ચિત્રકૂટના ઘાટ પર/આક્કા અને અમૃતા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 70: Line 70:


{{Right|[૨૬-૧૧-૯૫]}}
{{Right|[૨૬-૧૧-૯૫]}}
{{HeaderNav
|previous = [[ચિત્રકૂટના ઘાટ પર/પેપ્સીકો અને પર્યાવરણ|પેપ્સીકો અને પર્યાવરણ]]
|next = [[ચિત્રકૂટના ઘાટ પર/શું પામ્યો નથી એનો હિસાબ મેળવવા મન રાજી નથી|શું પામ્યો નથી એનો હિસાબ મેળવવા મન રાજી નથી]]
}}

Latest revision as of 12:41, 7 September 2021

આક્કા અને અમૃતા

કુટુંબમાં મા પછી જો કોઈ એકની ભારેમાં ભારે અસર થતી હોય તો તે બહેનની છે.

ભાઈ-બહેનનું હેત આપણા સમાજમાં કહેવતરૂપ છે. લોકગીતો અને લોકકથાઓમાં એવા હેતની વાતો ગૂંથાઈ ગયેલી જોવા મળે.

દુકાળિયું વરસ છે. વરસાદ પડતો નથી. કંઈક આશા રાખી સાસરિયે રહેતી બહેન પિયરમાં ભાઈના ઘેર જાય છે. સાથે નાનો દીકરો છે. દરેક નાના છોકરાને ‘મામા’ એટલે જાણે શી વસ! બહેન ઘેર પહોંચે છે, તો ભાઈ ઘરે નથી, ખેતરે ગયો છે. ભાભીને થયું કે, અહીં ખાવાના વખા છે, ત્યાં વળી નણદીબા ક્યાંથી આવી ગયાં? એણે કહી દીધું: ‘તમારા ભાઈ ઘેર નથી. તમારે પાછા જવું હોય તો જાઓ, નહીંતર પછી અંધારું થઈ જશે.’

બહેન ભાભીનું મન પામી ગઈ. દીકરાને લઈને નીકળી પડી પાછી. ખેતરાઉ માર્ગે જાય છે. આકાશમાં એક વાદળી દેખાય છે. બહેન વાદળીને જોતાં જોતાં કહે છે : ‘વાદળી રે, એક મારા વીરાના ખેતરમાં વરસ.’ ત્યાં વાડ પાસે કામ કરતો ભાઈ સાંભળે છે. જુએ છે, તો ભાણા સાથે બહેન પાછી જઈ રહી છે. બધું પામી જાય છે. એ પાછો બહેનને પોતાને ઘેર લઈ જાય છે. એમ વાત ચાલે છે. ભાભીએ જાકારો આપ્યો, પણ બહેન તો વીરાનું કલ્યાણ વાંછે છે. ભાઈબહેનના હેતની વાત નીકળે ત્યારે મારી બા આ વાત સંભળાવે. એવું કોઈ ગીત પણ એ ગાતી, જેમાં વાદળીને વીરાના દેશમાં વરસવાની વિનંતી હોય.

વ્યક્તિમાત્રના જીવનમાં બહેનનું – ખાસ તો આપણા કુટુંબજીવનમાં – વિશિષ્ટ સ્થાન છે. એવી રીતે દીકરીને સાપના ભારા કહેવા છતાં પુત્રીનું પણ એક ખાસ સ્થાન છે. માબાપને હંમેશાં એના ભવિષ્યની ચિંતા રહેતી હોય. બહેન અને પુત્રી – એક નારીજીવનનાં બે પહેલુ છે.

આપણા સાહિત્યમાં બહેન અને પુત્રી વિશેનાં લખાણો કેટલાં? ઉત્તમ અને પ્રેરક વાચન ગુજરાતનાં લાખો કુટુંબ સુધી પહોંચાડવાની હોંશ રાખતા અને એ માટે યોજનાઓ કરી અમલમાં મૂકતા શ્રી મહેન્દ્ર મેઘાણીનો પત્ર આવ્યો કે, સાહિત્યમાં બહેન અને પુત્રી વિશેનાં લખાણો હોય તેમાંથી ઉત્તમ કેટલાંક વીણીને એક સંચય કરવો છે.

સાહિત્યમાં નારીની વાત તો કેટલી બધી આવે છે? પણ નારીનું બહેન તરીકેનું આલેખન યાદ રહી ગયું હોય તેવી રચનાઓ કેટલી? ચં. ચી. મહેતાનાં ‘ઈલાકાવ્યો’ યાદ આવ્યાં. નાની વયનાં ભાઈબહેનોના હેતનાં એ કાવ્યો છે. બહુ ઓછી ભાષાઓમાં આવાં કાવ્યો હશે. પછી એકદમ યાદ આવી હરિશ્ચંદ્ર ભટ્ટની બહેન વિશેની આ કવિતા–

‘નિર્દોષ ને નિર્મળ આંખ તારી.’

–થી શરૂ થતી યૌવનને ઉંબરે અવસાન પામેલી બહેન વિશેની એ અત્યંત મર્મસ્પર્શ કવિતા છે.

એમ પછી સ્મૃતિને ઢંઢોળતાં બે બહેનોની છબીઓ એકદમ ઝબકી ગઈ. એક તો કાકાસાહેબ કાલેલકરે તેમની ‘સ્મરણયાત્રા’માં આલેખેલી તેમની મોટી બહેન આક્કાની છબી અને બીજી છબી તે કિશનસિંહ ચાવડાએ ‘અમાસના તારા’માં આલેખેલી તેમની નાની બહેન અમૃતાની છબી.

આક્કા અને અમૃતા ગુજરાતી ભાષામાં બહેન વિશેનાં બે ઉત્તમ અને હૃદયસ્પર્શી રેખાચિત્રો છે. એક છે મોટીબહેન અને એક છે નાનીબહેન. ભાઈના મોટીબહેન પ્રત્યેના હેતમાં એક આદરભાવ હોય. નાનીબહેન પ્રત્યેના હેતમાં હોય વત્સલતાનો ભાવ. આ બન્ને બહેનો – આક્કા અને અમૃતા – કોઈ દત્તાત્રેય કાલેલકરની કે કિશનસિંહ ચાવડાની બહેનો રહેતી નથી, સૌ ભાઈઓની બહેનો બની જાય છે અને હૃદયમાં ઊંડે પોતાનું એક પવિત્ર સ્મારક રચી દે છે.

કાકાસાહેબને પોતાની મોટી બહેન આક્કાનું સ્મરણ એમની પોતાની છ-સાત વર્ષની વયે હશે તે વખતનું છે. કહેવાયું છે બહુ મોટી વયે. આલેખનમાં શૈશવની ચેતના સાથે ભળી ગઈ છે, આલેખન સમયની પ્રૌઢ ચેતના.

દત્તુને આક્કાનું પહેલું સ્મરણ અત્યંત નાટ્યાત્મક છે. લખે છે :

‘અમે સતારામાં હતા. એક દિવસ એક ગાડી આવીને ઊભી રહી. તેમાંથી એક બાઈ મજાનાં ટપકાં-ટપકાંવાળું ગવન પહેરેલી, નીચે ઊતરી. મેં બૂમ પાડી કહ્યું: ‘આઈ કો’ક ઘરમાં આવ્યું છે.’ મારી અપેક્ષા હતી કે, આઈ અંદરથી આવે ત્યાં સુધી આ બાઈ બારણે રાહ જોશે. પણ એ તો સીધી અંદર જ ગઈ અને ઘરમાં બધે ઘરની જ હોય એમ ફરવા લાગી! પછી મને ખબર પડી કે, આ તો મારી બહેન હતી. ઘણા દહાડા સાસરે રહીને પિયેર આવેલી.’

એટલે દત્તુને આ મોટી બહેન સાથે રહેવાનો કે સંતાકૂકડી રમવાનો લહાવો છેક નાનપણથી મળ્યો નથી. આક્કા – ખરેખર આક્કા – મોટી બહેન છે અને ઘરમાં એનાં માનપાન જોઈ, પોતે પણ એવો આદરભાવ રાખે છે. આક્કા દત્તુને રમવા રંગીન લખોટા લેતી આવી છે. એમના ઘરમાં લખોટા રમવાની છૂટ નથી, પણ આ તો આક્કાના લાવેલા લખોટા.

દત્તુની મા આક્કાનાં ડહાપણ અને હેતાળ સ્વભાવ પર વારી જતી અને પિતાજી ભાગુ(ભાગીરથી)ને શું ગમે છે, શું જોઈએ છે એ જાણવા ઈંતજાર રહેતા. બીજા ભાઈઓ પણ બહેનને પ્રસન્ન રાખવા મથતા. આ રીતે એક સ્નેહાળ પરિવારમાં પુત્રી-બહેનનું ઉષ્માભર્યું સ્થાન જોતાં આપણા કુટુંબજીવનનો એક અતૂટ તંતુબંધ અનુભવાય છે.

આક્કા એકડિયામાં ભણતા દત્તુને ભણાવે છે. આક્કા મા આગળ રામવિજયનું આખ્યાન વાંચે છે. આક્કા ઘરે રાખેલા પિંજરાના સૌના માનીતા પોપટને છોડી દેવા કહે છે અને નળદમયંતી કથામાંથી નળના હાથમાં સપડાયેલા હંસના વિનંતીભર્યા વિલાપનું ગાન કરતાં પોતે રડી પડે છે અને પછી આક્કાની વાત સ્વીકારી પોપટને છોડી મૂકવામાં આવે છે. આ એક પ્રસંગ પણ આક્કાની ચારિત્રિક લાક્ષણિકતા પ્રગટ કરે છે.

પણ એ જ આક્કા પછી માંદી પડે છે. કાકાસાહેબનું કુટુંબ એ વખતે સતારાથી શાહપુર મામાને ત્યાં આવેલું છે. શિશુવયના દત્તુને માંદગીની ગંભીરતાનો શો ખ્યાલ આવે? પણ એક દિવસ ઊઠતાંવેંત ઘરનાં નાનાં છોકરાંઓને પાડોશમાં લઈ જવામાં આવે છે અને જુદાજુદા બહાને ત્યાં રોકી રાખવામાં આવે છે. મોડે ઘેર પહોંચે છે તો જુએ છે તો ઘરમાં ગમગીનીની શાંતિ છે. કોઈ કોઈની સાથે વાત કરતું નથી. એક ખૂણામાં ચોખાની ભરેલી અડધી ગુણ ઊભી હતી, તેના પર પિતાશ્રી એક પાતળો ખેસ ઓઢીને બેઠા હતા, છતાં ટાઢે ધ્રૂજતા હોય એમ લાગતું હતું. એમણે કહ્યું : ‘આપણી ભાગુ આપણને છોડીને દૂર ગઈ.’ પણ એ વખતે દત્તુને સમજાતું નથી : ‘દૂર એટલે ક્યાં સુધી?’

કાકાસાહેબ યાદ કરે છે : આક્કા સાજી હતી ત્યારે મોટાભાઈની નાની દીકરી ચીમીનું ઉંમરના પ્રમાણમાં અધિક ડહાપણ જોઈ કહેતી : શહાણું માણસ લાભત નાહીં (ડાહ્યું માણસ બહુ જીવે નહી), પણ વિધિવક્રતા કેવી છે, કાકાસાહેબ કહે છે કે, આક્કાનું વચન આક્કાને જ લાગુ પડ્યું અને મા એ વાત યાદ કરી રોજ રોતી.

કાકાને આક્કા વિશે આટલાં સ્મરણો છે, પણ પછી કહે છે કે, એક કુટુંબમાં મા પછી જો કોઈની ભારેમાં ભારે અસર થતી હોય તો તે બહેનની છે અને પોતાને ભગિનીપ્રેમની ભૂખ રહી ગઈ તેનો વસવસો કરે છે. એ ભૂખ આક્કાના પવિત્ર સ્મરણથી જ શમાવવી પડે છે.
*
બીજી બહેન છે અમૃતા. અમૃતા આપણા સૌની નાની બહેન બની જાય છે. કિશનસિંહ લખે છે :

‘મારી નાની બહેનનું નામ તો અમૃતા, પણ સૌ એને અમુના વહાલસોયા નામથી બોલાવતા. મારાથી બેત્રણ વર્ષ નાની. હું બાર વરસનો ત્યારે એ નવની. અમે ભાઈબહેન, ઉપરાંત જબરાં મિત્રો. અમુ ગજબની તોફાની. હું જરા શાંત. એટલે ફળિયામાં જરાક કાંઈક છોકરાઓમાં તકરાર જેવું થાય તો મારા સામાવાળાના બાર વગાડી દે.’

આટલા શબ્દોમાં તો અમૃતાનું રેખાચિત્ર જીવંત થઈ જાય, પણ લેખક અમૃતાના સ્વાસ્થ્ય અને સૌંદર્યની વાત કરી કહે છે : ‘નમણો ચહેરો અને તેજસ્વી આંખો. અમૃતાની આંખો પર હું મુગ્ધ.’

કાલેલકર-પરિવારની જેમ ચાવડાપરિવાર પણ એક હેતાળ પરિવાર છે, એટલા બચરવાળ જરૂર નથી, પણ દીકરીનું સ્થાન દીકરા જેટલું જ છે. અમુની વાત કરતાં લેખકે બહેનના પાંચીકાના શોખની વાત લખી છે. એની પાસે આરસના પાંચીકા છે. એ પાંચીકા રમી રમીને અમુએ સુંવાળા બનાવી દીધા છે. પાંચીકા રમતી અમુની ગતિશીલ છબી લેખકે થોડાક જ શબ્દોથી આંકી દીધી છે. કૂકા રાખવા માટે અમુ બા પાસે મશરૂની થેલી કરાવે છે. અમુના રેખાચિત્રમાં આ મશરૂની થેલી અને પાંચીકા કેન્દ્રમાં છે.

લેખક જ્યારે તેર વરસના થાય છે ત્યારે એમનું લગ્ન લેવાય છે, પણ એમને એ ગમતું નથી. છેવટે ભાઈનાં લગ્ન તો થાય છે, બધા જાતજાતની ભેટ આપે છે. અમુ શું આપે? અમુ પોતાનું અમૂલ્ય ઘરેણું – મોંઘી મિલકત – પાંચીકા ભરેલી મશરૂની થેલી આપે છે!

પછી તો અમુ પણ મોટી થાય છે. ‘અમારો સ્નેહ ઉંમર સાથે વધ્યો, ઘટ્યો નહીં એની ભીનાશ વધી’ એમ લેખક લખે છે : પછી તો અમુનાં લગ્ન લેવાય છે. એનાં લગ્નમાં ભાઈ શું ભેટ આપે? વિદાય વખતે આગ્રહ કરી બાપુજી પાસેથી ર૫ રૂપિયા લઈ અમુની જ પેલી પાંચીકાવાળી મશરૂની થેલીમાં તે રૂપિયા મૂકી ગાડીમાં બેસવા જતી બહેનના હાથમાં એ સરકાવી દે છે.

થોડા દિવસો પછી અમુ સાસરેથી આવે છે, પણ લગ્નના એ થોડા જ દિવસમાં મારી એ લાડીલી બહેન સાવ બદલાઈ ગયેલી. એનો હસતો ચહેરો, મરકતી અને મસ્તીખોર આંખો અને ઊછળતું આખું અસ્તિત્વ – બધું જ શાંત થઈ ગયું હતું.’

અને આ અમુ ચારેક વર્ષ પછી સાસરેથી માંદી થઈને આવે છે ત્યારે લેખક અને મા એને માંડમાંડ ઓળખી શકે એવી થઈ ગયેલી. જાણે એ અમુ જ નહીં, એનું ભૂત! અમની બીમારી વધે છે અને એક દિવસ એ ચાલી નીકળે છે. ‘કુટુંબનું જાણે માંગલ્ય જ મરી ગયું.’

પછી ભાઈબહેનની એ પવિત્ર સ્મૃતિનો એક માર્મિક પ્રસંગ આલેખે છે. બહેનનાં અસ્થિ લઈ ચાણોદ-નર્મદા નદીમાં એ પધરાવવા જવાનું છે તે વખતે અમુની પેટીની વસ્તુઓ વગે કરતાં એની લગ્ન વખતની સૌભાગ્યચૂંદડીની ગડીમાંથી પેલી મશરૂની થેલી નીકળે છે :

‘મેં ઉઘાડીને જોઈ તો અંદર પેલા પાંચ આરસના કૂકા ટૂંટિયું વાળીને પડ્યા હતા. એ કૂકાને જોઈ મારાથી ન તો રડાયું ન તો બોલાયું.’

છેલ્લું દૃશ્ય છે કે જેમાં નર્મદા-ઓરના સંગમ આગળ હોડી પહોંચતાં માછી કહે છે, ‘ભાઈ આ ઓરસંગમ.’ ભાઈ બહેનનાં અસ્થિની થેલી પાણીમાં મૂકે છે અને સાથે પાંચીકા સાથેની પેલી મશરૂની થેલી પણ. પછી લખે છે : ‘અમુનાં અસ્થિ અને આરસના પાંચીકા મેં પાણીમાં મૂક્યા ત્યાં તો લાવણ્ય અને લજ્જાભર્યાં એનાં લોચનો મારી સામે હસી ઊઠ્યાં!’

આક્કા અને અમૃતા – બેય આપણી બહેનો. એક મોટી બહેન, એક નાની બહેન. આપણા હૃદયમાં ભગિનીપ્રેમનું પાવનસ્મરણ બની રહી છે.

[૨૬-૧૧-૯૫]