નર્મદ-દર્શન/નર્મદ : ગુજરાતમાં બહુત્વવાદી ધારાનો પ્રવર્તક

નર્મદ : ગુજરાતમાં બહુત્વવાદી ધારાનો પ્રવર્તક

દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સાથે નર્મદનું નામ જોડવા અંગેના ગુજરાતી સાહિત્ય પરિષદના સુરતમાં મળેલા ૩૨મા અધિવેશનના ઠરાવના સંદર્ભમાં, તેને અનુરૂપ પ્રસ્તાવ તે યુનિવર્સિટીની સેનેટ સમક્ષ આવ્યો અને પાછો ખેંચાયો. તે દરમ્યાન અને પછી, કેટલીક અરુચિકર ચર્ચાઓ થઈ. ડૉ. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ ‘ગુજરાતનો ભાવકોશ’ ઘડનારી યુનિવર્સિટીમાં કોઈ જુદો ‘બેટ’ હોવાની વાતે અને તે કારણે નર્મદની ‘વગોવણી’ થઈ તેની ઊંડી વ્યથા અનુભવી, તે અત્યંત સૌમ્યતાથી અને સંયમપૂર્વક વ્યક્ત કરી (ગુજ. મિત્ર., ૬-૫-’૮૪). કેટલાક અધ્યાપકો અને આ. કુંજવિહારી મહેતાએ આ વિશે ઉગ્રતાથી લખ્યુંયે ખરું (ગુજ. મિત્ર. ૩-૫-’૮૪ અને ૬-૫-’૮૪). તેના પ્રતિભાવમાં, તે યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિ આ. અંબેલાલ દેસાઈએ ‘સંદેશ’ની સુરત-આવૃત્તિના ‘તાપી, તારાં વહેતાં પાણી’ના ‘નર્મદ’ના સ્તંભમાં (૧૩-૫–’૮૪), સેનેટની ચર્ચામાં પોતે લીધેલા અભિગમનો સૈદ્ધાંતિક પક્ષ વિગતે સમજાવતાં, ખુલાસો કર્યો કે નર્મદની વગોવણી કરવાનો ક્યાંય પ્રયાસ થયો નથી, અને તેમણે વિષયની તાર્કિકતા અને વિવેક પર જ ભાર મૂક્યો હતો. નર્મદની વગોવણીની ફરિયાદમાં તથ્ય ન હોય તો વિષ્ણુપ્રસાદ ત્રિવેદી જેવા પ્રાજ્ઞ પુરુષ આ રીતે વ્યાકુળ ન જ થાય. સેનેટમાં હાજર એક વિદ્યાપુરુષે જણાવ્યા પ્રમાણે, આ. અંબેલાલ દેસાઈ આ લખનારના પુસ્તક ‘નર્મદ : એક સમાલોચના’માંથી નર્મદની નબળી ગણાયેલી બાજુની ચર્ચાનો ભાગ લાલ લીટીએ આંકીને લાવ્યા હતા અને તેમણે પોતાના મતના સમર્થનમાં તે ટાંક્યો હતો. સાચી વાત તો એ છે કે નર્મદની નબળી બાજુ તો તેણે પોતે જ, છાપરે ચડીને નહિ, છાપે ચડીને પણ નહિ, પોતાના ગ્રંથોમાં બાપોકાર કહી છે. સારી વાત એ થઈ કે આ. દેસાઈએ પોતે આ નિમિત્તેય મારું પુસ્તક વાંચ્યું. લાલ રંગથી વાંચેલા ભાગ સિવાયના ભાગને પણ તેમણે કોઈ રંગ વિના વાંચ્યો તો હશે જ ને! ચર્ચામાં ભલે તેઓ તેનો ઉપયોગ ન કરી શક્યા; આ નિમિત્તે અને આ પ્રકારે તેમના જેવા વિદ્યા અને સંસ્કારના ઉચ્ચાશયી પુરુષ તેની નિકટ તો આવ્યા. તેમણે તેમના લખાણમાં તો સાહિત્યપુરુષ લેખે નર્મદનો નિષેધ કર્યો નથી. તેમના લખાણમાં બે મુદ્દાઓ આગળ તરી આવે છે : નર્મદને ‘એપૉક મેકર’ કહેવાય કે કેમ અને પ્લુરાલિસ્ટ સમાજમાં તેનું સ્થાન ક્યાં? આ વિચારણામાં પણ એકાંગી નહિ, એકક્ષેત્રીય નહિ, પ્લુરાલિસ્ટનો અભિગમ દાખવવો પડે. ‘કવિ’ સમાજનું મુખ ગણાયો છે. ‘સમાજ’ શબ્દમાં જ બહુતત્વવાદનો સંકેત છે. નર્મદ આ અર્થમાં આગળના કવિઓથી વિશિષ્ટ છે. ગુજરાતી કવિતામાં સૌ પ્રથમ વાર બહુવિધ સમાજજીવનની બહુવિધ સંવેદનાઓ તેણે વ્યક્ત કરી. આમ તે વિશિષ્ટ રીતે ‘એપૉક મેકર’ અને ‘પ્લુરાલિસ્ટ’ છે. એ સાચું છે કે નર્મદ આજે એકદેશીય વિભૂતિ ગણાયો તે માટે અમે ગુજરાતી સાહિત્યના અભ્યાસીઓ અને વિવેચકો જવાબદાર છીએ. નર્મદનો સાહિત્યેતર દૃષ્ટિથી અભ્યાસ કરવા જેવો છે તેમ ન ચીંધવાની, તે પ્રકારે અભ્યાસ ન કરનાર જે તે વિષયોના તદ્વિદો કરતાં, સવિશેષ ગુનેગારી અમારી છે. નર્મદનું ‘વીર, સત્ય અને રસિક ટેકીપણું’ આપણે ઘણું ગાયું, કેળવ્યું ઓછું. તેની વીરતા અને શૂરતા આજેય શંકાસ્પદ નથી, પરંતુ યુટિલિટેરિયન, અર્થબુદ્ધિવાદી અભિગમ સાથે તેને અસંબદ્ધ, એકદેશીય અને અપ્રસ્તુત ગણવામાં આવ્યો ત્યારે એ ભૂલી જવાયું કે તેની વીરતા અને શૂરતા કેવળ કવિતા લખવામાં ન હતી, સાહિત્યેતર ક્ષેત્રોમાંય હતી. તેનાં અન્યક્ષેત્રીય પ્રસ્થાનો અને પ્રદાનોને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં મૂલવવાનું ચૂકીએ તો તે આપણી સૌની, બહુમુખી માનવોની એકદેશીયતા બને છે. સાહિત્ય અને ભાષાનું ક્ષેત્ર નર્મદની બહુમુખી પ્રતિભાનું સૌથી સમુજ્જવલ અને સમૃદ્ધ પાસું છે. કવિતા અને ગદ્યના ક્ષેત્રે તેનું પ્રદાન પરંપરાનું નહિ, પ્રસ્થાનકારનું હતું. ભાષાના જે ઓજારથી આજે આપણે જ્ઞાનવિજ્ઞાનનાં સર્વ શાસ્ત્રોનું સંપ્રેષણ કરીએ છીએ તે ગુજરાતીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પાયાનું ઘડતર કરનાર નર્મદ હતો. ‘નર્મગદ્ય’ના વિષયોની સૂચિ વાંચો, તેના સાહિત્યેતર વિષયોમાં વિનિયોગ પામેલી ભાષાનું બંધારણ, તેનો શબ્દકોશ અને વાક્યરચના તપાસો; તેની સાથે આગળના પ્રાકૃત ગદ્યથી માંડી શિક્ષાપત્રીના અને દયારામ-દલપતરામનાં ગદ્યની તુલના કરો, આપણા સૌની લેખિની અને વાગ્મિતામાં નર્મદની ભાષામાંથી જ વિકસેલી શિષ્ટ-પ્રશિષ્ટ ભાષાની બહુલક્ષિતા વહેતી જણાશે. નર્મદનું મૂલ્યાંકન, અધિમૂલ્યાંકન, અવમૂલ્યાંકન કે અપમૂલ્યાંકન કરવામાં પણ તેની જ એ વાગ્મિતાનું આલંબન છે. ઉચ્ચ વિદ્યાકીય ક્ષેત્રે ઉચ્ચાસનોથી શોભનારા આપણે સીમિત વિષયોની ચર્ચામાં રાચીએ છીએ, આપણા સિવાયના વિષયોને તુચ્છકારીએ છીએ, ભાગ્યે જ કશું કાગળ પર ઉતારીએ છીએ અને પ્રકાશન કરનાર ક્યાં છે કહી આંગણું વાંકું હોવાની નિરાધારતા દાખવીએ છીએ ત્યારે આ માનવીએ સમગ્ર સમાજનાં બધાં જ ક્ષેત્રોને આવરી લઈને સર્વાંગી વિદ્યાપ્રવૃત્તિ કરી, ચિંતન કર્યું. અને ગજાબહાર ગાંઠના ખર્ચે તેનું પ્રકાશન કરી, તે સમય માટે તો ‘નર્મદોચ્છિષ્ટં જગત્‌ સર્વમ્‌’ જેવી સ્થિતિ ઊભી કરી. તેનું એક કોશકાર્ય કે વિશ્વ ઇતિહાસલેખનનું કાર્ય પણ તેની આગળ આપણને, આપણી વિદ્યાપીઠોને ઝંખવી નાખે તેવું છે. કવિતા તો તેના લેખનકાર્યનાં આરંભનાં દશ વર્ષોનો ઉન્મેષ. તે પછીનાં વીશ વર્ષોમાં કવિતા ગૌણ બની અને ગદ્ય પ્રધાન બન્યું. તેના ગદ્યમાં સાહિત્યિક લેખો કરતાં ઇતર વિષયના લેખોની સંખ્યા અનેકગણી છે. નર્મદ પહેલાં ગુજરાતમાં ઇતિહાસદૃષ્ટિ હતી ખરી? ગુજરાતમાં ઇતિહાસદૃષ્ટિ કેળવવાના તેના પ્રસ્થાનનું વસ્તુલક્ષી અને સમયસંદર્ભી મૂલ્યાંકન કોઈ ઇતિહાસવિદે કર્યું નથી, સિવાય કે પ્રો. કેશવલાલ કામદાર, જેમણે ‘રાજ્યરંગ’ને ‘ગુજરાતમાં એચ. જી. વેલ્સનું કર્તવ્ય’ તરીકે બિરદાવ્યો છે. નર્મદ તો ગમે તે વિષય વિશે વિચારે અને લખે, તે દરેકની ભૂમિકા ઇતિહાસથી બાંધે. આ પહેલાં ગુજરાતનો ઇતિહાસ લખવાનુંય કોઈને સૂઝ્યું ન હતું, તેમ નહોતી કોઈમાં તેવી દૃષ્ટિ કે સજ્જતા. નર્મદે તો ગુજરાતીમાં જગતનો ઇતિહાસ લખવાનું મહાકાર્ય કર્યું. તે આ સમયના સંદર્ભમાં એક મોટું પ્રસ્થાન ન ગણાય? સાહિત્યનો આ માનવી આવું ભગીરથ કાર્ય કરે તે બહુત્વવાદી અભિગમ વિના? આ પ્રદેશમાં અર્થશાસ્ત્રનો એક સ્વતંત્ર વિષય તરીકે વિકાસ થયો ન હતો, તે માટેનાં પુસ્તકો લખવાનું તો કલ્પનાતીત હતું ત્યારે નર્મદે કેટલાય નિબંધોમાં અર્થકારણનાં સૂઝબૂઝ દાખવ્યાં હતાં તે તપાસવાની ઊલટ કોઈ અર્થશાસ્ત્રી દાખવશે તો તેનો પ્રયત્ન એળે નહિ જાય. તેના ‘સંપ’ શીર્ષકના લેખમાં તેણે કો-ઑપરેટિવ મૂવમેન્ટના, સહકારી ધોરણે ધંધાઉદ્યોગના ફાયદા ચર્ચ્યા છે. આપણે અમુકને આ પ્રવૃત્તિના પિતા કે પિતામહ ભલે ગણીએ, ગુજરાતમાં તેનો વૈચારિક બીજનિક્ષેપ કરવાનું શ્રેય તો નર્મદને જાય એમ જો આપણો અભિગમ પ્લુરાલિસ્ટનો હોય તો જરૂર સ્વીકારીશું. ‘ઉદ્યોગ અને વૃદ્ધિ’ નિબંધમાં સાર્વત્રિક ઉત્કર્ષ માટે ઉદ્યોગ અને વેપારનું મહત્ત્વ કેવું અને કેટલું છે તે તેણે સમાજવિદ્યાના નિષ્ણાતની હેસિયતથી તપાસ્યું છે. ‘સ્વદેશાભિમાન’માં તેણે સુધરેલી ખેતી દાખલ કરવાનું અને ‘ભૂમિ સંબંધી રસાયનશાસ્ત્ર’ ખેડૂતોને શીખવવાનું સૂચવ્યું છે. તે કૃષિ-અર્થશાસ્ત્રમાં કેટલું આગળથી જોનારો હતો તે આથી સમજાશે. સ્વદેશીનો મહિમા કરનારો તે ગાંધીપૂર્વ ગુજરાતી હતો. દેશની એક રાષ્ટ્રભાષા અને તેય હિન્દી-ઉર્દૂ મિશ્રણની ‘હિન્દુસ્તાની’ હોવી જોઈએ તેમ કહેનારો તે ગાંધીપૂર્વજ હતો. હિન્દુત્વનો, ગાંધીજીના જેટલો જ અભિમાની છતાં, જેની રાષ્ટ્રત્વની વિભાવના તેમની જેમ જ હિન્દુત્વના કૂંડાળામાં બંધિયાર ન હતી, જેણે એક કથાકાવ્યમાં હિન્દુ નાયક સાથે મુસલમાન નાયિકાની કલ્પના કરી ધર્માંધતાનો છેદ ઉડાડ્યો હતો. જેણે મુસલમાનો, પારસીઓ અને ખ્રિસ્તીઓને સમાન હકદાર દેશવાસી ગણી સેક્યુલર વિચારધારાનો ગાંધીપૂર્વ પુરસ્કાર કર્યો હતો તે નર્મદ બહુત્વવાદી સમાજમાં અપ્રસ્તુત અને અસ્થાને કેમ ગણાશે? સ્વદેશાભિમાનની ભાવના પુરસ્કારનાર, અંગ્રેજ અમલદારશાહીની જોહુકમી સામે માથું ઊંચકનાર, રાજકીય સ્વાતંત્ર્યથી ઓછું કશુંય ન સ્વીકારવાનો સંકલ્પ પ્રેરનાર, રાજકીય સ્વાતંત્ર્ય પુષ્ટ કરવા માટે આર્થિક અને ઔદ્યોગિક પાયો મજબૂત કરવાની અનિવાર્યતા ચીંધનાર નર્મદ દાદાભાઈથી એક ડગલુંય પાછળ ન હતો. ૧૮૫૭માં મધ્ય અને ઉત્તર ગુજરાતના બેએક ઠાકોરો અને પાટીદારો સિવાય ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છ ઉદાસીન હતાં ત્યારે તેના ક્રાન્તિવીરોની બિરદાવલી ગાવાનું સાહસ કરનાર એકમાત્ર ગુજરાતી કવિ તે નર્મદ. કેવળ રણસંગ્રામમાં શહીદ થાય તે જ દેશાભિમાની એમ ન સમજતાં, ગરીબ વિદ્વાન પણ જંગલમાં રહ્યો રહ્યો લોકહિતની વાતો પાંદડાં પર લખીને લોકને મોકલતો રહે તેય સાચો દેશાભિમાની છે તેવી વ્યાપક સમજણ કેળવનાર અને રણમાં ઉદ્યમ-બુદ્ધિની તલવાર ઉછાળવાનું કહેનાર આ પ્રખર રાષ્ટ્રવાદીની અને પશ્ચિમ ભારતમાં રાષ્ટ્રવાદને પોષવાના તેના પરમ પુરુષાર્થની નોંધ દેશની રાષ્ટ્રીયતાના ઇતિહાસમાં લેવાઈ નથી! તેને તો આપણે ઓળખ્યો માત્ર ‘ગરવી ગુજરાત’નું જયગીત ગાનાર તરીકે કે જ્યાં ત્યાં ‘યા હોમ... ઝુકાવનાર’ લેખે! તેને આપણે પશ્ચિમની રાષ્ટ્રવાદી ધારાને ઝીલનાર તરીકે મૂલવીએ તો ખોટુંય શું છે? ગાંધીજી, નેહરુ કે સુભાષની રાષ્ટ્રભાવના પણ ક્યાં પશ્ચિમની જ તે ધારાનો આવિષ્કાર નથી? તેમની રાષ્ટ્રીય વિચારધારાની મૌલિકતા કઈ છે જે તેમની અગાઉ વિશ્વમાં ક્યાંય ક્યારેય પ્રગટ ન થઈ ચૂકી હોય? માત્ર ગાંધીજીની અહિંસક નીતિ તેમાંથી બાદ થાય. સામાજિક ક્ષેત્રે નર્મદનું લેખન અને કાર્ય પરમ યશોજ્જ્વલ છે. છતાં સમાજશાસ્ત્રની દૃષ્ટિએ તેનું સમગ્રતયા મૂલ્યાંકન થયું નથી. વિધવાલગ્ન વિશેનો તેનો નિબંધ તાર્કિકતા અને પ્રમાણભૂતતાની દૃષ્ટિએ, તેમ તે જમાનામાં એક ભારે સાહસ ગણાય, સામે વહેણે તરવાની હામ કહેવાય તે રીતે, સામાજિકતાથી ઊફરા ચાલવાનું આળ વહોરી, જાનને જોખમે તેને અનુરૂપ વર્તનથી પુષ્ટ કરવાની ધગશની દૃષ્ટિએ પણ એક સીમાચિહ્ન છે. તે ચાર દીવાલોની સલામતી વચ્ચે, નિરાંતવા વિચારનારો સોફિસ્ટિકેટ સમાજવિદ્યા-વિશારદ ન હતો. તેનું પ્રદાન આજના કેાઈ ૫ણ સમાજશાસ્ત્રીને અને સામાજિક કાર્યકરને પોતાનાથી પછીના જ સ્થાને બેસાડે તેવું છે. શિક્ષણ કેવળ જ્ઞાનૈકલક્ષી નહિ, વેપારઉદ્યોગકેન્દ્રી અને વ્યવસાયલક્ષી હોવું જોઈએ, વ્યવસાય જ્ઞાતિગત નહિ, કૌશલગત હોવા જોઈએ તે પ્રકારના તેના શિક્ષણક્ષેત્રના વિચારો, સ્ત્રીકેળવણી વિશેનો તેનો અભિગમ – વિશેષતઃ સ્ત્રીઓની ઇચ્છા હોય તો તેમને મર્દાના શિક્ષણની પણ છૂટ આપવા વિશેના તેના વિચારો, – તે કેટલો દૂરદર્શી, સર્વગ્રાહી અને સમુદાર હતો તે દર્શાવે છે. ધર્મવિચારમાં નાસ્તિ અને અસ્તિ વચ્ચે, અનિર્ણયની ભૂમિકાએથી બહાર આવી, વિચારપરિવર્તન જાહેર કરવાની અભૂતપૂર્વ નૈતિક હિંમત, વૈચારિક પ્રામાણિકતા અને સામાજિક સભાનતા બતાવનાર, સ્વામી દયાનંદ અને માદામ બ્લાવાત્સ્કીની પણ ભૂલો ચીંધનાર, જેના ગીતાના અનુવાદે ગાંધીજીની પણ ગીતાભક્તિ દૃઢ થઈ હતી તે નર્મદ તે વિચારસાતત્યના એક મહત્ત્વના કેન્દ્રે ગાંધીજી પહેલાં વિરાજમાન છે. ‘એારડા સામું જોઈ મરવાથી કલ્યાણ થતું નથી’ – એ સમજી, ‘દેશી લોકનાં વૃંદમાં યશ રૂપી ધાણી’ ઉછાળી ‘સર્વ લોકસમૂહોની પ્રશંસા મેળવવા’ ઝંખનાર આ માનવી વાસ્તવમાં સકલ પુરુષ હતો. ‘અક્કેક જણનું સ્થાયી સુખ દેશમાંનાં ઘણાંક લોકનાં સુખ ઉપર આધાર રાખે છે.’ એમ સમજનાર તે પ્લુરાલિસ્ટ સમાજનો નેતા હતો. આ હકીકતનો સ્વીકાર કરવા આડે જો જાતમાહિતીના અભાવનું ધુમ્મસ હોય તો તે દૂર કરવાનો ઉપાય ખૂબ સરળ છે, – હજુ દૂર નથી તેવા નર્મદની નિકટ જવાનો. અન્યથા તેને સામાન્ય કહીને આપણી હેસિયત તેથી કેટલી અતિસામાન્ય છે તે કબૂલ કરવામાં છોછ ન અનુભવીએ. દરેક પેઢી તેની આગળની પેઢીના ખભા પર ઊભેલી હેાય છે. આપણે બધા ‘નર્મદતા’ના ખભા પર સ્થિર છીએ. આપણે પેલી બાળવાર્તામાંના કૂવામાંના ચાંદને ઝાલવાનો અવક્રમ સેવનારાંમાંના નથી. નર્મદે રાષ્ટ્રીય કક્ષાએ શરૂ થયેલી વિચારધારા ઝીલી તે સાચું. તે ધારાના પુરસ્કર્તાઓ રામમોહન રાય, કેશવચંદ્ર સેન કે વિદ્યાસાગરનું કાર્ય, પશ્ચિમ ભારતમાં આગળ વધારવાનું નર્મદ, દાદોબા પાંડુરંગ કે રાનડે ન હોત તો કોણે કર્યું હોત? જમાનાઓ કાંઈ જડબેસલાક ઍરટાઇટ ચોકઠાંઓ નથી. તે તો સતત ચાલતી વૈચારિક પ્રક્રિયા અને કાર્યધારા છે. વેદ–ઉપનિષદ–કૃષ્ણ–બુદ્ધ–મહાવીર–ઈશુ–મહમ્મદ સાહેબ–શંકર–વલ્લભ–બ્રહ્મોસમાજ–પ્રાર્થનાસમાજ –આર્યસમાજ–થિયૉસૉફી એ તત્ત્વવિચારની સતત પ્રક્રિયામાં ગતિરોધ થાય ત્યારે તેને ગતિમાન કરનારું સત્ત્વબળ પ્રગટે છે. નર્મદ આવું એક સત્ત્વ છે. તેનું આવવું આ સમયે ન બન્યું હોત તો ગુજરાતનું ચૈતન્ય મોડું જાગ્યું હોત. ગાંધીજી અને નેહરુ પણ વૈશ્વિક પ્રવાહોને જ ઝીલનારા હતા. ભારતીય સાંસ્કૃતિક પરંપરા અને પાશ્ચાત્ય સભ્યતાના સમન્વય સિવાય આપણા આ મૂર્ધન્યોનું મૌલિક જેવું અને જેટલું હતું તેવું અને તેટલું હીર નર્મદ પણ પોતાના સમયસંદર્ભમાં દાખવી ચૂક્યો હતો. ગાંધી અને નેહરુ ‘નર્મદતા’ પછી જ સંભવે. તેમનામાં પણ ‘નર્મદતા’નો પ્રવાહ છે. નર્મદ અને ગાંધીજીનાં જીવન, વિચાર અને કાર્યનો તુલનાત્મક અભ્યાસ કરવા જેવો ખરો. અહિંસા સિવાય ઘણાં ક્ષેત્રોમાં બંનેના વિચારોનું સામ્ય સુખદ આશ્ચર્ય ઉપજાવશે. વૈશ્વિક પ્રવાહોને ઝીલવાનું સામાન્યોનું ગજું નહિ. ગંગાવતરણ માટે ધૂર્જટિનું સામર્થ્ય જોઈએ. નર્મદ આવો અસામાન્ય નરપુંગવ હતો. તેના પ્રેમ અને શૌર્યથી અંકિત ધ્વજના ઝળહળતા પ્રકાશમાં આપણી બહુત્વવાદી દૃષ્ટિ અંજાઈ ગઈ છે. આપણી આંખમાં તેનું જ તેજ છે. તેથી વિશેષ પોતીકું તેજ કેળવીશું ત્યારે તેની બહુત્વવાદી પ્રતિભાને આંતરબાહ્ય સમગ્રતાથી પામી શકીશું. તેને એકક્ષેત્રીય ગણાવીને આપણી બહુત્વવાદી સામાજિકતાને ન ઝંખવીએ તોય બસ! નર્મદ તો ગુજરાતમાં બહુત્વવાદી ધારાનો પ્રવર્તક હતો.

રાજકોટ : ૨૧-૫-૮૪
‘ગુજરાતમિત્ર’ : ૧-૬-૮૪