અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/લાભશંકર ઠાકર/અંતિમ ઇચ્છા: ૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 41: Line 41:
કવિના શબ્દો જ સાંભળીએ –
કવિના શબ્દો જ સાંભળીએ –


              ‘કહું?
‘કહું?
ત્યારે અનુજ્ઞા લઈ ઇન્દ્રની સખી
ત્યારે અનુજ્ઞા લઈ ઇન્દ્રની સખી
પતંગિયું એક બની સુવર્ણનું
પતંગિયું એક બની સુવર્ણનું

Revision as of 18:33, 22 September 2021


અંતિમ ઇચ્છા: ૧

લાભશંકર ઠાકર

ને વૃદ્ધ હાથે પકડી બપોરના
તું હોય રામાયણ વાંચતી સખી
ઝીણાં કરી લોચન બે નમીને;
ને વિપ્રલંભે કૃશકાય આકુલા
કારુણ્યમૂર્તિ અહ દગ્ધ જાનકી
ઊભી રહી હો તુજ નેત્રની નીચે
પૃષ્ઠો પરે જીર્ણ; જરાક રમ્ય
મોતી ઝઝૂમે ચખ વૃદ્ધમાં;
કહું?
ત્યારે અનુજ્ઞા લઈ ઇન્દ્રની સખી
પતંગિયું એક બની સુવર્ણનું
આવીશ પૃષ્ઠો પર બેસવા ક્ષણ.



આસ્વાદ: સનાતન સખ્ય, પ્રેમ અને દાંપત્યનું કાવ્ય – હરિકૃષ્ણ પાઠક

‘અંતિમ ઇચ્છા’ એવા શીર્ષક હેઠળ પ્રગટ થયેલ બે કાવ્યોનું યુગ્મ ખરેખર તો એક જ કાવ્ય છે, દાંપત્યપ્રેમનું.

દાંપત્ય ખંડિત થયા પછીના સખ્યભાવે વિલસી રહેલા પ્રેમનું વિદેહ વ્યક્તિના ઉદ્ગાર રૂપે પ્રગટતી શેષ વ્યક્તિ તરફની આત્મીયતાભરી ખેવનાનું કાવ્ય છે.

બંને કાવ્યોને એકસાથે વાંચી જનારને કવિએ પ્રગટ રીતે જે કહ્યું નથી પણ માત્ર સંકેતો કર્યા છે તે બાબતો તો તુર્ત જ ખ્યાલમાં આવી જશે. એકની વિદાય પછી જે પાત્ર શેષ રહ્યું છે તેના વાર્ધક્યના વર્ણનથી દીર્ઘકાળ સુધી જેમનું દાંપત્ય અને સહવાસ મૈત્રીપૂર્ણ અને પ્રેમમય રહ્યાં છે તેવાં સ્ત્રી-પુરુષનું આ કાવ્યયુગ્મ છે, અને વળી જે સંસ્કૃતિ, સંસ્કાર અને જીવનચર્યા વિદ્યમાન પાત્રની પ્રવર્તનથી સ્પષ્ટ થાય છે તે સૂચવે છે કે આ એક હિંદુ ધર્મ અને સંસ્કૃતિના પિંડમાંથી જ પ્રગટી શકે તેવું કાવ્ય છે; અલબત્ત તેની સંવેદના સર્વાશ્લેષી છે, સનાતન છે, માનવ્યના ઉત્તમ આવિષ્કારરૂપ છે.

બંને કાવ્યોમાં આ સંવેદનાને કેવી અભિવ્યક્તિ મળી છે તે હવે ક્રમશ: જોઈએ.

પ્રથમ કાવ્ય વિદેહ પતિની ઉક્તિ રૂપે છે.

પત્ની વૃદ્ધ હાથે રામાયણ ગ્રહીને બપોરના સમયે વાચન કરી રહી છે. સહેજ નમીને, આંખો ઝીણી કરીને રામાયણ વાંચે તો છે પણ તેમાં, એ સમયે, કયો પ્રસંગ વર્ણવાયો છે?

જેનો ત્યાગ કરવામાં આવ્યો છે તેવી કારુણ્યમૂતિર્, વિરહને કારણે કૃશકાય અને દગ્ધ — દુ:ખી જાનકી આ વાચકને જાણે કે રામાયણનાં જીર્ણ પૃષ્ઠો પર પ્રત્યક્ષ થાય છે, અને તેથી જે સ્વયં વિરહ વેઠી રહી છે તે પત્નીના હૃદયમાં ફૂટતી કરુણાના કારણે તેની આંખોમાં રમ્ય મોતી સમાં અશ્રુ ઝઝૂમી રહ્યાં છે. એવે સમયે પતિ જે વિદેહ છે ને સ્વર્ગસ્થ છે તે ઇન્દ્રની અનુજ્ઞા — એટલે કે રજા લઈને આવે છે; પણ કેવા રૂપે?

કવિના શબ્દો જ સાંભળીએ –

‘કહું? ત્યારે અનુજ્ઞા લઈ ઇન્દ્રની સખી પતંગિયું એક બની સુવર્ણનું આવીશ પૃષ્ઠો પર બેસવા ક્ષણ.’

‘કહું?’ જેવા પ્રશ્નથી જાણે કે સખ્ય અને સંવાદ હજીયે તૂટ્યાં નથી એવો સંકેત વાંચી શકાય. ‘સખી’ જેવું સંબોધન બે વાર થયું છે; જે સખ્યના ભાવને પણ સૂચવે છે, અને પુરુષમાત્રની સ્ત્રી વિશે જે સહજ અપેક્ષા હોય — સૌંદર્યની તેના જ એક ઇંગિતરૂપે અશ્રુને પણ — ‘જરાક રમ્ય મોતી ઝઝૂમે’ કહી નવાજ્યાં છે; ‘ચખવૃદ્ધ’ ભલે રહ્યાં!

રમ્યને પામવા માટે તો રમ્ય રૂપ જ ધારવું પડે તેથી ‘પતંગિયું એક બની સુવર્ણનું’.

બીજું કાવ્ય વિદેહ પત્નીના ઉદ્ગાર રૂપે મળે છે. આરંભ જ કેવો મજાનો થયો છે!

‘ઊંચી તમારી પ્રિય પુષ્ટ કાયા’ — આ પણ એક સ્ત્રી સહજ અપેક્ષા જે પતિના બલિષ્ઠ દેહના વર્ણનથી પ્રગટ થઈ છે. એકલા પડી ગયેલ પતિની દિનચર્યાના સહજ વર્ણનથી આગળ વધતાં કાવ્યમાં ‘સખી’ના મોંએ ‘પ્રિય’નો ઉદ્ગાર આરંભે અને પછી અંતે પણ થયો છે. સખ્ય અને પ્રેમ બંનેનું સાયુજ્ય આપોઆપ પ્રતીત થાય છે.

પતિને પણ વાર્ધક્ય તો આંબી ગયું છે તેથી તેની દરેક ક્રિયા તે રીતે વર્ણવાઈ છે. પૂજાનાં પુષ્પો માટે નાહ્યા પછી રોજની જેમ હાથમાં છાબ લઈ પ્રવેશતા પતિના મુખે અજસ્ર-સતત, એકધારા મંત્રો ઝરી રહ્યા છે. સ્કંધ હજી ભીના છે ને વયને કારણે સ્હેજ નમેલા છે, અને પછી એક સુંદર, મનભર શબ્દચિત્ર મળે છે — (અલબત્ત, ભૂતકાળની કોઈ રમ્ય ઘટનાની સ્મૃતિ રૂપે) — કહે છે કે ભીના નમેલા સ્કંધ પર તડકો નહીં, ‘આતપ’ સ્હેજ ઢળેલો છે, અને તે પણ પ્રશસ્ત. આતપને ‘પ્રશસ્ત’ કહેવાનું રહસ્ય હવે ખૂલે છે. કે ક્યારેક એ વિદેહાએ આ જ સ્કંધ પર, વિશ્વાસપૂર્વક, ધૈર્યથી પોતાનું મુખ ઢાળેલું, તેમ આ આતપ ઢળેલો છે. અહીં સંબોધન છે ‘હે સખે!’

પતિ ધીમે ધીમે આંગણાની કરેણ પાસે જઈ ‘દક્ષિણ હાથ દીર્ઘ’ લંબાવે છે. સમજવાનું કે પતિ આજાનબાહુ છે, પણ અંગુલિમાં તો વાર્ધક્યના કારણે કંપ આવી ગયો છે. તેથી જ જરાક સ્પર્શ થતાંની સાથે જ આ સખીનો, પ્રિયાનો જે ઉદ્ગાર પ્રગટ્યો છે તે પ્રથમ કાવ્યના છેલ્લા ઉદ્ગાર જેવો ચમત્કૃતિભર્યો છે –

‘થશે જરી સ્પર્શ ત્યહીં જ હું પ્રિયે ગરીશ (રાતું ફૂલ) રોજ છાબમાં.’

એક નાનકડો ભેદ ધ્યાનમાં આવ્યો?

વિદેહ પતિ કહે છે — ‘આવીશ પૃષ્ઠો પર બેસવા ક્ષણ’ અને આ વિદેહા કહે છે — ‘ગરીશ (રાતું ફૂલ) રોજ છાબમાં.’

હિન્દુ ધર્મ, સંસ્કૃતિ અને પરંપરામાં ‘લગ્ન’ એક સંસ્કાર છે, સોળ સંસ્કારો પૈકીનો એક, તેમાં સપ્તપદીનો એક વિધિ પણ રહેલો છે. ‘કુમારસંભવમ્’ના પાંચમા સર્ગમાં શિવજીનો ઉદ્ગાર છે :

– ‘સાપ્તપદીનમ્ સખ્યમ્’ આ કાવ્યોમાં એ સંસ્કાર તો ઓતપ્રોત છે જ, સખી, સખે અને પ્રિય-પ્રિયેના ઉદ્ગારો સખ્ય સાથે પ્રેમ અને દાંપત્યને એકસૂત્રે પ્રોવી દે છે. હિંદુઓ પુનર્જન્મમાં પણ શ્રદ્ધા ધરાવે છે તેથી ભવોભવના પ્રેમ અને સંગની ધારણાઓ પણ તેમાં છે જ છે.

કવિ લાભશંકર ઠાકર એક વ્યક્તિ લેખે આવું કશું માનતા-સ્વીકારતા કે કેમ એ પ્રશ્નો અહીં ગૌણ બને છે. અહીં જે મહિમા થયો છે તે સનાતન પ્રેમ અને સખ્યનો, એ દાંપત્યમાં હોય તો એનાથી વધુ રૂડું શું હોઈ શકે? પુષ્પ અને પતંગિયાનું સાયુજ્ય પણ કેવું રમણીય! ઇન્દ્રવંશા-ઇન્દ્રવજ્રાના માત્ર ૧૧-૧૨ અક્ષરોના ટૂંકા માપના મિશ્ર છંદમાં અને માત્ર ૧૨-૧૨ પંક્તિના વ્યાપમાં જ કવિએ આ કાવ્યો સિદ્ધ કર્યાં છે.

કવિએ તેમના કાવ્યસર્જન વિશે તેમના ચિત્તમાં રસાઈ ગયેલ લયચેતનાનો મહિમા કર્યો છે. અને એ લયવૈવિધ્યમાં બ્રાહ્મણોના મંત્રોચ્ચારોનોય ઉલ્લેખ કર્યો છે. આ સાથેનાં બંને કાવ્યોમાં તત્સમ શબ્દો અને છંદની પ્રવાહિતા બંને સંસ્કૃત ભાષાનો સ્પંદ જગાવે છે, ને એક પ્રૌઢિનો અનુભવ કરાવે છે. બબ્બે પંક્તિ ઉમેરીને કવિએ ‘સોનેટ’ રચવાનો મોહ નથી રાખ્યો.

(‘પરબ, લાભશંકર ઠાકરઃ કાવ્યાસ્વાદ વિશેષાંક, જૂન-જુલાઈ 2016’)