દક્ષિણાયન/બેલૂર-હળેબીડ: Difference between revisions
(Created page with "{{SetTitle}} {{Heading|બેલૂર-હળેબીડ}} {{Poem2Open}} શિમોગા આવ્યા, નાહીધોઈને બેઠા અને ધોધના પરિભ્રમણમાં જેને વિસારી મૂક્યાં હતાં તે ભૂખ અને થાક પોતાની બધી શક્તિ સાથે ચડી આવ્યાં. અમારા યજમાન શ્રી પુટ્ટનંજ...") |
No edit summary |
||
| Line 18: | Line 18: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
|cover_image = File:Daxinayan.ch-3.pic.jpg | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
બેલૂરમાં ચેન્નકેશવનું મંદિર, ઇશાનમાંથી જોતાં આ મંદિર બેલૂરનાં વિષ્ણુવર્ધન રાજાએ કોયશળ સ્થાપત્ય શૈલીનાં મંદિરોમાં એ એક ઉત્તમ મંદિર ગણાય. | બેલૂરમાં ચેન્નકેશવનું મંદિર, ઇશાનમાંથી જોતાં આ મંદિર બેલૂરનાં વિષ્ણુવર્ધન રાજાએ કોયશળ સ્થાપત્ય શૈલીનાં મંદિરોમાં એ એક ઉત્તમ મંદિર ગણાય. | ||
Revision as of 08:58, 23 June 2025
શિમોગા આવ્યા, નાહીધોઈને બેઠા અને ધોધના પરિભ્રમણમાં જેને વિસારી મૂક્યાં હતાં તે ભૂખ અને થાક પોતાની બધી શક્તિ સાથે ચડી આવ્યાં. અમારા યજમાન શ્રી પુટ્ટનંજપ્પાના કુટુંબ સાથે હજી લગી અમે ભળી શક્યા જ ન હતા. વખત અને ભાષા બંને અમારે માટે નડતરરૂપ હતાં. હવે નિરાંતે જમીશું, હળીશું, મળીશું, અહીંના સંસ્કારી લોકોની સાથે વાતચીત કરીશું અને વીણા વગેરેનું સંગીત સાંભળીશું એવી યોજનાઓ વિચારવા લાગ્યા. શ્રી પુટ્ટનંજપ્પા તેમના મોટા મકાનમાં અમને લઈ ગયા. દસબાર વરસની અંદરનાં સાતઆઠ બાળકો એક ઓરડામાં ટેબલ પર પત્તાં રમી રહ્યાં હતાં. અમને જોઈને તે જરા ક્ષોભ પામ્યાં. મેં તેમને નામ પૂછ્યાં. બધાંનાં નામ સાંભળ્યા પછી મારાથી કહેવાઈ ગયું, ‘આ તો અમારાં ગુજરાતનાં જ નામ છે!’ એટલામાં ત્યાંની સાહિત્યસભાના બે મંત્રીઓ પણ આવ્યા અને ગોષ્ઠિ જામી. ભાષા અને ખોરાક સિવાય ગુજરાત અને કાનડાના લોકોમાં કશો ફરક ન દેખાયો. અહીંના ખેડૂત, અહીંના વેપારી ગુજરાતના જેવા જ લાગે છે અને શિક્ષિત વર્ગ તથા અમલદારવર્ગ તો હિંદભરમાં એકસરખો થઈ ગયો છે. લાંબી કાળી ટોપી અને કોટધોતિયું પહેરેલા મંત્રીઓ જાણે અમદાવાદી જ હતા. જોકે અમારો વાણીવ્યવહાર તો અંગ્રેજીમાં જ ચાલ્યો. દક્ષિણની સુવિખ્યાત ઈડલીનો નાસ્તો અમારી આગળ આવ્યો અને પછી ચાંદીના લાંબા પ્યાલામાં કૉફી આવી. દક્ષિણમાં ચા-કૉફી પીવાની આ શુદ્ધ બ્રાહ્મણિયા રીત આપણાથી જુદી જ છે. એને સરસ પણ કહી શકાય, કહેવી પડશે. પછી અમારો કાવ્ય-સાહિત્યનો વ્યાપાર શરૂ થયો. ગુજરાતના નમૂના-રૂપે મારાં થોડાં કાવ્યો મેં સંભળાવ્યાં. એમણે એમના ઉત્તમ કવિનાં સંભળાવ્યાં, કાવ્યોની ભાષા તો અમારે પરસ્પર અગ્રાહ્ય જ હતી, તોય ‘રંગરંગ વાદળિયાં’નું વર્ણસંગીત એમને ગમ્યું. એમણે સંભળાવેલાં કાવ્યોમાંથી મને બે ખાસ આકર્ષક લાગ્યાં. એકમાં કવિ પોતાના આંગણે કાગડાને નાચતો જોઈ પોતાની પ્રિયાને નાચવાને આમંત્રણ આપે છે, તેને આખા જગતમાં વ્યાપેલું નૃત્ય બતાવે છે અને છેવટે ઉન્મત્ત થઈ તેઓ બંને નાચે છે. તેમાં વારંવાર ધ્રુવપદ તરીકે આવતી લીટી ખૂબ મંજુલ-મધુર હતી. ‘કુણિયોનુ બા, બા કુણિયોનુ બા’, ‘ચાલો નાચીએ, ચાલો નાચીએ’એવો એનો અર્થ છે. બીજું કાવ્ય ત્યાંના અગ્રગણ્ય કવિ શ્રી પુટપ્પાનું ‘કલ્કિ’ નામે હતું. શ્રી પુટ્ટનંજપ્પાએ તે છટાથી વાંચ્યું. એ સૌમ્ય આકૃતિ એક અચ્છા નટ છે એમ મેં સાંભળ્યું ત્યારે મને નવાઈ થયેલી; પણ કલ્કિ અવતારની કવિએ કરેલી રુદ્ર કલ્પનાને એ જે બળથી. અને આવેશથી શબ્દમાં ઉતારતા હતા તે જોતાં મારી નવાઈ મટી ગઈ. જગતની દીનદલિત જનતા કલ્કિરૂપે વિશ્વમાં નિર્દય રીતે ક્રાન્તિ લાવી તમામ અન્યાયોનો ઉચ્છેદ કરશે એ આખા કાવ્યનો ભાવ હતો. એ ખાસું લાંબું કાવ્ય ઘણીયે વાર રંગભૂમિ પર ગવાયું છે. કાનડી સાહિત્યનું એ અતિ લોકપ્રિય ધન છે. એ કાવ્યના લેખકને મૈસૂરમાં મળવાનો પ્રસંગ થોડા દિવસ પછી મળ્યો. ‘કલ્કિ’માં પ્રતીત થતી માનવબંધુત્વની ભાવનાનો આવેશ એમનામાં રગેરગ દેખાતો હતો. કાનડી ભાષાની અસ્મિતા માટે ઝૂઝનાર કેટલાક વીરોમાંના એ એક છે. ગુજરાતી અને કન્નડ બંનેના મૂળમાં સંસ્કૃત રહેલી છે. છતાં પ્રથમ શ્રવણે તે તદ્દન નવીન જ લાગે છે. ગુજરાતી સાહિત્યરસિકો એ બાજુ જતા નથી અને ત્યાંના આ તરફ આવતા નથી એટલે બંનેમાં ઘણાં સમાન તત્ત્વો હોવા છતાં આપણે અન્યોન્યથી અપરિચિત જ પડ્યા છીએ. મૈસૂરમાં જ્યારે એક નાની મિત્રમંડળીને મેં ગુજરાતી સાહિત્યનો વિકાસ કહ્યો ત્યારે એ ભાઈઓ અચંબાથી બોલી ઊઠ્યા, ‘અમારે ત્યાં પણ એમ જ છે.’સંસ્કૃત અને અંગ્રેજ સાહિત્યની અસરથી એ સાહિત્ય પણ રંગાયું છે, ઘડાયું છે. ત્યાં પણ પાંડિત્યપ્રૌઢ સાક્ષરોનો યુગ હતો અને હવે સાહિત્ય આમજનતા તરફ અભિમુખ બનવા લાગ્યું છે. નવા લેખકો જૂનો આડંબર તજી સાદી અને સીધી લેખનરીતિ અપનાવતા થયા છે. વાતો ઘણી રિસક હતી. પડખે કર્ણાટકી સંગીતની રેકર્ડે વાગતી હતી. ત્યાં અમારા પ્રવાસના સુકાની ધબધબ દાદરો ચડી આવ્યા. ‘કલાક પછીની ગાડીમાં જ ઊપડવાનું છે!’એમણે જાહેર કર્યું. અને અમે ગાંસડાં-પોટલાં બાંધવામાં પડ્યા. આરામ આરામની જગ્યાએ રહ્યો. હવે અમારું લક્ષ્ય બેલૂર અને હળેબીડ હતું. અહીંથી લગભગ સોએક માઈલ. સવારે નવને સુમારે બેલૂર પહોંચ્યા. નીચાં નીચાં છાપરાંવાળા એક નાના બજારમાં મોટર પેઠી. આડેઅવળે રસ્તે થતી તે આગળ વધતી હતી. ત્યાં સામે જ ઊંચું ગોપુર આવીને ઊભું રહ્યું. લેખોમાં વાંચેલું અને નાનકડા ફોટોગ્રાફોમાં જોયેલું ગોપુર પ્રથમ વાર મૂળ સ્વરૂપે જોયું. ત્રીસેક ફૂટ ઊંચે દરવાજો અને તે પર ક્રમે ક્રમે નાના થતા જતા લંબચોરસ પાંચ માળ અને તે પર નાનાં નાનાં હારબંધ પાંચ કળશાકાર શિખરો. ગોપુર દક્ષિણ હિંદના સ્થાપત્યની એક અજોડ વિશેષતા છે. ગોપુર એટલે મંદિરની ભૂમિમાં પ્રવેશવાના દરવાજા પરનો ટાવર. મંદિરના કદ અને મહિમા પ્રમાણે તેની ઊંચાઈ અને કારીગરી વધારે-ઓછી હોય છે. દક્ષિણ હિંદમાં એકે મંદિર ગોપુર વિનાનું હોય નહિ. નાના ઘર જેવા મંદિરને પણ નાનકડું ગોપુર તો હોય જ. અહીંનાં મંદિરોની રચના સામાન્ય રીતે આવા પ્રકારની હોય છે. પહેલાં વિશાળ ચાર દીવાલોનો કોટ, તેમાં ચાર દિશામાં ચાર ગોપુર, અંદર મોટો ચોક, વચ્ચે દેવનું મુખ્ય મંદિર અને આજુબાજુ દેવનાં વાહન કે બીજા આશ્રિત કે કુટુંબી દેવોનાં નાનાંમોટાં દેવાલયો. કોટની અંદર કે બાજુમાં કુંડ, તળાવ કે નાનું જળાશય પણ હોય. અહીંના લોકોની કલ્પના હમેશાં વસ્તુઓના વિરાટ સ્વરૂપમાં રાચતી લાગે છે. દરેક વસ્તુનું કદ બને તેટલું તેઓ બૃહદ કરે છે. દેવના રથ, પોઠિયા, હાથી, ઘોડા વગેરે બધાં અસાધારણ કદનાં. પણ તેમાંયે ગોપુરની કાયા તો તેથીયે અસાધારણ. ગોપુરના શિખર પર દૃષ્ટિ ઠેરવવા માટે ગરદનને ઠીક ઠીક પાછળ ઝુકાવવી પડે. અંબાડી સાથે હાથી ચાલ્યો જાય એટલો ઊંચો એનો દરવાજો હોય છે અને તે પછી ક્રમશઃ નાના થતા જતા મજલા હોય છે. દરવાજાની ઉપર જ સમાન ઊર્ધ્વ રેષામાં દરેક માળનાં બારણાં આવે છે. આખા દક્ષિણ હિંદમાં માળની સંખ્યા પાંચથી નવ સુધીની જોવામાં આવી; પણ આ મંદિરોના બાંધનાર કેટલીક વખત સંખ્યાને જ વળગી રહેતા દેખાયા છે. નીચા ગોપુરમાં પણ નાના નાના સાત માળ કરેલા જોવામાં આવતા.
|cover_image = File:Daxinayan.ch-3.pic.jpg
બેલૂરમાં ચેન્નકેશવનું મંદિર, ઇશાનમાંથી જોતાં આ મંદિર બેલૂરનાં વિષ્ણુવર્ધન રાજાએ કોયશળ સ્થાપત્ય શૈલીનાં મંદિરોમાં એ એક ઉત્તમ મંદિર ગણાય. ગોપુરો ઉપર ચડવા માટે હોતાં નથી. તે બહારથી જોવા માટે જ હોય છે. તેની અસાધારણ ઊંચાઈ પણ ત્યાં ચડવું કઠણ કરી મૂકે છે. તેની શોભા તેની ગગનચુંબી ઊર્ધ્વતામાં અને તેના પર કોતરેલી મૂર્તિઓમાં હોય છે. ઉપરના મજલાઓની અંદર કંઈ હોતું નથી, પણ બહારની બાજુએ દેવદેવીની મૂર્તિઓ અને કથાઓના પ્રસંગોથી ગોપુરને ઠેઠ શિખર સુધી ખીચોખીચ ભરી દેવામાં આવ્યું હોય છે. જિંદગીમાં પ્રથમ જોયેલા ગોપુર ઉપર આંખો લોલુપ બની ઠરી રહી. જોકે આ ગોપુર તો મદુરા, શ્રીરંગ, રામેશ્વર વગેરે સ્થળોનાં મંદિરોનાં ગોપુર આગળ તો વામન જ કહેવાય. પણ વામન તોય તે ગોપુર હતું. તેની આકૃતિ અને રચના પેલાં ગોપુરોના જેવી જ હતી. માત્ર નાના પાયા ઉપર એટલું જ. તેના ઉપરની મૂર્તિઓના રંગ ઊડી ગયા હતા, છો ખરી પડી હતી. મને થયું, આ ગોપુરની કલ્પના એક જ વ્યક્તિની હશે કે પછી સ્થાપત્યની અનેક પેઢીઓના કલાવ્યાપારનો એ સમુચ્ચય હશે? ગોપુરના ખંડિત મૂર્તિઓવાળા મજલા જોયા પછી અમે મંદિરમાં આંટો મારવા પેઠા. અહીંથી દસ માઈલ દૂર બેબીડ જવાને મોટર તરતમાં જ ઊપડવાની હતી; તે જોઈ આવીને પછી અહીં નિરાંતે અમે આ મંદિર જોવાના હતા. મંદિરમાં પૂજા થતી હતી; પણ અમે બહુ ભક્તહૃદયો ન હતા એટલે દેવનાં દર્શનની ખાસ પરવા કર્યા વિના બહાર થોડુંક ફરી લીધું. અહીંના આ દેવે પોતાની આ ઉપેક્ષાનો બદલો બરાબર લીધો; પણ એ વાત પછી આવશે. અમે હળેબીડનો રસ્તો લીધો. આજુબાજુથી સુકાવા લાગેલી લીલી ટેકરીઓ વચ્ચે થઈને ચાલ્યો જતો માર્ગ કોઈ વિરાટ હસ્તે રમતમાં ખડીનો લસરકો માર્યો હોય તેવો દેખાતો હતો. રસ્તાના લાંબા લાંબા વળાંકોને ઘડી વારમાં સીધા કરી નાખતી મોટર, દુષ્યન્તના રથવેગનું સ્મરણ કરાવતી વેગથી વધતી હતી અને પોતાની પાછળ ધૂળનું એક સળંગ વાદળ મૂકતી જતી હતી. હબેબીડ આવ્યું. હળેબીડ બેલૂર કરતાં પણ નાનું ગામ છે. એક કાળે એ આ પ્રદેશની રાજધાની હતું. હાલ એનો જે કંઈ મહિમા છે તે માત્ર મંદિરને લીધે જ. મોટર અમને ઠેઠ મંદિર પાસે લઈ ગઈ. અહીં તો ગોપુર પણ ન હતું. આજુબાજુ કમર જેટલો ઊંચો કોટ છે અને અંદર એકલું મંદિર ઊભું છે. આનું કારણ એ છે કે આ મંદિર અધૂરું રહી ગયું છે. મંદિરનો પશ્ચિમનો ભાગ જ સમલંકૃત કરાયો છે અને પૂર્વનો ભાગ માત્ર ચણી જ લેવાયો છે. આખું મંદિર બેઠા ઘાટનું છે. સાતેક ફૂટ ઊંચા ઓટલા ઉપર મંદિરની માંડણી કરાઈ છે. ખૂણામાં ખૂણા અને તેમાં ખૂણા એવી રીતે મંદિરનો આકાર ગોઠવાયો છે. માત્ર પચીસ કે ત્રીસ ફૂટ ઊંચી મંદિરની દીવાલ છે. પંદર પંદર ફૂટ ઊંચા અંદરના થાંભલા છે; પણ આટલામાં જ શિલ્પીઓએ ટાંકણાના ચમત્કાર કરી બતાવ્યા છે. હિંદમાં મૈસૂર રાજ્ય જેટલી કળા અને કુદરતી સમૃદ્ધિ એકીસાથે બીજો કોઈ પ્રદેશ ધરાવતો નહિ હોય. એમાંયે માનુષી કળાના શિરોમણિ જેવાં એ બેલૂર, હળેબીડ અને સોમનાથપુરનાં મંદિરો છે. ત્રણે મંદિરોમાં શિલ્પની એક પ્રણાલિકા સતત જળવાઈ રહી લાગે છે. બેલૂરનું મંદિર ઈ. સ. ૧૧૧૭ માં હોયશલ સમ્રાટ વિષ્ણુવર્ધને બંધાવ્યું. હળેબીડનું ઈ. સ. ૧૨૧૯ માં સમ્રાટ બલ્લાળે બંધાવવું શરૂ કર્યું અને સોમનાથપુરનું હોયશલ નૃપ નરસિંહના એક અધિકારી સોમે ઈ. સ. ૧૨૬૫ માં બંધાવ્યું. આ મંદિરની પાછળ માણસે જે ધીરજથી અને ઉદારતાથી પોતાની સમૃદ્ધ કળા ઠાલવી છે તે રાજ્યાશ્રય વિના સંભવે જ નહિ એ અતિ સ્પષ્ટ છે. જોકે આજે તો આ મંદિરોને બાંધનાર અને બંધાવનાર બેમાંથી કોઈનું સ્મરણચિહ્ન મંદિરમાં અતિ પ્રગટરૂપે નથી. મૈસૂર રાજ્યના પુરાતત્ત્વખાતાએ આ મંદિરોનો ઇતિહાસ સંશોધિત કરી છપાવ્યો છે; પણ એનો ઉપયોગ તો વિદ્વાનો જ કરતા હશે. સામાન્ય માણસ માટે તો એ ઇતિહાસ વૃક્ષનાં મૂળ પેઠે અદૃશ્ય જ રહે છે. તે તો જુએ છે એ શિલ્પકારોના કળાબીજમાંથી રાજાઓના જલસિંચન વડે ઊગેલા કળાના આ સમૃદ્ધ અમર વૃક્ષને. એનો આનંદ એટલું જોઈને પણ ક્યાંય સમાતો નથી. શિલ્પવિધાનની આટલી વિવિધતા, આટલી નાજુકતા, આટલી સુંદરતા જોતાં જોતાં જ એની આંખ થાકી જાય છે. આ કલાસર્જકોનો ઇતિહાસ રમણીય છે. શિલ્પવિદ્યા એ માત્ર કારીગરી નહિ પણ દેવની ઉપાસના જેટલી જ ગંભીર પવિત્ર ક્રિયા ગણાયેલી છે. શિલ્પશાસ્ત્ર શિલ્પીનાં ચારિત્ર્ય, ધ્યાન, મૂર્તિરચના વેળાની મનોભાવના વગેરે વિશે આદેશો યોજ્યા છે. શિલ્પવિદ્યાના એ ઉપાસકોની ઉપાસના પણ ભક્તોથી ઓછી નહિ હોય. આ પરમ સુંદર મૂર્તિઓ માત્ર દેવોની પ્રતિમા જ નથી, પણ તે શિલ્પીઓની પ્રગાઢ ઉપાસનાની પણ પ્રતિમાઓ છે. શિલ્પના ક્ષેત્રમાં પણ ઘણા ઉત્તમ સર્જકો થઈ ગયા છે. અહીંની કેટલીક અતિ સુંદર પ્રતિમાઓના પદભાગમાં તેના શિલ્પીનાં નામો મળી આવે છે, પણ આપણી સંસ્કૃતિના ઇતિહાસમાં એકેનું નામ કેમ ઝળકતા રંગોમાં દેખાતું નથી? અશોકથી ઠેઠ વિજયનગરના સામ્રાજ્ય સુધીના આપણા વિશાળ ઇતિહાસપટમાં રચાયેલાં અપૂર્વ સ્થાપત્યો અને શિલ્પો મહાન સર્જક કલ્પનાની કૃતિઓ છે; પરંતુ એમાંથી કોઈનું નામ કેમ આપણી પાસે નથી? અશોકનો કીર્તિસ્તંભ, સારનાથનો સ્તૂપ, અજન્તા-ઇલોરાની ગુફાઓ, મદુરા-ભુવનેશ્વરનાં ગગનચુંબી મંદિરો તથા આ બેલૂર-હળેબીડનાં નખશિખ સુખચિત કળાપુદ્ગલો જેવાં મંદિરો કે તાજમહાલ જેવા રાજાઓના બાંધનાર અપ્રતિમ પ્રતિભાવંત કલાધરોની ઉજ્જવળ પરંપરામાંથી એકેનું નામ આપણા સંસ્કૃતિ-વિધાયકોની હરોળમાં કેમ સ્થાન પામ્યું નથી? આ તે આપણા કળાકારને સહજ એવું કળાકારનું પોતાની કળામાં પરમ આત્મવિલોપન કે ધર્મ કે રાજાની પ્રતિભા આગળ તેનું અગૌરવ છે? મૈસૂરમાં હોયશલ પદ્ધતિનાં અનેક મંદિરોમાં ત્રણ વિશેષ જાણીતાં છે. સોમનાથપુર, બેલૂર અને હળેબીડ. દરેકની કંઈ ને કંઈ લાક્ષણિકતા છે. ત્રણેમાં આ મંદિર-પ્રકારનું શિખરમંડિત સંપૂર્ણ રૂપ સોમનાથપુરમાં છે. બેલૂરમાં શિખરો રહ્યાં નથી. હળેબીડનું મંદિર તો પૂરું બંધાઈ શક્યું પણ નથી. મદુરા, રામેશ્વર, ત્રિવેન્દ્રમ્ વગેરેનાં ચારે દિશામાં ભવ્ય ઊંચા થાંભલાઓની વીથિઓવાળાં, હજારો માણસોને સમાવી શકે એવાં ભવ્ય ગગનગામી દ્રાવિડી મંદિરોની સરખામણીમાં આ મંદિરો ઘણાં નાજુક કહેવાય. હોયશળ પદ્ધતિના નાજુક સ્થાપત્યનો આ પ્રકાર પેલાથી તદ્દન જુદો જ છે. પાંચ મિનિટમાં તો આખા મંદિરની આજુબાજુએ અંદરબહાર બધે ફરી વળાય. પેલાં દ્રાવિડી મંદિરમાં તો ફરતાં ફરતાં જ અર્ધો કલાક વીતી જાય. હળેબીડના શિવમંદિરમાં અમે જે મૂર્તિઓ જોઈ, જે શિલ્પવિધાનો જોયાં, જે અદ્ભુત અંગવિધાનો જોયાં તે કેવી રીતે વર્ણવવાં? એ સૌંદર્ય જો ભાષા દ્વારા સંક્રામ્ય હોત તો એ કળાકારે ભાષામાં જ લખી નાખ્યું ન હોત! પણ તેણે વૈખરી કરતાં બીજી જ વાણીનો આશ્રય લીધો છે. ઊલટું એ એક ડગ આગળ ગયો છે. જે વૈખરીમાં હતું તે તેણે લઈ લીધું છે – રામાયણ, મહાભારત. અને ઇતિહાસ-પુરાણોની કથા લઈ તેણે તેમાં પોતાનું અનન્ય તત્ત્વ – આકાર ઉમેર્યો છે. એ આકાર એની પાસે જ છે. કથાઓને, તેના પ્રસંગોને, દેવોને આકારોની અનંતવિધ લીલામાં મૂર્તિકારે ઉતાર્યાં છે. આકારોની એ અનંતવિધ શોભા વર્ણવવા ભાષા પાસે થોડા જ શબ્દો છે. હળેબીડમાં અમે ઉત્તર દિશા તરફથી પ્રવેશ્યા. મંદિર પૂર્વાભિમુખ છે. પાંચેક ફૂટના ઓટલા ઉપર ચડી જમણે હાથથી જોવું શરૂ કર્યું. ઓટલાની જમીન ઉપર જ્યાંથી મંદિરનો પહેલો પથ્થર શરૂ થાય છે ત્યાંથી તે ઠેઠ દીવાલની ટોચ સુધી ઇંચે ઇંચમાં ખચી ખચીને કળા ભરવામાં આવી છે. આખું મંદિર એક મહાકાવ્ય જેવી સુયોજિત રચના છે. મંદિરની ઉત્તર અને દક્ષિણ બાજુએ મોટાં પ્રવેશદ્વાર છે. પૂર્વમાં બે મંડપો છે. મંદિરનો આકાર ગોળ નથી તેમ જ ચોરસ પણ નથી. પણ અનેક સીધી બાજુઓને વર્તુળમાં ગોઠવીને ગોળ કે ચોરસ આકારની એકવિધતાને તોડી નાખી છે અને આ અસંખ્ય મૂર્તિઓને માટે સાંકડી-પહોળી એવી અનેક બાજુઓ મેળવી લીધી છે. એટલામાં જ યોજકની અદ્ભુત શક્તિ દેખાઈ આવે છે. ગોળ દીવાલ પર તો આવું ઘનાકાર મૂર્તિવિધાન ગોઠવી જ ન શકાય અને સળંગ ચોરસ દીવાલ પર આટલું બધું શિલ્પ ગોઠવવું હોય તો કેટલાય વિસ્તારનું મંદિર કરવું પડે. એટલે યોજકે એક લાંબો પડદો લઈને એને અનેક ઊભી ગડીઓમાં ઊભો ગોઠવી દીધો છે. જોનારને ઝાઝું ફરવાનો ત્રાસ નહિ અને મૂર્તિઓ મૂકવાને માટે જગ્યાનો તોટો નહિ. મંદિરનો જે પશ્ચિમ ભાગ તૈયાર થઈ શકેલો છે તેમાં જ ગણતાં ગણતાં કંઈ નહિ તો બસો-અઢીસો જેટલી નાનીમોટી બાજુઓ થાય! દીવાલની ઊંચાઈ પણ પોતાના ઉપરની મૂર્તિઓ પેઠે અંગભંગ કરતી ઊભેલી છે. પગની પાની પેઠે તેનો મૂળનો ભાગ આગળ પડતો છે. તે પછી દીવાલ અંદર દબાતી જાય છે. તે અંદર દબાય છે, વળી ઊપસે છે અને એમ કરતી છેવટે ઝૂકતા કપાળ જેવા પથ્થરના વાછંટિયામાં મળી જાય છે. અનેક ખાંચાવાળી આ દીવાલને એક સળંગ શિલ્પવિધાનથી સાંકળવામાં આવી છે. એના પગથી તે કમર સુધી એક ઉપર એક સળંગ નાનામોટા કંદોરા છે. દીવાલની કમરથી હડપચી સુધીનું વક્ષઃસ્થળ ચારથી પાંચ ફૂટની મૂર્તિઓથી ભરી દીધું છે અને તે પછી લલાટનો ભાગ તેથી વિશેષ નાની આકૃતિઓથી ભર્યો છે.