કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૧૦. યૌવના: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૧૦. યૌવના|}} | {{Heading|૧૦. યૌવના|ન્હાનાલાલ}} | ||
Latest revision as of 05:10, 20 June 2022
ન્હાનાલાલ
કોઈ કહેશો
તે શા વિચાર કરતી હતી ?
મધ્યાહ્ન હતો,
સૃષ્ટિને સેંથે સૂર્ય વિરાજતો.
આસપાસનું ઊંડું આકાશ
નીલઘેરું ને નિર્મળું હતું.
ક્ષિતિજ ઉપર જલભર પયોદ,
વિશ્વનાટકના પડદા જેવાં,
અધ્ધર સરતાં, પડતાં,
ને ધીમેશથી ઊપડતાં.
મધ્યાહ્ન ખીલેલો ને નિર્જન હતો.
સન્મુખ સાગર લહરતો :
જાણે આકાશ ઉતારી પાથર્યું !
જલ ઉપર કિરણ રમતાં,
રૂપાની રેખાઓ દોરતાં,
હસી હસી મીટ મટમટાવતાં,
ને ઊડી ઊડી જતાં ર્ હેતાં.
સાગરનો વિશાલ પલવટ
મધ્યાહનમાં પલપલતો હતો.
ઋતુ વર્ષા હતી.
ને વર્ષાની તે શરદમંજરી હતી.
કિનારા લીલા ને પ્રસન્ન હતા.
ધરા આંખ ઠારતી.
વિધિનું ચીતરેલ ચિત્ર હોય
સૃષ્ટિ ત્હેવી કદી સ્થિર ભાસતી.
કાલે મેઘ વરસી ગયો હતો :
આજ પદાર્થો ઉપર જલનો રંગ ચમકતો.
ભીની તેજસ્વિની લીલાશ
દિશ દિશમાં પ્રસન્નતાથી પ્રકાશતી.
આછાં તેજ અને અન્ધકાર
પાંદડાંમાં સન્તાકૂકડી રમતાં.
આઘા સાગર ઉપરથી
શીતલ અનિલ આવતા.
સૃજનને સૂર્ય ઉષ્મા દેતો,
અગ્નિને અનિલ આવરી લેતા.
સકલ સૃજનઅવકાશ ભરી
ઉષ્મા ને શીતળતાની ઊર્મિઓ ઊછળતી.
ગરુડના માળા જેવી
અન્તરિક્ષ એક આરસની અટારી લટકતી.
મહીં આરસના પાટ માંડેલા હતા.
ભ્રૂકુટિ કોતરેલ કમાન નીચે
નમેલી રસભર વેલી સમી
એક યૌવના ઝૂકેલી હતી.
તુલસીના છોડ સરીખડા આસપાસ
સખીઓ શા પડછાયા રમતા.
ઉપર દ્રાક્ષનો ઝૂમખો ઝઝૂમતો.
સુન્દરીનાં સુન્દર નયનો
સાગરના ઓઘ ઓળંગતાં.
ગુલાબની પાંદડીઓ જેવાં ચરણ
આરસમાં ગુલાબ પાડતાં.
જમણા કરમાં મોગરાની માળા હતી.
સુકુમાર પ્રભાતરંગી સાળુમાંથી
અમૃતના સરોવર સરખો દેહ
અને તેજસ્વી કરનો કમલદંડ જાણે
હથેળીનું પુષ્પ પ્રફુલ્લી આપવા આવતા.
અંગે અનંગની ભસ્મ ચોળી હતી.
મુખડે કવિઓની કવિતા પ્રકાશતી.
કીકીમાં સ્વપ્ન સ્ફુરતાં.
પાંદડી જેવાં પોપચાં ફરકતાં.
હૈયું ભરેલું ને વિશાળ હતું.
વિધિદીધેલ રત્ન સમો
ભાલદેશે ચન્દ્રક રાજતો.
અંગઅંગ ફૂલ ફોરતાં.
કોકિલ ડાળે બેસે ને દીપે
તેમ રમણી નિજ કુંજે શોભતી
અલૌકિક રંગી ઇન્દ્રચાપ જેવી
જગત ઉપર તે નમેલી હતી.
એ યૌવના શા વિચાર કરતી ?
ચાંદનીના ઢગલા જેવું
શ્વેત ન્હાનકડું હરણનું બચ્ચું
નીચે રૂપાની સાંકળે બાંધેલું હતું.
યૌવના શું વિચારતી ?
પ્રાણની ભરતી લોચનમાં ડોલતી.
મધ્યાહનનાં તેજ વિલોકતી ?
જલના રંગ આલોચતી ?
સાગરનાં તલ નિહાળતી ?
અસીમ જલરેખાઓ વીંધી વીંધી
સ્હામી પારનો સંગમ શોધતી ?
ગુલાબની અંજલિ જેવું મુખડું,
મહીં આકાશના અણુ જેવાં નયન :
આછી ઉષાના ઓજસનું અંગ હતું.
યૌવના શાં ઇન્દ્રજાળ જોતી ?
એક વાદળી આવી:
મહાનૌકાના મહિમાવતી
દૂરથી એક વાદળી આવી.
સૃષ્ટિ ઉપર પાલવ પાથરતી-સંકેલતી
તેજછાયાની રમત રમતી રમતી
યૌવનાને વદન અડકી ગઈ.
કોઈ-કોઈ કહેશો
તે યૌવના શું વિચારતી હતી ?
(કવિ ન્હાનાલાલ ગ્રંથાવલિ : ૧, ખંડ-૧, પૃ. ૧૩૧-૧૩૪)