓને આપે છે. આ ઉપરાંત મેં એ પણ જોયું કે કુદરતી સંસાધનોની નજીક જીવનારી આ પ્રજાનું કુદરત વિશેનું જ્ઞાન તો ખૂબ છે જ, પણ સાથે પર્યાવરણનું અને ટકાઉ વિકાસનું એમને ખૂબ જ્ઞાન છે. વિકાસની આજની વિનાશકારી દોડમાં આ બધાને આપણે એક બાજુ પર મૂકી દઈએ છીએ. નર્મદા આંદોલન દરમ્યાન આ લોકોની આ વિનાશકારી વિકાસ સામેની સામૂહિક લડત પણ મેં જોઈ. મેં એ જોયું કે હાંસિયામાં ધકેલાઈ ગયેલા નાનકડા માનવસમૂહો રાજકીય સત્તાઓ સામે કેટલા જુસ્સાથી લડી શકે છે. એમની અદ્‌ભુત અલગ અલગ રણનીતિઓ પણ મને નજીકથી જોવા મળી. મને એમ લાગ્યું કે એમની આ વિશાળ વૈશ્વિક દૃષ્ટિ, એમની આ સમજણ લોકો સુધી પહોંચવી જોઈએ. એટલે મને એમ લાગ્યું કે આ એક જ રીતે એમનું ડહાપણ અને જ્ઞાન, પર્યાવરણ સાથેનો એમનો ગાઢ સંબંધ એ બધું લોકો સુધી પહોંચી શકે. નર્મદા નદીના કિનારાનું ભૂસ્તરીય જ્ઞાન, એનું પુરાતત્ત્વ, એનો ઇતિહાસ, એના આધ્યાત્મિક અને ધાર્મિક સંસ્કાર, એ બધું સામાન્ય સમાજ સુધી પહોંચી શકે એટલે આ કામ હું ઘણા વર્ષોથી કરું છું. એની વેબસાઈટ પણ છે, જ્યાં તમે લોકોને સાત ભાષાઓમાં સાંભળી પણ શકો, એના અનુવાદો પણ છે અને આંદોલનના બે અગ્રણી આદિવાસીઓ પાસેથી લીધેલા એમના મૌખિક ઇતિહાસનાં મારાં પુસ્તકો હિન્દી, અંગ્રેજી અને મરાઠીમાં છપાઈ ચૂક્યાં છે. એનો ઉદ્દેશ એ જ છે કે આવા વિનાશકારી વિસ્થાપન સામે એક સમાજ જે લડી રહ્યો છે એમના વિચારો અને એમનું જ્ઞાન લોકો સુધી પહોંચી શકે.

પ્રશ્ન: આ ઇન્ટરવ્યુ તમે કર્યા એના કોઈ અનુભવો વર્ણવશો? એમણે ખુલીને તમારી સાથે વાતો કરી? મેં આ બધા ઈન્ટરવ્યુ કર્યા છે એમની સાથે મારે જૂનો સંબંધ હતો, એમની સાથે હું કામ કરતી હતી. એટલે એમને પણ બહુ ઇચ્છા હતી કે એમનો સંઘર્ષ, એમની સંસ્કૃતિ, એમનો સમાજ, આપણું પર્યાવરણ – એ બધાની વાતો બહુજન સમાજ સુધી પહોંચે. અમે સાથે મળીને જ નક્કી કર્યું કે કોનો ઈન્ટરવ્યુ કરવો, કોનો પહેલો કરવો વગેરે. એટલે એ એક આખો સામૂહિક પ્રયત્ન હતો. મૌખિક ઇતિહાસ રેકોર્ડ કરવાનું કામ મેં છેક ૨૦૦૪થી શરૂ કરેલું અને એમાં મારે માટે જે મોટો પડકાર આવ્યો તે ટેકનોલોજીને લગતો હતો. આપણે ત્યાં મૌખિક ઇતિહાસ આલેખન માટેના કોઈ અભ્યાસક્રમ તો નથી. વળી મેં કામ શરૂ કર્યું ત્યારે ટેઇપરેકોર્ડર હતાં. હું ગામડાંઓમાં રેકોર્ડીંગ કરવા જતી ત્યાં વીજળી નહોતી. પછી ટેકનોલોજી બદલાઈ અને કેસેટ મળતી નહોતી, કારણકે મિનિ ડિસ્ક આવી, પછી ડીજીટલ ટેકનોલોજી આવી. આ બધાં ટેકનોલોજીનાં પરિવર્તનોની ટેવ પાડવી એ મારે માટે મોટો પડકાર હતો. અંતરિયાળ ગામડામાં જવામાં ઘણી વખત હોડીમાં જવું પડતું, ઘણીવાર મોટરસાઈકલ પર જવું પડે કે ચાલીને પણ જવું પડે. પણ મારી સાથે એમાં બધા લોકો હતા એટલે એ પ્રવાસો બહુ સરસ રહ્યા. પછી પુસ્તકોનું પ્રકાશન એ આખો નવો જ પ્રદેશ, એ પણ મારે માટે એક નવો પડકાર હતો. એટલે પડકારો ખરા, પણ પ્રવાસ ખૂબ સંતોષકારી રહ્યો છે. આદિવાસીઓએ મારી સાથે ખૂબ હોંશથી વાત કરી, પોતાની ફરજ સમજીને વાત કરી. તેમ છતાં આંદોલનમાં ઉતાર-ચડાવ તો આવે જ. કેટલાક લોકોએ મને એમની કેટલીક વાતો જાહેરમાં ન મૂકવા કહ્યું, એ વાતો મારી સ્મૃતિમાં અને મારી નોટબુકમાં છે, અને હું એમની એ લાગણીનો આદર કરું છું. આંદોલન દરમ્યાન કેટલાક મતભેદોની વાત હોય કે પોલીસ દ્વારા થયેલા દમનની વાતો હોય, કેટલાક જાતીય સતામણીના બનાવો કે બળાત્કારની ઘટનાઓ પણ હોય જેના વિશે એમને જાહેરમાં વાત નહોતી મૂકવી. એટલે એ બધું મારી અંગત નોંધોમાં છે. હું આ મૌખિક ઇતિહાસને માત્ર ઇતિહાસ જ નહીં, પણ આ લોકોના આંદોલનનો જ એક ભાગ માનું છું અને એ લોકો પણ એ જ માને છે.

પ્રશ્ન: નર્મદા નદી સાથેનું આ આદિવાસીઓનું અનુસંધાન કેવું છે? એમણે તમને શું શું કહ્યું? એમનું નદી સાથે જે સામાજિક, આર્થિક, અને આધ્યાત્મિક જોડાણ છે એ જ એમના આ બંધ સામેના વિરોધનું મુખ્ય કારણ છે, એ એમની સાથેની વાતચીતમાંથી સ્પષ્ટ થાય છે. વિકાસ માટેનાં આયોજનો નદીને માત્ર એના પાણીના પુરવઠાની દૃષ્ટિએ જોતાં હોય છે, પણ સ્થાનિક આદિવાસીઓ માટે નદી એમની માતા છે, એમની અન્નદાત્રી છે. નર્મદા બંધની પરિયોજનામાં જે ૨૪૫ ગામડાંઓ ડૂબી ગયાં ત્યાંના સ્થાનિકો નર્મદાની પરિક્રમા કરતા પરિક્રમાવાસીઓની આગતા સ્વાગતા કરતા, એમને પોતાનાં ઘરોમાં આશ્રય આપતા અને ભોજન પણ ખવડાવતા. આ આદિવાસીઓ જેને ‘ગાયણા’ કહે છે તે ભગવાનની પ્રાર્થનાઓ અને સ્તુતિ એ લોકો મંદિરોમાં જઈને નહીં, પણ નર્મદાને કિનારે રેતીમાં બેસીને ગાય છે. નર્મદા એમનું સર્વસ્વ છે અને નદી એનાં સંતાનોને કદી નુકસાન નહીં કરે એવી એમની શ્રદ્ધા છે. જલસન્ધિ નામનું એક ગામ નર્મદા સરદાર સરોવર પરિયોજનામાં ડૂબમાં ગયું. એના એક રહીશ બાવા મહારિયાએ મને જે કહ્યું તે તમને કહું. એમણે કહ્યું કે એમના પૂર્વજો નર્મદાના સાન્નિધ્યમાં જંગલોમાં એમનાં પરિવારો અને પશુઓ સાથે વસતા. નર્મદા અમરકંટકથી એની છ બહેનો સાથે નીકળી, અને દુદુ દરિયાને મળવા એ તરફ આગળ વધી. બીજી છ બહેનો સપાટ ભૂમિ ઉપરથી વહીને દુદુ દરિયા પાસે ઝડપથી પહોંચી ગઈ, પણ નર્મદાએ વચ્ચે વિસામો ખાવો પડ્યો, કારણકે એણે પહાડોમાં થઈને રસ્તો લીધો જેથી સમથળ ભૂમિ પર વસતાં ગામોના લોકોને નુકસાન ન પહોંચે. એટલે નર્મદાએ પેઢીઓથી કોઈને નુકસાન નથી કર્યું. એણે સૌની કાળજી લીધી છે. નીમગવાણ ગામના લોકો પણ બંધના પરિણામે વિસ્થાપિત થયા. ત્યાના એક રહીશ કેવલસિંહ વસાવેએ કહ્યું કે બંધના કારણે જ્યારે નર્મદાનું પાણી મારા ઘરે આવ્યું ત્યારે મેં હાથ જોડીને વંદન કર્યા. નદીએ અમારું ઘર નથી લઈ લીધું, અમારું ઘર ગયું એ તો માનવીની ચેષ્ટા છે. આદિવાસીઓની નદી માટેની જે ભાવના છે એ આપણે જાતે જોઈએ અને અનુભવીએ તો જ એનો ખ્યાલ આવે.

પ્રશ્ન: આજે નર્મદા આંદોલન ક્યાં આવીને ઊભું છે? આજે તમે એને જુઓ તો એને કઈ રીતે મૂલવો છો? આ તમે બહુ મહત્ત્વનો સવાલ પૂછ્યો. ઘણા લોકો એમ માને છે કે નર્મદા બચાઓ આંદોલન નિષ્ફળ ગયું, કારણકે બંધ તો બંધાઈ ગયો. હા, બંધ બની ગયો, પણ યોજના હજુ સંપૂર્ણ નથી થઈ. હજુ નહેરો કરવાની બાકી છે. આ આંદોલનને કારણે બંધ બનાવવામાં ઘણો વિલંબ થયો એને કારણે, બીજી પરિયોજનાઓની સરખામણીમાં, અહીં વિસ્થાપન અને પુનર્વાસ માટે લોકોને તૈયારી કરવાનો સમય વધુ મળ્યો, એટલે એમાં વધુ સારાં પરિણામ આવ્યાં છે. આ યોજનામાંથી વિશ્વબેંક જેવી સંસ્થાને પીછેહઠ કરવી પડી છે. હું જ્યારે આ આંદોલનમાં જોડાઈ ત્યારે આવી પરિયોજનાઓ વિશે કોઈને પ્રશ્ન જ નહોતો થતો, કારણકે બંધ બનાવવો એ તો વિકાસ કહેવાય છે. પણ આજે હવે આવી પરિયોજનાઓ વિશે પ્રશ્નો પુછાય છે, અસરગ્રસ્તોના પુનર્વાસ માટેની નીતિઓ હવે બને છે, જનસામાન્યની સહભાગિતા કરાય છે, લોકોને માહિતી મેળવવાનો અધિકાર છે એ વાતનો આદર થાય છે અને એ અંગેના કાયદાઓ બન્યા છે. એટલે આ આંદોલનને કારણે આવી બધી સફળતાઓ મળી છે. ગિરિધર ગુરુજી કરીને એક આદિવાસી અગ્રણી છે, એમણે એમ કહ્યું કે અમે ખોયું છે બહુ, પણ અમે હાર્યા નથી. હું પણ એવું માનું છે કે ખોયું ઘણું પણ સામે મેળવ્યું પણ છે, ખાસ તો પર્યાવરણ પર આવી યોજનાઓની શું અસર થાય છે એ વિશે જાગૃતિ વધી છે.

પ્રશ્ન: હવે પાંચ પ્રશ્નો પૂછું છું, જેના જવાબ એક જ વાક્યમાં આપશો? પહેલો પ્રશ્ન: સમયની ખેંચ હશે, તેમ છતાં જ્યારે થોડી નવરાશની પળો મળે ત્યારે શું કરો? હોર્ટીકલ્ચર- ઝાડ પાન અને ફળ ફૂલ ઉગાડવામાં આનંદ મેળવું છું, મારી પાસે થોડી જમીન છે. બીજો પ્રશ્ન: ઈશ્વરનું તમારું વિભાવન? ચોક્કસ ઈશ્વરમાં માનું છું, પણ બહુ જ વ્યક્તિગત, અને અધ્યાત્મના સ્તર પર, પ્રકૃતિ સાથેના અનુસંધાનમાં, જાહેર ધાર્મિકતા અને મંદિરો વગેરેમાં રસ નથી. ત્રીજો પ્રશ્ન: સફળતા એટલે શું? સંતોષ ચોથો પ્રશ્ન: જો આ કામ ન કરતાં હોત તો શું કરતાં હોત? કોઈક જુદી રીતે પણ આવું જ કામ કરતી હોત, ન્યાય માટેના સંઘર્ષનું. પાંચમો પ્રશ્ન: જો એક અઠવાડિયા માટે કે એક મહિના માટે તમને દેશનું વડાપ્રધાનપદ આપવામાં આવે તો તમે પહેલું કામ શું કરો? સત્તાનું લોકશાહીકરણ