કથાલોક/અસ્તિત્વની અનહદ વ્યથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search



અસ્તિત્વની અનહદ વ્યથા

વિશ્વસાહિત્યના નકશામાં જાપાન ઝડપભેર ગજું કાઢી રહ્યું છે. પોતાની એક પરંપરિત પ્રતિભા ધરાવતાં જાપાની લોકો પશ્ચિમનાં પરિબળોના વધુમાં વધુ પ્રભાવ તળે આવવા છતાંય, એના સર્વ રંગો નિહાળવા છતાંય એકેય રંગ વડે રંગાયા વિના પોતાની સર્ગશક્તિને સમૃદ્ધ કરી શક્યાં છે. અર્વાચીન જાપાની સાહિત્ય પશ્ચિમની સાહિત્યસમૃદ્ધિનાં સર્વ સુલક્ષણો સાથે પોતાની ભૂમિગત મુદ્રા ઉપસાવી શક્યું છે. હાઈકુ કાવ્યો તો જાપાનની આગવી સરજત છે. પણ આજના નાટ્યકારો નવીન નાટ્યવસ્તુઓ ઉપર જે રચનાઓ કરે છે, એને પણ પોતાના પરંપરાગત પ્રાચીન નાટ્યપ્રકાર ‘નૉ પ્લેઝ’ના ઢાંચામાં જ ઢાળવાનું પસંદ કરે છે. અને એને ‘અર્વાચીન નૉ નાટકો’ જેવાં નામ અપાય છે. હાઈકુ લઘુકાવ્યોની જેમ લઘુનવલોમાં પણ જાપાન પોતાનું વિત્ત પ્રગટ કરી રહ્યું છે. ઓસામુ દાઝાઈ (ઈ. ૧૯૦૯–૧૯૪૮) કૃત ‘ધ સેટિંગ સન’નો ગુજરાતી અનુવાદ ‘નમતો સૂરજ’ જાપાની સર્જકતાના એક લાક્ષણિક નમૂના લેખે તપાસવા જેવો છે. જેના પિતા મરી પરવાર્યા છે, માતા મરણપથારીએ છે, ભાઈ યુદ્ધમોરચે ગયો છે, એવી એક દુઃખિયારી યુવતી કાઝુકો આ આખીય કથા વર્ણવે છે. કુટુંબની અમીરાત આથમી ગઈ છે. રહેણાક આવાસ વેંચાઈ જતાં ભાડે રહેવા જવું પડ્યું છે. માતા મરણોન્મુખ છે. લગ્નવિચ્છેદ પામેલી કાઝુકોના અંતરમાં ને હૃદયમાં જિંદગીની અદમ્ય તરસ છે. એને એક બાળકની ઝંખના છે. પણ આજુબાજુ બધે મૃત્યુના જ ઓળા પથરાયા લાગે છે. કથાના આરંભમાં જ કાઝુકો પોતાના બગીચામાં રમતરમતમાં સાપનાં ઈંડાં સળગાવી નાખે છે. એ હત્યારું કૃત્ય કથામાં અંતસુધી અદૃષ્ટપણે ઝળુંબતું જ રહે છે. પોતાનાં અપત્યોની ખોજમાં પેલી સાપણ બગીચામાં ફરતી રહે છે, એ પણ સૂચક છે. સાચી સાપણ તો કાઝુકોના હૃદયમાં જ હતી. એ એક વાર કબૂલ પણ કરે છે : ‘મારા હૈયામાં વસતી કૂબડી સાપણ જરૂર એક દિવસ મારી આ ખૂબસૂરત વેદનાગ્રસ્ત બા રૂપી સા૫ણને ફાડીને જ જંપશે.’ બીજા વિશ્વયુદ્ધમાં જાપાનની બિનશરતી શરણાગતિના વર્ષમાં આ ઘટનાચક્ર આકાર લે છે એથી આ કથાને એક નવો જ સંદર્ભપ્રાપ્ત થાય છે. દક્ષિણ પ્રશાંતને યુદ્ધમોરચેથી નાઓજી પાછો ફરે છે ત્યારે એ અફીણનો બેહદ બંધાણી થઈને આવ્યો હોય છે. એના કેફી પદાર્થોના વ્યસનમાં પણ એક નિર્ભ્રાન્ત માનવીની વેદના વાંચી શકાય છે. યુદ્ધમાં જતાં પૂર્વે જ એને એક પ્રેમની ચોટ તો વાગી ચૂકી છે. પણ પુનરાગમન પછી ઉએહારા નામના અત્યંત લોકપ્રિય પણ બજારુ લેખકને રવાડે ચડીને એ વધારે પાયમાલ થાય છે. એમનાં શરાબ–પીણાંના પૈસા ચૂકવવા કાઝુકો પોતાના અલંકારો વેચતી જાય છે. પણ એ પ્રક્રિયાનો પણ અંત આવે છે. માતાના મૃત્યુ પછી ધીમેધીમે ભાઈબહેનના જીવનરાહ જુદા ફંટાય છે. એક જ ઘરમાં વસવા છતાં બેઉ વચ્ચે બોલચાલનો વહેવાર પણ નથી રહેતો. આમાંથી એક વિચિત્ર વળાંક એ આવે છે કે કાઝુકો પોતાના ભાઈ નાઓજીના વિલક્ષણ ગુરુ ઉએહારા તરફ આકર્ષાય છે. એ સાવ એકમાર્ગી આકર્ષણ છે. પણ કાઝુકો એ ‘મારા ચેખૉવ’ની મોહિનીમાં ગળાબૂડ છે. એ પોતાના હૃદયને તંતોતંત ખુલ્લું કરતો એક લાંબો પત્ર લખે છે. ખર્યા વિના જ સરી જતા પાંદડાંની જેમ જેનું જીવન કોહી રહ્યું છે એ યુવતી પેલા સાહિત્યકારને પ્રેમપત્ર વડે પોતાની નિઃશેષ ન્યોચ્છાવરી કરી દે છે. એક પત્રનો ઉત્તર ન મળતાં બીજો લખે છે અને તે પણ નિરુત્તર રહેતાં પોતે જ સામી જઈને એને એક શરાબખાનામાં મળે છે. આ સાહિત્યકારની ખ્યાતિ કે કુખ્યાતિ કાઝુકોને કાને આવી ચૂકી છે. છતાંય, એ જાણીબૂઝીને આગમાં ઝંપલાવે છે. માતાની હયાતી દરમિયાન એક વાર આ લેખકની વાત નીકળતાં એણે કબૂલ કરેલું જ કે ‘કલાકારો મને અપ્રિય છે એવું તો નથી જ, પણ ચારિત્ર્યશીલતાના ભારેખમ ઘમંડ ઓઢીને ફરે એવા કોઈને પણ હું સાંખી શકતી નથી...’ અને વળી એ પણ કબૂલે છે કે નાઓજીના ગુરુને, વ્યભિચારીનો ચાંદ ચોડાયો છે. આના ઉત્તરમાં માતા કહે છે : ‘ચાંદ ચોડાયો? આકર્ષક શબ્દપ્રયોગ છે. એ ચાંદ પહેરતા હોય તો એનાથી એ નિરુપદ્રવી ન ઠરે? એ કંઈક ડોકે ઘંટડી બાંધેલા બચોળિયા જેવું મધુર લાગે છે.’ કાઝુકો આના અનુસંધાનમાં પોતાના એ પ્રિયપાત્રને લખે છે : ‘મને વ્યભિચારી લોકો ગમે છે, પોતાનો ચાંદ પહેરનારા તો વિશેષ. હું પોતે જ વ્યભિચારી બનવા ચાહું છું. જીવવાનો મારે બીજો કોઈ માર્ગ જ નથી. ચાંદ ચોડેલ વ્યભિચારીનું સૌથી વધુ બદનામ દૃષ્ટાંત જાપાનમાં તમે જ હશો. ઘણાં લોકો તમને અધમ ને ઘૃણાપાત્ર ગણે છે, તમારા પર તિરસ્કાર વરસાવે છે ને વારંવાર આક્રમણ કરે છે, એ નાઓજીએ મને કહ્યું છે. આવી વાતોથી તો તમને સૌથી વિશેષ ચાહવાનું મને મન થાય છે.... હું તમારું માત્ર એક જ મિલન ચાહું છું…’ શતાબ્દીના દુર્દૈવથી બેફામ બનીને કાઝુકો પોતાની વિચિત્ર આસક્તિ ઉએહારા ઉપરના પત્રમાં આ રીતે સમજાવે છે : ‘જગત જે લોકોને સજ્જન ગણે છે ને સન્માને છે તે બધાં જ જૂઠાબોલાં ને ધુતારાં છે એ મને પ્રતીત થયું છે. જગતમાં મને વિશ્વાસ નથી. મારા એકમાત્ર સાથી છે, ચાંદ ચોડેલ વ્યભિચારી. ચાંદ ચોડેલ વ્યભિચારી એ એક જ ક્રૂસ છે, જેના પર ખીલે ઠોકાવાની મને ઇચ્છા છે...’ આ ઇચ્છાથી પ્રેરાઈને જ, સામે ચાલીને એ ઉએહારાને સમર્પિત થવા શરાબખાનામાં પહોંચી ત્યારે ત્યાં ઉન્મત્ત શરાબીઓ એટલા જ ઉન્મત્ત અવાજે મૃત્યુનું ગીત ગાતા હતા. ગિલોટીન, ગિલોટીન, શૂ શૂ શૂ... આ રગઢગ જોઈને કાઝુકો ઘડીભર તો ડઘાઈ ગઈ. ઘણ હવે એ પાછી ફરી શકે એમ નહોતી. એના જીવનની રફતાર એવી હતી કે, એ ઘડિયાળનો કાંટો પાછો મૂકી શકાય જ નહિ. એ અસહાય બનીને, ‘જીવતા રહેવાની અનહદ વ્યથા’માંથી પસાર થાય છે. શરાબમાં ચકચૂર ઉએહારા જોડે કાઝુકોને વાતચીત થાય છે : ‘તમારું લેખન કેમ ચાલે છે?’ ‘કચરો, હવે હું જે કાંઈ લખું છું તે બેવકૂફીભર્યું, ને હતાશાજનક જ નીવડે છે. જીવનની ઉષા, કલાની ઉષા, માનવજાતની ઉષા. કેવો અવરોહ!’ ‘ઉત્રીલો’, સમજ્યા પહેલાં જ હું બોલી. ‘હા, ઉત્રીલો કહે છે, એ હજી જીવંત છે. શરાબનો બલિ. શબ. છેલ્લાં દસ વર્ષનાં એનાં ચિત્રો એક પણ અપવાદ વિના અકલ્પ્ય એટલાં બીભત્સ ને ક્ષુદ્ર બન્યાં છે.’ ‘માત્ર ઉત્રીલો એકલો જ નથી. નહિ? બીજા તમામ સર્જકશ્રેષ્ઠ પણ.’ ‘હા, એ તમામે પોતાનું સત્ત્વ તો ગુમાવ્યું છે, પણ નવીનોય પોતાનું સત્ત્વ હારી બેઠા છે, ઊગતાં જ અળપાઈ ગયા છે. હિમ, કમોસમનું હિમ જાણે આખાય જગત પર પથરાઈ વળ્યું ન હોય!’ પોતાની સ્વપ્નમૂર્તિ આવી માટીની મૂર્તિ નીકળતાં કાઝુકો સહશયનમાં એનો પ્રતિકાર કરે છે. નિશ્ચયપૂર્વક, નિઃશબ્દ પ્રતિકાર કરે છે. પણ આખરે એ કબૂલે છે : ‘એકાએક મને એમની દયા આવી ને હું અધીન થઈ.’ એણે પૂછ્યું : ‘આવું જીવન જીવીને જ તમે રાહત મેળવી શકો છો?’ ‘એવું જ છે.’ ‘તમારા શરીર પર એની અસર નથી થતી? મને ખાતરી છે, તમને કફમાં લોહી પડ્યું છે.’ ‘તું કેવી રીતે જાણે? સાચેસાચ, આગલે જ દિવસે મને કાંઈ ગંભીર ઊથલો આવ્યો હતો, પણ મેં કોઈને કહ્યું નથી.’ ‘બરાબર. બા મૃત્યુ પામી એ પહેલાંની જ આ વાત છે.’ ‘હું હતાશનો માર્યો પીઉં છું. જીવન સહી ન શકાય એટલું નીરસ છે. દુઃખ, એકલતા, જડતા, એ સર્વે હૃદયવિદારક છે. તમારી આસપાસની ચાર દીવાલોમાંથી જ્યારે પણ સંતાપના ખિન્ન નિઃશ્વાસ સાંભળો ને ત્યારે તમને સમજાય કે તમારે માટે સુખની એક પણ તક અસ્તિત્વમાં નથી, પોતે જીવશે ત્યાં સુધી કોઈ કાળે સુખ કે કીર્તિનાં દર્શન નહિ કરે એવું જેને સમજાય છે એ મનુષ્યને કેવી લાગણી થતી હશે? તનતોડ પરિશ્રમ ને એ સર્વનો સરવાળો એટલે ભૂખ્યાં જંગલી પશુઓ માટેનો ખોરાક...’ કાઝુકો એ ક્ષણો વર્ણવે છે : ‘ઓરડામાં આછો પ્રકાશ પથરાયો ત્યારે મારે પડખે ઊંઘી રહેલા પુરુષના મુખ ઉપર મેં મીટ માંડી. તરત જ મૃત્યુ પામનાર મનુષ્યનું એ મુખ હતું, એ પરિશ્રાંત મુખ હતું, બલિનું મુખ. મારું ઇન્દ્રધનુ... ઘૃણાસ્પદ મનુષ્ય. સિદ્ધાંતહીન મનુષ્ય. એ ક્ષણે મને એ સમસ્ત જગતમાં અનુપમ એવું સૌંદર્ય–સંપન્ન મુખ લાગ્યું. પુનર્જન્મ પામેલા પ્રેમના સંવેદનથી મારા પયોધર ફરક્યા. એમના વાળ પસવારતા મેં એમને ચુંબન કર્યું. પ્રેમની ખિન્નખિન્ન પરિણતિ. પોતાની આંખો હજીય બંધ રાખીને ઉએહારાએ મને બાથમાં લીધી. ‘હું સાવ ખોટો હતો. ખેડૂતના દીકરા પાસેની બીજી અપેક્ષા પણ શી રખાય?’ હું એમને કદાપિ તજી ન શકી. હવે હું સુખી છું ચારેય દીવાલોને પરિતાપની ચીસ પાડતી સાંભળુંને, તો પણ હું તો મારી સુખની અનુભૂતિમાં તરબતર રહેવાની. સવારે મારા ભાઈ નાઓજીએ આત્મહત્યા કરી...’ કાઝુકોએ પ્રેમની ખિન્નખિન્ન પરિણતિની આ કથામાં બે બલિ વર્ણવ્યા છે. એનો ભાઈ નાઓજી પણ એક ચિત્રકારની પત્નીના પ્રેમનો બલિ બની ગયો છે. પણ એનું સમર્પણ ઉએહારા કરતાં જરા જુદી જાતનું હતું, સૂક્ષ્મ હતું. નાઓજીનું વસિયતનામું આ વીગતો આપે છે. ઉપભોગમાંથી મને કદાપિ અલ્પાંશ આનંદ પણ લાધ્યો નથી. એ કદાચ વિષયસુખની નપુંસકતાનું જ ચિહ્ન છે. અમીર હોવાથી મારા પોતાના જ ઓછાયાથી ઊગરવાની એકમાત્ર ઇચ્છાના માર્યા મેં માઝા મૂકીને ઉન્મત્ત ક્રીડનોમાં ઝંપલાવ્યું.’ નાઓજી પણ પેલી ‘જીવતા રહેવાની અનહદ વ્યથા’થી જ પીડાતો હતો. પોતાની બહેનને એ કહેતો જાય છે : ‘જીવવાની યાતનામાંથી ને ખુદ આ ઘૃણાસ્પદ જીવનમાંથી સંપૂર્ણ મુક્તિ મેળવતાં મને કેટલો આનંદ થયો હશે એની કલ્પના કરવાનો તું પ્રયત્ન કરીશ તો તારો શોક ધીમે ધીમે ઓસરી જશે એમ હું માનું છું.’ કાઝુકો છેલ્લે ઉએહારા પરના પત્રમાં ગર્વભેર લખે છે : ‘હું સુખી છું. મેં આશા રાખી હતી એ પ્રમાણે હું સગર્ભા બની છું. પણ મેં જાણે હવે બધું જ ગુમાવ્યું છે! તથાપિ, મારા ગર્ભમાં પોઢેલો નાનકડો જીવ મારા એકાકી સ્મિતનું પ્રભવસ્થાન બન્યો છે. તમારાં ચારિત્ર્ય કે જવાબદારીના તમારા ભાન પર મેં પહેલેથી જ જરાય આધાર નહોતો રાખ્યો. મારા મનમાં રમતો હતો કેવળ મારા સહૃદય પ્રેમના સાહસમાં સફળ થવાનો વિચાર. હવે મારી એષણા તૃપ્ત થઈ છે એટલે મારા હૈયામાં વગડાઉ કચ્છની નીરવતા વ્યાપી છે. મને લાગે છે, હું જીતી છું. મેરી પોતાના પતિનું ન હોય એવા બાળકને જન્મ આપે તોપણ એનામાં ગૌરવનું તેજ હોય તો એ માતા ને બાળક બન્ને પવિત્ર બને છે. નિર્મળ અંતઃકરણપૂર્વક મેં જૂનાં નીતિમૂલ્યોની અવગણના કરી, ને પરિણામે સુંદર બાળક પ્રાપ્ત કર્યાનો પરિતોષ મને લાધશે...’ નવાં નીતિમૂલ્યો કાઝુકો આ રીતે સમજાવે છે : ‘હું ચાહું છું તે પુરુષના બાળકને જન્મ આપવો ને એને ઉછેરવું એ મારી નૈતિક ક્રાંતિની સિદ્ધિ ગણાશે. થોડા સમય પહેલાં જ અમુક વ્યક્તિ પાસેથી તમારા ચારિત્ર્યની તુચ્છતા મેં ઊંડી વીગતે જાણી. એ બધું છતાં તમે જ મને શક્તિ આપી, ક્રાંતિનું ઇન્દ્રધનુ તમે જ મારા હૈયામાં રચ્યું. તમે જ મારા જીવનને એનો ધ્રુવતારક દાખવ્યો...અનૌરસ બાળક ને એની માતા–સૂર્યની જેમ આપણે પણ જૂનાં નીતિમૂલ્યો સાથે અવિરામ યુદ્ધમાં જીવીશું. તમે પણ તમારું યુદ્ધ લડવાનું ચાલુ રાખજો. ક્રાંતિ થવાને હજી ઘણી વાર છે. અનેક, અનેકાનેક અમૂલ્ય અભાગી બલિ એ માગે છે. સામ્પ્રત જગતમાં સુંદરતમ વસ્તુ છે બલિ.’ શાંત, નીચે સૂરે શરૂ થયેલી કથા આમ ધીમે ધીમે સુંદર આરોહ–અવરોહ વડે આવા ઉચ્ચ રસાનુભવના સ્તર ઉપર જઈને વિરામ પામે છે. એની વાસ્તવિકતા હૃદયવિદારક છે. કથાના કેન્દ્રમાં પ્રેમ અને ક્રાંતિની પ્રતિષ્ઠા થઈ છે. કાઝુકો એક વાર કહે છે : ‘ક્રાંતિ પ્રત્યે હું ક્યારેય આકર્ષાઈ હોઉં એમ મને નથી લાગ્યું, ને હજી પ્રેમ તો મેં પિછાણ્યો પણ નથી. જગતનાં ડાહ્યાં ને અનુભવી માણસોએ તો અમારી આગળ પ્રેમ ને ક્રાંતિનાં હમેશાં વધુ ને વધુ નાદાન ને ઘૃણાસ્પદ માનુષી પ્રવૃત્તિ તરીકે જ વર્ણન કર્યાં છે. યુદ્ધ પહેલાં ને યુદ્ધ દરમિયાન પણ અમને એની પ્રતીતિ થઈ હતી. તો પણ, પરાજ્ય થયો ત્યારથી અનુભવી ને ડાહ્યાં માણસોમાં અમે હવે જરાય શ્રદ્ધા નથી રાખતાં, એટલું જ નહિ, પણ તેઓ જે કાંઈ કહે એથી ઊલટું જ જીવનનું ખરેખરું સત્ય હોય છે એમ અમને લાગવા માંડ્યું છે. વાસ્તવમાં ક્રાંતિ ને પ્રેમ એ બંને જગતમાં સૌથી ઉત્તમ, સૌથી વધુ આનંદદાયી તત્ત્વો છે. ને એ એટલાં ઉત્તમ છે એથીસ્તો અનુભવી ને વૃદ્ધ માણસોએ દ્વેષમાં ને દ્વેષમાં એમનાં જીવનનાં જૂઠાણાંની ખારાશ અમારે માથે ઢોળી અમને છેતર્યાં છે, એ અમે બરાબર સમજીએ છીએ. મારુંયે આ નિઃસંદેહ માનવું છે : પ્રેમ ને ક્રાંતિ માટે જ માનવી જન્મ પામ્યો છે.’ પ્રેમ અને ક્રાંતિનો મૂલ્યબોધ આટલી કલાત્મક રીતે કહેનારી આ નવલકથા જાપાની સાહિત્યમાં ઉત્કૃષ્ટ કૃતિ તરીકે પ્રતિષ્ઠિત થઈ છે. એના લેખકે પોતે પણ નાઓજીની જેમ જ સ્વેચ્છામૃત્યુ સ્વીકારી લીધેલું એ વીગત આ કથામાંથી સંભળાતા મૃત્યુના એકધારા પાર્શ્વગુંજનને સમજવામાં કદાચ સહાયરૂપ થાય. આવી નાજુક કૃતિનો અનુવાદ પણ એટલી જ નજાકતથી થયો હોત તો ગુજરાતી વાચકોને વિશેષ આસ્વાદ્ય બની રહેત. અનુવાદક ભાઈ જયંત પારેખ પોતે ગુજરાતી ભાષાસાહિત્યના અધ્યાપક હોવા છતાં એમના તરજૂમામાં પ્રાસાદિતા કે રસાળતા નથી. ઘણે ઠેકાણે એમનો તરજૂમો કિલષ્ટ ને અસ્પષ્ટ બની રહે છે. ‘કોલાહલી મહેફિલ’ (પૃ. ૧૬૫), ‘શોરીલી મોજમજાહ’ (પૃ. ૧૬૬), ‘નિદ્રાળુ ઘુરઘુરાટ’ (પૃ. ૧૭૫) જેવા બહુ બહુ પરિચિત નહિ એવા શબ્દપ્રયોગો આ કથાના આસ્વાદમાં બાધક નીવડે છે. ‘બા બુરખો પહેરવાનું ધિક્કારશે.’ (પૃ. ૭૧), ‘ગ્રીષ્મને ધિક્કારું છું.’ (પૃ. ૧૨૫ ) જેવાં વાક્યોમાં મૂળ અંગ્રેજી ‘હેઈટ’નો અર્થ ધિક્કાર કરતાં અણગમતું વિશેષ અભિપ્રેત હોય. એ જ રીતે, ‘જીવવાનું ચાલુ રાખવું જોઈએ’ (પૃ ૧૫૨), ‘શણનો કીમાનો તેં સુધાર્યો હતો’ (પૃ. ૨૦૪) જેવાં વાક્યોમાં ચોખ્ખી અંગ્રેજીની વાસ આવે છે એ સહેલાઈથી સ્વાભાવિક ગુજરાતી ગદ્ય યોજીને ટાળી શકાઈ હોત. ‘શરાબ પર્યાપ્ત નહોતો’ એ વાક્યમાં પર્યાપ્ત શબ્દપ્રયોગ પ્રોફેસરીય જ બની રહે છે. ‘સૈદ્ધાંતિક રૂપનો અંચળો ઓઢી લીધો’ એ વાક્યમાં ‘અંચળો’ને બદલે ‘આંચળો’ છપાયું છે એ બદલ અનુવાદકને શકનો લાભ આપીને મુદ્રકને જ જવાબદાર ગણીએ.

ડિસેમ્બર ૨૩, ૧૯૬૪