ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા/સંપાદકીય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 38: Line 38:
ગુજરાતના આટલા મોટા પ્રવાસસાહિત્યમાંથી પસાર થવાનો અનુભવ મથી નાખનારો છતાં એટલો જ રસપ્રદ ને આનંદદાયક રહ્યો છે.
ગુજરાતના આટલા મોટા પ્રવાસસાહિત્યમાંથી પસાર થવાનો અનુભવ મથી નાખનારો છતાં એટલો જ રસપ્રદ ને આનંદદાયક રહ્યો છે.
{{poem2Close}}
{{poem2Close}}
{{right|<big>'''– સંપાદકો'''<big>}}
{{right|<big>'''– સંપાદકો'''</big>}}


<br>
<br>

Revision as of 04:41, 5 May 2023

ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા

સંપાદકીય

અપરિચિતનો અનુભવ લેવાનો એક રોમાંચ હોય છે એટલે જ માણસ નીકળી પડતો હોય છે પોતાને વીંટળાયેલા નાનકડા જગતને ઠેકીને સ્હેજ બહાર. પહેલાં તો, સામે જો કોઈ ટેકરી દેખાતી હોય તો એની નજીક જવાનું કુતૂહલ જાગે છે ને એ પગ ઉપાડે છે. પછી તો એ ટેકરી પર ચડીને એની પારનાં, ને ચારેકોરનાં દૃશ્યોને જોયાનો આનંદ એનામાં હજુ વધુ દૂરની ઇચ્છા જગાડે છે – નિવાસમાંથી પ્રવાસ તરફની. આનંદ એકલાથી જીરવાતો નથી એટલે બીજા સાથે વહેંચીને, share કરીને આ ‘પ્રવાસી’ હળવો થાય છે ને વળી પોતાના પેલા આનંદને, સ્મરણાંકનથી, ફરી અનુભવે છે. વાતો કરવાથી આનંદ થોડાંકમાં પ્રસરે, એટલે ફાવટ હોય તો એ લખવા લાગે છે. લખતાંલખતાં પ્રવાસના પુનરનુભવ સાથે લેખનની શૈલી પ્રવેશે છે – એક ગદ્યરચના આકાર લે છે. પ્રવાસનું લેખન પણ પછી પરંપરા રચે છે. જુદાંજુદાં સ્થળોનાં જુદીજુદી વ્યક્તિઓએ કરેલાં વિવિધ ને વિશિષ્ટ પ્રવાસવર્ણનો. બસ આમ તો આટલી, આવી એક સાદી વાત છે. પણ પછી એ એટલી જ ને એવી જ સાદી વાત રહેતી નથી.

સીધી જ ગુજરાતી પ્રવાસલેખનની વાત કરીએ. પારસીઓ તો મૂળે જ નવુંનવું શોધવાના કુતૂહલવાળા. જેવા વિનમ્ર નિવાસ-ચાહકો, એવા જ અઠંગ પ્રવાસ-સાહસિકો. ડોસાભાઈ કરાકાએ ‘ગરેટ બરીટન ખાતે’ કરેલી મુસાફરીનું (૧૮૬૧માં) બયાન લખ્યું એ પહેલાં તો કેટલાક પારસીઓએ ચીનની મુસાફરી કરીને ‘અહેવાલ’ જેવું બયાન આપવા માંડેલું (જુઓ કાવસજી સોરાબજીના ૧૮૪૪થી ૧૮૪૮ દરમ્યાન છપાયેલા ‘ચીનનો અહેવાલ’ નામના બે ખંડો. (સંદર્ભ : ‘સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ ગ્રંથ-૨ કૃતિસંદર્ભ’, સંપા. રમણ સોની, ૨૦૧૨.).

મહીપતરામ નીલકંઠે અને કરસનદાસ મૂળજીએ ઇંગ્લૅન્ડના પ્રવાસનાં સચિત્ર પુસ્તકો આપ્યાં ( એ સમયે પણ એમાં કેટલા સુંદર ફોટોગ્રાફ!) એ દરમ્યાનમાં વળી ‘દક્ષિણ હિન્દુસ્તાનની મુસાફરી’નાં પુસ્તકો પણ મળવા લાગેલાં! ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં પચાસેક પ્રવાસ-કથનો, એટલે કે મુસાફરીનાં બયાનો, પ્રગટ થાય છે એમાં ઘણો મોટો હિસ્સો અલબત્ત, પારસીઓનો, પણ જિજ્ઞાસાભર્યાં સાંસ્કૃતિક નિરીક્ષણોએ અને વિસ્મયભર્યાં સૌંદર્ય-દર્શનોએ મહીપતરામ-કરસનદાસનાં પ્રવાસકથનોમાં વિશેષ મહત્ત્વ ધારણ કર્યું.

૧૯મી સદી પૂરી થઈ ને ૨૦મીનો ઉઘાડ થવા માંડ્યો એટલામાં તો વિશ્વપ્રવાસનાં બે દીર્ઘ પુસ્તકો મળ્યાં! કોઈ સુલેમાન શાહમહમદે ‘પૃથ્વીની પ્રદક્ષિણા’ નામે પુસ્તક (૧૮૯૫માં) આપ્યું એનું વિગતવાર શીર્ષક હતું – ‘પૃથ્વીની પ્રદક્ષિણા યાને દુનિયાનાં નામીચાં શહેરો અને અદ્ભુત કુદ્રતી દેખાવોવાળા મુલકો ખાતેની મુસાફરીની નોંધ (સચિત્ર)’ અને ૧૯મી સદીના અંતે કરેલા વિશ્વપ્રવાસનો ‘ગોમંડલ પરિક્રમ’(૧૯૦૨) નામે બૃહદ્ પ્રવાસગ્રંથ નંદકુંવરબા ભગવતસિંહ જાડેજા આપે છ,ે એ વધુ ખ્યાત થયો છે.

૨૦મી સદીના શરૂઆતના દાયકામાં યુરોપ-અમેરિકાના પ્રવાસનાં પુસ્તકોની સાથેસાથે ગુજરાત અને ભારતનાં વિવિધ સ્થાનોના પ્રવાસનાં પુસ્તકો તો મળ્યા જ કરે છે. પણ કાકા કાલેલકરનો ‘હિમાલયનો પ્રવાસ’(૧૯૨૪) પ્રગટ થાય છે ત્યારે સાંસ્કૃતિક અને સાહિત્યિક સંવેદના પ્રવાસનાં કથન-વર્ણન વચ્ચે કેવાં ઊપસી આવી શકે એનો પહેલીવાર આહ્લાદક પરિચય થાય છે. કાલેલકરનાં એ પછીનાં પ્રવાસનિબંધ-પુસ્તકો પણ પ્રવાસસાહિત્યની ઉત્તમતા અને આસ્વાદ્યતાને દૃઢાવે છે. કાલેલકરના જ પ્રવાસસાથી સ્વામી આનંદ ભાષા અને સંસ્કૃતિની સંવેદનાનો એક અલગ જ સ્વાદ આપનારો તીર્થાનુભવ કરાવે છે.

એ પછી આપણા વિખ્યાત નવલકથાકારો, વાર્તાકારો, ચિત્રકારો, કવિઓ પાસેથી પણ સર્જકતાની વિભિન્ન મુદ્રાઓવાળાં પ્રવાસકથાનકો/નિબંધો મળે છે– મુનશી, ર. વ. દેસાઈ, ધૂમકેતુ, સુંદરમ્, ઉમાશંકર-નું પ્રદાન એ રીતે નોંધપાત્ર છે. ચંદ્રવદન મહેતાએ પ્રવાસ મિષે આત્મકથનની, નાટ્યાનુભવની, એમ વિવિધ ‘ગઠરિયાં’ બાંધી એમાં એક ‘સફરગઠરિયાં’ પણ છે. પ્રવાસનિબંધ ગદ્યછટાઓનો જે સ્વાદ આપે એ ચંદ્રવદનમાં લાક્ષણિક રૂપનો છે.

એક નાનકડી ચોપડીમાં માત્ર લંડન શહેરની ‘અલગારી રખડપટ્ટી’નો વિશિષ્ટ આનંદાનુભવ રસિક ઝવેરીએ આપ્યો એ બતાવે છે કે ક્યારેક સ્થળદર્શન કરતાં પણ વિશેષ પરિસ્થિતિ અને પરિવેશમાં કરેલું મનુષ્યદર્શન, લેખકને તેમજ વાચકને વધુ અસરકારક અનુભવ આપે છે. પ્રવાસ થકી સૌંદર્યદર્શનનો રસાનુભવ કરાવતો, કાલેલકર પછીનો બીજો મહત્ત્વનો પડાવ ભોળાભાઈનાં પ્રવાસ-કથાનકોમાં જોવા મળે છે. દેશનાં ને વિદેશનાં અનેક સ્થળોએ, વિવિધ નિમિત્તે એમણે પ્રવાસો કર્યા એનાં ઘણાં પુસ્તકો એમની પાસેથી મળતાં રહ્યાં છે. એમાં એમની સાંસ્કૃતિક-સાહિત્યિક-પરિવેશવાળી રસદૃષ્ટિ અને રંગદર્શી સૌંદર્યદૃષ્ટિ એક આગવી સર્જકમુદ્રા આંકે છે.

છેલ્લા પાંચેક દાયકાનું આપણું પ્રવાસસાહિત્ય મુખ્યત્વે સૌંદર્યલક્ષી લલિત નિબંધો રૂપે પ્રગટતું રહ્યું છે. સર્જકના અંગતતમ સ્થળ-પ્રતિભાવો, વિશેષે કરીને પ્રકૃતિ-દર્શનનો આહ્લાદ તરલ ભાષારૂપમાં પ્રગટ થતા રહ્યા છે. દરેકની રેખાઓ થોડી અલગ પડતી વરતાય ત્યાં વાચકને નવાં સ્થળોના પરિચયની સાથે સર્જનાત્મક ગદ્યની તાજગીનો અનુભવ પણ મળતો હોય છે.

આપણા પ્રવાસ-સાહિત્યની કેટલીક વિશેષતાઓ ને લાક્ષણિકતાઓ નોંધવાસરખી છે :

શરૂઆતનાં પ્રવાસ-પુસ્તકોમાં સ્થળની જાણકારી અને માહિતી પણ રોમાંચક અને આસ્વાદ્ય બનતાં હતાં. પણ હવે દુનિયાભરનાં પ્રવાસ-સ્થાનોની પ્રત્યક્ષ અને પરોક્ષ(ઈન્ટરનેટ વગેરે થકી) જાણકારી સર્વસુલભ બનતી ગઈ છે ત્યારે માનવસર્જિત કે પ્રાકૃતિક સૌંદર્યસ્થાનોને જોવાની વિશિષ્ટ સર્જકદૃષ્ટિ જ પ્રવાસ-અનુભવને આસ્વાદ્ય બનાવી શકે. વિચારલક્ષી નિબંધ લલિત થતો ગયો એ જ રીતે પ્રવાસ-નિબંધ પણ અવલોકનની અને ગદ્યની સર્જકતાથી મંડિત થતો ગયો.

પરંતુ, પ્રવાસ કરવાનું સરળ બનતું ગયું છે ને પ્રવાસનાં નિમિત્તો પણ વધતાં રહ્યાં છે એથી પ્રવાસનાં પુસ્તકોમાં પણ જે વૃદ્ધિ થતી રહી છે, એમાંનાં કેટલાંંક પુસ્તકો તો ૧૯મી સદીમાં થયેલા પ્રવાસના ‘અહેવાલો’થી આગળ વધતાં નથી. ઘણાં પ્રવાસકથાનકો તો સ્થળકેન્દ્રી હોય એ કરતાં વધુ સ્વ-કેન્દ્રી બન્યાં છે. અમેરિકા જેવા દેશમાં યજમાનો પોતાને આદરપૂર્વક ક્યાંક્યાં લઈ ગયા ને વળી ક્યારેક તો પોતે લેખક (કે પ્રોફેસર) હોવાથી પોતાનું કેવું બહુમાન થયું એની વાતોમાં અટવાય છે. આવું ન થતું હોય એવાં કેટલાંક પ્રવાસકથાનકો નદી, દરિયો, પર્વત આદિનાં, કોઈ જુદી ઓળખ વિનાનાં કે સ્પંદ વિનાનાં પરપ્રભાવી વર્ણનોમાં અટવાયેલાં છે. એવાં કથાનકોની પ્રવાસ-‘સાહિત્ય’માંથી બાદબાકી જ થવાની.

સાહિત્યનાં બીજાં સ્વરૂપોમાં એમ પ્રવાસસાહિત્યમાં પણ સ્ત્રીલેખકોનું પ્રદાન મહત્ત્વનું રહ્યું છે. વિસ્મયથી ને સાહસથી દુનિયાભરમાં ઘૂમી વળીને નિજી દૃષ્ટિકોણવાળું પ્રવાસકથન આપનાર પહેલાં સ્ત્રીલેખક નંદકુંવરબા છે. ૧૯૦૨માં પ્રગટ થયેલા એમના બૃહદ્ પ્રવાસગ્રંથની ૨૦૦૯માં બીજી આવૃત્તિ થઈ – ‘ગોમંડળ પરિક્રમ’. (‘ગોમંડળ પરિક્રમ’ એવું એનું શીર્ષક પણ સૂચક છે.) પ્રીતિ સેનગુપ્તા દુનિયાનાં વિવિધ સ્થાનોમાં એકલપંડે હિંમત અને સાહસપૂર્વક ને રસપૂર્વક પ્રવાસો કરનાર સ્ત્રી-પ્રવાસી છે. એમના નિરંતર ભ્રમણનો હિસાબ એમણે અનેક પ્રવાસપુસ્તકો પ્રગટ કરીને આપ્યો છે. એ જ રીતે, પૂર્વમાં જાપાનથી ઉત્તરધ્રુવવૃત્તની નિકટના આઇસલૅન્ડ સુધી ને સમગ્ર યુરોપમાં; અખૂટ રસથી, ડૉ. રાજીવ રાણેની સાથે નિયમિતપણે પ્રવાસે જનાર ભારતી રાણે પણ છેલ્લા દોઢ-બે દાયકામાં આપણાં એક અગ્રણી પ્રવાસ-લેખકની શાખ પામ્યાં છે. નવલકથાકાર વર્ષા અડાલજાએ પણ એવાં જ રસપ્રદ પ્રવાસકથાનકો આપ્યાં છે. અરુણા ચોક્સી અને પ્રજ્ઞા પટેલે હિમાલયના અનુભવનાં કથાનકો આપ્યાં છે. પ્રવાસકથાની સાથે હાસ્યકથાનું સંયોજન કલ્પના દેસાઈનાં પ્રવાસપુસ્તકોની લાક્ષણિકતા છે. ગુજરાતી પ્રવાસસાહિત્ય વિશે સંશોધન-ગ્રંથ આપનાર અરુણા બક્ષીને પણ અહીં જ યાદ કરી લઈએ.

આ સંપાદનમાં પ્રવાસકથા-અંશો તથા પ્રવાસ-નિબંધોનું ચયન સમયાનુક્રમે કર્યું છે. બને તેટલી લાક્ષણિક સર્જક-પ્રતિભાઓને સમાવવાનો અમારો પ્રયત્ન રહ્યો છે. એકાધિક પુસ્તકો આપનાર લેખકોનાં બે લખાણો, અને કાલેલકર તથા ભોળાભાઈમાંથી ત્રણ-ત્રણ લખાણો લીધાં છે. એ સિવાય, અહીં પસંદ કરેલા દરેક લેખકનો એકએક મહત્ત્વનો નિબંધ લીધો છે. પસંદગીમાં સંપાદકની રુચિનો પ્રવેશ તો સહજ છે, છતાં સંપાદકો એકથી વધુ હોય તો, વધુ વસ્તુલક્ષી પણ બની શકાતું હોય છે – આમ છતાં સંપાદકોની મર્યાદાને પણ સ્વીકારવાની હોય જ. ગુજરાતના આટલા મોટા પ્રવાસસાહિત્યમાંથી પસાર થવાનો અનુભવ મથી નાખનારો છતાં એટલો જ રસપ્રદ ને આનંદદાયક રહ્યો છે.

– સંપાદકો