સ્ટેચ્યૂ/અગાશીનો માણસ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
<br>
<br>
{{Rule|height=2px}}
{{Rule|height=2px}}

Latest revision as of 01:04, 2 May 2024




અગાશીનો માણસ



અમારી શેરી બેઠા ઘાટનાં ડેલીબંધ ઘરોથી શોભતી. એ ઘરો બંધાયા પછી ક્યારેય ચૂનો કે મટોડી પામ્યાં નહોતાં એટલી એની ભીંતો પર ઋતુઓનાં ચિતરામણ ઊડીને આંખે વળગતાં. દરેક ઘરને ઊભાં અને આડાં ચાપડાવાળી, દેશી ઢબની લાકડાની ડેલી હતી. એ ડેલીની કોરેમોર દીવો મૂકવા માટે ગોખલા હતા. એ ગોખલાઓ દિવાળીની રાતોમાં ખાસ ઝગમગી ઊઠતાં. એ સિવાયના દિવસોમાં પોતાના ભાગમાં આવેલી શૂન્યતાને સંઘરીને, શબના ખૂલી ગયેલા મોઢા જેવા એ લાગતા. કોઈક ઘરો ઉપર બાંધેલી અગાશી હતી તો કોઈક ઘરો ઉપર ઉઘાડાં ધાબાં હતાં. ઉનાળાના દિવસોમાં એ અગાશીઓ અને ધાબાનો ઉપયોગ માંકડથી ખદબદતાં ગાદલાં-ગોદડાં તપાવવા માટે થતો. એકાદ-બે ધાબાં ઉપર તો ઝોળો ખાઈ ગયેલી ખાટલીઓ કાયમ પડી રહેતી. અમારી શેરીમાં ખુલ્લી ગટર હતી એટલે શેરીનાં બૈરાંઓ પોતાનાં નાના ટાબરિયાઓને શૌચકર્માર્થે નિ:સંકોચ ગટર પર બેસાડતી. ગાય, ભેંસ અને ઢાંઢા જેવા હરાયાં ઢોર બામ્બૈડા નાખતાં શેરીમાં ગમે તે સમયે રખડતાં જોવા મળતાં. મછા ભરવાડના ઢોરથી તો આખી શેરી રાડ નાખતી. મછો ભરવાડ ઘણો ઉસ્તાદ હતો. એ દૂધાળાં ઢોરને ડેલીમાં લઈ લેતો અને વસૂકી ગયેલાં ઢોરને શેરીને ભરોસે છોડી દેતો. મછાનું ઢોર ગમે તે ઘડીએ, ગમે તેની ડેલીમાં બેધડક ઘૂસી જતું. અરે જે કાંઈ મોઢે ચડ્યું તે ચાવી જતું. એકવાર મછાની ગાય મારું બાંડિયું ચાવી ગઈ. હું પાછળ દોડ્યો પણ બાંડિયું બચ્યું નહીં પછી મારી બા ગાયની રાવ ખાવા મછાને ઘેર ગઈ હતી. અમારી શેરીમાં ક્રિકેટ રમવા માટે અનુકૂળ આબોહવા સર્જવામાં મગન ઠાઠીનું ઘર અવરોધક હતું. અમે ક્રિકેટ રમતા હોઈએ ને ભૂલેચૂકેય જો દડો મગન ઠાઠીના ફળિયામાં પડ્યો તો એ દડો ગયો જ સમજવો. અમે ડેલીની બહાર ઊભા ઊભા ઘણુંયે કરગરીએ પણ મગન ઠાઠીના ઘરમાંથી હંમેશા એક જ જવાબ મળતો : 'દડો આવ્યો જ નથી !' આમ અમારા ટેનિસના રબ્બરના કેટલાય દડાઓ મગન ઠાઠીનું ઘર ખાઈ ગયું છે. મને હવે સમજાય છે કે અમારી શેરીમાં મહાન ફટકાબાજ બેટ્સમેન નથી પાક્યો એ માટે મગન ઠાઠીનું ઘર જવાબદાર છે. ગોકુળના છોકરાઓ તો નસીબદાર હતા કે એની ટીમમાં શ્રીકૃષ્ણ હતા એટલે યમુનાના ઊંડા ધરામાંથી એ કાલિયમર્દન કરીને દડો પાછો લાવતા, પણ અમારી ટીમમાં એવો કોઈ કૃષ્ણ નહોતો કે એ મગનમર્દન કરીને દડો પાછો લઈ આવે. અમારી શેરી કૌતુકથી છલકાતી હતી. સિત્તેર વર્ષના ડોસાડગરાની આંખમાં પણ કૌતુકનાં કબૂતરો ઊડાઊડ કરતાં. (જોયું? ફરી પાછી છઠ્ઠી વિભક્તિ) કોઈની મોટર આવે તો ફટોફટ ડેલીનાં આગળિયા ખૂલવા લાગતાં. મેડીબંધ ઘરોની બારીઓ ધડાધડ ખૂલવા લાગતી. હાથ એકનો ઘૂમટો તાણીને ડેલી બહાર સગડી મૂકવા આવેલી વહુઆરુઓ પણ સહેજ ઘૂમટો ઊંચો કરીને મોટરને આડી નજરે જોઈ લેતી. આખી રાત ઊધરસ ખાઈખાઈને બેવડું વળી ગયેલા એંશી વરસનાં અરજણબાપા પણ ડેલીમાંથી ડોકું તાણીને મોટર જોઈ લેવાનું ચૂકતા નથી. એમાંય જો આકાશમાંથી ઘરર કરતું વિમાન પસાર થાય તો એ જોવા માટે તો આખી શેરી અગાશી અને ધાબા ઉપર ચડતી. વિમાન દેખાતું બંધ થાય ત્યાં સુધી ‘એ જાય.... એ જાય..એ જાય.. ‘ની ચિચિયારીઓથી શેરી ગાજી ઊઠતી અને અગાશીઓ હેલે ચડતી. અમારી શેરીનાં મકાનો અનિયમિત આકારનાં હતાં. દરેક ઘરોમાં ઓસરી, ફળિયું અને અગાશી તો હોય જ. ધાબા કે અગાશી વિનાના મકાનો માથાબંધણ વિનાના જણ જેવા લાગે છે. એટલે એ મકાનોને ઘર કહેવાનું મન નથી થતું. મને લાગે છે કે જે મકાનમાં ઓસરી, ફળિયું અને અગાશી નથી એ મકાન ઘર નથી પણ બખોલ છે. દર છે. આપણાં ઘરોમાં ઓસરી એ કૌટુંબિક સંવાદો માટેનો રંગમંચ છે. ઓરડા અને રસોડાની ગૂંગળામણ જ્યાં પગ મૂકતાં જ ઓસરી જાય તે ઓસરી, કોઈ બંધિયાર ઓરડા કે ઓરડામાંથી આપણે ઓસરીમાં આવીએ છીએ ત્યારે આંખ અને જીભ બેય મોકળી થઈ જાય છે. કેટલીક ઓસરીઓ મીઠો આવકાર આપતી ખાટે ઝૂલતી હોય છે તો કેટલીક ઓસરીની જાળીઓ મોટે ભાગે બંધ રહેતી હોય છે. અમારી શેરીનાં ઘરોમાં જેટલી ઓસરીઓ હતી એ બધી ઉઘાડી ઓસરીઓ હતી. વિશ્વનાથ કાનજી જેવા ખમતીઘરનું ખોરડું હોય તો જ જાળીબંધ ઓસરી જોવા મળતી. થાંભલીબંધ ઓસરીની વિશેષતા એ હતી કે તેમાં એક ખાંડણિયો હોય અને બાવળિયા કે પોલા ટાંકાના ભરતથી શોભતા ચાકળાઓ ભીંતે ઝૂલતા હોય. આ ઓસરીઓ ખૂબ રોમેન્ટિક લાગતી. ફળિયું એ પડોશીઓ સાથેનો સંવાદનો રંગમંચ છે. આમ ઓસરીએ ઓરડાનો ચેતો-વિસ્તાર છે અને ફળિયું એ ઓસરીનો ચેતોવિસ્તાર છે. અમારાં ફળિયાઓ ગારથી લીંપેલાં ફળિયાંઓ હતાં. એ ફળિયાંની ઓકળીઓમાં ઊપસી આવેલી હજારો આંગળીઓ જાણે કે લખોટીઓ રમતી હોય એવું ફળિયામાં પ્રવેશતાં જ લાગતું. દરેક ફળિયામાં તુલસીક્યારો હોય અને ચકલાઓને પાણી પીવા માટે ટાંગેલી ઠીબ હવામાં ઝૂલતી હોય. ફળિયામાં કોઈ નવું વૃક્ષ ન હોય તો ફળિયાં જામતાં નથી. અમારા ફળિયામાં પપનસનું વૃક્ષ હતું. એ વૃક્ષને ક્યારેય ફળ આવતાં નહીં એટલે દાદીજીએ કપાવી નાંખેલું ત્યારે હું ખૂબ રડેલો. એ વૃક્ષ કપાઈ ગયા પછી અમારું ફળિયું મુંડન કરાવેલા માથા જેવું લાગતું. દર ચાર મહિને જીવાબાપા અમારા વાળ કાપવા હજામતની પેટી લઈને ફળિયામાં હાજર થઈ જતા. અમે ઝંડુરિયા જેવા માથા લઈને લાઈનબંધ બેસી જતા. જીવાબાપા સૌથી પહેલાં હજામતની પેટી નીચે મૂકતા, પછી પોઝિશન લઈ માથું પકડતા અને કહેતા 'તારો બોથલો સરખો રાખ્ય!' માથા માટે ‘બોથલો’ શબ્દ પહેલીવાર મેં જીવાબાપાના મોઢેથી સાંભળ્યો. પછી તો જેમ કોઈ માળીની કાતર મેંદીની વાડ ઉપર ફરી વળે એમ જીવાબાપાની કાતર મારા માથા ઉપર ફરી વળતી. જીવાબાપા વાળ કાપવાની બાબતમાં શિસ્તના આગ્રહી નહોતા. એટલે કાતર સાથે એમનો યદચ્છાવિહાર અમારા માથા ઉપર થતો. દર વરસે અમારી ઓસરીમાં નાથો દરજી બેસતો. નાથો દરજી બેઠી દડીનો, સતત પાન ખાનારો, જાડા કાચનાં ચશ્માં પહેરનારો અને બૈરાઓ સાથે બોલબોલ કરનારો હતો. એ અમને રમૂજી ટૂચકા જેવો લાગતો. વ્યક્તિગત સિલાઈ માટે એની બહુ નામના નહોતી પણ સામૂહિક સિલાઈનો એ વિશારદ હતો. એ જ્યારે ચલી, પોપલીન અને શાર્કસ્કીનના તાકાઓ વેતરવા બેસતો, ત્યારે એનો આત્મવિશ્વાસ ભલભલાને દંગ કરી મૂકતો. નાથા દરજીએ સીવેલું બાંડિયું તરત ઓળખાઈ આવતું. પુ. લ. દેશપાંડેના દરજીની જેમ એ અમારા કાપડનું માપ પટ્ટીથી નહીં પણ નજરથી લેતો એટલે અમારાં કપડાં સીવાઈને તૈયાર થાય અને પહેલવારુકા પહેરીએ ત્યારે અમે ડાગલા જેવા લાગતા. બાંડિયું કે ચડ્ડી મોટાં સીવાયાં છે એવી ફરિયાદ લઈને નાથા પાસે જઈએ તો એ તરત કહેતો : 'એકાદ ધોણમાં ચડીને માપસર થઈ જશે.' અગાશીએ આકાશ સાથે સંવાદ સાધવા માટેનો રંગમંચ છે. તમે અગાશીમાં પગ મૂકો છો ત્યારે ઓરડા, ઓસરી અને ફળિયાની સરહદોને તોડીને અસીમ સાથે નાતો બાંધો છો. આપણા રોજબરોજના જીવનમાં કેટલાક માણસો ઓસરીના માણસો હોય છે - જે ઓસરીની પાટે સોપારી કાતરતા કાતરતા જીભ હલાવતા બેઠા જ હોય છે. અને કેટલાક માણસો ફળિયાના માણસો હોય છે, જે ફળિયામાં ભોયની પટલાઈ કરતા પડોશીઓના ઉંબરા ભાંગતા હોય છે. તો કેટલાક અગાશીના માણસો હોય છે, જે ઓસરી અને ફળિયાના કલબલાટથી કંટાળીને સડસડાટ અગાશી ઉપર ચડી જતા હોય છે. હું મને અગાશીનો માણસ લાગ્યો છું. અમારી અગાશીમાં બારમાસીનાં બે કૂંડાં કાયમ પડ્યાં રહેતાં. ઉનાળાની સિઝન આવે ત્યારે મારી બા ચોખાની ફરફર પાડતી અને ખાટા પાણીમાં બોળેલી કેરી સૂકવવા મૂકતી. એ ફરફર અને કેરી કાગડાઓ ફોલી ન ખાય એ માટે રખોપિયા તરીકે તે મને બેસાડતી. હું કાગડા ઉડાડતો અગાશીમાં બેઠો જ હોઉં. ઉનાળાના આકરા બપોરે હું સમળીના ચકરાવાઓ સતત જોયા કરતો. એક ખોરડેથી બીજે ખોરડે ઊડતા પોપટો જોયા કરતો. ભૂખ લાગે તો જે કાંઈ સૂકવ્યું હોય તેમાંથી ખાઈ લેતો. ઓસરી અને ફળિયામાંથી હું અગાશીમાં કેમ ધકેલાઈ ગયો એ વિશે વિચાર કરતાં મને લાગે છે કે મારી તોતડી ભાષાએ મને અગાશીનો માણસ બનાવી દીધો છે. એ દિવસોમાં મારી જીભ ખૂબ તોતડાતી. કોઈની સાથે સંવાદનો પ્રસંગ પડે તો મને પરસેવો છૂટી જતો. એક વાક્ય પૂરું કરતાં મને નાકે દમ આવી જતો. મારી બા સિવાય હું કોઈની સાથે બહુ બોલતો જ નહીં. અમારા આખા કુટુંબમાં મારી બા જ એક એવી હતી કે જેની પાસે હું મુક્ત રીતે તોતડું બોલી શકતો હતો. ઘરમાં ખૂબ મહેમાનો વધી ગયા હોય તો એ તરત મને અગાશીમાં મોકલી દેતી. હું અગાશીમાં ઊડતા પોપટ અને સમળીના ચકરાવા જોયા કરતો. રાત્રે હું અગાશીમાં સૂતો હોઉં ત્યારે પણ સપ્તર્ષિ, મૃગશીર્ષ, આકાશગંગા અને વૃશ્ચિક સાથે મારો બીક ભર્યો સંવાદ સધાઈ જતો. સપ્તર્ષિને ટગર ટગર જોતાં મારી આંખ ક્યારે મળી જતી એની મને ખબર પડતી નહીં.