કથાલોક/‘માનવીની ભવાઈ’ : ઈટાલિયન ભૂમિમાં: Difference between revisions
(+1) |
(+1) |
||
| Line 13: | Line 13: | ||
પ્રેમ નહિ, ત્રિકોણ નહિ, આડા વહેવારની વાત નહિ, પણ નકરાં દુઃખોનું જ બયાન આપતી આવી વાર્તામાં સસ્તા પ્રચાર કે વેવલા ઉપદેશોમાં સરકી પડવાનું બહુ સરળ ગણાય અને લેખક સિલોની તો પાછા રાજકારણના અત્યંત સંપ્રજ્ઞ માણસ. પણ આ કથાને એમણે આ કે તે વાદની પત્રિકાને બદલે એક નિર્ભેળ કલાકૃતિ જ બનાવી છે. એનું આલેખન પણ કથામાં ઊભરાતાં દીનહીન માનવીઓ જેવું જ છે : સાવ સાદું, કશા ઓપ કે રંગરોગાન વિનાનું, નહિ કશો ઠઠારો, નહિ ક્યાંય ઝડઝમક. અંતકડીની રમતની શૈલીએ એક પછી એક કથક વારાફરતી વાત કહે, અને એ રીતે કથાતંતુ આગળ વધતો રહે. એમાં ઘરગથ્થુ રમૂજ આવે, રોનક આવે, હસીહસીને થાકી જઈએ એવી પરિસ્થિતિ સાથે સાંભળીને સ્તબ્ધ થઈ જઈએ એવા ફાસિસ્ટ સિતમગરોના બળાત્કાર પણ આવે. આ બધાં વચ્ચે માનવીની સનાતન જિજીવિષા ડોકિયાં કરતી જ રહે. એ જિજીવિષા, એ સારપ, એ શ્રદ્ધા કોઈ સસ્તી કે બનાવટી ‘માંગલ્ય’ની નીપજ લેખે નહિ પણ મનુષ્યના સાચા ખમીરની કોઈક ગુપ્ત ગજવેલની પ્રતીતિ કરાવી જાય. | પ્રેમ નહિ, ત્રિકોણ નહિ, આડા વહેવારની વાત નહિ, પણ નકરાં દુઃખોનું જ બયાન આપતી આવી વાર્તામાં સસ્તા પ્રચાર કે વેવલા ઉપદેશોમાં સરકી પડવાનું બહુ સરળ ગણાય અને લેખક સિલોની તો પાછા રાજકારણના અત્યંત સંપ્રજ્ઞ માણસ. પણ આ કથાને એમણે આ કે તે વાદની પત્રિકાને બદલે એક નિર્ભેળ કલાકૃતિ જ બનાવી છે. એનું આલેખન પણ કથામાં ઊભરાતાં દીનહીન માનવીઓ જેવું જ છે : સાવ સાદું, કશા ઓપ કે રંગરોગાન વિનાનું, નહિ કશો ઠઠારો, નહિ ક્યાંય ઝડઝમક. અંતકડીની રમતની શૈલીએ એક પછી એક કથક વારાફરતી વાત કહે, અને એ રીતે કથાતંતુ આગળ વધતો રહે. એમાં ઘરગથ્થુ રમૂજ આવે, રોનક આવે, હસીહસીને થાકી જઈએ એવી પરિસ્થિતિ સાથે સાંભળીને સ્તબ્ધ થઈ જઈએ એવા ફાસિસ્ટ સિતમગરોના બળાત્કાર પણ આવે. આ બધાં વચ્ચે માનવીની સનાતન જિજીવિષા ડોકિયાં કરતી જ રહે. એ જિજીવિષા, એ સારપ, એ શ્રદ્ધા કોઈ સસ્તી કે બનાવટી ‘માંગલ્ય’ની નીપજ લેખે નહિ પણ મનુષ્યના સાચા ખમીરની કોઈક ગુપ્ત ગજવેલની પ્રતીતિ કરાવી જાય. | ||
હું શા માટે લખું છું, એવી પૃચ્છાના ઉત્તરમાં સિલોની કહે છે : ‘લેખન એ જ નિરાશા સામે ટકી રહેવાનું મારું એકમાત્ર સાધન છે.’ વાચક લેખે આપણે પણ આ ઉત્તરની નીચે શેરો મારી શકીએ. કે માનવીનાં સુખદુઃખની આવી સાચકલી વાત કરતી કલાકૃતિનું વાચન પણ આપણે માટે નિરાશા સામે ટકી રહેવાનું એક સબળ સાધન બની રહે છે. | હું શા માટે લખું છું, એવી પૃચ્છાના ઉત્તરમાં સિલોની કહે છે : ‘લેખન એ જ નિરાશા સામે ટકી રહેવાનું મારું એકમાત્ર સાધન છે.’ વાચક લેખે આપણે પણ આ ઉત્તરની નીચે શેરો મારી શકીએ. કે માનવીનાં સુખદુઃખની આવી સાચકલી વાત કરતી કલાકૃતિનું વાચન પણ આપણે માટે નિરાશા સામે ટકી રહેવાનું એક સબળ સાધન બની રહે છે. | ||
{{right|(ફોન્તામારા : મૂળ ઈટાલિયનના અંગ્રેજી પરથી ગુજરાતી અનુવાદક જયંતિ દલાલ)}} | {{right|(ફોન્તામારા : મૂળ ઈટાલિયનના અંગ્રેજી પરથી ગુજરાતી અનુવાદક જયંતિ દલાલ)}}<br> | ||
{{right|એપ્રિલ, ૧૯૬૪}} | {{right|એપ્રિલ, ૧૯૬૪}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
Latest revision as of 02:12, 20 May 2025
‘માનવીની ભવાઈ’ : ઈટાલિયન ભૂમિમાં
મનુષ્યનાં સુખદુઃખના અનુભવો વિશે ટોલ્સ્ટોયે આન્ના કેરેનિનાના આરંભમાં જ એક સરખામણી કરી છે : સહુ સુખી કુટુંબો એકસરખાં જ હોય છે. દુઃખી કુટુંબો પોતપોતાની રીતે દુ:ખી હોય છે. એ સહુનાં દુઃખનાં કારણ એકબીજાંથી નિરાળાં હોય છે.
રશિયન સાહિત્યકારના આ નિરીક્ષણમાં એક ઉમેરો કરી શકાય કે દુઃખના દરેક અનુભવમાં એનું આગવાપણું હોવા છતાં વેદનામાં, યાતનામાં એક પ્રકારની સાર્વત્રિકતા, સમાનતા પણ હોય છે જ. સુખસમૃદ્ધિ ભલે આ કે તે રાષ્ટ્રની ભૌગોલિક રેખાઓમાં મર્યાદિત રહેતી હોય; દુઃખને, કંગાલિયતને, ભૂખમરાને, રિબામણીને આવા કોઈ સીમાડા નડતા નથી. કાગડા બધે જ કાળા, એમ દીનદુઃખિયાં તો દુનિયાભરમાં સરખાં જ. ‘છત ડાહી ને અછત ગાંડી’ એ કહેવત તો દુનિયાભરમાં સાચી જ ઠરવાની. ઈગ્નાઝિયો સિલોનીની નવલકથા ‘ફોન્તામારા’ વાંચ્યા પછી લાગે છે કે રિબાતાં–હિજરાતાં માનવીની ભવાઈ તો સર્વત્ર એકસરખી જ હોય છે. ઈડર પ્રદેશમાં જુઓ કે ઈટાલિયન ભૂમિમાં નિહાળો.
અનુવાદક જયંતિ દલાલે જેને ભાંગેલાં ગામડાં ને તૂટેલાં મનની નવલકથા કહી છે એ ‘ફોન્તામારા’નું વાચન ઘણી જગ્યાએ પન્નાલાલકૃત ‘માનવીની ભવાઈ’ની યાદ આપી જાય છે. પન્નાલાલની કથામાંના પ્રેમત્રિકોણ, લગ્નબાહ્ય વ્યવહારો અને કૌતુકરાગી આલેખનો બાદ કરીએ તે પિલાતાં–રિબાતાં, લૂટાતાં–છેતરાતાં, કાળની ભીંસમાં ભાંગી જવા છતાંય ફરીફરીને ઊઠતાં ખેડૂતોની કહાણી ફોન્તામારા ગામનાં રહેવાસીઓથી તત્ત્વતઃ બહુ જુદી પડતી નથી. એમ કહી શકાય કે આ ઈટાલિયન માનવીઓની ભવાઈ તો આપણા પ્રદેશ કરતાંય બદતર છે. આપણા કાળુ પાસે તો જમીનનો ટુકડો પણ છે. ‘ફોન્તામારા’ના કેફોની પાસે તો ઊભવાની જગ્યા પણ નથી. એ ખેતમજૂર છે, દાડિયો છે. એની હાલતને તો છપ્પનિયાનાં પેલાં રાંકાઓ અને કંગનાં ટોળાં સાથે જ સરખાવી શકાય.
કથાનો સમય ૧૯૨૨ના અરસાનો છે. ઈટાલીની ધરતી ઉપર ફાંસીવાદનો ઉદય થઈ રહ્યો છે. ફોન્તામારા જેવાં ગામડાંનાં માણસોને ખબર પણ નથી કે અમારા ઉપર કોનું રાજ તપે છે. એ લોકો તો એકમાત્ર શાસક શાહજાદા તોર્લોનિયાને જ ઓળખે. પણ કાળક્રમે એમનું ભાવિ મોઝેઝને બદલે મુસોલિનીના હાથમાં જઈ પડેલું એનો તો એમને ખ્યાલ પણ નહોતો. ‘સરકાર આવે ને જાય એ એ બધું તો શહેરોમાં જ બનેને!’ એમ માનનારાં આ લોકો સરકાર વિશે પણ વિચિત્ર ખ્યાલ ધરાવતાં. ‘બધી સરકારોમાં ઘણે ભાગે તો ચોર લોકો જ હોય. પણ બીજી રીતે જુઓ તો ખેડૂતના દીકરા માટે પાંચસો ચોર જોડે પનારું પાડવું એના કરતાં એકની સાથે વહેવાર રાખેવો સારો. એક મોટો ચોર અકરાંતિયો હોય તોય નાનકડા ને ભૂખાળવા પાંચસો ચોર કરતાં ઓછું ખાય.’
આ ગામડાં ભાંગ્યા કેમ કરીને? એની કહાણી અદ્દલ આપણા દેશ જેવી જ લાગે છે : ‘...દેશના આ મારા વિસ્તારમાં વણવાની કળાનાં, આ યુદ્ધ દરમિયાન જાણે પીછાં વીંખાઈ ગયાં હતાં. જે થોડી સાળ ચાલતી–ગાજતી રહી હતી તેમાં ઓલ્વીરાની સાળ ખાસ વખણાતી. પણ એનેય કામ તો ઓછું ને ઓછું જ મળતું હતું. વણવા માટે કો’ક એને થોડા ગજ ઊન આપે એવું હવે ભાગ્યે જ બનતું. સૈકાં લગી ચાલેલી સાળોની, પડખેના ગામમાં મોટી હોળી કરવામાં આવેલી. આ ઉદ્યોગ પડી ભાંગવાનાં ઘણાં કારણો હતાં. સ્થાનિક ઘેટાંનાં ટોળાં અલોપ થયાં, શહેરોમાં વણાયેલું ગરમ કાપડ મળવા માંડ્યું...’
યંત્રસંસ્કૃતિમાં બરબાદ થઈ ગયેલાં આ ખેડૂતોનું એમને જ મોઢે થતું આ વર્ણન સાંભળવા જેવું છે : ‘અમે ખેડૂતો તો જમીનની જીવાત જેવા. જેને ફાવે એ અમારો શિકાર કરે. અમને પણ ટાળે, કચડે, જે આવે તે મનફાવે તેમ ધૂતે.’ આ દુઃખિયાંઓ અંગે એક સરખામણી સચોટ લાગે છે : ‘જમીન વિનાનો ખેડુ, દર વિનાનો ઉંદર, બોડ વિનાનું શિયાળ.’ સાચે જ, ત્રણેય સરખાં જ નિરાધાર છે. બાલ્દીસેરા નામનો એક બટકબોલો સાચું જ સમજાવે છે : ‘ખેડૂત પાસે ખાવાની ભાખરી નથી, જોડા સીવનાર ઉઘાડા પગે ફરે છે, દરજીનાં કપડાં ફાટેલાં છે અને મકાન ચણનાર કડિયાને માથે છાપરું નથી. હવે આપણે બૅંકના યુગમાં આવી ગયાં, બસ એ જ છે બધી વાતનો અંત. ઈસુવિરોધીઓનો યુગ આવી ગયો.’
આ બૅંકયુગમાં આ દીનહીન ગામડિયાંઓ ઉપર કેવાં કેવાં વીતકો વીતે છે એનું બયાન લેખકે યથાતથ આપ્યું છે. દ્રાક્ષના માંડવામાંથી કન્ટ્રાટી પાણી વાળી લે : એની સામે રાવ ફરિયાદ કરવા ગયા તો ચોર કોટવાળને દંડે એવો અનુભવ થયો. ભૂખે મરતાં માનવીઓ જીવ પર આવીને શહેરમાં કામધંધો શોધવા ગયાં તો ત્યાં એમને સરકારી નોકરિયાતોએ લૂંટી લીધાં. ગરીબનાં નસીબ ગરીબ. એમને ધનવાનોથી માંડીને ધર્મગુરુઓ સુધીના શોષકો લૂંટે જ. પણ આટલું જાણે ઓછું હોય એમ રહસ્યમૂર્તિ ક્રાંતિકારને નામે એક નવાણિયો કુટાઈ ગયો. આલાને સાટે માલા જેવો કરુણ રમૂજી ઘાટ થયો ને એમાં એક નિર્દોષ જવાનનો બત્રીસો ચડી ગયો. ખેડૂત એડલે ખેડૂત જ, લોકજીભે ભલે જગતનો તાત ગણાય પણ વાસ્તવમાં તો એ અજ્ઞાન, અબુધ, ગમાર જેવો, ઓશિયાળો, ખૂંદી તો ખમે એવી ધરતી જેવો ને વાઢી તો ખમે એવી વનરાઈ જેવો. એના ભવની ભવાઈ આલેખવામાં ભાષા ઊણી પડે.
પ્રેમ નહિ, ત્રિકોણ નહિ, આડા વહેવારની વાત નહિ, પણ નકરાં દુઃખોનું જ બયાન આપતી આવી વાર્તામાં સસ્તા પ્રચાર કે વેવલા ઉપદેશોમાં સરકી પડવાનું બહુ સરળ ગણાય અને લેખક સિલોની તો પાછા રાજકારણના અત્યંત સંપ્રજ્ઞ માણસ. પણ આ કથાને એમણે આ કે તે વાદની પત્રિકાને બદલે એક નિર્ભેળ કલાકૃતિ જ બનાવી છે. એનું આલેખન પણ કથામાં ઊભરાતાં દીનહીન માનવીઓ જેવું જ છે : સાવ સાદું, કશા ઓપ કે રંગરોગાન વિનાનું, નહિ કશો ઠઠારો, નહિ ક્યાંય ઝડઝમક. અંતકડીની રમતની શૈલીએ એક પછી એક કથક વારાફરતી વાત કહે, અને એ રીતે કથાતંતુ આગળ વધતો રહે. એમાં ઘરગથ્થુ રમૂજ આવે, રોનક આવે, હસીહસીને થાકી જઈએ એવી પરિસ્થિતિ સાથે સાંભળીને સ્તબ્ધ થઈ જઈએ એવા ફાસિસ્ટ સિતમગરોના બળાત્કાર પણ આવે. આ બધાં વચ્ચે માનવીની સનાતન જિજીવિષા ડોકિયાં કરતી જ રહે. એ જિજીવિષા, એ સારપ, એ શ્રદ્ધા કોઈ સસ્તી કે બનાવટી ‘માંગલ્ય’ની નીપજ લેખે નહિ પણ મનુષ્યના સાચા ખમીરની કોઈક ગુપ્ત ગજવેલની પ્રતીતિ કરાવી જાય.
હું શા માટે લખું છું, એવી પૃચ્છાના ઉત્તરમાં સિલોની કહે છે : ‘લેખન એ જ નિરાશા સામે ટકી રહેવાનું મારું એકમાત્ર સાધન છે.’ વાચક લેખે આપણે પણ આ ઉત્તરની નીચે શેરો મારી શકીએ. કે માનવીનાં સુખદુઃખની આવી સાચકલી વાત કરતી કલાકૃતિનું વાચન પણ આપણે માટે નિરાશા સામે ટકી રહેવાનું એક સબળ સાધન બની રહે છે.
(ફોન્તામારા : મૂળ ઈટાલિયનના અંગ્રેજી પરથી ગુજરાતી અનુવાદક જયંતિ દલાલ)
એપ્રિલ, ૧૯૬૪