આત્માની માતૃભાષા/2: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) No edit summary |
m (Atulraval moved page પરબ વિશેષાંક/2 to આત્માની માતૃભાષા/2 without leaving a redirect) |
(No difference)
|
Latest revision as of 11:55, 24 November 2022
ઉશનસ્
હજી તો કાલ જામી'તી યુરોપે યાદવાસ્થળી
વર્ષી'તી કારમા ધોધે લોહીની, આંસુની ઝડી!
સંગ્રામની ભીષણ કંદરામાં
કૂદી પડી માનવજાત ઘેલી!
ને આત્મહત્યા કરવા ચડેલી
ઘવાઈ પૂરી રણખેલનામાં!
તપે છે પૃથિવી ત્યારે વર્ષે છે વ્યોમ પાણીડાં;
યુદ્ધે જગ તપ્યું, કાં ના હજીયે વરસ્યા પ્રભુ?
એ યુદ્ધની દારુણ કાળજ્વાળા
યુગો તણી સંપદને પ્રજાળે,
નિર્દોષનાંયે રુધિરો વહાવે,
દૂધે ભરી સંસ્કૃતિઓ સુકાવે!
સુધાનું — શાંતિવારિનું તમ હસ્તે કમંડલુ,
સ્નેહનાં સિંચને, સાધો! રક્ષો પશ્ચિમ પાંગળું.
ત્યાં શાંતિના સૂર અનેક ઊઠતા,
પુષ્પો નીચે ખડ્ગધારા ઝબૂકે.
રેતી પરે વજ્જરકોટ જૂઠના
ઊડી જાશે સત્યની એક ફૂંકે!
લોહીલીંપેલે આંગણિયે ઊભીને
મંડાણ જોશો યુદ્ધનાં ત્યાં રચાતાં!
ને દેખશો કૈં દૂઝતા ઘા હયાના,
પ્રજાપ્રજાના શોણિતલેખ વાંચશો!
ધનિકો મૂડીને યંત્રે પીસે છે દીન માનવી,
સામ્રાજ્યોનાં મહા યંત્રો પીલે માનવતા અતિ!
આજે જગે એ કરપીણ યંત્રણા
કરો, કરો મંગલ પ્રેમઘોષણા!
ઉદ્ધાર કાજે ઉરની અનૂઠી
આપો, ગુરો, મંગલ પ્રેમબુટ્ટી!
વહાવો આત્મશુદ્ધિની ગંગધારા શુભંકરી,
જીવશે જે ટકી ર્હેશે પ્રેમને પાવકે જળી.
સંગ્રામની સૌ જડને ઉખેડી,
બતાવજો શાંતિની સ્નેહકેડી!
તપ્યાં ઉરે ચંદનલેપ દેજો,
દાઝ્યાં તણાં આશિષવેણ લેજો!
સંસારે, વનઅંધારે ભૂલ્યાંના ભોમિયા બની,
પ્રકાશે, તેજઅંબારે બતાવો પ્રેમવાટડી!
ખૂલે ન જ્યાં લોચનદ્વાર ઇંદુનાં,
ઊંચાં ઊડે ઉન્મુખ વારિ સિંધુનાં;
સંતો તણી ઊઘડતાં જ આંખડી
ભીંજાય ભાવે જગપ્રાણપાંખડી.
અહિંસાથી ભીંજાવો ને પ્રકાશો સત્યતેજથી!
શાંતિનો જગને માટે માર્ગ એકે બીજો નથી.
જુઓ છો ભાવને સામ્યે રાષ્ટ્રોનો માર્ગ ઐક્યનો,
ગજાવો એ મહા મંત્ર ઊંડો માનવપ્રેમનો.
માનવી માનવી ઉરે એક માનવભાવ છે;
પેખીને પ્રેમની પીડા નકી એ પીગળી ઊઠે.
એક મ્હેકે મઘમઘે બધાયે મનુમંડપો
સુવાસે સર્વ ડોલે છે, ભલે દુર્ગંધ ક્યાંક હો!
બસૂરા તાલ સૃષ્ટિના શમે સૌ પ્રેમગાનમાં,
દુર્ગંધો દમતી ડૂબે મોંઘા આત્મપરાગમાં.
કહે કવિ: માનવતા જીવંત
પ્રાણી, પ્રજાઓ સહુ એહ અંગ;
ને એક એને ધડકંત ઉર,
વહાવતું નિર્મળ પ્રેમપૂર,
સૌના હયાને ધબકાર-તાને
ગાજી રહંતું સુખશાંતિ ગાને.
છૂટાં નથી, એકશરીર આપણે,
ખેલંત ભોળાં શિશુ એક આંગણે.
તમે એવી મહામોંઘી ઉચ્ચારી પ્રેમની ઋચા,
પસારી સર્વને ઉરે મધુરી જગબંધુતા.
બાંધીને સ્નેહનો સેતુ ભેદસાયર ઉપરે
સાંધો, સાધો! ઉરતંતુ વડે પશ્ચિમપૂર્વને!
તમે તો પૂર્વના છો ના, કે છો પશ્ચિમનાય ના,
અહિંસા, સત્ય ને પ્રેમ થોડાં છે કોઈ એકનાં?
સત્ય ને શાંતિ ને પ્રેમ લ્હેરે છે વિશ્વમાત્રમાં,
ને પૃથ્વીને પડે કો દી ઝમે છે યોગ્ય પાત્રમાં.
પૂંજી ન એ કેવલ વર્તમાનની!
ત્રિકાળની પાળ વિશાળ ભેદતી
એ તો અનંતે દિનરાત ઊભરે,
અખંડ વ્હેણે અવકાશને ભરે.
આજે ધરાનાં સુખસિંચનાર્થે
એ પ્રેમધારા તમ અંતરે ફૂટી,
જીવો તણા શાશ્વતમંગલાર્થે
વર્ષ્યાં કરો એ નિત શાંતિમૂર્તિ!
ભાવિએ મીટ માંડીને જોઈ'તી તમ વાટડી,
આજે એને મુખે કેવી રેખા આનંદની ઢળી?
ને રક્તરંગ્યો અતિચંડકાય,
સૈકાં થકી માનવ ભક્ષતો જે,
ફળેલ દેખી નિજ કર્મને, તે
હસી રહ્યો હર્ષથી ભૂતકાળ.
હસાવ્યાં ભૂત ને ભાવિ, હસાવો વર્તમાનને!
પઢાવો પ્રેમના મંત્રો ઘેલી માનવજાતને!
વિશાળે જગવિસ્તારે નથી એક જ માનવી:
પશુ છે, પંખી છે, પુષ્પો, વનોની છે વનસ્પતિ!
વીંધાય છે પુષ્પ અનેક બાગનાં!
પીંખાય છે પાંખ સુરમ્ય પંખીની!
જીવો તણી કાય મૂંગી કપાય છે!
કલેવરો કાનનનાં ઘવાય છે!
રડે છે પ્રકૃતિમાતા, દૂઝે છે દિલદુ:ખડાં;
અમી પી ન ધરાતાં, ને કપૂતો રક્ત રેલતાં!
છે પત્ર ને પુષ્પની પાંખડીએ
પ્રભુ તણાં પ્રેમપરાગપોઢણાં.
કલ્લોલતાં પંખીની આંખડીએ
ગીતો અનેરાં ચમકે પ્રભુ તણાં!
પ્રકૃતિમાં રમંતા એ દુભાશે લેશ જો દિલે,
શાંતિની સ્વપ્નછાયાયે કદી માનવને મળે?
સૌ જીવ આજે ઉરથી વહાવીએ
કારુણ્યની મંગલ પ્રેમધારા.
વસુંધરાનાં સહુ બાળકો મળી
બજાવીએ અંતરએકતારા.
હૈયેહૈયાં પ્રેમગાને જગાવી,
પ્રજાપ્રજા હાથમાં હાથ ગૂંથી,
ને સ્કંધે સ્કંધ સંપે મિલાવી,
ગજાવીએ સૌ જગઉંબરે ઊભી:
‘માનવી પ્રકૃતિ, वसुधैव कुटुम्बकम्!’
ને એ જશે શબ્દ અનંત વીંધી
જ્યાં ઘૂમતી કોટિક સૂર્યમાલા,
જ્યાં શાંતિના રાસ ચગે રસાળા,
यत्र विश्वं भवत्येकनीडम्
“ત્યાં દૂરથી મંગલ શબ્દ આવતો!
શતાબ્દીઓના ચિરશાંત ઘુમ્મટો
ગજાવતો ચેતનમંત્ર આવતો!”
૨૦ વર્ષના આ તરુણ કવિમાં આ મંગલ શબ્દના આગમન માટે ભારે કૌતુક છે. તે બહુ પ્રભાવકપણે પ્રભાવક શબ્દગુચ્છના પ્રભાવક છંદોલયમાં ઊપડે છે. જે મંગલ શબ્દ દૂરથી આવી રહ્યો છે એનું બયાન પણ એવું જ પ્રભાવક છે: ઉમાશંકરનો ‘મિશ્રોપજાતિ’ છંદ પ્રથમથી જ કેવાં “પ્રસન્નગંભીરપદા સરસ્વતી'’નું વરદાન પામેલો છે તે અનુભવી શકાય છે; જે શબ્દતત્ત્વ માટે કવિ આખી જિંદગી મથ્યા હતા તે તેના આરંભની પંક્તિમાં જ પમાય છે; ઉમાશંકરમાં થોડુંક નાનાલાલીય તત્ત્વ અનુસંધાન પામે છે; નાનાલાલના શબ્દનું પ્રૌઢ વિકસિત સ્વરૂપ ઉમાશંકરમાં અનુસંધાન પામી શક્યું છે; નાનાલાલમાં કાન્તના “ઊગ્યો પ્રફુલ્લ અમીવર્ષણ ચંદ્રરાજ” જેવા તેજઘડ્યા શબ્દો ઠેરઠેર પમાય છે; એવું ઉમાશંકરની કવિતામાં પણ એ ‘નાદતત્ત્વ'નો ટોનલ વેલ્યૂ (Tonal Value) મહિમા અનુભવાય છે. આ દૂરથી આવતો મંગલ શબ્દ (કહો કે ચેતનતંત્ર) કંઈ શતાબ્દીઓ પછી સંભળાય છે પાસે આવતો એને સત્કારવા ઉમાશંકરનો શબ્દલયછંદ બરાબર સજ્જ છે. આવા મંગલ શબ્દના કવિ રૂપે ઉમાશંકર પ્રગટ્યા છે એ કાવ્યયાત્રાના અંતે “છેવટનો શબ્દ મૌનને જ કહેવાનો હોય છે.” આવો પ્રારંભ અને આવો અંત એ બેની વચ્ચે ઉમાશંકરની ગુજરાતી ભાષા ઘડાતી આવી છે. વિદ્વાનોએ આ ‘વિશ્વશાન્તિ’ કાવ્યમાં ઉમાશંકરને સાક્ષરયુગના વારસદાર કહ્યા છે તે આ કારણે; ગાંધીયુગની કવિતાનો આ પ્રારંભિક ઉદ્ગાર છે તથાપિ પ્રૌઢ પવિત્ર ને પ્રેરક નીવડે તેવો છે. આપણે જોઈ શકીએ છીએ કે એક કવિ એના પ્રારંભમાં જ આવા પ્રૌઢ ઉદ્ગારો, આવો પ્રૌઢ છંદોલય પ્રયોજી શક્યો છે તે વિસ્મયકારક લાગે તેવું છે; ઉમાશંકર ‘સંસ્કૃતિ’ માસિકના તંત્રી જ ન હતા. એમનો આરંભનો શબ્દ પણ સંસ્કૃતિમૂલક છે પરિણામે તે આખા એક ‘સંસ્કૃતિપુરુષ’ સ્વરૂપે વિકસિત થયા છે જેનાં વાણી, મન અને કર્મ બધું જ સંસ્કૃતિમૂલક નીવડ્યું છે. ‘વિશ્વશાન્તિ’ ગાંધીયુગીન પ્રભાવ ઝીલતું કાવ્ય છે; પણ તેના નાયક ખુદ ગાંધીજી નથી; ગાંધીવિચાર જ નાયક છે; પેલો દૂરથી આવતો મંગલ શબ્દ ગાંધીજીના શબ્દમાં ઓગળી ગયો છે બાકી એ મંગલ શબ્દ હજારો વર્ષથી સુષુપ્ત હતો તે હવે ગાંધીવાણીમાં સક્રિય થઈને પ્રતિબિંબાયો છે. ઉમાશંકર તો યુનિવર્સિટીનાં તેજવાળો વિદ્યાપુરુષ છે. આ ઉંમરે એમણે હજારો વર્ષથી ભારતે સેવેલો સંસ્કૃતિ ઉદ્ગાર શોધી કાઢ્યો છે “તું પાપ સાથે નવ પાપી મારતો!; સુન્દરમે ગાંધીયુગની આ ખાસ વાત ગણીને કહ્યું છે “હણો ના પાપીને, દ્વિગુણ જગનાં પાપ વધશે.” આજે પેલો મંગલ શબ્દ જ ગાંધીયુગની કવિતામાં બરાબર ઝિલાયો છે. આ ‘વિશ્વશાન્તિ’ ખંડકાવ્યમાં છ ખંડકો છે. બહુશ્રુત એવા ઉમાશંકર મોટે ભાગે એમના અનુષ્ટુપાદિ પ્રશિષ્ટ છંદોમાં એક આદિ માનવથી માંડીને બે વિશ્વયુદ્ધો સુધીની વાત ઝડપ કરી આટોપી લે છે; કેટલાક ખંડકો આ વિચારભારથી લચી પડ્યા હોય તેમ લાગે છે; પણ સંકલિત કરવાની, સમેટી લેવાની શક્તિ પણ સુચવાય છે. આ ઠાંસીને કરેલી વાતથી એ અંશોમાં ભાષા કષ્ટાય છે; પણ ઉત્તમ તો એમના મિશ્રોપજાતિ છંદો જ છે; ગાંધીજી, ગુજરાતનાં ગાંધીયુદ્ધો, દાંડી, ધારાસણા, બારડોલી બધું જ તેનાં લક્ષણો સાથે ઉલ્લેખાયું છે; પણ ખંડક પ ‘વિશ્વશાન્તિ’નું નામ પામેલ આ ખંડકમાં કવિ ગાંધીજીની મૂર્તિ કંડારે છે, જુઓ, પૂર્વ ને પશ્ચિમની એકતા કરવા ગાંધીજીને પ્રાર્થના કરે છે. “પઢાવો પ્રેમના મંત્રો ઘેલી માનવજાતને”
પછીના ઉપ-ખંડકનો આરંભ કવિના પ્રથમ અનુષ્ટુપમાં આમ એમની અતિપ્રસિદ્ધ ને સિદ્ધ વાણીમાં થાય છે; વીસ વર્ષના છોકરા — કવિ હવે વિકસિત દૃષ્ટિ પામે છે ને કહે છે:“વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી:
પશુ છે, પંખી છે, પુષ્પો, વનોની છે વનસ્પતિ!”
રવીન્દ્રનાથે જે કણ્વાશ્રમનું વર્ણન કર્યું છે તે જ ભારતીય આદર્શ છે; બધું જ ઉમાશંકરમાં એકઠું થઈ જાય છે. જુઓ: “માનવી પ્રકૃતિ, સૌને વસુધૈવકુટુમ્બકમ્!” ‘કુટુમ્બકમ્’ પ્રત્યય લાગતાં આખું વિશ્વ એક કુટુમ્બ થઈને રહેશે; તેય કવિને હજી થોડુંક દૂર લાગતું એટલે હવે તો આદર્શ છે. ‘યત્ર વિશ્વ ભવત્યેકનીડમ્’ વિશ્વ થઈને રહેશે. હવે કુટુમ્બથીય લઘુ એવો ‘એકનીડ’ થઈ રહેશે એવી ઝંખના છે.
કવિના આ ભરતવાક્યથી ખંડકાવ્ય અખંડ થઈ જાય છે.“ને શાંતિ! શાંતિ! વદતો સુવિરાટ આત્મા
વિશ્વાન્તરે વિકિરશે ઉરસ્નેહ લીલા!”
“વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી;
માથે ધરું ધૂળ વસુન્ધરાની.”
ઉમાશંકર એમના છેવટના દિવસોમાં ઉનાળામાં વલસાડ તીથલ રહેવા આવ્યા હતા; ત્યારે એમનું વ્યાખ્યાન યોજ્યું હતું. ત્યારે મેં એમને ‘એક વિભૂતિ’ કહીને ઓળખાવ્યા હતા. એ મારું પણ ‘પરિણત’ એવું એમનું મૂલ્યાંકન હતું. એ ખરે જ એક માનવવિભૂતિ હતા, એક વિશ્વસંસ્કૃતિપુરુષ હતા. હવે એમની શતાબ્દી ઊજવાઈ રહી છે ત્યારે એ મહા કવિ થવા વિકસતા હતા, એવું એમનું વીસેક વર્ષે જ પાકટ જીવનદર્શન ને તેને પહોંચી વળતી ગુજરાતી ભાષાના છંદો, લયોનું સ્વરૂપ આપણી ભાષામાં ઉમેરતા ગયા છે. તેનું શ્રેષ્ઠ નિદર્શન ૧૯૩૧માં પ્રગટ થયેલા ‘વિશ્વશાન્તિ’ ખંડકાવ્યમાં આપતા ગયા છે, એ દર્શન અને એનું એ ગૌરવયુક્ત પ્રૌઢ આખ્યાન: આ બધાંથી અભિષિક્ત એ દર્શન-વર્ણનથી ઉમાશંકર ક્યારેય ચ્યુત થયા નથી; એ શબ્દની શોધમાં આખી જિંદગી જીવ્યા; દૂરથી આવતો મંગલ શબ્દ એમની આખી સાહિત્યસૃષ્ટિમાં એકાકાર છે; સાહિત્યને અંતે એ કહી શક્યા છે કે ‘નામ મારું ભાષામાં ઓગળી ગયું છે.’ હા, ઓગળી ગયા પછીય તેને ગુજરાતી ભાષાના પ્રૌઢ ઉપભોગ માટે “ના છે કસૂર કંઈ આવતી પેઢીઓની” કહેતા એ ભાવિ પેઢીઓ માટે મૂકતા પણ ગયા છે.