ગુજરાતી બાળવાર્તા સંપદા/ફેં કથા: Difference between revisions
No edit summary |
(+૧) |
||
| Line 112: | Line 112: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ધરતીનું વાજિંત્ર, સ્વર્ગનું ગાન | ||
|next = | |next = ભગવાન પર મુકદ્દમો | ||
}} | }} | ||
Latest revision as of 05:09, 9 November 2025
હરીશ નાયક
‘ક’ વગરની કથા આ વાર્તાની એક ખૂબી એ છે કે એમાં ક્યાંય ‘ક’ આવતો નથી. પણ ‘ક’ને બદલે શું આવે છે તે વાંચતાં તમે હસી હસીને થાકી જશો! જોરથી વાંચશો તો ઔર મજા પડશે.
ટિંગુની વાત સાંભળી પિંગુ બોલી ઊઠ્યો : ‘મઝા આવી જશે. બોલ, પહેલાં ફયાં જઈશું?’ ‘પુસ્તફાલય.’ ‘પુસ્તફાલય? વાહ વાહ ચાલ, ફોફીલાને લઈ જઈશું?’ ‘ના, હં.’ ટિંગુએ ચોખ્ખું ફહી દીધું. આવા મામલામાં છોફરીઓનું ફામ નહિ. છોફરીઓના પેટમાં ફોઈ ખાનગી વાત ટફે નહિ. છોફરાઓ જેટલી છોફરીઓ ઉસ્તાદ જ નહિ. ચાલ.’ ‘બાને ફહીશું?’ ‘ના. બાને પણ ફહેવું નથી. નફામી ખાલી એ પણ પંચાત ફરશે અને ચાર ફામ બીજાં સોંપી દેશે.’ નાચતા અને ફૂદતા બંને જણા ઊપડ્યા. ટિંગુ ફહે : ‘ચાલતા જઈશું ફે મોટરમાં?’ ‘મોટરમાં જ ચાલ ને.’ મોટર આવી. બંને બેસી ગયા. ફંડફ્ટર ફહે : ‘બચ્ચાંઓ, ચાલો, પૈસા લાવો.’ ટિંગુ ફહે : ‘બે ફાલુપુર.’ એફદમ જ ફંડફ્ટર ફહે : ‘આ મોટર ફાલુપુર નથી જતી.’ ‘ત્યારે ફયાં જાય છે?’ ‘ફયાં....?’ ફંડફ્ટરના મોઢામાંથી નીકળી ગયું, ‘ફયાં...?’ એનું ડાચું જોઈને ટિંગુ-પિંગુ હસ્યા. ફંડફ્ટર કહે : ‘અરે આ મોટર તો મણિનગર જાય છે. મણિનગર.’ ટિંગુએ પૂછ્યું : ‘ફાંકરિયા થઈને જ ને? ચાલો ત્યારે બે ફાંફરિયા આપી દો.’ ફંડફ્ટરે ચિડાઈને કહ્યું : ‘અરે ફાંફરિયા-બાંફરિયા નથી જતી ઉતારો!’ ‘ભદ્રના ફિલ્લા આગળ થઈને તો જશે ને?’ ‘ભદ્રનો ફિલ્લો? ઊતરો!’ ‘ફાફા બળિયાની પોળ?’ ‘ફાફા બળિયા...? જાઓ છો ફે નહિ?’ ‘ફસ્તુરબાબાગ...?’ ‘ફસ્તુરબા? ઊહ! ઊતરો ઊતરો નહિ તો...’ ટિંગુ ફહે : ‘એઈ! ફાન શાનો પફડે છે? તું ફંડફ્ટર હોય તો તારા ઘરનો...’ પિંગુ ફહે : ‘અને મોટર તો ઊભી રખાવતો નથી પછી ઊતરીએ ફેવી રીતે? શું ફૂદકો મારીએ?’ ફંડફ્ટરના મોઢામાંથી ફરીથી નીફળી ગયું, ‘ફૂદકો?’ પણ તરત તેણે ઘંટડી મારી. ટિંગુ-પિંગુ ઊતરી ગયા ત્યારે ફંડફ્ટરથી બોલ્યા વગર રહેવાયું નહિ : ‘આવા ને આવા ફયાંથી ચાલ્યા આવે છે ફોણ જાણે...!’ અને… એ વાફય બોલ્યા પછી પોતાની જાતને જ તેણે પૂછ્યું, ‘એં...!’ ટિંગુ ફહે : ‘પિંગુ.’ પિંગુ ફહે : ‘ઓ.’ ટિંગુ ફહે : ‘આ માળા ફંડફ્ટરે તો આપણને ફફોડી સ્થિતિમાં મૂફ્યા.’ પિંગુ ફહે : ‘ફંઈ વાંધો નહિ. સામે જો.’ એફ હોટલ હતી. બંને તેમાં ગયાં. જઈને ટેબલ પર ગોઠવાયા. મહેતાજી આવ્યા. પૂછ્યું : ‘શું લેશો?’ ‘બે ફચોરી...’ ‘શું...?’ ‘ફચોરી... બે...’ મહેતાજી ફહે : ‘ફચોરી ફચોરી નથી.’ ‘તો બે ફટલેસ લાવો.’ મહેતાજીનું મોઢું ચાની ફિટલી જેવું થઈ ગયું. તે કહે : ‘શું? ફટલેસ...? નથી.’ ‘તો બે બટાફાવડા લાવો.’ ‘બટાફા....ઊંહ! એ પણ નથી.’ પિંગુ ફહે : ‘ટિંગુ! આ તે આપણે ફેવી હોટલમાં આવી ચડ્યા? ફંઈ મળતું જ નથી? હા ભાઈ! ફાજુવડા હશે ફે...?’ એકદમ ગૂંચવાઈને મહેતાજી પૂછે : ‘ફાજુવડા…?’ અને પછી જોરથી ફહ્યું : ‘નહિ...’ પિંગુએ પણ હવે જોરથી ફહ્યું, ‘ત્યારે ફાંદાવડા લાવ!’ મહેતાજી હવે ગુસ્સે થઈ ગયા, તે ફહે : ‘અહીં ફાંદાવડા વાંદાવડા ફંઈ જ નથી. જાઓ છો ફે નહિ?’ ટિંગુ-પિંગુ ઊઠ્યા. ઊઠતાં ઊઠતાં ફહે : ‘બે ફપ ફોફી લાવી શકશો?’ મહેતાજી ફહે : ‘ફોફી? ફોફી મારું ફપાળ! ટળો અહીંથી નહિ – તો તમારી ફચુંબર ફરી નાખીશ…’ ટિંગુ-પિંગુ બહાર ભાગ્યા. પણ મહેતાજી તો ફપાળ ફૂટીફૂટીને ફચુંબર ફચુંબર ફરતો જ રહ્યો. મિલિટરીનું લશ્કર જતું હતું. આગળ ફેપ્ટન હતો. ટિંગુ-પિંગુ ફેપ્ટન સાથે થઈ ગયા. એફ બાજુ ફેપ્ટન અને બે બાજુ ટિંગું-પિંગુ. ટિંગુ ફહે : ‘ફેપ્ટન! તમારે રોજ આમ ફવાયત ફરવી પડે છે?’ ફેપ્ટન ચૂપ. પિંગુએ પૂછ્યું : ‘રોજ ફસરત ફરવાનો ફંટાળો તો આવતો હશે નહીં?’ ફેપ્ટન ચૂપ. ટિંગુ ફહે : ‘ફોઈ દિવસ રજાબજા મળે ખરી ફે નહિ?’ ફેપ્ટન ચૂપ. પિંગુ ફહે : ‘હવે ફેપ્ટન, જરા બોલો તો ખરા! સાવ શબ્દોની ફંજૂસાઈ શું ફરો છો?’ ફેપ્ટને જોરથી હુફમ આપ્યો : ‘રુફ જાવ! એફ દો...’ ફેપ્ટન એટલા જોરથી બોલ્યો ફે બંને જણા ગભરાયા. ભાગ્યા. દોડીને એફ ખાદીભંડારમાં ભરાયા. ટિંગુ પૂછે : ‘તમારે ત્યાં તફલી હશે...?’ ‘તફલી... તફલી શું...?’ ‘ત્યારે ત્રાફ હશે... ત્રાફ...?’ ‘ત્રાફ....? અરે ભાઈ આ તો ખાદીભંડાર છે.’ ‘ફામળો તો જરૂર હશે.’ ‘નથી, એ પણ નથી....’ ‘હા ફોટને માટે ફાપડ પર ફમિશન મળે ખરું? ફેટલું મળે?’ હવે ખાદીભંડારવાળો ફારફુન ચિડાયો. તે ફહે : ‘જાઓ ને છોફરાઓ! નહિ તો ફયાંફ મારાથી હાથ ઊપડી જશે…’ ટિંગુ-પિંગુ ભાગવા લાગ્યા. તરત રોફાઈ ગયા. એફ પાટિયા તરફ આંગળી ફરીને ફારફુનને બતાવ્યું. ફારફુને તે વાંચ્યું : ‘અહિંસા પરમો ધર્મઃ’ ટિંગુએ બીજું પાટિયું બતાવ્યું : ‘નમ્રતા જાળવો.’ પિંગુએ ત્રીજું પાટિયું બતાવ્યું : ‘શાંતિ રાખો.’ અને છેલ્લે ટિંગુએ એફ પાટિયું બતાવ્યું. એ પાટિયું બતાવી બંને ભાગ્યા. ફારફુનથી એ પાટિયું જોરથી વંચાઈ ગયું : ‘ફાંતણ ફેન્દ્ર.’ ફૂદતા ભાગતા બંને પુસ્તફાલય આગળ આવી લાગ્યા. લાઇબ્રેરિયન ફોઈ ચોપડી વાંચતો હતો. ટિંગુ-પિંગુને જોઈ તેણે પૂછ્યું : ‘પુસ્તફ જોઈએ છે?’ ‘હા. ફલાપીનો ફેફારવ છે?’ ‘ફેફારવ....? ફલાપીનો? અંય?’ ‘ફાશીનું ફરવત...?’ ‘ફરવત...? ના...?’ ‘ફફફાની ફરામત....?’ ‘નહિ ભાઈ! એવી ફરામત મરામત નથી અહીં...’ ‘ફૂફડો બોલ્યો ફૂફરે ફૂઉફ?’ ‘ફૂઉફ...?? ફૂઉફ....? ફૂઉફ?’ ‘ફોયડાનું... ફારખાનું...?’ લાઇબેરિયન ‘ફા... ફા... ફા…’ ફરતો હતો. તે જોઈને ટિંગુ કહે, ‘પિંગુ, આ તે ફેવું પુસ્તફાલય છે? સાવ ફડકું લાગે છે! ભાઈ! તમારી પાસે ફફડતો ફૂવો હશે ફે નહિ?’ એફદમ ઊભા થઈને જઈને લાઇબ્રેરિયન ફહે : ‘ફફડતો ફૂવો....? અહીં ફૂવો ભૂવો ફોઈ નથી. જાઓ છો કે નહિ, માળા છોફરાઓ....!’ છોફરાઓ ભાગ્યા પણ બિચારો પુસ્તફાલયવાળો ફ... ફ... ફફડતો જ રહ્યો. છોફરાઓ ભાગતા રહ્યા. એફાએફ પિંગુ અટફી ગયો. તે ફહે : ‘ટિંગુ, જો’ સામેથી ફોઈફ આવતું હતું. બંને તેની પાસે ગયા. ટિંગુએ પૂછ્યું, ‘ફયાં જાઓ છો ફરસન ફાફા….?’ ‘આંય...?’ ‘ફયાં જાઓ છો?’ ‘ભાષણ છે.’ ‘તમારે ભાષણ ફરવાનું છે? શેની ઉપર…?’ ‘મંચ ઉપર.’ પિંગુ ફહે : ‘એ તો સમજ્યા, ભાષણ તો હંમેશાં મંચ ઉપર જ ફરાય. કંઈ પ્રમુખના માથા ઉપર ઓછું જ થાય? પણ વિષય ફયો? વેફેશનમાં શું ફરશો? ફરસત ફરો અને બુદ્ધિ ફસો...? ફાળજું ફઠણ રાખતાં શીખો? ફાલની વાત આજે ફરો...? ફાફદૃષ્ટિ...?’ ટિંગુ-પિંગુ ફયાં સુધી ફાફાની સાથે રહ્યા. ત્યાંથી ફાફા પોતાના ભાષણમાં ગયા. પણ ટિંગુ-પિંગુની અસર તેમના પર ફેવી થઈ તે જોઈએ. ફરસન ફાફાને ભાષણ ફરવાનું હતું. ‘ફરફસર’ ઉપર. તેમણે ભાષણ નીચે પ્રમાણે ફર્યું : ફરફસર ફરવામાં ફોઈએ ફસર ફરવી જોઈએ નહિ. ફરફસરને એફ ભાઈનું બિરુદ અપાયું છે. ફહેવાયું છે ફે ફરફસર એ ત્રીજો ભાઈ છે. ફરફસર ફરવાથી ફ્યારેફ મનને ફ્લેશ થાય છે પણ એ ફચવાટ નફામો છે. આજની ફસર એ ફાલની પૂંજી છે. પેલા ફાગડાની ફથા તમે બધા જાણો છો. ફાંફરે ફાંફરે જ તે ફાગડો ફૂંજામાં પાણી ઉપર લાવ્યો હતો. બીજી ફહેવત ફાંફરે ફાંફરે પાળ બંધાય તેવી પણ છે. ફહેવતોમાં ફરફસર વિષે ઘણું ફહેવાયું છે. હું તો ફહું છું ફે ફરફસરનો એફ નિયમિત ફોર્સ જ રાખવો જોઈએ. જેમ આપણે રોજ લેસન ફરીએ, તેમ ફરફસર ફરવી જોઈએ. ફરફસર એટલે ફરની ફસર. તમે જો તમારો ફરને ફબજામાં રાખશો, તો ફરફસર થઈ જ સમજ જો! ફરફસર વિષે આટલી પંફિતઓ યાદ રાખશો.
ફરફસર તું ફર ફર ફર,
એમાં ઢીલાશ ના ફર ફર ફર.
ભલે ફહે સહુ ફંજૂસ ફાફા
તું તારું ફામ ફર ફર ફર.