ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અર્થપરિવર્તન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''અર્થપરિવર્તન'''</span> : ભાષામાં શબ્દ અને તેના અર...")
 
No edit summary
 
Line 10: Line 10:
{{Right|ઊ.દે.}}
{{Right|ઊ.દે.}}
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous =  અર્થના ચાર સ્તરો
|next = અર્થપ્રકૃતિ 
}}
<br>
<br>

Latest revision as of 12:08, 19 November 2021


અર્થપરિવર્તન : ભાષામાં શબ્દ અને તેના અર્થ વચ્ચેનો સંબંધ યાદૃચ્છિક અને પ્રતીકાત્મક હોય છે. આ પ્રતીકોમાં ભાષાકીય, સામાજિક, સાંસ્કૃતિક સંદર્ભાનુસાર ભેદ પડે છે, જેને લીધે અર્થમાં પણ પરિવર્તન આવતું હોય છે. જેમકે, ધાર્મિક સંદર્ભમાં ‘જલ’ શબ્દ વપરાય; રોજબરોજના સંદર્ભમાં, ‘પાણી’ શબ્દ વપરાય. અર્થપરિવર્તનના આધારો તરીકે બહુઅર્થાત્મકતા (polysemy) અને સમાનાર્થકતા (Synonymy), રૂપક, લક્ષણા, વ્યંજના, વક્રોકિત વગેરે અલંકારો, અનુકરણાત્મક શબ્દ (ono matopoeia) અને સહસંવેદના (Synesthesia) તેમજ નિષેધ (Taboo)ને ગણાવી શકાય. અર્થપરિવર્તનના આધાર તરીકેનાં આ તત્ત્વો અર્થપરિવર્તનનાં ક્રિયાવિધિ અને કારણો પણ છે. નિષેધના તત્ત્વને લીધે શબ્દભંડોળમાં સતત ઊથલપાથલ થતી રહે છે. નિષેધનાં તત્ત્વો સંસ્કૃતિ સંસ્કૃતિએ જુદાં હોય. નિષેધ અનેક પ્રકારના હોય છે : ભયના નિષેધો (જેમકે ‘સાપ’ને બદલે ‘જનાવર’), અંધશ્રદ્ધાના નિષેધો (જેમકે દુકાન, ‘બંધ કરવી’ને બદલે ‘વધાવવી’), કોમળતાના નિષેધો (જેમકે ‘અંધજન’ માટે ‘પ્રજ્ઞાચક્ષુ’), યોગ્યતાના નિષેધો (જેમકે ‘પેશાબ કરવા જવું’ને બદલે ‘બાથરૂમ જવું’). નિષેધને કારણે ભાષામાંથી ઘણાબધા શબ્દો નાશ પણ પામે. નિષિદ્ધ વસ્તુનો ઉલ્લેખ ન કરીને તેનો આડકતરો ઉલ્લેખ બીજા શબ્દો દ્વારા કરાય (જેમકે નનામી). નિષેધ ઉપરાંત અર્થપરિવર્તનનાં કારણોમાં પુન : અર્થઘટન (Reinterpretation)નું સ્થાન છે. જેમકે ‘આકાશવાણી’નો અર્થ હવે ‘રેડિયો’. ધ્વનિપરિવર્તન માત્ર ધ્વન્યાત્મક અપસરણમાં નહીં પણ અભિસરણમાં પણ પરિણમે. આથી સમધ્વનિરૂપો વિકસે જે અર્થપરિવર્તન લાવવામાં મુખ્ય બળનું કાર્ય કરે છે, જેમકે ‘હાથો’ ખુરશીનો કે કુહાડી જેવા કોઈ સાધનનો. સાદૃશ્ય પરિવર્તનથી પણ નવું રૂપ અને નવો અર્થ વ્યાપક બને છે. સામાજિક અને સાંસ્કૃતિક પરિવર્તન પણ અર્થની પરિવૃત્તિનું કારણ બને છે. જેમકે ‘દલિત’ પહેલાં કચડાયેલા વર્ગ માટે નકારાત્મક અર્થ સૂચવતો હતો પણ આજે ‘દલિત ચળવળ’માં તેનો હકારાત્મક અર્થ છે. અર્થપરિવર્તનનાં પરિણામો પણ જોઈ શકાય છે. અમુક અર્થપરિવર્તનો એક અર્થનું બે અર્થમાં વિભાજન થવાથી અથવા બે અર્થનું એક અર્થમાં વિલયન થવાથી થતાં હોય છે. અર્થવિસ્તારમાં શબ્દના મૂળ અર્થનો વ્યાપ વધે છે પણ આશય ઘટે છે જેમકે ગવેષણા એટલે માત્ર ગાયની શોધ નહીં પણ કોઈપણ પ્રકારની શોધ. અર્થસંકોચમાં શબ્દના મૂળ અર્થનો વ્યાપ ઘટે છે પણ આશય વધે છે; જેમકે મૃગનો ‘પ્રાણી’ના અર્થને બદલે ‘હરણ’ના અર્થમાં ઉપયોગ. વળી, અમુક શબ્દને લાગેલું મૂલ્યાંકન બદલાય તેથી અર્થમાં પરિવર્તન આવે અને શબ્દના અર્થનો ઉત્કર્ષ થાય. ક્યારેક શબ્દના અર્થનો અપકર્ષ પણ થાય. અર્થોત્કર્ષનું ઉદાહરણ છે : ‘ધુરંધર’ ધુરા ધારણ કરનાર બળદને સ્થાને ‘મહાન’ના અર્થમાં પ્રયોગ. અર્થાપકર્ષનું ઉદાહરણ છે ‘હરિજન’. હરિના ભક્ત તરીકે વપરાતો આ શબ્દ ગાંધીજીએ આપેલા અર્થ પછી ‘અછૂત’નો અર્થ વ્યક્ત કરે છે. એવું પણ જોવાય છે કે એક શબ્દના અર્થમાં પરિવર્તન આવે તો એને સંબંધિત બધા જ શબ્દોના અર્થમાં પરિવર્તન આવે. એટલેકે આખા અર્થાત્મક ક્ષેત્રમાં પરિવર્તન આવે. ‘દુહિતા’ શબ્દનો અર્થ ‘ગાય દોહતી’ને બદલે ‘દીકરી’ તરીકે વિકસ્યો તો એનાં બાળકો માટે ‘દોહિત્ર’ ‘દોહિત્રી’ શબ્દો પ્રચારમાં આવ્યા. આમ, અર્થપરિવર્તન તેની ક્રિયાવિધિમાં કે પરિણામમાં નિયમિતતા કે વ્યવસ્થા દર્શાવે છે ખરાં છતાં મોટા ભાગે થતાં અર્થપરિવર્તનો ધૂંધળાં, અનિયમિત, અનુમાન કરવાં અઘરાં પડે તેવાં હોય છે. પરિણામે તેના પર પરિવર્તનની દિશા કે તેના પરિણામ માટે કોઈ જાતનું કુદરતી નિયમન દેખી શકાતું નથી. ઊ.દે.