સોનાની દ્વારિકા/પચ્ચીસ
પચીસ
બપોરે જમીને બંને બાળકો સૂઈ ગયા. પ્રભુ કશો પણ ઈશારો આપ્યા વિના જ બહાર ચાલ્યો ગયો હતો. પ્રભુનું એવું કે મનમાં આવે ત્યારે જતો રહે ને ઠીક પડે ત્યારે પાછો આવે! એનામાં એટલો ફેરફાર એ થયો કે ગંદોગોબરો નહોતો રહેતો. ક્યારેક એકલો બેઠો બેઠો ગળામાંથી જાતભાતના અવાજો કાઢે. અમસ્થો જ આખી બજાર ફરી આવે. કોઈ વાર રસ્તે પડેલી વસ્તુઓ વીણતો આવે. લાવીને લીમડાના થડ નીચે બધું ભેગું કરે. એ દેખે એમ કાન્તાબહેન બહાર ફેંકી દે તો વાંધો નહીં, પણ એની જાણ બહાર જો કંઈ ફેંક્યું તો ગમે ત્યાંથી શોધ્યે જ છૂટકો કરે. પાછું હતું એમ મૂકી દે! એટલું ખરું કે પાછળની ચોકડીમાં પોતાનાં કપડાં અચૂક ધોઈ નાંખે. ક્યારેક એને ઊજમ ચડે તો કાંતાબહેનના હાથમાંથી બધાં વાસણ લઈ લે અને ઘસી ઘસીને ચોખ્ખાં કરે. ઘણી વાર તો એને ‘હવે બસ બહુ થયું!’ એમ ન કહો ત્યાં સુધી છોડે નહીં, ઘસ્યા જ કરે! ડોનેશન માટે કેવી રીતે અપીલ કરવી, કોને કોને પત્રો મોકલવા એ બધો વિચાર ચાલતો હતો ત્યાં એકાએક જ વજુભાઈનું સ્મરણ થઈ આવ્યું. તરત જ પત્ર લખવા બેઠા. આભાર માનવાની સાથે વિગતવાર બધી વાત લખી અને હવે પોતે ‘શિશુસદન’ની દિશામાં છે એ પણ લખ્યું. હાલ કશું ઠેકાણું નથી, પણ ધીરે ધીરે કરતાં અહીં સુરેન્દ્રનગરમાં જ ઠીક રહેશે એમ જણાવ્યું. છેલ્લે થોડીક જગ્યા વધી હતી એટલે કાંતાબહેનને પૂછ્યું : ‘તમારે એકાદ ટાંક મારવી છે?’ ‘એમ ટાંક માર્યે મારો મેળ ન પડે! હું તો નિરાંતે જ લાંબો પત્ર લખીશ. મજામાં છીએ અને ચિંતા ન કરશો એટલું તમે લખી દો!’ કાનજીભાઈ ઊભા થઈને દેરાસરચોકની ટપાલપેટીમાં કવર નાંખી આવ્યા. સાંજે પાંચેક વાગ્યે તડકો પેલી બાજુ ગયો એટલે ફળિયામાં ખાટલો નાંખીને કાન્તાબહેન જરા આડે પડખે થયાં. પડ્યાં ભેગી જ આંખો ઘેરાવા લાગી. કાનજીભાઈ સહેજ પણ અવાજ ન થાય એમ ખુરશી માંડીને બાજુમાં બેસી ગયા. એકલા તેજને જાગવાનું કામ સોંપીને, કાંતાબહેનનાં શરીરમાંનાં બીજાં ચારેય તત્ત્વો જાણે જંપી ગયાં હતાં. એમના કપાળ ઉપર હાથ મૂકવાનું મન થઈ આવ્યું પણ કાનજીભાઈએ માત્ર પોતાની આંખોને જ ધન્ય કરવાનું સ્વીકાર્યું. થોડા દિવસમાં વજુભાઈ તરફથી રાજીપાનો પત્ર આવ્યો એમાં લખ્યું હતું : ‘તમને બંનેને હવે જ તમારા બરનું કામ મળ્યું છે એમ માનજો. પડકાર વિનાનું જીવન તમારા માટે શક્ય નથી એની પાકી ખાતરી મને થઈ છે. ઈશ્વર તમારા માર્ગમાં અનુકૂળતાઓ કરી આપે એવી પ્રાર્થના કરું છું અને તમને બંનેને પૂરા અધિકારથી આશીર્વાદ પાઠવું છું. આ સાથે ધનસુખભાઈને પણ અલગ પત્ર લખું છું. એ મારા એવા મિત્ર છે કે એમને તમે મારાથી જુદા ન જાણશો...’ વેકેશન ઊઘડ્યું અને કાન્તાબહેન સવારની પ્રાર્થનામાં હતાં ત્યારે પટાવાળો આવીને એક ચિઠ્ઠી આપી ગયો. પ્રાર્થના પછી કાન્તાબહેને ચિઠ્ઠી વાંચી : ‘આજે સાંજે પાંચ વાગ્યે તમે અને કાનજીભાઈ મહાજનની ઓફિસે આવો. એક અગત્યની વાત કરવી છે. – ધનસુખલાલ.’ કાન્તાબહેન અને કાનજીભાઈ મહાજનની ઓફિસે પહોંચ્યાં ત્યારે એમને ખબર નહોતી કે શું કામ બોલાવ્યાં છે. મોટાભાઈની સાથે મહેતા માર્કેટવાળા મહાસુખભાઈ, કપાસકિંગ કોદરલાલ, બર્માશેલવાળા નલિનભાઈ, નિવૃત્ત આચાર્ય વોરાસાહેબ, ડૉક્ટર ચૂડગર, મંગળાબહેન વગેરે હાજર હતાં. કાન્તિલાલ શેઠની રાહ જોવાતી હતી. થોડી વારમાં જ શેઠની મોટર આવીને ઊભી રહી. બધાંએ ઊભાં થઈને એમને આવકાર્યા. કાન્તાબહેન અને કાનજીભાઈ માટે આ બધું અણધાર્યું હતું એટલે જોઈ રહેવા સિવાય વિકલ્પ નહોતો. મિટિંગ શરૂ થઈ. ધનસુખભાઈએ વાતની શરૂઆત કરી: ‘પહેલાં તો એમ વાત હતી કે કાન્તાબહેન અને કાનજીભાઈ દોશી વિદ્યાલયમાં જ શિક્ષક તરીકે રહેશે. પણ એમણે તો એક નવો પડકાર ઉઠાવ્યો છે. કહે છે કે અહીં એક શિશુસદન કરીએ. પછી પોતે જ સુધાર્યું. કરીએ શું? એમણે તો પોતાના ઘરમાં શરૂ કરી જ દીધું છે. હમણાં જ સાયલાથી બે અનાથ બાળકોને લઈ આવ્યાં છે. ધૂળમાં પડેલાં પ્રજાધનને ધોઈ શુદ્ધ કરીને પાછું પ્રજાને સોંપવાની વાત છે. કાન્તાબહેન પણ ભવિષ્યમાં વિદ્યાલય છોડીને એમાં જોડાવા માગે છે. બંને જણા નિશ્ચયના પાકાં છે એ વાત હવે અજાણી નથી. અત્યારે તો આપણે મહાજનના પાલમાં એમનું રહેણાંક ગોઠવ્યું છે પણ હવે એમને મોટી જગ્યા જોઈએ છે. કેમકે ભવિષ્યમાં બાળકોની સંખ્યા અને પ્રવૃત્તિઓ વધશે એમ દેખાય છે. તો શું કરીએ?’ ‘મને તો એમ લાગે છે કે મહાજને આમાં પડવું જ ન જોઈએ.’ મહાસુખભાઈ બોલ્યા. ‘એટલે?’ ધનસુખલાલની આંખો સહેજ મોટી થઈ ગઈ. ધનસુખભાઈ વાતને બરાબર સમજ્યા નથી એવું લાગ્યું એટલે મહાસુખભાઈએ ચોખવટ કરી : ‘એટલે એમ કે એના સંચાલનમાં આપણે મજૂર મહાજન તરીકે ન પડવું પણ એનું સ્વતંત્ર ટ્રસ્ટ કરવું જોઈએ.’ ‘પણ એ ટ્રસ્ટ કોના ભરોંસે ચાલશે? વળી, કાનજીભાઈ અને કાન્તાબહેન સંપૂર્ણ સેવાભાવી છે એટલે એમનાં ક્ષેમકુશળનું પણ વિચારવું જોઈએ...’ એમ કહીને મંગળાબહેને સહજ રીતે જ કાન્તાબહેન તરફ જોયું. કાન્તાબહેનને વડીલોની હાજરીમાં કંઈ બોલવું યોગ્ય ન લાગ્યું એટલે નીચું જોઈ ગયાં એ કાન્તિલાલ શેઠની નજર બહાર ન રહ્યું. કાન્તાબહેન સીસીની દીકરી છે એની એમને ખબર હતી, એટલે ચર્ચા આડે પાટે ન જાય એમ ધારીને એમણે જ વાત ઉપાડી લીધી. ‘પહેલાં તો આપણે આ દંપતીની નિષ્ઠા અને કર્મઠતાનું ગૌરવ કરીએ. આ સમયમાં આવા, ઘર બાળીને તીરથ કરનારા માણસો મળવા જ મુશ્કેલ છે! શું કહો છો કોદરલાલ?’ ‘હંઅ.. હા... એ તો સાચું જ, પણ... મહાસુખભાઈની વાત બરોબર છે. અલગ ટ્રસ્ટ કરીએ તો એ પણ ઠીક થશે.’ શેઠે ઝભ્ભાની બાંય જરા ખેસવીને ઘડિયાળ જોઈ એટલે ધનસુખલાલ સમજી ગયા. એમણે કહ્યું કે— ‘મારો મત પણ, ભલે નાનું, પણ સ્વતંત્ર ટ્રસ્ટ કરવાનો છે. આમેય આ આખી વાત જ સમાજ આધારિત છે. આ બે જણ પાસે તો શુદ્ધ ભાવના અને તત્પરતા ઉપરાંત ફૂટી કોડીયે નથી. તો એમ કરીએ કે શિશુસદનના નામે ટ્રસ્ટ કરીએ. એ ટ્રસ્ટને શરૂઆતમાં મજૂર મહાજન પોતાની ફાજલ પડી રહેલી મિલકત આપે. ભવિષ્યમાં એ ટ્રસ્ટને દાન વગેરેમાંથી જે આવક થાય, એમાંથી હપ્તે હપ્તે મહાજનને ભરપાઈ કરે અને લાંબે ગાળે પોતાના પગ પર ઊભું રહે!’ વોરાસાહેબનો અભિપ્રાય એવો થયો કે— ‘કાન્તાબહેને વિદ્યાલય સારી રીતે સંભાળી લીધું છે અને ઘણું બધું નવું કરી રહ્યાં છે તો એમને ન જવા દેવાં જોઈએ. આ સંસ્થા એમની જ છે. જે રીતે કામ થાય છે એ રીતે જ ચાલુ રહેવું જોઈએ. અને ભવિષ્યમાં શિશુસદનનાં છોકરાંઓનેય ભણાવવાં તો પડશે જ ને? તો એ શા માટે દોશી વિદ્યાલયમાં ન ભણે? જીવનની તાલીમ કાનજીભાઈ આપે અને શાળાકીય શિક્ષણ કાન્તાબહેનના હાથમાં હોય તો એ બધી રીતે યોગ્ય છે.’ નલિનભાઈએ પરિસ્થિતિ એકદમ ચોખ્ખી કરવા કહ્યું કે- ‘કાનજીભાઈને શિશુસદન માટે જગ્યા જોઈએ છે ને? રાજકોટ હાઈવે પર સખપરની હદમાં આપણા મહાજનની જે દસેક હજાર વાર જમીન છે તે અને એમાં જૂની ગૌશાળાવાળું પડતર મકાન છે તે પણ નવા ટ્રસ્ટને વેચાતું આપીએ. વચ્ચેની દીવાલ કાઢી નાંખીએ એટલે શિશુસદનનું એક બહુ મોટું સંકુલ બની શકે. કાન્તાબહેને વિદ્યાલય છોડવાનું નહીં અને આપણે આટલું આપવાનું એમ વિચારી શકાય.’ ‘—પણ, મહાજન ટ્રસ્ટ શા માટે જમીન વેચે? એવી શી જરૂર છે? લાખો રૂપિયાની જમીન છે. બને કે ભવિષ્યમાં આ જગ્યા ટ્રસ્ટને રૂપિયા કમાઈ આપે!’ મહાસુખભાઈ થોડા ઉગ્ર થઈને બોલ્યા. ડૉક્ટરસાહેબ કહે કે— ‘પચીસ વર્ષથી આમ જ પડી રહી છે. કોઈનેય કંઈ કરવા જેવું લાગ્યું નથી અને મહાજનને ક્યાં રૂપિયાનો તોટો છે? — હવે તો એ ખુલ્લી જગ્યા અસામાજિક તત્ત્વોનો અડ્ડો બની ગઈ છે. જાણો છો કોઈ? ગૌશાળાની પાછળના ભાગમાં શું ચાલી રહ્યું છે? આ તો એક સારી પ્રવૃત્તિને અટકાવવાની વાત થઈ! મહાજને એ જમીન તો પાણીના મૂલે લીધેલી! અને એય આટલાં વર્ષથી બંજર પડી રહી છે. એમ સમજોને કે આપણા વતી આ બંને સ્વેચ્છાએ કામ કરવાનાં છે! કંઈક માર્ગ કાઢીએ તો સારી જ વાત છે ને?’ ‘તો પછી કિંમત નક્કી કરો!’ કોદરલાલ ઝડપથી બોલી ગયા. ધનસુખલાલને થયું કે આ ક્ષણ એકદમ યોગ્ય છે. એટલે કાન્તિલાલ શેઠ સામે જોઈને જ બોલ્યા : ‘અત્યારનો બજારભાવ તો ઘણો થાય! એટલે એ વાત કરવાનો કોઈ અર્થ નથી. મૂળ જૂની કિંમત હોય એ જ આકારીએ. તપાસ કરતાં ખબર પડી કે જૂની કિંમત તો રૂપિયા પંદર હજારથી વધારે નથી. પણ બધાંએ ભેગાં થઈને ઠરાવ્યું કે હાલના સમય પ્રમાણે પંચોતેર હજાર રૂપિયા બરાબર ગણાય. અત્યારે શિશુસદન જમીન અને મકાન વાપરે. જરૂરી હોય તે ફેરફારો પણ કરાવે. પરંતુ દર વર્ષે પચીસ હજાર પ્રમાણે ત્રણ વર્ષમાં મહાજનને રકમ આપી દેવી. કોદરલાલ ધોતિયાનો છેડો પકડીને ઊભા થઈ ગયા. કહે કે— ‘આ તો મફતમાં આપી દેવાની વાત છે! કોને ખબર અનાથાશ્રમ ચાલશે કે નહીં? સેવા, સેવાને ઠેકાણે રહી જાય અને એ કોઈની કમાણીનું સાધન નહીં બની જાય એની શી ખાતરી? આ મિલકત મહાજનની છે. વેડફી મારવા માટે નથી. કાલ સવારે આપણનેય કોઈ સમાજમાંથી પૂછી શકે...’ કાનજીભાઈ અને કાન્તાબહેન એક સાથે ઊભાં થઈ ગયાં અને હાથ જોડીને રજા માગી. કાન્તાબહેન કશું બોલ્યા વિના જ નીકળી જવાના મતનાં હતાં, પણ કાનજીભાઈએ એમનો હાથ દબાવીને રોક્યાં અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું— ‘મુરબ્બીઓ! માફ કરજો.. અમને આ મિટિંગની ખબર હોત તો કદાચ અમે આવ્યાં જ ન હોત! અને અમે મહાજન પાસે કશી માગણી તો કરી જ નથી. અમારાં હૃદયમાં એવી ભાવના છે કે સમાજ માટે કંઈક કરી છૂટવું... એવી ભાવના એ અમારી અંગત મિલકત છે. સમાજને કેવા દેખાવું એ સમાજનો પ્રશ્ન છે ને અમારે શું કરવું એ અમારો પ્રશ્ન છે. આપ સહુ અમારી ગેરહાજરીમાં જ ચર્ચા કરો એ યોગ્ય ગણાય. અમને જવાની રજા આપો મોટાભાઈ!’ કાન્તિલાલ શેઠને હવે વચ્ચે પડ્યા વિના છૂટકો જ નહોતો. એમની સૂત્રાત્મક શૈલીએ સહુને શાંત પાડી દીધાં. ‘તમને બંનેને મહાજનના પ્રમુખ તરીકે મેં નિમંત્રણ આપ્યું છે એટલે મારી રજા વગર ચાલ્યા જાવ તો મને નહીં ગમે.’ પતિપત્ની બંને બેસી ગયાં. શેઠે આગળ ચલાવ્યું : ‘સખપરમાં શિશુસદન થાય અને એનો લાભ આખા પ્રદેશને મળે એ જોવાની જવાબદારી મહાજનની પણ છે ને? આપણને કોઈ એમ પણ પૂછી શકે કે આ મિલકતનો સદુપયોગ કેમ ન કર્યો? ખરી વાત એ છે કે પ્રામાણિક કાર્યકરો મળતા નથી ને મળે છે એની સમાજને કદર નથી. વ્યાપક સમાજનું કોઈ કામ થતું હોય તો જમીનની શું વિસાત? હા, બધાંને ઠીક લાગે એવી શરતો રાખી શકાય.’ ‘પણ શિશુસદન પાસે ક્યાં કંઈ આવકનું સાધન છે? દર વર્ષે આપવાની રકમ સમયસર ન આપે અને વાંહેથી ગાળા કરવા માંડે તો આપડે શું કરવાનું?’ મહાસુખભાઈએ પૂછ્યું. ‘તો એનું વ્યાજ આપવું પડે...’ કોદરલાલે ઉપાય સૂચવ્યો. ‘અને વ્યાજ આપવામાંય નામક્કર જાય તો?’ ‘તો એ દિવસે તમારે કાનજીભાઈનો ખરખરો કરી નાંખવાનો! માની લેવાનું કે કાનજીભાઈ આ દુનિયામાં ન હોય તો જ આમ બને!’ એકદમ ઘેરા અને ગંભીર અવાજે કાનજીભાઈ આટલું બોલ્યા અને પોતાની બે હથેળી વચ્ચે માથું મૂકીને બેસી રહ્યા. કાન્તાબહેનથી આ ન જોવાયું. એમણે વિનમ્ર છતાં મક્કમ અવાજે કહ્યું કે- ‘જો ટ્રસ્ટ તૈયાર હોય તો આવતી કાલે જ પંચોતેર હજાર જમા કરાવવાની અમારી તૈયારી છે!’ કાનજીભાઈ અને શેઠ બંને માટે આ નવાઈની વાત હતી. શેઠે પૂછ્યું : ‘એ કેવી રીતે આપશો? ક્યાંથી લાવશો?’ કાનજીભાઈ બોલ્યા, ‘જોજો કાન્તાબહેન આપણે બાપુજી પાસે મુંબઈ સુધી હાથ નથી લંબાવવાનો એ યાદ છે ને? આપણા ઘરે કોઈ ચોખા મૂકવા નથી આવ્યું કે સમાજસેવા કરો! આપણે રાહ જોઈએ વિશ્વાસ ઊભો થાય ત્યાં સુધી...’ કાન્તાબહેન ઊભાં થયાં અને મોટાભાઈ પાસે એક કાગળ માગ્યો. ધનસુખભાઈએ ટેબલના ખાનામાંથી કાગળ કાઢી આપ્યો. કાન્તાબહેન એમાં કશુંક લખવા બેઠાં. બધાં મૌન થઈને જોઈ રહ્યાં. કાન્તાબહેને લખ્યું : ‘આદરણીય વડીલો, સાદર નમસ્કાર. આપણા સમાજમાં કેટલાંય બાળકો માબાપ વિનાનાં છે. એમને કોઈ રાખનારું નથી. હું અને મારા પતિ કાનજીભાઈ રબારી, સાથે મળીને આવાં બાળકોને ઉછેરવા, ભણાવવા અને સારા નાગરિક બનાવીને એમને યોગ્ય સામાજિક સ્થાન મળે એવા ઉમદા હેતુથી એક ‘શિશુસદન’ બનાવવા ઈચ્છીએ છીએ. આ માટે જમીન અને મકાન પેટે મજૂર મહાજનને આપવા માટે અમને રૂપિયા પંચોતેર હજારની તાત્કાલિક જરૂર છે. આપ સહુ અમને નીચે લખ્યા પ્રમાણે વગર વ્યાજની લોન આપો એવી વિનંતી કરું છું. સમાજ પાસેથી દાનરૂપે જેમજેમ રકમ આવતી જશે તેમતેમ અમે આપને ચૂકવતાં જઈશું એની ખાતરી આપીએ છીએ. સ. દ. કાન્તાબહેન કાનજીભાઈ રબારી
ક્રમ | લોન આપનારનું નામ | રકમ | સહી |
૧ | શ્રી ધનસુખલાલ કોઠારી | રૂ ૫,૦૦૦/- | |
૨ | શ્રી કોદરલાલ દોશી | રૂ ૧૦,૦૦૦/- | |
૩ | શ્રી મહાસુખભાઈ પુજારા | રૂ ૧૦,૦૦૦/- | |
૪ | શ્રી નલિનભાઈ શાહ | રૂ ૧૦,૦૦૦/- | |
૫ | ડૉ. ચંપકલાલ ચૂડગર | રૂ ૧૦,૦૦૦/- | |
૬ | શ્રીમતી મંગળાબહેન પી. મહેતા | રૂ ૫,૦૦૦/- | |
૭ | શેઠશ્રી કાન્તિલાલભાઈ શાહ | રૂ ૨૦,૦૦૦/- | |
૮ | શ્રીમતી કાન્તાબહેન તથા કાનજીભાઈ રબારી | રૂ ૫,૦૦૦/- |
આવો કાગળ લખીને કાન્તાબહેને મોટાભાઈના હાથમાં આપ્યો. મોટાભાઈએ વાંચીને તરત જ પોતાના નામ સામે સહી કરી દીધી. કોઈ કંઈ બોલ્યું નહીં અને બધાંએ વારાફરતી સહી કરી દીધી. છેવટે કાગળ આવ્યો શેઠ પાસે. એમણે વાંચીને કાંતાબહેનને પૂછ્યું : ‘કાન્તાબહેન! બેટા, આ શું છે?’ ‘અવિવેક લાગે તો માફ કરજો.... પણ અમારે ભવિષ્યમાંય સમાજ પાસે જ માગવા જવાનું છે તો અહીંથી જ શરૂઆત શા માટે ન કરીએ? તમારા જેવા શ્રેષ્ઠીઓ પાસે હાથ ન લંબાવીએ તો ક્યાં જઈએ? અને અમે દાન નથી માગતા, આ તો વગર વ્યાજની લોન છે...’ કાન્તિલાલ શેઠ ખડખડાટ હસી પડ્યા. કહે કે— ‘બેટા! તમારી આ ઠાવકાઈનો યશ કોને આપવાનો છે? સીસીને કે કાનજીભાઈને?’ ‘અનાથ બાળકોની આંખો બધું શીખવી દે કાકા!’ કાન્તાબહેન અનાયાસે જ કાકા શબ્દ બોલી ગયાં. થોડી વાર સ્તબ્ધતા છવાઈ ગઈ. કાનજીભાઈ માટે પણ કાંતાબહેનનું આ રૂપ નવું હતું. એમનાં માટે એકદમ માન થઈ આવ્યું. આટલાં બધાં બેઠાં ન હોત તો એ ભેટી જ પડ્યા હોત! પણ એમણે મનને સંયમમાં રાખ્યું. કાન્તિલાલ શેઠ કહે કે, ‘આવાં માણસો પાસેથી પૈસા લેવાય? તમે જ કહો! એમ કરો શિશુસદનને મકાન અને જમીન બંને મફત આપો. છેવટે એવો નિર્ણય થયો કે કશું જ લેવાનું નથી, પણ આ મહાજનની જમીન હોવાથી, શિશુસદન પાસેથી વર્ષે એક રૂપિયો ટોકનરૂપે ભાડું લેવું અને નવાણું વરસ માટેનો કરાર કરવો! તેમ છતાં શિશુસદનની પ્રવૃત્તિઓ અપેક્ષા મુજબની ન ચાલે તો દસ વર્ષ પછી કરાર ફોક કરવાનો અધિકાર મહાજનનો રહેશે.’ છેવટે ઘીના ઠામમાં ઘી પડી રહ્યું. મિટિંગ પતી ગયા પછી, કાન્તિલાલ શેઠે સહુ સભ્યોને કહ્યું કે- ‘બધા કરારો કરવા છતાં, હું જીવું છું ત્યાં સુધી, આ મારી અંગત અને નૈતિક જવાબદારી પણ છે એટલું જાણજો...’ કાનજીભાઈ તથા કાન્તાબહેને સહુ વડીલોના આશીર્વાદ લીધા. એક ભાવનાત્મક વાતાવરણ વચ્ચે સહુએ સાથે મળીને કામ કરવાનું નક્કી કર્યું. મિટિંગ પૂરી થઈ અને મંગળાબહેને કાંતાબહેનને કહ્યું કે આ બાજુ આવોને જરી, એક વાત પૂછવી છે. રૂમના એક ખૂણે જઈ બંને ઊભાં રહ્યાં. કાન્તાબહેને કહ્યું- ‘પૂછો...’ ‘આ વાત એવાં છોકરાંઓને પોતાનાં કરવાની છે જે ક્યારેક જ તમારાં થાય તો થાય!’ ‘જાણું છું...’ ‘એ બધાંની મા કેવી રીતે થશો? અઘરું કામ છે!’ ‘હું મારું બાળક થવા જ નહીં દઉં! ભેદભાવની શક્યતા જ નિર્મૂળ કરી દઈશ...’ ‘તમે એવું કરશો તોય શિશુસદનનાં બાળકોને ખરા અર્થમાં મા નહીં મળે...’ ‘મંગળાબહેન! તમે ફોડ પાડીને કહો.... મારા સમર્પણમાં શું ખૂટે છે?’ ‘શું ખૂટે છે કહું? માતૃત્વ! અત્યારે તમારી માનસિકતા મહિલા કાર્યકરની છે. માની નથી. એને માટે તો મા જ બનવું પડે...’ ‘એટલે?’ ‘એટલે એમ કે તમારી કૂખે બાળક અવતરશે ત્યારે જ તમે પૂરાં બદલાશો. પછી જગત આખાની મા બની શકશો! આજથી જ આ વાતને ગાંઠે બાંધો!’ કાન્તાબહેન થોડું શરમાતાં શરમાતાં મંગળાબહેનને વળગી પડ્યાં. ધનસુખભાઈની ઈચ્છા એવી કે બને તો કાલે બપોર પછી જગ્યા જોઈ લઈએ. એ પછી કરાર વગેરે કરવામાં સરળ રહે. આજની મિટિંગમાં નટુભાઈ વકીલ હાજર રહી શક્યા નહોતા. તો એમને પણ બધી વાતથી વાકેફ કરીએ અને કરાર કરવાની કામગીરી પણ સોંપીએ. મોડી સાંજે બન્ને ચાલતાં ચાલતાં ઘેર આવ્યાં ત્યારે પ્રસન્ન હતાં. લીમડા નીચે પ્રભુ એમની વાટ જોઈ રહ્યો હતો. જેવાં ઘરમાં આવ્યાં કે મીઠુંમિયાંએ ચિચિયારી કરી. પિંજરામાં દોડાદોડી કરી મૂકી. પિંજરું હલવા લાગ્યું. પોપટનો અવાજ સાંભળીને મુન્નો દોડતો આવ્યો. કાનજીભાઈને વળગી પડ્યો. દીપક પણ એની પાછળ પાછળ આવી પહોંચ્યો.
***