સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રામપ્રસાદ બક્ષી/કાવ્યમાં પ્રતિભા: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 53: Line 53:
|next = ભાવકની પ્રતિભા
|next = ભાવકની પ્રતિભા
}}
}}
<br>

Latest revision as of 01:53, 11 February 2026

૨. કાવ્યમાં પ્રતિભા

વ્યુત્પત્તિ અથવા બહુજ્ઞતા

કાવ્યનું ઉપાદાન શબ્દ અને અર્થ હોઈને ઉચ્ચ કોટિની કવિતારચના માટે અર્થનું એટલે કે કાવ્યના વિષયનું, અને શબ્દનું એટલે કે ભાષાનું, ઉચ્ચ કોટિનું જ્ઞાન જરૂરનું છે. કવિતાનાં વિષયભૂત, કે કવિતાના વિષયથી સંબદ્ધ, દેશ, સમય, સમાજ, પ્રકૃતિ-પ્રાણી, પશુ અને માનવનાં વર્તન અને સ્વભાવ આદિનું યથાર્થ જ્ઞાન, નિપુણ નિરીક્ષણ અને જાણેલજોયેલ વસ્તુનું રહસ્યદર્શી મનન કાવ્યનિર્માણમાં આવશ્યક છે. આ ઉપરાંત વિષયભૂત અર્થને મનોરમ રૂપે, ઉદાત્તરૂપે, વિશદરૂપે અર્પવા માટે ભાષાના યથાર્થ જ્ઞાનની આવશ્યકતા છે. આ શબ્દાર્થયુગલરૂપ કાવ્યદેહને શોભાવનારાં, પદ્યસ્વરૂપ અને અલંકાર જેવા તત્ત્વો ઉપર પ્રભુત્વ પણ જરૂરનું છે, જે અધ્યયનથી અને કાવ્યરચનાના અભ્યાસથી (મહાવરાથી) લભ્ય થાય છે. કાવ્યદેહને સજીવ કરનારું, અનુપ્રાણિત કરતું, જે આત્મભૂત તત્ત્વ છે એની નિષ્પત્તિ માટે શબ્દાર્થ, પદ્ય, અલંકાર, એના જ્ઞાનથી ભિન્ન અને ગહનતર એવી અનુભૂતિ અનિવાર્ય છે. એ અનુભૂતિ માત્ર બુદ્ધિનો જ નહિ પણ હૃદયનો પણ વિષય છે. કાવ્યરચના માટે આવશ્યક શબ્દાર્થના પર્યાપ્ત જ્ઞાનને વ્યુત્પત્તિ કહે છે. વ્યુત્પત્તિ એટલે બહુજ્ઞતા.

શક્તિ કે પ્રતિભા?

આ વ્યુત્પત્તિ અથવા બહુજ્ઞતા કાવ્યનિર્માણમાં આવશ્યક છે પણ એ કાવ્યનિર્માણ માટે પર્યાપ્ત નથી. બહુજ્ઞ માણસ પંડિત હોય, પણ કવિ હોય જ એવું નથી. કવિ બહુજ્ઞ હોય એ આવશ્યક છે, પરંતુ જે બહુજ્ઞ હોય તે માત્ર બહુજ્ઞતા વડે કવિ બની શકતો નથી. બહુજ્ઞતા ઉપરાંત કાંઈક વિશિષ્ટ તત્ત્વની અપેક્ષા કવિત્વપદપ્રાપ્તિ માટે રહે છે. એ તત્ત્વને કોઈ શક્તિ કહે છે, કોઈ પ્રતિભા કહે છે. શક્તિ શબ્દ વ્યાપક અર્થનો છે અને કાવ્યનિર્માણના સામર્થ્યના અર્થમાં એનો પ્રયોગ થાય છે ત્યારે એ વિશિષ્ટ અર્થ પ્રાપ્ત કરે છે. પાંડિત્યથી ભિન્ન એવું જે કવિત્વ એ કવિત્વની બીજભૂત સંસ્કાર-સંપત્તિ તે શક્તિ. ‘શક્તિ’ અને ‘પ્રતિભા’ એ બે શબ્દોથી આ નિગૂઢ આંતરસંપત્તિ જ સમજાય છે, પણ એ બેમાંથી ‘પ્રતિભા’ શબ્દનો વિશેષ સ્વીકાર થયો એ સકારણ છે. પારિભાષિક શબ્દનો અર્થ અતિવ્યાપક ન હોય પણ વિશિષ્ટ હોય એ જરૂરનું છે. કવિની ‘શક્તિ’ કાવ્યનિર્માણમાં કયે સ્વરૂપે પ્રવૃત્ત થાય છે, પ્રત્યક્ષ થાય છે, એ જોઈએ તો જણાશે કે કવિત્વશક્તિના એ વિશિષ્ટ સ્વરૂપને માટે પ્રતિભા શબ્દ વધારે યથાર્થ છે. શબ્દાર્થાદિમાં વ્યુત્પત્તિ હોય તે છતાં કાવ્યતત્ત્વની સ્ફુરણા કવિને જ થાય છે, કેવળ પંડિતને નહિ. આ સ્ફુરણાનું કારણ પ્રતિભા છે. શક્તિ એટલે કાવ્યનિર્માણ માટે આવશ્યક આંતરસંપત્તિ એ ખરું : પણ શક્તિ નિગૂઢ તત્ત્વ છે; એ શક્તિ તત્ત્વોદ્‌ભાસક રૂપે કાવ્યનિર્માણના વ્યાપારમાં પ્રકટ રૂપે પ્રવર્તે ત્યારે એને માટે ‘પ્રતિભા’ શબ્દનો પ્રયોગ કરવો એ યોગ્ય છે. પંડિત જગન્નાથે પ્રતિભાની ‘કાવ્યઘટનાનુકૂલશબ્દાર્થોપસ્થિતિ’ એવી વ્યાખ્યા આપી છે. એ વ્યાખ્યામાંનો ‘ઉપસ્થિતિ’ શબ્દ પ્રતિભામાં રહેલું સક્રિય પ્રકટતાનું તત્ત્વ સૂચવે છે. પ્રતિભા એટલે અન્તર્ગત નિગૂઢ શક્તિનો, શબ્દાર્થની ઉપસ્થિતિ કરનારો, પ્રકટ આવિર્ભાવ. આ પ્રમાણે ‘શક્તિ’ અને ‘પ્રતિભા’ વચ્ચે અર્થભેદ સ્વીકારવો અને કાવ્યનિર્માણમાં પ્રવૃત્ત થતી ‘શક્તિ’ માટે ‘પ્રતિભા’ શબ્દ પ્રયોજવો એ પરિભાષાની યથાર્થતા માટે આવશ્યક છે. કાવ્યમીમાંસાકાર રાજશેખર આવો ભેદ સ્વીકારે છે.

કાવ્યનું કારણ : પ્રતિભા કે વ્યુત્પત્તિ કે બંને?

આપણે ઉપર એવો સ્વીકાર કર્યો કે કાવ્યના શબ્દાર્થદેહને અંગે વ્યુત્પત્તિ અથવા બહુજ્ઞતા આવશ્યક છે, પણ પાંડિત્યથી ભિન્ન એવા કવિત્વનું વિશિષ્ટ કારણ પ્રતિભા છે. કાવ્યરચના માટે પ્રતિભા એકલી આવશ્યક છે, કે પ્રતિભા અને વ્યુત્પત્તિ બંને આવશ્યક છે. અને બંને આવશ્યક હોય તો બેમાં કયું વધારે આવશ્યક છે, એ વિષે મતભેદ દેખાય છે. દાખલા તરીકે, રાજશેખર પ્રતિભા અને વ્યુત્પત્તિ એ બંનેના સમન્વયને આવશ્યક ગણે છે. જગન્નાથ કહે છે કે કાવ્યનિર્માણનું કારણ કેવલ કવિગતા પ્રતિભા છે, અન્ય કાંઈ નહિ, પણ આ મતભેદ આભાસિક છે, વાસ્તવિક નથી, રાજશેખર બંને તત્ત્વોનો સમન્વય સ્વીકારે છે, પણ વધારામાં એ વ્યુત્પત્તિ શબ્દને કાંઈક જુદા અર્થમાં વાપરે છે. એને મને વ્યુત્પત્તિ એટલે બહુજ્ઞતા નહિ, પણ ઉચિતાનુચિતનો વિવેક. રાજશેખરની આ દૃષ્ટિ સમજવા જેવી છે. ઉચિતાનુચિતવિવેક એટલે બહુજ્ઞ કવિની જ્ઞાતવિષયવિપુલતામાંથી શું કાવ્યને ઉચિત છે અને શું અનુચિત છે એ પારખવાની વિવેક દૃષ્ટિ. કવિને અનેક વિષયની—અથવા સ્વીકૃત વિષયની અનેક પ્રકારની—માહિતી જરૂરની છે, પણ એ માહિતી પર્યાપ્ત નથી. એ માહિતીમાંથી કઈ એના કાવ્યનિર્માણના ઉદ્દેશ માટે ઉચિત છે, કઈ અનુચિત છે, એવી સમજ પણ આવશ્યક છે. પરંતુ એ સમજ એટલે પોતાની લભ્ય સામગ્રીમાંથી પસંદ કરવાની સુરુચિ; અને એ સામગ્રીની સંપત્તિ એટલે બહુજ્ઞતા. અર્થાત્‌ રાજશેખરે વ્યુત્પત્તિનો જે અર્થ કર્યો છે—ઉચિતાનુચિતવિવેક—એમાં બહુજ્ઞતાનો અન્તર્ભાવ થઈ જાય છે. પરિણામે રાજશેખરે કાવ્યના કારણ તરીકે પ્રતિભા અને વ્યુત્પત્તિનો સમન્વય સ્વીકાર્યો છે એમાં પ્રતિભા, બહુજ્ઞતા અને જ્ઞાતતત્ત્વો પરત્વે ઔચિત્યદૃષ્ટિ એ ત્રણે તત્ત્વોનો સમાવેશ થઈ જાય છે. આ સમન્વયમત જે તત્ત્વોનો સમન્વય સ્વીકારે છે એ તત્ત્વોનો કઈ રીતે સમન્વય શક્ય છે એ વિચારવા જેવું છે. એ સમન્વય કયા પ્રકારે થાય છે એ વિચારીએ તો જણાશે કે એમાં બંને તત્ત્વોનો સમાવેશ તુલ્યકોટિનો કે સમાન કક્ષાનો નથી હોતો. વ્યુત્પત્તિ—બહુજ્ઞતા કે ઔચિત્યદૃષ્ટિ ગમે તે અર્થમા—આવશ્યક છે : પ્રતિભા પણ આવશ્યક છે. પણ વ્યુત્પત્તિ એ અભ્યાસગમ્ય બાહ્ય તત્ત્વ છે સાધ્ય તત્ત્વ છે; જ્યારે પ્રતિભા એ એના સહજ સ્વરૂપમાં આંતર તત્ત્વ છે, સિદ્ધ તત્ત્વ છે અને વ્યુત્પત્તિ આ પ્રતિભાનું સહાયક તત્ત્વ છે. જગન્નાથ પંડિત કાવ્યના કારણ તરીકે કેવળ પ્રતિભાને સ્વીકારે છે, પણ જ્યારે એ પ્રતિભાનાં કારણો ગણાવે છે ત્યારે એમાં એ વ્યુત્પત્તિનો સમાવેશ કરી દે છે. પ્રતિભાનાં કારણોમાં એ (૧) દેવતાદિકના પ્રસાદથી કે અન્ય કારણોથી ઊપજતું ‘અદૃષ્ટ’ રૂપ તત્ત્વ, (૨) વિલક્ષણ વ્યુત્પત્તિ તથા (૩) કાવ્યકરણાભ્યાસ એ તત્ત્વોનો સમાવેશ કરે છે. અર્થાત્‌ એણે એકલી પ્રતિભાને કાવ્યકારણ ગણી છે પણ વ્યુત્પત્તિનો પ્રતિભાની અંદર, પ્રતિભાના પણ એક કારણ તરીકે સ્વીકાર કર્યો છે. અને એ યોગ્ય જ છે, કારણ કે જે વ્યુત્પત્તિ માત્ર પાંડિત્યરૂપ ન રહે પણ કાવ્યતત્ત્વના પ્રતિભાનમાં સહાયક બનીને પ્રતિભાને પ્રકટાવે એ વ્યુત્પત્તિ જ કાવ્યને આવશ્યક છે. આનો અર્થ એ થયો કે કવિત્વવ્યાપારનું વિશિષ્ટ તત્ત્વ તો પ્રતિભા જ છે; અને વ્યુત્પત્તિ એનું એક સાધન છે. આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે પ્રતિભા અને વ્યુત્પત્તિ બંનેનો સમન્વય સ્વીકારાય તો પણ પ્રતિભા એ પ્રધાનકારણ છે અને વ્યુત્પત્તિ એનું સહાયક કારણ રહે છે, અને કેવળ પ્રતિભાને સ્વીકારાય તો પણ એ પ્રતિભાના અંતર્ગત તત્ત્વરૂપે વ્યુત્પત્તિનો સ્વીકાર થઈ જાય છે. ખરી વાત એ છે કે વ્યુત્પત્તિ એ સાધ્ય સાધન છે, અને પ્રતિભા તો—એના સહજ સ્વરૂપમાં—જન્મસિદ્ધ કે સંસ્કારસિદ્ધ આન્તરતત્ત્વ છે. જગન્નાથે પ્રતિભાનાં જે કારણો ગણાવ્યાં છે તેમાં એક બીજી વાત પણ સમજવા જેવી છે. દેવતાદિકના પ્રસાદથી અને અન્ય કારણોથી ઊપજતું ‘અદૃષ્ટ’ તત્ત્વ પણ એણે પ્રતિભાનાં કારણોમાંનું એક ગણ્યું છે. એ ‘અદૃષ્ટ’ તત્ત્વ કવિના માનસતંત્રમાં નિગૂઢ રૂપે રહેલું હોય છે –અને એ પણ પ્રતિભાના આવિષ્કરણરૂપ વ્યાપારથી જુદું અને એની પાછળ રહેલું તત્ત્વ છે.

પ્રતિભા એટલે શું?

આ પ્રતિભા એટલે શું? રાજશેખર આ પ્રશ્નનો નીચે પ્રમાણે ઉત્તર આપે છે. શબ્દગ્રામનું, અર્થસાર્થનું, અલંકારતંત્રનું, ઉક્તિમાર્ગનું, અને એવાં અન્ય તત્ત્વોનું, હૃદયમાં જે પ્રતિભાસન કરે (प्रतिभासयति) તે પ્રતિભા. પ્રતિભારહિત પુરુષને પદાર્થસાર્થ [પદ-અર્થ-સમૂહ] પ્રત્યક્ષ છતાં પરોક્ષવત્‌ રહે છે; પ્રતિભાવાન પુરુષને એ પરોક્ષ છતાં પ્રત્યક્ષવત્‌ ભાસે છે. રાજશેખરના આ વિધાનમાં શબ્દયોજના અર્થપૂર્ણ છે. શબ્દગ્રામ એટલે વ્યવસ્થિત, અન્યોન્યથી સંકલિત અને સમન્વિત શબ્દસમૂહ; અર્થસાર્થ એટલે અન્યોન્યાશ્રયે ઉદ્દેશ પ્રતિ પ્રગતિ કરતો અર્થસંઘ. રાજશેખરે આપેલી આ પ્રતિભાની વ્યાખ્યા પણ જગન્નાથે આપેલી વ્યાખ્યા પ્રમાણે પ્રતિભાના ઉદ્‌ભાસક, શબ્દ અર્થને પ્રકાશિતરૂપે ઉપસ્થિત કરનારા, સ્વરૂપને સ્પષ્ટ કરે છે. આ ઉપરાંત રાજશેખરનું બીજું એક વિધાન પણ પ્રતિભાના આ સ્વરૂપનું સૂચન કરે છે. પ્રતિભા અને વ્યુત્પત્તિ બંનેનો સમન્વય એણે કાવ્યઘટના માટે આવશ્યક ગણ્યો છે એ આપણે જોઈ ગયા. એ સમન્વયના સમર્થનમાં એણે ઉદાહરણ આપ્યું છે કે સૌન્દર્ય એટલે રૂપસંપદ્‌ અને લાવણ્યનો સમન્વય, એકલી રૂપસંપદ્‌ નહિ તેમ એકલું લાવણ્ય નહિ; તે જ પ્રમાણે કાવ્યની ઉત્તમતા એટલે વ્યુત્પત્તિ અને પ્રતિભાનો સમન્વય, બેમાંથી એક જ નહિ. વ્યુત્પત્તિને માટે રૂપસંપદ્‌ એ ઉપમાન યોગ્ય છે—એનો સંબંધ શરીર સાથે છે અને સૌષ્ઠવયુક્ત, સપ્રમાણ ઔચિત્યવાળી અંગ—આકૃતિ એ એનું સ્વરૂપ છે. પ્રતિભા એ આંતર તત્ત્વ છે અને એ આન્તરપ્રકાશ બાહ્ય પદાર્થોનું ઉદ્‌ભસન કરે છે તેથી પ્રતિભા માટે યોગ્ય ઉપમાન લાવણ્ય છે જે અંગસૌષ્ઠવ કે આકાર સૌન્દર્યથી પર અને આંતરવિભૂતિના પ્રકાશથી દેહને ઉદ્દીપિત કરતું તત્ત્વ છે. પ્રતિભાનું સ્વરૂપ આવું છે. એ પ્રતિભાસક તત્ત્વ છે. આવો રાજશેખરે સ્વીકારેલો પ્રતિભાનો અર્થ છે, અને આવો પ્રતિભા તથા વ્યુત્પત્તિનો સમન્વય એ કાવ્યકારણ તરીકે સ્વીકારે છે. તો પછી એણે વ્યુત્પત્તિને કાવ્યની માતા કહી છે અને પ્રતિભાને કાવ્યની ઉપકર્ત્રી કહી છે એ અસંગત નથી? પ્રથમ દૃષ્ટિએ અસંગતતા જણાય છે અને આશ્ચર્ય ઊપજે છે—પણ વસ્તુતઃ અસંગતતા નથી અને આશ્ચર્ય પામવાનું કારણ નથી. “માતા”નું સ્થાન આપણે “ઉપકર્ત્રી”, ના કરતાં વધારે મહત્ત્વનું ગણીએ છીએ તેથી રાજશેખરની ઉપર જણાવેલી પ્રતિભાની વ્યાખ્યા, અને વ્યુત્પત્તિને કાવ્યની માતા કહી છે એ ઉક્તિ, એ બે અસંગત લાગે. પણ એ અસંગતિ “માતા” અને “ઉપકર્ત્રી” શબ્દોની કાવ્યઘટનાને અંગે યથાર્થ સમજણ થતાં દૂર થાય છે. માતા જે રીતે બાળકને જન્મ આપનારી છે, બાળકના દેહની જનની છે, તે રીતે વ્યુત્પત્તિ (શબ્દાર્થમાં બહુજ્ઞતા) કાવ્યના શબ્દાર્થરૂપ દેહની જનની છે. ઉપર આપણે જોયું જ છે કે કાવ્યના શબ્દાર્થરૂપ દેહની સિદ્ધિને માટે જ વ્યુત્પત્તિ જરૂરની છે. એ કાવ્યદેહથી પર એવું કાવ્યની ઉત્તમતાનું સાધક તત્ત્વ છે, તે જુદું જ છે. એ તત્ત્વ છે સંસ્કારસંપદ્‌રૂપ શક્તિ અને એ શક્તિનું કાવ્યનિર્માણમાં વિશિષ્ટરૂપે આવિર્ભાવ પામતું સ્વરૂપ પ્રતિભા. પ્રતિભા આત્માના સંસ્કાર રૂપ છે. માતૃદેહમાંથી સંતાનદેહની ઉત્પત્તિ થાય છે પણ એ સંતાનના સંસ્કાર એના પોતાના પૂર્વજન્મલબ્ધ ‘અદૃષ્ટ’નું અથવા આ જન્મમાં અસાધારણ રીતે પ્રાપ્ત કરાયેલા કે પ્રકટેલા સંસ્કારનું પરિણામ છે : તે પ્રમાણે કાવ્યમાં પણ વ્યુત્પત્તિ શરીર જનની છે, પણ પ્રતિભા અદૃષ્ટાદિ કારણે ઉદ્‌ભવેલા સંસ્કાર દ્વારા કાવ્યની ઉપકારિણી છે, કાવ્યને વિશિષ્ટ ગુણવત્તા અર્પનારી છે.

પ્રતિભા—આધુનિક દૃષ્ટિએ

દર્શનમાં, અનુભવમાં, સંવેદનમાં અને વાણી દ્વારા એના સમર્પણમાં સામાન્ય માણસ અને કવિ વચ્ચે ઘણો તફાવત હોય છે, કવિમાં સામાન્ય માણસના કરતાં આ બાબતમાં વિલક્ષણ વિશિષ્ટતા હોય છે, એ તો સર્વવિદિત વાત છે. આ તફાવત હોવાનું જે કારણ તે જ પ્રતિભા, એમ કહીને રહીએ તો ચાલે. કારણ કે આ પદાર્થોનું તેમ જ પદ અને અર્થનું સવિશેષ પ્રતિભાસન કરે તે પ્રતિભા એ આપણે જોઈ ગયા છીએ. કવિના વિશિષ્ટ દર્શનમાં, અનુભવમાં અને સંવેદનમાં—અર્થાત્‌ અર્થની બાબતમાં, તેમ જ યોગ્ય શબ્દની ઉપસ્થિતિમાં કારણભૂત તત્ત્વ પ્રતિભા છે. આ પ્રતિભામાં પૂર્વજન્મના, કે આ જન્મના જ પણ અંતઃકરણમાં સંગૃહીત થયેલા અને સુષુપ્ત રહેલા, સંસ્કારો મહત્ત્વનો ભાગ ભજવે છે. પૂર્વજન્મના અતઃકરણગત સંસ્કારોને શાસ્ત્રકારો “વાસના” કહે છે એ આપણે જાણીએ છીએ, એ પૂર્વજન્મના સંસ્કારો પરત્વે પુરુષની પોતાની સભાનતા હોતી નથી તે જ પ્રકારે આ જન્મમાં જ પણ ભૂતકાળમાં થયેલા અનુભવના સંસ્કારો અંતઃકરણમાં છૂપાઈને રહ્યા હોય છે એનું પણ એ પુરુષને પૂર્ણ સતત ભાન હોતું નથી. નવા માનસશાસ્ત્રમાં આ સંસ્કારોની સંચયભૂમિને અસંપ્રજ્ઞાત-અજાગ્રત મન કહે છે. કેટલાક અનુભવો છેક અજાગ્રત મનના ઊંડાણમાં નહિ પણ અજાગ્રત મનના અને જાગ્રત મનના સંધિપ્રદેશમાં રહે છે. કેટલાક વળી સુષુપ્ત હોય છે કે માત્ર વિસ્મૃત હોય છે. પૂર્વ અનુભવોના આ સંસ્કારોનું નવા અનુભવના આઘાતથી કોઈ કોઈ વાર ઉદ્‌બોધન થાય છે. એ માણસને આ ઉદ્‌બોધનક્રમ સ્પષ્ટ પ્રતીત ન હોય. એ તો એટલું જાણી શકે છે કે અત્યારના અનુભવને અણધારી રીતે પ્રકાશિત કરતું, સમૃદ્ધ કરતું, કાંઈક તત્ત્વ છે. ભૂતપૂર્વ સંસ્કારોનું આવું ઉદ્‌બોધન અને એનાથી નવીન અનુભવનું આવું ઉદ્દીપન અને પ્રકાશન બધા માણસોમાં એક સરખું થતું નથી. કવિ અત્યારે કોઈ વસ્તુ જુએ, કે કાંઈ અનુભવ પામે, અને એની જોડેના સામ્યથી, વિરોધથી, કાર્યકારણસંબંધથી, અંગાગિભાવથી, સાહચર્યથી, કે એવા કોઈપણ જૂના અને નવા અનુભવો વચ્ચેના ઉભયસાધારણ ગુણથી, જૂના અનુભવસંસ્કારનું ઉદ્‌બોધન થાય. કવિ અત્યારના અનુભવનો અથવા એથી ઊપજેલા માનસચિત્રનો પૂર્વના સંસ્કારરૂપ માનસચિત્રની જોડે. સમન્વય કરે અન્ય અકવિ પુરુષ પણ એ પ્રમાણે કરે, પણ કવિના માનસમાં થતો આ સમન્વય સાધારણ માણસના કરતાં વધારે સ્પષ્ટ હોય છે, વધારે યથાર્થ હોય છે, વધારે પ્રકાશિત હોય છે અને વધારે સુંદર હોય છે. કવિના માનસમાં ભૂતપૂર્વ સંસ્કારોનું જેવું ઉદ્‌્‌બોધન થાય છે તેવું સાધારણ માણસને ભાગ્યે જ થતું હશે. નવા માનસચિત્ર જોડેના કાંઈક સંબંધથી જૂનું માનસચિત્ર કવિના માનસમાં જાગ્રત થાય, ત્યાર પછી એ બે ચિત્રો અલગ અલગ દૂર રહે, અથવા તો અલગ છતાં નિકટ રહે, અથવા તો એકનું બીજામાં નિગરણ થાય તે પ્રમાણે કવિની વાણીમાં જુદા જુદા અલંકારોનાં આવશ્યક તત્ત્વો આવે, જેમ જેમ આ સંયોજન નિકટતર અથવા અભેદરૂપ બને તેમ તેમ કાવ્યમાં અને કાવ્યની વાણીમાં કવિત્વ વધારે આવે. સાધારણ માણસોમાં તેમ ઊતરતી કોટિના કવિઓમાં પણ આ સંસ્કારોદ્‌્‌બોધન અને તદ્‌નંતર થતું ચિત્રનું અથવા સંસ્કારોનું સંયોજન નહિ જેવું જ હોય છે. જેમના કાવ્યમાં આપણે અવનવી અર્થગહનતા અનુભવીએ, અથવા સુભગ, આનંદજનક વ્યંજનાની પ્રતીતિ કરીએ, એ કવિને આપણે ઉચ્ચ કોટિનો ગણીએ છીએ. ઉત્તમ પ્રકારનાં ટૂંકાં ઊર્મિ કાવ્યોમાં તો આ તત્ત્વ આપણે સાદ્યન્ત વ્યાપી રહેલું જોઈએ છીએ. લાંબાં કાવ્યોમાં અને મહાકાવ્યોમાં આ તત્ત્વ અહીંતહીં ઝબકારા કરે છે—જ્યાં જ્યાં એનો અવકાશ હોય ત્યાં એ પ્રકાશમાં આવ્યા વિના રહેતું નથી. ભૂતપૂર્વ સંસ્કારનું આ વિશદ ત્વરિત ઉદ્‌બોધન અને વર્તમાન સંસ્કારો જોડે સંયોજન, અને એ ઉપરાંત એ સંસ્કારોને અને સંયોજનને સહૃદય ગમ્ય બનાવવાની શક્તિ ધરાવતી વાણીની ઉપસ્થિતિએ પ્રભાવ પ્રતિભાનો છે. વક્રોક્તિ કહો, અલંકાર કહો, વ્યંજના કહો એ બધામાં આ તત્ત્વ અંતર્ગત રહેલું છે. રસનિષ્પત્તિની પ્રક્રિયામાં પણ આ તત્ત્વ રહેલું છે—પછી એને પ્રાચીનોએ કહ્યું છે તેવું વાસનાનું ઉદ્‌બોધન કે ચિતિનો આવરણભંગ કહો અથવા અર્વાચીન માનસશાસ્ત્રને અનુસરીને ભૂતપૂર્વ અનુભવોના, અંતઃકરણનિલીન સુષુપ્ત કે વિસ્તૃત સંસ્કારોનું ઉદ્‌બોધન કહો, આવું ‘પ્રતિભા’નું સ્વરૂપ આપણી આધુનિક દૃષ્ટિએ સમજી શકાય છે.

પ્રતિભાના પ્રકારો

પ્રતિભાના સ્વરૂપને આપણી આધુનિક રીતે સમજવાનો આ પ્રયાસ કર્યો. આ પ્રતિભાના રાજશેખર ત્રણ પ્રકારો બતાવે છે. ૧. સહજા એટલે જન્મસિદ્ધ, પૂર્વજન્મના સંસ્કારથી ઉદ્‌ભવેલી. ૨. આહાર્યા એટલે આ જન્મમાં પ્રાપ્ત કરેલા સંસ્કારથી ઊપજેલી; ૩. ઔપદેશિકી એટલે મંત્ર તંત્ર (શાસ્ત્ર) આદિ ઉપદેશથી ઉત્પન્ન થયેલી. રાજશેખરે સ્વીકારેલા આવા પ્રતિભાના ત્રણ પ્રકારો જોતાં એક વાત સ્પષ્ટ થાય છે કે પ્રતિભા જન્મપ્રાપ્ત જ હોય એવું એ માનતો નથી. અલબત્ત ત્રણે પ્રકારોમાં એણે સહજા પ્રતિભાને પ્રથમ સ્થાને મૂકી છે. પણ પ્રતિભાને માટે આવશ્યક સંસ્કારસંપદ્‌ની પ્રાપ્તિ આ જન્મમાં પણ થઈ શકે એ સ્પષ્ટ થાય છે. આપણે જે રીતે પ્રતિભાના સ્વરૂપને સમજવા પ્રયત્ન કર્યો તેને રાજશેખરના આ પ્રકાર દર્શનથી સમર્થન મળે છે. આપણે એ વિવરણમાં ઉપદેશનું કાંઈ સ્થાન સ્વીકાર્યું નથી તો એમાં ખોટું પણ કાંઈ નથી. પહેલા બે પ્રકારની પ્રતિભા ખરી પ્રતિભા છે. ત્રીજા પ્રકારની પ્રતિભાને રાજશેખરે પણ નિકૃષ્ટ કોટિમાં મૂકી છે. ઉપરાંત મંત્રપ્રભાવને આપણે સ્વીકારેલ જ નથી. આવું પ્રતિભાનું સ્વરૂપ છે. કાવ્ય નિર્માણમાં એથી અતિરિક્ત પ્રેરણાનો સ્વીકાર આપણે ત્યાં નથી થયો. કાવ્ય નિર્માણમાં પ્રેરણારૂપ કોઈ તત્ત્વ પ્રવર્તે છે કે નહિ એ અન્ય પ્રસંગે જોઈશું.

(વાઙ્‌મયવિમર્શ)