પૂર્વોત્તર/અસમનાં બિહુગીત: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 322: | Line 322: | ||
વિચાર થાય છે કે કાલે શિલોંગ જઈ આવું. કાઝીરંગા તો હવે શી ખબર! | વિચાર થાય છે કે કાલે શિલોંગ જઈ આવું. કાઝીરંગા તો હવે શી ખબર! | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav2 | |||
|next = શિલોંગ | |||
}} |
Revision as of 06:01, 18 September 2021
ભોળાભાઈ પટેલ
‘બિહુ’ અસમનો એક વિશિષ્ટ તહેવાર છે. સદીઓ જૂની તેની પરંપરાનું ચીનના વસંતોત્સવોમાં પગેરું જોવામાં આવે છે. આમેય અસમની સંસ્કૃતિ અનેક પ્રકારની જાતિઓના ઘાત-સંઘાતથી પ્રભાવિત છે; પરંતુ મોંગોલ લોહીનું પ્રમાણ વધારે છે. સુનીતિકુમાર ચટ્ટોપાધ્યાય જેવા પંડિત એટલે માત્ર અસમની જ નહીં, બૃહત્ અસમ અર્થાત્ સમગ્ર પૂર્વોત્તરની સંસ્કૃતિને કિરાત સંસ્કૃતિ કહે છે.
આ કિરાત સંસ્કૃતિનું એક મુખ્ય લક્ષણ તે નાચગાન. અસમનો બિહુ ઉત્સવ નાચગાનની આસપાસ ઊજવાય છે. આ ઉત્સવની દીર્ધ પરંપરામાં ભરતીઓટ આવ્યા કર્યાં છે, ક્યારેક સામાજિક પ્રતિષ્ઠા ઓછી થઈ છે, ક્યારેક વધી છે. આજે તે સમગ્ર અસમનું એક પ્રતિષ્ઠિત — સાંસ્કૃતિક પર્વ છે.
‘બિહુ’ સંજ્ઞા સંસ્કૃત ‘વિષુવ’માંથી ઊતરી આવેલી છે. સૂર્યની સંક્રાન્તિ સાથે તેનો યોગ છે. ઋતુઓના પરિવર્તનનું તે પ્રતિબિંબ છે. એટલે એક રીતે કૃષિસંસ્કૃતિ તેનું પ્રેરક અને પોષક બળ છે.
આ કૃષિસંસ્કૃતિમાં આર્યોની જ પરંપરા નથી, પરંતુ કેટલી આદિમ ગણાતી કિરાત જાતિઓની પરંપરા પણ છે. એટલે તેનો અર્થાત્ બિહુનો સંબંધ ‘ઉર્વરતા, અનુષ્ઠાન’ (ફર્ટિલિટી કલ્ટ) સાથે રહેલો છે. ક્ષેત્રની ઉર્વરતા, પણ તેનું અનુસંધાન પછી સ્ત્રીની ઉર્વરતા સાથે. એટલે સામાજિક વિધિવિધાન સાથે જૈવિક આવેગના સંકેતો પણ ઉમેરાતા ગયા છે, જે નૃત્યની રીતિઓમાં અને ગાનની લીટીઓમાં પ્રકટતા રહ્યા છે.
બિહુ ઉત્સવ વર્ષમાં ત્રણ વાર આવે છે. એક કાર્તક માસમાં. તેને કાતિ બિહુ કે કંગાલિ બિહુ કહે છે. આ દિવસોમાં બધાં ઘરોમાં ધનધાન્યની ઓછપ હોય છે, એટલે કંગાલિ બિહુ. બીજો બિહુ ઉત્સવ આવે છે માઘ મહિનામાં તેને માઘ બિહુ કે ભોગાલિ બિહુ કહે છે. ફસલ પાકવાની આ ઋતુ છે અને એથી ભોગ ભોગવવાનો સંદર્ભ તેની સાથે જોડાયો છે. ત્રીજો બિહુ ઉત્સવ બહાગ બિહુ. ચૈત્રનો છેલ્લો દિવસ અને વૈશાખનો પ્રારંભ તે આ ઉત્સવના દિવસ. તેનું બીજું નામ ‘રંગાલિ બિહુ’ છે. આ જ સૌથી મોટા બિહુ તહેવાર છે. એટલે બિહુ કહીએ ત્યારે ‘બહાગ બિહુ’ જ સમજાય. ‘રંગાલિ’ શબ્દ જ આ ઉત્સવમાં રહેલા રંગનો—આનંદપ્રમોદનો સંકેત કરે છે. બહાગ એટલે વૈશાખ.
ખરેખર તો તે વસંતોત્સવ છે. બીજી રીતે તે અસમમાં શરૂ થતા નવા વર્ષનો તહેવાર છે. વૈશાખથી નવું વર્ષ શરૂ થાય છે. એટલે બહાગ બિહુનું વિશેષ મહાત્મ્ય છે. આખા અસમમાં એ દિવસોમાં આનંદનું—નાચગાનનું પર્વ હોય છે. અસમની સંસ્કૃતિનું આર્યીકરણ થવા છતાં આ કિરાતજનસુલભ ઉત્સવ ત્યાં ઊજવાય છે, અને એક યા અન્ય રૂપે સમગ્ર પૂર્વોત્તરમાં.
અસમના એક મુખ્ય શહેર શિવસાગરમાં ફરતાં ફરતાં પ્રસિદ્ધ શિવદોલના પ્રાંગણમાં એક જાહેરાત જોયેલી — ‘સાત ભણિર રંગાલિ બિહુ.’ સાત ભણિ એટલે અસમ, અરુણાચલ, મેઘાલય, નાગાલૅન્ડ, મણિપુર, ત્રિપુરા અને મિઝોરમ — એ સાત પૂર્વોત્તરના પ્રદેશો. ‘સાત ભણિર રંગાલિ બિહુ’માં આ સાતેય પ્રદેશની ટુકડીઓ બિહુ નાચગાનમાં ભાગ લેવાની હતી. આપણે જેમ નવરાત્રિમાં શેરીએ શેરીએ ગામેગામ ગરબા ગવાય, પણ પાછી ગરબા પ્રતિસ્પર્ધાઓ અખિલ ગુજરાત સ્તરે યોજય તેમ.
રંગાલિ બિહુની શરૂઆત ચૈત્રના છેલ્લા દિવસથી ન થાય. એ દિવસે ઢોરઢાંખર કેન્દ્રમાં હોય છે; કૃષિનો જેના ૫૨ આધાર હોય તેમને સૌ પ્રથમ યાદ કરાય. એટલે તે દિવસે જે અનુષ્ઠાન થાય તેને ‘ગરુ બિહુ’ કહે છે. ગરુ અર્થાત્ ગાય, બળદ. તે દિવસે પાસેના જળાશયમાં લઈ જઈ તેમને અડદ-હળદરથી નવડાવવામાં આવે. નવા અછોડા બાંધવામાં આવે, શિંગડાં રંગવામાં આવે. આ દિવસ ઢોર-ઢાંખરની કલ્યાણકામનાનો દિવસ છે. તેમના કલ્યાણમાં તેમના પાલકનું કલ્યાણ પણ સમાઈ જાય છે ને!
વૈશાખને પહેલે દિવસે શરૂ થતા ઉત્સવને ‘માનુહર બિહુ’ કહે છે. નવા વર્ષને દિવસે આપણે જેમ વડીલોના આશીર્વાદ માગીએ, મિત્રોનું અભિવાદન કરીએ, તેમ અસમમાં પણ આ દિવસે માનવીય સંબંધોની દૃઢતા સ્થાપિત થાય છે. અનેક વાતોમાં જે ખાસ ઉલ્લેખનીય તે પ્રીતિના પ્રતીક રૂપે અપાતા ‘ગામોછા’ — ગમછાની વાત છે.
બિહુ પર્વ માટે ખાસ દરેક કન્યા હાથશાળ પર પોતે જ ગમછો વણે. લાલ તેની કોર હોય. અને છાતીએ પહેરવાનું વસ્ત્ર ‘રિહા’ વણે. એ પણ લાલ હોય. લાલ રંગ તેના સ્નેહનો સંકેત બની રહે છે, એટલું જ નહીં ઋતુમતીની અવસ્થાએ પહોંચવાનો પણ સંકેત છે.
પરંતુ સૌથી મુખ્ય જે વાત છે તે તો બિહુનાચની અને બિહુગાનની. તેની ભૂમિકા રૂપે આવે હુચરી નૃત્યો. હુચરી બિહુનાચની ભૂમિકા છે. ગામના કેટલાક જવાનબુઢ્ઢા હાથમાં ઢોલ (રકા) અને પિપુડી (પેંપૂપા) લઈ ઘરે ઘરે જઈ નાચે અને ગીત ગાય અને ગૃહસ્થની મંગલકામના કરે. પાઈપૈસો અને ગામોછા ઉઘરાવે. હુચરીમાં ઉલ્લાસનાં ગીતો ગવાય છે.
બિહુનો સંબંધ અગાઉ જેમ જણાવ્યું છે તેમ ઉર્વરતા અનુષ્ઠાન સાથે છે. વસંતના આગમન સાથે પ્રકૃતિ નવો અવતાર પામે છે અને ધરતી નવી ફસલ માટે તૈયાર થાય છે. બીજ નાખે એટલી વાર છે. ધરતીની ઉર્વરતા માટે આ બિહુ નાચનું અનુષ્ઠાન મનાયું છે, પણ આજે તે આ ઉદ્ભવબિન્દુને અતિક્રમીને વ્યાપક ભૂમિકાએ ઊજવાય છે.
ગુવાહાટીમાં મને અસમની અન્ય લોકદૃશ્ય કલાઓ સાથે બિહુનૃત્ય જોવાં મળ્યાં અને બિહુગીતો સાંભળવા મળ્યાં. વૈશાખને હજી વાર હતી, પણ અસમ સરકારના એક કાર્યક્રમમાં વિવિધ પ્રદેશોમાંથી આવેલી મંડળીઓએ બિહુનાચ સાથે ગાન રજૂ કર્યાં. બિહુ વિશે માત્ર જે વાંચેલું કે સાંભળેલું તે પ્રત્યક્ષ થયું. બિહુનાચમાં ક્યારેક માત્ર સ્ત્રીઓ જ નૃત્ય કરતી હોય છે. ઢોલ અને પેંપાના તાલ પર. ઢોલીડાનું આપણે ત્યાં જેમ મહત્ત્વ છે, તેમ ત્યાં પણ. ઘણીવાર એક ટુકડી પુરુષોની હોય છે, એક ટુકડી સ્ત્રીઓની. નાચ સાથે પુરુષોની એક ટુકડી ગીત ગાય, સ્ત્રીઓની ટુકડી નાચ સાથે તેનો પ્રત્યુત્તર વાળે; પરંતુ કેટલાંક આદિવાસી નૃત્યોની જેમ પરસ્પર ગૂંથાઈને નૃત્ય પ્રાય: હોતું નથી, ગીતો પણ હમેશાં ઉત્તર—પ્રત્યુત્તર રૂપે ન પણ હોય. ચાર ચાર પંક્તિનાં આ પદ ગવાય, તેની સાથે ઢોલનો લય દ્રુત થતો જાય, અને દ્રુત થતી જાય નાચનારાઓના પગની ગતિ. એક ચરમસીમા પર પહોંચ્યા પછી વિલંબિત લયમાં ગવાય અને એ પ્રમાણે ચરણની ગતિ થાય.
એક સમય હતો જ્યારે બિહુ પર્વ યુવકયુવતીઓના પ્રણયનું પર્વ હતું. યુવકયુવતીઓને એકબીજાંના સંપર્કમાં ન આવવાનો આ અવસર હોય, અનુરાગ જાગે અને અનેક યુગલ ભાગી જાય. સમાજ એને વાંધાની નજરે ન જુએ. એટલે બિહુગીતોમાં પ્રણયનાં, ઉલાસવિષાદનાં અનેક ગીત છે.
આ આ ગીતોનું સ્વરૂપ ચીન-જાપાનની પ્રકૃતિ કવિતા સાથે સામ્ય ધરાવે છે. જાપાની ‘હાઈકુ-ટાંકા’માં પ્રકૃતિના ચિત્ર સાથે માનવીય ભાવ સંકેતાયો હોય તેમ બિહુ ગીતમાં પણ. આમ, ચાર પંક્તિના આ ગીતનું સ્વરૂપ તેને સત્ત્વની રીતે પણ એ રીતની ચીન-જાપાનની કવિતાનું સાદૃશ્ય ધરાવે છે. એટલે અસમના એક પ્રસિદ્ધ કવિ નવકાન્તે કહેલું કે એક સ્વયંપર્યાપ્ત કડીમાં એક ભાવ કે એક ચિત્ર આલેખવાની અસમિયા બિહુ કવિતાની રીતિ કિરાત રીતિને મળતી આવે છે.
આ બિહુ ગીતોમાં અસમની પ્રકૃતિની સાથે ત્યાંનું સામાન્ય જનજીવન, તેની આશા અને આકાંક્ષા પણ વણાઈ ગયાં છે. અસમની નારીને મૂગા જાતિના રેશમનાં કોકડાં પ્રિય હોય, તેની શાળની ત્રાક અતિ પ્રિય હોય, પણ તેનાથી વધારે પ્રિય છે વૈશાખના બિહુ, જોકે એને પોતે પકડી રાખી શકતી નથી :
અતિ ચેનેહરે મુગારે મહુરા
અતિ ચેને હરે માકો,
તાતોકૈ ચેનેહર બહાગર બિહુટિ
નેપાતિ કેનકૈ થાકોં.
‘ચેનેહ’ એટલે સ્નેહ. (અસમિયા ‘સ’ને સ્થાને ઘણીવાર ‘ચ’ લખે છે, બોલે પાછા ‘સ.’ લખે ‘ચરકાર’ પણ બોલે ‘સરકાર.’) કડીમાં બીજી અને ચોથી લીટીનો પ્રાસ છે. અસમિયા રોજબરોજના જીવનમાં આવતાં મૂગા રેશમનાં કોકડાં અને શાળની ત્રાક અહીં સ્થાન પામ્યાં છે.
અસમ એટલે લીલુડા વાંસનો મુલક. વાંસને એક ગીતમાં કેવી રીતે વણ્યો છે તે જુઓ :
બાઁહર આગલૈ ચાઈનો પઠિયાલો
બાઁહરે કોન ડાલિ પોન.
ચેનાઈટિર ફાલલૈ ચાઈનો પઠિયાલો
યેને પૂર્ણિમાર જોન.
(મેં વાંસની ટોચો ભણી જોયું કે વાંસની કઈ ડાળ સીધી છે. મેં પ્રિયતમાના મુખ ભણી જોયું, જાણે પૂનમનો ચંદ્ર.)
અહીં પહેલી બે લીટીમાં વાંસની વાત છે, બીજી બે લીટીમાં વહાલીની. દેખીતી રીતે સંબંધ જોડ્યો નથી; પરંતુ વાંસ એટલે જ ઝૂમતો નારી દેહ, વાંસની અનેક પ્રશાખાઓ એટલે નારીવૃન્દ, સીધી ડાળની તલાશ એટલે પોતાની પ્રિયતમાની તલાશ.
અગાઉ કહ્યું તેમ આ બધાં ગીત રાગ-અનુરાગનાં છે. પ્રેમની આ પરિભાષા જુઓ :
પિરિતિ ના ભાગે પિરિતિ ના છિગે
પિરિતિ ના પરે સરિ,
યત મેરેયાવિ તત મેરે ખાબ
પિરિત પ્રેમેર જરિ.
(પ્રેમ ભાંગતો નથી, પ્રેમ બટકતો નથી, પ્રેમ સરી પડતો નથી. પ્રેમને જેટલો આમળો તેટલો આમળી શકાય છે, પ્રેમ તે અનુરાગનો ધાગો છે.)
પ્રેમ માટે ‘પિરિતિ’ અને ‘પ્રેમ’ બન્ને શબ્દ છે. પ્રેમને અનુરાગનો તાર-ધાગો કહેવામાં કેટલું ઔચિત્ય છે! એક યુવક ગાય છે :
એઈ બેલિ બિહુરિ રમત ઐ જમક ઐ
નાહક ફૂલ ફૂલિબર બતર
નાહર કૂલર ગોન્ધ પાઈ લાહરીર તત નાઈ
ગચકિ ભાંગિલે ચૈતર
(આ વર્ષે બિહુ પૂરા રંગમાં ચમકદમક સાથે છે. નાહરનાં ફૂલ ખીલ્યાં છે. નાહરની વાસ જેટલી આવે છે, તેટલી વહાલીની નહીં, તે તો ચરખો કાંતવા બેઠી છે.)
નાહર વૃક્ષ એટલે અસમના ચાના બગીચામાં ચાના છોડ પર છાયા કરતાં ઊંચાં છાયાઘન વૃક્ષો. અસમનું એક લાક્ષણિક દૃશ્ય તે રજૂ કરે છે. તેની સાથે યુવકના હૃદયનો સાદ કેવી રીતે ધબકે છે તે આ ગીતમાં જોવા મળે છે. નારીજીવનના ભાગ રૂપ ચરખો તો ખરો. ‘લાહરી’ શબ્દ બિહુગીતોમાં વારે વારે આવે છે. ‘લાહરી’ એટલે ‘સખી’, ‘વહાલી.’
બિહુ આવે છે. જનજનને હૈયે ઉમંગ છે. પણ એક ગરીબ કન્યાને હૈયે ઉમંગ નથી. એને પ્રસંગને અનુરૂપ પહેરવા વસ્ત્ર નથી :
બિહુરા ચસયે કરે બહુ બિહુ
આમાર બિહુર કાપોર નાઈ,
સમનિયાઈ સુધિલે કમે કિયે બુલિ
સરુતે મરિલે આઈ.
(બિહુનું પંખી ‘બિહુ બિહુ’ કરે છે, પણ મારે તો બિહુના દિવસે પહેરવાનું વસ્ત્ર નથી. સખીઓ પૂછે તો શું કહું? નાનપણથી જ મા મરી ગઈ છે.)
બિહુમાં વારેવારે હેંગુલિયા-હિંગળોક રંગની વાત આવે છે. હિંગળોક અર્થાત્ લાલઘૂમ રંગ—એ સ્નેહનો રંગ છે. અનુરાગનો રંગ હૃદયમાં જાગ્યા પછી બધું રંગીન દેખાય છે :
નાઓ હેંગુલીયા બઠા હેંગુલીયા
આરુ હેંગુલીયા ચૈ.
ચેનાઈ રે મૂરર જાપિ હેંગુલીયા
બિજુલી બૉહરે: દૈ.
(નૌકા લાલ હિંગળોક છે, હલેસાં લાલ હિંગળોક છે. શઢ લાલ હિંગળોક છે. વહાલીને માથે જાપી લાલ હિંગળોક છે. એ જાપી વીજળી નામના વાંસમાંથી ગૂંથેલી છે.)
પ્રેમનો રંગ લાગે એટલે તામોલની આપલે થાય. તામોલ એટલે સોપારી. અસમની સંસ્કૃતિમાં તેનું વિશેષ મહત્ત્વ છે. નૌકાનું કલ્પન અસમની નદીસંસ્કૃતિનું પણ દ્યોતક છે. એક ગીતમાં પ્રેમી કહે છે :
તોમાર કટા તાલ નેખાઉં ઐ લાહરી
અમારે મરિએ કુલ
અજાતિ ન હઓં વિજાતિ ન હઓં મઈ
તોમાર મોરે એકટિ કુલ
(હે પ્રિય, તેં કાપેલી સોપારી હું નહીં ખાઉં. મારું કુળ ભ્રષ્ટ થાય. હું અજાણ્યોય નથી અને નાતબહાર પણ નથી. આપણે એક જ વાત છે.)
અહીં જાતિભેદની વાત નથી, પણ પ્રિયની સોપારી ન ખાઈ તેને ચીડવી તેના અનુરાગી મનને વધારે રાગી કરવાની વાત છે. સોપારી સ્વીકારવી એટલે પ્રેમીને શરણાગતિ. એટલે સોપારી ન લેવામાં તેના પ્રેમનો જાણે અરવીકાર કરવાનો ઉપરછલ્લો સંકેત છે. સોપારી સાથે વશીકરણની જાદુવિદ્યા જોડાયેલી છે. અસમ એટલે પ્રાચીનકાળથી જાદુનો મુલક. જાત જવાને બહાને સોપારી ના ખાવાની વાતમાં આ બધા સંકેત છે. એવી ‘રમ્ય’ ભીતિ છે કે સોપારી ખાવાથી હું તારો થઈ જઈશ!
પ્રિયની પ્રેમ કરવાની આ રીતિ છેક નારીની ઉક્તિમાં જ જુઓ :
ગજે પાની ખાલે ઈયાંગે દૈયાંગે
ધોરાઈ પાની ખાલે રૈ,
ઘને પાની ખાલે પિરિતિ નિજરાત
થિય ગરાત ખોપનિ થૈ.
(હાથીએ પાણી પીધું મરજી મુજબ, ઘોડાએ પાણી પીધું અટકી અટકીને. મારા વહાલીડાએ ઢળતા કિનારા પર એના પગ રોપીને પ્રેમના ઝરણામાંથી પાણી પીધું.)
અનેક બિહુગીતોમાં એક બીજા અર્થ ડોકિયાં કરતો હોય છે. અહીં પણ પ્રિયની પાણી પીવાની રીતમાં રતિનો સંકેત છે. આ એક ગીતમાં નિરંતર પ્રિયના સાન્નિધ્યમાં રહેવાની ઝંખના જુઓ :
હાઁહ હૈ પરિમ ગૈ તોમારે પુખુરિત
પાર હૈ પરિમ ચાલત,
બીરા હૈ ધરિમે તોમાર શરીલત
માખિ હું યુમા દિલત ગાલત.
(હું હંસ હોત તો તારી તળાવડીમાં પડત. પારેવું હોત તો તારા ઘરને છાપરે રહેત. પરસેવો થઈને તારા શરીર પર રહેત અને માખી હોત તો તારે ગાલે ચૂમી કરત.)
બિહુગીતોમાં નારી દેહના આકર્ષણની અને ભોગની વાત પણ વિવિધ કલ્પનો દ્વારા આવે છે. એક પ્રકારની મુક્તતા આ ગીતોમાં જોવા મળે છે. એ મુક્તતા એના આદિમ મૂળમાં રહેલી છે. એમાં નરી લૌકિકતા છે. એ રીતે એ ગીત ઐહિક છે. બિહુગીત અને નાચમાં જીવનનો ઉલાસ અને ઉર્વરતા છલકાય છે. અસમના સાંસ્કૃતિક જીવનની તેમાં એક ઝાંકી થાય છે.
કેવો આનંદ છે આજે! આજે હું બ્રહ્મપુત્રને કાંઠે છું. ધારું તો બરાબર પાંચ જ મિનિટમાં એના પાણી સુધી જઈ શકું. આ રિવરવ્યૂ હૉટેલથી તે પચ્ચીસ વારથી વધારે દૂર નથી. વચ્ચે બ્રહ્મપુત્રનાં પાણીને ડિબ્રુગડમાં જતાં અટકાવતી ઇમ્બેંકમેન્ટ પહોળી પાળ જ છે. એ પાળની પેલી બાજુ અત્યારે અંધારામાં બ્રહ્મપુત્ર વહી જાય છે. આ બાજુ રિવરવ્યૂ હૉટેલના એક કમરાના અજવાળામાં હું ઉલ્લસિતભાવે આ પંક્તિઓ લખી રહ્યો છું. આ બ્રહ્મપુત્ર, જેને ‘બ્રહ્મપુત્રા’ તરીકે ભૂગોળ ભણતાં ભણતાં સદા યાદ રાખી છે, ભારતની નદીઓની સૂચિ બોલી જતાં. ગંગા ગોદાવરી સાથે ભલે એનું નામ ન લેવાતું હોય, હિમાલયમાંથી નીકળી તિબેટમાં માઈલો સુધી વિહરી ઈશાન ખૂણેથી ધસમસતો જેનો પ્રવાહ ભારતમાં પ્રવેશે છે અને જેને કાંઠે પૂર્વોત્તરની આખી સંસ્કૃતિ ખીલી છે, તે બ્રહ્મપુત્ર પોતાના હકદાવે આપણા હૃદયમાં સ્થાન લઈ લે છે. બ્રહ્મપુત્રનાં દર્શનની આતુર ઇચ્છા વર્ષોથી હતી. પણ એના પ્રવાહનો કલકલ ધ્વનિ સાંભળું એટલો નજીક એની રહીશ એવા અવસરની તો કલ્પના પણ નહોતી.
શિવસાગરમાંથી વહેલી સવારે જ નીકળી ગયો હતો. કદાચ વધારે રહ્યો હોત, પણ મારા કાર્યક્રમ પ્રમાણે આજે મારે ડિબ્રુગડ પહોંચવું જ જોઈએ. ગઈ કાલે રાત્રે બસની તપાસ કરી હતી. શિવસાગરથી ડિબ્રુગડ ઘણી બસો જાય છે. મને અસમના પ્રસિદ્ધ વન્યપ્રાણી અભયારણ્ય કાઝીરંગા જવાની ઇચ્છા હતી. અસમનો પ્રસિદ્ધ એકશૃંગી ગેંડો (રિનો) જેવા, અસમની વન્યપ્રકૃતિનો ‘ફીલ’ લેવા. વિવેકી ડેપો મૅનેજરને તેની પૃછા કરવાનું મન થાય તેવો તેમનો વ્યવહાર હતો. તેમણે બધી માહિતી આપી. નામ પૂછ્યું તો ફેજદિન અહમદ. કાઝીરંગા કે ડિબ્રુગડ? થોડું દ્વંદ્વ ચાલ્યું. પછી થયું પહેલાં ડિબ્રુગડ પહોંચવું. કાઝીરંગા તો ગુવાહાટીથી પણ જઈ શકાશે.
શિવસાગરથી ડિબ્રુગડનો માર્ગ પણ રમ્ય. ભારતના પૂર્વોત્તરની અણી તરફની ગતિ હતી. રસ્તે એક નાનકડા ગામની બહાર એક નાનું ‘નામઘર’ જોયું. અસમની વૈષ્ણવ સંસ્કૃતિનું એક મહત્ત્વનું એકમ.
ટૅક્સી ઊભી રખાવી ઊતરી જવાનું મન થયું, પણ વસવસો જ રહી ગયો. અસમના વૈષ્ણવ સંત શંકરદેવની જીવનકથા અને તેમનાં બરગીતોનું વાચન અને પછી તેમના શિષ્ય માધવદેવ અને તેમની વિનોબાએ કરેલી ‘નામઘોષા’ની વ્યાખ્યાનું વાચન ‘નામઘર’નું નામ જોતાં ઉત્સુક કરી જ મૂકે. ત્યાં રસ્તાની ધારે એક માળવાળી બેઠા ઘાટની, મોટેભાગે ટીનરૂફની ઇમારતો શરૂ થઈ. નામ જોયું : ડિબ્રુગડ વિશ્વવિદ્યાલય, થોડીવારમાં તો ડિબ્રુગડ શહેરની વચ્ચે થઈ બસસ્થાનકે પહોંચ્યા.
રિક્ષા કરી સરકીટ હાઉસ ગયો, પણ આજે બંગાળના મુખ્યપ્રધાન જ્યોતિર્મય બસુ તેમના કાફલા સાથે આવવાના હતા, એટલે જગા મળી શકી નહીં. એ પણ સારું થયું. ૨સ્તાની ધારે આવતાં આ ‘રિવરવ્યૂ’ હૉટેલનું નામ જોયું હતું. ત્યાં પહોંચી ગયો. તરત જ જગા મળી. મને આપવામાં આવેલા ઉપરના કમરામાં પહોંચીને ઉત્તર ભણી જોઉં તો આ બ્રહ્મપુત્ર! હવે શું જોઈએ?
તૈયાર થયા પછી પ્રશ્ન થયો. હવે ક્યાં જવું? કોને મળવું? અસમિયા સાહિત્યકારોને મળવાનું તો મારું એક મુખ્ય મિશન હતું. પણ કોઈની સાથે પત્રથી સંપર્ક સાધી શકાયો નહોતો. યુનિવર્સિટી જવાથી એ કામ સરળ બનશે એવો વિચાર આવ્યો.
પહેલાં તો નીચે ઊતરી પેલી પાળ પર જઈને ઊભો. ખાસી પહોળી, ઉપરથી વાહનોની આવ-જા થઈ શકે. બ્રહ્મપુત્રનો ભરપૂર પ્રવાહ પ્રમાણમાં શાન્ત વહી જતો હતો. પ્રવાહની પેલી મેર રેતનો દિગન્ત વ્યાપી વિસ્તાર હતો. નદીમાં હોડીઓ ફરતી હતી. આપણને થાય જ કે નદીનું પાણી જે સપાટી પર વહે છે, તેનાથી નગરની સપાટી જરાય ઊંચી નથી. અને આ પાળ જો તૂટે… પણ પાળ પર ઊભાં ઊભાં આવો વિચાર ન થાય.
આ વિસ્તારમાં ખાસ જનવસ્તી નથી. સરકારી ઇમારતો છે. વિશાળ માર્ગ પર જરઠ વૃક્ષો છે. હું યુનિવર્સિટી તરફ નીકળ્યો. આજ સવારથી વાદળાંની દોડાદોડ છે. ભેજ ભેજ લાગે. યુનિવર્સિટીમાં અસમિયા ભાષાવિભાગ રસ્તાની ધારે છે. ત્યાં પહોંચ્યા પછી ખબર પડી કે હોળીના દિવસની રજા છે. હત્તારી! એક પટાવાળો હતો. તેને પૂછ્યું. અસમિયા વિભાગના વડા કોણ છે? એણે કહ્યું, મહેન્દ્રનાથ બરા. મહેન્દ્ર બરા તો અસમિયાના જાણીતા કવિ, એટલું જ નહીં નવી કવિતા—‘નતુન કવિતા’ના પ્રખર પુરસ્કર્તા. અસમિયાની ‘નતુન કવિતા’નું એક સંકલન પણ તેમણે કર્યું છે. એમને મળી શકાય તો ‘સાસરીના શોધતાં પિયેરના મળ્યા’ જેવું થાય. પટાવાળો વિનયી હતો. તેણે કહ્યું — પુરાનોડિસ્ટ્રિક લાઇબ્રેરી પહેલાં જાઓ. ત્યાં જઈને પૂછવાથી મળી જશે. આમેય આપણે તો ભમવું જ હતું. યુનિવર્સિટી કેન્ટીનમાં ચા-નાસ્તો કરી નીકળી પડ્યો, બસમાં.
ડિબ્રુગડ સારું લાગ્યું. આ વિસ્તાર તો વસવું ગમે તેવો હતો જ. લાઇબ્રેરી ઊતરી ગયો. સામે એક બાયલેઈન હતી તેમાં વળ્યો. પ્રથમ સામે મળનારને જ પૂછ્યું, મહેન્દ્રનાથ બરાનું ઘર ક્યાં? એ સજ્જન ઊભા રહી ગયા. પછી કહે, ચાલો, જરા બતાઉં, એકબે વળાંક પછી કહ્યું, હવે સીધા જતાં જમણી બાજુનું. હું આભાર માનું તે પહેલાં તે ચાલ્યા ગયા.
એક માળનું મોટા કંપાઉન્ડવાળું મકાન. નામની તખતી હતી. ઝાંપલી ખોલી અંદર ગયો. બેલ વગાડી. દરવાજો ઊઘડ્યો. એ જ મહેન્દ્ર બરા, મેં માની લીધું અને હાથ જોડ્યા. તેમણે સામે નમસ્કાર કર્યાં પણ ચહેરા પર પ્રશ્નાર્થ હતો, તેનો જવાબ મેં તરત જ આપ્યો — હું પટેલ, ગુજરાતમાંથી આવું છું.
‘તમે મિ. પટેલ ભોલાભાઈ પટેલ? ક્યારે આવ્યા? તમારી રાહ જોવાય છે. અસમ સાહિત્ય સભા તરફથી આજે તમારો વાર્તાલાપ છે. પણ સભાના મંત્રીને ખબર નથી કે તમે આવ્યા છો કે નહીં. ક્યાં છો? આજે તમારા આવવાની વાત હતી.’
મૂંઝવણ અનુભવવાનો હવે મારો વારો હતો. તેઓ મને ઘરમાં લઈ ગયા. બેસાડ્યો. ખૂબ પ્રસન્ન થયા હોય એમ લાગ્યું. અવાજમાં રણકો સંભળાય. મેં કહ્યું, હું આજે જ આવ્યો છું. યુનિવર્સિટીથી તમારું સરનામું મળ્યું એટલે અહીં આવી પહોંચ્યો છું. તેમણે કહ્યું કે સાહિત્ય અકાદેમીનો પત્ર અહીંની અસમ સાહિત્ય સભા ઉપર હતો. તેમાં તમારો વાર્તાલાપ અહીંના સાહિત્યકારો સાથે ગોઠવવા વિનંતી હતી.
અકાદેમીએ અહીં લખ્યું હતું, પણ મને તો ખબર જ નહોતી. શ્રી બરાએ તરત જ ડિબ્રુગડ અસમ સાહિત્ય સભાના મંત્રી શ્રી નગેન શઈકિયાને ફોન જોડ્યો. વાત કરી. પછી તેમણે જણાવ્યું કે તમારે માટે સર્કિટ હાઉસમાં રૂમ રિઝર્વ પણ કરાવી રાખ્યો છે. શ્રી શઈકિયા તમને મળવા હમણાં જ આવે છે.
મહેન્દ્રનાથ મારી સાથે પ્રેમથી વાતે વળગ્યા. મેં તેમને કહ્યું કે મારું એક પ્રયોજન તો અહીંના સાહિત્યકારોને મળવાનું છે, અને બીજું પ્રયોજન ગુજરાતીમાં અનુવાદ કરવા માટે અસમિયા કવિતાનું સિલેક્શન કરવાનું છે. હવે તમે જ મળ્યા, પછી મારો પ્રશ્ન હળવો થઈ ગયો છે. મારે અસમિયા કવિતાના ઉત્તમ સંગ્રહોની સૂચિ કરવી છે અને પ્રતિનિધિ રચનાઓની પણ.
ચા પીતાં પીતાં વાત દરમ્યાન તે ઊભા થયા. ઘરમાં જઈ ઢગલો કવિતાસંગ્રહો લઈ આવ્યા. તેમણે પૂછ્યું — ‘તમે કેટલા દિવસ છો?’ મેં કહ્યું, ચારેક. ‘તો તો નિરાંતે કામ થઈ શકશે. આજે તમે આ બધા સંગ્રહ જુઓ.’ ત્યાં શ્રી શાઈકિયા આવ્યા. અસમિય વિભાગના શ્રી પ્રફુલ ભટ્ટાચાર્ય પણ આવ્યા. શઈકિયા કહે, ‘સારું થયું તમે આવ્યા, અને એથીય સારું એ થયું કે તમે શ્રી બરાને મળવા આવ્યા. નહીંતર તમે તમારી હૉટેલમાં રહેત, અને અમે અહીં તમારી રાહ જોવત. આજે તમારો વાર્તાલાપ છે. પણ સવારથી જે મળે છે તેને મૌખિક કહીએ છીએ કે શ્રી પટેલ આવ્યા નથી. હવે ફરી બધાને ખબર કરીશું. સાંજે તમને લેવા આવીશું.’
શ્રી શઈકિયાએ કાલે જ ગુવાહાટી જઈ આવ્યાની વાત કરી. એક વર્ષના અકાદેમી પુરસ્કાર વિજેતા અસમિયા કથાકાર શ્રી હોમેન બરગોહાંઈ ગઈ ૨૫મીએ ભુવનેશ્વર આવી શક્યા નહોતા. તે આગળનો એવોર્ડ પણ આપવાનો બાકી હતો એટલે ગુવાહાટીમાં એ કાર્યક્રમ ગોઠવાયો હતો.
શ્રી શઈકિયાએ કહ્યું — અકાદેમીના પ્રમુખ ઉમાશંકર જોશી આવ્યા હતા. તમે આવવાના છો તેની વાત કરી હતી અને તેમણે તમારે માટે આ પત્ર આપ્યો છે. તેમણે પત્ર આપ્યો. ગુવાહાટીથી ૯મી તારીખનો લખેલો છે. અને સાક્ષાત્ કવિ મળ્યા હોય એનાથી જરીક જ ઓછો આનંદ થયો. પત્રમાં તેમણે લખ્યું છે કે મારે આવવું પડ્યું. સારું થયું તે આવ્યો…’ ઉમાશંકરભાઈને હમેશાં ચિંતા રહે છે કે આ વિસ્તારની ભાષાઓની અસમિયા, મણિપુરી વગેરેની ઉપેક્ષા ન થવી જોઈએ. એ લાગણી તેમણે અકાદેમીના કલકત્તાના પ્રાદેશિક મંત્રીને પણ કરી હતી. પત્રમાં તેમણે ગુવાહાટીમાં મારો રૂમ સરકીટ હાઉસમાં રીઝર્વ થયાની વાત લખી મને નચિંત પણ કર્યો છે!
શ્રી શાઈકિયાએ કહ્યું કે ‘પરમ દિવસે તમારી જોરહાટમાં પણ રાહ જોવાતી હતી. સરકીટ હાઉસમાં તમારે માટે રૂમ બુક કરાવી હતી. રાત સુધી બધાએ રાહ જોઈ હતી. પછી તમે ન આવ્યા એટલે બધા ગયા.’ અરે! જે સમયે હું સરકીટ હાઉસમાં પેલા ડૉક્ટર સાથે વાતે વળગ્યો હતો તે જ વખતે નજીકમાં સાહિત્યસભાના ભવનમાં સૌ રાહ જોતા હતા! અકાદેમીએ ત્યાં જણાવેલું પણ મને નહીં, મને અફસોસ થયો. દુ:ખ થયું. જોરહાટમાં કોઈને ના મળાયું.
પણ અહીં હવે જોતજોતામાં હું સાહિત્યિક મિત્રોના સાન્નિધ્યમાં હતો. આ કેવી રીતે બની ગયું! મેં તો ‘નાવ છોડી જ દીધી હતી, જ્યાં વહે ત્યાં વહેવા દેવા.’
હું બ્રહ્મપુત્રની પાસે આવી ગયો. હવે હું અને બ્રહ્મપુત્ર. આજે તડકો હોત તો કેવું સારું! પત્રો લખવાનો ખાસ કાર્યક્રમ ગોઠવ્યો. બારી બહાર બહ્મપુત્રના પ્રવાહને જોતો જાઉં અને પત્રો લખતો જાઉં. પેલી પાળ પર નાનાં વાહનોની અને લોકોની આછીપાતળી અવરજવર ચાલતી રહે. નહીંતર રજાના આ દિવસોમાં આ જગ્યા એકદમ સૂની લાગત.
દિવસના તડકો ભાગ્યે જ નીકળે છે. પણ વરસાદેય પડું પડું છે છતાં પડ્યો નથી. પવન એકદમ ઠંડો થઈ ગયો છે. ઠંડી વાય એટલું ઉષ્ણતામાન નીચું ગયું લાગ્યું. સાંજે શ્રી નગેન શઈકિયા આવ્યા. તેમની સાથે સૌ પ્રથમ તેમને ઘેર ગયા. શઈકિયા અસમિયાના વાર્તાકાર છે, તે તો તેમણે મને તેમનો એક વાર્તાસંગ્રહ ‘આસ્તિત્વેર શૃંખલ’ આપ્યો ત્યારે ખબર પડી. સભામાં ઝાઝા લોકો હતા નહીં તેનું એક કારણ તો એ હતું કે મહેમાન આવ્યા છે કે નહીં તેની બધાને ખબર પડી શકી નહોતી. છતાં પંદરેક રસિકો મળે તે ઓછું નહોતું.
કાર્યક્રમ વ્યવસ્થિત ચાલ્યો. સભાની બધી ઔપચારિતાઓ સહિત. મેં ગુજરાતી કવિતા-વાર્તા વિષે મુખ્યત્વે અને સાહિત્યિક પ્રવૃત્તિઓ વિશે સામાન્યપણે વાત કરી. પ્રશ્નો, પરિચયવિધિ થઈ. બે તરુણ સાહિત્યિકો—મુનિન ભુયાં અને અશ્વિનિ બરુવાએ—બન્ને આકાશવાણી સાથે જોડાયેલા — ઠીક ઠીક પ્રશ્નો યુવાલેખન વિષે કર્યા. સભામાં અસમ સાહિત્ય સભા, જોરહાટના એક વખતના મંત્રી લીલા ગગૈ પણ હતા.
સભા ચાલે તે દરમ્યાન પાનસોપારીનો રિવાજ છે. આખું પાન નહીં, પાનનો એક ટુકડો, તેને જરા ચૂનો લગાવવાનો; પછી તાજી લીલી સોપારીનો કટકો એ પાન. આખું પાન તો ખાઈ ન શકો. સોપારી તો નારિયેળીની જેમ, ઉપર કોચલા સાથે હોય, તે તરત ઉતારી કટકા કરી પાનદાનમાં મૂકેલા હોય. આ પાનનો સૌથી પહેલો અનુભવ મને મણિપુરના મિઝો વસ્તીવાળા ગામ ચુડા ચાંદપુરમાં થયો હતો. પાનવાળાએ સોપારી ફોલી, કટકા કરી તેમાંથી એક પાનમાં મૂકી, જરા ચૂનો લગાડી, ટુકડો પાન મને આપ્યું! ત્યારે પેલી સમસ્યાપૂર્તિ એકદમ સમજાઈ :
નગરમાં નાગી ફરે વનમાં પહેરે ચીર
એ ફળ તમે લાવજો મારી સગી નણંદના વીર
એ કયું ફળ? તો કહે સોપારી.
આ સોપારી અર્થાત્ તામ્બોલ અસમિયા સંસ્કૃતિનું જ અંગવિશેષ. સભા હોય ત્યારે પાનદાન ફર્યા કરે, શ્રોતાઓ વચ્ચે. મહેમાનનું પણ સ્વાગત પાનતામ્બોલથી.
આભાર માનતી વેળા સભાના મંત્રીએ મને ‘ગામોછા’ ઓઢાડ્યો. ગમછો પણ અસમિયા સ્વાગતનું પ્રતીક. આમ ઔપચારિક રીતે તો આપે, પણ અંતરંગ સ્નેહની શુભેચ્છા રૂપે પણ આપવામાં આવે. સભાનાં કેટલાક પ્રકાશનો પણ મને આપ્યાં. સભા પૂરી થયા પછી શ્રી લીલા ગગૈને ત્યાં ગયા. એમણે તો બરાબર અસમિયા રીતિથી સ્વાગત કર્યું. કાંસાના પાત્રમાં નાસ્તો ધર્યો. કાંસાના પાત્રમાં પાનતામ્બોલ, લીલા ગગૈની રૂચિ પ્રાચીન અસમ બુરંજી (ઇતિહાસ) અને અહોમોની થાઈ સંસ્કૃતિના રિસર્ચમાં છે. આ વિષયમાં તેમણે ઘણું કામ કર્યું છે. તેમણે જુની અસમિયા હસ્તલિખિત પોથીઓ કાઢી અને બતાવી.
રિવરવ્યૂ આવ્યા ત્યારે રાત્રિના દસ. પાંચ વાગ્યે સૂર્યાસ્તને હિસાબે જરા મોડું કહેવાય. આવીને તરત બારી ખોલી નાખી. અંધારામાં બહાર બ્રહ્મપુત્રના વિશાળ પટ પર નજર નાખી. જલરાશિ અને વાલુકારાશિ અલગ કરવાં મુશ્કેલ હતાં. આકાશમાં વાદળ ન હોત તો ફાગણની ચાંદનીમાં બ્રહ્મપુત્રનું કેવું અપૂર્વ દૃશ્ય દેખાત!
આજનો આખો દિવસ અત્યારે ચિત્રપટની જેમ ચિત્તમાંથી પસાર થતો અનુભવું છુ. વિચારું છું, કેવો ધન્ય સુયોગ થઈ આવ્યો છે આજે! મહેન્દ્ર બરાને ત્યાં જવાનો વિચાર ન આવ્યો હોત તો! કાલે ફરી તેમને ઘેર જવાનું આમંત્રણ છે. અસમિયા કવિતાઓ વાંચવાનો, પસંદ કરવાનો કાર્યક્રમ છે. શ્રી શઈકિયા પણ કેવા મળી ગયા! અને અહીં આ છેડે ઉમાશંકરભાઈનો પત્ર! ખિસ્સામાં વાળીને મૂકેલા પત્રની ગડ ઉકેલી ફરીથી વાંચું છું.
હવે સૂઈ જાઉં.
‘ગુડ નાઇટ, બ્રહ્મપુત્ર!’
બ્રહ્મપુત્રનું જ સવારમાં પ્રથમ દર્શન. ફાગણ છે છતાં હવામાન તો અષાઢ-શ્રાવણ જેવું છે. ખરેખરા અષાઢ-શ્રાવણમાં તો અહીં કેવું હશે? ત્યારે તો અત્યારે શાન્ત ગંભીર સ્વચ્છસલિલ બ્રહ્મપુત્ર વિકરાળ કાળ સદૃશ્ય ફીણફિસોટા અને ગર્જનતર્જન સાથે ધસમસતો દોડ્યો જતો હશે. છાપામાં ભયજનક સપાટીની ઉપર વહેતાં કે હજારો એકરના વિસ્તારોમાં ડાંગરના પાકને ડુબાડી દેતાં બ્રહ્મપુત્રનાં પાણીનાં તાંડવ વિષે વર્ષોવર્ષ વાંચીએ છીએ. કોઈ વિપ્રના દેહ પરના ઉપનયનની જેમ બ્રહ્મપુત્ર બરાબર અસમની વચ્ચે થઈને ત્રાંસમાં પસાર થાય છે, પણ પ્રવેશે છે બાંગ્લાદેશમાં. ત્યાં તેના નામ ફરી જાય છે. ફરી જ જાયને ગંગા આવીને મળ્યા પછી! નામ થઈ જાય પ્રશ્ન. બાંગ્લાદેશની તરુણ ગાચિકા રુના લયલાએ ગાયેલું ગીત યાદ આવી જાય — ‘પ્રદ્મા આમાર મા ગંગા આમાર મા…’ અને પ્રશ્ન કહેતાં સિલાઈદહના રવિ ઠાકુર તો યાદ આવ્યા વિના રહે જ કેમ? પ્રદ્માના એક બજરામાં જ પોતાનો આવાસ કવિએ રાખ્યો હતો, ત્યાં ‘છિન્નપત્ર’ના પત્રો લખાયા, ‘ગલ્પ ગુચ્છ’ની વાર્તાઓ લખાઈ….એ જ પ્રદ્મા દરિયામાં પડવાની પહેલાં મેઘના રૂપે બહુમુખ બની જાય છે.
પરંતુ અસમમાં એનું લાડકું નામ લુઈત છે. પ્રાચીન સંસ્કૃત લોહિત-લૌહિત્ય. પ્રસિદ્ધ અસમિયા કવિ અને રાજનીતિજ્ઞ સ્વ. હેમ બરુવાએ અસમ વિષે જે એક પુસ્તક અંગ્રેજીમાં લખ્યું છે, તેનું નામ — ‘ધ રેડ રિવર એન્ડ ધ બ્લ્યુ હિલ.’ તેમાં ‘રેડ રિવર’ તે જ આ લુઈત. ‘બ્લ્યુ હિલ’ તે ગુવાહાટીની પ્રસિદ્ધ પહાડી ‘નીલાચલ.’ તેના પર જ કામાખ્યાનું પ્રસિદ્ધ શક્તિપીઠ છે. લુઈત અને કામાખ્યા એ બે દ્વારા અસમનાં ઇતિહાસ, ભૂગોળ અને સંસ્કૃતિનો ઘણોબધો નિર્દેશ થઈ જાય છે. લુઈત—લાલ—એટલા માટે કે પરશુરામે ક્ષત્રિયોના વધ પછી પોતાનો રક્તાક્ત ફુઠાર આ નદીનાં જળમાં ધોયો હતો. કોઈ કહે છે માતૃવધના ડાઘ અહીં ધોયા હતા. ગમે તેમ પણ પરશુરામ સાથે એનો સંબંધ તો છે. અહીંથી ઉગમણે જતાં અરુણાચલમાં સદિયા પાસે આ નદીમાં પરશુરામકુંડ નામે પ્રાચીન કાળથી પ્રસિદ્ધ તીર્થ છે. સંભવ છે કે ચીનની હોઆંગહો પીળી માટીનો રંગ ધારણ કરતાં પીળી નદી કહેવાય છે કે જમુના કાળી નદી કહેવાય છે તેમ બ્રહ્મપુત્ર ચોમાસામાં ખેંચી લાવતી લાલ આભાવાળી માટીને લીધે લુઈત થઈ હોય.
અસમિયા લોકસાહિત્યમાં અને કવિતામાં આ લુઈત કેટલી બધી આવે છે! કહે છે બ્રહ્મપુત્ર એનું ખરું નામ નથી. બરુવાએ લખ્યું છે કે મૂળ બોડો ભાષાનો શબ્દ છે. બોડો કહેતાં જ આ વિસ્તારમાં આવીને સ્થિર થયેલી એક પ્રતાપી જનજાતિનો આખો ઇતિહાસ સળવળે. દિમાપુરમાં તેમણે સામ્રાજ્ય સ્થાપેલું. એ ભાષાના ઘણા શબ્દો અસમિયામાં છે. એ બોડો ભાષામાં નામ છે ‘બુલ્લુંબુધુર.’ તેનો અર્થ થાય ખળખળ વહેતા પાણીવાળી નદી. તે નામનું સંસ્કૃતિકરણ થયું અને ‘બુલ્લંબુધુર’ થયું બ્રહ્મપુત્ર, અને અંગ્રેજી જોડણીને આધારે આપણે કર્યું બ્રહ્મપુત્રા, અસમનું જેમ આસામ કર્યું તેમ. બર્મા તરફથી અહેમો આવ્યા તેઓ કહેતા ‘નામ—દાઓ-ફી’ એટલે કે તા૨ક દેવતાની નદી. તિબેટમાં લ્હાસા પાસે થઈને આવે છે, હવે વિગત થવા બેઠેલી લામા સંસ્કૃતિના અધ્યાસ જગાડે. ત્યાં એનું નામ ત્સાંગ પો. મૂળે નીકળે છે કૈલાસ પર્વતની તળેટીમાંથી. પાસ પડોશમાં જ સિંધુ-સતલજનું મૂળ છે. પણ તેમની દિશાઓ જુદીજુદી થઈ ગઈ. સિંધુ-સતલજની સંસ્કૃતિ અને બ્રહ્મપુત્રની સંસ્કૃતિ—એક આર્યોની (મોંએ-જો-દડો પછી) અને બીજી કિરાતોની. પણ તેય પછી તે એકબીજાને બાદ કરતી નથી, એકબીજામાં ભળી ગઈ છે. અસમમાં મુખ્ય પ્રવાહ આર્યસંસ્કૃતિનો જોવા મળે છે, પણ કેટલા બધા કિરાત સંસ્કારો તેમાં જીવંત છે!
સવારમાં આ બારીમાંથી બ્રહ્મપુત્રને જોયા કરવાનું ગમે છે. મને નદી માત્ર ગમે છે. મારા ગામને નદી નથી એનો ઘણો વસવસો છે. કદાચ નદી માટે એટલે આકર્ષણ હશે. વળી આજે કંઈ ઉતાવળ નથી. મહેન્દ્ર બરાને ત્યાં જવાનું છે, પણ આ હવામાન, એટલું ‘ડલ’ લાગે છે કે બ્રહ્મપુત્ર ન હોત તો જરાય અત્યારે ગમત નહીં, કોણ જાણે કેમ પ્રવાસના ઘણા દિવસ પછી ‘હોમ સિક’ થયો હોઉં એવું લાગે છે. રહી રહીને આજે ઘર યાદ આવે છે, એટલે આ ‘ડલનેસ’ હવામાનની છે કે મારી પોતાની માનસિકતાની છે —કે બન્ને સાથે થઈ ગયાં છે?
ગઈકાલની પ્રવૃત્તિમયતા ક્યાં અને આજની નિષ્ક્રિયતા ક્યાં! ત્યાં ટેબલ પર ગઈકાલે પ્રો. શેઈકિયા આવ્યા ત્યારે તેમના સ્વાગત માટે મંગાવેલ સિગારેટનું પેકેટ અને મેચબૉક્સ પડ્યાં હતાં, તે પર નજર પડી. સિગારેટ આમ તો પીતો નથી, પણ એકાએક સિગારેટ સળગાવવાની ઇચ્છા થઈ આવી. આ ભેજભરી ઠંડીમાં અનાડી હાથે મેં સિગારેટ સળગાવી અને કોઈ ફિલસૂફની અદાથી બ્રહ્મપુત્ર તરફ જોતો ધુમાડા કાઢવા લાગ્યો. એવું લાગ્યું કે વિચાર કરવાની શક્તિ વધી ગઈ કે શું? સિગારેટ છેક સુધી માણી. પછી પત્રો લખ્યા અને સ્વજનોની અંતરંગતા માણી.
બપોરના મહેન્દ્ર બરાને ત્યાં જવા નીકળ્યો. તેમને ત્યાં ગયા પછી ‘મૂડ’ થોડો બદલાઈ ગયો. હવે કવિતાનું સાન્નિધ્ય હતું. પહેલાં અમે આધુનિક કવિતાઓની સૂચિ બનાવી. તે પછી તેમની અનુવાદયોગ્ય કવિતાઓની. અસમિયા એટલી પાકી નથી મારી કે પૂરેપૂરી સમજી શકું. વારેવારે ઠેસ વાગતાં રોડાં આવે, બરા તે દૂર કરતા જાય.
પછી મને વિચાર આવ્યો. મેં તેમને વિનંતી કરી કે કેટલીક કવિતાઓ કેસેટ પર ટેપ કરી આપો. કૅસેટ મારા તરફથી ખરીદી લેવા પણ વિનંતી કરી, તેમણે માન્ય રાખી છે. હજી તો બે દિવસ છું. તેમણે કહ્યું, ‘પરમ દિવસે અમારી યુનિવર્સિટીની રજાઓ પૂરી થતાં વર્ગો શરૂ થાય છે. તમે અમારા વિભાગમાં આવો અને વિદ્યાર્થીઓને તથા અધ્યાપકોને મળો તો કેવું?’ આ મળવાનો અવસર મળે ત્યારે નમ્રતા રાખવાનું ઉચિત નહોતું. મેં ઉમળકાથી આભાર સહ તેમની વાત સ્વીકારી. વચ્ચે વચ્ચે તેમનાં પત્ની ગીતાદેવી પણ વાર્તાલાપમાં જોડાતાં. તેઓ સારું ગાય છે. પહેલાં તો આકાશવાણી પર નિયમિત તેમનાં ગીતો પ્રસારિત થતાં. શ્રી બરાને મેં કહ્યું કે થોડાંક ગીતાદેવીનાં ગીત પણ ટેપ પર આવે તો સારું.
નીકળતી વખતે તેમણે અસમિયા કવિતાનું તેમણે સંપાદિત કરેલ એક સંકલન અને તેમનો એક કાવ્યસંગ્રહ ‘એઇ નદીયેદિ’ ભેટ આપ્યાં, તેમાં તરત જોડેલી બે કાવ્યપંક્તિઓ લખીને :
ચિનાકિ માથોન તુમિ દુટિ લહમાર |
ચિનાકિ-સુરર યેન ચેતારેર તાઁર ||
અર્થાત્
તમે માત્ર બે ક્ષણની ઓળખાણ
જાણે સિતારના તારના સૂરની ઓળખાણ.
તેમને મારો એવો પરિચય થયો હતો કે નહીં, તેની ખબર નથી, પણ મારે માટે અવશ્ય એ ઓળખાણ સિતારના સૂર જેવી મધુર છે. તેમને ત્યાંથી નીકળ્યો ત્યારે ભર્યોભર્યો હતો. તેમ છતાં રૂમ પર આવ્યા પછી લાગ્યું કે વિષાદનાં વાદળ હજી હટતાં નથી. એટલે બ્રહ્મપુત્રની પાસે ગયો. કિનારે કિનારે ચાલવા લાગ્યો. ત્યાં ઉપરવાસ ભણી એક હોડી જતી હતી. એ ઉતારુઓની હોડી તો નહોતી જ, માછીમારની હોડી હતી. હોડીમાં ઊભો ઊભો માછીમાર હલેસું ચલાવી રહ્યો હતો. મને ઇચ્છા થઈ કે તે થોડે દૂર મને લઈ જાય તો કેવું? મેં એને કાંઠે આવવા ઇશારો કર્યો. એણે હોડી કિનારે લાવી ઊભી રાખી. મેં કહ્યું—મને થોડું ફેરવ. પૈસા આપીશ. તેણે કહ્યું કે હું તો માછલાં પકડવા જાઉં છું. પણ પછી મેં કહ્યું, ત્યાં દૂર કાંઠે મને ઉતારી દેજે. તે સમ્મત થયો.
નાની નાવ. બ્રહ્મપુત્રના વિશાળ પ્રવાહ વચ્ચે ઉપરવાસ ભણી તો જવા લાગી. નદીનો, નહીં નદનો હવે ખ્યાલ આવે છે. જળપ્રવાહ તો પહોળો છે, પણ પટ તો જાણે દષ્ટિને માટે અનંત. માછીમાર ભાંગીતૂટી હિંદી બોલતો હતો. તેણે કહ્યું કે આમ આખી રાત હોડી ચલાવતો ચલાવતો દૂર સુધી જશે, પછી માછલાં પકડશે. ઠંડો પવન હવે વધારે ઠંડો લાગતો હતો. મેં કહ્યું, રાતે કેવી રીતે ફાવશે? કહે ‘જોનાકર રાત’—ચાંદની રાત છે, ચાલ્યા જવાશે. મને થયું— ચંદ્ર દેખાય તો ને! ત્યાં બાજુમાંથી એક મોટી સ્ટીમલૉંચ પસાર થઈ. પાણી એકદમ હલબલી ઊઠતાં આ નાની નાવ ઊછળી રહી. થયું — આ હોડી અવળી થઈ જાય તો? આવા ઠંડા પાણીમાં તરાય પણ ક્યાં સુધી? ક્ષણેક જ વિચાર આવી ગયો. મને તો આખી રાત આ નાવરિયા સાથે હોડીમાં જવાની રોમાંટિક ઇચ્છા થઈ આવતી હતી. બસ, આપણે, રાત અને આ નદી. આપણું જીવનનો અનુભવ કેટલો સીમિત રહી જાય છે? જીવન તો કેટલું વ્યાપક છે, આપણને અંશ માત્ર અનુભવવા મળે છે, પછી એ માત્ર આપણી ધારણા પ્રમાણે સુખનો જ કેમ ન હોય! અસમનાં લોકગીતોમાં નાવરિયા ગીતોનું પ્રમાણ પુષ્કળ છે. કેમ ન હોય? નદીઓનો, મોટી નદીઓનો વિસ્તાર. લોકોય જળમાર્ગો સ્થલમાર્ગોથી વધારે પસંદ કરે. હું આ નાવરિયાને કદાચ તેનું એકાદ ગીત ગાવાનું કહેત, પણ આજે મારા મનમાંથી કશો ઉમળકો ઊઠ્યો નહીં. કલાકેક પછી જરા દૂર પૂર્વ કાંઠે ઊતરી ગયો. એક રૂપિયામાં તો નાવરિયો રાજી રાજી થઈ ગયો. પછી તો ધીરે ધીરે કાઠે કાંઠે ચાલતો હૉટેલ પર પાછો આવી ગયો.
આજે હૉટેલ ખાલીખમ છે. માત્ર બેરો છે. તે ખાવાનુંય ઠંડું લઈ આવ્યો. તેને શું કહેવું? હોળીના દિવસ હતા. તેની આંખમાં અને ચાલમાં નશાનો પ્રભાવ વરતાતો હતો.
હવે બહાર જવા જેવું લાગ્યું નહી, થોડીક ચોપડીઓ આમતેમ ફેંદ્યા પછી લખવા બેસું છું. આસપાસ ખાસ જનવસ્તી લાગતી નથી. છે માત્ર સ્તબ્ધ ઇમારતો, સામે વહી જતો બ્રહ્મપુત્ર અને અલબત્ત, આજ સવારથી મારી સોબત ન છોડતો વિષાદ—નિષાદ.
અસમની સંસ્કૃતિના એક વિશિષ્ટ અંગનો આજે પરિચય થયો. આ વિશિષ્ટ અંગ તે એક વૈષ્ણવ સત્રની મુલાકાત. સત્રનું નામ ‘દિન જય સત્ર.’ ડિબ્રુગઢથી બસ દ્વારા બે કલાકનો માર્ગ. પરમ દિવસે સાંજના વાર્તાલાપ વખતે જે બે તરુણ સાહિત્યકાર મળ્યા હતા—મુનિન ભુયાં અને અશ્વિનિ બરુવા— તેમણે આયોજન કર્યું હતું. આયોજન તો શું —તેઓ જવાના હતા, મેં મારી ઇચ્છા બતાવી એટલે ત્રણેયે સાથે જવાનું વિચારી આજે બસસ્ટૅન્ડ પર મળવું એવું નક્કી કર્યું હતું.
કોઈ એકાદ મોટા વૈષ્ણવસત્રમાં તો મારે જવું હતું, પણ મારે વિચાર કાં તો માઝુલી બેટ પર આવેલા કમલાબાડી સત્ર કે પછી બરપેટાના સત્રનાં દર્શને જવાનો હતો. માઝુલી બ્રહ્મપુત્રના પ્રવાહ વચ્ચે આવેલો એક ગજબનો ટાપુ છે. અજ્ઞેયજીના એક પુસ્તકમાં એ વિષે વાંચેલું. સમુદ્રમાં તો મોટા મોટા ટાપુ હોય — આખા દેશના દેશ હોય — પણ નદી વચ્ચે સિત્તેર માઈલ લાંબો અને દશ માઈલ પહોળો સાઠ હજારની વસ્તી ધરાવતો ટાપુ હોય? બ્રહ્મપુત્ર અને સુવર્ણશિરિના સંગમ સ્થળે આવેલો છે. ત્યાં અનેક ગામ અને વૈષ્ણવસત્રો છે. હોડીમાં બેસીને ટાપુ સુધી પહોંચવાનું. ટાપુ પર તે પછી મોટર માર્ગે યાતાયાત! બરપેટામાં પણ પ્રસિદ્ધ સત્રો છે. તેની તદ્દન નજીક-ચાળીસ કિલોમીટર ‘માનસ’ નામનું અસમનું પ્રસિદ્ધ પ્રાકૃતિક સૌંદર્યમંડિત સ્થળ આવેલું છે, વિશેષતયા અસમિયા વન્ય મહિષીઓ માટે જાણીતું. એટલે એ બે સાથે થઈ શકશે એવો ખ્યાલ છે.
પરંતુ દિન જય સત્ર જોવાનો શો વાંધો હોય? પેલા મિત્રોએ કહ્યું કે હોળીને દિવસે ત્યાં ખાસ ઉત્સવ હોય છે. મને થયું કે વૈષ્ણવસત્રનું એક પાસું જોવા મળશે. અસમનો વૈષ્ણવધર્મ વ્રજના પુષ્ટિમાર્ગીય સંપ્રદાય કે બંગાળના પરકીયા સંપ્રદાયથી એકદમ જુદો છે. પહેલી વાત તો એ છે કે તે નિર્ગુણોપાસક છે. એકશરણિયા કે મહાપુરુષિયા વૈષ્ણવ સંપ્રદાય તરીકે ઓળખાય છે, આ સંપ્રદાયમાં ‘રાધા’ નથી! એટલે વ્રજમાં હોળી ખેલાય છે, તેવી હોળી અહીં ખેલાતી હશે એવો પ્રશ્ન પણ થાય; પરંતુ આજે તો મારે મણિપુરમાં હોવું જોઈતું હતું. આખું મણિપુર રાસરંગની રમણે ચઢ્યું હશે. પણ મણિપુરની વૈષ્ણવધારા વત્તેઓછે અંશે ચૈતન્યની અસર નીચે આવેલી છે.
આસમિયા વૈષ્ણવ સંપ્રદાયના સ્થાપક તો હતા શંકરદેવ. જો કોઈ એક વિભૂતિ શતાબ્દીઓ સુધી આખી પ્રજાને પ્રભાવિત કરી શકતી હોય તો તે અસમમાં શંકરદેવ* એક છે. સને ૧૪૪૯માં તેમનો જન્મ. એકસો વીસ વર્ષનું લાંબું આયુષ્ય ભોગવી તે ૧૫૬૯માં મૃત્યુ પામેલા. આ સંતે માત્ર ધર્મને ક્ષેત્રે જ નહીં, સંસ્કૃતિ, સાહિત્ય અને કલાને ક્ષેત્રે અસમિયા પ્રજાજીવનની કાયાપલટ કરી. તેમના પછી તેમના શિષ્ય થયાં માધવદેવ. અસમના ગામેગામ વૈષ્ણવજીવન રીતિની એક વ્યવસ્થા ગોઠવી. તેમણે સત્રોની સ્થાપના કરી, નામઘરોની સ્થાપના કરી. એક સત્રની વ્યવસ્થા નીચે અમુક નામઘરો હોય. નામઘર તો ગામેગામ હોય. તે એક બાજુએ ભક્તિનું સ્થળ છે, બીજી બાજુ એ ગામના પ્રશ્નો ઉકેલતું ‘પંચાયતઘર’ પણ બની રહે છે. આ રીતે નામઘર આખા ગામની પ્રવૃત્તિનું કેન્દ્ર બને છે. ત્યાં નાટકો પણ ભજવાય, ન્યાય પણ થાય. સત્રોએ અને નામઘરોએ આખા સમાજને વ્યવસ્થિત કર્યો છે. આજે કદાચ એમનો એટલો પ્રભાવ ન હોય.
અસમને શંકરદેવે સમૃદ્ધ સાહિત્યપરંપરા આપી. બરગીત અને અંકિયા નાટની પરંપરા હજી જીવતી છે. બરગીત તો રોજ રેડિયો પર પણ સંભળાય. સત્રોએ અંકિયા નાટની પરંપરા જીવતી રાખી છે. એને એટલે સત્રિય નાટક પણ કહે છે. શંકરદેવના શિષ્ય માધવદેવની ‘નામઘોષા’ તો અસમની ગીતા છે. તેમણે અને અન્ય વૈષ્ણવોેએ વિપુલ સાહિત્ય લખ્યું છે.
- (વિશેષ માટે જુઓ પુસ્તક : શંકરદેવ લે. મહેશ્વર નેઓગ, અનુ. ભોળાભાઈ પટેલ. નેશનલ બુક ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત.)
બસ ગામડાંઓ વચ્ચે થઈને જતી હતી. અહીં પણ આપણી જેમ હોળી ઉજવાય છે. પણ ગામડાંઓમાં રંગ કરતાં ભીની માટી — કાદવ વધારે લભ્ય છે, એ દેખાઈ આવતું હતું. એક ગામમાં ઊતરી ગયા. પછી થોડું ચાલવાનું હતું. એ ગામ તે ચાબુવા. મને કહેવામાં આવ્યું કે અસમમાં સૌથી પહેલાં ૧૮૪૮માં અહી ચાના બગીચા શરૂ થયા હતા એટલે સ્થળનું ચાબુવા નામ.
થોડા કિલોમીટર ચાલ્યા પછી એક વિશાળ વાડી દેખાઈ. પ્રવેશદ્વારે ‘દિન જય સત્ર’નું નામ લખેલું હતું. અંદર પ્રવેશ્યા. સોપારી, કેળ, વાંસથી ભરચક.
સત્રાધિકારને મળ્યા. તેઓ ગોસાંઈ કહેવાય છે. સમગ્ર વ્યવહાર અને વાતચીતમાંથી શાલીનતા નીતરે. વાતવાતમાં તેમણે કહ્યું, અમે હોળીનો ઉત્સવ ઊજવતા નથી. મને થયું આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની જેમ ‘ચોખલિયા-પ્યુરિટન’ તો નહીં હોય! તેઓ કહે અમે તે માનીએ છીએ :
હાતે કરા કામ
મુખે બુલા રામ.
ચા પીધા પછી અમે નામઘર જોવાની ઇચ્છા વ્યક્ત કરી. તેમણે એક માણસને મોકલ્યો. આખું થાનક બહુ સરસ, પણ ઉદાસ લાગે. નામઘર જોયું. બન્ને બાજુ ઢળતો એક લાંબો વિશાળ મંડપ. ભોંયે લીંપણ અત્યારે ખાલી હોવાથી વધારે મોટો લાગતો. અહીં કીર્તન થાય, ધાર્મિક નાટક થાય. ગામડાંઓમાં આટલા મોટાં નામઘર હોતાં નથી. પણ આ સત્ર છે, આ સત્ર નીચે બીજા અનેક નામઘર ચાલે.
પછી અમને મણિકૂટ ખોલીને દેખાડ્યું. એ પૂજાસ્થળ; પરંતુ પૂજાસ્થળે કોઈ મૂર્તિ નહીં. ત્યાં જૂની વસ્ત્રાવૃત હસ્તલિખિત પોથીઓ હતી. વસ્ત્ર ઉકેલી અમને ગ્રંથ બતાવ્યા—એક હતું મહાભારત, બીજું મત્સ્યચરિત. મારું મન તો કલ્પનાએ ચઢી ગયું.
નીકળતાં ફરી સત્રાધિકારને મળ્યા. તેમણે પૂરીશાક આગ્રહથી જમાડ્યાં. સાથે દહીં-સત્રનું. અસમમાં સત્રના દહીંનો ભારે મહિમા હોય છે.
સાંજે અમે નીકળ્યા. આજે વાદળ હટ્યાં હતાં. વચ્ચે વચ્ચે તડકો જોવા મળતો હતો. પેલી ઘનઘટા તો રહી જ નહોતી. આવતાં ટ્રેન પકડવાની હતી. દૂરથી ટ્રેનને આવતાં જોઈ. દોડીને ગાડી સુધી પહોંચ્યાં કે ગાડી ઊપડી. ટિકિટ લેવાનો વખત જ ન રહ્યો. પછી તો ડિબ્રુગડ સુધી ‘વિધાઉટ ટિકિટ’ આવ્યા અને જરા દૂર પાટે પાટે ચાલી સ્ટેશન બહાર નીકળી ગયા.
કાલે સવારના શ્રી ભટ્ટાચાર્યને ત્યાં જવાનું છે, ત્યાંથી યુનિવર્સિટી. પછી કાલે રાત્રે આઠ વાગ્યે તો ડિબ્રુગઢથી ગુવાહાટી જવા નીકળીશ. હવે આજની રાત જ અહીં બ્રહ્મપુત્રના સાન્નિધ્યમાં છે. સાંભળ્યું છે કે ગુવાહાટીનું સરકીટ હાઉસ પણ બ્રહ્મપુત્રને કાંઠે જ છે. આજે રહી રહીને આછી ચાંદની ફેલાય છે. નદીનાં પાણી અને ભાઠાની રેત આછા અજવાળામાં રહસ્યમય લાગે છે. આજે પણ હજી વિષાદનો સાથ છે. જો કે ગઈકાલ જેટલી તેની હસ્તી અનુભવાતી નથી.
આજે સવારથી તડકાછાંયડાની સંતાકૂકડી ચાલે છે. વિષાદ ચાલ્યો ગયો લાગે છે. થોડી અસમિયા કવિતાઓ વાંચી, ત્યાં શ્રી પ્રફુલ્લ ભટ્ટાચાર્ય આવ્યા. તેમને ત્યાં અલ્પાહાર પછી ડિબ્રુગઢ યુનિવર્સિટીના અસમિયા વિભાગમાં જવાનો કાર્યક્રમ હતો. શ્રી ભટ્ટાચાર્યના પિતામહો અહોમ રાજાઓના વખતમાં ઉચ્ચ પદાધિકારીઓ હતા. તેમના પિતામહોને અહોમ રાજવીઓએ આપેલાં તામ્રપત્ર બતાવ્યાં અને તેમાંનું વસ્તુ વાંચી સંભળાવી, સમજાવ્યું. શ્રી ભટ્ટાચાર્ય કવિતાના પુષ્કળ શોખીન. પોતે કવિતા લખે નહીં, પણ બીજાઓની કવિતા સુંદર રીતે વાંચે. તેમણે દેવકાંત બરુવા (એક વેળા શાસક કૉંગ્રેસના પ્રમુખ — એ જ પેલા પ્રસિદ્ધ ‘બરુવા’ — અસમિયાના સારા કવિ છે.)ની ‘દેવદાસી’ કવિતા વાંચી સંભળાવી. એની શરૂઆતની પંક્તિ ગુંજી રહી :
કાક દિવા! કાક? મનર માધુરી રાશિ
શરીરર શોભા સુકુમાર?
દેવતાક? દેવતાર નુગુચે પિયાહ હાય,
અભાગિની પ્રેમેરે આમાર.
પછી તો તેમણે અસમિયા બરગીત, બિહુગીત અને લોકગીતની રેકર્ડ્ઝ મૂકી એકદમ અસમિયા વાતાવરણ સર્જી દીધું.
યુનિવર્સિટી ગયા. શ્રી મહેન્દ્ર બરા સાથે જ હતા. શ્રી નગેન શઈકિયા પણ અનુસ્નાતક વિભાગમાં જ છે. વર્ગમાં વિદ્યાર્થીઓ આગળ ‘આપુણ માનુહ’ —‘આપણા માણસ’ તરીકે અસમિયામાં મારો પરિચય આપ્યો, વિશેષે તો એટલા માટે કે મેં ‘શંકરદેવ’નો તથા અસમિયા નવલકથાકાર સૈયદ અબ્દુલ માલિકની નવલકથા ‘સૂરજમુખીર સ્વપ્ન’નો ગુજરાતી અનુવાદ કર્યો હતો, અને અત્યારે અસમિયા કવિતાના સંચયનું મિશન લઈને ડિબ્રુગડ આવ્યો હતો. ડિબ્રુગડ આકાશવાણી પરથી પણ આ વાત સ્થાનિક સમાચારમાં પ્રસારિત થઈ હતી.
અધ્યાપક તો ગમે ત્યાં જાય, અધ્યાપક રહે છે. છાત્રો મળે એટલે ખીલે. મેં ગુજરાતી કવિતા, નાટક વિષે વાત કરી. મને કંઠસ્થ બે ગુજરાતી કાવ્યોનો પાઠ કર્યો. ગુજરાતી એટલી બધી એમને અપરિચિત નહોતી લાગી. પછી વિદ્યાર્થીઓમાંથી બે વિદ્યાર્થીકવિઓએ કવિતા વાંચી. તરુણ અસમિયા અધ્યાપિકા કરબી હજારિકાએ પોતાની કવિતા વાંચી. મહેન્દ્ર બરા તો કવિ હતા જ. વિદ્યાર્થીઓએ તેમને આગ્રહ કર્યો. ઘણીવાર કવિ-અધ્યાપકનું અધ્યાપકરૂપ જ વિદ્યાર્થીઓ જાણતા હોય છે. કવિરૂપ તો આવે પ્રસંગે પ્રકટે. તેમણેય કવિતા વાંચી. સુંદર બેઠક જામી ગઈ. ખરે આત્મીયતા જ આત્મીયતા અનુભવાઈ.
મેં જોયું કે કેટલીક વિદ્યાર્થિની બહેનો અને અધ્યાપિકા કરબી હજારિકા અસમિયાની તળ વેશભૂષામાં હતાં. શ્રીમતી કરબી હાજરિકાએ નિ:સંકોચપણે અસમિયા નારીને માટે ‘મેખલા’ અને ‘રિહા’ (ચણિયો અને ચોળી કહી શકીએ) વસ્ત્ર ઉપરાંત કેવી ભાવનાત્મક વસ્તુ છે, તેની વાત કરી. દરેક અસમિયા નારી પોતાની ‘મેખલા’ અને ‘રિહા’નું વસ્ત્ર જાતે જ શાળ પર વણી લેતી હોય છે. વણતાં ન આવડવું એ અસમિયા કન્યાનું એક ડિસક્વૉલિફિકેશન છે! સાડી એવી રીતે પહેરે કે મેખલાનો અર્ધોક અંશ ઢંકાઈ ન જાય. અનેક લોકગીતમાં મેખલાનો નિર્દેશ થાય. ગીતોમાં એ શૃંગારિક અધ્યાસ સાથે ય આવે. ‘મેખલા’ કહો એટલે ઘણું બધું આવી જાય. એવી જ રીતે રિહા. બિહુગીતોમાં રિહાનો વારંવાર ઉલ્લેખ હોય છે. કન્યા ઋતુમતી થાય ત્યારે લાલ રિહા પહેરે.
અસમિયા વિભાગનાં પ્રકાશનો શ્રી મહેન્દ્ર બરાએ મને ભેટ આપ્યાં. સાંજે તેમને ત્યાં જમવાનું નિમંત્રણ છે. આજે રાત્રે નવ વાગ્યે ડિબુ્રગડથી ગુવાહાટી જવા નીકળવાનો છું — લકઝરી બસ દ્વારા. સવારે પહોંચાડશે. બસ સ્ટૅન્ડ શ્રી બરાના ઘરની નજીક છે એટલે સામાન લઈને જ ‘રિવરવ્યૂ’ પરથી તેમને ત્યાં જઈશ.
અત્યારે તો આ સામે બ્રહ્મપુત્રનો દિગન્તવિસ્તારી પટ છે. એ દિશામાંથી ઠંડો પવન વાઈ રહ્યો છે. હજી સાડાત્રણ થયા છે, પણ જાણે સાંજ પડી ન ગઈ હોય! ડિબ્રુગડથી તિનસુખિયા જવાનું રાખ્યું હોત તો ઠીક થાત. આ એક ઉત્તરપૂર્વ અસમમાં હવે ડિબ્રુગડને બદલે તિનસુખિયા વ્યાપાર-ઉદ્યોગનું મથક થતું જાય છે. ડિબ્રુગડમાં નવા ઉદ્યોગો સ્થપાતા નથી. બ્રહ્મપુત્રની વધારે બીક લાગે છે. એ ક્યારે ઉન્મત્ત બની જશે એનું શું કહેવાય? ડિબ્રુગડ, અવશ્ય, વિદ્યાકીય પ્રવૃત્તિઓમાં વધતું રહેશે. તિનસુખિયાથી પછી અરુણાચલમાં જવાનું સહેલું પડે. જોકે અરુણાચલ એ પહાડી મુલક છે કે ત્યાં ઘણીવાર એક સ્થળેથી બીજે સ્થળે જવા આવવા માટે વારંવાર અસમમાં થઈ જવું આવવું પડે. અરુણાચલનું આ આદિવાસી રાજ્ય એટલે જ પુરાણો નોર્થઈસ્ટ ફન્ટિયર એજન્સીનો — ‘નેફા’નો વિસ્તાર. ચીનના આક્રમણે એ ભૂભાગને પ્રસિદ્ધ કરી દીધો. એની નવી રાજધાની ઈટાનગર સુધી છેક આટલે આવીને ન જઈ શકાયાને વસવસો સાથે રહેશે હવે તો.
આવતી કાલે તો ગુવાહાટીમાં હોઈશ. ત્યાં આ બ્રહ્મપુત્ર હશે જ, એક રાત પૂરતી વિદાય, બ્રહ્મપુત્ર!
સરકીટ હાઉસ, ગુવાહાટી, આ પણે બ્રહ્મપુત્ર વહી જાય. અહીં રાજધાનીમાં એનું વ્યક્તિત્વ જુદું છે —રુઆબદાર છે. સવારે જ એને અભિવાદન કરી લીધું. કાલે ડિબ્રુગડથી નીકળ્યો. પ્રો. બરા અને તેમનાં પત્ની ગીતાદેવી બસ સ્ટૅન્ડ સુધી છેક વળાવવા આવ્યાં હતાં. પ્રો. શઈકિયા તો બસ ઊપડી ત્યાં લગી રહ્યા.
બસમાં બેઠા પછી વિચાર આવ્યો કે ત્રણ-ચાર દિવસ પહેલાં ડિબ્રુગડ મારે માટે એક ‘નામ’થી વિશેષ નહોતું. ભારતના નકશામાં છેક પૂર્વોત્તર અંચલમાં આવેલું એક ટપકું, બ્રહ્મપુત્ર એક વાંકીચૂકી સર્પિલ ગતિવાળી રેખા. એક નગર એક નદ એટલી જ માત્ર માહિતી. અત્યારે એ નગર જાણે મારી અંદર આવીને વસી ગયું છે, બીજાં અનેક નગરોની સાથે. બ્રહ્મપુત્ર, અસમની પ્યારી લુઈત મારી અંદર વહી રહી છે, બીજી અનેક નદીઓની સાથે.
અને હૃદયમાં જે અનેક મનુષ્યોની વસ્તી વસતી જાય છે, તેમાંય વૃદ્ધિ થઈ છે. હું મહેન્દ્રનાથનો વિચાર કરતો હતો. કેટલા સજજન, કવિ-હૃદય! સાંજે ‘રિવરવ્યૂ’થી તેમના ઘેર પહોંચ્યો ત્યારે હજી ઑફિસનાં કપડાંમાં જ ટેપરેકૉર્ડર લઈને બેઠા હતા. મારી વિનંતીને માન્ય રાખી કેટલાંક કાવ્યો તેમણે ટેપ કર્યાં હતાં, એટલું જ નહીં ગાયિકા પત્નીના કંઠેથી કેટલાંક બિહુગીત, લોકગીત પણ.
રાતના અંધારામાં બસ માર્ગ કાપતી હતી. મને ઇચ્છા હતી દિવસે પસાર થવાની. જોરહાટ સુધી તો દિવસે આ પ્રદેશ આવતાં જોયો હતો — પણ પછી? કાઝીરંગાની નજીકનો વિસ્તાર આવશે, ધાનસિડિ નદી આવશે — એ બધું જશે. હું જાગતો બેસી રહ્યો. ચાંદનીનું આછું અજવાળું હતું. શિવસાગરના અહોમ રાજાઓનું રંગઘર ચાંદનીમાં એકાકી ત્યજાયેલું અને રહસ્યમય લાગ્યું. બસ વેગથી દોડતી હતી. બસ ‘નાઇટસુપર’ તરીકે ઓળખાય છે. ઘણાં કલાક પછી બોમારાત આવ્યું—એને અર્થ એ કે ધાનસિડિ જતી રહી. ધાનસિડી! ધાનસિડી! મારે શું ફરી વાર આવવું પડશે?
બસ જતી હતી, નાનાં નાનાં ગામની સ્તબ્ધતા તોડતી, ચાંદનીનો મુલાયમ મહીન પટ ચીરતી. ક્યારે ઊંઘ આવી ગઈ તે ખબર ન પડી, ભરભાંખળે તો પહાડો વચ્ચે હતા, લસલસતા લીલાછમ પહાડ. ગુવાહાટીનો પરિસર શરૂ થયો. આકાશ સ્વચ્છ હતું, ઠંડી પણ નહીં. બધું બદલાઈ ગયું હતું.
આ ગુવાહાટી. ગુવા કહેતાં સોપારી અને હાટી કહેતાં હાટ. સોપારીઓનું જ્યાં હાટ ભરાય તે ગુવાહાટી. તેનું થયું ગૌહાટી અને અંગ્રેજીકરણના અનુકરણે આપણે જેને કહીએ છીએ ગૌહત્તી, કેટલીવાર અહીં આવવા ઇચ્છા કરી હતી. આવી ગયો.
રિક્ષા કરી સરકીટ હાઉસ પહોંચ્યો. મારે નામે અગાઉથી જ રિઝર્વેશન હતું. મને રૂમ નંબર આઠ આપવામાં આવ્યો. જેવો ત્યાં જવા કરું છું, ત્યાં બ્રહ્મપુત્ર વહી જતો જોયો. અમારે એક જ રાતનો વિયોગ રહ્યો. ગુડ મોર્નિંગ ડિયર!
સવારના દસેક વાગ્યે તૈયાર થઈ હું બહાર નીકળ્યો. અહીં જોરહાટ કે ડિબ્રુગડ જેવી ભૂલ કરવી નહોતી. જો કે ડિબ્રુગડમાં શ્રી લીલા ગગૈએ કહ્યું હતું કે તેઓ આજે અસમ સાહિત્ય સભાની ગુવાહાટી શાખામાં મળવાના હતા. સરનામું પણ લીધું હતું. પગે ચાલતો ચાલતો જ નીકળ્યો. એક ઊંચી ઇમારત કરી, લાંબી તળાવડીની ધારે ધારે ચાલ્યો. ત્યાં તો જોયું નામ-કૉટન કૉલેજ, ગુવાહાટી, અસમની પ્રસિદ્ધ પુરાણી કૉલેજ. અમદાવાદની ગુજરાત કૉલેજ, કટકની રેવનશા કૉલેજ કે કલકત્તાની પ્રેસિડેન્સી કૉલેજ જેવી પુરાણી. એક જ માળનાં ટીનરૂફનાં મકાનો; પરંતુ અત્યારે મારે કૉલેજ નહોતું જવું. મારે જવું હતું ભગવતીપ્રસાદ બરુવા ભવન, તે જ ગુવાહાટીની અસમ સાહિત્ય સભાનું સ્થળ. સેન્ટ્રલ લાઇબ્રેરીની પાસે જ. સભાના આસિસ્ટન્ટ સેક્રેટરી ડૉ. નિશિકાન્ત ચૌધરીએ સ્વાગત કર્યું. શ્રી લીલા ગગૈ પણ મળ્યા. ડૉ. ચૌધરીએ સાહિત્યસભાના ઉપક્રમે વાર્તાલાપ આપવાનો અનુરોધ કર્યો. સેમવારની સાંજ નક્કી રાખી. આજે હજી શુક્રવાર છે.
અહીં આવ્યા પહેલાં જેમની સાથે પત્રવ્યવહાર કર્યો હતો તે ડૉ. વીરેન્દ્રકુમાર ભટ્ટાચાર્ય* સાથે ફોન પર વાત કરી. તેઓ રાજી થયા. તેમણે કહ્યું કે તેઓ સાંજે સરકીટ હાઉસ પર મળશે. (* ડૉ. વીરેન્દ્રકુમાર ભટ્ટાચાર્યને તેમની નવલકથા ‘મૃત્યુંજય’ માટે જ્ઞાનપીઠ ઍવોર્ડ અપાર્યો છે. ‘મૃત્યંજય’ વિષે સંસ્કૃતિ ત્રૈમાસિકના એપ્રિલ-જૂન ૧૯૮૦ના અંકમાં લેખ છે. [૭-૪-૮૧])
ત્યાંથી હું ટૂરિસ્ટ ઑફિસમાં ગયો, શનિ-રવિએ કાઝીરંગા માટે ટૂરિસ્ટ બસ એ લોકો ઉપાડે છે. ઑફિસરે મને કહ્યું કે પૂરતા પ્રવાસીઓ નથી થયા એટલે બસ નહીં ઊપડે. આ તો ખરું થયું! મેં તેમને કહ્યું કે તો પછી યાત્રીઓને આવી માહિતી પહોંચાડવાનો શો અર્થ છે કે દર શનિ-રવિએ કાઝીરંગા માટે બસ જશે? ખભા હલાવ્યા સિવાય એની પાસે જવાબ નહોતો.
ત્યાંથી ગયો રેલવે સ્ટેશને, અહીંથી જવાની જે ટિકિટ મળે તે પછી બધો કાર્યક્રમ ગોઠવી શકાય. સદ્ભાગ્યે ૨૩મીની ટિકિટ મળી, તિનસુખિયા મેઈલની. ટિકિટ લઈ ચાલતો ચાલતો બજારને માર્ગે જ પાછો આવ્યો. આવીને જમ્યો, ભાત. અમારે ઉત્તર ગુજરાતમાં જમવાને રોટલા ખાવા એમ કહે છે. બંગાળ-અસમમાં ભાત ખાવા એમ કહે છે.
ત્રણ વાગ્યે વીરેન્દ્રબાબુ આવ્યા. ઘેરથી પત્રો લખવા મેં ગુવાહાટીમાં તેમના જ ઘરનું સરનામું આપ્યું હતું. એટલે તેમને ત્યાં આવેલા મારા પત્રો પણ લેતા આવ્યા હતા. પત્રો ખોલીને વાંચવા જ લાગી ગયો. થોડી મિનિટો તો હું તેમની હાજરી જ જાણે ભૂલી ગયો. પછી ક્ષમા માગી.
થોડાક દિવસ પર શ્રી ઉમાશંકરભાઈ અહીં આવી ગયા હતા. તેમણે મારા આવવા વિષે અને આવવાના પ્રયોજન વિષે વાત કરી રાખી હતી. વ્યસ્ત હોવા છતાં વીરેન્દ્રબાબુએ થોડુંક આયોજન કરી રાખ્યું હતું. તેમણે કેટલીક કવિતાઓ પસંદ કરી હતી અને કેટલાક કવિઓ સાથે મારી મુલાકાત ગોઠવવાનું વિચાર્યું હતું.
ચિટિબસ (સિટિબસ) પકડી, ગુવાહાટી યુનિવર્સિટી ગયા. ઘણી દૂર કહેવાય. કૅમ્પસ ઘણો મોટો છે. હમણાં યુનિવર્સિટીનો યૂથ ફેસ્ટિવલ ચાલે છે એટલે રજાઓ જેવું છે. બહારથી આવેલાં વિદ્યાર્થી—વિદ્યાર્થિનીઓથી કૅમ્પસ ભરેલું હતું. તંબુઓ નાખવામાં આવ્યા હતા. અમે ત્રણચાર કવિ અધ્યાપકોને મળવા ગયા. ખૂબ ઉષ્માનો અનુભવ છે. દરેક કવિએ પોતાની પસંદ કરવા યોગ્ય કવિતાની જેટલી વાત ન કરી તેટલી આ ‘પ્રોજેક્ટ’ની વાત કરી. પોતાની વિશિષ્ટ કાવ્યરીતિ માટે જાણીતા થયેલા કવિ શ્રી હીરેન્દ્રનાથ દત્તે તો કહ્યું, હવે હું કવિતા લખતો નથી. મારી અગાઉની કવિતામાંથી કશુંક લો, તેના કરતાં જુવાન કવિઓમાંથી કવિતાઓ પસંદ કરશો.
નીકળતાં આધુનિક ભાષા વિભાગના વડા શ્રી સત્યેન્દ્રનાથ શર્માને ત્યાં ગયા. તેઓ રાજી રાજી થયા. તેમની ચોપડી ‘અસમીયા સાહિત્યર ઇતિવૃત્ત’ મેં જોઈ હતી. સાંજ પડી ગઈ હતી, ચિટિ બસ પકડી અમે સરકીટ હાઉસ પહોંચી ગયા. બીરેનદા (બીજાઓને એ નામે બોલાવતા જોઈ, હું પણ એમ કહેવા લાગ્યો હતો) ત્યાંથી ચાલીને પોતાને ઘેર ગયા. આ થોડા સમયમાં તે તેમના મૃદુ છતાં ધૂની ઉદાસ સ્વભાવનો પરિચય થઈ ગયો હતો.
ઘેરથી આવેલા પત્રો નિરાંતે ફરી વાંચ્યા.
વિચાર થાય છે કે કાલે શિલોંગ જઈ આવું. કાઝીરંગા તો હવે શી ખબર!