બોલે ઝીણા મોર/‘અબ હમ ભી જાનેવાલે હૈં’: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 65: | Line 65: | ||
શમશેરજીની હાજરીમાં પછી એક વાર હું ઉપર્યુક્ત શેર ‘હોશો હવાસ’ મસ્તીમાં બોલી રહ્યો હતો, તો જરા ગમગીન હાસ્ય કરતાં એમણે કહ્યું – ‘ના, આ શેર ના બોલો. ઉદાસ કરી દેનારો છે.’ | શમશેરજીની હાજરીમાં પછી એક વાર હું ઉપર્યુક્ત શેર ‘હોશો હવાસ’ મસ્તીમાં બોલી રહ્યો હતો, તો જરા ગમગીન હાસ્ય કરતાં એમણે કહ્યું – ‘ના, આ શેર ના બોલો. ઉદાસ કરી દેનારો છે.’ | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous = [[બોલે ઝીણા મોર/ભાગવતી ભાવલોકમાં|ભાગવતી ભાવલોકમાં]] | |||
|next = [[બોલે ઝીણા મોર/મુસકુરાઇયે કિ આપ લખનઊ મેં હૈં|મુસકુરાઇયે કિ આપ લખનઊ મેં હૈં]] | |||
}} |
Latest revision as of 12:02, 17 September 2021
ભોળાભાઈ પટેલ
હિન્દી સાહિત્યના અધ્યાપક તરીકે એક વાતનો અફસોસ રહી ગયો છે, અને તે છે ઉર્દૂ સાહિત્યના અન્અભ્યાસનો. ખરેખર તો હિન્દી અને ઉર્દૂ એ બે અલગ અલગ ભાષા ગણવી કે કેમ એ વિષે વિદ્વાનોમાં મતભેદ છે. બંને ભાષાઓનું વ્યાકરણ, શબ્દભંડોળ આદિ લગભગ સમાન છે. હિન્દી દેવનાગરી લિપિમાં લખાય છે અને શબ્દસમૃદ્ધિ માટે સંસ્કૃતના આશ્રયે જાય છે અને ઉર્દૂ અરબી લિપિમાં લખાય છે અને શબ્દભંડોળ માટે અરબી-ફારસીને આશ્રયે જાય છે. એક સમય હતો કે ઉત્તરપ્રદેશમાં હિન્દુ ઘરોમાં પણ કક્કા-બારાખડીનો આરંભ અલીફ બે પે તે થી થતો, કોઈ મૌલવીસાહેબની નિશ્રામાં. હિન્દુને ઉર્દૂ પરત્વે તીવ્ર વિરોધભાવ નહોતો. હિન્દીના પ્રસિદ્ધ લેખક પ્રેમચંદ સવ્યસાચી હતા. ઉર્દૂમાં પણ લખતા અને હિન્દીમાં પણ. ઉર્દૂ સાહિત્યના ઇતિહાસમાં પણ પ્રથમ મહત્ત્વના વાર્તાકાર પ્રેમચંદ. પ્રેમચંદે એમની પ્રસિદ્ધ નવલકથા ‘ગોદાન’ પહેલાં ઉર્દૂમાં લખી હતી કે હિન્દીમાં એ વિષે સંશોધકો વિવાદ ચલાવ્યા કરે છે.
સંસ્કૃતાશ્રયી હિન્દી અને અરબી-ફારસી-આશ્રયી ઉર્દૂ વચ્ચે વધતા જતા અંતરને ગાંધીજી જોઈ શક્યા હતા ને એમની તીક્ષ્ણ વ્યવહારુ બુદ્ધિએ ઉકેલ શોધ્યો હતો, હિન્દુસ્તાનીમાં. હિન્દુસ્તાની બંને લિપિમાં લખાય અને શબ્દો સંસ્કૃત સ્રોતમાંથી પણ લે અને અરબી-ફારસી સ્રોતમાંથી પણ. ગાંધીજી આવી હિન્દુસ્તાનીને દેશની રાષ્ટ્રભાષા પ્રમાણતા હતા.
પરંતુ વાત વણસતી ગઈ. એક ઘરના બે ભાગલા પડી ગયા. જે બે અલગ અલગ શૈલીઓ-સ્ટાઇલ્સ ગણી શકાય, તે બે જુદી જુદી ભાષાઓ બની ગઈ. પ્રેમચંદના પુત્ર અમૃતરાયે ‘હિન્દી-ઉર્દૂ વિવાદ અને વિભાજન’ વિષે એક દસ્તાવેજી ગ્રંથ અંગ્રેજીમાં લખ્યો છે, ‘ધ હાઉસ ડિવાઇડેડ’ (જુવારું).
હિન્દી અને ઉર્દૂનું જુવારું એવું થયું કે મૂળે એક જ કુટુંબમાં હોવા છતાં બે જુદાં કુટુંબ બની ગયાં. દુર્ભાગ્યે એક સામ્પ્રદાયિક રંગ પણ લાગ્યો. હિન્દી હિન્દુઓની અને ઉર્દૂ મુસલમાનોની ભાષા બનતી ગઈ. મુસલમાનોએ પોતાની અસ્મિતા ઉર્દૂ ભાષા સાથે જોડી. ગુજરાતમાં રહેતા ગુજરાતી ભાષા બોલતા મુસલમાનો પણ માતૃભાષાના ખાનામાં ઉર્દૂ જ લખતા થયા.
જોકે બંગાળમાં એ ન ચાલ્યું. બાંગ્લાભાષી મુસલમાનોને પોતાની બંગાળીનું એવું અભિમાન હતું કે તેઓ આ ભાષાના પ્રશ્ને પાકિસ્તાનથી જુદા થઈ ગયા. બાંગ્લાદેશ એ બંગાળી ભાષા-પ્રીતિનું પણ પરિણામ છે. પણ કાશમીરમાં રહેતા મુસલમાનો કાશ્મીરી નહિ, ઉર્દૂનો જ વ્યવહાર કરે છે. ભાષાનો પ્રશ્ન ધર્મ અને જાતિ સાથે જોડાઈ ગયો.
આ દેશનું એ દુર્ભાગ્ય છે કે ભાષાઓને ધર્મો સાથે સાંકળી દેવાતી રહી છે – જેમ કે સંસ્કૃત એટલે હિન્દુ ધર્મશાસ્ત્રોની ભાષા, અર્ધમાગધી (પ્રાકૃત) એટલે જૈન ધર્મશાસ્ત્રોની ભાષા, પાલી બૌદ્ધ ધર્મગ્રંથની ભાષા… ખરેખર તો પાલી કે પ્રાકૃતને ધર્મો સાથે સીધી લેવાદેવા ન હતી. ગૌતમ બુદ્ધ કે મહાવીરે પોતાના સ્થળ-સમયની રીતે લોકોમાં બોલાતી ભાષામાં પોતાનો સદુપદેશ આપ્યો હતો.
ઉર્દૂનું પણ એવું થયું. ખરેખર તો ભાષા અને સાહિત્ય તો ધર્મનિરપેક્ષ હોય. કોઈ પણ ધર્મની વાત કોઈ પણ ભાષામાં કે કોઈ પણ સાહિત્યમાં ઊતરી શકે. પણ ના, ધર્માંધતાએ ધર્મને ભાષા સાથે પણ જોડી દીધો. એટલે ભાષાઓ પ્રત્યે જાણ્યે-અજાણે આપણે પૂર્વગ્રહો બાંધતા આવ્યા. જે ઉર્દૂ ઉત્તરપ્રદેશમાં બધાં ઘરોમાં હતી, જે હિન્દી બધાં ઘરોમાં હતી, તેમની ધર્મ પ્રમાણે વહેંચણી થઈ ગઈ. ઉર્દૂ જ્યાં પંજાબમાં બોલાતી હતી, શીખોમાં એનું પ્રચલન હતું, ત્યાં ગુરુમુખી લિપિ સાથેની પંજાબીનું જ મહત્ત્વ વધી ગયું. શીખોએ ગુરુમુખી પંજાબી સાથે પોતાના ધર્મને જોડ્યો!
ભાષાઓના આ વિવાદમાં રાજનીતિ અને ધર્માંધતાના પ્રવેશની સાથે ગૂંચો વધતી જ ગઈ છે, જુવારાં થતાં ગયાં છે. સંપત્તિમાં એ જુવારાં હોત તો વાંધો નથી, મનનાં જુવારાં થતાં ગયાં અને આપણે એવા પ્રશ્નોની સામે આવીને ઊભાં છીએ કે તેના ઉત્તરો જડતા નથી.
ઠીક, વાત તો હું ઉર્દૂ સંદર્ભે કરતો હતો, કે હિન્દીના અધ્યાપક તરીકે બરાબર સજ્જતા કેળવવી હોય તો ઉર્દૂ સાહિત્યનો પરિચય પણ હોવો જોઈએ, જેમ સંસ્કૃતનો અને અંગ્રેજીનો. ગુજરાતમાં છું એટલે ગુજરાતી તો હોય જ, ઉપરાંત બીજી એકાદ મરાઠી કે બંગાળી જેવી ભારતીય ભાષાના સાહિત્યનો પરિચય હોય તો એક ભાષાના અધ્યાપક તરીકે મારી સજ્જતા કહેવાય.
તેમાં હિન્દી, ઉર્દૂ તો પહેલાં એક પ્રવાહ રૂપે જ હતાં. એટલે કંઈ નહિ તો સંસ્કૃત સાથે હિન્દીના અધ્યાપકને ઉર્દૂની પ્રીતિ તો કેળવવી જ રહી. એટલે ઉર્દૂ સાહિત્યના અલ્પ પરિચયનો અસંતોષ રહ્યા કર્યો છે. એ અસંતોષ અનુવાદોની મદદથી અને ઉર્દૂ શાયરીના દેવનાગરીમાં મળતા કાવ્યસંગ્રહો વાંચતા રહી ઓછા કરવાનો પ્રયત્ન કર્યો છે.
ઉર્દૂ જબાન ઘણી મીઠી છે. પોતાની મીઠાશને લીધે જેમ યુરોપમાં ફ્રેંચ ભાષાએ ચાહના મેળવેલી છે, તેવી રીતે ઉર્દૂએ પણ પોતાની મીઠાશને લીધે એક રીતે તો ચાહના મેળવેલી છે. એવા ઘણા મિત્રોને હું ઓળખું છું જેમને બહુ અભ્યાસ નથી, પણ ઉર્દૂ શાયરીની કેટલીય પંક્તિઓ વાતવાતમાં રજૂ કરી દેતા હોય. રાજકોટમાં મારા પુત્ર મધુસૂદનના મિત્ર મિલનભાઈના પિતાને તો હજારો શેર ઉર્દૂ કવિતાના મોઢે. બોલે ઉર્દૂ લહજામાં. એ કોઈ સ્કૂલ-યુનિવર્સિટીમાં અધ્યાપક નહિ; વળી તળ કાઠિયાવાડના.
પણ ઉત્તરપ્રદેશમાં તો હજી ઉર્દૂ ઉદ્ધૃત કરવાની પરંપરા છે. હિન્દીના અધ્યાપકોય ઉર્દૂ જાણતા હોય, અરબી-ફારસી લિપિમાં વાંચીને નહિ તો નાગરી લિપિમાં વાંચીને પણ. કેટલાક કવિઓ તો હજી ઉર્દૂ અને હિન્દીમાં પણ લખતા રહ્યા છે. ગુજરાતના સુરેન્દ્રનગરમાં હિન્દીના પ્રસિદ્ધ વયોવૃદ્ધ કવિ શમશેર બહાદુરસિંહ વર્ષોથી એક મરાઠીભાષી હિન્દી અધ્યાપિકા ડૉ. રંજના અરગડેના કુટુંબી તરીકે વસ્યા છે. નવી હિન્દી કવિતાના એ ‘પ્રથમ નાગરિક’ ગણાય છે. પણ એમણે ઉર્દૂમાં ઘણીય રચનાઓ કરી છે.
અવારનવાર તેમને મળવા ઉત્તરપ્રદેશમાંથી હિન્દીના કવિઓ-અધ્યાપકો આવે છે. એક વાર કવિ અને જે.એન.યુ.ના હિન્દી વિભાગના વડા કેદારનાથ સિંહ આવ્યા હતા. અમે અમદાવાદથી સુરેન્દ્રનગર કવિ શમશેરને મળવા ગયા. હિન્દીના આ કવિ કેદારનાથે એ દિવસે આખે રસ્તે ઉર્દૂ કવિતાની જ વાતો કરી.
હમણાં આવી ગયા, ગોરખપુર યુનિવર્સિટીમાંથી પ્રેમચંદ પ્રોફેસર ડૉ. પરમાનંદ શ્રીવાસ્તવ – હિન્દીના જાણીતા સમીક્ષક અને કવિ. એમને મુખે પણ ઉર્દૂ કવિતાના શેરો અવારનવાર સહજ રીતે ઝબકી જાય. વળી પાછા કવિ શમશેર સાથે હોય એટલે તો ખાસ.
અમે સૌ સુરેન્દ્રનગરથી સોમનાથના સમુદ્ર ભણી જતા હતા ત્યાં વાતની વાતમાં શ્રી પરમાનંદજીને મુખેથી ઉર્દૂ કવિ દાગનો આ શેર નીકળી ગયો :
હોશોહવાસ તાબોતવાઁ
દાગ સબ ગયે
અબ હમ ભી જાને વાલે હૈં
સામાન તો ગયા.
ઉર્દૂ શાયરીની એક વિશેષતા છે, અને તે એની ભવ્ય સાદગી. એથી જેવી પંક્તિઓ સાંભળીએ અને સમજાય કે દાદ દેવાઈ જાય – એટલું જ નહિ, બેત્રણવાર સાંભળીએ કે એ પંક્તિઓ આપણી જીભે પણ રમતી થઈ જાય.
એનું કારણ એ પણ છે કે ઉર્દૂ શાયરીનો વિકાસ એક પર્ફોર્મિંગ કળા તરીકે થતો રહ્યો છે. મુશાયરામાં રજૂઆતની કળા અદ્ભુત રીતે ઉર્દૂ પરંપરામાં વિકસી છે. કવિ ઉમાશંકર ઉર્દૂની વિશેષતાની વાત કરતાં ઘણી વાર કહેતા કે ‘આતી હૈ ઉર્દૂ જબાં આતે આતે’ અર્થાત્ ઉર્દૂ તો આવડતાં આવડતાં આવડી જાય છે.
ઉર્દૂના કવિઓમાં મીર, ગાલિબ, જફર, ઇકબાલ, મોમિન, દાગ વગેરે એવા કવિઓ છે, જેમની વાણીમાં દેખીતી સાદગી હોય, પણ એ ઊંડે સુધી પ્રભાવ પાડી રહે. દેખીતી રીતે કલ્પન (ઇમેજ) ન હોય, પ્રતીક ન હોય, અલંકાર ન હોય અને તોય ભાવકના હૃદયને વીંધવામાં સફળ થાય. કવિ મીરની આ ઉક્તિમાં કેવી વ્યથા છે, કેવી સંયત વાણીમાં?
સિરહાને મીર કે આહિસ્તા બોલો
અભી ટુક રોતે રોતે સો ગયા હૈ.
અથવા મોમિનનો આ શેર :
તુમ મેરે પાસ હોતે હો ગોયા
જબ કોઈ દૂસરા નહીં હોતા.
પણ આમ જો યાદ કરવા બેસું તો કદાચ એક સંગ્રહ થવા લાગે. હું વાત તો કરવા જતો હતો શ્રી પરમાનંદે ઉચ્ચારેલા કવિ દાગના એક શેરની.
એમના શેરમાં કવિની ઊતરતી અવસ્થાનું વર્ણન છે. તેમાં ઉર્દૂ કવિતાની નજાકતભરી અભિવ્યક્તિ-રીતિનો પરિચય થઈ જાય છે. કવિ કહે છે કે વૃદ્ધાવસ્થા જેમ જેમ આવે છે, તેમ તેમ હોશોહવાસ એટલે કે અક્કલ-બુદ્ધિ વગેરે મંદ થતાં જાય છે, ડહાપણ કમ થતું જાય છે. એવી રીતે તાબોતવાં એટલે કે વ્યક્તિમાંથી ચમક, ગરમી ઓછી થતી જાય છે. કવિ કહે છે, હોશોહવાસ-તાબોતવાં સબ ગયે. આ ‘સબ ગયે’માં એક આર્તનાદ છે. પણ એની વેદનાને હળવી કરતાં એક ઘરેલુ દૃષ્ટાંત આપે છે. કોઈ જવાનું હોય એટલે પહેલાં એનો સામાન ગાડીમાં લદાઈ જાય, તેમ હવે અંતિમ યાત્રાએ જવાનું છે તો વ્યક્તિત્વના સામાનરૂપ બુદ્ધિતેજ, ચમક બધાં પહેલાં ગયાં. સામાન તો ગયા, અબ હમ ભી જાનેવાલે હૈં.
હોશહવાસ, તાબોતવાઁને કવિ સામાન કહે છે, પણ એ સામાનનો અર્થ કેવો બદલાઈ જાય છે અહીં! આ છે ઉર્દૂ ભાષાની અને કહીએ તો એમાં લખતા કવિની અભિવ્યંજક શક્તિ. હિન્દીના વિકાસમાં આ ઉર્દૂ ભાષાનો ઘણોબધો ફાળો છે. એટલે હિન્દી સાહિત્યના એક અધ્યાપક તરીકે ઉર્દૂને નિકટથી ન જાણવાનો હમેશાં રંજ રહ્યો છે.
શમશેરજીની હાજરીમાં પછી એક વાર હું ઉપર્યુક્ત શેર ‘હોશો હવાસ’ મસ્તીમાં બોલી રહ્યો હતો, તો જરા ગમગીન હાસ્ય કરતાં એમણે કહ્યું – ‘ના, આ શેર ના બોલો. ઉદાસ કરી દેનારો છે.’