સરોવરના સગડ/ભોળાભાઈ પટેલ: એક ભૂલો પડેલો યક્ષ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(+ Image)
 
(One intermediate revision by the same user not shown)
Line 3: Line 3:
<center>
<center>


<!- -[[File:Sarovar na Sagad - Dilip Ranpura.jpg|200px|Center]] -->
[[File:Bholabhai Patel 2.jpg|200px|Center]]


<big><big>'''ભોળાભાઈ પટેલ: એક ભૂલો પડેલો યક્ષ'''</big></big>
<big><big>'''ભોળાભાઈ પટેલ: એક ભૂલો પડેલો યક્ષ'''</big></big>
Line 50: Line 50:


{{HeaderNav2
{{HeaderNav2
|previous = ચંદ્રકાન્ત બક્ષી : ગુજરાતી સાહિત્યનું એક રફ એન્ડ ટફ નામ!
|previous = દિલીપ રાણપુરા : મોંમેળાના માણસ
|next = ભોળાભાઈ પટેલ: એક ભૂલો પડેલો યક્ષ
|next = લાભશંકર ઠાકર: ડિસન્ટ, ડિસન્ટ એન્ડ ડિસન્ટ!
}}
}}

Latest revision as of 04:52, 24 June 2024


Center

ભોળાભાઈ પટેલ: એક ભૂલો પડેલો યક્ષ

(જ. તા. ૭-૮-૧૯૩૪, અવસાન તા. ૨૦-૫-૨૦૧૨)

ગુજરાત યુનિવર્સિટીના ભાષા-સાહિત્ય ભવનના પગથિયે, ખોળામાં બગલથેલો મૂકીને હું એકલો બેઠો છું. કદાચ, રાહ જોઉં છું કોઈ મિત્રની. સામેના રોડ પર એક રિક્ષા આવી ને ઊભી રહી. એ પછી, મોટા દરવાજામાંથી ભોળાભાઈ પટેલને અંદર પ્રવેશતાં જોઉં છું. એકદમ ખડતલ અને ઊંચા. કાળા રંગનું બેલબોટમ પેન્ટ. સાવ આછી એવી ઝીણી ઝીણી ચોકડીવાળું અરધી બાંયનું આસમાની શર્ટ, વિશાળ ખભા ઉપર ડાબી બાજુએ કાળો, ભરત ભરેલો, પહોળા પટ્ટાવાળો થેલો. જમણો હાથ પેન્ટના ખિસ્સામાં. પગમાં બાટાની બ્રાઉન ચમકતી ચપ્પલ. બંને પગના અંગૂઠાનાં મૂળનાં હાડકાં દૂરથી પણ ધ્યાને ચડે એ રીતે બહારની બાજુ વિચિત્ર વળાંકે વધેલાં. હું એમને જોઈને ઊભો થઈ રહું છું. સાવ અચાનક જ એ કંઈક મોટી ડાંફ સ્થિર થઈ ગઈ! જમણો પગ એમ જ સહેજ આગળ રહી ગયેલો ને ડોક એકદમ જ આકાશ તરફ. એમની ચકળવકળ આંખો કશુંક શોધે. પછી ખ્યાલ આવ્યો. સામેના ઘેઘૂર લીમડાની ડાળે બેઠેલા કોઈ પંખીએ અચાનક જ એમને ‘ઈ…સ્ટોપ્પ' કહી દીધું હતું. હવે તો એ બીજી વાર બોલીને ‘રિ.લેક્સ’ કહે ત્યારે જ આ મૂર્તિમુદ્રા છૂટે! મારાથી ય રહેવાયું નહીં, તે ધીમા પગલે બે ડગલાં ચાલીને એમની નજરનો પીછો કરવા લાગ્યો. એક નાનકડી ટીસ મૂકીને એ પંખી ઊડી ગયું! એ દિવસે એમણે અમને અજ્ઞેયજીની કવિતા 'અસાધ્યવીણા' ભણાવેલી! મારો મુખ્ય વિષય ગુજરાતી. પણ, ગૌણ વિષય હિન્દી હોવાને નાતે અંબાશંકર નાગર, ભોળાભાઈ પટેલ અને રઘુવીર ચૌધરીનો પણ વિદ્યાર્થી. ત્યારે હું પરિષદના કોશકાર્યાલયમાં નોકરી પણ કરતો હતો તેથી મારું ‘વિદ્યાર્થી' હોવાનું એમને ઓછું યાદ રહ્યું છે અથવા એમણે એને ગૌણ ગણ્યું છે! પણ આપણે તો યાદ રાખવું જ. પેલું કહેવતમાં નથી કીધું? 'ગુરુ કગુરુ થાય પણ ચેલાએ કચેલા નો થવાય!’ ગુરુજનો મિત્રની જેમ પણ વર્તી શકે એ અમદાવાદ આવીને દૃઢ થયું. એ વખતે તો ભોળાભાઈની નજીક જઈ શકાય એવો વિચાર કરવાનું પણ અશક્ય હતું. એક તો એમનો મજબૂત બાંધો અને ઊંચાઈ, બીજું વિદગ્ધ વિદ્વાન તરીકેની એમની ખ્યાતિ આપણને રોકે. પણ, ‘વાચિકમ્’માં અમે કવિતાઓ વાંચતા અને ચર્ચાઓમાં ભાગ લેતા એટલે ભોળાભાઈ અમને ઓળખતા. પરંતુ વિશેષ રીતે એમની નજીક જવાનું થયું તે તો બિન્દુ સાથેનાં લગ્ન પછી જ. જો કે એ પૂર્વે કેવડિયા કોલોની ખાતેના એક સેમિનારમાં, બધાંની સાથે અમને બંનેને લઈ ગયેલા. અમે નજીક આવી રહ્યાં છીએ એવી ગંધ એમને અમારાં પહેલાં આવી ગઈ હોવાનો સંભવ છે, કેમ કે માત્ર કવિઓ જ નહીં, ગુરુઓ પણ ક્રાંતદૃષ્ટા હોય છે! અમે સહુએ કદી ભૂલી ન શકાય એવું અદ્ભુત નર્મદાસ્નાન કરેલું. સાથે ભોળાભાઈ ઉપરાંત રમેશ ર. દવે, નરોત્તમ પલાણ, રતિલાલ બોરીસાગર અને બીજા સાહિત્યકારો હતા. ભોળાભાઈને તરતાં સારું આવડે. અમારા ઉપર એમણે હાથ પછાડી પછાડીને છોળો ઉડાડેલી. કહો કે સખ્યદેવતાને રેવાનાં નીરે અભિષેક કરેલો. થોડાક ભીરુ એવા બીજા કેટલાક સાહિત્યકારો તીરે ઊભાઊભા આ નઝારો જોઈ રહેલા! અમને, પ્રકૃતિનું ‘ભીષણ’સૌન્દર્ય જોતાં એમણે શીખવેલું. ભોળાભાઈ એટલે સમજ-વિવેકપૂર્વકનો સંદર્ભ ખજાનો! છેલ્લાં વીસ વર્ષ તો એ અમારા અદ્ભુત મિત્ર બનીને રહેલા. કંઈ પણ સારું જોઈએ, ખાઈએ કે વાંચીએ-લખીએ એમની સાથે વાત થયા વિના ન રહે! દરેક વખતે એ આપણામાં બે નવી વાત ઉમેરે. એક વાર અમારા ગાંધીનગરના ઘેર રોકાવા આવેલા. એ દિવસોમાં જ્ઞાનયજ્ઞ સતત ચાલતો રહેલો. સેક્ટર -૨૧ની લાયબ્રેરીમાં ‘મેઘદૂત' વિશે એમનું વક્તવ્ય રાખેલું. સવારે અને સાંજે ચાલવા-ફરવા નીકળી પડીએ. વૃક્ષો અને પંખીઓનો પાર નહીં! એક મોડી સાંજે અમે વિધાનસભાના પ્રાંગણમાં ગાંધીજીને મળવા ગયેલા. ત્યારે ગાંધીજીની નજીક સાવ સરળતાથી જઈ શકાતું! ત્યાં મહાત્માજીનું જે શિલ્પ છે એ અદ્ભુત છે. ગાંધીજીની પ્રાર્થનામય પ્રશાંતમુદ્રા શાંતિ આપવા સાથે આપણી આંખમાં પણ કરુણાનો ભાવ આંજી દે! ભોળાભાઈ શુષ્ક પોથીપંડિત નહીં. જીવનરસથી ઊભરાતા હતા. અંદરનું જ્ઞાન અને સમ્યકત્વ એટલાં વ્યાપક કે દરેક વખતે લેખનમાં ને વક્તવ્યમાં એ બધું પ્રગટ થતું રહે. મને ખબર છે ભોળાભાઈને ગદ્ય સહજસાધ્ય નહોતું, પણ પ્રયત્નસાધ્ય હતું. એમને એકનું એક વારંવાર લખતા-મઠારતા જોયા છે. પોતાને સંતોષ ન થાય ત્યાં સુધી મથ્યા રહેતા. એ અર્થમાં બિન્દુએ એમનો સાચો વારસો જાળવી રાખ્યો છે. ભોળાભાઈમાં કોઈ પણ નવી વાતને ઝીલવા સ્વીકારવાની વૃત્તિ અને ઉત્સુકતા અનન્ય હતી. સાહિત્ય ઉપરાંત અન્ય કળાઓનો પણ એ આસ્વાદ લઈ શકતા. ચિત્ર, શિલ્પ-સ્થાપત્ય, સંગીત, નૃત્ય, નાટક એ વિષે પણ ઘણું જાણતા. એમના નિબંધોમાંથી એના ઘણા આધારો મળી રહેશે. એક વાર હું અને નરોત્તમ પલાણ તોફાની વાતોએ ચડી ગયા. આપણા કેટલાય સાહિત્યકારોના ‘રોચક' પ્રસંગો યાદ કરતા હતા. અચાનક બાપા કહે, 'હર્ષદ! રસિકતા તો ભોળાભાઈની!’ 'બાપા! એમ લુખ્ખી વાત ન કરો. વાંધો ન હોય તો વિગતવાર વર્ણન કરો!’ બાપા 'હોહોહો….’ કરતાં હસી પડ્યા. પછી ધીમે રહીને, બે હાથ પહોળા કરીને એમણે જે પ્રસંગ કહ્યો તે મારી ભાષામાં – વાત જાણે એમ કે...નવસારી જ્ઞાનસત્ર વખતે એક પારસી પરિવારે ચુનંદા સાહિત્યકારોને પ્રેમપૂર્વક પોતાના ઘેર ભોજન માટે નિમંત્ર્યા હતા. વચ્ચે લાંબા મોટા ટેબલ ઉપર પારસી-પરંપરાની વિશિષ્ટ વાનગીઓ ગોઠવેલી. બધાં હરતાંફરતાં રહે ને વાતચીત કરતાં કરતાં જમે એવું મસ્ત વાતાવરણ હતું. અચાનક ભોળાભાઈની નજર એક હંસગામિની ઉપર પડી! શું ઠસ્સો હતો એનો! પીઠ તો એવી સુંદર લાગે… સંગેમર્મર જ જોઈ લ્યો! પલાણની આંખોએ ભોળાભાઈની આંખોને આ મનોહર દૃશ્ય જોતી જોઈ લીધી! ભોળાભાઈને પલાણની આંખોનો અને પલાણને પેલી પીઠનો કટિલંક સહિતનો સાક્ષાત્કાર થયો એટલે બંને હસી પડ્યા. પણ એટલામાં તો એ મત્સ્યગંધાએ મુદ્રા બદલી નાંખી ને આ બંને સામે ચહેરો આવે એમ ઊભી રહી! આ રસનિધિઓને તો અત્યારે, ‘ખંડદર્શન' એટલે કે માત્ર પીઠદર્શન જ કરવું હતું! એટલે હાથમાં પ્લેટ લઈને એવી જગ્યાએ ગોઠવાયા કે જ્યાંથી એનો વાંસો બરાબર દેખાય. થોડી થોડી વારે એ માનુની જગ્યા બદલ્યા કરે. એ દિવસે પૃથ્વી ફરતે એક નહીં, બે બે ચંદ્રો એકસાથે ઘૂમતા રહ્યા! કોઈ કળાત્મક શિલ્પને જુદી જુદી જગ્યાએ ઊભા રહીને જોઈએ એમ! ખરી રસિકતા અને સૌન્દર્યની સરાહના એ ભોળાભાઈનું વ્યક્તિત્વ હતું. સાવ અજાણ્યો માણસ પણ એમની પાસે જઈને માર્ગદર્શન માગી શકે એટલા સહજ, કોઈ વ્યક્તિ અમુક વિષયે કામ કરતી હોય ને એમને રસ પડે તો સામે ચાલીને પણ કહે, 'આવો! આપણે વાત કરીએ!’ કોઈનો પણ સહજવિકાસ એ આનંદ અને ઉદારતાથી જોઈ શકતા. એમના કોઈ છાત્રને પીએચ.ડી.ની પદવી મળવાની હોય ત્યારે તો ઉત્સવ! વિદ્યાર્થી પાસેથી સ્વરૂપફેરે પણ કંઈ લેવાની વાત તો જોજનો દૂર, પણ ભોળાભાઈ આનંદપૂર્વક પોતાના ખિસ્સાને ગાતુંગૂંજતું કરે! ઉત્સવની કોઈ ક્ષણ વેડફી નાંખે તે ભોળાભાઈ નહીં! 'ભોળાભાઈ પટેલ' નામ જ એવું કે વગર જોયે પણ પ્રૌઢ લાગે. એમ થાય કે હશે કોઈ જીરુના વેપારી, નાગરિક બેંકના ચેરમેન અથવા તો મોટા બિલ્ડર પણ રૂબરૂ મળીએ ત્યારે ભ્રમ ભાંગી જાય. અરે! આ તો સદાબહાર યુવાન! શરદબાબુની નવલકથાના નાયક જ જોઈ લો ને! ભોળાભાઈના ગુરુ અને શિષ્ય બંનેને એકસરખી રીતે ઇર્ષ્યાનંદ ઊપજે એવા એ હેન્ડસમ હતા. પ્રાદેશિક-રાષ્ટ્રિય પરિસંવાદોમાં, કોસાસિલ્કની અનેક સાડીઓને મોટી મોટી કજ્જલસુંદર આંખો મટમટાવવા સાથે એમની આજુબાજુ ભરતનાટ્યમ કરતી ઘણાએ જોઈ છે. પણ ભોળાભાઈ ભાવાવેશના માણસ નહોતા. સંસ્કૃત સાહિત્યના પરિશીલને એમને રસિકતાની સાથોસાથ ઔચિત્યદીક્ષા પણ આપી હતી. કપાળની ત્રિવલ્લી પ્રગટી આવે એ રીતે એમની આંખો વિસ્ફારિત થાય, સહેજ હસીને સૌન્દર્યની આશકા લઈને સરકી જાય! ઘટમાળના પ્રત્યેક મહત્ત્વના દિવસે એમનો ફોન અચૂક આવે! સવારે કડક ભાખરી અને ગરમાગરમ ચામાં જો મોડું થયું હોય, અથવા વહેલા ફરવા નીકળી ગયા હોય કે એવા કોઈ બીજા કારણસર એમની લાંબી નર્તિકા અંગૂલિઓ ફોન સુધી પહોંચે એ પહેલાં અમે જ એમના ઘરની ઘંટડી વગાડી દઈએ. 'સર! આજથી શિયાળો બેઠો. આજથી ઉનાળો શરૂ, આજે તો આષાઢનો પ્રથમ દિવસ! કાલે બુદ્ધપૂર્ણિમા, આજે વાગ્બારશ, પરમે વસંતપંચમી, આજે રવીન્દ્રજયંતી, શરદ પૂર્ણિમા આડે પાંચ દિવસ, કાલે એકવીસ જુલાઈ…' કેટકેટલા દિવસો અને રાત્રિઓ! એમ સમજો ને કે એ ગયા ત્યારથી અમારું તો કેલેન્ડર જ થંભી ગયું છે! અમારે આંગણે આવેલા કોઈ પક્ષી વિશે, વૃક્ષ કે પુષ્પ વિશે વાત થાય તો ભોળાભાઈ એનો કોઈ ને કોઈ કવિતા સાથે સંદર્ભ જોડી આપે. તબિયત ગમે એટલી ખરાબ હોય તો પણ સાહિત્યની વાત કરીને એ બરાબર કરી લેતા. સાહિત્યની ઉપાસના એ જ એમનાં પ્રાણાયામ, વ્યાયામ, આરામ અને ઔષધ! લગાવ તો એવો કે પોતાના અવસાનની આગલી રાત્રે પણ અગિયાર વાગ્યા સુધી રવીન્દ્રનાથના શબ્દો સાથે ગોઠડી કરતા રહેલા! વ્યાસ, વાલ્મીકિ, કાલિદાસ, રવીન્દ્રનાથ, જીવનાનંદ દાસ, શેક્સપિયર, ઓડન, મિલ્ટન, બોદલેર, વર્ડઝવર્થ, એલિયેટ, હજારીપ્રસાદજી, અજ્ઞેયજી, ઉમાશંકર જોશી, નિરંજન ભગત અને તે સિવાય બીજા અનેક કવિઓ-મહાકવિઓ એમના ચિત્તમાં ને જિહ્યાગ્રે વિશ્રામ લેવાનું પસંદ કરતા. 'મેઘદૂત' તો એમની પાસેથી આખું-અડધું અનેકવાર સાંભળ્યું છે. આષાઢનાં વાદળો દેખાય એ પહેલાં અમારી ઊર્મિઓ ગરજવાનું શરૂ કરી દે! અપવાદ બાદ કરતાં લગભગ દરેક વર્ષે અમે એમની વાણી દ્વારા મેઘયાત્રા કરી છે! બપૈયાની જેમ ભોળાભાઈને એક રઢ લાગેલી. સાહિત્યનો પ્રચાર-પ્રસાર કરવાની. માતૃભાષાનો મહિમા કરવાની. છેલ્લે તો થાક બાકને ગણકાર્યા વિના પણ કાર્યક્રમોમાં હાજર રહેતા. ખડખડાટ હાસ્ય સાથેની એમની ઉપસ્થિતિ વાતાવરણને જીવંત બનાવી દેતી. હાસ્યાર્થમાં પણ એ ભાયાણીસાહેબના ઉત્તરાધિકારી હતા. પ્રાકૃત ભાષાના કોઈ શૃંગારિક મુક્તક ઉપર બંને જણ આંખ મીંચકારીને ખડખડાટ હસી શકતા. એમનામાં આભિજાત્ય પણ ઘણું. કશું ય મોળું, ઊણું ન ગમે. જેમને સરખું એક વાક્ય પણ લખતાંબોલતાં આવડતું નથી એવા આજના 'વીર દેખાડાવાળા' માતૃભાષાભક્તોને જોઈને ભ્રકુટિ ચડાવીને એ બોલી ઊઠ્યા હોત ‘ખપે ન ખોટી ચીજ અમને ખપે ન ખોટી ચીજ!' વસ્ત્રોની પસંદગી પણ એવી કે અમસરીખા યુવાનોને પ્રેરણા મળે. સાવલીની કોલેજમાં જ્ઞાનસત્ર ભરાયું ત્યારે, માત્ર પસંદ કરેલા જ કવિઓ એમ નહીં, પણ ખુલ્લું કવિસંમેલન યોજાયું હતું. પ્રથમ દિવસથી જ જાહેરાત કરવામાં આવેલી કે જે કવિઓ કાવ્યપાઠ કરવા ઇચ્છતા હોય તેમણે પોતાનાં નામ લખાવવાં. ભોળાભાઈની અધ્યક્ષતામાં મને એનું સંચાલન કરવાનું સોંપાયું હતું. કલ્પના કરો જોઈએ કેટલા કવિઓ હશે? પાંચ, દસ, પંદર, વીસ, પચ્ચીસ, ત્રીસ? ના જી. પૂરા ત્યાંશી!! ભોળાભાઈ કહે આપણે કોઈને ય બાદ નથી કરવા. બધા એક અને માત્ર એક, અને તે પણ પ્રમાણમાં નાના કદની અને પોતાની પરિચાયક હોય એવી જ રચનાનું પઠન કરે. મને કહે-‘તમારી કસોટી એ કે કવિ વિશે માત્ર બે જ વાક્ય બોલવાનાં ને એમાં પરિચયનો અર્ક આવી જવો જોઈએ!’ પ્રારંભમાં એમણે કવિતા અને એની રજૂઆત વિશે ટૂંકું વક્તવ્ય આપ્યું પછી મારી હિંમત વધારવા કહે કે- 'આપણે સાથે છીએ! ભાર રાખ્યા વિના ગો અહેડ…' કવિવર રાજેન્દ્ર શાહથી શરૂ કરીને તે વખતના નવોદિત સુધી અમે પહોંચ્યા ત્યારે પાંચ-છ કલાક વીતી ગયા હતા! સમગ્ર ઉપક્રમમાં ભોળાભાઈ એક મિનિટેય મારાથી અળગા થયા નહોતા. પૂછવા ઠેકાણું હતા ભોળાભાઈ. એમની પાસેથી ઉષ્માપૂર્ણ ઉત્તર મળે જ મળે. સમય હોય તો ફોન ઉપર જ આખું ને આખું વ્યાખ્યાન આપે. મહેસાણા જિલ્લાની ખાસિયત અનુસાર તેઓ ક્યારેક 'ળ'નો ઉચ્ચાર '૨' કરી બેસતા. પણ - ‘ઉત્કળ કમળા વિળાસ દીર્ઘિકા, મરાળ માળિની નીળાંબુ ચિળિકા...' ઓડિયા કવિ રાધાનાથ રાયની આ પંક્તિઓ ઉચ્ચારવામાં એક પણ ભૂલ ન કરે અને એમ એક ગુજરાતી થઈને ભારતના પશ્ચિમ છેડાથી પૂર્વ છેડાને અજવાળે! જાહેરજીવનની કે અંગત-કોઈ પણ મૂંઝવણમાં એ સાથે હોય. મારાં અને બિન્દુનાં લગ્ન પ્રિય રમેશ ૨. દવેના બેઠકખંડમાં થયાં ત્યારે બિંદુના પક્ષે ભોળાભાઈ અને મારા પક્ષે રઘુવીરભાઈ ઉપસ્થિત રહેલા. બંનેએ અમને ચાંદલો પણ કરેલો. વધારામાં ભોળાભાઈએ એક લગ્નગીત પણ ગાયેલું. જીવ્યા ત્યાં લગી એક વત્સલ વડીલની જેમ જ સાથે રહ્યા. પરિષદ કે અકાદમી બાબતે સંસ્થા અને વ્યક્તિનું હિત વિચારીને જ જવાબ આપે. પાછો આગ્રહ કશો નહીં. ‘મારું કહ્યું કેમ ન કર્યું?’ એવો પ્રશ્ન તો એ ક્યારેય ન પૂછે. નામ પ્રમાણે શિવત્વના થોડા અંશો એમનામાં પણ ખરા. આમ તો એ ઘણા ઉદાર, પણ કોઈ એક નબળી ક્ષણે; આપણા એક સાહિત્યકારને એમનાથી અભિશાપ અપાઈ ગયેલો-‘જાવ! મારા જીવતાં અમુકતમુક ઇનામ બાબતે તમારા ગ્રહો અનુકૂળ નહીં થાય!’ પેલા સાહિત્યકારે 'કૃપા કરીને એ જણાવો કે આ શાપનું નિવારણ શું અને ક્યારે?’ એવું પૂછ્યું નહીં એટલે ‘કિરપા વહાં રુક ગઈ થી!’ ભોળાભાઈના દેવ થયા પછી જ એમની શાપમુક્તિ થઈ! એમને કોઈની વાત ખોટી કે ભેળસેળવાળી લાગે ત્યારે અકળાઈ જાય, પણ બીજી વાર એ વ્યક્તિ મળે ત્યારે પેલી વાતનો પડછાયો પણ પડવા ન દે! મનોમન બોલી ઊઠે: ‘ઇટ્સ ઓ.કે.' પરિષદ અને એની કાર્યરીતિ તથા તેની સાથે સંકળાયેલી કેટલીક વ્યક્તિઓના જાહેરવર્તન સંબંધે અમારી વચ્ચે ઘણા અને તીવ્ર મતભેદો હતા. ઉગ્ર ચર્ચા પણ થતી. આવે વખતે તેઓ અંગત સંબંધોને ઊની આંચ પણ આવવા ન દે. ઊલટું વિશેષ કાળજી રાખે એવી ઉમદા પ્રકૃતિ હતી એમની. આમ જોઈએ તો એ મુક્તપ્રવાસી હતા. માળખાના માણસ જ નહોતા. સંસ્થાગત માળખામાં પણ એ પરાણે બંધબેસતા થયેલા. પણ, નિષ્ઠા એવી કે એક વાર અંદર ગયા તો પછી માળખાની શરતો અને અનિવાર્ય અનિષ્ટને પણ સ્વીકારતા. ક્યારેક એમની દશા ભીષ્મ જેવી પણ થતી. મારા જેવો માણસ, પરિષદની કોઈ એક ચૂંટણી પછી અથવા ક્યાંક કોઈની નિમણૂક પછી, ધારદાર પ્રશ્ન પૂછી બેસે અને એમની પાસે કોઈ જવાબ ન હોય ત્યારે પારદર્શકતા ખોયાની વૈદના એમના ચહેરા પર છવાઈ જતી. એમની મજબૂર પીડા મારા સુધી પહોંચી છે એવી પ્રતીતિ થાય એટલે આકાશ તરફ જોઈને વાતને છોડી દે! કૃતજ્ઞતા એમના લોહીમાં હતી. કોઈએ કાંટો કાઢ્યો હોય તો એનો ગુણ ક્યારેય ન ભૂલે. જીવનપર્યંત એની આમન્યા જાળવે. અધ્યાપક થવાની તમામ લાયકાત ધરાવતા છતાં ભોળાભાઈ માણસા હાઈસ્કૂલમાં નોકરી કરતા હતા. સ્વાભાવિક જ એમની ઈચ્છા કોલેજમાં પ્રોફેસર થવાની હતી. ચિમનભાઈ પટેલની એસ.વી. કોલેજમાં હિન્દીના અધ્યાપકની જગ્યા ખાલી પડી કે ઊભી થઈ. ચિમનભાઈ પટેલ, રઘુવીરભાઈને બહુ જ નજીકથી ઓળખે, તેથી માન આપે! એ જગ્યા માટે એમની પસંદગી કરી જ લીધેલી. પણ, રઘુવીર જેનું નામ! કહે કે-‘મારે અત્યારે નોકરીની જરૂર નથી. ખરી જરૂર તો ભોળાભાઈને છે! મને જોઈશે ત્યારે મળી રહેશે. હમણાં તો મારે આગળ ભણવું છે!' એમ કહીને એમણે ચિમનભાઈના નિર્ણયમાં હકારાત્મક હસ્તક્ષેપ કર્યો. નામ સૂચવ્યું એટલું જ નહીં, આગ્રહ પણ રાખ્યો. ચિમનભાઈએ હા કહી કે તરત જ એ તો ઊપડ્યા માણસા ને ભોળાભાઈને અમદાવાદ તેડી લાવ્યા. અને એમ ગુરુદક્ષિણાનો યોગ સાધ્યો. આ પણ એક કારણ હતું ભોળાભાઈના ભીષ્મીકરણનું! ગુરુ-શિષ્યના વ્યક્તિત્વમાં એટલો ફેર કે રઘુવીરભાઈ સાથે તમે ફક્ત હસ્તધૂનન જ કરી શકો જ્યારે ભોળાભાઈને તો ભેટી પણ શકાય! હિન્દીવિભાગના અધ્યક્ષપદેથી નિવૃત્ત થયા પછી પણ ભણાવવાની ઈચ્છા કાયમ રહેલી. દેવભાષા સંસ્કૃત, માતૃભાષા ગુજરાતી અને રાષ્ટ્રભાષા હિન્દી ઉપરાંત બંગલા, ઉડિયા, અસમિયા જેવી ભગિનીભાષાઓ તથા અંગ્રેજી અને જર્મન જેવી વિદેશી ભાષાઓ પણ શીખ્યા હતા. કેટલાક લોકો એમનો ભાષાપ્રેમ જોઈને ભાષાભાઈ પણ કહેતા! શીખવું અને શીખવવું એમની મૂળ વૃત્તિ. વખતોવખત અનુવાદો પણ કરતા રહ્યા. એમની પાસે સાહિત્ય ભણ્યા હોય એ જ જાણે કે એમનો વ્યાપ કેટલો મોટો હતો! સ્મૃતિ પણ બહુ સારી. અમારા વખતે પણ, હાથમાં ચોપડી લીધા વિના જ ભણાવતા. પંક્તિઓની પંક્તિઓ પંખીઓની જેમ ઊડીઊડીને આવે ને ભોળાભાઈ જાણે પ્રથમ વાર જ એ શબ્દો પાંખ ફફડાવતા હોય એવી સ્ફૂર્તિથી એને ઉડાડે… પરિષદના પ્રવાસોમાં, રઘુવીરભાઈ-પારુભાભી, હરિકૃષ્ણ પાઠક જેમને પ્રેમથી 'રમેશભારથી' કહે છે તે રમેશભાઈ-ભારતીબહેન તથા હું ને બિન્દુ! ઉપરાંત બસમાં બેઠેલાં હોય તે બધાં સમૂહસ્વરોમાં ગીતો ગાઈએ. ભોળાભાઈ સારું ગાઈ શકતા નહોતા, પણ સહુની સાથે પોતાનો મંદ્રસૂર જરૂર રેલાવે. ગાનારાનો ઉત્સાહ વધારે. અંતાક્ષરીમાં ગીતો યાદ કરાવે. ‘રમૈયા વસ્તાવૈયા' ગીતમાં ‘યાદ આતી રહી દિલ દુખાતી રહી અપને મન કો મનાના ના આવા હમેં..' એ પંક્તિઓ એમને આર્દ્ર કરી દેતી. ગુરુ કરતાં પોતે કેટલું સારું ગાઈ શકે છે એ બતાવવાના આશયથી નહીં, પણ ભોળાઈનો મહિમા વધારવા અથવા મૂડ બદલવા રઘુવીરભાઈ ક્યારેક વચ્ચે અણધાર્યો વિરામ પડાવે અને ભોળાભાઈ પાસે ભમરાવાળું લોકગીત અચૂક ગવડાવે. જો કે અનિલાબહેન સહેજ વાંકી ડોક કરીને હસતાં હસતાં કહે પણ ખરાં કે - ‘ભોળાભાઈ તો બધાં ગીતો. એક જ રાગમાં ગાય છે!' અને રૂપાબહેન શેઠની જીભ નીકળી જાય. સહુથી પહેલા મોટ્ટા અવાજે હસી પડે તે ભોળાભાઈ! આજે આટલાં વર્ષે સમજાય છે કે એક જ રાગમાં જિંદગી આખી તલ્લીન રહેવું એ પણ કંઈ નાનીસૂની વાત નથી! મનુભાઈ પંચોળી ‘દર્શક’ ગુજરાત સાહિત્ય અકાદમીના પ્રમુખપદેથી નિવૃત્ત થયા એ પછી, સિતાંશુ યશશ્ચંદ્રને બાહુબલિ બળવંત જાનીનો પરગટ અને મજબૂત ટેકો હતો, તેમ છતાં, ભોળાભાઈ ચૂંટણી લડીને પ્રમુખ થયેલા. એક સંસ્થા તરીકે અકાદમીએ કઈ રીતે વિકસવું જોઈએ એનો એક નકશો એમના મનમાં હતો. કેવાં કેવાં પ્રકાશનો કરવાં જોઈએ? સાહિત્યિક સંસ્થાનું સામયિક કેવું હોય? અન્ય સંસ્થાઓની સ્વાયત્તતા અક્ષુણ્ણ રાખીને એની સાથે એક મુખ્ય સંસ્થા તરીકે તાલમેલવાળો નાતો કેવી રીતે રાખી શકાય? પરિસંવાદોનું આયોજન વધુ ફળદાયી કેવી રીતે નીવડે? આ બધી બાબતો વિષે એ બહુ સ્પષ્ટ અને ઉદાર હતા. અકાદમી માટે નવી નવી યોજનાઓ કે જે ભાષા-સાહિત્યને સમૃદ્ધ કરે, યોગ્ય વાચક માટે એના બરનાં પુસ્તકો ઉપલબ્ધ કરાવી આપવાથી માંડીને અનેક ઝીણી ઝીણી બાબતો અંગે વિચાર કરીને, દર્શક-યશવંતભાઈવાળી પરંપરામાં એક નવી પરિપાટી એમણે ઉમેરી આપી હતી. એમ કહો ને કે ગુજરાત સાહિત્ય અકાદમી, એમનું સ્વપ્ન હતું. એમના મનમાં દિલ્હીસ્થિત સાહિત્ય અકાદેમીનો આદર્શ હતો. ભોળાભાઈ ઇચ્છતા કે ગુજરાતની સાહિત્ય અકાદમી દિલ્હીની લગોલગ ઊભી રહીને પ્રાદેશિક અકાદમીનું નમૂનારૂપ ઉદાહરણ બને. ભોળાભાઈ સાથે જેમને પ્રવાસ-પ્રવાસો કરવાની તક મળી હોય એમણે પોતાની જાતને વિના સંકોચે ધન્ય સમજવી. મને-અમને એવા લહાવા મળ્યા છે. સાહિત્ય અકાદેમી દ્વારા ભારતીય ભાષાના કવિઓનું સત્ર શિલોંગમાં યોજાયું ત્યારે એ મોકો મળેલો. સાથે હતાં સરૂપબહેન ધ્રુવ. એ મારો પ્રથમ જ વિમાનપ્રવાસ અને તે પણ કેટલો લાંબો! અમદાવાદથી મુંબાઈ, મુંબાઈથી કોલકાતા અને કોલકાતાથી શિલોંગ ! જતાં પહેલાં એરપોર્ટ ઉપર ભોળાભાઈ કહે કે- 'ઝીણામાં ઝીણી વસ્તુ પણ સંભાળીને રાખજો. ક્યાંય ખોટી ઉતાવળ ન કરશો. ક્યારેક એવું બને કે આપણા અદ્ભુત પ્રવાસની સ્મૃતિને બદલે કોઈ વસ્તુ ખોવાયાની અવાંછિત સ્મૃતિ જ મુખ્ય બનીને રહી જાય!' પહેલેથી જ મને બિંદુએ કહેલું કે-‘સર બારી નહીં છોડે ને કદાચ સંકોચથી તમને કહેશે પણ નહીં, એટલે તમને બંનેને બારી મળી રહે એવી ટિકિટવ્યવસ્થા પહેલેથી જ કરજો !' પણ થયું ઊલટું. ભોળાભાઈએ જ્યારે જ્યારે મને બારી ન મળી ત્યારે ત્યારે આગ્રહ કરી કરીને પોતાની સીટ પર, બારી પાસે બેસાડ્યો! પાછા કહે પણ ખરા કે તમારો આ પ્રથમ વિમાનપ્રવાસ છે: એન્જોય ઈટ!’ કોલકાતાથી શિલોંગવાળું વિમાન તો સાવ ટચૂકડું. માત્ર બાર વ્યક્તિઓ જ બેસી શકે! અમને ત્રણેયને બારી મળેલી. અચાનક પાઈલોટે એનાઉન્સ કર્યું, અત્યારે આપણું વિમાન ‘સાત ભણિ' (સાત બહેનો) એટલે કે અસમ, ત્રિપુરા, મણિપુર, મિઝોરમ, નાગાલેંડ, અરુણાચલ અને મેઘાલય ઉપરથી ઊડી રહ્યું છે. ભોળાભાઈની આંખો જાણે કે બિલોરી કાચ બની ગઈ. મારો હાથ પકડીને કહે: ‘નીચે જુઓ નીચે!' અમે બધાં એક સાથે નીચે જોઈ રહ્યાં હતાં. શું જોયું? તો જેને નદી નહીં, પણ મહાનદ કહે છે તે બ્રહ્મપુત્ર! લીલીછમ છાબમાં સાતેસાત દૂધમલ સેરો ચોખ્ખી દેખાય! અમારા આશ્ચર્યને પામી ગયેલા પાઈલોટે વિમાનને શક્ય એટલું નીચે ઉતાર્યું, એટલું જ નહીં, બહ્મપુત્ર ઉપર ખાસ બીજું ચક્કર લીધું. અમને ઉતાર્યા બાદ પાઈલોટે ભોળાભાઈની સાથે અમારો પરિચય પણ પૂછેલો! પાછલાં વર્ષોમાં એમની તબિયતને કારણે ક્યાંય એકલા ન જતા. કોઈકને તો સાથે રાખે જ. હું કે બિન્દુ હોઈએ તો એમને વધુ અનુકૂળ. પણ, એમની વિશેષતા એ કે આપણને બાંધે નહીં ને બુઢઉગીરી પણ ન કરે. શિલોંગમાં બપોરે સરૂપબહેને કહ્યું: 'સાંજે મારી રૂમ પર આવો. કવિતાઓ વાંચીએ.' ભોળાભાઈ થાક્યા હતા. મને કહે, ‘તમે જાવ. હું આરામ કરીશ.' પછી તો મારી ને સરૂપબહેનની ગોષ્ઠિમાં ક્યારે અગિયાર વાગ્યા એની ખબર ન રહી. એકદમ ઘડિયાળ જોઈ ને હું દોડયો. મેં કહ્યું, 'સોરી સર! મારે આવવામાં મોડું થઈ ગયું. તમારે રાહ જોવી પડી?’ તો જવાબમાં હસીને કહે : 'કાવ્યશાસ્ત્રવિનોદેન કાલોગચ્છતિ ધિમતામ...' શિષ્યોની ડોકમાં એ સોનાની સાંકળ નહોતા નાંખતા. કોઈને પણ બીબાના ઢાળે ઢાળવાનું કાર્ય એ ન જ કરે. મુક્તિ આપવી અને લેવી એવી દૃઢ સમજણમાં ઠરેલા. એક વાર બપોર પછીના સમયમાં હું એમના ઘેર જઈ ચડ્યો. દાદરમાં જ શકરીમાસી મળ્યાં. એ શાક લેવા નીચે. જતાં હતાં. મને કહે 'જાવ! ઘર ખુલ્લું જ છે.' બેઠકખંડમાં ભોળાભાઈને ન જોયા એટલે હું સીધો જ એમના અધ્યયનકક્ષમાં ગયો. જોયું તો તેઓ લેખનમાં મગ્ન હતા. બારીમાંથી ટેબલ પર પ્રકાશપુંજ પડતો હતો. હું એમને ખલેલ ન પહોંચે એ રીતે પલંગ પર બેસી ગયો. મારો અખિયનકેમેરા ક્લોઝઅપમાં એમના ઉપર મંડાયેલો રહ્યો. ટેબલ પર બંને બાજુએ અનેક પુસ્તકો પડ્યાં હતાં. થોડું લખે. વળી વિચારે. એકાદ પુસ્તક હાથમાં લઈને પાનાં ફેરવે. વાળની સરકી આવતી લટને સરખી કરે. પુસ્તકમાં પેન્સિલથી લીટા કરે. કીડી જેવા ઝીણા અક્ષરે કશુંક લખે. જમણા હાથની બે આંગળીઓ-અનામિકા ને કનિષ્ઠા, બંકિમમુદ્રા ધારણ કરીને લેખનમગ્ન અંગૂઠા અને તર્જની-મધ્યમાને જોયા કરે! વળી પાછી કાગળ ઉપર એમની શેફરપેન સહજ રીતે સરકે. ટર્કિશ બ્લ્યૂ ઇન્ક ઓરિએન્ટ પેપર ઉપર નસરીન મોહમદીનાં ચિત્રો જેવી શબ્દોની સીધીસટ રેખાઓ આંકે. એમણે ત્રણ પેરેગ્રાફ લખ્યા ત્યાં સુધી કશો ખ્યાલ નહોતો કેમકે મેં મારો શ્વાસ પણ એમને ન સંભળાય એની તકેદારી રાખી હતી. આગળ લખવામાં એક શબ્દ ખોટી રીતે લખાયો અને એમનો ચહેરો જાણે કોઈ પાપ થઈ ગયું હોય એમ ખેંચાયો અને આખો કાગળ જ ફાડીને ડૂચો કરી નાંખ્યો! ટોપલીમાં નાંખવા જતાં પોઝિશન બદલાઈ અને એમની નજર મારા ઉપર પડી! 'અરે!' કહેતાં એમની આંખો વિસ્ફારિત! અને પછી પ્રસન્નમુદ્રા! અમારું ઘર 'સુરતા' બંધાતું હતું ત્યારે બેએક વખત જોવા અને વાસ્તુ પછી તો રોકાવા પણ આવ્યા હતા. કહેતા કે આ તો ‘સ્વપ્નનું ઘર' છે! અમે પાછાં ન પડીએ અને મકાન સારું બને એ માટે, ભોળાભાઈએ ઠોસ સધિયારો આપેલો, માસ્સાબ અને મૃદુલાએ તો લોન લઈને, સ્થૂળ અર્થમાં પણ મૈત્રીને મજબૂત કરી હતી. 'સુરતા'માં છેલ્લી વાર ભોળાભાઈ રોકાવા આવ્યા ત્યારે, અડાલજ, આર.વર્લ્ડમાં ‘ટ્રોય’ ફિલ્મ ચાલતી હતી. હું ને બિન્દુ એક વાર તો જોઈ આવ્યાં હતાં પણ સરની ઈચ્છા એવી કે આપણે સાથે જોઈએ. દીકરાને પણ ભેગો લીધો. થિયેટરમાં જતાં પૂર્વે ભોળાભાઈએ જયજિતને પાસે બેસાડીને હોમરના બંને મહાકાવ્યો ‘ઇલિયડ' અને 'ઓડિસી'ની કથા સંક્ષેપમાં કહી સંભળાવી. અમારા માટે પણ લહાવો હતો. દીકરો એ રીતે નસીબદાર કે જર્નાલિઝમના એના વર્ગોમાં પણ ભોળાભાઈ બેએક વ્યાખ્યાન આપવા ગયેલા! પરંપરા આમ જ આગળ વધતી હશે ને? વક્તા તરીકે ભોળાભાઈ બહુ સારા. ક્યારેય તૈયારી વિના બોલે નહીં. ‘અસ્મિતાપર્વ'માં અપાયેલાં એમનાં વક્તવ્યો મોરારિબાપુની નિશ્રામાં, સાહિત્યના અભિભાવકોએ મન ભરીને માણ્યા છે. કૃષ્ણલાલ શ્રીધરાણી જન્મશતાબ્દીના પરિસંવાદમાં બે દિવસ એમની સાથે ભાવનગર રહેવાનું બન્યું. વચ્ચે સમય મળ્યો ત્યારે શ્રી જયંત મેઘાણીને ઘેર જમવા-મળવા ગયા. લતાબહેને અને એમની પુત્રવધૂએ પાકકળાની તમામ કુશળતાઓ કામે લગાડેલી. પછી પ્રસાર'માં એમણે રવીન્દ્રનાથકૃત ‘ભાષા ઓ છંદ'નો પાઠ કર્યો, કહો કે નિરાંતે વક્તવ્ય જ આપ્યું. શ્રોતાઓ તો ગણીને અમે ચાર જ જણ. જયંતભાઈ મેઘાણી, દીપક મહેતા, ભોળાભાઈની પુત્રવધૂ તોરલ અને હું. પણ, એમણે જાણે કે આખી સભાને સંબોધન કર્યું હતું! અવસાનના અઠવાડિયા-પંદર દિવસ પહેલાં રવીન્દ્રમહોત્સવમાં તો એ બરાબરના ખીલ્યા હતા. પુસ્તકમેળામાં ય બોલી આવ્યા હતા. તબિયત તો ઘણા વખતથી નરમગરમ રહેતી હતી, પણ, આમ અચાનક ચાલ્યા જશે એવી તો કોઈને ય ધારણા નહોતી. ગુજરાત સાહિત્ય અકાદમીએ એમનું ગૌરવ પુરસ્કારથી સન્માન કરવાનું નક્કી કર્યું. ત્યારે હું અને બિન્દુ ખાસ મળવા ગયા અને અધિકારપૂર્વક સલાહ આપી કે તમે આ પુરસ્કારનો અસ્વીકાર કરીને સ્વાયત્તત્તાની માગણીને બુલંદી આપો. એમને અમારી વાત ગળે ઊતરી, પરંતુ સ્વીકારી શક્યા નહીં. જો એમણે તે વખતે માથું ઊંચક્યું હોત તો કદાચ પરિસ્થિતિ જુદી હોત! ભોળાભાઈને સૌથી વધુ પ્રિય એમના વિદ્યાર્થીઓ. એક શિક્ષક તરીકે પોતાની પાસે જે કંઈ હતું તે બધું જ આપવામાં એમણે કોઈ કસર રાખી નહોતી. યોગાનુયોગ પણ કેવો? એમણે છેલ્લે જે લેખ લખ્યો એ એમના અવસાનના દિવસે જ સવારે 'દિવ્ય ભાસ્કર'માં પ્રગટ થયો. એમણે અમને કહ્યું નહોતું. આશ્ચર્યને એમ જ આશ્ચર્ય રહેવા દઈને એમણે કાયમને માટે આંખો મીંચી દીધી! એ લેખમાં, એમણે પોતાના પ્રિય છાત્રોને નામજોગ પત્ર લખ્યો હતો. પાછા લેસન પણ આપતા ગયા, કવિ અજ્ઞેયનું જીવનચરિત્ર લખવાનું! ભોળાભાઈનાં સ્થૂળદેહને અગ્ન્યાર્પણ થતો અમે સગી આંખે જોયો. દેહ દ્વારા કાળદેવતાને એમણે છેલ્લી આહુતિ પણ આપી દીધી હતી! આટલું લખ્યા પછી પણ કહેવાનું એ કે ભોળાભાઈ નખશિખ સજ્જન, સ્વાભાવિક પ્રેમાદરનો મહિમા કરનારા, અઠંગ અભ્યાસી અને ઉત્તમ શિક્ષક, અદ્ભુત મિત્ર, 'સાધો ઐસા હી ગુરુ ભાવે’- એવા ગુરુ અને ક્ષણેક્ષણ જીવતા સાહિત્યપ્રેમી હતા. શ્મશાનમાં જ અમે મિત્રોએ એમના જયેષ્ઠ પુત્ર મધુભાઈ પાસે, ભોળાભાઈનાં અસ્થિફૂલમાં ભાગ માગેલો. બે કુલડી ભરેલી. એક એમના પરિવાર માટે અને એક છાત્રો માટે. પરિવારે ગંગામાં એમને મુક્તિ આપી અને અમે બધાં હોડીમાં બેસીને નર્મદા ગયાં. જેના પ્રવાહમાં, એકસમયે સહસ્નાન કર્યું હતું એમાં જ ગુરુના શેષ અવશેષોને હોડીની સરસરાહટ અને હલેસાંનાં છપાક્ અવાજની સાક્ષીએ વહેતા મૂક્યા! અમને એમના જન્મ અને દેહાવસાનની તારીખો યાદ રહે કે ન રહે, પણ દર વર્ષે આષાઢ મહિનો તો આવે જ છે અને દરેક આષાઢને એનો પ્રથમ દિવસ પણ હોય જ છે ને? એમ લાગે છે કે ભોળાભાઈ, માત્ર ભોળાભાઈ નહોતા. એમનો માંહ્યલો કોઈ ભૂલા પડેલા યક્ષનો હતો!