પદ્મિની/કૃતિપરિચય: Difference between revisions
No edit summary |
m (Atulraval moved page પદ્મિની/કૃતિપરિચય : રમણ સોની to પદ્મિની/કૃતિપરિચય without leaving a redirect) |
(No difference)
|
Revision as of 14:53, 25 August 2021
પદ્મિની : સાહિત્યકૃતિ તરીકે તેમજ રંગભૂમિ કૃતિ તરીકે આ નાટક શ્રીધરાણીનું સૌથી ઉત્તમ નાટક છે. આમ તો જાણીતી ઐતિહાસિક ઘટનાને એ આલેખે છે — ભીમદેવની રાણી પદ્મિનીના અપ્રતિમ સૌંદર્યની અલાઉદ્દીન ખીલજીએ એવી પ્રશંસા સાંભળી છે કે એને એક વાર જોવા મળે તો એ ચિતોડ પરનું આક્રમણ જતું કરવા તૈયાર છે. પણ આવા શરત-સ્વીકારમાં રાજપૂત-ગૌરવનું શું? એટલે, સર્વનાશની શક્યતા હોવા છતાં રાજપૂતો યુદ્ધ વહોરી લે છે. લેખક આ પરિસ્થિતિને જુદી રીતે, નીતિશાસ્ત્રની એક સમસ્યા તરીકે આલેખે છે : સ્ત્રીના ચારિત્ર્યની રક્ષા અને સમગ્ર પ્રજાની રક્ષા એ બે વચ્ચે પસંદગી કરવાની આવે તો શું સ્વીકારવું ઈષ્ટ ગણાય? જગતના એક નાટકમાં એની નાયિકાએ પ્રજા-રક્ષણ માટે ચારિત્ર્યની આહુતિ આપવાનું સ્વીકારેલું. પરંતુ, શ્રીધરાણી સ્ત્રી-ચારિત્ર્ય-રક્ષાનો વિકલ્પ સ્વીકારીને પદ્મિનીના પાત્રને કેન્દ્રમાં લાવે છે. પાત્ર-સંવેદન એથી પણ વધુ સૂક્ષ્મ ભૂમિકાએ આલેખન પામે છે. ચારિત્ર્ય ને સૌંદર્ય કરતાંય પહેલું ને વધુ મહત્ત્વનું તો સ્ત્રીનું સ્ત્રી લેખેનું, એક માનવ-વ્યક્તિ તરીકેનું ગૌરવ સ્વીકાર્ય બનવું જોઈએ. એટલે, અરીસામાં પોતાનું પ્રતિબંબિ જોવાની બાદશાહની લાલસા માટે પોતાને હાજર રાખવામા આવે છે એ પણ પદ્મિનીને અપમાનજનક લાગે છે. એની આ સંવેદન-સૂક્ષ્મતા એ નારીમાત્રની, સમયનિરપેક્ષ, વેદના છે. લેખકે નાટકને કથાગતિમય ને સંઘર્ષના નિરૂપણવાળું પણ બનાવ્યું છે. કાજી અને મંત્રી વચ્ચેના સંવાદો, ભીમદેવને બાદશાહ પાસેથી છોડાવવાની પદ્મિનીની યુક્તિ, વગેરેને કારણે નાટક ઘટનારસવાળું ને અભિનયક્ષમ બન્યું છે.
આવા કુતૂહલ જગાડનાર સ્પૃહણીય નાટકમાં પ્રવેશવું સૌને ગમશે.—રમણ સોની