સોનાની દ્વારિકા/છવ્વીસ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(+1)
 
Line 18: Line 18:
‘કાકા! આ મન્સૂરી એટલે કોણ?
‘કાકા! આ મન્સૂરી એટલે કોણ?
‘ઈ આપડા ગામનો જણ છે. વડોદરામાં રહે છે, બહુ મોટો ચિત્રકાર છે!’
‘ઈ આપડા ગામનો જણ છે. વડોદરામાં રહે છે, બહુ મોટો ચિત્રકાર છે!’
‘આપડી પ્રેમિકાનું ચિત્ર બનાવી દે?’
‘આપડી પ્રેમિકાનું ચિત્ર બનાવી દે?’
‘આપડે કહીએ તો કદાચ બનાવીએ દે! પણ ફોટો આપવો પડે!’
‘આપડે કહીએ તો કદાચ બનાવીએ દે! પણ ફોટો આપવો પડે!’
‘ઈ હાળું કાઠું!’
‘ઈ હાળું કાઠું!’
Line 63: Line 63:
‘એટલોય ભરોંસો ન હોય તો રહેવા દે… પણ એટલું યાદ રાખજે કે યે દિલ તેરા દિવાના...’
‘એટલોય ભરોંસો ન હોય તો રહેવા દે… પણ એટલું યાદ રાખજે કે યે દિલ તેરા દિવાના...’
અને શમ્મીએ લાઈનપીન કાઢી નાંખી. મંગળવારની આખી રાત આંખ ઘેરાય પણ ઊંઘ ન આવે. સુમિત્રાના ચહેરાની કલ્પના કર્યે રાખે પણ એકાદીયે રેખા ન પકડાય. ફક્ત અવાજ સંભળાયા કરે. ઘડીક એમ લાગે કે શર્મિલા ટાગોર જેવી જ હોવી જોઈએ, વળી એમ થાય કે સાચે જ ફાંગી આંખોવાળી તો નહીં હોય? પોતે જુઠ્ઠું બોલ્યો હતો કે પગે પોલિયો છે, પણ એ સાવ સાચું જ બોલી હોય તો? પણ છેવટે એણે મક્કમતા ધારણ કરી. મનને કહ્યું કે, ‘જે આપડા કિસ્મતમાં હશે એ જ મળશે. હવે પાછી પાની કરે એ શમ્મી નહીં!’ ઈમાનદારી અને બાપના બોલે પડ્યું પાનું નિભાવશે જ એવું જાતને વચન આપ્યું. ત્યાં જ પોતાની વિધવા માનો અવાજ સંભળાયો :  
અને શમ્મીએ લાઈનપીન કાઢી નાંખી. મંગળવારની આખી રાત આંખ ઘેરાય પણ ઊંઘ ન આવે. સુમિત્રાના ચહેરાની કલ્પના કર્યે રાખે પણ એકાદીયે રેખા ન પકડાય. ફક્ત અવાજ સંભળાયા કરે. ઘડીક એમ લાગે કે શર્મિલા ટાગોર જેવી જ હોવી જોઈએ, વળી એમ થાય કે સાચે જ ફાંગી આંખોવાળી તો નહીં હોય? પોતે જુઠ્ઠું બોલ્યો હતો કે પગે પોલિયો છે, પણ એ સાવ સાચું જ બોલી હોય તો? પણ છેવટે એણે મક્કમતા ધારણ કરી. મનને કહ્યું કે, ‘જે આપડા કિસ્મતમાં હશે એ જ મળશે. હવે પાછી પાની કરે એ શમ્મી નહીં!’ ઈમાનદારી અને બાપના બોલે પડ્યું પાનું નિભાવશે જ એવું જાતને વચન આપ્યું. ત્યાં જ પોતાની વિધવા માનો અવાજ સંભળાયો :  
‘જિતુ બટા! આજ ચ્યમ ઊંઘ જતી રઈ સે તારી આખ્યુંમાંથી? કંઈ ચંત્યામાં તો નથી આવી જ્યો ને?’
‘જિતુ બટા! આજ ચ્યમ ઊંઘ જતી રઈ સે તારી આખ્યુંમાંથી? કંઈ ચંત્યામાં તો નથી આવી જ્યો ને?’
જિતુ પથારીમાં બેઠો થઈ ગયો. એને થયું કે માને કહેવું કેમ? પણ હિંમત કરી.
જિતુ પથારીમાં બેઠો થઈ ગયો. એને થયું કે માને કહેવું કેમ? પણ હિંમત કરી.
‘બા, એવું તો કંઈ નથી, પણ હું કાલ્ય સવારે વહેલો અમદાવાદ જાવાનો છું!’
‘બા, એવું તો કંઈ નથી, પણ હું કાલ્ય સવારે વહેલો અમદાવાદ જાવાનો છું!’

Latest revision as of 05:07, 25 June 2024

છવ્વીસ

ચિત્રકાર ગુલામઅબ્બાસ મન્સૂરીને લલિતકલાનો રાજ્ય કક્ષાનો એવોર્ડ જાહેર થયો છે એ સમાચાર છાપાંમાં વાંચીને ધનસુખલાલ ખુશ થયા. રાજીપાથી રહેવાયું નહીં એટલે કાન્તિલાલ શેઠને ટેલિફોન જોડવા રિસિવર ઉઠાવ્યું. એ ‘હ… લ્લો’ એમ બોલે ત્યારે સામેથી ‘નંબર પ્લીઝ!’ ને બદલે મોટેભાગે તો ‘બોલો કાકા!’ એવો જ અવાજ આવે. ટેલિફોન એક્સ્ચેન્જમાં બધાં ઓપરેટર ભાઈબહેનો ધનસુખલાલનો નંબર અને અવાજ ઓળખે. શમ્મી ડ્યૂટી ઉપર હોય ત્યારે તો ફોન જોડી આપતાં પહેલાં પૂછે : ‘કેમ છો કાકા? મજામાં?’ ધનસુખલાલ મૂડમાં હોય ને એમની પાસે સમય હોય તો વિજયા ટોકિઝમાં ચડેલી ફિલ્મ વિશે અભિપ્રાય પણ પૂછી લે. શમ્મી ફિલ્મનો એવો શોખીન કે એની પાસેથી જોઈતી અને ન જોઈતી બધી માહિતી મળી જાય. હીરો-હીરોઈનની તો જાણે કે બધાંને ખબર હોય, પણ કોણ સંગીતકાર, કોણ કોણ ગાયક, કોણે લખ્યાં ગીતો, પટકથા કોની, કેટલાં રીલનું પિક્ચર? આ બધા પ્રશ્નોના ઉત્તરો એને મોઢે હોય. વધારામાં પોતાનો અભિપ્રાય પણ આપે. કેટલાં વીક ચાલશે એનો અંદાજ પણ આંકે. ‘રૂપેરી દુનિયા’નું પાનેપાનું ચાવી ગયો હોય, પાછી એકેય ફિલ્મ છોડી ન હોય, કેટલીક તો બે-ત્રણ વાર જોઈ હોય. આવનારી અને બની રહેલી ફિલ્મો વિશેની જાણકારી પણ ઘણી. આ શમ્મીનું અસલ ગામ ખેરાળી અને મૂળ નામ જિતેન્દ્ર. કરુણાશંકરના દૂરના પિતરાઈના દીકરાનો દીકરો. પણ એ લોકો ઘણાં વરસથી સુરેન્દ્રનગર રહેવા જતાં રહેલાં. ગામમાં ઘર ને ખેતર બધુંય હતું. પણ આર્થિક તંગીને કારણે, સુરધનવાળો એક ઓરડો રાખીને બાકીનું એક પછી એક એમ બધું વેચીસાટીને પૂરું કરી દીધેલું. વરસે એક વાર કાળી ચૌદશે સુરધનના નૈવેદ્ય કરવા ગામમાં આવે, ત્યારે જિતુની બા જીવ બાળે કે ગોકળપરી જેવું રૂપાળું ગામ મેલીને ગયાં એમાં જ અમારું મૂળ નીકળી ગયું! જિતુ શમ્મી કપૂરનો એટલો બધો આશિક કે ન પૂછો વાત. એનો ચહેરો પણ શમ્મી જેવો લાગે. એટલે શમ્મીની જેમ જ ચાલવું-બોલવું જોવું. વાણીથી વધારે શરીર દ્વારા પ્રગટ થાય. કપડાં પણ એવાં જ. લાલપીળાં. કોઈ એને જિતેન્દ્ર કે જિતુ કહે જ નહીં. કોલેજની ટેલેન્ટ ઈવનિંગમાં પણ એ શમ્મીની સ્ટાઈલમાં જ ગાય અને ગડથોલાં પણ એની જેમ જ ખાય! એમ સમજોને કે એનું નામ જ શમ્મી થઈ ગયેલું. શમ્મી કપૂર પણ, પોતાને વિશે કદાચ ન જાણતો હોય એવી એવી વાતો એની પાસેથી જાણવા મળે! પડદા ઉપર શમ્મીએ ગાયેલાં બધાં ગીતો એને મોઢે. જ્યારે જુઓ ત્યારે એના મોઢામાં કોઈ ને કોઈ ગીત હોય જ. તમામ સંવાદોથી માંડીને બેકગ્રાઉન્ડ મ્યૂઝિક સુધીની કોઈ એક આખી ફિલ્મ એના ચિત્તમાં રમતી હોય. કોઈ એની પાસે શમ્મી કપૂરની ટીકા કરે તો આવી જ બને! શમ્મી સારો એક્ટર છે એના હજાર પુરાવા આપે. દલીલો કરે. શમ્મીનો એક ભાઈબંધ નીતિન પુજારા. બંને જણ ફિલ્મોના શોખીન. પણ ઘેરથી તો બે મહિને એક જ ફિલ્મ જોવાની છૂટ. આ લોકો ઘેરથી કહ્યા વિના જ નીકળી જાય. ફિલ્મ જોઈને આવે પછી બંનેના ઘરમાં પરેડ લેવાય. ક્યારેક તો બરોબરનો માર પણ પડે. પરંતુ ફિલ્મોનું ઘેલું એટલું બધું કે ન પૂછો વાત. ત્રણથી છ કે છથી નવ બહાર રહે એટલે ઘેર ખબર પડી જ જાય. એમાંથી બચવા માટે આ ભાઈબંધોએ એક યુક્તિ શોધી કાઢેલી. બરાબર અઢી વાગ્યે. નીતિન શમ્મીના ઘરે આવી જાય. માને કહે કે- ‘માસી અમે થોડું ગામમાં ફરી આવીએ.’ માસી રસોડામાંથી અને ઘરકામમાંથી માંડ પરવાર્યા હોય એટલે થોડાં ઊંઘરેટાં હોય. બંને જણ નીકળી પડે. વિજયા ટોકિઝમાં જઈને એક ટિકિટ લે. નીતિન એકલો ફિલ્મ જોવા જાય ને અડધા પોણા કલાકમાં તો શમ્મી પાછો ઘેર આવી જાય. કંઈ નાનુંમોટું કામ હોય તો પતાવીને પાછો સાડા ચારે ટોકિઝ પર હાજર! એ વખતે ઈન્ટરવલ પડે અને નીતિન પીળો પાસ લઈને બહાર આવે. બંને થોડા સીંગચણા ખાય અને પીળો પાસ લઈને શમ્મી ફિલ્મમાં બેસે. નીતિન એના ઘેર ચાલ્યો જાય. બીજે દિવસે એ જ પ્રમાણે ટિકિટ લેવાની. આ વખતે શમ્મીને અંદર મોકલીને નીતિન પોતાના ઘેર જતો રહે. શમ્મી ગઈકાલનો આગળનો ભાગ આજે જુએ. ઈન્ટરવલમાં પાછો નીતિન હાજર. હવે શમ્મી ઘેર જતો રહે ને નીતિન ફિલ્મનો પાછળનો ભાગ જુએ! આમ બે દિવસે એમની ફિલ્મ પૂરી થાય ને ઘેર કોઈને ખબરેય ન પડે! ટેલિફોનમાં નોકરી મળી અને એય તે પોતાના ગામમાં! એટલે શમ્મી ખુશ. ક્યારેક મોડી રાત્રે લાઈનો બહુ બિઝી ન હોય ત્યારે એ ચાની ચૂસ્કીઓ લેતાં લેતાં, અમદાવાદ, સૂરત, ભાવનગર, રાજકોટ ઠીક પડે એ ગામના ઓપરેટરો જોડે વાતોનાં વડાં કરે. શમ્મીનો અવાજ બહુ સારો. સામાન્ય વાત કરે તોય મજા પડી જાય. વૈવિધ્યનો તો પાર નહીં! દુનિયા આખીની મિમિક્રી કરી શકે. આ બધાં તોફાનો વચ્ચેય એમ લાગે કે જીવનની પાકી સમજ એની પાસે છે. પુરુષ ઓપરેટરો કરતાં સ્ત્રી ઓપરેટરો એની સાથે વાતો કરવા વધારે ઉત્સુક. પાછી એની માનવતા આસમાને. કોઈ સાજુંમાંદું હોય કે ગુજરી ગયું હોય એવા સંજોગોમાં બહાર ઊભેલા માણસોની લાઈનને બાજુ પર રાખીને પણ, ઓર્ડિનરી કૉલ હોય તોય તાત્કાલિક જોડી આપે. પી. પી. નંબર હોય તોય ધીરજપૂર્વક બીજી વાર જોડી આપે. હાંફળાફાંફળા ઝડપથી બોલતા હોય એને ધીમેથી કહે કે— ‘તમતમારે નિરાંતે, હરુભરુ કરતા હોય ઈમ વાત કરો!’ વાત તો કરાવે પણ ઉપરથી ચા પીવડાવીને મોકલે. એની લોકપ્રિયતા એટલી બધી કે કોઈ ન ઓળખે એવું બને જ નહીં. શમ્મીએ ધનસુખલાલને ફોન જોડી આપ્યો. વાત પૂરી થઈ એટલે કહે કે- ‘કાકા! આ મન્સૂરી એટલે કોણ? ‘ઈ આપડા ગામનો જણ છે. વડોદરામાં રહે છે, બહુ મોટો ચિત્રકાર છે!’ ‘આપડી પ્રેમિકાનું ચિત્ર બનાવી દે?’ ‘આપડે કહીએ તો કદાચ બનાવીએ દે! પણ ફોટો આપવો પડે!’ ‘ઈ હાળું કાઠું!’ ‘કેમ?’ ‘હજી તો મેંય જોઈ નથી ત્યાં ફોટો ક્યાંથી લાવવો...’ કાકાની સાથે શમ્મીય હસી પડ્યો! ધનસુખલાલ કહે કે- ‘હજી તો છાસ છાગોળે ને ભેંશ ભાગોળે! ભાઈ તું અથરો બહુ... આવે ત્યારે કહેજેને!’ શમ્મી આખી વાત ગળી જતો હોય એમ પૂરું કરીને કામે લાગી ગયો. ‘નંબર પ્લીઝ!’ હકીકત એ હતી કે શમ્મીની વાત સોએ સો ટકા સાચી હતી. પ્રેમિકા હતી એય સાચું અને એને બિલકુલ જોઈ નથી એય સાચું! છેલ્લા છ મહિનાથી રોજ રાત્રે એ નવરો પડે ત્યારે વડોદરાની ઓપરેટર સુમિત્રા જોડે વાત થતી. શરૂઆતમાં તો ‘નંબર પ્લીઝ’થી આગળની કોઈ વાત જ નહોતી. એક વાર શમ્મીએ કોઈ ગીત ગાતાં ગાતાં જ સુમિત્રાએ કહ્યો એ નંબર જોડી આપ્યો. પછી એકદમ સભાન થઈ ગયો એટલે અડધી પંક્તિએ જ ચૂપ થઈ ગયો. સુમિત્રાએ કહ્યું— ‘અરે! તમે તો સરસ ગાવ છો. આ વાત પતે એટલે આખું ગીત સંભળાવો!’ અને એમ એમની સંગીતયાત્રા ચાલુ થઈ. પછી તો ગીતના અર્થ અને સંકેતો... હૃદયના તાર ઝણઝણવા લાગ્યા. અહીંથી શમ્મી એક ગીત છેડે અને સામેથી બીજું ગીત ગવાય! ફિલ્મો વિશે ચર્ચાઓ થાય. અંગત વાતો પણ થવા માંડી. ઘરમાં કોણ કોણ છે-થી શરૂ કરીને આજે શું ખાધું છે ને શું પહેર્યું છે, શું ગમે શું ન ગમે એવી લાંબી લાંબી વાતો ચાલે... ક્યારે સોલોમાંથી યુગલગીતો ગવાવા લાગ્યાં એની ખબર ન રહી. એક વાર સુમિત્રાએ ગાતાંગાતાં જ પૂછ્યું : ‘ઈશારોં ઈશારોં મેં દિલ લેને વાલે બતાયે હુનર તુ ને સિખા કહાઁ સે?’ ‘.....મેરી જાન સિખા હૈ તૂમ ને જહાઁ સે!’ ત્યાંથી શરૂ થયેલી વાત છેક ચાહે કોઈ મુઝે જંગલી કહે… સુધી લંબાઈ. બેમાંથી એકેયે કોઈને જોયાં નહોતાં ને તોય ભવભવનાં બંધને બંધાઈ ગયાં. ફોન ઉપર શમ્મી કહે કે— ‘તને ખબર છે મારા બેય પગમાં પોલિયો છે એની? હું તો તંઈણ પૈડાંવાળી સાયકલને હાથથી પેડલ મારું છું! અત્યાર સુધી મેં જે સારું સારું કહ્યું એ તો ટાઈમ પાસ માટેનાં ગપ્પાં હતાં! હજી બે વાર વિચાર કરી જોજે. બાકી, એક વાર આપણી ટ્રાઈસિકલ ઊપડી પછી પાછી નંઈ વળે!’ બાજુમાં બેઠેલો પંડ્યો ફુ.. ઊ.. ઉ કરતો હસી પડ્યો. શમ્મીએ એના મોઢે હાથ દઈ દીધો! ઈશારો કરીને સમજાવ્યું કે જોવા તો દે શું થાય છે એ... સામેથી ઉત્તર મળ્યો કે શ્રીમાન્ તમને ખબર છે? ‘હું એક આંખે મુંબઈ અને બીજી આંખે કલકત્તા જોઉં છું એની!’ ‘તોય હું તો ગાવાનો - અઈઅઈયા સૂકું સૂકું... કરું મેં પ્યાર સૂકું સૂકું...’ ‘તો હું કાંઈ - આસમાન સે આયા ફરિશ્તા થોડી ગાવાની..?’ એ કરતાં તો આપણે બંને – ‘તૂમ સે અચ્છા કૌન હૈ ગાઈએ તો?’ અને છેવટે એ બંનેએ ગાયું - ‘જનમ જનમ કા સાથ...’ એ દિવસે શમ્મીનું હૃદય ઉછાળા મારતું હતું. વર્ષો જૂનું વિલાયતી નળિયાંવાળું એક્સચેન્જનું ખખડધજ બિલ્ડિંગ એના માટે જાણે રાજમહેલ અને પોતે પ્રિન્સ! ઘેર જવાનુંય મન ન થાય. કોઈનીય પાળીબદલી લેવાની હોય તો શમ્મી હાજર. રવિવારેય રજા ન રાખે. રોજ સવારે આવે અને પોતાની બેસવાની જગ્યાના બોર્ડ ઉપર ગુલાબનું ફૂલ મૂકે. પાછળ બાથરૂમ બાજુ મૂકેલા મોટા અરીસા પાસે જઈને વારંવાર માથું ઓળે. આવે અને પાછો કામ પર. ઘણીવાર તો એ સુમિત્રા સાથે લાંબી વાત કરતો હોય ત્યારે બીજા ઓપરેટરો બોર્ડ સંભાળી લે. ઝાલાભાઈને આ શમ્મીની ભારે ચીડ. એક તો એ નોકરીના સમયમાં આવી બધી વાતો કરે એનો એમને વાંધો. ઝાલાભાઈ આમ થોડા મૂંજી અને ઊંડે ઊંડે ઈર્ષ્યા પણ ખરી. કારણ વિના એમને શમ્મી ઉપર ગુસ્સો આવે. નાનીનાની વાતમાં કટાક્ષો કરે. ઝઘડવાનાં બહાનાં શોધ્યા કરે. શમ્મી તો પોતાની મસ્તીમાં, એને જે કરવું હોય એ જ કરે. એક વાર શમ્મી સુમિત્રાને ગીત સંભળાવતો હતો ત્યારે ઝાલાએ દેશી તમાકુવાળો મસાલો ખાઈને બેઠાં બેઠાં જ બારીમાંથી પિચકારી મારી. થૂંકના છાંટા શમ્મી ઉપર પડ્યા ને એનો મિજાજ ફાટ્યો. હેડફોન કાઢીને ટેબલ પર કર્યો ઘા અને ઝાલા ઉપર તૂટી પડ્યો. બધા દિવસની દાઝ કાઢતો હોય એમ બે-ચાર ફટકારી દીધી. બધાં ભેગાં થઈ ગયાં. આખા એક્સચેન્જમાં હોહા થઈ ‘શમ્મીએ ઝાલાભૈને માર્યા… શમ્મીએ ઝાલાભૈને… મેથીપાક.. ઉપ્પાડીને અવળા હાથની બે અડબોથ ઝીંકી દીધી! શમ્મીએ દરબારને બરોબર્યના ઠમઠોર્યા...’ વાત છેક સબ ડિવિઝનલ ઑફિસર સુધી પહોંચી. એસ. ડી. ઓ. રૂપારેલિયા એકદમ મૂંજી માણસ. આખો દિવસ વરલી મટકાના આંકડામાં રમ્યા કરે. એને રાતોરાત પૈસાવાળા થઈ જવું હતું. ધંધા પણ બધા અવળા. વ્યાજે રૂપિયા લે અને આપે. ઝાલાએ એની પાસેથી રૂપિયા લીધેલા એટલે એ બંને એક થઈ ગયા. શમ્મીને મેમો મળ્યો. સામે શમ્મી પણ એવો જ જિદ્દી કહે કે હું દિલ્હી સુધી લખીશ કે આ એસ. ડી. ઓ. એક્સચેન્જમાં આંકડા રમે છે અને અસામાજિક પ્રવૃત્તિઓ કરે છે. ત્રણ-ચાર દિવસ એ બધું ચાલ્યું. છેવટે સમાધાનરૂપે ઝાલાની જગ્યા બદલાઈ અને પાછળની બાજુએ બેસવું પડ્યું. શમ્મીએ વિચાર્યું કે હવે મોડું ન કરાય. આજે આ ઝાલો ને કાલ કોઈ આલો માલો! કારણ વિનાના જવાબ દેવા પડે એ કરતાં તો હવે.. અને સુમિત્રા સાથે નક્કી કર્યું કે આપણે અમદાવાદમાં મળીએ. બંનેએ બુધવારે ઓફ લેવાનું નક્કી કર્યું. ‘ક્યાં મળીશું?’ ‘રૂપાલી સિનેમા!’ ‘કેટલા વાગ્યે?’ ‘અગિયાર વાગ્યે કેમ રહે?’ ‘ફાવે.’ ‘પણ ઓળખશું કેવી રીતે?’ ‘તારે સાતમા પગથિયે ઊભા રહેવાનું!’ ‘કપડાં કેવાં પહેર્યાં હશે?’ ‘ઈ કંઈ નક્કી નો હોય! ઈ વખતે જેવો મૂડ...’ ‘લે કર વાત! એવું નો હાલે હું બીજા કોઈ જોડે હાલતી થઈ જઈશ તો?’ ‘ઈ તો જેવાં જેનાં નશીબ!’ ‘તો પાકું?’ ‘હા...’ ‘પણ, તું નો આવી તો?’ ‘એટલોય ભરોંસો ન હોય તો રહેવા દે… પણ એટલું યાદ રાખજે કે યે દિલ તેરા દિવાના...’ અને શમ્મીએ લાઈનપીન કાઢી નાંખી. મંગળવારની આખી રાત આંખ ઘેરાય પણ ઊંઘ ન આવે. સુમિત્રાના ચહેરાની કલ્પના કર્યે રાખે પણ એકાદીયે રેખા ન પકડાય. ફક્ત અવાજ સંભળાયા કરે. ઘડીક એમ લાગે કે શર્મિલા ટાગોર જેવી જ હોવી જોઈએ, વળી એમ થાય કે સાચે જ ફાંગી આંખોવાળી તો નહીં હોય? પોતે જુઠ્ઠું બોલ્યો હતો કે પગે પોલિયો છે, પણ એ સાવ સાચું જ બોલી હોય તો? પણ છેવટે એણે મક્કમતા ધારણ કરી. મનને કહ્યું કે, ‘જે આપડા કિસ્મતમાં હશે એ જ મળશે. હવે પાછી પાની કરે એ શમ્મી નહીં!’ ઈમાનદારી અને બાપના બોલે પડ્યું પાનું નિભાવશે જ એવું જાતને વચન આપ્યું. ત્યાં જ પોતાની વિધવા માનો અવાજ સંભળાયો : ‘જિતુ બટા! આજ ચ્યમ ઊંઘ જતી રઈ સે તારી આખ્યુંમાંથી? કંઈ ચંત્યામાં તો નથી આવી જ્યો ને?’ જિતુ પથારીમાં બેઠો થઈ ગયો. એને થયું કે માને કહેવું કેમ? પણ હિંમત કરી. ‘બા, એવું તો કંઈ નથી, પણ હું કાલ્ય સવારે વહેલો અમદાવાદ જાવાનો છું!’ ‘ફિલમબિલમ જોવા જાવાનો હઈશ! તારે બીજું શું હોય?’ ‘ના, હું તારા હાટુ વહુ જોવા જાવાનો છું!’ ‘હેંએ?’ —અને મા સાડીનો છેડો ખંભે નાંખતીક ને પથારીમાંથી ઊભી થઈને જિતુના ખાટલા પાસે આવી. પાંજેતે બેસી ગઈ. હવે જિતુનો છૂટકો નહોતો... ‘બા, વાત જાણે એમ છે કે વડોદરાની એક છોકરી છે. મારી જેમ ઓપરેટરની જ નોકરી કરે છે... રોજ વાત કરવાની થાય ઈમાં ઓળખાણ થઈ… કાલ્ય ઈને મળવા જાવું છે……’ ‘શી નાત્યે સે?’ ‘ઈ તો મેં કોઈ દિ’ પૂછ્યું જ નથી...!’ ‘નાત્ય નંઈ ને જાત્ય નંઈ… કંઈ જાણતો નો હો તો આટલ્યો બધો વલોપાત શીદ?’ ‘બા સાચું કહું છું... મેં નથી પૂછ્યું… પણ એની અટક ઉપાધ્યાય છે એટલે હશે. તો બ્રાહ્મણ જ. વાતચીત પરથી તો એમ જ લાગે છે... જે હોય તે! પણ નક્કી તો ઈ જ છે...’ માએ આકાશ સામે જોયું ને જિતુના પિતાને સંભળાવતાં હોય એમ બોલ્યાં : ‘લ્યો જોવો આ તમારો પાટવી બારોબાર નક્કીય કરી આવ્યો! કોઈએ માનો વચાર કર્યો કે કાલ્ય હવારે ઈનું સુ થાશ્યે?’ ‘અરે પણ બા ઈ છોકરી તું ધારે છે એવી નથી. મેં તારી બધી વાત એને કરી છે... મેં કંઈ ખાનગી નથી રાખ્યું! એણે બધું કબૂલ્યા પછીની આ વાત છે...’ ‘તેં બધું હાચેહાચ ઈને કઈ દીધું? મારા રોયા! નંઈ ઓળખાણ નંઈ પિસાણ ને તને તો નાત્યનીય ખબર નથ્ય... ભારે છોકરમત કરી નાંખી...’ અને બાની સામે જિતુના પિતાનો ચહેરો તરવરી રહ્યો... કાળી બળતરાને કારણે મોઢું ખેંચાઈ ગયેલું. ઊલટીઓ ઉપર ઊલટીઓ લોહીની... દવાખાને લઈ જાય એ પહેલાં તો એમનો પ્રાણ નીકળી ગયેલો! જિતુના બાપુજી બેન્કમાં નોકરી કરતા હતા. એમના પગારમાં ત્રણેયનું આરામથી પૂરું થઈ જતું. સાદગીથી જિંદગી જીવતા ને મજા કરતાં. પણ, કોણ જાણે ક્યાંથી એના પિતાને બહુ મોટા માલદાર થઈ જવાનું મન થયું તે શેરબજારના રવાડે ચડી ગયા. ઘણી વાર તો આખો પગાર શેરબજારમાં રોકી દે! એમને એક જ ખ્યાલ કે આજ નહીં તો કાલ્ય પણ એક દિવસ તો એવો આવશે જ કે પોતે લાખોપતિ થઈ જશે. અને એકાએક શેરબજાર ઢબી ગયું. હાર્યો જુગારી બમણું રમે એવી સ્થિતિમાં એટલું બધું દેણું થઈ ગયું કે ન પૂછો વાત. પત્નીને કે દીકરાને કશી જાણ કર્યા વિના જ એમનો કારોબાર ચાલે. છેલ્લે તો એવી પરિસ્થિતિ થઈ ગઈ હતી કે પોલીસ એમની ધરપકડ કરે એટલી જ વાર! કોઈનેય કંઈ કહ્યા વિના એ બાથરૂમમાં ગયા. અને એસિડનો બાટલો મોઢે માંડી દીધો! સહેવાયું નહીં એટલે બાથરૂમનું બારણું ઉઘાડી નાંખ્યું. જિતુ તો સવારની નિશાળ એટલે ઘરે હતો નહીં. આખી શેરીમાં હોહા મચી ગઈ. કોઈ કારી ફાવી નહીં ને ઘડીમાં તો હતાનહોતા થઈ ગયા. જિતુને નિશાળેથી કોઈ બોલાવી લાવ્યું. આવ્યો ત્યારે હેબતાઈ ગયેલો... ઓશરીમાં જ બાપુજીને સૂવડાવેલા. ઉપર સફેદ ચાદર નાંખી હતી. ચહેરો ખુલ્લો હતો. મા ખૂણામાં બેઠી બેઠી હીબકાં ભરતી હતી. કરુણાશંકરકાકા-ઉમાકાકી અને મંજુલાલમામાને લઈને ભરતમામા પણ આવી ગયા હતા. આખી શેરી ભેગી થઈ ગયેલી. કોઈ કંઈ બોલે નહીં, પણ બધાંની આંખોમાં વેદનાનો ભાર. મામાએ કંઈક લેવા ટેબલનું ખાનું ખોલ્યું તો એમાં ચિઠ્ઠી પડી હતી. એમણે વાંચીને ખિસ્સામાં મૂકી દીધી. થોડી વાર પછી મા પાસે ગયા અને કહે કે— ‘બહેન! જરા અંદર ઓરડામાં આવો તો...!’ મા માંડ માંડ ઊભી થઈ ઘસડાતે પગે અંદર ગઈ. મામાએ હળવે રહીને વાંચી સંભળાવ્યું ને માએ પોક મૂકી... આટલાં વર્ષે માને લાગ્યું કે દીકરાએ પણ બાપના જેવું જ આંધળું સાહસ કર્યું છે. એમને થયું કે આ શું કરશે? કોણ જાણે છોકરી કેવી હશે? પોતે જિંદગી આખી પેટે પાટા બાંધીને જિતુને મોટો કર્યો. બાપના વારસદાર તરીકે બેન્કમાં નોકરી તો તરત જ મળી જાત પણ માએ કીધું કે આપણે ભૂખે મરશું પણ તારે તો બેંકનું પગથિયુંય ચડવાનું નથી! નસીબે જોર કર્યું ને જિતુને કાકાની ઓળખાણે ટેલિફોનખાતામાં ઓપરેટરની નોકરી મળી ગઈ. માએ જાણ્યું કે આ સારું. કોઈ વાતનું જોખમ નહીં. માંડ જરાક હેઠા હૈયે થયાં હતાં ત્યાં આ નવું કૌતુક! માથી રહેવાયું નહીં. વળી વળીને એક સવાલ પૂછે : ‘તેં પાકું વચન આપી દીધું સે?’ ‘હા...’ ‘સોડીને જોયા વિના?’ જિતુ કશું બોલ્યા વિના બા સામે જોઈ રહ્યો. ‘જોયા પછી તને જ નંઈ ગમે તો? બટા! આખી જિંદગીનો સવાલ છે.... એવું લાગે તો કરુણાકાકાની સલાહ લઈ જો.’ જિતુએ હળવે હળવે, એક એક શબ્દ છૂટ્ટો પાડી પાડીને કહ્યું : ‘બા તું ઉપાધિ નો કરીશ. મેં રજેરજ વાત કરી છે. મારા કરતાંય એ તને વધારે સારી રીતે સમજે એવી છે… જેવી હશે એવી કબૂલ છે મને. તારે મને ક્યાંક તો પરણાવવાનો જ હતો ને? એમ સમજ કે મારા લેખ ઈની હાર્યે જ લખાણા છે...’ ‘પણ બટા... આગળપાછળ કોઈની ઓળખાણ નહીં... ને નો કરે નારાયણ ને કાંક વિશવાસઘાત જેવું થાય તો આપડે ચ્યાંયનાં નો રઈં... બહુ વ્યાધિ થાય સે... બટા એક નાનકડી ભૂલ્ય ઘરને અઘોરવાસ કરી મેલે...’ જિતુએ બહુ જ મક્કમતાથી કહ્યું કે— ‘પરણીશ તો એને જ. નહિતર આખી જિંદગી હોમી દઈશ, કુંવારો રહીને...’ માએ જોયું કે એક ને એક બે જેવી વાત છે. દીકરાને વધારે કોચવા જઈશ ને કંઈક આડુંઅવળું કરી બેસશે તો? એ થરથરી ગયાં. પાંજેતેથી ઊઠીને ઓશિકે આવ્યાં. જિતુને માથે હાથ ફેરવીને કહે કે- ‘વચન જ આપ્યું હોય તો હવે બોલ્યું નો ફરતો! જેવી હોય એવી... કબૂલ રાખજે... કોકની સોડી હાર્યે આપડાથી રમત નો થાય.... જોયા પસી નો ગમે તો આંખ્યના અણહારેય દેખાડ્ય તો મને મરતી ભાળજે... તારા બાપે તો મારું કાળજું સવામણનું કરી દીધું સે..... હું નંઈ હારું… હવે તું પારોઠનાં પગલાં નો ભરતો... નકર જોયા જેવી કરીશ તારી માથે.... હુરધનદાદો લેખાં લેશે તારાં..’ માદીકરો આખી રાત જાગતાં રહ્યાં. જિતુએ સવારની પાંચ વાગ્યાની બસ પકડવાનું નક્કી કર્યું...

***