ચિત્રકૂટના ઘાટ પર/હે મેઘરાજા, તારી ઇચ્છા હોય એટલી વર્ષા કર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 64: Line 64:


{{Right|[૧૪-૯-’૮૮]}}
{{Right|[૧૪-૯-’૮૮]}}
{{HeaderNav
|previous = [[ચિત્રકૂટના ઘાટ પર/રૂપસાગરે ડુબ દિયેછિ|રૂપસાગરે ડુબ દિયેછિ]]
|next = [[ચિત્રકૂટના ઘાટ પર/મરીને જીવી ગયા|મરીને જીવી ગયા]]
}}

Latest revision as of 12:23, 7 September 2021

હે મેઘરાજા, તારી ઇચ્છા હોય એટલી વર્ષા કર

આજે હવે હું નગરમાં વસું છું, પણ મૂળે ગામડાગામનો છું. ખેડૂતનો દીકરો છું. અમારું આખું ગામ આપણા દેશનાં બીજાં લાખો ગામોની જેમ ખેતી ઉપર જ નભે, ભલે પછી ગામમાં અઢારે વરણ હોય. એક વર્ષના કાળચક્રના બાર આરા કલ્પીએ તો એના નાભિકેન્દ્રમાં હોય ખેતી. લગ્નસરા કે ધાર્મિક વારતહેવાર પણ ખેતીની આસપાસ હોય. ઉનાળામાં જ્યારે ખેડૂતો થોડા નવરા પડે ત્યારે જ લગ્નસરાના દિવસો ખૂલે. ચોમાસા-શિયાળામાં તો કોઈ લગ્ન કાઢે જ નહિ, આજે ભલે બધું બદલાઈ ગયું હોય! એ રીતે ચોમાસાની બાજરીની કાપણી થઈ જાય પછી નવરાત્રિ ગરબાપલ્લી આવે. આખું અર્થતંત્ર પણ ખેતીનિર્ભર, જેમાં ગામની અઢારે વરણનું એકબીજા ઉપર અવલંબન હોય, અને આ ખેતી નિર્ભર હોય ચોમાસા પર.

મારું બાળપણ અને કૈશોર્ય આવા એક ગામમાં વીત્યું છે. પહેલો ખેતીલાયક વરસાદ થાય ત્યારે આકાશમાં વાદળ હોય છતાં ‘સોના સરીખો સૂરજ ઊગિયો’ ગાનથી એનું સ્વાગત કરી હળોતરા શરૂ થાય. હળોતરા આખા ગામની આશા અને ઉમંગનો તહેવાર, એનો દિવસ નક્કી નહિ. એ દિવસ આધાર રાખે મેઘરાજાની મહેર પર. વરસાદ પડે એટલે કેટલી ધરતી ભીંજાઈ છે, તે આંગળીઓથી જમીન ખોદી ખેડૂતો જુએ. ‘ચાર આંગળ કે છ આંગળ ધરતી હજી તો પલળી છે. હજી વધારે વરસાદની જરૂર છે, હળોતરા માટે.’

મેઘરાજા ઇચ્છા કરે અને ધરતીને બરાબર ભીંજાવી દે, પછી હળોતરા, ગામ આખું ખેતર ભણી હોય. હળોતરાને દિવસે ખેડૂતોનું આખું ઘર ખેતરમાં જ જમે. બળદો, ખેડૂતો અને એમની સ્ત્રીઓ, છોકરાંથી આખી સીમ ગાજતી હોય.

હળોતરા પહેલાં જ મેઘના સ્વાગતની તૈયારીઓ શરૂ થઈ જાય. અખાતરી આવે, લગનસરા વીતે પછી ખેડૂતો જમીન ખેડીને તૈયાર રાખે. ગામના ઉકરડા ખેતરોમાં ઠલવાઈ જાય. ખેતરોને સેઢે જે વાડ હોય તેના થુવેરની વધેલી ડેંડીઓ છોલી નાખવામાં આવે અને પછી વાડમાં વેરાયેલા કાંટા વગેરે સાફ કરવામાં આવે. ખેતરોમાં જવાનાં સાંકડાં નેળિયાં પણ સૌસૌને ભાગે આવે તેમ થોળ છોલીને સરખાં કરી લેવામાં આવે. વરસાદના દિવસો માટે કોઠીઓમાં ધાન અને બળદ-ભેંસો માટે સુકું ઘાસ ઢાળિયામાં કે ઘરની મેડીમાં ભરી લેવાય. ગામનાં તળાવ ઊંડાં કરી લેવાય. નળિયાંવાળાં ઘર ઉકેલી ફરી સંચવામાં આવે. ખેડૂતો ખેતીનો બધો સરંજામ સરખો કરી લે. પેરવાનાં બીજ તૈયાર રાખે. પછી જુએ વરસાદની રાહ. વરસાદ આવે અને ઊંઘતો ઝલાય એ ખેડૂત ખેતી શી કરે? એટલે બધી રીતે પાકી વ્યવસ્થા કરીને પછી જ કહી શકે કે મેઘરાજા, તારે વરસવું હોય એટલું વરસ.

આમ કહું છું અને મને આપણા જૂના ગ્રંથોમાંથી આવા શબ્દો યાદ આવ્યા – ‘હે મેઘરાજા તારી ઇચ્છા હોય એટલી વર્ષા કર.’ આ શબ્દો મનમાં હશે તે બહાર આવ્યા.

પરંતુ, આ શબ્દોનો સંદર્ભ તો ક્યાંનો ક્યાં લઈ જાય છે? છેક ગૌતમ બુદ્ધના સમયમાં. અઢી હજાર વરસ પહેલાં, ત્યારે પણ ખેતી જ આ દેશનો મુખ્ય વ્યવસાય હતો. ગૌતમ બુદ્ધે પોતાનો સદુપદેશ સંસ્કૃત ભાષાને બદલે લોકબોલી પાલીમાં આપવાનો શરૂ કરેલો અને તે પણ લોકોને સમજાય એવી ઉપમાઓ અને દૃષ્ટાંતોથી.

બૌદ્ધ ધર્મના એક પ્રાચીન ગ્રંથ ‘સુત્તનિપાત’માં એક પ્રસંગ છે ‘ધનિયાસુત્ત’. સુત્ત એટલે સૂત્ર. ધનિયો એક ખાધેપીધે સુખી ખેડૂત છે. વરસાદ આવે તે પહેલાં બધી તૈયારી એણે કરી રાખી છે. બુદ્ધ એને મળે છે. એની અને બુદ્ધની વચ્ચે સંવાદ થાય છે. ધનિયો કહે છે :

પક્કોદનો દુદ્ધખીરો હમસ્મિ

અનુતીરે મહિયા સમાનવાસો

છન્નાકુટિ આહિતોગિનિ

અથ ચે પત્થયસી પવસ્સદેવ.

‘મારું અન્ન તૈયાર છે. ગાયો દોહવાઈ ગઈ છે. મહી નદીને કાંઠે હું પ્રિયજનો સાથે વાત કરું . મારી કુટીર છાયેલી છે, અગ્નિ પેટાવેલો છે, તો હવે હે મેઘરાજા, તારી ઇચ્છા હોય એટલી વર્ષા કર.’ ધનિયાની ઉક્તિમાં સુરક્ષાનો એક ભાગ છે. ગમે એટલો વરસાદ પડે એની બધી રીતની તૈયારી છે. અન્ન, ઘર, અગ્નિ બધું જ. પરંતુ, શું માણસે આટલી જ તૈયારી કરવાની છે? આ તૈયારી તો આ લોકની છે. પણ પછી? કબીરના એક પદમાં આવે છે:

કર લે સિંગાર ચતુર અલબેલી

સાજન કે ઘર જાના હોગા

ન્હાલે ધોલે શિશ ગુંથાલે

ફિર વહાઁસે નહિં આના હોગા

સાજનને ઘેર જવાનું છે, ત્યાંથી ફરીથી પાછા નથી આવવાનું, એ માટે અંતિમ તૈયારી કરી લેવાની છે. ધનિયા ખેડૂતની વાત સાંભળી ગૌતમ બુદ્ધ એના જ શબ્દોને સહેજસાજ ફેરવી એ જ નિર્ણયે પહોંચવાની વાત કરે છે. એ જવાબ આપે છે :

એક્કોધનો વિગતખિલોઅહમસ્મિ

અનુતીરે મહિયેક રત્તિવાસો

વિવટાકુટિ નિબ્બુતો ગિનિ

અથ ચે પત્થયસી પવસ્સદેવ.

હું અક્રોધી અને વિગત ખીલ (જેના ચિત્તમાંથી કઠોરતા ચાલી ગઈ છે એવો) છું. મહીના કાંઠે માત્ર એક રાતનો નિવાસ છે. મારી કુટિર ખુલ્લી છે. અગ્નિ પણ બુઝાવેલો છે. તો હવે હે મેઘરાજા, તારી ઇચ્છા હોય એટલી વર્ષા કર.

ધનિયાની ઉક્તિ અને બુદ્ધિની ઉક્તિ જોઇશું તો ઘણા શબ્દો એના એ છે. છેલ્લી પંક્તિ તો આખી એ જ છે, અને છતાં ભાવમાં કેટલોબધો ફેર છે! ધનિયાને, બુદ્ધ કહેવા માગે છે કે, તે પોતાને સુરક્ષિત માને છે, પણ ખરેખર સુરક્ષિત નથી, હોય તો તે માત્ર ભૌતિક સુરક્ષા છે, ઐહિક સુરક્ષા છે. પણ પારલૌકિક સુરક્ષાનું શું? ઐહિક સંપત્તિનું આધ્યાત્મિક સંપત્તિ આગળ ઝાઝું મૂલ્ય નથી.

ગૌતમ કહે છે કે, મેં પણ તૈયારી કરી લીધી છે. હવે મેઘરાજા

ગમે તેટલી વર્ષા કરે. પણ એમણે શી તૈયારી કરી છે? જાતને જીતવાની.

ધનિયાનો ‘પક્કોદનો’ની સમાંતર બુદ્ધનો ‘અક્કધનો’ શબ્દ છે. હું અક્રોધી છું. ક્રોધ પર વિજય મેળવ્યો છે અને ચિત્તમાંથી કાઠિન્યને વિદાય આપી દીધી છે. ‘કરુણા’ બુદ્ધને સમજવાનો એક ચાવીરૂપ શબ્દ છે. ધનિયો મહીને કાંઠે પ્રિયજનો સાથે રહે છે. એવી રીતે રહે છે, જાણે અમરપટ્ટો લઈને આવ્યા હોય. તેની સામે બુદ્ધ માત્ર એક દિવસના વાસાની વાત કરે છે. તે કશાથી બંધાવું નહિ, ખરડાવું નહિ. બસ, ચાલી નીકળવું. કુટિર ખુલ્લી છે બુદ્ધની, ધનિયાની છાયેલી છે. ખુલ્લી કુટિરમાં મુક્ત હોવાનો ભાવ છે. ધનિયાનો અગ્નિ પેટાવેલો છે, વરસાદના દિવસોમાં તો એ જરૂરી, પણ ગૌતમ તો કહે છે : અગ્નિ પણ બુઝાવેલો છે. તો આ કયો અગ્નિ હશે? વાસનાનો?

કદાચ એમ જ. આ તૈયારી પછી ગૌતમ મેઘરાજાને કહે છે કે, તારી ઇચ્છા હોય એટલી વર્ષા કર. ધનિયો ભેગું કરીને સુરક્ષા અનુભવે છે, બુદ્ધ બધું ત્યજીને મોક્ષ અનુભવે છે. ધનિયાને બુદ્ધની ઉક્તિનો મર્મ સમજાયો હશે? અને આપણને?

વાત ક્યાંથી શરૂ થઈ ને ક્યાં આવીને ઊભી? સ્વયં વિસ્મય પામું છું.

[૧૪-૯-’૮૮]