સંવાદસંપદા/ડૉ. ઊર્મિબહેન દેસાઈ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
(2 intermediate revisions by 2 users not shown)
Line 3: Line 3:
{{Heading|ડૉ. ઊર્મિબહેન દેસાઈ સાથે વાર્તાલાપ| આરાધના ભટ્ટ}}
{{Heading|ડૉ. ઊર્મિબહેન દેસાઈ સાથે વાર્તાલાપ| આરાધના ભટ્ટ}}


[[File:SS Niranjanaben Kalarthi.jpg|frameless|center]]<br>
[[File:Urmi Desai.jpg|frameless|center]]<br>
 
 
<center>
<hr>
<br>
{|style="background-color: #E6C5B6; border: 2px solid #6c2F13;"
|<center>[https://www.youtube.com/watch?v=MExBVwhDub4 યુ ટ્યુબ પર ઊર્મિબહેન દેસાઈ સાથે વાર્તાલાપ]<center>
|}<br>


<hr>
<hr>
Line 9: Line 17:
<br>
<br>
{{#widget:Audio
{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/9/9b/Niranjanaben_Kalarthi_Interview_SS.mp3
|url=https://wiki.ekatrafoundation.org/images/4/41/Samvad_Sampada_-_Urmiben_Desai-4th_Oct_2023.mp3
}}
}}
<br>
<br>

Latest revision as of 03:10, 31 July 2024


ડૉ. ઊર્મિબહેન દેસાઈ સાથે વાર્તાલાપ

આરાધના ભટ્ટ

Urmi Desai.jpg





યુ ટ્યુબ પર ઊર્મિબહેન દેસાઈ સાથે વાર્તાલાપ




વાર્તાલાપની શ્રાવ્ય કડી


રોજબરોજના જીવનમાં ગુજરાતી ભાષાનો ઉપયોગ ઘટતો જાય છે અને અંગ્રેજી ભાષાનો પ્રભાવ વધી રહ્યો છે. એવા વાતાવરણમાં કોઈ ગુજરાતી ભાષાશાસ્ત્ર વિશે વિચારતું હશે કે કેમ એવો પ્રશ્ન જરૂર થાય. મુંબઈનિવાસી ડૉ. ઊર્મિબહેન દેસાઈએ ભાષાશાસ્ત્રમાં ડૉક્ટરેટની પદવી મેળવી, એટલું જ નહીં, એમનાં ૮૫ વર્ષના આયખામાં એમણે એ વિષયનાં ૨૫ પુસ્તકો આપ્યાં છે. એમના પીએચડીના માર્ગદર્શક ગુજરાતી ભાષાના પ્રજ્ઞાવાન ભાષાશાસ્ત્રી, અનુવાદક, વિવેચક ડૉ. હરિવલ્લભ ભાયાણીએ એમને આપેલી સલાહ આજ પર્યંત પાળતાં ઊર્મિબહેન આજે પણ અભ્યાસરત જીવન જીવે છે. એમને તાજેતરમાં મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીએ જીવન ગૌરવ પુરસ્કારથી સન્માનિત કર્યાં. આ પૂર્વે એમને ૨૦૧૭માં દિલ્હીની સાહિત્ય અકાદમીનો ગુજરાતી ભાષા માટેનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો અને ગુજરાતી સાહિત્ય પરિષદે પણ એમને ૨૦૧૫માં શ્રી પ્રભાશંકર તેરૈયા પારિતોષિકથી નવાજ્યાં હતાં. ઊર્મિબહેન સાથેનો આ વાર્તાલાપ એમની વિનમ્રતા અને વિદ્વત્તાનાં દર્શન કરાવશે. પ્રશ્ન : ઊર્મિબહેન, નમસ્કાર અને તાજેતરમાં આપને મળેલા મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીના જીવન ગૌરવ પુરસ્કાર બદલ અભિનંદન. સન્માનોની આપને નવાઈ નથી, આ અગાઉ ૨૦૧૭માં દિલ્હીની સાહિત્ય અકાદમીએ પણ આપને સન્માન એનાયત કરેલું. આવાં સન્માનો મળે ત્યારે કેવી લાગણી થાય? એમ થાય કે કંઈ કામ કર્યું એની લોકોએ કદર કરી. કારણ કે, મારો વિષય એવો છે કે એને અમુક જ પ્રકારના લોકો વાંચતા હોય. પણ જ્યારે આવું થાય ત્યારે લાગે કે આટલાં વર્ષોથી બેઠાં બેઠાં કામ કરીએ છીએ તો કોઈને કદર થઈ ખરી. કામ કરવું એ જ મુખ્ય છે, મનમાં એવૉર્ડનું લક્ષ્ય તો હોતું જ નથી. પ્રશ્ન : હવે આપણે જો આપની વિદ્યાપ્રીતિનાં મૂળમાં જઈએ તો મને લાગે છે કે એનાં મૂળ આપના બાળપણમાં, ઉછેરમાં હશે. આપના બાળપણ વિશે અને ઘરના વાતાવરણ વિશે થોડીક વાત કરશો? ઉછેર તો મારો બહુ સારો થયો. મારા પપ્પા થોડો વખત કસ્તૂરબાના પ્રાઇવેટ સેક્રેટરી હતા, અને થોડો વખત સુભાષબાબુના પ્રાઇવેટ સેક્રેટરી હતા. એમને પોતાનાં બાળકોને ભણાવવાનો એટલો બધો ઉત્સાહ હતો, અને એટલી બધી શિસ્તથી અમારી પાસે કામ કરાવડાવ્યું છે. એટલે અમે બધાં—મારી મોટી બહેન, મારો નાનો ભાઈ, અમે ભણવામાં એકદમ હોશિયાર હતાં. એટલે ઘરમાં ભણવાનું વાતાવરણ બાપુજીએ ઊભું કરેલું. બાકી અમે મધ્યમ વર્ગનાં હતાં એટલે પહેલાં એકથી ચાર ધોરણ હું મ્યુનિસિપલ સ્કૂલમાં ભણી છું. ત્યાં ત્રીજા-ચોથા ધોરણમાં મને એક શિક્ષક મળ્યાં હતાં બપ્પઈબહેન પેમાસ્તર. એમના વિશે મેં મારા લેખમાં પણ લખ્યું છે. એમણે અમને એકેએક વિષય એટલો સરસ રીતે ભણાવ્યો કે વાત મૂકી દો. એટલે મારો ભણતરનો પાયો બહુ જ પાક્કો થઈ ગયો હતો એવું મને લાગે છે. પછી હું ચંદારામજી સ્કૂલમાં દાખલ થઈ, તો ત્યાં પણ મારા ગણિતના શિક્ષક બહુ સારા હતા. હું પહેલેથી ગણિતમાં બહુ સારા માર્ક લાવતી એટલે એ બધા શિક્ષકોનો મને બહુ સપોર્ટ હતો. હું બધા શિક્ષકોની બહુ લાડકી પણ હતી. જોકે, હું મસ્તીખોર બહુ જ હતી, પણ ભણવામાં હોશિયાર હતી એટલે શિક્ષકો મારાં તોફાન-મસ્તી બધું ચલાવી લેતા હતા. પછી હું ઝેવિયર્સ કૉલેજમાં દાખલ થઈ, તો ત્યાં મને ઝાલાસાહેબ જેવા પ્રોફેસર મળ્યા એને હું મારું સદ્‌ભાગ્ય માનું છું. એ એટલી સરસ રીતે અમને સંસ્કૃત ભણાવતા; અને પછી એમની સાથે તો બહુ ઘર જેવો સંબંધ થઈ ગયો હતો. પ્રશ્ન : યુનિવર્સિટીનો અભ્યાસ આપે બહુ સંઘર્ષો વચ્ચે કરેલો. એનું કારણ છે કે પહેલેથી મારા બાપુજીને ખબર નહીં શું ડર હતો કે કેમ, પણ મેટ્રિક પછી ભણાવીશ નહીં, એમ મને કહી દીધું. મારા શિક્ષકો મને કહે કે હું ઘેર બાપુજીને મનાવવા આવું, આટલી બધી હોશિયાર છોકરીને કેમ ભણાવતા નથી. પણ મેં એમને કહ્યું કે મારા બાપુજી બહુ ગુસ્સાદાર સ્વભાવના છે, તમારું પણ અપમાન કરી દેશે. પછી હું રડી, કકળી, અને ત્રણ દિવસ મેં ખાધું-પીધું નહીં. એવી ધમાલ કરી એટલે કંટાળીને બાપુજીએ કહ્યું કે બે વર્ષ તને કૉલેજમાં ભણવા મોકલીશ. હવે મારે તો ડૉક્ટર થવું હતું. મારી મોટી બહેનને પણ ડૉક્ટર થવું હતું, પણ એને તો મેટ્રિકનું પરિણામ આવે તે પહેલાં જ પરણાવી દીધી. એટલે મેં પછી સાયન્સ ન લીધું અને આર્ટ્સ લીધું. એ રીતે બે વર્ષ પૂરાં થવા આવ્યાં પછી એવું બન્યું કે મારા બાપુજીના શેઠિયાએ નાગપુરની એમ્પ્રેસ મિલ ખરીદી, એટલે મારા બાપુજીને નાગપુર જવાનું બહુ થતું. એમની ગેરહાજરીનો લાભ કે ગેરલાભ મેં લીધો અને બે વર્ષ પછી એમને પૂછ્યા વગર મેં સ્કૂલમાં નોકરી લઈ લીધી અને એમને પૂછ્યા વિના ફી ભરીને કૉલેજમાં બીએમાં દાખલ થઈ ગઈ. એ આવ્યા પછી ધૂંવાંપૂંવાં થઈ ગયા, પણ પછી હું ટસની મસ ન થઈ અને પછી મેં મારું ભણવાનું અને નોકરી બંને ચાલુ જ રાખ્યાં. નોકરી કરતાં કરતાં જ હું ભણી છું અને મારા પૈસે જ ભણી. પછી ગુસ્સો તો એટલો બધો આવ્યો હતો કે બાપુજી પાસેથી એક પૈસો પણ ન લીધો. પ્રશ્ન : ઊર્મિબહેન આપે ક્યાંક કહ્યું છે કે પીએચડી એ સંશોધનની સમાપ્તિ નહીં પણ સંશોધનની શરૂઆત છે. આ વિચાર ભાયાણીસાહેબે આપના મનમાં રોપેલો. આપણે ત્યાં આજીવન અભ્યાસનો અને આજીવન સંશોધનનો આ વિચાર અમલમાં મુકાતો ખાસ જોવા મળતો નથી. આમાં વાંક તો ગાઇડનો પણ છે. એક વાર વિદ્યાર્થી એમની પાસે સંશોધન માટે આવે તો એમને સંશોધનની કેડી એવી રીતે બતાવે કે એ એના જીવનમાં એ કેડી ઉપર આરામથી ચાલી શકે. પણ આજે એવું જોવામાં નથી આવતું. અને જે પીએચડી થાય છે એવાં થાય છે કે એક વખત મેં જયંત પારેખને કહ્યું હતું કે સારું છે કે તમારી ને મારી પાસે આ છોકરાંઓ થીસિસ તપાસવા આવતાં નથી, નહીં તો એમાંથી નવ્વાણું ટકાને તો આપણે નપાસ જ કરીએ. એમાં સંશોધન જેવું હોતું જ નથી. અહીંયાં-ત્યાંથી બધી સામગ્રી ભેગી કરીને જુદા જુદા લોકોનાં ક્વૉટેશન મૂકીને થીસિસ ભરી દેવામાં આવે છે. મૌલિક સંશોધન તો એક વાક્યમાં અથવા એક પૅરેગ્રાફમાં પણ હોઈ શકે. એને માટે આવાં પાંચસો પાનાં ભરીને ઉતારા કરવા ન પડે. એમાં ઉતારા સિવાય બીજું કશું જ નથી હોતું. એટલે સંશોધનની સાચી દૃષ્ટિ એમના માર્ગદર્શકો કેળવતા નથી અથવા એમનામાં પોતાનામાં નથી. પ્રશ્ન : અર્થાત્ આપના સંશોધનમાં અને આપ અત્યાર પર્યંત જે લેખન કરી રહ્યાં છો એમાં, ભાયાણીસાહેબની ભૂમિકા અત્યંત મહત્ત્વની છે. ભાયાણીસાહેબની પહેલી બાબત તો એ કે એ કોઈ દિવસ સ્પૂન-ફીડિંગ ન કરે. તમારે સંશોધન કરવાનું છે તો તમારી પાસે જ મહેનત કરાવે. એ તમને દિશા જરૂર ચીંધે, પણ સ્પૂન-ફીડિંગ ન કરે. તમારી સંશોધનવૃત્તિ વધુ ખીલવવામાં એમને રસ હતો. મેં મારી પ્રત્યયો વિશે થીસિસ શરૂ કરી અને પાણિનિના પ્રત્યયો વિશે મેં પહેલાં વાંચ્યું. તો ભાયાણીસાહેબે કહ્યું કે પાણિનિએ કયા પ્રત્યય વિશે શું કહ્યું એ એટલું મહત્ત્વનું નથી, પણ એની પાછળની એમની દૃષ્ટિ કઈ છે, કઈ દૃષ્ટિથી એમણે આ પ્રત્યયોની સ્થાપના કરી છે અથવા એનું અર્થઘટન કર્યું છે એ તમે જુઓ. બાકી એમની સાથેના પ્રસંગો તો એટલા બધા છે, એમના પર તો મેં ત્રણેક લેખ લખ્યા છે. હું તો હજુ માનું છું કે આપણે જોઈએ એવી એમની મહત્તા સ્વીકારી નથી. ભારતી મોદી તો કહેતાં કે ભાયાણીસાહેબ જેવા અને સુરેશ જોષી જેવા વિદ્વાનો જો કલકત્તામાં પેદા થયા હોત તો લોકો એમને માથે મૂકીને નાચ્યા હોત. આપણે એમની કદર જોઈએ એવી કરી નથી. ઓરિએન્ટલ રિસર્ચ સેન્ટર છે એમાં મુંબઈમાંથી સૌથી પહેલાં સુનીતિકુમાર ચેટરજીને બહુમાન મળ્યું, પછી ત્રીસ-પાંત્રીસ વર્ષના ગાળા પછી ભાયાણીસાહેબને એ સન્માન મળ્યું. તો અત્યાર સુધીમાં આખા હિન્દુસ્તાનમાંથી માત્ર બે જ વિદ્વાનો પોંખાયા છે. તો એમની આપણે કેટલી કદર કરી? કારણ કે, ભાયાણીસાહેબનો સ્વભાવ એવો કે એ શાંત બેસીને પોતાનું કામ કર્યા કરે. એમણે મને પણ કહ્યું કે ખૂણામાં શાંતિથી બેસીને પોતાની રિસર્ચ કર્યા કર. અને એમની એ જ સલાહ હું આજ સુધી પાળતી આવી છું. બાકી એમની વિદ્વત્તાના તો કેટલાય પ્રસંગો છે. એ પોતે પીએચડીના વિદ્યાર્થી હતા ત્યારનો એક પ્રસંગ કહું છું. એ સંસ્કૃતના છંદો ઉપર પીએચડી કરતા હતા. એમણે એમના માર્ગદર્શકને કહ્યું કે વચ્ચે એક આખો સમયગાળો ખૂટે છે. તો એમના માર્ગદર્શકે કહ્યું કે આપણી પાસે જેટલી હસ્તપ્રતો છે એના પરથી જ આપણે તો કામ કરવાનું. અને ત્યારે ભાયાણીસાહેબે એ પ્રમાણે કરી લીધું. વર્ષો પછી એ હસ્તપ્રત નેપાળમાંથી મળી અને ભાયાણીસાહેબે કહેલું એ આખો બસો-ત્રણસો શ્લોકોનો સમયગાળો ખૂટતો હતો એ પેલી હસ્તપ્રતમાંથી મળ્યો. આ કહું છું એમાં એમની વિદ્યાર્થી તરીકેની કેટલી તેજ બુદ્ધિ હતી એ વાત છે. બીજો એક શિલાલેખ મળ્યો હતો જે ત્રાંસો કપાયેલો હતો. તો એક પરદેશના વિદ્વાને ભાયાણીસાહેબને શિલાલેખનો ફોટો મોકલ્યો. ભાયાણીસાહેબે કમ્પેરેટિવ લિંગ્વિસ્ટિક્સના આધારે એ આખો શિલાલેખ એમને પૂરો કરી આપ્યો. એ શિલાલેખ વર્ષો પછી શ્રીલંકામાંથી મળ્યો અને એમાં ભાયાણીસાહેબે જે લખ્યું હતું એ શબ્દેશબ્દ હતું. આ ભાયાણીસાહેબની બુદ્ધિ! અને એકદમ શાંત રીતે કોઈ પણ હોહા કર્યા વિના પોતાનું કામ બેઠાં બેઠાં કર્યા કરવું – ભગવાન આવા માણસોને ભાગ્યે જ પેદા કરતા હશે. પ્રશ્ન : આપણે લાઇફ-લૉંગ લર્નિંગની વાત કરી, તો આપ ૮૫ વર્ષની વયે પણ લેખન, સંશોધન, પ્રકાશનમાં સક્રિય છો. ૮૫ની ઉંમર એટલે એવી ઉંમર જ્યારે ઘણાખરા લોકોની સ્મૃતિ, એકાગ્રતા જેવી માનસિક ક્ષમતાઓ ક્ષીણ થવા માંડે, શારીરિક ક્ષમતાના પ્રશ્નો પણ થાય. આપની આ સક્રિયતાનું રહસ્ય શું છે? મારા બાપુજી. એમણે આખી જિંદગી એટલું બધું કામ કર્યું છે. અને બીજું, તબિયતનો વારસો પણ મારા બાપુજી તરફથી જ મળ્યો છે. એ ૯૩ વર્ષ સુધી એવા ને એવા જ હતા, છેલ્લા છએક મહિના જ બીમાર રહ્યા હશે. એટલે સૌથી મોટું રહસ્ય તો એ વારસો. હજુ સુધી મારે એક પણ દવાની ગોળી લેવી નથી પડતી, માત્ર કૅલ્શિયમ અને વિટામિનની ગોળી લઉં છું. એટલે તબિયત સારી હોવાને લીધે કામ કરવાની ઊર્જા એની મેળે ઉત્પન્ન થાય છે. અને બીજું કે મને મારા વિષયમાં એટલો બધો રસ છે. આમ જુઓ તો ભાષા એ મારે માટે સંશોધન કરવા માટેનું એક નિમિત્ત છે. પણ, મારે માટે લક્ષ્ય પણ એ જ છે. મારે મારી ભાષાને તપાસવી છે, નાણવી છે, માણવી છે. એ કરવાનું છે તો મારે ગુજરાતી ભાષા દ્વારા જ. એટલે ભાષા એ મારે માટે સાધન અને સાધ્ય બંને છે. અને ભાયાણીસાહેબ એ કાયમ કહેતા કે તમારે જે કરવાનું છે એ વાત તમારા મનમાં સતત ઘોળાયા કરતી હોવી જોઈએ. પણ બીજું તમને કહું કે હું એટલું બધું માનતી નથી કે હું સંશોધન કરું છું, કારણ કે, હું એમ માનું છું કે મારા મારફતે ભગવાન આ કરાવડાવે છે, એટલે હું કરું હું કરું એટલી બધી અજ્ઞાનતા મેં નથી રાખી. અને મારી પાસે આ કોઈક કરાવડાવે છે એનો મને પૂરેપૂરો અનુભવ છે. કારણ કે, હું જ્યારે મારાં છપાયેલાં પુસ્તકો વાંચું છું ત્યારે મને એમ થાય છે કે આ મેં કેવી રીતે લખ્યું. અત્યારે મને કોઈ કહે તો હું આવું પાછું ન લખી શકું. કોઈક એવી શક્તિ છે જે મારી પાસે આ કરાવડાવે છે, જે મને પ્રેરે છે, એવી મને અનુભૂતિ છે. પ્રશ્ન : આપનું ક્ષેત્ર અભ્યાસ-સંશોધનનું અને લગ્નથી આપ જોડાયાં આપણી ભાષાના ઉત્તમ વાર્તાકારો પૈકી ગણના પામેલા ઘનશ્યામભાઈ સાથે. આપનું મિલન કેવી રીતે થયું એના વિશે અને આપના સાયુજ્ય વિશે જાણવાની સહજ ઇચ્છા થાય છે. એમનું મિલન કેવી રીતે થયું એ તમને જરાક હસવા જેવું લાગે એવી વાત પણ છે. ઘનશ્યામે ન્યૂ ઇરા સ્કૂલ છોડી અને નવનીત સમર્પણમાં જોડાયા, એટલે સ્કૂલની એ જગ્યા ખાલી પડી. એમએમાં મારો પાસ ક્લાસ આવ્યો એટલે કૉલેજમાં મને નોકરી ન મળી, તેથી મારે સ્કૂલની નોકરી લેવાની હતી. એ વખતે ભૃગુરાય અંજારિયાએ ન્યૂ ઇરા સ્કૂલના પ્રિન્સિપાલને કહ્યું કે આ છોકરી હોશિયાર છે એટલે એને ઇન્ટર્વ્યૂ લીધા વિના સીધી જ એપોઇન્ટમેન્ટ આપવી પડશે. એ રીતે ઘનશ્યામ ગયા એની જગ્યાએ મને નોકરી મળી. પણ અમારા પ્રિન્સિપાલ કાંતિભાઈ વ્યાસે ઘનશ્યામને કંઈક એવું કહેલું કે આ છોકરી સારી છે, તું એની સાથે લગ્ન કરી લે. આમ, ઘનશ્યામને ખબર હતી. કાંતિભાઈએ મને અને ઘનશ્યામને એક પ્રોજેક્ટ કરવાનો આપ્યો, એ સ્કૂલમાંથી નીકળી ગયા હોવા છતાં પણ. એ આ જ કારણથી, કે અમે બે ભેગાં થઈએ અને પરણીએ. એટલે ઘનશ્યામને ખબર હતી, પણ મને ખબર નહોતી. અને જ્યારે એમણે મને કહ્યું કે કાંતિભાઈએ તો આટલા માટે આપણને આ પ્રોજેક્ટ આપ્યો છે, ત્યારે મેં થોડી રુક્ષતાથી કહી દીધું કે જુઓ, મારા બાપા તો જે બ્રાહ્મણ નહીં હોય એની સાથે મને કોઈ દિવસ પરણાવશે નહીં, એટલે તમે એનો વિચાર જ નહીં કરતા. પણ મેં ઘનશ્યામ સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું તે પહેલાં મને એક એવું સ્વપ્ન આવ્યું કે એમનાં મા મને આવીને કહે છે કે તમે મારા ઘનુને ના ન પાડશો. હવે એ વખતે ઘનશ્યામના કુટુંબ વિશે મને કોઈ જ ખબર નહોતી. મને એટલી જ ખબર હતી કે એ એમનાં મોટાં બહેનને ઘેર રહેતા હતા. પણ એમણે મને એટલું કહેલું કે મારી મા બહુ મોટી સાધ્વી છે, અને એમનું તો આખું શિષ્યમંડળ અમારા ગામમાં છે. એટલે મને એમ થયું કે આવી ભક્તિભાવવાળી સ્ત્રી જો મને સ્વપ્નમાં આવીને કહેતી હોય તો મારે આ વ્યક્તિ માટે થોડુંક વિચારવું જોઈએ. પણ મને એટલી ચોખવટ તો હતી કે મારા બાપુજી બ્રાહ્મણ ન હોય એને હા નહીં જ પાડે. પછી ઘનશ્યામ મારાથી નાનો ભાઈ છે એને જઈને મળ્યા અને એણે પણ એવું જ કહ્યું કે તમે બ્રાહ્મણ નથી એટલે બાપુજી હા નહીં પાડે. મારા બાપુજીએ અમને ના જ પાડી, છતાં પણ હું મારી જાતે પરણી અને બાપુજીએ ત્રણ વર્ષ સુધી અમને બોલાવ્યાં નહીં. પણ પછી તો ઘનશ્યામ સાથે એમને એટલું ફાવતું કે અમે એમને મળવા જઈએ અને રાત રોકાયાં હોઈએ તો રાત્રે બે વાગ્યા સુધી મારા બાપુજી ઘનશ્યામ સાથે વાતો કરતા જ હોય. પ્રશ્ન : આટલા લાંબા સહજીવનનાં પણ અનેક સંસ્મરણો હશે. મારા ઘરે મારાં ફોઈબા રહેતાં હતાં. એ થોડાંક રૂઢિચુસ્ત એટલે દીકરીને એકલી તો ક્યાંય મોકલે જ નહીં. હું પરણી ૧૯૬૫માં અને એ જ વર્ષે મુંબઈમાં સમર સ્કૂલ ઑફ લિન્ગ્વિસ્ટિક્સ આવી અને ત્યારથી મેં એ વિષયનો ધોરણસરનો અભ્યાસ કરવો શરૂ કર્યો. મારું પીએચડી ૧૯૬૩માં શરૂ થયું અને ૧૯૬૭માં પૂરું થયું. તો ઘનશ્યામે જ મને એ માટે ઉત્તેજન આપ્યું. હું દોઢ દોઢ મહિનો ઘરથી દૂર જતી અને એમને રસોઈ કરતાં બહુ આવડતું નહોતું, છતાં એ ગમે તે રીતે વ્યવસ્થા કરી લેતા હતા. એમણે મને જે સગવડ આપી એ મને ન મળી હોત તો હું ભાષાશાસ્ત્રનો આટલો અભ્યાસ ન કરી શકી હોત. એક વખત તો હું ગઈ પછી બીજા જ દિવસે અમારો ઘરઘાટી કહ્યા વિના જતો રહ્યો. અમારો દીકરો ત્યારે નાનો, એમનો દિવાળીનો અંક અને એક સેમિનાર માટે હું મૈસુર ગઈ હતી. તો આવું દોઢ વર્ષ સુધી મેં કર્યું અને તકલીફ હોય તો એ મને ક્યારેય જણાવે પણ નહીં. એ વખતે ત્યાં મેં જે પ્રોજેક્ટ લીધેલો એ સકર્મકતા, અકર્મકતા, અને પ્રેરકતાનો હતો. એ પ્રોજેક્ટ એટલો સરસ થયો કે એ વખતના એક મોટા ભાષાશાસ્ત્રી ડૉ. કૅનેથ પાઈક હતા એમણે એ પ્રોજેક્ટ પર મને લાલ પેનથી ‘એક્સેલન્ટ’ લખીને આપેલું. આવા તો કેટલા પ્રસંગો છે. એક વખત હું મારી ગૅલેરીમાં બેઠી બેઠી લખતી હતી. વ્યાકરણનું મારું છેલ્લું પ્રકરણ હતું. ઘરમાં ઘડિયાળ તો દેખાય નહીં. એટલે ઘનશ્યામ ક્યારે મને આવીને પૂછી ગયા કે નિરામયને ભૂખ લાગી છે, હું નીચેથી બ્રેડ-બટર લઈ આવું અને ક્યારે મેં હા પાડી દીધી એનું પણ મને ભાન નહોતું. જ્યારે મારું લખવાનું પૂરું કરીને હું ઊભી થઈ ત્યારે સાડા અગિયાર થવા આવ્યા હતા. મેં પૂછ્યું કે જમવાનું શું કર્યું? ત્યારે મને કહે કે અમે તો બ્રેડ-બટર ખાઈ લીધું, તારે માટે રહેવા દીધું છે. તમે વિચાર કરો કે આવું બધું એમણે ન કર્યું હોત તો હું કેવી રીતે આટલો અભ્યાસ કરી શકી હોત. લોકો કહે છે કે પુરુષની સફળતા પાછળ સ્ત્રી હોય છે, પણ હું તો કહું છું કે સ્ત્રીની સફળતા પાછળ એના કરતાં પણ વધારે ભોગ પુરુષે અને એનાં બાળકોએ આપવો પડ્યો હોય છે. પ્રશ્ન : એક વાર્તાકાર સાથેના સહજીવન દરમ્યાન આપને સર્જનાત્મક લખવાની ક્યારેય ઇચ્છા ન થઈ? ના. પહેલી તો વાત એ કે એવી આપણામાં લાયકાત જોઈએ ને! એ લાયકાત જ નથી. મને નાનપણથી વ્યાકરણ બહુ જ ગમતું, સંસ્કૃત વ્યાકરણ પણ મારું બહુ સારું હતું. સર્જનાત્મક સાહિત્ય માટે તમારે કલ્પનાવિહાર કરવાનો હોય, એવી કલ્પના જ ન આવે. એક વખત લાભશંકર ઠાકરે મારી સાથે પોણો કલાક માથાઝીક કરી કે તમે વાર્તા લખો. પણ મેં કહ્યું કે એ મારું ગજું નથી, એ મારો વિષય નથી. વિશ્લેષણ અને પૃથક્કરણ એમાં જ મારી શક્તિ છે. પ્રશ્ન : ઊર્મિબહેન, મનુષ્ય માટે ભાષા એ પ્રત્યાયનનું પ્રાથમિક સાધન છે. બાળક ભાષા લઈને જ જન્મે છે અને આપોઆપ એનો ઉપયોગ કરતાં શીખી જાય છે. તો પછી જે સહજ છે એને શાસ્ત્રમાં બાંધવાની જરૂર છે? શાસ્ત્ર રચવાથી જે સરળ અને સહજ છે એને આપણે મુશ્કેલ બનાવીએ એવું નથી થતું? જે સહજ છે એ સામાન્ય માણસ માટે. આજે તમે અને હું જે વાત કરીએ છીએ એનાથી જે પ્રત્યાયન થાય છે એમાં ભાષા પોતાનો અર્થ એની મેળે કાઢી લે છે. પણ એ અર્થ કેવી રીતે નીકળે છે એ જાણવાની ઇચ્છા કોઈકને તો હોય ને. જે પ્રત્યાયન થાય છે એની પાછળ કોઈક પદ્ધતિ હશે એ જાણવાનો વિચાર ઘણાને આવતો હોય. ભાષા એક વિજ્ઞાન છે અને એ વૈજ્ઞાનિક પદ્ધતિ શોધવાનું મન થતું હોય છે. તમે દોઢ વર્ષનાં હતાં ત્યારથી આજ સુધી ભાષાનો સહજ ઉપયોગ કર્યો જ છે. એમાં તમે ક્યાંય ખોટું બોલ્યાં નથી, કે ખોટું વિચાર્યું નથી. ‘મારો બા કેમ આવ્યો?’, ‘આ છોકરો પડી ગઈ.’—આવાં ખોટાં વાક્યો કોઈ પણ સામાન્ય માણસ ન બોલે, કારણ કે, એણે પોતાની ભાષાને સહજતાથી પ્રાપ્ત કરી લીધી હોય છે. એને કોઈ જ ઔપચારિક ભાષાશિક્ષણની જરૂર નથી. એ ભાષાના પરિસરમાં રહીને જ ભાષા શીખતો હોય છે. પણ મારા જેવાને એમ થાય કે આ શું છે? ભાષાનું જે બંધારણ છે એમાં આ બધું કેવી રીતે આવે છે? કક્કો બારાખડી તો બધાને ખબર છે, પણ એ ધ્વનિઓ મારી ભાષામાં કઈ રીતે કામ કરે છે, એનું પ્રકાર્ય શું છે, એ જાણવાની ઇચ્છા જો મને હોય અને આપણે ત્યાં તો પાણિનિના વખતથી, એટલે કે, પાંચ હજાર વર્ષથી વધુ જૂનું આ શાસ્ત્ર છે. યુરોપમાં ૧૯મી સદીમાં અને અમેરિકામાં ૨૦મી સદીમાં ભાષાશાસ્ત્ર વિકસ્યું. બધાએ આ શાસ્ત્ર જાણવાની જરૂર નથી, પણ જેને પાણિનિમાં રસ છે એને માટે તો આ વિજ્ઞાન જ છે. એનાથી ભાષાની સહજતાને વાંધો નથી આવતો. વિદ્વાનો એમની રીતે ભાષાને તપાસે છે. પ્રશ્ન : આપની લેખનની ટેવ વિશે, અભ્યાસ અને સંશોધનની પ્રક્રિયા વિશે જાણવાની ઇચ્છા થાય છે. એમાં ભાયાણીસાહેબની તાલીમ સૌથી મોટો ભાગ ભજવે છે. કોઈ પણ નાનામાં નાનો મુદ્દો હોય તો એના વિશે કઈ રીતે વિચારવું અને કઈ રીતે કામ કરવું એ તાલીમ ભાયાણીસાહેબે એ રીતે આપી છે કે એ માત્ર મારા થીસિસના વિષય પૂરતી માર્યાદિત નથી. જિંદગીભર કઈ રીતે સંશોધન કરી શકાય એની તાલીમ એટલો મોટો ભાગ એમાં ભજવે છે કે કોઈ પણ વિષય પર કામ કરવાનું મને મન થાય તો એમાં એ મને કામ આવે છે. મેં મારાં ઘણાંખરાં પુસ્તકો એમએના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને જ લખ્યાં છે. અને મહેનત તો બહુ જ પડે. સામગ્રીનો જે સંચય કરવો પડે એમાં એટલાં બધાં પુસ્તકો વાંચવાં પડે, એટલો બધો સમય જાય. દોઢ-બે વર્ષ એ સામગ્રીનો સંચય કરવામાં જ જાય. પછી એ સામગ્રીને મારે કઈ રીતે પુસ્તકાકારે મૂકવાની હોય અથવા કઈ રીતે મારા વિદ્યાર્થીઓ સમજી શકે એ બધું કરવામાં બહુ મહેનત પડે. અને આમ જુઓ તો દર ત્રણ વર્ષે મારું એક પુસ્તક બહાર પડ્યું જ છે. એમાં એવું થાય કે બીજા બધા શોખ જરાક બાજુ પર મૂકીને માત્ર આના તરફ જ ધ્યાન કેન્દ્રિત કરવું પડે. અને હજુ પણ હું દિવસના પાંચ-સાત કલાક તો ભણું છું. પ્રશ્ન : આપણી ભાષાને ઘસારો પહોંચી રહ્યો છે, ભાષા ભૂંસાઈ રહી છે, એ વિશે ઘણા લોકો ચિંતિત છે. એના ઉપાય તરીકે ભાષા અને જોડણીના સરળીકરણ માટેના નુસખા પણ સૂચવાઈ રહ્યા છે. આ વિશે આપનો અભિપ્રાય શું છે? પરિસ્થિતિ ચિંતાજનક જરૂર છે. પણ હું થોડીક આશાવાદી પણ છું. ગુજરાતી માત્ર મોટાં શહેરોમાં જ બોલાય છે એવું નથી. આપણું જે તળ છે, જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં તો ગુજરાતી સારી રીતે બોલાય છે. હા, જે લોકો ગામડાંમાંથી શહેરમાં સ્થળાંતર કરીને આવે છે એ લોકો અમુક શિક્ષણ મેળવે પછી એમની ભાષા બદલાય છે. પણ અત્યારે પશ્ચિમમાં તો એવો અભિગમ છે કે પોતાની મૂળ ભાષા તરફ જવું. અને એમનો આ અભિગમ માત્ર ભાષા પૂરતો નથી, પણ સાહિત્ય અને વિવેચનમાં પણ આ અભિગમ છે. અને તમે જુઓ કે થોડાં વર્ષો પહેલાં મેક્સિકોના લેખકે તો પોતાની બોલીમાં નવલકથા લખી છે અને એમને નોબૅલ ઇનામ પણ મળ્યું છે. એમણે એ નવલકથા અંગ્રેજીમાં નથી લખી. એટલે પોતાની મૂળ ભાષાનું મહત્ત્વ આજે પશ્ચિમના દેશોમાં એટલા જોરથી સ્વીકારાયું છે, તો આપણે ત્યાં પણ એ અભિગમ આવશે. એટલે મને નથી લાગતું કે આપણી ભાષા સાવ જ મરી જાય. હા, એની સ્થિતિ ચિંતાજનક તો છે, આજે જે ધોવાણ થઈ રહ્યું છે એને અટકાવવા કોઈ એવા લૅન્ગ્વેજ ગાર્ડની જરૂર છે. ભારતીબેન મોદી તો એવું કાયમ કહે છે કે જ્યાં ખોટી ભાષા બોલાય છે કે લખાય છે ત્યાં કાન પકડવા એવા લૅન્ગ્વેજ ગાર્ડ ઊભા કરવા જ પડશે. અને બાબુ સુથારે પણ એવું જ કહ્યું છે કે આ ધોવાણ અટકાવવા માટે વ્યાકરણ એક સાધન બની શકે. કમળાશંકર ત્રિવેદીએ કેટલાં વર્ષો પહેલાં પોતાના વ્યાકરણમાં આ વસ્તુ લખી છે. હું છાપાં વાંચું છું તો દર ત્રીજા દિવસે એમાં લખ્યું હોય છે કે ‘બેસ્યા છે’. હવે ‘બેઠા છે’ એ સાચું ગજરાતી છે. પણ આ છાપાંવાળાનો કાન પકડવા કેવી રીતે જવું? આવું તો કેટલું ચાલ્યા કરે છે. એને માટે બાળકને નાનપણથી ભાષા માટે એક પ્રકારની સજાગતા લાવવી જરૂરી છે. એ છાપાંઓની હજારો નકલ જાય અને લાખો લોકો એ વાંચે. તો ભાષાનું ધોવાણ આમ થતું જાય છે. પ્રશ્ન : વચ્ચે ઉંઝા જોડણીનો વિચાર મુકાયો અને કેટલાક લેખકોએ એ જોડણી અપનાવી પણ છે. મુંબઈમાં હું એની ઉપપ્રમુખ હતી. હું એમ માનું છું કે આપણે ત્યાં હ્રસ્વ અને દીર્ઘ બતાવવાની બે જ નિશાની છે, પણ અ અને આ અને ઓ એ બધાને હ્રસ્વ અને દીર્ઘ બતાવવાની જુદી નિશાનીઓ નથી અને છતાં એ બોલાય જ છે. તો પછી ઇ અને ઉ માટે આ પળોજણ શું કામ રાખવી, એવી એક થિયરી છે. ઉંઝામાં મેં બહુ સક્રિય ભાગ લીધો છે. તમે જો બાળકના લખાણમાંથી ઇ અને ઉના હ્રસ્વ-દીર્ઘની ભૂલો કાઢી નાખો તો પંચોતેર ટકાથી વધુ ભૂલો નીકળી જાય. હું જો એમ કહું કે ‘મારા પિતા સિગરેટ નહોતા પીતા’, તો એ બંને પીનો એકસરખો જ ઉચ્ચાર છે. એટલે આ એક લેખનની બાબત છે, પણ બોલવામાં અને ભાષાના ફન્કશ્નલ લેવલે (functional level) નથી. જ્યારે આ વાત જોરમાં ચાલતી હતી ત્યારે ગુજરાતી મિડ-ડેના સેન્ટર પેજ પર મેં લેખ લખ્યો છે. આ બધી પિષ્ટપેષણ આમ આદમીને કરવાની જરૂર નથી. ભાષા તો પહેલાં બોલાતી હતી, લિપિનું સ્વરૂપ તો હજારો વર્ષ પછી આવ્યું છે. પ્રશ્ન : આપ માત્ર લેખન-સંશોધન જ કરો છો એવું નથી. બાળકોના શિક્ષણ માટે આપ બીજી રીતે પણ યોગદાન આપતાં આવ્યાં છો. હું વાત કરું છું આપના ટ્રસ્ટની. હા, ઘનશ્યામના એક ખાસ મિત્રનું અંગત ટ્રસ્ટ ‘જીવનગંગા વિકાસ ટ્રસ્ટ’ દહાણુંમાં છે. એમાં અમે ધીમે ધીમે કરીને વીસ શાળાઓ દત્તક લીધી અને એના શિક્ષણમાં તો અમે માથું ન મારી શકીએ, કારણ કે, એના અભ્યાસક્રમ સરકાર દ્વારા નિયત હોય. પણ એમાં સવલતો ઊભી કરવા અમે ખૂબ મદદ કરીએ. એટલે શાળામાં નવાં ટોઇલેટ બાંધ્યાં, સ્કૂલમાં ઍક્વાગાર્ડ મુકાવીને પીવાના પાણીની વ્યવસ્થા કરી, રમતગમતનાં સાધનો લીધાં, કૉમ્પ્યૂટર આપ્યાં, ક્લાસમાં પંખા આપ્યા. અમે ત્યાં દસ વર્ષ સખત કામ કર્યું. એ વિસ્તાર આદિવાસીઓનો છે અને ત્યાં જે બાળકો આવે છે એમણે રમવાનો બૉલ પણ જોયો નહોતો. દસેક વર્ષ પછી એના મુખ્ય ટ્રસ્ટી જે ઘનશ્યામના ખાસ મિત્ર હતા, રતિલાલ મુછાળા, એ બીમાર થયા અને પછી એમનું અવસાન થયું એટલે હવે મેં એ કામ છોડી દીધું છે. પહેલી શાળાનું જ્યારે ઉદ્‌ઘાટન કર્યું, ત્યારે બાળકોને નાસ્તાનાં પૅકેટ આપેલાં, જેમાં ગાંઠિયા અને લાડુ હતા. એમાંનાં કેટલાંય બાળકો એવાં હતાં જેમણે પહેલી વખત લાડુ જોયો. આવાં બાળકો માટે કામ કરવું બહુ જ ગમે, અને દસ વર્ષ પછી એ બાળકોને જોઈને અમને લાગ્યું કે એમનો કેટલો બધો વિકાસ થયો છે. પ્રશ્ન : ટેક્‌નૉલૉજી, ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા, વગેરે આજે વધારે ને વધારે અનિવાર્ય બનતાં જાય છે. રોજિંદા જીવનમાં એનો ઉપયોગ ખરીદી કરવા, બેંકનાં કામ માટે કે બિલ ભરવા લોકો કરે છે તો કળાકારો-સર્જકો લોકો સમક્ષ પોતાનું કામ રજૂ કરવા માટે કરે છે. આપ ટેક્‌નૉલૉજીથી અળગાં રહ્યાં છો. એ એક સભાન પ્રયત્ન છે? એ ન વાપરવાથી ક્યારેક અગવડ નથી થતી? મેં કૉમ્પ્યૂટર વસાવ્યું અને ઘરમાં ઘણાં વર્ષ રાખ્યું. હું એમાં ટાઇપ કરવા જાઉં તો, આપણી ગુજરાતી લિપિ થ્રી ટાયર છે. અક્ષરની નીચે હ્રસ્વ-દીર્ઘ લખાય, માત્રા ઉપર લખાય. તો આ બધું હું શોધવા જાઉં એટલામાં તો મેં મનમાં જે વિચાર્યું હોય એ જતું રહે. એટલે મારા વિચારને મારા હાથ સાથે જે સંબંધ છે એ આમાં શક્ય ન બન્યું. અને ટેવ નથી એટલે મને ન ફાવ્યું. મને હાથે લખવાની જ ટેવ છે. હું જે વિચારું છું એ મારો હાથ આપોઆપ લખતો જ જાય છે. આ જ રીતે મેં પચીસ પુસ્તકો લખી દીધાં અને છવીસમું લખું છું. એટલે આ રીતે પણ કામ થાય છે. પ્રશ્ન : આપણે આ મુલાકાતનું સમાપન રેપિડ ફાયર રાઉન્ડથી કરીએ. હું પાંચ પ્રશ્નો પૂછીશ એના જવાબ એક શબ્દ અથવા એક વાક્યમાં આપશો? ભાષા ઉપરાંત રસ રુચિ? – નૃત્ય અને શાસ્ત્રીય સંગીત સાંભળવું. ચોવીસ કલાક મારું સંગીત ચાલતું જ હોય છે, અને મારું કામ પણ ચાલતું જ હોય છે, મને ખલેલ નથી થતો. ભાવતું ભોજન? – એવું કંઈ નથી, મને દેશી વધારે ભાવે. કોઈ અફસોસ છે? – ના, અફસોસ કોઈ નથી. બહુ સારી રીતે બધું જીવનમાં થયું છે એનો સંતોષ છે, હા હજુ થોડું કામ કરવું છે, હજુ ઘણું કરવાનું બાકી છે. જો ભાષાશાસ્ત્ર તરફ ન વળ્યાં હોત તો શું કરતાં હોત? – ડાન્સર, હું બહુ સારી ડાન્સર હતી અને હજી નાચવું ગમે. ૮૫ વર્ષના જીવનના નિચોડરૂપે જો કોઈ સંદેશ એક વાક્યમાં આપવાનો હોય તો શું કહેશો? – કામ કરતા રહો, જીવનમાં જે લક્ષ્ય નક્કી કર્યું એ મેળવવા માટે ગમે તેટલી મુસીબતો કે સંઘર્ષો આવે એને પાર કરતા જાવ, બીજું તો શું.