છંદોલય ૧૯૪૯/અકારણે: Difference between revisions
Jump to navigation
Jump to search
અકારણે
(+1) |
m (Meghdhanu moved page છંદોલય ૧૯૪૯ /અકારણે to છંદોલય ૧૯૪૯/અકારણે without leaving a redirect) |
(No difference)
|
Latest revision as of 00:06, 23 March 2024
અકારણે આજ મારું મન ઘેલું ઘેલું થાય!
મૂગું ર્હેવા જેમ મનાવું તેમ એ વ્હેલું ગાય!
મારે અધર સ્મિત ફૂટે
તો ઝાકળ થૈને છાય,
નેનમાંથી જો નીર છૂટે
તો હસી હસી ન્હાય;
વણજોયાને વ્હાલ કરે ને નિજનાને ના ચ્હાય!
અકારણે આજ મારું મન ઘેલું ઘેલું થાય!
લોકની માયા શીય કીધી
તે નિજમાંયે ના માય,
કોકની છાયા જોઈ લીધી
કે ચરણ ચૂમવા જાય;
ક્યારેય જે ના નોતરે એને ઘેર એ પ્હેલું જાય!
અકારણે આજ મારું મન ઘેલું ઘેલું થાય!
૧૯૪૮