ન તત્ર સૂર્યો ભાતિ/દુર્લભા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|દુર્લભા| સુરેશ જોષી}} {{Poem2Open}} રેખા વળી ક્યાં ખોવાઈ ગઈ? સુહાસે...")
 
No edit summary
 
Line 90: Line 90:
સુહાસ તુષ્ટ છે, રેખા લુપ્ત છે. અન્ધકારમાં જ અન્ધકારની સહસ્ર ધારાઓ લુપ્ત છે તેમ.
સુહાસ તુષ્ટ છે, રેખા લુપ્ત છે. અન્ધકારમાં જ અન્ધકારની સહસ્ર ધારાઓ લુપ્ત છે તેમ.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous = [[ન તત્ર સૂર્યો ભાતિ/ભય|ભય]]
|next = [[ન તત્ર સૂર્યો ભાતિ/બે સૂરજમુખી અને|બે સૂરજમુખી અને]]
}}

Latest revision as of 12:58, 15 September 2021


દુર્લભા

સુરેશ જોષી

રેખા વળી ક્યાં ખોવાઈ ગઈ? સુહાસે મુંબઈ જેવા મોટા શહેરના રસ્તા પરનાં ટોળામાં રેખાને શોધવાનો પ્રયત્ન કર્યો. એ બબડ્યો: ‘ભારે હઠીલી છે રેખા! અહીં કોણ જોઈ જવાનું હતું. પણ કહે કે –’ ત્યાં જોયું તો રેખા રસ્તો ઓળંગીને સામે પહોંચી ગઈ હતી. એના જીવમાં જીવ આવ્યો. એને તો ધ્રાસ્કો જ પડ્યો હતો: રેખા ઘરે પાછી વળી તો નહિ ગઈ હોય ને!

સુહાસ પણ રસ્તો ઓળંગીને સામી બાજુએ પહોંચી ગયો. રેખાની સાવ નજીક જઈને એ બોલવા જ જતો હતો: રેખા! રેખા! ત્યાં રેખાએ જ નાના બાળકને છાનું રાખવા નિશાની કરતી હોય તેવો અભિનય કરીને એને ચૂપ કરી દીધો. સુહાસ અકળાયો. દૂરથી એ રેખાને જોઈ રહ્યો. આ પ્રસંગને માટે રેખાને એણે ખાસ સાડી આપી હતી. એ જોઈને તો એ સુહાસના પર ચિઢાઈ જ ગઈ! ‘તને તે કાંઈ ભાન છે ખરું?’ સુહાસે વીલે મોઢે પૂછ્યું: ‘કેમ?’

રેખા બોલી: ‘કેમ શું વળી? આવી મોંઘી સાડી જોઈને બાને વહેમ આવે કે નહિ? મેં કાંઈ એટલા બધા પૈસા એકઠા નથી કરી રાખ્યા!’

સુહાસ ઉત્સાહમાં ને ઉત્સાહમાં બોલી ગયો: ‘પણ રેખા, તેં આજે એ પહેરી હોય તો તું કેવી સુન્દર –’ એને વચ્ચેથી જ તોડી પાડીને રેખા બોલી: ‘તું શું મને ઢીંગલીની જેમ સજાવવા ઇચ્છે છે? તો આ ખાદીભવનમાંથી એકાદ ઢીંગલી લઈ લે ને મને ઘરે જવા દે!’

સુહાસ તો ડઘાઈને જોઈ જ રહ્યો. એને આવી મૂંઝવણમાં જોઈને રેખા વધારે અકળાઈ. એણે કહ્યું: ‘ક્યાં છે તારા મિત્રનું ઘર?’

વળી બંનેએ આગળ ચાલવા માંડ્યું – રેખા આગળ ને સુહાસ પાછળ. સુહાસ વિચારતો હતો: રેખા ખેંચાઈને તો નથી આવતી ને? ને ખેંચાઈને આવતી હોય તોય શું? હવે એ રેખાને જતી કરવા તૈયાર નહોતો. આમ તો બંને વચ્ચે ઝાઝો મેળ દેખાતો નહોતો. રેખા જરા આખાબોલી પણ ખરી. કોઈક વાર તો સુહાસને ચિઢવવા ખાતર જ એને જે ગમે તેની મશ્કરી ઉડાવતી:

‘આ યુ દ કોલોન ક્યાંથી શોધી લાવ્યો છે?’

‘કેમ?’

‘મને એની વાસ જરાય ગમતી નથી.’

આમ છતાં સુહાસ ને રેખા આજે સાથે જઈ રહ્યાં હતાં. બંને વચ્ચે કશુંક અતૂટ હતું. હશે જ ને નહીં તો – રેખા થોડીક આગળ નીકળી ગઈ હતી એને રોકતાં સુહાસે કહ્યું: ‘બસ, આ જ ઘર.’

રેખા ઊભી રહી ગઈ. એક બાજુ હોટેલમાંના ઉચ્છિષ્ટનો ભાગ પાડતા બેઠેલા ભંગીઓ, બીજી તરફ લડતી બે બિલાડીઓ. રેખાએ ભવાં ચઢાવી પૂછ્યું: ‘અહીં?’

સુહાસ કહેવા જ જતો હતો: ‘આપણે ક્યાં અહીં સંસાર માંડીને બારે દહાડા રહેવું છે –’ પણ એ મનમાં વાક્ય પૂરું ગોઠવે તે પહેલાં જ રેખા બોલી ઊઠી: ‘મને તારા બધા મિત્રો નથી ગમતા. પેલો શ્રીકાન્ત કેવો વેવલો છે! અહીં આખું ટોળું જમા તો નથી કર્યું ને?’

સુહાસે તો કોઈને કહ્યું જ નહોતું. પણ પ્રિયંવદ ઉત્સાહનો માર્યો બધાને તેડી લાવ્યો હોય તો!

સુહાસે રેખાને ઊભી રાખતાં કહ્યું: ‘રેખા, જો તને નહીં ગમતું હોય તો આપણે અહીંથી પાછા જ વળીએ.’

રેખાએ અણધારી મક્કમતાથી કહ્યું: ‘પાછી વળવા માટે હું અહીં નથી આવી.’

સુહાસ ભયથી ફફડતો દાદર ચઢવા માંડ્યો, એની પાછળપાછળ રેખા. પ્રિયંવદની ઓરડી આગળ આવીને સુહાસે બારણું ખખડાવ્યું. એકી સાથે અંદરથી કેટલાયનો હસવાનો અવાજ આવ્યો. બારણું ખૂલ્યું. મિત્રોની મંડળીમાં સુશીલ જરા ટીખળી હતો. એ બોલી ઊઠ્યો: ‘કેમ સુહાસ? એકલો તો નથી આવ્યો ને?’ પછી રેખાને જોતાં એ આનંદમાં આવી ગયો ને બોલ્યો: ‘આ વખતે પ્રિયંવદનું કાઢેલું મુહૂર્ત સાચું પડ્યું.’

પ્રિયંવદે પૂછ્યું: ‘રેખા, ઇલા મંજુ વંદના કોઈ નથી આવ્યાં?’

રેખાએ કહ્યું: ‘મેં કોઈને કહ્યું જ નહોતું.’

આથી આગળ બોલવાની કોઈની વૃત્તિ થઈ નહીં: સહી, સાક્ષીના દસ્તખત – બધું પત્યું. પેંડા વહેંચાયા. મિત્રોએ સુહાસને ચઢાવ્યો: ‘અલ્યા, જોઈ શું રહ્યો છે? રેખાના મોઢામાં પેંડો મૂકી દે ને!’

રેખા તરત તડૂકી ઊઠી: ‘મને નથી ગમતા એવા વેવલાવેડા!’

પછી થોડી વાર રહીને એણે સુહાસને કહ્યું: ‘ચાલ, હવે આપણે જઈએ ને?’

સુહાસે પૂછ્યું: ‘ક્યાં?’

રેખા બોલી: ‘ક્યાં એટલે? મારે ઘેર. ગોરેગાંવ. પહોંચતાં નવ વાગી જશે.’

શ્રીકાન્ત બોલ્યો: ‘અમે તો આ ઓરડી તમને સોંપવાનો નિર્ણય કર્યો હતો.’

આ ઉદાર પ્રસ્તાવને વધાવવાનો ઉમળકો સુહાસે કે રેખાએ બતાવ્યો નહીં.

વળી રસ્તે રેખા ને સુહાસ આગળપાછળ ચાલવા મંડ્યાં. મરીનડ્રાઇવ, નરીમાન પોઇન્ટ, પથ્થર સાથે અથડાતાં મોજાં, એના ઊછળતા સીકર, પવનના અવાજમાં આછો થઈ જતો રેખાનો અવાજ – સુહાસને ઘણું યાદ આવતું હતું. છ વર્ષ! કેટલા કોઠાનો આ પ્રણયવ્યૂહ હતો!

સાંજ ઢળી ચૂકી હતી. ઘરે પાછાં વળતાં ટોળાંને સુહાસ જોઈ રહ્યો. ઘેરી ઉદાસીનો અશ્રુત સ્વર એ ટોળાં ઉપર તરતો હતો. ચર્ચગેટ સ્ટેશન આગળ ભિખારીઓ કાકલૂદી કરતાં ઊભાં હતાં. ઇરોસના નિયોન દીવાઓ ઉપર ઝબૂકતા હતા. પેલી ઉદાસીના અંગ પર આ નિયોન દીવાઓ જાણે અલંકારની જેમ ચમકી રહ્યા હતા!

ઓવલનું મેદાન, એલ્ફિન્સ્ટન કોલેજ, એપોલો, દૂરની દરિયામાંની ટેકરીઓ – સુહાસ જોતો જ રહ્યો. રેખા કશું બોલતી નહોતી. ટહૂકી ઊઠે, પતંગિયાની જેમ ઊડાઊડ કરી મૂકે, માછલીની જેમ પાણીમાં સેલારા મારે એવો આ પ્રેમ કેમ ભારે ભારે થઈ ગયો હતો? – રેખા વિચારતી હતી. સુહાસ પણ વિચારતો હતો. પણ બંનેના વિચારના છેડા મળતા હતા ખરા?

ભીડ વચ્ચેની થોડીક નિર્જનતામાં બંને જઈને ઊભાં રહ્યાં. રેખાનો હાથ સુહાસના હાથને શોધતો આવ્યો. સુહાસના હાથે પ્રગલ્ભ બનીને રેખાના હાથને જકડી લીધો. રેખા કશું બોલી નહીં. સુહાસ મહામહેનતે મૌન જાળવતો ઊભો. કોઈ સ્ટીમરનું ભૂંગળું વાગ્યું. દરિયામાંના નાના હોડકામાં એક ટમટમતો દીવો દેખાયો. સુહાસ ને રેખા પાળ પર બેઠાં. દૂરના દરિયા પરના અગોચર અન્ધકારમાં ભવિષ્યની લકીરને શોધતી એમની આંખો પણ મૂક હતી; છતાં જાણે બંનેની વેદના આંગળી પકડીને ચાલતી હતી – દૂરના આછા અન્ધકારમાં બંનેની વેદનાઓ જાણે વિહરવા નીકળી પડી હતી – નાના શિશુની જેમ.

સુહાસ અકળાયો. એણે રેખાને કહ્યું: ‘રેખા કંઈક તો બોલ.’

રેખાએ કહ્યું: ‘શું કહું? પ્રિયતમ, પ્રાણેશ્વર…’

સુહાસે કહ્યું: ‘ના, કહેને માત્ર સુ, અથવા સુ પણ નહીં, અન્ધકારમાં જેને જોઈ પણ નહીં શકું તેવો તારા હોઠનો આછો થરકાટ માત્ર…’

રેખા બોલી: ‘કાલ સુધી બધું કેવું નિશ્ચિત હતું! હવે બધું જ અનિશ્ચિત.’

સુહાસ સહેજ વ્યથાથી ઉત્તેજિત થઈને બોલ્યો: ‘અનિશ્ચિતતા એટલે જ તો સાહસ…’

રેખા હસીને બોલી: ‘હવે મને તારું નામ ફેરવવાનો અધિકાર ખરો ને? તો આપણે તારું નામ ‘સુહાસ’ને બદલે ‘સાહસ’ કરી નાખીએ!’

સુહાસે કહ્યું: ‘તારા વિના કાંઈ એવું સાહસ થયું હોત?’

રેખા બોલી: ‘કબૂલ છે. હું માત્ર સહચારિણી નહીં, સહસાહસિની પણ ખરી.’

સુહાસને શું બોલવું તે સૂઝ્યું નહીં. એને યાદ આવ્યું: એ બોલે છે, રેખા લખે છે. લખતી જાય છે, ટોળટિખ્ખળ કરતી જાય છે. એના કાવ્યની પંક્તિઓ વચ્ચે રેખાના પ્રસન્ન સ્મિતની છોળ છલકાઈ ઊઠે છે. એની આંખોની ચટુલતા સુહાસની કવિતાના અન્વયને ચકરડીભમરડી ફેરવે છે. કોઈક વાર રેખાની આંખમાં અકારણ (હા, કારણ કે સુહાસ ફરી ફરી પૂછે છે તો રેખા એક જ જવાબ આપે છે: કારણ જાણવા તો તારી પાસે આવી છું) આંસુ આવી ચઢે છે. શબ્દો ઓગળી જાય છે. હવામાં તરી રહે છે માત્ર એની બાષ્પ. સુહાસ એની સામે જોઈ રહે છે. બે આંખો, આંસુથી ડહોળાયેલી બે રાતી રાતી આંખો: એમાં કોઈનું પ્રતિબિમ્બ નથી. એ આંખો કોઈને જોતી નથી, ને છતાં એ આંખોને સ્મૃતિ છે – અગાધ સ્મૃતિ છે, એ સ્મૃતિમાં વેદનાના જુવાળ આવે છે. ને એ જુવાળ આગળ એ પોતાને સાવ નગણ્ય જેવો જુએ છે – કોઈ હોડકામાંના નાના ટમટમતા દીવાના જેવો. ને ત્યારે આ રેખા – જે ગાઢ આલિંગનમાં પોતાનામાં સાવ લુપ્ત થઈ જાય છે તેને એ સાવ દુર્લભ માને છે, એનું હૃદય મૂઢ બની જાય છે. કશું ન સૂઝતાં એ સામે બેઠેલી રેખાને ભીંસી નાખે છે. રેખા અકળાતી નથી, મૂંઝાતી નથી. પૂરી સ્વસ્થતાથી જાણે બોલે છે: સુહાસ, તેં જ તો જીવનાનન્દની કવિતા મને સંભળાવી હતી, નહીં? કવિ શું કહે છે તે યાદ છે? કવિ કહે છે કે આ તો છે વ્યાઘ્રયુગ. એની મુખ્ય પ્રવૃત્તિ હરિણીનું મીઠું મુલાયમ માંસ ભક્ષવાની. બધા જ પુરુષો વાઘ – અથવા સારા શબ્દોમાં કહું તો નરશાર્દૂલ!’

આ યાદ આવતાં સુહાસ રેખાને સ્પર્શવાનો મોહ જતો કરે છે. અન્ધકારમાં ઊપસી આવતા એના આભાસની રેખાઓને માત્ર આંખથી સ્પર્શે છે – જેવી રીતે દૂર દૂરના તારા સ્પર્શે છે સમુદ્રના તરંગોને; જેવી રીતે જુહુના સમુદ્રતટ પરની નારિયેળીનો પર્ણમર્મર આકાશના મૌનને સ્પર્શે છે.

પછી બંને ઊઠ્યાં – છૂટાં પડવાને ગાડીમાં બેઠાં. ફર્સ્ટ ક્લાસનો ડબ્બો લગભગ ખાલી જેવો હતો. રંગબેરંગી ચિત્રોવાળી ચોપડીનાં પાનાં પવનમાં ફરફરે તેમ સ્ટેશનો આવીને જતાં હતાં. સુહાસ રેલના પાટા જોઈ રહ્યો. કેવા વળ ખાતા હતા એ પાટાઓ! ઘડીમાં એકબીજાને છેદે છે, એકબીજામાં ભળી જાય છે. દૂર માહીમની ખાડીમાં દરિયાનાં પાણી ધૂંધળા પ્રકાશને ઝીલતાં પડ્યાં છે. ધોળાંધોળા ફીણની હાર અન્ધકારમાં દોડી જતી દેખાય છે. રેખા એની વધુ નિકટ સરે છે. સુહાસના હૃદયમાં કશીક ઊંડી વ્યથા જાગે છે. એને ખબર નથી એ વ્યથા ક્યાંથી આવે છે, એના વક્ષ:સ્થળમાં રેખાનું મુખ ખોવાઈ જાય છે. સુહાસ કહે છે: ‘રેખા, આવા પ્રેમની આશાએ શું આપણે જન્મ નહોતો લીધો? તું કાંઈ મારી દિશામાં આવવા નહોતી નીકળી, ને હુંય દિશાનું ભાન ભૂલીને ક્યાં ઊભો રહી ગયો હતો! આ પ્રેમ – એને માથે ઘરનું છાપરું નથી, એને ઉમ્બરની સીમા નથી; તુલસીક્યારો, કંકણરણકતા હાથ ને સાંજટાણે પ્રકટાવાતા ઘીના દીવાની વચ્ચે એ ઘેરાયો નથી. આકાશની જ એને ઓથ છે. રેખા, આ ગાડી દોડ્યે જાય છે. માની લેને કે એ જાણે અટકવાની જ નથી. આપણે દૂર દૂર દોડ્યે જ જઈએ છીએ – નદીના પ્રવાહ આપણામાં ભળે છે, પર્વતોની નિર્જનતા આપણાં હૃદયના એકાન્તને ઓળખવા માંડે છે: દૂર દૂરનો અવકાશ આપણી આંખોમાં ઓગળવા માંડે છે; એક અશ્રુ થઈને ઝમે છે. ને પાસે જ બેઠું છે આપણું મરણ – એની નિકટતાની હૂંફથી આપણે ભડકતાં નથી, આપણે દોડ્યે જ જઈએ છીએ. તું રેખા – દૂર સુધી વિસ્તરતી એકલતાની સીધી રેખા જે વંકાઈને પાછું વળીને જોતી નથી, ક્ષિતિજને ભેદીને દોડી જાય છે, ને હું નીહારિકાના અદૃશ્ય તારાની જેમ દૂર દૂરથી એને જોઈ રહું છું – જુગ જુગથી.’

સુહાસ બોલ્યે જાય છે ને રેખા પરમ સુખથી ઘૂઘવતી કપોતીની જેમ ખૂબ ઊંડે ઊંડેથી જાણે ‘હં’ માત્ર કહેવા પૂરતી સહેજ સપાટી પર આવે છે. ઘુંટાયેલા સુખથી ઘેરી બનેલી આંખોમાંની એની વિલોલ કીકી સુહાસ જોઈ રહે છે. આ આંખો એને બહુ ગમે છે. એ આંખોમાં પ્રલય છે, ને પ્રણય પ્રલય વિનાનો હોઈ શકે ખરો? રેખાના ઊંડે ઊંડેથી આવતા ‘હં’ને સાંભળવાના લોભમાં એ બોલ્યે જાય છે. એને ખબર નથી કે એ શબ્દો ક્યાંથી આવે છે – ચારે બાજુના અન્ધકારમાંથી કે પછી આજુબાજુ વિસ્તરીને પડેલા અવાક્ માનવીઓની વ્યથાના ઊંડાણમાંથી કે પછી એ શબ્દો છે નર્યા મૌનનાં બુદ્બુદ, ને આખરે તો પોતે પણ રેખાના મૌનના વમળ વચ્ચે ઘેરાઈ ગયેલો એકાદ બુદ્બુદ માત્ર!

સુહાસ એ કશું જાણતો નથી. સ્પર્શનું કોઈ ઝંકૃતિપૂર્ણ મહાકાવ્ય એની આંગળીનાં ટેરવાં નીચે ઊપસી આવતું લાગે છે. એને આંખથી ઉકેલી શકાતું નથી, સ્પર્શથી જ માણી શકાય છે. એ સ્પર્શમાં ઊતરી આવે છે દૂરની નીલિમાનો સ્પર્શ, ધૂસર વિહ્વળતાનો અશ્રુગદ્ગદ સ્પર્શ, દૂરદૂરથી મીટ માંડી રહેલા મૃત્યુનો સ્પર્શ.

સુહાસ તુષ્ટ છે, રેખા લુપ્ત છે. અન્ધકારમાં જ અન્ધકારની સહસ્ર ધારાઓ લુપ્ત છે તેમ.