નર્મદ-દર્શન/નર્મદનો ‘રાજ્યરંગ’ અને ‘ધર્મવિચાર’: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|નર્મદનો ‘રાજ્યરંગ’ અને ‘ધર્મવિચાર’ }} {{Poem2Open}} નર્મદ ઉત્થાનકાળનો યુયુત્સુ, સાહસમૂર્તિ, સુધારાનો કડખેદ, કેવળ પ્રબોધક નહિ, પ્રવાહપતિત બની સુધારાને આચરતાં પાછું ડગલું ન ભરનારો...")
 
(+1)
Line 55: Line 55:
વૈચારિક મતભેદો છતાં નર્મદે તે બંનેનાં કાર્યોનું મહત્ત્વ સ્વીકારી બિરદાવ્યાં પણ હતાં. થિયૉસૉફિકલ સોસાયટીના પહેલા વાર્ષિક મેળાવડા પ્રસંગે તેણે ‘થિયૉસૉફિ’૧૫<ref>૧૫. નર્મકવિતા-ભાગ ૨, પૃ. ૯૩૮, ૯૩૯, ૯૪૦, ૯૪૧.</ref> શીર્ષકથી ૪૧ કડીનું પ્રશસ્તિકાવ્ય રચ્યું હતું, જેમાં તેણે લૉજના શ્રદ્ધાસ્થાપનના કાર્યને મુક્તકંઠે અભિનંદ્યું હતું. તે જ કાવ્યમાં દયાનંદના કાર્યનેય અભિનંદી લૉજ અને સમાજની પ્રવૃત્તિઓનો સમન્વય થાય તો કેવું શુભ પરિણામ આવે તેની કલ્પના કરી હતી.
વૈચારિક મતભેદો છતાં નર્મદે તે બંનેનાં કાર્યોનું મહત્ત્વ સ્વીકારી બિરદાવ્યાં પણ હતાં. થિયૉસૉફિકલ સોસાયટીના પહેલા વાર્ષિક મેળાવડા પ્રસંગે તેણે ‘થિયૉસૉફિ’૧૫<ref>૧૫. નર્મકવિતા-ભાગ ૨, પૃ. ૯૩૮, ૯૩૯, ૯૪૦, ૯૪૧.</ref> શીર્ષકથી ૪૧ કડીનું પ્રશસ્તિકાવ્ય રચ્યું હતું, જેમાં તેણે લૉજના શ્રદ્ધાસ્થાપનના કાર્યને મુક્તકંઠે અભિનંદ્યું હતું. તે જ કાવ્યમાં દયાનંદના કાર્યનેય અભિનંદી લૉજ અને સમાજની પ્રવૃત્તિઓનો સમન્વય થાય તો કેવું શુભ પરિણામ આવે તેની કલ્પના કરી હતી.
તે જ રીતે તા. ૩ એપ્રિલ ૧૮૭૮ને રોજ આર્યસમાજના ઉત્સવ પ્રસંગે કવિએ ‘ઇછિયે આર્ય સમસ્તનાં જાડ્ય તિમિરનો નાશ’૧૬<ref>૧૬. મુનશીએ ‘નર્મદ : અર્વાચીનોમાં આદ્ય’માં આપેલો આ પંક્તિનો પાઠ ‘...આર્ય સમસ્તના નિબીડ તિમિરનો નાશ.’ ‘નર્મકવિતા’ અનુસારનો નથી.</ref> –એ અર્થે એક ‘પ્રાર્થના’૧૭<ref>૧૭. નર્મકવિતા-ભા. ૨, પૃ. ૯૪૧, ૯૪૨.</ref> રચી હતી. આ પહેલાં પણ સં. ૧૯૪૩ના કારતક સુદ ૧ને દિવસે તેણે આર્યસમાજ માટે ‘જય જય જય જગ રાજ, જય અનંત લીલાકારિ’૧૮<ref>૧૮. એજન પૃ. ૯૪૨, ૯૪૩.</ref>
તે જ રીતે તા. ૩ એપ્રિલ ૧૮૭૮ને રોજ આર્યસમાજના ઉત્સવ પ્રસંગે કવિએ ‘ઇછિયે આર્ય સમસ્તનાં જાડ્ય તિમિરનો નાશ’૧૬<ref>૧૬. મુનશીએ ‘નર્મદ : અર્વાચીનોમાં આદ્ય’માં આપેલો આ પંક્તિનો પાઠ ‘...આર્ય સમસ્તના નિબીડ તિમિરનો નાશ.’ ‘નર્મકવિતા’ અનુસારનો નથી.</ref> –એ અર્થે એક ‘પ્રાર્થના’૧૭<ref>૧૭. નર્મકવિતા-ભા. ૨, પૃ. ૯૪૧, ૯૪૨.</ref> રચી હતી. આ પહેલાં પણ સં. ૧૯૪૩ના કારતક સુદ ૧ને દિવસે તેણે આર્યસમાજ માટે ‘જય જય જય જગ રાજ, જય અનંત લીલાકારિ’૧૮<ref>૧૮. એજન પૃ. ૯૪૨, ૯૪૩.</ref>
એ પંક્તિથી શરૂ થતી રચના કરી હતી.
એ પંક્તિથી શરૂ થતી રચના કરી હતી.
‘ધર્મવિચાર’ના લેખોમાં નર્મદે માદામ બ્લાવાત્સ્કી અને દયાનંદના કેટલાક વિચારોનો ઉગ્રપણે પ્રતિવાદ કર્યો છે, તેમ છતાં તેમના સત્સંગનો પ્રભાવ આર્યધર્મ પ્રત્યેની તેની અભિમુખતાને પુષ્ટ કરવામાં વરતાય છે તેમ તેની અભિવ્યક્તિની ભાષામાં ‘ભો આર્ય!’ એેવો ઉદ્‌બોધનનો લહેકો અને ગુરુવાણીનો આત્મપ્રતીતિયુક્ત રણકાર આવ્યો છે તેમાં પણ આ બે વિભૂતિઓની અસર છે. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ નોંધ્યું છે : ‘૧૮૮૨માં ગુરુમહારાજની ઢબે નર્મદ આર્યોદ્‌બોધન કરે છે ત્યારે લાગે છે કે એક બાજુ દયાનંદ અને બીજી બાજુ માદામ બ્લાવટ્‌સ્કીની વાણીનું અનુકરણ કરતી શિક્ષાપત્રીની કે પયગમ્બરી ડોળવાળી વાણી ઉચ્ચારવાનું નર્મદને હવે ગમે છે.’૧૯<ref>૧૯. નર્મદ અને નવલરામઃ અર્વાચીન ચિંતનાત્મક ગદ્ય – ઉપાયન. પૃ. ૧૬૫.</ref>
‘ધર્મવિચાર’ના લેખોમાં નર્મદે માદામ બ્લાવાત્સ્કી અને દયાનંદના કેટલાક વિચારોનો ઉગ્રપણે પ્રતિવાદ કર્યો છે, તેમ છતાં તેમના સત્સંગનો પ્રભાવ આર્યધર્મ પ્રત્યેની તેની અભિમુખતાને પુષ્ટ કરવામાં વરતાય છે તેમ તેની અભિવ્યક્તિની ભાષામાં ‘ભો આર્ય!’ એેવો ઉદ્‌બોધનનો લહેકો અને ગુરુવાણીનો આત્મપ્રતીતિયુક્ત રણકાર આવ્યો છે તેમાં પણ આ બે વિભૂતિઓની અસર છે. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ નોંધ્યું છે : ‘૧૮૮૨માં ગુરુમહારાજની ઢબે નર્મદ આર્યોદ્‌બોધન કરે છે ત્યારે લાગે છે કે એક બાજુ દયાનંદ અને બીજી બાજુ માદામ બ્લાવટ્‌સ્કીની વાણીનું અનુકરણ કરતી શિક્ષાપત્રીની કે પયગમ્બરી ડોળવાળી વાણી ઉચ્ચારવાનું નર્મદને હવે ગમે છે.’૧૯<ref>૧૯. નર્મદ અને નવલરામઃ અર્વાચીન ચિંતનાત્મક ગદ્ય – ઉપાયન. પૃ. ૧૬૫.</ref>
આ તો બધાં નૈમિત્તિક અને સાંયોગિક કારણો છે. સૌથી વિશેષ નિર્ણાયક કારણ તો ‘રાજ્યરંગ’ના નિમિત્તે જગતના દેશો અને પ્રજાઓના ઇતિહાસના, તેમની સંસ્કૃતિ, સભ્યતા, વિશેષતઃ તેમના ધર્મ અને તત્ત્વજ્ઞાનના તેણે કરેલા અભ્યાસના તારણ રૂપે આર્યસંસ્કૃતિની ઉત્તમતાની પ્રતીતિ છે.
આ તો બધાં નૈમિત્તિક અને સાંયોગિક કારણો છે. સૌથી વિશેષ નિર્ણાયક કારણ તો ‘રાજ્યરંગ’ના નિમિત્તે જગતના દેશો અને પ્રજાઓના ઇતિહાસના, તેમની સંસ્કૃતિ, સભ્યતા, વિશેષતઃ તેમના ધર્મ અને તત્ત્વજ્ઞાનના તેણે કરેલા અભ્યાસના તારણ રૂપે આર્યસંસ્કૃતિની ઉત્તમતાની પ્રતીતિ છે.
Line 161: Line 161:


'''પાદટીપ :'''
'''પાદટીપ :'''
<ref>૧. સમયવીર કવિ નર્મદનાં સ્મરણો. ઉત્તરનર્મદચરિત્ર : પૃ. ૯૫, ૯૬.</ref>
{{reflist}}
<ref>૨. ઉત્તરનર્મદચરિત્ર : ધર્મતંત્ર અને ધ્યાન અંગેની નોંધોનું તારણ, પૃ. ૧૨૨-૧૨૪.</ref>
<ref>૩. ‘ધર્મવિચાર’ (બીજી આવૃત્તિ)માં ‘ગ્રહણકાળ’ શીર્ષકથી આ પત્રિકા સામેલ થઈ છે.</ref>
<ref>૪. ધર્મવિચાર, પૃ. ૩૩.</ref>
<ref>૫. નર્મદ શતાબ્દી ગ્રંથ, પૃ. ૨૩૭.</ref>
<ref>૬. ‘ધર્મવિચાર’, પૃ. ૩૭.</ref>
<ref>૭. સુધારાના ઇતિહાસનું વિવેચન : નવલગ્રંથાવલિ (તારણ) પૃ. ૪૫૮- ૪૫૯</ref>
<ref>૮. નવલરામે યોજેલો શબ્દ : ઉપર પ્રમાણે.</ref>
<ref>૯. નર્મદ – અર્વાચીન ગદ્યપદ્યનો આદ્યપ્રણેતા, પૃ. ૧૬૯.</ref>
<ref>૧૦. ‘કવિજીવન’ (નવલરામ) ‘નર્મકવિતા-ભા. ૧’, પૃ. ૩૬.</ref>
<ref>૧૧. પાલિતાણાના દીવાન છોટાલાલ દુર્ગારામ જાનીનાં બાળવિધવા બહેન. ન. શ. ગ્રં. પૃ. ૧૮૩.</ref>
<ref>૧૨ . ઉ. ન. ચ., પૃ. ૧૭.</ref>
<ref>૧૩. મુક્તિતંત્ર ધર્મવિચાર, પૃ. ૧૧૬.</ref>
<ref>૧૪. એજન.</ref>
<ref>૧૫. નર્મકવિતા-ભાગ ૨, પૃ. ૯૩૮, ૯૩૯, ૯૪૦, ૯૪૧.</ref>
<ref>૧૬. મુનશીએ ‘નર્મદ : અર્વાચીનોમાં આદ્ય’માં આપેલો આ પંક્તિનો પાઠ ‘...આર્ય સમસ્તના નિબીડ તિમિરનો નાશ.’ ‘નર્મકવિતા’ અનુસારનો નથી.</ref>
<ref>૧૭. નર્મકવિતા-ભા. ૨, પૃ. ૯૪૧, ૯૪૨.</ref>
<ref>૧૮. એજન પૃ. ૯૪૨, ૯૪૩.</ref>
<ref>૧૯. નર્મદ અને નવલરામઃ અર્વાચીન ચિંતનાત્મક ગદ્ય – ઉપાયન. પૃ. ૧૬૫.</ref>
<ref>૨૦. મારી હકીકત, પૃ. ૪૪.</ref>
<ref>૨૧. નર્મકવિતા-ભાગ ૨, પૃ. ૫૭૪.</ref>
<ref>૨૨. ઉત્તરનર્મદચરિત્ર, પૃ. ૩૫.</ref>
<ref>૨૩. મારી હકીકત, પૃ. ૨૮.</ref>
<ref>૨૪. ન. શ. ગ્રં. પૃ. ૨૬૭.</ref>
<ref>૨૫. નર્મદ – અર્વાચીન ગદ્યપદ્યનો આદ્યપ્રણેતા, પૃ. ૧૬૧, ૧૬૨.</ref>
<ref>૨૬. રાજ્યરંગ. ભા ૨, પૃ. ૮.</ref>
<ref>૨૭. એજન, પૃ. ૫.</ref>
<ref>૨૮. ધર્મવિચાર, પૃ. ૭૩, ૭૪, ૭૫.</ref>
<ref>૨૯. નર્મગદ્ય : (સરકારી) પૃ. ૫૩૦.</ref>
<ref>૩૦. એજન, પૃ. ૩૦૪.</ref>
<ref>૩૧. એજન.</ref>
<ref>૩૨. ગાંધીજીએ યરવડા સેન્ટ્રલ જેલમાંથી મુનશીને લખ્યું હતું : ‘...નર્મદાશંકરના ગીતાના અનુવાદની પ્રસ્તાવનાએ મારી ગીતામાતાની ભક્તિ દૃઢ કરી ને નર્મદાશંકર પ્રત્યેનું મારું માન વધ્યું.’ કવિ ‘નર્મદ જન્મશતાબ્દી સ્મારક ચિત્રાવલિ’માંની છવિમુદ્રા.</ref>
<ref>૩૩. ‘ધર્મવિચાર’, પૃ. ૪.</ref>
<ref>૩૪. એજન, પૃ. ૭.</ref>
<ref>૩૫. સુધારા પ્રત્યેના અભિગમ અનુસાર સુધારાવાળાઓનું વર્ગીકરણ નર્મદે આ પ્રમાણે કર્યું છે : ઉચ્છેદક (radical) : જૂના વિચારને નિર્મૂળ કરવાનો મત ધરાવનારા. રક્ષકછેદક (liberal radical) : નવા વિચારને વિશેષ દાખલ કરવાનો મત ધરાવતા. છેદકરક્ષક (liberal conservative) : જૂનામાંનું ઘણુંક અવશ્ય રાખવાને તથા નાછૂટકાના નવાને દાખલ કરવાને ઉદ્યમી. પ્રરક્ષક (conservative) : જૂનાને હઠથી રાખી રહેવા મથનારા.</ref>
<ref>૩૬. ‘ધર્મજિજ્ઞાસા’ ‘આર્યજ્ઞાનવર્ધક’માં પ્રકાશિત.</ref>
<ref>૩૭. ૧૭ ફેબ્રુઆરી, ૧૮૮૫.</ref>
<ref>૩૮. ધર્મવિચાર, પૃ. ૭.</ref>
<ref>૩૯. એજન, પૃ. ૮.</ref>
<ref>૪૦. એજન, પૃ. ૪૪.</ref>
<ref>૪૧. એજન, પૃ. ૫૩.</ref>
<ref>૪૨. એજન, પૃ. ૫૪.</ref>
<ref>૪૩. એજન, પૃ. ૫૭.</ref>
<ref>૪૪. એજન, પૃ. ૬૩.</ref>
<ref>૪૫. એજન, પૃ. ૬૪.</ref>
<ref>૪૬. એજન, પૃ. ૧૬૦.</ref>
<ref>૪૭. એજન, પૃ. ૭૬.</ref>
<ref>૪૮. એજન, પૃ. ૧૩૩.</ref>
<ref>૪૯. ‘સુધારો’ ન. શ. ગ્રંથ, પૃ. ૧૧૬.</ref>
 
 
 
 


<br>
<br>

Revision as of 05:50, 2 November 2025

નર્મદનો ‘રાજ્યરંગ’ અને ‘ધર્મવિચાર’

નર્મદ ઉત્થાનકાળનો યુયુત્સુ, સાહસમૂર્તિ, સુધારાનો કડખેદ, કેવળ પ્રબોધક નહિ, પ્રવાહપતિત બની સુધારાને આચરતાં પાછું ડગલું ન ભરનારો અટંકી વીર જ્યારે ‘યા હોમ કરીને પડો ફત્તેહ છે આગે’નો સિંધુડો ગાતો, ‘શંખનાદ સંભળાયે ભૈયા, શૂર પુરુષને તેડું હો’ ગાતો પાંચજન્ય ફૂંકી, ‘ઘાયલ જંગી હો, રણમાં જીત દિસે જી’ જેવાં સંખ્યાબંધ પદોમાં કસુંબીનો રંગ ઘૂંટી, ‘જુદ્ધ જુદ્ધ જુદ્ધ, નથી ઉપાય બીજો’ જેવા શબ્દોમાં ગાંડીવટંકાર કરનારો નર્મદ એકાએક–

‘રણ તો ધીરાનું, ધીરાનું;
નહિ ઉતાવળા કાયરનું’

–એમ ‘ધીરે ધીરે સુધારાનો સાર’ની દલપતવાણીને સમર્થી ૧૮૦ અંશનું about turn કરે છે ત્યારે તે ખરેખર ‘ગાણ્ડીવં સંસ્રતે હસ્તાત્‌’ જેવો વિષાદયોગ અનુભવે છે કે કોઈ પરમ સામાજિક કે આત્મિક હિતથી પ્રેરાઈને તેમ વર્તે છે? નર્મદને સંભારાય છે ત્યારે પેલી યુયુત્સુ અને સાહસોન્મત્ત મૂર્તિ જ ખડી થાય છે. કવિતામાં વીર અને શૃંગારનો નવોન્મેષ પ્રગટાવનાર નર્મદની ઉલ્લાસપૂર્ણ, romantic પ્રતિભાએ ત્યારે પ્રજાને ઘેલું લગાડ્યું હતું, તેમ સાંપ્રત સંદર્ભમાં પણ એ જ romanceને અભિવંદવાનું આપણને ગમ્યું છે, કારણ તે સમયના પ્રશ્નો આજના પણ એટલા જ ઉત્કટ પ્રશ્નો છે. સામાજિક કુરૂઢિઓ, ધાર્મિક અંધશ્રદ્ધાઓ, રાજકીય અસ્થિરતા આજે પણ એવી જ છે. એ સંદર્ભમાં પૂર્વનર્મદ સર્વથા પ્રસ્તુત છે. સાથે તેનો ઉત્તર ખંડ પણ એવો જ સમૃદ્ધ —સામે પક્ષે બેસવા છતાં, તેમ કરવામાં એેવો જ નીડર, હેતુ અને બૌદ્ધિકતાએ એટલો જ પ્રામાણિક છતાં શ્રદ્ધાએ વિશેષ પુષ્ટ છે. નર્મદે પોતે જ પોતાના જીવનના જે ખંડનું, જીવનના અંતકાળે વિશેષ ગૌરવ કર્યું છે તેને નકારવામાં કેવળ કાળસંદર્ભને જ નહિ, તેના ચિંતન-મનનના ક્રમિક સંદર્ભને પણ ઓગાળી નાખવા જેવું થશે. ૧૮૮૬ના ફેબ્રુઆરીના મધ્ય ભાગે, શિવરાત્રિએ, દેહ હવે બેચાર દિવસથી વધુ ટકવાનો નથી એની પ્રતીતિ થતાં, પરિવારને પાસે બેસાડી, જીવનકાર્યનું સરવૈયું કાઢતાં નર્મદ દરેકને અલગ અલગ બોધ કરે છે. અંતેવાસી જેવા રાજારામ શાસ્ત્રીને કહે છે : ‘રાજુ! હાલના અને હવે પછીના યુવકો પાશ્ચાત્ય સામગ્રીના પરિપાકથી બહુ દૂર ઘસડાઈ જવાના છે; માત્ર તું નહીં ઘસડાય તેને માટે મારૂં બધું જીવન સૂક્ષ્મતાથી તારે જોવું, ને ખાસ લક્ષમાં રાખવું, કે આજ સુધીના તમામ તત્ત્વજ્ઞાન ને ધર્મવાદોનું નિષ્પક્ષપાતે સૂક્ષ્મ રીતે નિરીક્ષણ કરી, અનેક માર્ગોમાં ફાંફાં મારી આખરે હું આર્ય મહર્ષિ મહાત્માઓના સત્યશ્રેયને માર્ગે આવ્યો છું... ‘સ્વધર્મે નિધનં શ્રેયઃ પરધર્મો ભયાવહઃ’ એ મહાવાક્ય મેં તમને વિસ્તારથી અનેક છાયાઓમાં સમજાવ્યું છે, તેને જીવનના આચારસૂત્ર રૂપે દૃઢ પકડી રાખજો...’૧[1] નર્મદનું આ ઉદ્‌બોધન સમસ્ત યુવાસમાજને કાર્યદિશા ચીંધતું ઇચ્છાપત્ર – will છે. તરલ, ચંચલ, શુંનું શું કરી નાખવા સતત સાહસતત્પર ઉચ્છેદક પુરુષાર્થી નર્મદને આરાધવા સાથે આ ગંભીર, સ્વસ્થ, ચિંતનશીલ નર્મદને ઉવેખવાથી તેનામાંના સતત જાગ્રત ચેતોપુરુષની અવગણના થશે અને તેની સકલતા હાથતાળી દઈ છટકી જશે.

નર્મદે પોતે પોતાના આંતરસત્ત્વમાં આવેલા પરિવર્તનના દોરેલા આલેખનાં મુખ્ય મુખ્ય બિંદુઓ નોંધીએ :૨ [2] ૧. સં. ૧૯૧૪ લગી (૨૫ વર્ષની વય લગી ) સ્વધર્મ વિશે આસ્તિક્ય હતું. ૧૮ વર્ષની વય લગી માની ક્રિયા કરી ત્યાં લગી, સારી પેઠે આસ્તિક. માના મરણથી, પ્રિયાના મરણથી સ્થાયી આજીવિકાના ઉદ્યમની પ્રાપ્તિમાં ન ફાવવાથી સમયે સમયે વૈરાગ્ય ઉત્પન્ન થયેલો પણ વળી તે ઊડી ગયેલો. ૨. ૧૯૧૫ (વૈશાખ પછી) ધર્મ સંબંધી વિચાર બદલાયો ને હું ધર્મભ્રષ્ટ થયો. ૩. ૧૯૨૦ (પોષ સુદ ૧૦ પિતાનું મરણ થયું (૩૧ વર્ષની વયે) ત્યાર પછી ઘરમાંના દેવતા પડોશી બ્રાહ્મણને આપી દીધા. પિતાની ક્રિયા કીધી તે ભાવથી નહિ ને દેવતા આપી દીધા તે મૂર્તિ ન પૂજવી માટે. ૪. ૧૯૩૦ સુધી એટલે ૪૧ વર્ષની વય લગી એટલે વર્ષ ૧૬ સુધી હું ઘણીક વાતે પ્રાર્થનાસમાજના મતનો હતો. ૫. ૧૯૩૧ કારતક વદ ૪ : શિવશક્તિ સ્વરૂપે પરમેશ્વરને પૂજવા વિશે મતિ થઈ. ‘રાજ્યરંગ’ લખતાં શ્રુતિ સ્મૃતિ પુરાણનો વિષય જાણી લેવામાં આવ્યો. સર્વે લોકના નિવૃત્તિપ્રવૃત્તિના ધર્મ તથા જપસુખની તુલના કરી જોઈ. અવશ્યે વેદાંત તથા યોગના ગ્રંથોનું અવલોકન કરી સાર જાણી લીધો, અનેક વિચાર કીધા. ૬. ૧૯૩૩ વૈશાખ સુદ ૩ (૧૮૭૭ એપ્રિલ ૧૬મી) (૪૪ વર્ષની વયે) વેદસરસ્વતીની સ્થાપના સુરતના ઘરમાં... ૭. સં. ૧૯૩૫ : સન ૧૮૭૯ (ક) જેઠ સુદ ૧૦ : ભક્ષ્યાભક્ષ્ય, ગમ્યાગમ્ય, શૌચાશૌચ એ વિષયમાં આચાર પાળવાનો અનાદર હતો, ને પાછો બેસાડવા વિશે નિશ્ચય. (ખ) મૂર્તિપૂજન વિશે વિચાર કીધા. એ જ અવશ્ય કર્મ છે ને સારૂં છે. સૌને માટે એમ નહિ, નિત્યને માટે દેવપૂજન ઘરમાં રાખવું જ એમ નહિ, વેદપુસ્તક ઉપર ઇચ્છામાં આવે ત્યારે ફૂલ ચઢાવવાં ને ધૂપ આરતી કરવી. કોઈ વાર મૂર્તિને પણ પૂજવી. સ્થાપેલી મૂર્તિનાં દર્શનનો અનાદર કરવો નહિ. (ગ) આષાઢ વદ અમાસ : સૂર્યગ્રહણ પાળ્યું...પત્રિકા છપાવી પ્રસિદ્ધ કીધી.૩[3] (ઘ) શ્રાવણ સુદ પૂનેમ : જનોઈ બદલ્યું. પદ્ધતિ નહિ તેથી કર્મ યથાસ્થિત થયું નહિ. ૮. સં. ૧૯૩૬ સન ૧૮૮૦ : દેવીભાગવત...જોઈ ગયો. ઇચ્છું છું કે મારો દક્ષસ્નેહ સબલ રહો. ને મારી ત્રણેમાં સીતાનો અંશ વધો. ત્રણે પોતપોતાને સ્નેહે મને જોઈ પોતપોતાને ધર્મે રહો. હાટકેશ્વરના ઓચ્છવના દહાડે શ્રી સામ્બહાટકેશ્વરાય નમઃ એ મંત્રે માળા જપી, કુળદેવને નૈવેદ્ય કરી જમ્યો હતો. ૯. સં. ૧૯૩૭ : ૧૮૮૧ (ક) પોષ સુદ ૧૨ : સંક્રમણ શક્તિની પ્રાર્થના કીધી, જય ઇચ્છ્યો, પોતાના સંબંધીજનનો ને દેશી જન સમસ્તનો. ....વૈખરીએ ઇષ્ટની કલ્પેલી મૂર્તિ અદર્શ થઈ જતી. માનસિક જય વેળાએ કોનો જપ કરૂં છું તે વિસ્મરણ થતું. રૂપમૂર્તિ કે ગુણમૂર્તિ કે તત્ત્વનું ધ્યાન કરવું એ વિશે નિશ્ચય કરવાનો છે. મારું વલણ તત્ત્વ તથા ગુણમૂર્તિ ભણી છે. (ખ) પોષ સુદ ૧૪ : દેવી પાસે નિત્ય જાચવું એ મૂર્ખાઈ છે. તે સંધુ જાણે છે જ. નિષ્કામ ભક્તિ કરવી એ જ સિદ્ધાંત; પછી સમયે કામ્ય નિમિત્તિક ભલે થાઓ... હું કુદરતી શક્તિને માનતો, પણ અમણાં જ્ઞાનકલા પ્રવૃત્તિનિવૃત્તિનો આધાર જગતની નિર્ગુણસગુણ શક્તિ દેવીને માનું છું... (ગ) પોષ સુદ ૧૫... શ્રુતિસ્મૃતિના સિદ્ધાંત ઉપર વિશ્વાસ બેઠો છે, પણ હજી મોક્ષની ઇચ્છા નથી. દૈવી ચમત્કારનો અનુભવ થાઓ એવો લોભ છે. (ઘ) ફાગણ સુદ ૧૩ : ...ધર્મકર્મમાં સના વિચાર શા માટે આવે છે? તેને સંમોહ થયો છે એમ તું કેટલાક કારણથી કહે છે, પણ એમ જાણવું, એ તારો મોહ કેમ નહિ? હવે તારો તેના પર સ્નેહ નથી, તેથી તારો અર્થ નથી. પતિતના સહવાસમાં એવું ઠીક નહિ, એમ તું જાણે છે.... હે દેવી હવે તારો પરતો દેખાડ, કાં તો સનો સંબંધ કરાવ કે છોડાવ. કાં તો ઋણમાંથી છોડાવ કે છેક નઠારી સ્થિતિમાં આણ, પણ વહેલી થા. હું પાપી છું, નિર્બળ છું, પવિત્ર કર સબલમ્‌. ૧૦ : સં. ૧૯૩૮ : સન ૧૮૮૨ : ભગવદ્‌ગીતાનું ભાષાંતર કર્યું.’ આ નોંધમાં નર્મદના સંકલ્પવિકલ્પો સ્પષ્ટ રીતે વ્યક્ત થયા છે. સ્વધર્મે જ શ્રેય છે એ વિશે તો તે નિઃસંશય થયો છે. સગુણ અને નિર્ગુણ, પ્રવૃત્તિ અને નિવૃત્તિ, કામ્ય અને નિષ્કામ કર્મો વચ્ચે તેના મનમાં અવઢવ છે. તેનું વલણ નિર્ગુણ, નિવૃત્તિ અને નિષ્કામ કર્મ તરફ છતાં તેના વિકલ્પો પ્રત્યે તે ઉદાસીન નથી. જો સ્વધર્મમાં જ નિષ્ઠા દૃઢ કરી છે તો તેનાં કર્મકાંડ સમેત સર્વાંગમાં અપનાવવો એવો તેનો અભિગમ તો ખરો જ, સાથે સાંસારિક અને આર્થિક સંકડામણ, મૂંઝવણમાંથી કામ્ય કર્મો તેમ મંત્રતંત્ર ઉગારશે એવી શ્રદ્ધા – જેને તેણે અત્યાર સુધી અંધશ્રદ્ધા તરીકે તિરસ્કારી હતી – પણ આ માટે જવાબદાર ખરી. પોતે પારસની શોધમાં રેતીનાં બાચકાં ભરે છે અને મંતરેલું પાણી કોઈક આર્તને આપે છે એમાં આ શ્રદ્ધાનું વિપરીત રૂપ જ છે. આ નોંધમાં તેણે જે મંત્રોના જપ કર્યાનો ઉલ્લેખ (જેનો ઉલ્લેખ ઉપરની નોંધમાં નથી) કર્યો છે તેમાં મુખ્યત્વે તો ઇષ્ટદેવ હાટકેશ્વર અને ઇષ્ટદેવી સરસ્વતીના જ છે. સરસ્વતીની તેની ઉપાસના હવે કેવળ સારસ્વતકાર્ય પૂરતી જ રહી નથી, મંત્રજપ સુધી અને વેદનારાયણની આરતી સુધી પહોંચી છે. પુરુષાર્થી નર્મદ હવે પ્રારબ્ધને જ નિર્ણાયક ગણે છે એમાં ‘રાજ્યરંગ’ના લેખન દરમ્યાન બ્રહ્માંડમાં ‘હું નર્મદ શું?’ એવી ક્ષુદ્રતાના અનુભવ સાથે સર્વકર્તાહર્તા તો કેવળ શ્રીરંગ જ છે એ પ્રતીતિ, જે ગીતાનું ભાષાન્તર કરવાથી વધુ દૃઢ થઈ હશે, કારણભૂત છે. આ નોંધના સમયગાળા દરમ્યાન જ ‘રાજ્યરંગ’નું અધ્યયન, લેખન, પ્રકાશન થયું અને ‘ધર્મવિચાર’ના વિવિધ વિષયના વ્યાખ્યાનલેખો તૈયાર થયા.

નર્મદની કવિતાપ્રવૃત્તિ ઉત્સાહ અને રતિના સ્થાયીભાવથી પ્રેરાયેલી અને પ્રસિદ્ધિના પ્રયોજનમાં ઠરનારી હતી. ઉત્સાહજનિત વીર અને રતિજનિત શૃંગારનો જોસ્સો ક્યારેક સહજ તો ક્યારેક ‘નિશા’થી ઊભરાયેલો રહેતો. વયના વધવા સાથે, ઇતિહાસ અને ધર્મવિષયક ગ્રંથોના પરિશીલને તેમ જીવનસંગ્રામની કડવી વાસ્તવિકતાથી તેની પ્રકૃતિ સ્વસ્થ અને સ્વચ્છ થવા તરફ વળી ત્યારે કવિતા પરથી તેનું મન ઊતરી ગયું. ‘નર્મકવિતાના શૃંગારમાં જુવાનિયા બહુ રાજી પણ તેમાંના વીર કે શાંતને શું કરવા જુએ? એ સઘળું શું બતાવે છે? ‘ભ્રષ્ટ મતિ.’૪[4] – એ ઉદ્‌ગારમાં તે પોતાની કવિતાના પ્રભાવની સત્યતા વિશે નિર્ભ્રાન્ત થયો હતો તે પ્રતીત થાય છે. સન ૧૮૮૩માં માનશંકર પીતાંબર મહેતા અને ખાપર્ડેએ કવિને કંઈક ગાઈ સંભળાવવા કહ્યું તો તેણે ‘નર્મકવિતા’ ફેંકી દીધી ને કહ્યું : ‘અરે ખાપર્ડે મને આ કવિતાઓ બિલકુલ ગમતી નથી...’ તે પછી તેણે ‘સમર પંથ લક્ષવો હવે...’ એ વીરરસનું કાવ્ય સંભળાવ્યું હતું.૫[5] હવે તે ગદ્ય તરફ વળ્યો હતો. નર્મગદ્યના પ્રકાશન ઉપરાંત ‘નર્મકોશ’ની ધીરગંભીર પ્રવૃત્તિમાં તેણે ચિત્ત પરોવ્યું. એ પણ એક મોટું પરિવર્તન જ કહેવાય. પોતાનાં ગદ્યલખાણોથી પણ નર્મદને સંતોષ હતો તેવું નથી. ‘નર્મગદ્ય’ની ૧૮૬૫ની આવૃત્તિના આરંભે તેણે ગદ્યલખાણોમાંના વિચારોની સ્વસ્થતા અંગે પોતાની શંકા દર્શાવતાં કહ્યું જ હતું : ‘એ લખાણ, પ્રસંગના જોસ્સાઓની નિશાની છે માટે એમાંના વિચારોને ચેમાસાનું ડહોળાયેલું પાણી સમજવું. – અલબત્ત થોડાં વરસ પછી (ફેરફાર સાથે છપાય તો) એ વિચારો શરદઋતુનાં પાણી જેવાં થાય ખરાં.’ કવિતાની શૃંગારરસિકતા અને ગદ્યલેખોમાંનું વિચારનું ડહોળાપણું ઓસરવા માંડે છે ૧૮૭૦–૭૪ના ગાળામાં. ઉપરની નોંધ પ્રમાણે સં. ૧૯૩૧, સન ૧૮૭૫માં તેની આસ્થાએ પલટો લીધો અને બદલાયેલી શ્રદ્ધાને વાચા આપતાં વ્યાખ્યાનો અને લેખોનો, વિચાર અને વાગ્મિતાનો અત્યાર સુધી તેનામાં ન જોવા મળેલો અભિનવ સ્રોત વહેવા માંડ્યો. ૧૮૭૪માં તેણે સરકારી શાળાઓ માટે નર્મગદ્યનું જે સંપાદન કર્યું તેમાં જે ફેરફારો તેણે કર્યા (તેમાં પણ બહુ ફેરફારો તે આવૃત્તિ રદ કરાવી મહીપતરામે જાતે ૧૮૭૫ની આવૃત્તિમાં કર્યા) તેમાં તેનો કંઈક અણસાર છે. પરંતુ ‘રાજ્યરંગ’ અને ‘ધર્મવિચાર’માં તો તે પ્રબળતાએ જોવા મળે છે. સુધારાપ્રવૃત્તિનું સરવૈયું કાઢતાં ‘ધર્મવિચાર’માંના ‘સુધારો અને સુધારાવાળા’ (૨૧ ઑગસ્ટ ૧૮૮૧) લેખના ઉપસંહારમાં તેણે ગુજરાતની પ્રજાને ઉદ્‌બોધન કરતાં ભૂલ્યાં ત્યાંથી ફરી ગણવા કહ્યું : ‘સુધારો પોતાનાં યોજેલાં કામમાં ફાવી શક્યો નથી ને બહુ વર્ષ પછી માંહે રહી ખોદવું ને બહાર ન પડવું એ નીતિએ ફાવે તેવી ઊંડી છાપ પણ તેણે મંડળનાં મન ઉપર પાડી નથી... ભૂલ્યાં ત્યાંથી ફરી ગણો, માંડો પંડ્યા ધરથી, ઉદ્યમે છે સિદ્ધિ, હારે તેને હરિ મળો, નીતિએ નારાયણ વસે; સત્યે લક્ષ્મી, સંપે જય, પાપે ક્ષય ને ધર્મે જય’૬[6] નવલરામ કહે છે તેમ ‘આખો સુધારાસાથ નર્મદાશંકરનાં આવાં વેણ વીલે મોઢે સાંભળી રહ્યો.’૭[7] ત્રણ ત્રણ માસ સુધી કોઈ વર્તમાનપત્રે તેને પડકાર્યો નહિ. એક માત્ર મહીપતરામ નીલકંઠે અમદાવાદમાં કંઈક પ્રતિસાદ કર્યો અને ‘હિતેચ્છુ’એ તે છાપ્યો. નર્મદના શિષ્ય અને ‘ગુજરાતી’ના સંપાદક ઇચ્છારામ સૂર્યરામ દેસાઈની ‘આર્જવપૂર્વકની ઇચ્છાએ’ નવલરામે નર્મદના ‘પક્ષગમન’૮[8] અંગેના વિચાર અને વર્તનની સમીક્ષા કરતાં (અપૂર્ણ રહેલા આ લેખમાં) કવિની બુદ્ધિ કે શક્તિ ક્ષીણ થઈ હોવાના મતનો પ્રતિવાદ કરી, તેનામાં જણાયેલા ‘પૂર્વના ચાપલ્યની સાથે કાંઈક ગાંભીર્ય (depth) તથા વૈશાલ્ય(breadth)’ના વિશેષને, તેય નવા મત વિશે આત્મપ્રતીતિ અને ‘તન્મય નિશ્ચયાત્મકતા’ને અભિનંદ્યાં. તેમણે કવિની વાણીમાં જુદી શબ્દસંસ્કૃતિ અને વિચારમાં અગમ્યવાદ (mysticism) પારખી પરિવર્તનની સાચી રગ પકડી હતી. નર્મદના આ પરિવર્તન માટે જવાબદાર વૈચારિક પ્રતીતિનાં કારણો ઉપરાંત બાહ્ય પરિબળો વિચારણીય છે. ૧૮૮૨ સુધીની ઉપલબ્ધ નોંધમાં આર્થિક સંકડામણનો ઉલ્લેખ બેએક વાર થયો છે. તેને કારણે તે મંદઉત્સાહ અને વિષાદગ્રસ્ત પણ હતો. ટેક મૂકી નોકરી સ્વીકારી તેમાં તેની લાચારી પ્રગટ થઈ હતી એ એક વાસ્તવ છે. પરંતુ તેથી તેની બુદ્ધિ કુંઠિત થઈ હતી એમ માનવું એ તેના આંતરસત્ત્વને અવગણવા જેવું છે. પૂર્વ-નર્મદના ઉત્સાહનો કેટલોક ભાગ તો પ્રસિદ્ધિના મોહ અને નશાને કારણે કંઈક ફુલાવેલો પણ હતો, તેની આર્થિક લાચારીમાં તેના સુધારક મિત્રો જ વહારે આવ્યા હતા. જૂના મતને શરણે જવાથી સનાતનીઓ કંઈક ટેકો દેશે એવી આશા તેને હતી જ નહિ. ‘રાજ્યરંગ’ અને ‘ધર્મવિચાર’ના લખાણમાં ઠરેલપણું છે, ગાંભીર્ય છે, તરલતા નથી, ચંચલતા નથી, તેની તર્કબુદ્ધિ લવલેશ બુઠ્ઠી થઈ નથી. જે નવું પરિમાણ ઉમેરાયું તે અગમ્યવાદનું. અગમ્ય તત્ત્વનું બૌદ્ધિક કારણ ન શોધી શકાય ત્યાં સુધી તેનો તિરસ્કાર કરવામાં તેને અપ્રામાણિકતા જણાઈ છે. તે બુદ્ધિની સીમાને એાળખતો થયો છે. જ્યાં બુદ્ધિ અટકે ત્યાંથી શ્રદ્ધાની સરહદ શરૂ થાય છે એમ વિચારી તે પૂર્વની નીડરતાથી, ઉત્સાહથી, સાહસિકતાથી સ્વધર્મમાં જ શ્રેય હોવાનું કેવળ કબૂલતો નથી, ઉપદેશે પણ છે, આચરે પણ છે. નર્મદની પ્રકૃતિમાં જ અંતિમ કોટિ મોહ હતો અને તે નશો કરવાનું પરિણામ હોવાનો રામનારાયણ પાઠકનો મત૯[9] ચિંત્ય છે. નર્મદનો સૌથી પ્રબળ મનોવેગ પ્રસિદ્ધ થવાનો હતો. અંગ્રેજ પ્રજાના ઇતિહાસના અને સાહિત્યના અભ્યાસે તેને એ પ્રજાની આમુષ્મિક સંપન્નતા અને પરાક્રમશીલતા પ્રત્યે ઈર્ષ્યા જન્માવી. એ પ્રજાનું કૌવત મેળવવા તેણે માંસાહાર અને મદ્યપાનને અનિષિદ્ધ જ નહિ, ઇષ્ટ ગણ્યાં. કહેવું હેાય તો કહી શકાય કે મંત્રતંત્રમાં શ્રદ્ધા, ગ્રહણ પાળવાનો નિશ્ચય, નિષિદ્ધ તિથિવારે ક્ષૌરકર્મ ન કરાવવાનો નિર્ણય વગેરેમાં જેમ બૌદ્ધિકતાનો અભાવ જણાયો તેમ પશ્ચિમના આ આકર્ષણમાં પણ બૌદ્ધિકતાનો વિરામ જ હતો. એ પણ તેની પ્રકૃતિનો જ એક ભાગ હતો. તેણે પશ્ચિમના પ્રવૃત્તિમાર્ગને પરમ ઇષ્ટ ગણી, કવિતા અને નિબંધોને પણ દેશહિત, સમાજહિત, વ્યક્તિહિતના ઉત્કર્ષનાં સબળ સાધન તરીકે યોજી એક તરફ લોકસંગ્રહ અને બીજી તરફ ભાષાસાહિત્યની સમૃદ્ધિ એમ બે કાર્ય સિદ્ધ કર્યાં. વિચારપરિવર્તનના આ તબક્કાએ પણ, સુધારકો માંસાહાર અને મદ્યપાનમાં જ સુધારો માની બેઠા છે એેવો તેનો આક્ષેપ છતાં, તે પોતે નશો કરવાથી દૂર રહ્યો હશે એમ માનવાને કારણ નથી. નશો આચારવિષયક inhibitions-નિષેધોને ઓગાળી નાખે છે. આ તબક્કે પણ નર્મદના ચિત્તમાં આ પ્રક્રિયા ચાલુ જ છે. ઉપર ૯ (ઘ) માં સનો ઉલ્લેખ ચોંકાવનારો છે. ‘સુરત આવ્યા પછી તો અમે જાણીએ છીએ કે કોઈની પણ પત્નિ તરફ એણે કનજર કરેલી કોઈના સાંભળવામાં નથી.’૧૦[10] એમ to the best of my knowledge પ્રકારનું પ્રમાણપત્ર નવલરામે તેને ભલે આપ્યું હોય, આ તબક્કાએ પણ તેનો ‘મુક્તવિહાર’ વિરમ્યો ન હતો. ૯ (ઘ)માંની સ તે નર્મદે નર્મદાગૌરી (સુભદ્રાગૌરી) સાથે ખાનગીમાં પુનર્લગ્ન કર્યાં પહેલાં જેને પોતાની બાજુના ઘરમાં આશ્રય આપ્યો હતો તે સવિતાગૌરી૧૧[11] નહિ. ૮માં ‘મારી ત્રણે’માં તેનો ઉલ્લેખ તો થઈ ગયો છે. આ ત્રણેના મનનું સમાધાન થાય એ રીતે તેમને સ્નેહ કરવાની પોતાની કુશળતાને આ કવિએ ‘દક્ષ સ્નેહ’ તરીકે બિરદાવી છે. આ સ પણ વિધવા છે. તે પિશાચિણી છે એવું પણ તેને ક્યારેક લાગે છે. તેનાથી છૂટવા પણ મથે છે ને ન છુટાય તો પામવા ઝંખે છે. સનાતન ધર્મવિચારનું inhibition તેને આ સંબંધમાં નડ્યું નથી. કદાચ પ્રકૃતિ ઉપરાંત પેલો નશો કારણમાં હશે! નર્મદ નિરીશ્વરવાદી તો તેના જીવનના કોઈ તબક્કે ન હતો. નિર્ગુણ પરમ શક્તિનો તો તે નિરંતર ઉપાસક હતો. ‘સાકાર’ અને ‘બ્રહ્મતૃષા’નો લેખ (૧૮૬૧) તેની ઈશ્વરનિષ્ઠાનો દ્યોતક છે. સુધારક તરીકેના બુદ્ધિનિષ્ઠ તબક્કામાં પણ તે નાસ્તિક તો બન્યો જ ન હતો. તેનો શંખનાદ મૂર્તિપૂજા અને અંધશ્રદ્ધા સામે હતો. કિશોરકાળમાં તો તે પાર્થિવપૂજા કરનારો, કાળકાનાં દર્શન કરી ગાલે તમાચા મારી ક્ષમાપના કરનારો, નર્મદેશ્વરમાં અંધારામાં જઈ અભિષેક કરી નાકલીટી તાણનારો અને કર્મકાંડમાં પરમ શ્રદ્ધાળુ હતો. તેની આ કુલગત આચારનિષ્ઠા અને તેમાંની પારંપરિક ધર્મ- ભાવના વચ્ચેના સુધારક તબક્કામાં દબાઈ ગઈ હતી તે કોઈક આઘાતવશ પુનઃજાગ્રત થઈ. આ આઘાત આર્થિક સંકડામણનો હોય, ખૂંદ્યા ખમનારી પત્નીની ધર્મનિષ્ઠાથી પ્રેરાયેલો guilt consciousnessનોય હોય, સત્સંગનો હોય, વૈચારિક પરિપક્વતા પ્રેરનાર સદ્‌ગ્રંથોના વાચનનોય હોય, તે પુનઃ મંત્રતંત્રમાં માનનારો, કર્મકાંડને યથાવિધિ કરનારો બને છે અને વર્તુળ પૂરું થાય છે. તેમાં મહત્ત્વનું પરિબળ છે આ દેશમાં થિયૉસૉફીના પ્રવર્તક માદામ બ્લાવાત્સ્કી અને આર્યસમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતી. અહીં એ પણ નોંધી લઈએ કે ધર્મતત્ત્વની પુનર્વિચારણા અને સુધારા પ્રવૃત્તિની જન્મભૂમિ બંગાળમાં પણ પુનઃપુનઃ વિચારણા આરંભાઈ ચૂકી હતી. બ્રહ્મોસમાજનાં બંને તડના અગ્રણીઓ રામકૃષ્ણ પરમહંસના અધ્યાત્મવાદના પ્રભાવ નીચે આવ્યા હતા. ગુજરાતમાં આ અસર તત્કાળ ફેલાઈ હતી કે કેમ તે સ્પષ્ટ નથી, પરંતુ બ્રહ્મોસમાજમાં જે કંઈ થાય તેનો પ્રભાવ અહીંનો પ્રાર્થનાસમાજ તત્કાલ ઝીલતો તો હતો જ. પરંતુ પશ્ચિમ અને ઉત્તર ભારતમાં સ્વામી દયાનંદ સરસ્વતીનો અને દેશના બૌદ્ધિકોમાં માદામ બ્લાવાત્સ્કીનો પ્રભાવ સદ્ય અને વ્યાપક હતો. નર્મદ પણ તે અસર નીચે હતો. માદામ બ્લાવાત્સ્કી કર્નલ ઑલ્કોટ સાથે મુંબઈ આવ્યાં ત્યારે તેમણે કવિને ત્યાં જઈ તેમનો સહકાર પ્રાર્થ્યો હતો. લૉજનાં ભાષણોમાં કવિ ઉત્સાહથી જતા, ભાગ લેતા. માદામ બ્લાવાત્સ્કી દેશમાં ચોતરફ ઘૂમી કહેતાં કે પશ્ચિમનો સુધારો જડવાદી-પાર્થિવ છે. થિયૉસૉફીમાં સર્વધર્મસમન્વય છતાં તેનો ઝોક હિન્દુ ધર્મ અને તત્ત્વજ્ઞાન તરફ વિશેષ હતો. આર્યત્વની પુનઃ શોધમાં કવિની શ્રદ્ધા દૃઢાવવામાં તેમ મંત્રતંત્ર અને પછી કર્મકાંડમાં પણ તેને દોરવામાં આ સત્સંગનો પ્રભાવ છે. ૧૨મી નવે. ૧૮૬૭ની નોંધમાં નર્મદે નોંધ્યું હતું : ‘જડ-વાદી છઉં, આક્ટિવ પાવર (Active Power)ને માનતો નથી...’૧૨[12] તેને આ જડવાદમાંથી મુક્ત કરવામાં આ સત્સંગનો તે આડકતરો આભાર માને છે : ‘જડશક્તિના સેવક અંગ્રેજી ભણેલાને શુદ્ધિમાં આણવાને મૅડમ બ્લાવાટ્‌સ્કીનો શ્રમ રૂડો છે, જોકે એથી થિયૉસૉફી આર્યની શુદ્ધત્વ સ્વરૂપિણી ચૈતનશક્તિને સ્વચ્છ સમજતી ના પણ હોય.’૧૩[13] નર્મદ અને દયાનંદનું સખ્ય તો તે જમાનામાં પ્રસિદ્ધ હતું. દયાનંદ સુરત ગયા ત્યારે નર્મદને ત્યાં ઊતર્યા હતા અને નર્મદે પોતાના ‘સરસ્વતી મંદિર’માં પધરાવેલા વેદનારાયણની પૂજા પણ કરી હતી. સુરતની શાળામાં દયાનંદે ભાષણ કર્યું ત્યારે તેમની પ્રશસ્તિ કરતાં નર્મદે કહ્યું હતું કે ‘બાવીસ વર્ષ થયાં દેશાભિમાન, દેશાભિમાન કરીએ છીએ પણ તેને ધર્મની છાપ તો સ્વામીએ આપી.’ દયાનંદ મુંબઈ હતા ત્યારે ખાસ તેમને મળવા નર્મદ મુંબઈ ગયો હતો. આર્યસમાજમાં તેણે વૈદિક અને શાસ્ત્રીય વિષયો પર, નિવૃત્તિ, પ્રવૃત્તિ, ઐહિક અને પારલૌકિક ધર્મ, નીતિ, યજ્ઞયાગ, કર્મ, ઉપાસના, જ્ઞાન એમ વિવિધ વિષયો પર શ્રેણીબદ્ધ વ્યાખ્યાનો પણ આપ્યાં હતાં. બંને જુદા પડ્યા મૂર્તિપૂજાના મુદ્દા પર. પરંતુ નર્મદની આર્યત્વની, આર્યનીતિ-રીતિ અને ધર્મભાવના વિશે શ્રદ્ધા સુસ્થિર કરવામાં દયાનંદનો પ્રભાવ અવશ્ય છે. દયાનંદે ‘રજસ્તમસી બળ, શારીરબળ – પદાર્થબળનું માહાત્મ્ય કથ્યું’ એ નર્મદને રુચ્યું ન હતું પરંતુ ‘સુધારાવાળાને વેદ માનતા કીધા’ એ કાર્યને તે મુક્તમને પ્રશંસે છે.૧૪[14] વૈચારિક મતભેદો છતાં નર્મદે તે બંનેનાં કાર્યોનું મહત્ત્વ સ્વીકારી બિરદાવ્યાં પણ હતાં. થિયૉસૉફિકલ સોસાયટીના પહેલા વાર્ષિક મેળાવડા પ્રસંગે તેણે ‘થિયૉસૉફિ’૧૫[15] શીર્ષકથી ૪૧ કડીનું પ્રશસ્તિકાવ્ય રચ્યું હતું, જેમાં તેણે લૉજના શ્રદ્ધાસ્થાપનના કાર્યને મુક્તકંઠે અભિનંદ્યું હતું. તે જ કાવ્યમાં દયાનંદના કાર્યનેય અભિનંદી લૉજ અને સમાજની પ્રવૃત્તિઓનો સમન્વય થાય તો કેવું શુભ પરિણામ આવે તેની કલ્પના કરી હતી. તે જ રીતે તા. ૩ એપ્રિલ ૧૮૭૮ને રોજ આર્યસમાજના ઉત્સવ પ્રસંગે કવિએ ‘ઇછિયે આર્ય સમસ્તનાં જાડ્ય તિમિરનો નાશ’૧૬[16] –એ અર્થે એક ‘પ્રાર્થના’૧૭[17] રચી હતી. આ પહેલાં પણ સં. ૧૯૪૩ના કારતક સુદ ૧ને દિવસે તેણે આર્યસમાજ માટે ‘જય જય જય જગ રાજ, જય અનંત લીલાકારિ’૧૮[18] એ પંક્તિથી શરૂ થતી રચના કરી હતી. ‘ધર્મવિચાર’ના લેખોમાં નર્મદે માદામ બ્લાવાત્સ્કી અને દયાનંદના કેટલાક વિચારોનો ઉગ્રપણે પ્રતિવાદ કર્યો છે, તેમ છતાં તેમના સત્સંગનો પ્રભાવ આર્યધર્મ પ્રત્યેની તેની અભિમુખતાને પુષ્ટ કરવામાં વરતાય છે તેમ તેની અભિવ્યક્તિની ભાષામાં ‘ભો આર્ય!’ એેવો ઉદ્‌બોધનનો લહેકો અને ગુરુવાણીનો આત્મપ્રતીતિયુક્ત રણકાર આવ્યો છે તેમાં પણ આ બે વિભૂતિઓની અસર છે. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ નોંધ્યું છે : ‘૧૮૮૨માં ગુરુમહારાજની ઢબે નર્મદ આર્યોદ્‌બોધન કરે છે ત્યારે લાગે છે કે એક બાજુ દયાનંદ અને બીજી બાજુ માદામ બ્લાવટ્‌સ્કીની વાણીનું અનુકરણ કરતી શિક્ષાપત્રીની કે પયગમ્બરી ડોળવાળી વાણી ઉચ્ચારવાનું નર્મદને હવે ગમે છે.’૧૯[19] આ તો બધાં નૈમિત્તિક અને સાંયોગિક કારણો છે. સૌથી વિશેષ નિર્ણાયક કારણ તો ‘રાજ્યરંગ’ના નિમિત્તે જગતના દેશો અને પ્રજાઓના ઇતિહાસના, તેમની સંસ્કૃતિ, સભ્યતા, વિશેષતઃ તેમના ધર્મ અને તત્ત્વજ્ઞાનના તેણે કરેલા અભ્યાસના તારણ રૂપે આર્યસંસ્કૃતિની ઉત્તમતાની પ્રતીતિ છે.

નર્મદ તો સર્વક્ષેત્રીય લેખક હતો. તેના વિવિધ વિષયોના લેખોમાં ઇતિહાસદૃષ્ટિ છે. સરકારી ‘નર્મગદ્ય’ (૧૮૭૫)નાં કુલ ૫૩૦ પૃષ્ઠોમાંથી ૩૯૦ પૃષ્ઠોનું લખાણ ઇતિહાસમાં વર્ગીકૃત થઈ શકે એવું છે. તેણે દલપતરામ અને મનમોહનદાસના અનુકરણમાં પદ્યો જોડવા માંડ્યાં તેમાં પ્રથમ બે રચનાઓ હતી – ‘કેફ ન કરવા વિશે’ અને ‘ઇતિહાસ વાંચવાના ફાયદા’. આ બીજી રચના પછીથી ખોવાઈ ગઈ હતી.૨૦[20] ‘ભક્તિથી થાશે રે, જન ઉત્કર્ષ સવેળો’ એ પદમાં (૧૯ ફેબ્રુ. ૧૮૬૮)૨૧[21] તેણે ઇતિહાસના અભ્યાસનો મહિમા આ રીતે વર્ણવ્યો છે :

ઇતિહાસો વાંચવાથી ઝાઝા ભક્તિમર્મ સમજાયે,
શૌર્ય પરાક્રમ પ્રગટ તાહરે થયેથિ જશ લેવાયે.

‘હિન્દુઓની પડતી’ જેવાં અનેક કાવ્યોમાં તેનો ઇતિહાસનો અભ્યાસ ભૂમિકા બાંધી આપે છે. તેના ગદ્યલેખોની એક લાક્ષણિકતા તે તર્ક અને તારણ માટેની સંદર્ભગત ઇતિહાસની ભૂમિકા છે. તેના પ્રથમ વ્યાખ્યાનલેખ ‘મંડળી મળવાથી થતા લાભ’(૧૮૫૧)માં પણ આ લક્ષણ છે. સ્વદેશાભિમાન’ (૧૮૬૦), ‘ગુજરાતીઓની સ્થિતિ’ (૧૮૬૮–૬૯) જેવા નિબંધોમાં સમગ્ર વિષયની માંડણી ઇતિહાસ પર છે. ‘કૃષ્ણાકુમારી’ નાટકનું વસ્તુ ઇતિહાસ અનુસાર હોવા અંગે મિત્ર ગોપાળજીએ શંકા દર્શાવી ત્યારે તેણે ટૉડ અને વિલ્સનના ઇતિહાસગ્રંથો તપાસી તેમનો સંશય દૂર કર્યો હતો.૨૨[22] સોળ વર્ષની વયે – ૧૮૪૯ - ઇનામની પરીક્ષામાં ટેલરકૃત ‘એનશંટ હિસ્ટરી’નું ઇનામ રળનાર,૨૩[23] શાળાના અભ્યાસ દરમ્યાન જગતનો પ્રાચીન અને અર્વાચીન ઇતિહાસ ભણી ચૂકેલો નર્મદ ઇતિહાસનો અઠંગ અભ્યાસી બને છે અને પ્રત્યેક વિષયને કાળના સંદર્ભમાં વિચારવાની શિસ્ત કેળવે છે. ભારતીય પરંપરામાં ઇતિહાસગ્રંથ લેખાયેલા પરંતુ, ચમત્કારપૂર્ણ અને કલ્પનારંગી મહાભારત અને રામાયણનાં પાત્રોને કેવળ માનવ-સંદર્ભમાં જ પરીક્ષવામાં તેની આ ઇતિહાસપૂત દૃષ્ટિ છે. આ બધાથી પરિપક્વ ઇતિહાસદૃષ્ટિથી, તે સમગ્ર વિશ્વનો ઇતિહાસ આલેખવા મહત્ત્વાકાંક્ષી બને છે. તેનું પરિણામ તે ‘રાજ્યરંગ’ (૧૮૭૧-૭૬). ‘રાજ્યરંગ’ ગુજરાતી ભાષામાં લખાયેલો જગતનો પ્રથમ વ્યવસ્થિત ઇતિહાસ છે. તેને પ્રો. કેશવલાલ કામદારે ‘ગુજરાતમાં...એચ. જી. વેલ્સનું કર્તવ્ય’૨૪[24] તરીકે બિરદાવ્યો છે. અલબત્ત આ ગ્રંથ એચ. જી. વેલ્સના, ‘જગતનો ઇતિહાસ’ કરતાં જુદા ઉપક્રમથી લખાયો છે એથી નર્મદ તેનો પુરોગામી (સમયક્રમે તો ખરો જ) હતો અથવા તેનું કાર્ય તેના જેટલું જ મૂલ્યવાન છે એમ પ્રો. કામદારને કહેવું નથી. નર્મદનું આ કાર્ય ગુજરાતમાં તો અ-પૂર્વ છે જ. જગતનો ઇતિહાસ લખવાના અનેક અભિગમો હોઈ શકે. એક આદર્શ ચીંધતાં રામનારાયણ પાઠક કહે છે : ‘દરેક દેશનો જુદો ઇતિહાસ કહી બધા ઇતિહાસો ભેગા કરવાથી જગતનો ઇતિહાસ ન બને. એ ભિન્ન ભિન્ન પ્રજાના અને ભિન્ન ભિન્ન દેશના ઇતિહાસોમાં કયાં સત્યો કે કયા મહાન માનવજાતિવ્યાપારો પ્રતીત થાય છે તે બતાવવું જોઈએ. પ્રજાની કે દેશની ચડતીપડતી કે મહાન ઐતિહાસિક ઊથલપાથલો કે રાજ્યોના વિસ્તારો કયા ગૂઢ નિયમો પ્રમાણે થાય છે તે અથવા જુદા જુદા ઇતિહાસોમાંથી તરી આવતાં સત્યમાંથી કેવી રીતે આ મહાસત્ય નીકળે છે તે બતાવવું જોઈએ.’૨૫[25] આ અપેક્ષા વિશ્વના કોઈપણ ઇતિહાસલેખકે પૂરી કરી હશે કે કેમ? આ આદર્શ અનુસાર ભિન્ન ભિન્ન દેશો અને પ્રજામાં સમયે સમયે પ્રવર્તમાન સત્યો અને તેમાંથી નિષ્પન્ન મહાસત્યને આલેખવાના આધ્યાત્મિક પ્રયાસને અંતે બીજું જે મળે તે – ઇતિહાસ નહિ મળે. વસ્તુતઃ નર્મદનો અભિગમ તો આ સત્યો અને મહાસત્ય — તેની પાછળની પરમશક્તિને પામવાનો જ રહ્યો છે. સ્થળ, સમય અને સાધનોની સાપેક્ષતાએ તે સર્વથા નિષ્ફળ ગયો છે એમ ‘રાજ્યરંગ’ અને ‘ધર્મવિચાર’ એ બંને ગ્રંથો સાથે વાંચતાં ન કહી શકાય. ‘સર્વ સૌન્દર્યમાં સત્તાસૌન્દર્ય શ્રેષ્ઠ છે તો રાજ્યનું સૌન્દર્ય સર્વોપરિ તો છે જ. કોઈ પ્રદેશના જનમંડળ ઉપર ધર્મની, કોઈ ઉપર ધર્મ તથા બળ બંનેની અને કોઈ ઉપર કેવળ બળની જ સત્તા હેાય છે... જે પ્રદેશના લોક તનમનધનબળમાં વિશેષ આગળ પડતા તેમ તેઓ વિશેષ શોભે છે તે એવાઓ પણ જે સત્તાને વશ છે તે સત્તા વિશેષ શોભવી જોઈએ ને શોભે છે.’ ‘રાજ્યરંગ’ની પ્રસ્તાવનામાં સત્તાને પણ સૌન્દર્ય તરીકે ઓળખનાર નર્મદ કેવળ કવિ નહિ, સત્ય અને શિવની ઉપાસના દ્વારા સૌન્દર્યને પામવા ઇચ્છતો સાધક છે જે સત્તાને કેવળ સત્યશીલ અને શિવલક્ષી અપેક્ષે છે. સત્તા અને રાજ્યની વ્યાખ્યા આપતાં સંસારવ્યવહારના અખંડ સુખ માટે પરસ્પર અન્યાય અને વિરોધજનિત હાનિ નિવારવા માટે સત્તા અનિવાર્ય. જે પ્રદેશના લોકો એક સત્તાને માને તે પ્રદેશ તે રાજ્ય. ‘રાજ’ એટલે શોભવું એમ વ્યુત્પત્તિ આપી તે સત્તા સાથે સૌન્દર્યનો યોગ યુક્તિપૂર્વક દર્શાવે છે. તેણે સત્તાના તનબળ ઉપરાંત ધન અને મનના બળનો પણ મહિમા કર્યો છે, તે દ્વારા તે અનુક્રમે આર્થિક અને ઔદ્યોગિક વિકાસનું તેમ જ જ્ઞાન અને કલાના ઉત્કર્ષનું ગૌરવ કરે છે. નર્મદ જગતના દેશોને અલગ અલગ લઈ તેમનો સળંગ ઇતિહાસ આલેખતો નથી. પ્રલયકાળથી ૧૮૫૮ સુધીના કાળને તેણે ૧૬ દર્શનોમાં અને તે દર્શનોને બે મહાદર્શનોમાં વિભાજિત કર્યાં છે. મહાદર્શન ૧ : દર્શન ૧ : સત્યયુગ; ઈ. સ. પૂ. ૨૨૩૪–૨૧૮૮ / દર્શન ૨ : ત્રેતાયુગ, ઈ. પૂ. સૈ. ૨૨–૧૬ / દર્શન ૩ : દ્વાપરયુગ, ઈ. પૂ. સૈ. ૧૬–૧૦ / દર્શન ૪ : દ્વાપરનો અંત ને કલિનો આરંભ, ઈ. પૂ. સૈ. ૧૦–૬ / દર્શન ૫ : ઈ. પૂ. સૈ. ૫–૪ / દર્શન ૬ : ઈ. પૂ. સૈ. ૩, ૨, ૧ / દર્શન ૭ : ઈ. સ. ૧–૫.

મહાદર્શન ૨ : દર્શન ૮ : ઈ. સ. સૈ. ૬ / દર્શન ૯ : ઈ. સ. સૈ. ૭ / દર્શન ૧૦ ઈ. સ. સૈ. ૮, ૯, ૧૦ / દર્શન ૧૧ : ઈ. સ. સૈ. ૧૧–૧૨ / દર્શન ૧૨ : ઈ. સ. સૈ. ૧૩, ૧૪ / દર્શન ૧૩ : ઈ. સ. સૈ. ૧૫ / દર્શન ૧૪ : ઈ. સ. સૈ. ૧૬ / દર્શન ૧૫ : ઈ. સ. સૈ. ૧૭ / દર્શન ૧૬ : (અ) ઈ. સ. સૈ. ૧૮ (બ) વર્તમાન અપૂર્ણ. આ દરેક દર્શનમાં રાજકીય પરિસ્થિતિ સ્વાભાવિક રીતે કેન્દ્રમાં છે. પરંતુ તેના અનુષંગમાં જે તે સમયે જે તે દેશમાં પ્રવર્તમાન સભ્યતા અને સંસ્કૃતિનાં મુખ્ય મુખ્ય લક્ષણો તારવવાનું વલણ પણ સ્પષ્ટ છે. મહાદર્શનમાં રાજકીય પરિસ્થિતિ કરતાં સભ્યતા અને સંસ્કૃતિનાં વિવિધ અંગો ઉપર નર્મદે સવિશેષ ભાર મૂક્યો છે. દર્શનોમાં અને મહાદર્શનમાં રાજ્યવ્યવસ્થા અને રાજનીતિ, યુદ્ધવિદ્યા અને યુદ્ધનીતિ, ન્યાયનાં ધોરણો અને વ્યવસ્થા, સંસારસ્થિતિ અને રીતરિવાજો, અર્થવ્યવસ્થા, ખેતી અને ઉદ્યોગો, શિલ્પસ્થાપત્યાદિ કલાઓ, સાહિત્ય, ધર્મ-ઉપાસના-તત્ત્વજ્ઞાન એમ વિવિધ મુદ્દાઓનું નર્મદે યથાવકાશ નિરૂપણ કર્યું છે. આ નિરીક્ષણને આધારે વ્યાપક ધોરણે, જે તે દેશની પ્રજામાં જે તે સમયે પ્રવર્તતાં વૈચારિક અને આચારગત વલણોનું લઘુતમ તારવી નર્મદ તેનું જાગતિક સંદર્ભમાં પુરુષાર્થરૂપે ત્રિવર્ગી વિશ્લેષણ કરે છે : પ્રથમ મહાદર્શન :૨૬[26] ૧. ધર્મ મૂર્તિકાળ ઈ. સ. પૂ. ૭૭૬ સુધી ૨. કામ મૂર્તિકાળ ઈ. સ. પૂ. ૨૪૧ સુધી ૩. અર્થ મૂર્તિકાળ ઈ. સ. ૪૭૬ સુધી દ્વિતીય મહાદર્શન :૨૭[27] ૧. ધર્મ મૂર્તિકાળ ઈ. સ. સૈ. ૫ થી ૧૫ ૨. કામ મૂર્તિકાળ ઈ. સ. સૈ. ૧૫ થી ૧૮૫૮ જે તે સમયે જે પુરુષાર્થ પ્રબળ જણાયો તેને તે પુરુષાર્થમૂર્તિ તરીકે વર્ગીકૃત કરવામાં નર્મદની મૌલિકતા છે. તે જ રીતે પ્રજાની પ્રકૃતિનું, પણ તે ત્રિ-ગુણના ખ્યાલ અનુસાર વિશ્લેષણ કરે છે : ૧. શુદ્ધ એશિયનો : સત્ત્વગુણી ૨. સેમેટિક પ્રજાઓ : રજોગુણી ૩. ટ્યૂટનો : તમોરાજસિક ૪. ચીની અને યુરોપની ખ્રિસ્તી પ્રજાઓ : સંકીર્ણ ગુણી – ત્રણે ગુણોનો સંકર. આ બંને વ્યવસ્થા અશાસ્ત્રીય છે કે કેમ એ મુદ્દો ભલે ચર્ચાસ્પદ હોય, તે નિરાધાર તો નથી જ. ભારતીય તત્ત્વદર્શન માનવપ્રકૃતિ અને વ્યવહારને આ બંને વ્યવસ્થા અનુસાર મૂલવે છે. આ ઉપક્રમમાં નર્મદનો હેતુ સમયે સમયે પ્રવર્તમાન સત્ય અને મહાસત્યને તારવવાનો જ છે. આ ત્રિવર્ગ અને ત્રિ-ગુણ એ સત્ય છે અને તેનાથી પર કાળપુરુષ તે મહાસત્ય છે. ત્રિગુણાત્મક પ્રકૃતિ અનુસાર તેણે જગતની પ્રજાઓનું મૂલ્યાંકન પ્રવૃત્તિધર્મી અને નિવૃત્તિધર્મી એમ બે પ્રકારે કર્યું છે. પ્રવૃત્તિમાર્ગનો પ્રખર હિમાયતી તે નિવૃત્તિમાર્ગી બન્યો તેમાં આ ઇતિહાસદર્શને મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. યુરોપ અને એશિયા વચ્ચેનો સ્વભાવભેદ મુખ્યત્વે પ્રવૃત્તિ અને નિવૃત્તિમાં હોવાનું અવલોકતાં તે કહે છે : ‘સાંસારિક કર્મવૃત્તિમાં ચિત્તબુદ્ધિ પ્રયત્ન એ જેટલું જેવું યુરોપ રાખે છે તેટલું તેવું એશિયા રાખતું નથી, અભિમાન તથા સાંસારિક અર્થકામબુદ્ધિ એ નિત્યદર્શન યુરોપનું છે અને નિરભિમાનીપણું તથા ધર્મબુદ્ધિ એ નિત્યદર્શન એશિયાનું છે. આર્યમાં યુરોપનું દેશાભિમાન ઉત્પન્ન કરવું તે નિરર્થક છે – આર્યની દૈવી પ્રકૃતિ બદલાઈ દૈત્ય પ્રકૃતિઓ થશે ને નિંદિત કળિ પ્રબળ થયો જણાશે...’૨૮[28] પ્રથમ મહાદર્શનને અંતે તે અવલોકે છે : ‘...ધર્મવિજયી ને રાજ્યવિજયી પુરુષોએ મહાબુદ્ધિયે ને મહાશક્તિયે સદાકાળ એક રંગ રાખવાને મહાપ્રયત્નો કીધા, પણ તેઓ તેમ કરી શક્યા નહિ; – તેઓએ ઉત્પન્ન કરતાં ને સ્થિતિ રાખતાં પણ નાશને જોયો! – રે મહાકાળ પોતે પણ ધર્મસ્વરૂપે કામસ્વરૂપે અર્થસ્વરૂપે લીલા દેખડાવી સંહાર કરી (પણ બીજવિભૂતિ પોતાની પ્રસાદી રાખીને) અનંત કાળમાં સાયુજ્ય પામ્યો.’૨૯[29] મહાકાળ અનંતકાળમાં સાયુજ્યલય પામે એમ કહેતાં નર્મદ અનંત કોટિ બ્રહ્માંડના સ્વામી સુધી પહોંચી જાય છે. સેશ્વર સાંખ્ય અનુસાર પ્રકૃતિ અને પુરુષની લીલા તે જ આ વિશ્વ. તેના જ આ ત્રણ ગુણ અને ત્રણ પુરુષાર્થોનો વિલાસ અને તેમાં જ આ પ્રવૃત્તિ અને નિવૃત્તિનું કારણ છે. છેવટે તો તે ‘એકમેવાઽદ્વિતીયમ્‌ બ્રહ્મ’ના જ લીલાવિલાસો છે એ મહાસત્ય ઉપર તરી આવે છે. ‘રાજ્યરંગ’ની પ્રસ્તાવનાના ફકરા ૧, ૨, ૩, ૪ ઊલટ ક્રમે વાંચીએ તો, સૂર્યમંડળ, તેનો ગ્રહ પૃથ્વી, તેનાં પાંચ તત્ત્વો, તેમાંથી નિષ્પન્ન જીવસૃષ્ટિ, એ સર્વેનો અનાદિ વ્યવહાર જે નિયમે છે તે મહારંગ, તેનો અંશ જનરંગ, એનો એક અંશ રાજ્યરંગ – આમ પરસ્પર યોગ, સંયોગ, અનુયોગ દર્શાવતાં નર્મદ માનવની સ્થિતિ કણિકા જેવી પણ નહિ છતાં પરમ હૃદ્ય છે તે આ રીતે નિરૂપે છે : ‘બ્રહ્માંડમાં પૃથ્વી શું? પૃથ્વી ઉપર જનસમૂહ શું? રાજ્ય શું? રાજ્યના રંગ શું? હું નર્મદ શું? એ સંધું રસસિંધુના કંઠ ઉપરની કણિકા પણ નથી; તો પણ કાંઈ છે, ને રંગ છે...’૩૦[30] કંઈ નથી અને છે એમ ગૂઢ વાણી કહેતાં તે રસસ્વરૂપના અંતઃસ્થને આ રીતે વર્ણવે છે : ‘એક છે, અનેક છે. નિવર્તે છે, પ્રવર્તે છે, આનંદે છે; એકને અનેક અર્થ છે, એકને અનેક કામ રાજે છે, એક તે અનેક ધર્મ પ્રતાપે છે; પ્રેમ પોષે છે, શૌર્ય પ્રકાશે છે ને જય વિલાસે છે : સર્વકાળ શ્રીરંગ!’૩૧[31] જે સર્વ સૃષ્ટિના કારણરૂપ છે તે પરમ શક્તિને જ પ્રવૃત્તિ અને નિવૃત્તિ, ધર્મ-અર્થ-કામ સમર્પિત કરી, પ્રેમ અને શૌર્ય(રૂપ) તેનાં જ પ્રેરેલાં પરિબળો વડે તેનો વિલાસ છેવટે વિજયી નીવડે છે, એ મહાસત્યને શરણે જવું એ રાજ્યરંગનું પરમ તારતમ્ય છે. પ્રવૃત્તિ-નિવૃત્તિના સંકલ્પવિકલ્પો હવે શાને? ભારતીય દર્શને તો નિવૃત્તિનો જ મહિમા કર્યો છે. નિવૃત્તિ એટલે અકર્મણ્યતા કે કર્મસંન્યાસ નહિ. કર્મફલનિવૃત્તિ – નૈષ્કર્મ્યભાવ – સત્ત્વગુણનો જ તે ઉદ્રેક. ૧૮૭૬માં ‘રાજ્યરંગ’ પૂર્ણ થયું. ૧૮૮૬માં ‘ધર્મવિચાર’ના વ્યાખ્યાનલેખો પ્રગટ થયા, જે વસ્તુતઃ વચ્ચેના ગાળામાં લખાયા હતા. આ દરમ્યાન નિવૃત્તિમાર્ગના આ દર્શનને દૃઢ કરે એવું કાર્ય નર્મદે કર્યું – શ્રીમદ્‌ ભગવદ્‌ગીતાના ભાષાન્તરનું.૩૨[32] આ ભાષાન્તર ‘રાજ્યરંગ’ અને ‘ધર્મવિચાર’ વચ્ચે એક મહત્ત્વની કડી છે. ‘રાજ્યરંગ’થી સનાતન ધર્મ પ્રત્યેની આસ્થા વધતાં કવિ ગીતા પ્રત્યે આકર્ષાયા અને ગીતાના દર્શનનો પ્રભાવ ‘ધર્મવિચાર’ની અભિવ્યક્તિમાં પ્રગટ થયો. નર્મદે એક દેશ લઈને તેના સળંગ ઇતિહાસને બદલે સમયવિભાગે, આલેખવાનો ઉપક્રમ સ્વીકાર્યો હતો, કારણ તે કાળબળને નિર્ણાયક ગણતો હતો. સમયવિભાગ અનુસાર તુલનાત્મક નિરૂપણને અવકાશ રહે છે. ષોડશ દર્શનોમાં તુલનાત્મક અવલોકનની ભૂમિકા રચાઈ છે જેને આધારે તેણે ‘મહાદર્શન’માં પ્રજાઓની તાસીરનો, તેય સમયવિભાગે, તુલનાત્મક ખ્યાલ આપ્યો છે, જેને અંતે તે પુરુષાર્થ અને પ્રકૃતિગુણે પ્રજાના આંતરસત્ત્વને તારવી આપે છે. સંશેાધનલક્ષી પદ્ધતિશાસ્ત્ર (methodology)માં આ પદ્ધતિ માન્ય છે. ‘રાજ્યરંગ‘નાં ષોડશ દર્શનોની ભાષા વસ્તુલક્ષી, ઉપયોગી, શાસ્ત્રીય નિરૂપણને યોગ્ય સાદાઈવાળી છે. નિરૂપણમાં જેમ તેણે વિષયાન્તર કર્યું નથી તેમ ભાષાને લડાવવાથી પણ તે દૂર રહ્યો છે. પરંતુ ‘મહાદર્શન’ના નિરૂપણમાં તેની ભાષાનો ઓજસ્‌ગુણ પ્રગટ્યો છે. પ્રસ્તાવના પણ તેના ગદ્યનો એક ઉત્તમ નમૂનો છે. અનંતકાળના દર્શનથી તેમાં વિસ્મય, અહોભાવ, ભક્તિ અને શરણાગતભાવ પ્રગટતાં ઓજસ્‌ગુણે દીપતું ગદ્યકાવ્ય ત્યાં વિલસ્યું છે.

‘ધર્મવિચાર’ પણ નર્મદ અને તેના અનુયાયી સુધારકો માટે એક મહાદર્શન જ છે. ઇતિહાસદર્શને તેને સમજાવ્યું કે વૈદિક ધર્મમાં જેવો આચારનો આગ્રહ છે, તેવો જ આચાર વિશેનો આગ્રહ વિશ્વના સર્વ દેશોના, સર્વકાળના સર્વ ધર્મોમાં પણ છે. તો વૈદિક ધર્મના આચારનો આદર શા માટે? સામે પક્ષે સુધારાને નામે સમાજમાં અનાચાર પણ વધ્યા છે. ‘સુધારો અને સુધારાવાળા’ લેખમાં તે અવલોકે છે : ‘સૌ સુધારાવાળાએ ખ્રિસ્તી ઉપદેશકોનું ફાવવા દીધું નથી, પણ પ્રજામાં કુસંપ કીધો છે; કેટલાકને સંશયી કીધા છે; તેઓ બહુબોલા છે; કહેણી પ્રમાણે રહેણી રાખતા નથી; વિષયસેવન યથેચ્છ કરે છે; અસત્ય, અમર્યાદા, વ્યભિચાર, મદ્યપાન, સ્વાર્થબુદ્ધિ, સંકોચવૃત્તિ એ આદિ દુર્ગુણ પ્રજામાં વધ્યા છે; તે જડશક્તિને વખાણનારા ને નીતિ વિશે નિસ્પૃહ રહેનારા સુધારાવાળાની સંગતિએ...’૩૩[33] સુધારાવાળાની સ્વાર્થવૃત્તિ અને દાંભિકતાએ પણ તેને છિન્ન-સંશય કર્યો હતો. જદુનાથ મહારાજ સાથેના શાસ્ત્રાર્થને પ્રસંગે સુધારકમિત્રોએ તેને નિરુત્સાહ કરવાનો પ્રયત્ન કર્યો હતો તેમ જ તેની સાથે પણ જવા કોઈએ હિંમત ન કરી. પહેલવાન અંગરક્ષક કિશનબાવાની ઓથ ન હોત તો તેનાં હાડકાં રંગાયા વિના ન રહેત! રાતોરાત તવંગર થઈ જવાના શૅરમૅનિયામાં તેમણે સુધારાને વિસારી મૂક્યો હતો. સમગ્ર સુધારાપ્રવૃત્તિનું તટસ્થ અવલોકન કરતાં તેને સમજાયું કે પ્રજાનો મોટો ભાગ તો સ્વધર્માચરણ પ્રત્યે શ્રદ્ધાળુ, પરંપરાથી વિચ્છેદ ન કરવાના મતનો છે. સુધારાનો પાસ જેમને લાગ્યો છે તેઓ પણ સુધારા પ્રત્યે બહારની ઔપચારિક સહાનુભૂતિ દર્શાવી ઘરમાં અને જ્ઞાતિમાં તો પરંપરાને જ પૂજે છે. બંગાળમાં કેશવચંદ્ર સેન તો ખ્રિસ્તી સાધુના સ્વપ્નરંગમાં રમે છે તો સ્વામી દયાનંદ વેદની સંહિતાને ઉપાસે છે – તેમાંના સત્ત્વરૂપ હિરણ્યગર્ભની સૃષ્ટિ અને દેવતાઓને બાદ કરીને પ્રાર્થનાસમાજના અગ્રેસરો દયામણા થયા છે અને સાધક સુધારાવાળામાં તેમનું કાર્ય આગળ ચલાવે એવા કોઈ નથી. તેથી તે એવા નિર્ણય પર આવે છે કે ‘નિવૃત્તિધર્મવિષયમાં વેદોક્ત સનાતન ધર્મ છે તે જ લોકોએ પાળવો, સુધારાનો કે સમાજવાળાનો નહિ, નહિ ને નહિ.’૩૪[34] આ દૃષ્ટિએ, શ્રદ્ધાએ અને સંકલ્પે નર્મદ જે અગાઉ મહીપતરામના જેવો રક્ષકછેદક (liberal radical) હતો, ને પછીથી ઉચ્છેદક (radical) બન્યો હતો તે છેદકરક્ષક (liberal conservative) બન્યો.૩૫[35] ‘ધર્મવિચાર’ના લેખો જે ક્રમે સંકલિત થયા છે તે ક્રમે તે લખાયા ન હતા. શ્રદ્ધા અને નિષ્ઠાનો તંતુ બધા લેખોમાં સમાન છે, પરંતુ વિચારવ્યવસ્થા અને નિરૂપણરીતિમાં ભિન્નતા છે. ‘ધર્મજિજ્ઞાસા’નો લેખ પ્રશ્નોત્તરીરૂપનો છે, તો બીજા નિબંધરૂપના છે છતાં તેમાંય ઉદ્‌બોધનશૈલી અવારનવાર આવતી રહી છે, જે આ લેખો વ્યાખ્યાનરૂપે પહેલાં તૈયાર થયા હતા તેનું પરિણામ છે. એક લેખના મુદ્દાઓ બીજા લેખોમાં પણ સંદર્ભ અનુસાર ચર્ચાતા રહ્યા છે એથી પુનરુક્તિઓ પણ આવી છે, ક્યારેક અસંગતિ અને વદતોવ્યાઘાતનો આભાસ – આભાસ જ માત્ર – પણ જણાયો છે. એક સમગ્ર ગ્રંથની અન્વિતિ એમાં નથી, કારણ નર્મદને લેખનવેળા તે અભિપ્રેત ન હતી. આ લેખો ‘ગુજરાતી’માં ઇચ્છારામ સૂર્યરામે હપતાવાર પ્રગટ કર્યા હતા.૩૬[36] અને નર્મદના અવસાનના એક વર્ષ અગાઉ૩૭[37] તેનું સંકલન કરી ‘ધર્મવિચાર’ને નામે તેનું પ્રકાશન કર્યું હતું. આ લેખો ઐતિહાસિક ભૂમિકા સાથે, સામાજિક અને ધાર્મિક સંદર્ભમાં વિસ્તારપૂર્વક તેમ તર્કયુક્તિથી લખાયા છે. વિષય સનાતન શ્રદ્ધાસ્થાપના માટે (કરસનદાસ મૂળજીનું ‘કૃષ્ણદાસ’ કરવા જેવી હાસ્યાસ્પદ અને ‘ભદ્રંભદ્ર’ની અંબારામની ભાષા માટે રમણભાઈ નીલકંઠને આદર્શ પૂરો પાડનારી બની છે તેવી) સંસ્કૃતપ્રચુર ભાષા, વિચારનો તાર પકડવા વાચકને એકાગ્રતા અને ધીરજ પ્રયત્નપૂર્વક સ્વાધીન રાખવી પડે એવી સંકુલ કરતાંય જટિલ વિશેષ એવી શૈલી, પ્રસંગે પ્રસંગે ધર્માચાર્યના ઉદ્‌બોધનનું ગુરુપદ ધારણ કરતી નિરૂપણરીતિ છતાં પ્રતીતિગુણે સંપન્ન આ લેખો ‘નર્મગદ્ય’નું એક સવિશેષ સમૃદ્ધ અંગ છે, જેમાં તેની અનલસ વિચારનિષ્ઠા અને ઉદ્યોગશીલતા ઉત્કટપણે પ્રગટી છે. ‘સુધારો અને સુધારાવાળા’ એ લેખમાં નર્મદ ભૂમિકા બાંધે છે. આર્ય સંસ્કૃતિનું પ્રાણતત્ત્વ તે ત્યાગ, અનેક રાજ્યચક્રો અને ધર્મચક્રો બદલાયાં છતાં પ્રજાએ રાગને નહિ, ત્યાગને જ ઇષ્ટ ગણ્યો છે. વિક્રમપૂર્વ સમયમાં ‘સતેજ’ બૌદ્ધ અને ‘નિસ્તેજ’ બ્રાહ્મણધર્મોએ તેમ વિક્રમોત્તર કાળમાં શાંકર, વૈષ્ણવ, જૈન સંપ્રદાયોએ, નાનક કબીર આદિના પંથોએ પણ ત્યાગનો જ બોધ આપ્યો છે. સુધારકો આ દેશની સંસ્કૃતિના ત્યાગસંસ્કારનું મૂલ્યાંકન કરવામાં નિષ્ફળ ગયા તેથી પશ્ચિમનો રાગમૂલક પ્રવૃત્તિમાર્ગ પ્રવર્તાવવામાં સફળ ન થયા. ‘સ્વધર્મનું રહસ્ય જાણ્યા વિના પરધર્મના મોહમાં અનુભવ વિનાના તરુણોએ સુધારો આરંભ્યો હતો’ એવું અવલોકન કરતાં નર્મદ અર્જુનને યુદ્ધ કરવાનું કહેતાં, અસંગ કેળવવાના કૃષ્ણે આપેલા બોધમાં ત્યાગ અને નિવૃત્તિ જ આર્યધર્મ અને પ્રકૃતિનો વિશેષ છે એમ કહી સુધારકોને મળેલી મર્યાદિત સફળતાનું અને તેનાં કારણોનું અવલોકન કરી, કેટલાક મુદ્દાઓની પુનર્વિચારણા કરવા ઉદ્‌બોધે છેઃ (૧) વેદોક્ત ધર્મનું બંધારણ તથા તેની વ્યવસ્થા શુદ્ધ સત્ત્વબુદ્ધિ ઉપરથી છે. (૨) સાત્ત્વિક અંશ જેમનામાં વધારે છે એવા હિન્દુઓમાં રજસ્‌ અને તમસ્‌પ્રધાન નીતિ ભળે જ નહિ. (૩) સંસારી વિષયમાં નવા વિચાર જૂનામાં દાખલ કરવાને અનેક કલ્પના થાય છે, તેથી કંઈ સીઝતું નથી... તેમ કરવામાં નિત્ય-અનિત્યનો વિવેક રાખવો. પારકું આપણામાં ભળી શકે નહિ, ભળે તો ઝાઝું રહે નહિ એમ હોય તોપણ લેવું? આપણું પૂર્વનું બહુ સારૂં પણ આપણાથી પળાય તેવું ન હોય તોપણ બલાત્કારે લેવું? નર્મદનું તારણ છે કે હિન્દુ ધર્મે હમેશાં પોતાના ધર્મરાજ્યની દરકાર કરી છે, રાષ્ટ્રરાજ્યની નહિ. બહારના હુમલાની સામા થવું, શત્રુને પાછા કાઢવા ને કદાપિ તે દેશમાં ભરાય તો તેઓથી અળગા રહેવું – ખાવા-પીવા લગ્ન વગેરેનો સંબંધ કરવો નહિ – એ નીતિએ પ્રવૃત્તિથી દૂર રહેલા હિન્દુઓ મુગલાઈના વિલાસના કાળમાં પણ ટકી રહ્યા તેમાં કારણભૂત દેશ, કુળ અને ધર્મ એ ત્રણ વાતે સઘન બનેલું તેમનું ઐક્ય હતું. રાજ્યાશ્રયથી ફાવેલા બૌદ્ધોએ આ ઐક્ય તોડવા પ્રયત્ન કર્યો તો તે આ દેશમાં પણ રહી ન શક્યા. સુધારાવાળા આ હકીકત ચૂકી ગયા અને આ ઐક્યને શિથિલ કરવા તત્પર બન્યા તે કેવળ ઉચ્છૃંખલતા છે એમ તે માને છે. યુરોપમાં રાજકુળ નિરંતર ભયમાં રહે છે, શ્રીમંતને પણ નિશ્ચિંતતા નથી. જ્યારે અહીં ભૂમિની ઊપજ સરકારની તિજોરીમાં જતી હોવા છતાં ‘ભૂમિ તો ઊપડીને બીજે જવાની નથી’ એ વિચારે ગરીબ છતાં સંતોષી હિન્દુઓ સુખી છે. પશ્ચિમની પ્રજા પ્રવૃત્તિમાર્ગી છે તેથી તેમનું સુખ અંતિમ છે, હિન્દુઓ નિવૃત્તિમાર્ગી છે તેથી તેમનું સુખ નિત્ય છે. એ સંદર્ભમાં નર્મદ પ્રશ્ન કરે છે કે સુધારકો કયા નિત્યસુખ માટે લોકની પ્રવૃત્તિ વધારવા ઇચ્છે છે? નર્મદ રાજકીય સ્વરાજ્યના આદર્શથી અથવા આર્થિક ઉન્નતિમાર્ગથી વિમુખ થયો હતો એવું ન હતું. પરંતુ તે માટે સુધારકોના માર્ગ ઉપયુક્ત ન હતા તેમ તે હવે માનતો થયો હતો. ‘સુધારાનો ઉદ્દેશ પ્રવૃત્તિધર્મ વધારવાનો અને તેને અર્થે દેશાભિમાનની પ્રતિષ્ઠા અને એનો ખરો મર્મ સ્વરાજ્ય કરવાનો.’૩૮[38] પરંતુ તે માટે સુધારકોએ કયા ઉપાયો યોજ્યા? દેશાભિમાનથી ઉશ્કેરાયેલા ફડકેએ તોફાન કર્યું અને તેને સજા થઈ. સુધારકોએ પીઠેહઠ કરી અનુકૂળ સમયની રાહ જોવામાં હિત જોયું! આમ કોઈ કાળે લોકોનું બળ વધશે અને રાજ્યપ્રકરણમાં હક મળતા થશે એવી સુધારકોની સમજ કેટલી કાચી છે તેની ચિકિત્સા તેણે કરી છે. લોકોનું ઐક્ય કરવા વર્ણવ્યવસ્થા કાઢી નાખવાનું અને ધર્મભેદને કારણે કુસંપ છે તો નવા ધર્મની યોજના કરવાનું સુધારકોએ ધાર્યું પરંતુ તેમાં તે સફળ ન થયા તેનું કારણ આપતાં નર્મદ કહે છે કે સામાજિક કે રાજકીય સુધારા માટે જે પ્રવૃત્તિ કરવામાં આવે તેમાં દેશની વ્યવસ્થા, શ્રદ્ધા અને સંસ્કારનો વિચાર પ્રથમ થવો જોઈએ. ‘સુધારાનું દેશાભિમાન તો સ્વદેશી ધર્મ-નીતિ-રીતિ વિશે દેશી સમસ્તનું બહુકાળનું જે ઉત્તમ પ્રકારનું અભિમાન તેને નિંદી નિર્મૂળ કરવાને મથન કરે છે.’૩૯[39] આ પ્રજાના સ્વત્વ અને સત્ત્વ ઉપર આઘાત કરીને દેશાભિમાન કે સમાજોત્કર્ષ ન કેળવી શકાય એ ઇતિહાસપુષ્ટ સત્ય નર્મદે તારવ્યું છે. સુધારકોની પ્રવૃત્તિથી તો સનાતન ધર્મના સિદ્ધાંતોએ પ્રેરેલા સત્ય, વિશ્વાસ, શ્રદ્ધા, ભક્તિ, આચાર, પવિત્રતા, ધર્મ, રૂઢિ, મર્યાદા, માન, દયા, શાંતિ, ઉત્સાહ, શૌર્ય, વિવેક, સ્નેહ જેવા સદ્‌ગુણો ઓછા થયા અને તેને સ્થાને પ્રપંચ, મત્સર, અર્થલોલુપતા, ભોગપરસ્તી જેવા દુર્ગણો વધ્યા છે. તે સંદર્ભમાં પુનર્વિચારણા તેને આવશ્યક લાગી હતી. હિન્દુ પ્રવૃત્તિને યુરોપની નીતિએ સબળ કરવાનો નર્મદનો ઉદ્યમ હતો, પરંતુ અભ્યાસ અને અનુભવે તેને શીખવ્યું કે દૈવી સંપત્‌ ધરાવતી હિન્દુ પ્રવૃત્તિને આસુરી સંપત્‌ ધરાવતી યુરોપની પ્રવૃત્તિથી સબળ ન બનાવી શકાય. તેથી તેણે હિન્દુનિવૃત્તિને જ પુષ્ટ કરવાનો ઉદ્યમ આરંભ્યો હતો. હિન્દુ સંસ્કૃતિના પરમ સત્ત્વરૂપ ત્યાગ, અસંગ અને નિવૃત્તિને સબળ કરવાથી તે પુષ્ટ થશે એમ તેનું હવે માનવું થયું છે. આ માટે તે સ્વધર્મભક્તિ કેળવવા પર ભાર મૂકે છે. ભૂતકાળમાં હિન્દુઓ જ્યારે મોહવશ થયા ત્યારે તેમને બ્રહ્મજ્ઞાને અને સ્વધર્મનિષ્ઠાએ ઉગાર્યા હતા. ખ્રિસ્તી અને મુસલમાન પ્રજાઓએ પણ સ્વધર્મનિષ્ઠાએ જ વિજયો મેળવ્યા હતા. બીજા ધર્મોથી સ્વધર્મ કેવી રીતે ભિન્ન અને વિશેષ છે, સ્વધર્મના સંપ્રદાયોમાં પણ છેવટે એક જ સમાન તત્ત્વની આરાધના છે તે દર્શાવવા ધર્મના વરિષ્ઠોએ જાગ્રત ઉદ્યોગ કરવો જોઈએ એવો તે અનુરોધ કરે છે. જ્ઞાતિવ્યવસ્થા, મૂર્તિપૂજા, આચાર આદિ વિશે નવેસરથી વિચારવાને સમય હજુ પરિપક્વ નથી. તે માટે અધિકારી જન યોગ્ય સમયે વિચારે ત્યાં સુધી તો લોકો ‘મૂર્તિમાં પ્રતિષ્ઠિત કરેલા દેવને શ્રદ્ધાયે ઉપાસે’, જ્ઞાતિઓ નિર્મૂળ તો થવાની જ નથી પરંતુ શાખ અને ઉપજ્ઞાતિઓ ઓછી થાય, અલ્પાચારમાં ‘મલિનતા’ અને અત્યાચારમાં ‘મૂર્ખતા’ છે માટે સમ્યગ્‌ આચાર કેળવાય એવો ઉપક્રમ તે ઇષ્ટ ગણે છે. દેશાભિમાન અને ધર્મ વચ્ચે અવિરેાધ જ નહિ પરંતુ સામંજસ્ય, સંસારી ઉદ્યોગ અને વેપારધંધામાં સત્ય અને સંતોષ; રાજ્યપ્રકરણમાં સમય અનુકૂળ થાય ત્યાં સુધી ક્ષાત્રબુદ્ધિ જનોએ રસ કેળવી દેશવિદેશની રાજ્યનીતિ અને યુદ્ધક્રિયા જાણવી તેવો એક આચારલક્ષી કાર્યક્રમ ગોઠવી તે ‘યતો ધર્મસ્તતો જયઃ’ સૂત્રને કલ્યાણમંત્ર તરીકે પ્રબોધે છે. આમ મનુષ્યવ્યવહાર અસંગભાવનો, ધર્મપૂત ને ધર્મલક્ષી હોવો જોઈએ તેમ દર્શાવ્યા પછી નર્મદ આર્ય મહામંડળના ઉત્કર્ષ માટે ઉદ્દેશ અને સાધનમાર્ગનું નિરૂપણ ‘આર્યોત્કર્ષ’ લેખમાં કરે છે. વેદોક્ત ધર્મમાં લૌકિક સુખ તો માત્ર પારલૌકિક સુખના સાધનરૂપે જ ગણાયું છે. સુધારકો ઇહલોકના કલ્યાણને પ્રધાન ઉદ્દેશ માનતા હતા. નર્મદાશંકર પણ તે જ મતનો હતો. પરંતુ દૃષ્ટિપરિવર્તન પછી સુધારાવાળાના ચાર્વાક અવાજને ડુબાડી દેવા ‘ભેરીનાદે’ તે જણાવે છે : ‘કેવળ ઇહલૌકિક સુખ એ જ ઉદ્દેશ આર્યનો નથી ને એ મા થાઓ; એ ઉદ્દેશના બોધક તે કૃતઘ્ની હોઈને આર્યને અનાર્ય કરવાનું, તેથી પડ્યું પડ્યું પણ પવિત્ર ઉચ્ચ એવા મહામંડળને ભ્રષ્ટત્રુટિત કરી એનો વિનાશ યોજવાનું પાપ માત્ર હોરી લેશે; બાકી સિદ્ધિ તો થનારી નથી.’૪૦[40] નર્મદ આર્યમંડળને તોડવામાં ખ્રિસ્તીઓ અને મુસલમાનો કરતાં સુધારાવાળાઓને વિશેષ જવાબદાર ગણે છે, કારણ, તેમણે ઐહિક સુખને ઉદ્દેશ્ય માની આર્યધર્મના સર્વસ્વની નિંદા કરી હતી. સુધારાવાળાએ પુરસ્કારેલા ‘માનવધર્મ’ના મુખ્ય મુખ્ય અંશો — શરીર અને મનની શુદ્ધિ, સત્‌ક્રિયામાં ઉદ્યમ, સુખદુઃખમાં સમત્વબુદ્ધિ, નિત્ય સમાધાન અને સંતોષ કેળવવો, સદ્‌વ્યવહાર અને ન્યાય્ય વર્તન, જગત્કર્તા એક અને સત્યસ્વરૂપ છે એમ સ્વીકારી માત્ર તેની જ ભક્તિ કરવી – સાથે તો નર્મદને અસંમતિ ન હતી. પરંતુ આર્યધર્મમાં આનાથી વિશેષ પારમાર્થિક સત્યની ઉપાસના છે. આર્યજન પરમાત્મતત્ત્વ વિશે સતત વિશેષ જ્ઞાન ખોળે છે અને પ્રત્યક્ષ સ્વજન કરતાં પરોક્ષ ઈશ્વર અને બીજાના આત્મા પર વધારે શ્રદ્ધા રાખે છે. દુષ્કાર્યની શિક્ષા માટે તેને જનમત કે રાજ્યદંડ કરતાં ઈશ્વરના અદૃષ્ટ દંડનો વધારે ભય રહે છે. નર્મદે આર્યજનની આ પારમાર્થિક દૃષ્ટિનો હ્રાસ ન થવા દેતાં તેને પુષ્ટ કરવાનો અનુરોધ કર્યો છે. બ્રહ્મોસમાજ, પ્રાર્થનાસમાજ અને આર્યસમાજે આ ‘માનવધર્મ’ને પુષ્ટ કર્યો; પરંતુ બ્રહ્મોસમાજે અને પ્રાર્થનાસમાજે વૈદિક આચાર અને કર્માનુસાર જ્ઞાતિવ્યવસ્થાની નિંદા કરી ખ્રિસ્તી વલણને પોષ્યું; આર્યસમાજે વેદધર્મનો મહિમા કર્યો પરંતુ મનુષ્યોન્નતિ અને આર્યોન્નતિના વિષયમાં પોતાની કલ્પનાના – શરીરબળ પુષ્ટ કરવા સમેતના – પ્રપંચનું વિશેષ ગૌરવ કર્યું. છેવટે આ સર્વે આર્યભાવનાને અહિતકર થયાં. વેદોક્ત ધર્મ જ્ઞાનપ્રધાન છે તો વિશ્વના ધર્મોમાં ભક્તિ સર્વોત્તમ સાધનમાર્ગ તરીકે સ્વીકારાઈ છે. નર્મદ કર્મ, ઉપાસના અને ભક્તિનો સમન્વય કરી તેની સાથે જ્ઞાનનો યોગ કરવાનું ઇષ્ટ માને છે. નર્મદને યોગસિદ્ધિઓમાં પણ હવે શ્રદ્ધા બેઠી હતી તેથી તે ચિત્ત ચિંત્ય સાથે એકતાર રૂપે સ્થિર થઈ રહે તે પૂર્ણયોગ – એવી વ્યાખ્યા આપી, યોગ પ્રત્યેના દયાનંદના વિરોધની ઠેકડી પણ ઉડાડે છે – ‘આ આર્યકુલોત્પન્ન પંડિત સંન્યાસી સ્વામી વેદધર્મ ઉપર આસ્થા બેસાડવાને બોધ કરનારો શુદ્ધ સત્ત્વની સિદ્ધિના સત્યને અસત્ય ગણે છે.’૪૧[41] – અને માદામ બ્લાવાત્સ્કીના કાર્યને બિરદાવે છે. આર્યધર્મમાં આચાર અનિવાર્ય છે. તે વિષયમાં આર્યસમાજે અને સુધારાવાળાઓએ આંધળુકિયાં કર્યાં એથી તેમનો સદ્‌હેતુ પણ નિષ્ફળ ગયો. નર્મદ કહે છે કે ‘પોતાના આચારને પરકીય આચારથી સંરક્ષિત રાખવો, એ આર્યજનને કર્તવ્ય છે કેમ કે ધર્મની પ્રવૃત્તિ મંડળના આચારથી જ સબળ રહે છે.’૪૨[42] આચારનો ધર્મ સાથેનો સંબંધ દર્શાવતાં ધર્મની વ્યાપક વ્યાખ્યા આપતાં તે કહે છે : ‘આચાર, પ્રાયશ્ચિત્ત ને ન્યાય એ ત્રણ મુખ્ય વિષયમાં જે શિક્ષાશાસન તે ધર્મ.’૪૩[43] આ શાસનમાં તે સત્ય, શૌચ, અહિંસા, અસ્તેય, બ્રહ્મચર્ય, દયા, આર્જવ, ક્ષમા, વૃત્તિ, મિતાહાર એટલે યમ અને તપ, સંતોષ, આસ્તિક્ય, દાન, ઈશ્વરપૂજન, સિદ્ધાંતશ્રવણ, જપ, વ્રત એટલા નિયમનો સમાવેશ કરે છે. પારલૌકિક કે ઇહલૌકિક કર્મમાં તે ચિત્તશુદ્ધિ, મંત્રશુદ્ધિ અને દ્રવ્યશુદ્ધિ ઉપરાંત આચારશુદ્ધિ પર ભાર મૂકે છે. મૂર્તિપૂજા વિશે નર્મદના વિચારો તો જાણીતા છે. તેની નોંધમાં સગુણ-નિર્ગુણના સંકલ્પવિકલ્પો વચ્ચે પણ તે મૂર્તિપૂજન પ્રત્યે ઉદાસીન ન રહેવાના નિર્ણય પર આવ્યો છે. જ્ઞાનપ્રધાન વેદધર્મમાં કર્મ ગૌણ છે, મૂર્તિપૂજા ન કરવાથી કોઈ આર્ય પતિત થતો નથી, તેમ કરવાથી તેને મોક્ષ મળે છે એવું પણ નથી એ રીતે આ લેખમાં પણ તે મૂર્તિપૂજાને અનિવાર્ય ન માનવા છતાં, આર્યધર્મનું સત્ત્વ ટકાવી રાખવા મૂર્તિપૂજાને ઇષ્ટ ગણે છે. બૌદ્ધ ધર્મના પ્રસારથી વેદોક્ત કર્મ પરથી લોકોની શ્રદ્ધા ઘટી ત્યારે નિર્ગુણના પ્રબોધક વેદાંત આચાર્ય શંકરે પણ કર્મને સ્થાને ભક્તિ અને યજ્ઞને સ્થાને મૂર્તિપૂજાને પ્રાધાન્ય આપ્યું હતું તેનું દૃષ્ટાંત આપી નર્મદ એવા નિદાન પર આવે છે કે ‘આર્યનું એકમ રાખવાને પ્રશસ્ત કર્મ યજ્ઞને અભાવે મૂર્તિપૂજન વિના બીજું કોઈ નથી.’૪૪[44] સગુણ ઉપાસનાએ વૈષ્ણવ આચાર્યોના પાખંડને પોષ્યું, તો નિર્ગુણની ઉપાસનાએ આર્યસમાજમાં દંભને સ્થાન આપ્યું હતું. દયાનંદ વેદની પોથીની પૂજાને માન્ય કરે, માતાપિતાગુરુ જેવી પૂજ્ય વ્યક્તિઓની પૂજાને પ્રોત્સાહન આપે તો તે પણ મૂર્તિપૂજા જ છે. તર્કબુદ્ધિથી નર્મદ કહે છે કે જેમ વાયુ, પાણી અને બરફ એ જળની ત્રણ સ્થિતિઓ છે તેમ કર્મના પણ ત્રણ પ્રકારો છે – માનસિક, વાચિક અને કાયિક. તો તેમાંથી તેનું સંકલ્પસ્ફુરણ, છાયાસ્વરૂપ અને પ્રગટસ્વરૂપ કેમ ન સંભવી શકે? આમ તે સ્થિતિનું સમર્થન કરવા તરફ વળે છે. સામાજિક સ્થિતિ પરત્વે પણ તે આર્યધર્મના મુખ્ય મુખ્ય સિદ્ધાંતો અનુસાર ફેરવિચારણા કરવા કહે છે. આપદ્‌ધર્મ અને દેશકાળ અનુસાર તે વર્ણવ્યવસ્થામાં ફેરફારનો વિરેાધી નથી. પરંતુ બ્રહ્મોસમાજીઓનો, વિશેષતઃ કેશવચંદ્ર સેનના પક્ષનો ઝોક ખ્રિસ્તી ધર્મ તરફનો હોઈ તે સ્થિતિ નિવારવા તે આગ્રહી છે. તે કહે છે કે ‘...સુધારાવાળાના પરધર્મી વિચારથી કેટલો બગાડો થયો છે... પરાયા વિચારે લોકને સંશયી ભ્રમિષ્ટ કીધા છે...૪૫[45] આથી તે ધર્મકર્મ પરત્વે જે મર્યાદાભેદ વર્ણવ્યવસ્થામાં છે તેનાં ઇષ્ટ તત્ત્વોનો સ્વીકાર કરવાનું સમુચિત ગણે છે. લગ્ન અને પુનર્લગ્નના વિષયમાં નર્મદના વિચારોમાં નોંધપાત્ર પલટો આવ્યો છે. બાળલગ્નોથી પ્રજા નિર્બળ જન્મે છે એમ કહેનાર નર્મદ હવે કન્યાની વય રજોધર્મમાં આવ્યા પહેલાંની અને છોકરાની વય મોટી, કન્યાની વયથી હોવી જોઈએ એવો શાસ્ત્રસંમત મત દર્શાવતાં, ‘ધર્મજિજ્ઞાસા’ની પ્રશ્નોત્તરીમાં આ મુદ્દો સ્પષ્ટ કરતાં કહે છે. ‘...છોકરીને નવમું બેઠા વિના અને છોકરાને સોળમું બેઠા વિના લગ્ન કરવાં નહિ; સાથે રહેવાની વય ૧૩ અને ૧૯ની રાખવી.’૪૬[46] વૃદ્ધલગ્ન માટે હવે તેનો મત છે, ‘પચાસનો સાત આઠનીને પરણે તે અતિ અધમ લગ્ન છે.’ બ્રહ્મચર્યને હવે તે વિધવાનો નિત્યધર્મ હોવાનું કહે છે. પુનર્લગ્નનો તે સર્વથા નિષેધ કરતો નથી પરંતુ સંતાન હોય તો તેવી વિધવાના પુનર્લગ્નને તે માન્ય કરતો નથી. અણબનાવના સંજોગમાં છૂટાછેડા અને પછી પુનર્લગ્ન અથવા પુનર્લગ્ન પછી વરનું મૃત્યુ થવાના સંજોગમાં પણ તે વિધવાના પુનર્લગ્નને ઇષ્ટ ગણતો નથી. પચ્ચીસ વર્ષ ઉપરની વિધવાનું પુનર્લગ્ન ન થાય તો ઠીક એમ કહેતાં, નાતરાંનો ચાલ જે જ્ઞાતિઓમાં છે તેમાં પણ ઉચ્ચ કુટુંબોની વિધવા પુનર્લગ્ન કરતી નથી એવું વિધાન કરી પોતાનું પુનર્લગ્નને નિરુત્સાહ કરવાનું વલણ સ્પષ્ટ કરે છે. સ્ત્રીકેળવણીના વિષયમાં તે અનેક વર્ણની બાળકીઓ માટે એકસરખા શિક્ષણનો વિરોધી છે, તેમ સ્ત્રીશિક્ષણના વિષયો પણ તેમના ગૃહ અને કુટુંબના વ્યવહારને અનુરૂપ તેમ સ્વધર્મ પ્રત્યે પ્રેરે તેવા રાખવાનો મત દર્શાવે છે. ‘આત્મશક્તિનું જમણું અંગ તે પુરુષ અને ડાબું અંગ તે સ્ત્રી’ કહેવા છતાં; સ્ત્રીપુરુષની સમાન યોગ્યતાના ખ્યાલને ખ્રિસ્તીપ્રેમી ગણાવી, જે સ્ત્રી સ્વધર્મનિષ્ઠ રહે તે જ યથેચ્છ સ્વતંત્રતાને પાત્ર છે એવો મત દર્શાવવા છતાં સ્ત્રીને પતિની આજ્ઞાવશ અને પતિને પ્રસન્ન રાખનારી અપેક્ષી તેને સંતુષ્ટ અને સંરક્ષિત રાખવામાં યજ્ઞનો મહિમા કથી તે બેના ઐક્યમાં ગૃહસંસારનો યશ છે એમ તે કહે છે. અહીં તે કેવળ સ્માર્ત વિધાનનો આગ્રહી જણાય છે. રાજ્યપ્રકરણમાં નર્મદ દેશાભિમાનને સ્વધર્મરક્ષણ પછીના ક્રમે ગણે છે, તેમાં રજસ્‌તમસ્‌મૂલક સ્વદેશાભિમાન પ્રત્યે ઉદાસીનતા છે એમ નથી, માત્ર priorityની જ ફેરવિચારણા છે. ‘ધર્મભૂમિ ભરતખંડમાં આર્ય છે માટે દેશભક્તિકીર્તિનો વિચાર સમયસ્થિતિ જોઈ આર્યકર્મિષ્ઠ તે વર્તમાનમાં આદરપૂર્વક ભલે રાખે’૪૭[47] – એમ કરીને પણ તે ‘ધર્મનિંદકછેદક’ અને ‘પ્રજાપીડકહિંસક’ રાજ્યસત્તા સામે જેમ ભૂતકાળમાં કર્યો હતો તેમ વર્તમાનમાં પણ આર્યોએ પ્રતિકાર કરવો જોઈએ એ તેનો બોધ છે જ. દેશાભિમાનને તે પાંચ પ્રકારમાં વહેંચે છે : (૧) પરદેશી સત્તાને દેશમાંથી હાંકી કાઢવા દેશીનો સંપીલો ઉદ્યમ. (૨) પરદેશી સત્તાની પ્રજારૂપે સર્વે જાતિ અને વર્ગના જન સુખી થાય તથા પરદેશી સત્તાના અંકુશમાં રહેલાં દેશી રાજ્યોની કળા વધે. (૩) દેશની સમૃદ્ધિ અને વિદ્યાકળા વધે તે અર્થે ઉદ્યમ. (૪) વિવિધ ધર્મના લોકો પોતપોતાના ધર્મના મમતમાં પરસ્પર દ્વેષ ન રાખતાં દેશના સામાન્ય લાભ અર્થે સૌ એકરૂપ થાય તેને અર્થે ઉદ્યમ. (૫) વિવિધ જાતિના લોકો પોતપોતાના ધર્મ તથા સામાજિક વિષયમાં સુધારો કરે તેને માટે ઉદ્યમ. આ પાંચ મુદ્દાનો સમગ્ર રીતે વિચાર કરીએ તો નર્મદની દૂરદર્શિતાને દાદ આપવી પડે. કૉંગ્રેસની સ્થાપનાના પૂર્વરંગ તરીકે આ પ્રસ્તાવ આવી રહ્યો છે. પ્રથમ પ્રકાર માટે તે અનુકૂળ સમયની રાહ જોવાનું કહે છે, તો બીજા અને ત્રીજા મુદ્દામાં તે આર્થિક અને ઔદ્યોગિક વિકાસને રાજકીય સ્વાતંત્ર્યની પૂર્વશરત તરીકે મૂકે છે. ‘બાદશાહ ત્યાં બજાર’ એ સૂત્ર અનુસાર અંગ્રેજો અહીંથી જાય નહિ અથવા તેઓ અહીંની પ્રજા તરીકે સ્થાયી ન બને ત્યાં સુધી આ દેશની સમૃદ્ધિ પરદેશ ઘસડાઈ જવાની છે એ તેનું તારણ છે. તેથી આ ક્ષેત્રનું સંચાલન અને વિકાસ દેશીઓને જ હસ્તક રાખવાનો તેનો આગ્રહ છે. ચોથા પ્રકારમાં સર્વધર્મસમભાવ અને સહિષ્ણુતા કેળવવા પર અને પાંચમા પ્રકારમાં ધર્માનુસાર સમાજવ્યવસ્થાનું સૂચન કરી પ્રત્યેક દેશીજનને તેના ધર્મ અનુસાર personal lawનો અધિકાર આપે છે અને તેમાં રાજકીય દખલગીરીનો નિષેધ કરે છે. મુસલમાનો સ્વધર્મરક્ષણનો જ વિચાર કરે છે માટે હિન્દુઓએ પણ સ્વધર્મરક્ષણનો જ વિચાર કરવો એમ તે ભારપૂર્વક કહે છે તેમાં તે અન્ય ધર્મીઓનો દ્વેષી છે એમ કહેવું યોગ્ય નથી. હિન્દુ સંસ્કૃતિ વિશેનું તેનું તારણ જ એ છે કે હિન્દુઓએ પણ તેમના રાષ્ટ્રરાજ્યની નહિ, ધર્મરાજ્યની જ ચિંતા કરી છે. એ જ ભાવનાને તે પુષ્ટ કરવા કહે છે. તેમાં તે હિન્દુ રાષ્ટ્રનો બોધ કરે છે એેવો અર્થ નથી. રાષ્ટ્રવાદી મુસલમાન અને રાષ્ટ્રવાદી હિન્દુ એ બે સંજ્ઞાઓ વચ્ચે વિરોધ ન જ હોય. ‘ધર્મવિચાર’માં સમાવિષ્ટ ‘દેશાભિમાન’ (૧૮૮૧) નિબંધમાં પણ, પૂર્વનર્મદે લખેલા ‘આપણી દેશજનતા’ અને ‘સ્વદેશાભિમાન’ (૧૮૫૬)ની જેમ તે પારસી અને મુસલમાનો પણ હિન્દુઓ જેટલાં જ આ ભૂમિનાં સંતાન છે એમ ભારપૂર્વક કહી દેશના ઉત્કર્ષ માટે તેમણે સંપીને ઉદ્યોગ કરવો જોઈએ એમ કહેવામાં દિલચોરી રાખતો નથી, તેનો અનુરોધ એટલો જ છે કે હિન્દુઓએ સુધારાના આક્રમણથી બચી, હિન્દુત્વ સાચવવું જોઈએ. યુનિવર્સિટી શિક્ષણથી સંસારી અને રાજકીય સુખની તૃષ્ણા વધે છે પરંતુ તેને કારણે ધર્મશાંતિના સુખ ઉપરથી શ્રદ્ધા ઊઠે છે તેવી ચિકિત્સા કરી, તે સ્વધર્મનીતિ પુષ્ટ થાય તેવા શિક્ષણની હિમાયત કરે છે. તે શારીરિક કેળવણી અને ક્ષાત્રપ્રજાને લશ્કરી હુન્નર શીખવવાની પણ ભલામણ કરે છે. પૂર્વનર્મદે પણ ‘ભાજીખાઉ’ ગુજરાતીઓને કૌવત કેળવવા ટોક્યા હતા ત્યાં સ્વરાજ્ય મેળવવાનો હેતુ હતો, અહીં સ્વધર્મરક્ષણનું વિશેષ પ્રયોજન ઉમેરાય છે. ‘અન્યાયનો ધિક્કાર અને સન્યાયની ભક્તિ’ આર્યજનની પ્રકૃતિમાં સંનિહિત છે જ તેને ધર્મસંશયી સુધારાબુદ્ધિ નહિ, સ્વધર્મદૃઢ બ્રાહ્મણબુદ્ધિ અને ક્ષાત્રબુદ્ધિ જ બહાર કાઢી શકશે એમ તે કહે છે ત્યાં તે સ્વાર્થસુખની લાલસાએ અધીર, તેથી નબળી સુધારાની તમોરાજસિક બુદ્ધિને સ્થાને જયપરાજયે – લાભહાનિએ સમત્વશીલ તપસહિષ્ણુ સત્યબુદ્ધિના ઉદ્રેકનું ગૌરવ કરે છે. આર્યજન માટે ઐહિક નહિ, પારલૌકિક સુખ જ સર્વોપરી સાધ્ય હોય છે, ઐહિક સુખો તો તે માટેનાં સાધન છે તેવી શ્રદ્ધા દૃઢ થતાં નર્મદ તે બંને સુખને સાધ્યસાધનવિવેકે ચર્ચી તેની સિદ્ધિ અર્થે ‘મુક્તિતંત્ર’ લેખમાં અધ્યાત્મદૃષ્ટિએ કેટલુંક નિરૂપણ કરે છે. આર્યદર્શન અનુસાર પારલૌકિક સુખ તે મુક્તિ, મોક્ષ અને તેનો સંબંધ પરમાત્મા સાથે જોડવામાં આવ્યો છે. નર્મદ દ્વૈત અને અદ્વૈત વચ્ચે વિરેાધ જોતો નથી. બંને સિદ્ધાંતો છેવટે પરમાત્માને અનુલક્ષતા હોઈ તે બંનેને તત્ત્વતઃ અવિરોધી માની અદ્વૈત, નિર્ગુણ ઉપાસના બ્રાહ્મણ માટે અને દ્વૈત, સગુણ ઉપાસના અન્ય વર્ણો માટે ઇષ્ટ છે એમ કહે છે તેમાં તેણે સાંપ્રદાયિક પરંપરાનું જ સમર્થન કર્યું છે. જોકે તેણે કૈવલ્યાદિ પાંચ મુક્તિમાંથી પોતાને ઇષ્ટ તો પરમમુક્તિ એવી કૈવલ્યમુક્તિ જ છે એમ કહ્યું છે. પરલોકસુખનાં સાધનો ત્રણ – જ્ઞાન, ભક્તિ અને કર્મ. તેણે ‘ધર્મજિજ્ઞાસા’ની પ્રશ્નોત્તરીમાં આ ત્રણે માર્ગો વિશે વિગતે નિરૂપણ કર્યું છે. ત્રણેની વ્યાખ્યા તે આ રીતે આપે છે : (૧) બ્રહ્મ અને જગત્‌ વિશે તથા તત્ત્વો વિશે જાણી લઈ, કર્મદોષ તથા અજ્ઞાનથી શુદ્ધ થઈ કર્મબંધન તથા ભ્રાંતિથી છૂટવું, એ વિષયમાં વિવેક કરવો તે જ્ઞાન. (૨) નિર્ગુણ બ્રહ્મનું કે તેના કોઈ સગુણ સ્વરૂપનું શરીરની ચેષ્ટા તથા મનની ચંચળતાથી રહિત થઈ એકાગ્રચિત્તે ચિંતન કે ધ્યાન કરવું તે ઉપાસના, ભક્તિ. (૩) સગુણ ઈશ્વરની કૃપાપ્રસાદી અંગે શરીરચેષ્ટા સાથે જે કાંઈક કરવું તે કર્મ. મુક્તિ માટે આ ત્રણે અનિવાર્ય છે. સ્વધર્મોક્ત કર્મથી વ્યક્તિ ઉપાસનાને પાત્ર નીવડે છે. જ્ઞાનપ્રાપ્તિ પહેલાં વૃત્તિશુદ્ધિ માટે પણ કર્મ આવશ્યક છે. તેથી તે આ પ્રમાણે સોપાનો ગોઠવી આપે છે : કર્મથી ભક્તિ, ભક્તિથી વિરાગ ને વિરાગથી જ્ઞાન. સ્વાર્થબુદ્ધિ કરતાં પરમાર્થબુદ્ધિ શ્રેષ્ઠ છે પરંતુ ‘પરમાર્થ વિષયમાં સ્વાર્થબુદ્ધિનું તેજ સર્વોપરી છે’ – એમ કહીને મનુષ્યનું પ્રધાન કર્તવ્ય પરમાત્મપ્રાપ્તિનું છે, અને સ્વાર્થબુદ્ધિ કેવળ તે વિશેની જ હોય, સુખનો વિષય પણ નિર્મળ હોય, એમ પ્રેય અને શ્રેયનો વિવેક કરતાં નર્મદ કહે છે : ‘જીવે સંસારી ભોગલોલુપતા ઉપરથી પ્રીતિ ખસેડી સાત્ત્વિક બુદ્ધિ વાપરી એક, અક્ષર, પૂર્ણકામ, પુરુષોત્તમના નિકટ સંબંધમાં રહેવું તે જ નિત્યસુખ છે.’ શ્રેયને જ આમ સર્વોપરી માનવા છતાં નર્મદે પ્રેયની ઉપેક્ષા નથી કરી. વર્ણવ્યવસ્થા અનુસારનાં કુળકર્મ ઇષ્ટ છતાં જો તે વડે નિર્વાહ ન ચાલે તો ઉદ્યોગ બદલવામાં પ્રત્યવાય નથી. થોડા ઉદ્યોગે બહુ લાભની તૃષ્ણા વગર ખંત, ધીરજ, અલોભ કેળવી ઉદ્યમશીલતા, વિલાસ પ્રત્યે અનાસક્તિ, દુઃખમાં ધૈર્ય અને સહનશીલતા, આપબળ પર નિર્ભરતા, યશની અપેક્ષાએ કર્તવ્યબુદ્ધિ, અને અર્થસિદ્ધિ માટે અધર્મનો આશ્રય ન લેવાનો સંકલ્પ જેવા સદ્‌ગુણોથી સમાજવ્યવહારની શુદ્ધિ સધાય છે એ અભિગ્રહો તેણે પુરસ્કાર્યા છે. આર્યવિદ્યાઓ મોટે ભાગે પરલોકસાધન છે. સાંસારિક સુખ–સમૃદ્ધિ–સ્વસ્થતા માટે પશ્ચિમની પદાર્થવિદ્યાકળા, technology શીખવાનો અનુરોધ કરવામાં નર્મદને પ્રત્યવાય નથી. તે પશ્ચિમના વૈદક, શિલ્પ, ગણિત, રાજનીતિ, ઇતિહાસ આદિ વિષયના ગ્રંથોનો અનુવાદ કરવાનું અને ત્યાંની યંત્રવિદ્યા, રસાયણ જેવી પદાર્થવિદ્યાઓ, વાઢકાપની કળા, નૌકાશાસ્ત્ર અને યુદ્ધકળામાં પારંગત થવાનો પણ બોધ કરે છે. તે દેશનું દ્રવ્ય દેશમાં જ રહે માટે સ્વદેશી વેપારઉદ્યોગ ખીલવવા પ્રોત્સાહન આપવાનું પણ કહે છે. સ્વાતંત્ર્ય માટેય તેનો અભિગ્રહ મોળો પડ્યો નથી. તે ધર્મ, અર્થ અને કામ માટે અનુકૂળ રાજ્યસત્તાને અનિવાર્ય ગણે છે. ધર્મને બાધ ન આવે તેવા સંસારી ભેગવિલાસને તે નિષિદ્ધ ગણતો નથી. સ્વેચ્છાએ લગ્ન અને વડીલ-ઇચ્છાએ લગ્નમાં તેને બીજો પ્રકાર ઇષ્ટ લાગે છે, કારણ તેમાં વ્યક્તિસુખનો નહિ, સમગ્ર કુટુંબના યોગક્ષેમનો વિચાર હોય છે. શુચિ, મર્યાદા અને અવિભક્તપણું એ ગૃહસ્થાશ્રમનાં અનિવાર્ય તત્ત્વો છે. કુટુંબના – જ્ઞાતિના અને સમાજના વ્યવહારમાં – સમગ્ર વર્ણવ્યવસ્થામાં તેનું પ્રગટ અને પ્રૌઢ દર્શન થાય છે એ દર્શાવી વ્યક્તિહિત કરતાં સમષ્ટિહિત ઊંચું હોવાનો ઉચ્ચાગ્રહ પુરસ્કારતાં તે આર્યજનનો સંકલ્પ આ રીતે નિરૂપે છે : ‘મૂળ તત્ત્વ જનાર નથી... તેનું રક્ષણ કરવું ને સબળ કરવું એ જ દેશજનતાને – દેશાભિમાનને – આર્યાભિમાનને– સ્વધર્મને ઇચ્છનારા આર્યપુત્રોનો ધર્મ છે. નિસ્તેજ પણ અમારૂં; અમે અમારૂં ગૃહસ્થાશ્રમસ્વરૂપ આદર્શ થયેલું ને તેને બદલે નવું સ્વરૂપ જોવાને ઇચ્છતા નથી. યુરોપની વિદ્યાનીતિને અમે માન આપીશું પણ પૂજીશું તો અમારી જ વિદ્યાનીતિને.’૪૮[48] પૂર્વનર્મદના વિચારો તરલ યુવાનના હતા. ઉત્તરનર્મદના વિચારો સ્વસ્થ પ્રૌઢના છે. ધર્મતત્ત્વ સાથે સમન્વિત થતાં પૂર્વવિચારની અંતિમતા દૂર થઈ. ઉત્તરવિચારની અંતિમતા કેવળ ધર્મવિષયક છે. રાજકીય, સામાજિક અને આર્થિક વિષયમાં તે મધ્યમમાર્ગી છે. લગ્ન, પુનર્લગ્ન, મૂર્તિપૂજા, વર્ણવ્યવસ્થા, હિન્દુત્વ જેવા વિષયેામાં, બીજાં ક્ષેત્રોમાં પણ ગાંધીજીના વિચારો સાથે આ વિચારો તુલવીએ તો તેમની વચ્ચે વિરોધ કરતાં અવિરેાધ, મહદ્‌અંશે સંમતિ જણાશે. સામાજિક વિષયમાં નર્મદથી આજે આપણે કેટલા આગળ વધ્યા છીએ? બાળલગ્નો એટલાં જ થાય છે; પુનર્લગ્નનો છોછ આજેય ઘટ્યો નથી; અંધશ્રદ્ધા અને વહેમો તો બૌદ્ધિકતાની અપેક્ષા જેમની પાસે હોય તેવા રાજનીતિજ્ઞો, વૈજ્ઞાનિકો, અધ્યાપકો આદિમાંય વધ્યાં છે. ‘ભગવાનો’ જ્યાં ત્યાં નવા નવા ફૂટી નીકળ્યા છે. ત્યારે સ્વતંત્ર નિર્ણયશક્તિ કેળવાય એવી શિક્ષણનીતિનો, સ્વદેશી ઉદ્યોગધંધા વિકસાવવાનો અને પશ્ચિમની તંત્રવિદ્યાઓ શીખવાનો, ધર્મ-અર્થ-કામના ઉત્કર્ષ માટે સ્વરાજ્યનો આગ્રહ સેવતો પ્રેયાર્થી નર્મદ તેમ દયાનંદની દાંભિકતા વિદારતો, અંધશ્રદ્ધા અને વહેમોનું અનિષ્ટ પારખી તેનાથી મુક્ત રહેવાનો બોધ કરતો છતાં રહસ્યવાદનું સત્ય નિર્દંભતાથી સ્વીકારતો, ‘ભગવાનો’થી બચવા શ્રુતિપ્રોક્ત ધર્મને જ અનુસરવાનો સુવર્ણમાર્ગ ચીંધતો, ભૌતિકતાના અંતિમમાંથી સમાજને મુક્ત કરવા પારલૌકિક સત્યનો પરમાર્થ દર્શાવતો શ્રેયાર્થી નર્મદ આજે પણ એટલો જ પ્રસ્તુત છે. મૃત્યુના બેએક માસ પહેલાં નર્મદે મણિલાલને કહેલું : ‘મને તો લોકો મૂર્ખ કહે છે, મારા વિચાર બદલાયા તેથી મને મારા મિત્રો તજી ગયા છે પણ હું મારા મનમાં સંતોષ રાખું છું કે ફીકર નહિ, તમારા પોતાના જ મંડલમાં મારા જ વિચાર ખરા કરી બતાવનાર એક છે.’૪૯[49]

નર્મદનો વિચારવિસ્તાર મણિલાલમાં છે.

નર્મદના મૃત્યુને બીજે જ વર્ષે ‘સરસ્વતીચંદ્ર’–ભા. ૧ નું પ્રકાશન થયું, તેમાંની પ્રાચીન પૂર્વ, અર્વાચીન પૂર્વ, અને અર્વાચીન પશ્ચિમની ત્રિવેણીની જ એક ઝીણી સરવાણી છેદકરક્ષક liberal conservative નર્મદના ચિત્તમાં ઝમવા માંડી ન હતી? ગોવર્ધનરામ પણ liberal conservative જ હતા ને!

રાજકોટ : ૩૦-૬-૮૬ પરબ : ઑગસ્ટ-સપ્ટે. ૧૯૮૩, નર્મદ વિશેષાંક ‘નર્મદ, આજના સંદર્ભમાં’.

પાદટીપ :

  1. ૧. સમયવીર કવિ નર્મદનાં સ્મરણો. ઉત્તરનર્મદચરિત્ર : પૃ. ૯૫, ૯૬.
  2. ૨. ઉત્તરનર્મદચરિત્ર : ધર્મતંત્ર અને ધ્યાન અંગેની નોંધોનું તારણ, પૃ. ૧૨૨-૧૨૪.
  3. ૩. ‘ધર્મવિચાર’ (બીજી આવૃત્તિ)માં ‘ગ્રહણકાળ’ શીર્ષકથી આ પત્રિકા સામેલ થઈ છે.
  4. ૪. ધર્મવિચાર, પૃ. ૩૩.
  5. ૫. નર્મદ શતાબ્દી ગ્રંથ, પૃ. ૨૩૭.
  6. ૬. ‘ધર્મવિચાર’, પૃ. ૩૭.
  7. ૭. સુધારાના ઇતિહાસનું વિવેચન : નવલગ્રંથાવલિ (તારણ) પૃ. ૪૫૮- ૪૫૯
  8. ૮. નવલરામે યોજેલો શબ્દ : ઉપર પ્રમાણે.
  9. ૯. નર્મદ – અર્વાચીન ગદ્યપદ્યનો આદ્યપ્રણેતા, પૃ. ૧૬૯.
  10. ૧૦. ‘કવિજીવન’ (નવલરામ) ‘નર્મકવિતા-ભા. ૧’, પૃ. ૩૬.
  11. ૧૧. પાલિતાણાના દીવાન છોટાલાલ દુર્ગારામ જાનીનાં બાળવિધવા બહેન. ન. શ. ગ્રં. પૃ. ૧૮૩.
  12. ૧૨ . ઉ. ન. ચ., પૃ. ૧૭.
  13. ૧૩. મુક્તિતંત્ર ધર્મવિચાર, પૃ. ૧૧૬.
  14. ૧૪. એજન.
  15. ૧૫. નર્મકવિતા-ભાગ ૨, પૃ. ૯૩૮, ૯૩૯, ૯૪૦, ૯૪૧.
  16. ૧૬. મુનશીએ ‘નર્મદ : અર્વાચીનોમાં આદ્ય’માં આપેલો આ પંક્તિનો પાઠ ‘...આર્ય સમસ્તના નિબીડ તિમિરનો નાશ.’ ‘નર્મકવિતા’ અનુસારનો નથી.
  17. ૧૭. નર્મકવિતા-ભા. ૨, પૃ. ૯૪૧, ૯૪૨.
  18. ૧૮. એજન પૃ. ૯૪૨, ૯૪૩.
  19. ૧૯. નર્મદ અને નવલરામઃ અર્વાચીન ચિંતનાત્મક ગદ્ય – ઉપાયન. પૃ. ૧૬૫.
  20. ૨૦. મારી હકીકત, પૃ. ૪૪.
  21. ૨૧. નર્મકવિતા-ભાગ ૨, પૃ. ૫૭૪.
  22. ૨૨. ઉત્તરનર્મદચરિત્ર, પૃ. ૩૫.
  23. ૨૩. મારી હકીકત, પૃ. ૨૮.
  24. ૨૪. ન. શ. ગ્રં. પૃ. ૨૬૭.
  25. ૨૫. નર્મદ – અર્વાચીન ગદ્યપદ્યનો આદ્યપ્રણેતા, પૃ. ૧૬૧, ૧૬૨.
  26. ૨૬. રાજ્યરંગ. ભા ૨, પૃ. ૮.
  27. ૨૭. એજન, પૃ. ૫.
  28. ૨૮. ધર્મવિચાર, પૃ. ૭૩, ૭૪, ૭૫.
  29. ૨૯. નર્મગદ્ય : (સરકારી) પૃ. ૫૩૦.
  30. ૩૦. એજન, પૃ. ૩૦૪.
  31. ૩૧. એજન.
  32. ૩૨. ગાંધીજીએ યરવડા સેન્ટ્રલ જેલમાંથી મુનશીને લખ્યું હતું : ‘...નર્મદાશંકરના ગીતાના અનુવાદની પ્રસ્તાવનાએ મારી ગીતામાતાની ભક્તિ દૃઢ કરી ને નર્મદાશંકર પ્રત્યેનું મારું માન વધ્યું.’ કવિ ‘નર્મદ જન્મશતાબ્દી સ્મારક ચિત્રાવલિ’માંની છવિમુદ્રા.
  33. ૩૩. ‘ધર્મવિચાર’, પૃ. ૪.
  34. ૩૪. એજન, પૃ. ૭.
  35. ૩૫. સુધારા પ્રત્યેના અભિગમ અનુસાર સુધારાવાળાઓનું વર્ગીકરણ નર્મદે આ પ્રમાણે કર્યું છે : ઉચ્છેદક (radical) : જૂના વિચારને નિર્મૂળ કરવાનો મત ધરાવનારા. રક્ષકછેદક (liberal radical) : નવા વિચારને વિશેષ દાખલ કરવાનો મત ધરાવતા. છેદકરક્ષક (liberal conservative) : જૂનામાંનું ઘણુંક અવશ્ય રાખવાને તથા નાછૂટકાના નવાને દાખલ કરવાને ઉદ્યમી. પ્રરક્ષક (conservative) : જૂનાને હઠથી રાખી રહેવા મથનારા.
  36. ૩૬. ‘ધર્મજિજ્ઞાસા’ ‘આર્યજ્ઞાનવર્ધક’માં પ્રકાશિત.
  37. ૩૭. ૧૭ ફેબ્રુઆરી, ૧૮૮૫.
  38. ૩૮. ધર્મવિચાર, પૃ. ૭.
  39. ૩૯. એજન, પૃ. ૮.
  40. ૪૦. એજન, પૃ. ૪૪.
  41. ૪૧. એજન, પૃ. ૫૩.
  42. ૪૨. એજન, પૃ. ૫૪.
  43. ૪૩. એજન, પૃ. ૫૭.
  44. ૪૪. એજન, પૃ. ૬૩.
  45. ૪૫. એજન, પૃ. ૬૪.
  46. ૪૬. એજન, પૃ. ૧૬૦.
  47. ૪૭. એજન, પૃ. ૭૬.
  48. ૪૮. એજન, પૃ. ૧૩૩.
  49. ૪૯. ‘સુધારો’ ન. શ. ગ્રંથ, પૃ. ૧૧૬.

Lua error in package.lua at line 80: module ‘strict’ not found.