પ્રતિપદા/‘પ્રતિપદા’ નિમિત્તે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|‘પ્રતિપદા’ નિમિત્તે}} {{ParagraphOpen}} પ્રતિપદાનું આયોજન વિચાર્ય...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 14: Line 14:
વસંતપંચમી
વસંતપંચમી
{{ParagraphClose}}
{{ParagraphClose}}
{{HeaderNav
|previous = [[પ્રતિપદા/સંપાદકીય|સંપાદકીય]]
|next = [[પ્રતિપદા/અનુ-આધુનિક કવિતાઃ ઓળખનો  આલેખ – મણિલાલ હ. પટેલ|અનુ-આધુનિક કવિતાઃ ઓળખનો  આલેખ – મણિલાલ હ. પટેલ]]
}}

Latest revision as of 09:13, 7 September 2021

‘પ્રતિપદા’ નિમિત્તે


પ્રતિપદાનું આયોજન વિચાર્યું ત્યારે આરંભે તો એ થોડાક અનુ-આધુનિક કવિઓના કાવ્યપાઠનો ઉત્સવ બની રહે એવો જ સાદો ખ્યાલ હતો, પણ ધીરે ધીરે એ ઉત્સવનું જે સ્વરૂપ બંધાયું તે અ-પૂર્વ અને રમણીય હતું. એણે અંતઃસત્ત્વે કરીને કાવ્યપ્રસ્તુતિ અને સમ્યક સ્તુતિની એક સાહિત્યિક ઘટનાનું સ્વરૂપ ધારણ કર્યું. અનુ-આધુનિકોની એક આખી પેઢી નિજના કાવ્યપ્રકાશમાં ઊભી હતી, સહિયારી પણ નિતાંત પોતીકી ગુજરાતી ભાષાની ભૂમિ પર. કાવ્યરસિકો માટે (ને થોડાક ઈતરજનો માટે પણ) એ એક અવિસ્મરણીય વિરલ પર્વ બની રહ્યું, વળી નરસિંહ, કબીર, ઉમાશંકર ને દરવિશ જેવા સર્વકાલીન કવિઓ પ્રત્યે શ્રદ્ધા દૃઢીભૂત કરવાનું સ્થાનક પણ. અહીં પ્રસ્તુત છે તે સિવાયના અનુ-આધુનિક કાળના થોડા અન્ય કવિઓનો પણ પ્રતિપદામાં સમાવેશ કરવાની લાલસા હતી, પણ આયોજનની એક દેખીતી મર્યાદા હતી જે ઓળંગી શકાય તેમ નહતી. (આમ પણ, બે દિવસમાં સત્તર કવિઓના કાવ્યપાઠનો ઉપક્રમ કોઈકોઈ મિત્રોને ‘મહત્ત્વાકાંક્ષી’ જ લાગેલો.) આધુનિકોમાંથી પણ આધુનિકોત્તર ગાળામાં જેમની કૃતિઓમાં અનુ-આધુનિકતાનાં લક્ષણો વર્તાયાં હોય તેઓ પણ દેખીતી રીતે જ આ નૈમિત્તિક ગ્રંથમાં હાજર નથી. સમગ્રતાનો દાવો કર્યા સિવાય પણ આ ગ્રંથ અનુ-આધુનિક કવિતાનું મહદંશે પ્રતિનિધિત્વ કરતો ખિસ્સાકોશ બની રહે એટલી રિદ્ધિ તો ધરાવે જ છે. આ ગ્રંથમાંથી પસાર થનારને એટલું તો તરત સમજાશે કે અહીં સંઘરાયેલા ‘અવાજો’ વિવિધ, વિલક્ષણ અને વિદગ્ધ છે. એ સામુદાયિક નથી, વૈયક્તિક છે. (ભૂતકાળમાં આપણે કવિતાના સામુદાયિક અવાજો પણ સાંભળ્યા છે.) શું આપણે પુરોગામીઓની પ્રતીકરચનારીતિ અને કમલ વોરા ને ભરત નાયક સરખા કવિઓની નિસ્યંદિત પ્રતીકરચનારીતિ વચ્ચેનો સૂક્ષ્મ સર્જનાત્મક ભેદ નથી પારખી શકતા? જયદેવ અને કમલઃ વાક્‌સંયતિ બન્નેમાં જોવા મળે, પણ જુજવે રૂપે. વિનોદ, જયેન્દ્ર, મનોહર ને સંજુઃ ગીતકવિ તો ચારેય, પણ પંક્તિપોત બાબતે ચારેય ભિન્ન. વિનોદની પંક્તિઓમાં લાવણ્યમય લય અને લાસ્ય, જયેન્દ્રની પ્રલંબ લયની પરુષતા, મનોહરની તળપદ આત્મીયતા, સંજુની અગેય તરફ ઝૂકતી લયાત્મકતા. દલપત અને સંજુની પદાવલી ભજનચેતનાની પરંપરામાંથી પ્રગટતી હોવાને કારણે પરસ્પરતા દાખવે ખરી પણ પોતપોતાનાં ગૂઢ એકાંતો અકબંધ જાળવતી રહે. યજ્ઞેશ અને બાબુ સુથારમાં વૈશ્વિક પ્રજ્ઞાનો પાસ હોય પણ પૃથકતા જરાય જોખમાય નહીં. એ જ રીતે બાબુ સુથાર અને મણિલાલની કવિતાનું અંતરંગ ભલે હોય જાનપદી ચેતના અને અતીતરાગનું, બન્નેનો સ્વાદ બિલકુલ અલગ. મણિલાલમાં રંગદર્શિતાની છાંટવાળી નિસર્ગરમણા, બાબુ સુથારની અભિવ્યક્તિ દેશાટનની વેદનાસંવેદના ઉમેરાતાં જરા જુદી રીતે વ્યગ્ર અને વિષાદી, – ઉદયનની રચનાઓમાં પ્રજ્ઞા અને પ્રહસનની વિરલ સંયુતિ જોવા મળે. રાજેશે જે રીતે પોતાના વિપદાભર્યા દેશકાળની અ-મુખર કવિતા કરી છે કે પુરાકથાના જીર્ણ વ્યતીતને વર્તમાનમાં ભેળવી કાવ્યની નવ્ય અર્થવત્તા રચવાની મથામણ કરી છે એ પણ ઝીણી નજરે પરખવા જેવું છે. કાનજીની ભીલી બોલછાનું જનપદ-વનપદ આદિમ હોવા છતાં ય આપણાં જેવા અર્ધબધિર ગુજરાતી ભાષાભદ્રિકો માટે તો નવી વસ જ બની રહ્યું છે. જયદેવની વિપ્રવાક ગણાયેલી કવિતામાં કલ્પનો અન્ય લલિતકળાઓ સાથે જે રીતે આનંદઘન સંવાદ માંડે છે એ સાંભળવા કાન સરવા કરવા પડે. એવું જ નીરવ અને મનીષાની સ્વ-તંત્ર નીપજાવી લેતી પૃથક્‌ પૃથક્‌ રીતે વિદ્રોહી કવિતા. હું એને ‘–વાદી’ કવિતા કહેવાને બદલે દલિત કે નારી ‘–વાચક’ કહેવાનું વધારે પસંદ કરું. આ પેઢીએ પ્રકટાવેલું સ્વર-વૈવિધ્ય સઘન અભ્યાસ ખમી શકે તેવું માતબર છે. પ્રતિપદાની આરંભની ક્ષણથી એક સંકલ્પ તો હતો જ કે આ સમગ્ર ‘વાચિકમ્‌’ને દૃશ્યશ્રાવ્ય અને ‘મસિકાગદ’ના માધ્યમે, સૌ કવિતાના સ્નેહીઓ અને વ્યાસંગીઓ માટે સંઘરી લેવું. એ સંકલ્પ આંશિક રૂપે આજે ચરિતાર્થ થઈ રહ્યો છે એનું શ્રેય એન.એસ.પટેલ આટ્‌ર્સ કૉલેજના મોકળા મનના સંચાલક મંડળને અને એના શુદ્ધ વિદ્યાલક્ષી અભિગમને જ આપવું રહ્યું. સાધારણ રીતે યુનિવર્સિટીઓ કે ગ્રંથનિર્માણ બોર્ડ જેવી સંસ્થાઓ પાસે આપણે આવાં બૃહદ્‌ પ્રકાશનની આશા રાખી શકીએ. આવા પ્રકલ્પ માટે તો શિક્ષણ અને વિદ્યા પ્રત્યે કેટલી ઊંડી નિસ્બત ને સાત્ત્વિક આસક્તિ જોઈએ! જો કે, આ સંસ્થાનું ગજું શું છે તે ગુજરાતમાં હવે તો સૌ શિક્ષણ અને સાહિત્યના પ્રેમીઓ જાણે છે. પ્રતિપદા કવિતા-ઉત્સવથી માંડીને આ ગ્રંથઘટન સુધીના તમામ તબક્કે વિદ્યાયોગી સહયોગ બદલ સંસ્થાના સૂત્રધાર ભીખુભાઈ પટેલનો હું ઋણી છું. પ્રતિપદાના સંદર્ભે મોહનભાઈ પટેલની અથેતિ ઉપસ્થિતિ મારે મન જબરો સધિયારો બની રહી હતી. એમની ઉષ્માભરી મૈત્રીને અહીં ભાવપૂર્વક સ્મરું છું. આ ઉપક્રમમાં સંકળાયેલા સૌ કવિમિત્રો અને સાહિત્યમર્મી સમીક્ષકો સુમન શાહ, શિરીષ પંચાલ અને રમણ સોનીનો હું હૃદયપૂર્વક આભારી છું. મનીષા જોશી અને બાબુ સુથારે કાવ્યપઠનની ડીવીડી મોકલી દરિયાપારથી આ ઉત્સવમાં હાજરી પૂરાવી તેનો વિશેષ આનંદ છે. પણ મણિલાલ, જયદેવ, રાજેન્દ્રસિંહ, પીયૂષભાઈ, ચિત્રકારમિત્રો અજિત પટેલ અને કનુ પટેલ ‘પ્રતિપદા’ને મૂર્તિમંત કરવામાં મારાથી ય વિશેષ ઉત્સુક હતા. એમનો આભાર માનવામાં મૈત્રીનો કાયદાકીય બાધ નડે છે એટલે એવો ‘અપરાધ’ આચરતો નથી. નવલોહિયા અધ્યાપકો અજયસિંહ, પ્રશાંત અને યોગેશ સાહિત્યિક આયોજનો પ્રસંગે ‘કપૂરના વૈતરિયા’ બની જાય છે. એમને સાધુવાદ પાઠવીએઃ જુઓને, એ મિત્રોનો પરિશ્રમ કેવો તો રંગ લાવી રહ્યો છે આ વસંતપંચમીએ! -- હરીશ મીનાશ્રુ ૨૪ જાન્યુઆરી ૨૦૧૫ શનિવાર વસંતપંચમી